સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

ખાઉધરા લોકોને બાઇબલ કઈ રીતે જુએ છે?

બાઇબલ પરમેશ્વરના સેવકોને દારૂડિયા અને ખાઉધરા ન બનવાની આજ્ઞા આપે છે. આથી, મંડળના ભાઈબહેનો એક દારૂડિયાને જે રીતે જુએ છે, એ રીતે જ તેઓએ ખાઉધરી વ્યક્તિને પણ જોવી જોઈએ. દારૂડિયા કે ખાઉધરા લોકો ખ્રિસ્તી મંડળનો ભાગ બની શકતા નથી.

નીતિવચનો ૨૩:૨૦, ૨૧ જણાવે છે: “દ્રાક્ષારસ પીનારાઓની, તથા માંસના ખાઉધરાની સોબત ન કર. કેમ કે દારૂડિયો તથા ખાઉધરો કંગાલાવસ્થામાં આવશે; અને અકરાંતીઆવેડા તેમને ચિંથરેહાલ કરશે.” પુનર્નિયમ ૨૧:૨૦માં આપણને ‘હઠીલી તથા અણકહ્યાગરી’ વ્યક્તિ વિષે વાંચવા મળે છે. આવી વ્યક્તિને મુસાના નિયમમાં મરણની સજા ફટકારવામાં આવતી હતી. આ કલમ, બંડખોર અને બિનપશ્ચાતાપી વ્યક્તિની બે ખાસિયત બતાવે છે: “ઉડાઉ તથા છાકટો.” એનાથી સાફ જોવા મળે છે કે પ્રાચીન ઈસ્રાએલમાં, બધા યહોવાહના સેવકોએ આવા વલણથી દૂર રહેવાનું હતું.

જોકે, ગ્રીક નવો કરાર આ વિષે શું કહે છે? “એક વ્યક્તિ લોભી બનીને કે ધરાય જ નહિ એ રીતે ખાવા કે પીવાની આદી” બની ગઈ હોય, એને ખાઉધરી કહેવામાં આવે છે. આમ, ખાઉધરી વ્યક્તિમાં લોભ હોય છે. બાઇબલ કહે છે કે “લોભીઓ” પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશશે નહિ. (૧ કોરીંથી ૬:૯, ૧૦; ફિલિપી ૩:૧૮, ૧૯; ૧ પીતર ૪:૩) વધુમાં, પ્રેષિત પાઊલે ખ્રિસ્તીઓને “દેહનાં કામ” વિરુદ્ધ ચેતવણી આપી. એમાં તેમણે ‘અદેખાઈ, છાકટાઈ, વિલાસ તથા એઓના જેવાં કામનો’ ઉલ્લેખ કર્યો. (ગલાતી ૫:૧૯-૨૧) આમ પણ મોટે ભાગે છાકટા અને વિલાસી લોકો ખાઉધરા હોય છે. પછી, પાઊલે “એઓના જેવાં કામ” કહ્યું ત્યારે એમાં ખાઉધરાપણાનો પણ સમાવેશ થાય છે. કોઈ ખાઉધરા તરીકે પંકાઈ ગયું હોય અને સુધરવા ન માંગતું હોય તો, એવા લોકોને મંડળમાંથી દૂર કરવા જોઈએ.—૧ કોરીંથી ૫:૧૧, ૧૩. *

જોકે બાઇબલ, દારૂડિયા અને ખાઉધરા લોકોને એક સરખા જ ગણે છે. દારૂડિયાને તો સહેલાઈથી ઓળખી શકાય, કેમ કે વ્યક્તિ પીધેલી છે કે નહિ એ તેને જોતા જ ખબર પડી જાય છે. પરંતુ, એક વ્યક્તિ ખાઉધરી છે કે નહિ એ નક્કી કરવું બહુ જ મુશ્કેલ છે. એ વ્યક્તિના બહારના દેખાવથી જ નક્કી કરી શકાતું નથી. તેથી, મંડળના વડીલોએ આ બાબતને હાથ ધરતા હોય ત્યારે ખાસ કાળજી રાખવાની જરૂર છે.

