શું આપવાથી ખુશી મળે છે?
શું આપવાથી ખુશી મળે છે?
એક વૃદ્ધ બહેન નવા બંધાયેલા કિંગ્ડમ હૉલમાં આવ્યા. તે લગભગ ૫૦ વર્ષથી યહોવાહની સેવામાં ઉત્સાહી છે. જોકે આ બહેન કોઈની મદદ વિના ચાલી શકતા નથી. છતાં, તેમણે હૉલની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું. એક ભાઈની મદદથી તે હૉલમાં આવ્યા. આવતાની સાથે જ તે ધીમે ધીમે દાનપેટી પાસે ગયા. તેમણે એમાં અમુક પૈસા નાંખ્યા. આ પૈસા તે ઘણા સમયથી નવા કિંગ્ડમ હૉલના બાંધકામમાં મદદ કરવા ભેગા કરી રહ્યા હતા. તે પોતે તો બાંધકામમાં મદદ કરી શકે એમ ન હતા. આથી, તેમણે આ રીતે મદદ કરી.
આ બહેન તમને બીજી એક વિશ્વાસુ બહેનની યાદ અપાવી શકે. “દરિદ્રી વિધવા” કે જેને ઈસુએ મંદિરના ભંડારમાં બે દમડી નાંખતા જોઈ હતી. તેના સંજોગો કેવા હતા એ વિષે બાઇબલ કંઈ જણાવતું નથી. પરંતુ, એ સમયે પતિ ન હોય એવી સ્ત્રીઓ સાવ કંગાળ દશામાં આવી પડતી હતી. ઈસુને ખરેખર તેના પર ઘણી દયા આવી, કેમ કે તે એ વિધવાની પરિસ્થિતિ પૂરેપૂરી સમજી શકતા હતા. ઈસુએ પોતાના શિષ્યોને એ વિધવાનું ઉદાહરણ આપતા કહ્યું કે તેની નાની ભેટ એ “પોતાની તંગીમાંથી પોતાનું સર્વસ્વ” હતું.—માર્ક ૧૨:૪૧-૪૪.
શા માટે તંગીમાં આવી પડેલી આ વિધવા સ્ત્રીએ પોતાનું સર્વસ્વ આપી દીધું? સ્પષ્ટ છે કે, તેણે યહોવાહને પોતાનું પૂરેપૂરું સમર્પણ કર્યું હતું. તેમની ભક્તિનું મુખ્ય સ્થળ યરૂશાલેમનું મંદિર હતું. તે વિધવાએ યહોવાહની સાચી ભક્તિ માટે જે કંઈ કરી શકતી હતી એ બધું કર્યું. એનાથી તેને કેટલી ખુશી થઈ હશે!
યહોવાહના કાર્યને આગળ વધારવા દાન આપવું
દાન આપવું એ પરમેશ્વરને આપણી ઉપાસનાનો ભાગ છે. એ આપવાથી આપણને ઘણી ખુશી મળે છે. (૧ કાળવૃત્તાંત ૨૯:૯) પહેલાંના જમાનામાં ઈસ્રાએલમાં ફક્ત મંદિરના સમારકામમાં જ દાનનો ઉપયોગ થતો ન હતો. પરંતુ રોજબરોજ થતી યહોવાહની ઉપાસના માટે પણ એનો ઉપયોગ થતો. ઈસ્રાએલીઓને સ્પષ્ટ નિયમ આપવામાં આવ્યો હતો કે તેઓએ મંદિરમાં સેવા કરતા લેવીઓ માટે પોતાની ઊપજનો દસમો ભાગ આપવો. લેવીઓને પણ પોતાને જે ઊપજનો ભાગ મળતો, એમાંથી દસમો ભાગ દાનમાં આપવાનો હતો.—ગણના ૧૮:૨૧-૨૯.