દાખલા તરીકે, મેદસ્વીપણું ખાઉધરાપણાની નિશાની હોય શકે. પરંતુ કંઈ દરેક જાડી વ્યક્તિ ખાઉધરી હોય એ જરૂરી નથી. વ્યક્તિ કોઈ પ્રકારની બીમારી કે વારસાગત કારણોથી પણ જાડી હોય શકે. આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે મેદસ્વીપણું એ શારિરીક સ્થિતિ છે, જ્યારે કે ખાઉધરાપણું એ માનસિક સ્થિતિ છે. “શરીરમાં વધારે પડતી ચરબી હોય એને” મેદસ્વીપણું કહેવાય. જ્યારે “લોભી કે વધારે પડતું ખાનારને” ખાઉધરા કહેવામાં આવે છે. આમ, વ્યક્તિ ખાઉધરી છે કે નહિ, એ તેના વજનને આધારે નહિ પરંતુ ખોરાક પ્રત્યે તેના વલણને જોઈને નક્કી થાય છે. એક વ્યક્તિનું વજન પ્રમાણસર હોય શકે. અથવા હોવું જોઈએ એના કરતાં તે પાતળી પણ હોય, છતાં તે ખાઉધરી હોય શકે. વધુમાં, અલગ અલગ દેશોમાં સરેરાશ વજન અને કદ અલગ હોય છે.

ખાઉધરી વ્યક્તિને કેવી રીતે ઓળખી શકાય? તે હંમેશાં એટલું ખાતી હોય છે કે ખોરાક તેના ગળા સુધી આવી જાય, એના લીધે તેને બેચેની લાગતી હોય છે. બેફામ ખાવું શું બતાવે છે? એ જ કે પોતાની આવી કુટેવને લીધે યહોવાહ અને તેમના લોકોનું ખરાબ દેખાશે એની તેને કંઈ પડી નથી. (૧ કોરીંથી ૧૦:૩૧) બીજી તર્ફે, અમુક સમયે વધારે પડતું ખાનારી વ્યક્તિને ‘લોભી’ ગણવી જોઈએ નહિ. (એફેસી ૫:૫) તેમ છતાં, ગલાતી ૬:૧ બતાવે છે તેમ આવી વ્યક્તિને પ્રેમાળ રીતે મદદ કરી શકાય. પાઊલે લખ્યું: “ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતા પકડાય, તો તમે, જે આત્મિક છો, તે તમે એવાને નમ્ર ભાવે પાછો ઠેકાણે લાવો; અને તું તારી પોતાની સંભાળ રાખ, રખેને તું પણ પરીક્ષણમાં પડે.”

અતિ ખાવા-પીવા વિષે ચેતવતી બાઇબલની સલાહ આજે કેમ વધારે મહત્ત્વની છે? આપણા દિવસ વિષે ઈસુએ ચેતવણી આપી હતી: “તમે પોતાના વિષે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, જેથી તે દિવસ ફાંદાની પેઠે તમારા પર ઓચિંતો આવી પડે.” (લુક ૨૧:૩૪, ૩૫) આપણે અતિ ખાવા-પીવાનું ટાળીને પોતાને આત્મિક રીતે નુકસાન થાય એવી જીવન-ઢબ ટાળીએ છીએ.

વિનય એ એક સદ્‍ગુણ છે. (૧ તીમોથી ૩:૨, ૧૧) તેથી, ખાવા-પીવામાં વિનયી બનવાની બાઇબલ સલાહને જેઓ લાગુ પાડે છે તેઓને યહોવાહ જરૂર મદદ કરે છે.—હેબ્રી ૪:૧૬.

[ફુટનોટ]

^ મે ૧, ૧૯૮૬ના વૉચટાવરમાં “વાચકો તરફથી પ્રશ્નો” જુઓ.