જોકે આજે ખ્રિસ્તીઓ મુસાના નિયમ હેઠળ નથી. તેમ છતાં, પરમેશ્વરના કામને આગળ ધપાવવાનો સિદ્ધાંત આપણને પણ આજે એટલો જ લાગુ પડે છે. (ગલાતી ૫:૧) પહેલી સદીના ખ્રિસ્તીઓએ પણ જરૂરિયાતમાં આવી પડેલા ભાઈઓને દાન આપીને ખુશી-ખુશી મદદ કરી હતી. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૫, ૪૬) પ્રેષિત પાઊલે ખ્રિસ્તીઓને યાદ કરાવ્યું કે પરમેશ્વર તેઓને ઉદારતાથી આપે છે તેમ, તેઓએ પણ બીજાઓને ઉદારતાથી આપવું જોઈએ. તેમણે લખ્યું: “આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે, કે તેઓ અહંકાર ન કરે, અને દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણ જે દેવ આપણા ઉપભોગને સારૂ ઉદારતાથી સર્વ આપે છે તેના પર આશા રાખે; તેઓ ભલું કરે, ઉત્તમ કામોરૂપી સમૃદ્ધિ મેળવે, અને ઉદાર તથા પરોપકારી થાય; ભવિષ્યને માટે પોતાને વાસ્તે સારા પાયારૂપી પૂંજીનો સંગ્રહ કરે, જેથી જે ખરેખરૂં જીવન છે તે જીવન તેઓ ધારણ કરે.” (૧ તીમોથી ૬:૧૭-૧૯; ૨ કોરીંથી ૯:૧૧) ખરેખર, પોતાના અનુભવથી પાઊલ, ઈસુના શબ્દો સાથે સહમત થયા: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.
આજે આપણે કઈ રીતે દાન આપી શકીએ?
આજે યહોવાહના સેવકો એકબીજાને મદદ કરવા અને પરમેશ્વરના કામ માટે પોતાની સંપત્તિનો ઉપયોગ કરે છે. પછી ભલે ગમે તેટલું દાન તેઓ આપી શકે. તેઓના સર્વ દાન માટે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” યહોવાહ સમક્ષ જવાબદાર છે. આથી તેઓ એનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે. (માત્થી ૨૪:૪૫) બ્રાન્ચ ઑફિસ, બાઇબલ અને બાઇબલ સાહિત્યનું ભાષાંતર તથા છાપકામ, મોટા સંમેલનો ભરવા, પ્રવાસી નિરીક્ષકો અને મિશનરીઓને તાલીમ આપીને બહાર મોકલવા, મુશ્કેલીઓમાં આવી પડેલાઓને રાહત પૂરી પાડવી તેમ જ બીજા ઘણા મહત્ત્વના કાર્ય માટે આ દાનોનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો આપણે એવા એક મહત્ત્વના કાર્ય પર ધ્યાન આપીએ. એ છે, ઉપાસના માટે હૉલ બાંધવા મદદ કરવી.
યહોવાહના સાક્ષીઓ અઠવાડિયામાં ઘણી વાર કિંગ્ડમ હૉલમાં ભેગા મળે છે. ત્યાં તેઓ યહોવાહનું જ્ઞાન લઈ શકે, તેમ જ ભાઈ-બહેનોની સંગતનો આનંદ માણી શકે. પરંતુ ઘણા ગરીબ દેશોમાં સાક્ષીઓ પૈસાના અભાવે હૉલ બાંધી શકતા નથી. આથી ભાઈ-બહેનોને મદદ કરવા ૧૯૯૯માં
યહોવાહના સાક્ષીઓએ એક ગોઠવણ શરૂ કરી, જેથી, ધનવાન દેશોમાંથી આવતા ફંડથી ગરીબ દેશોમાં ઘણા કિંગ્ડમ હૉલ બાંધવામાં આવ્યા. બીજું કે દેશોના દૂર દૂરના વિસ્તારોમાં હજારો ભાઈબહેનો સ્વેચ્છાએ પોતાનો સમય અને શક્તિ આપે છે. હૉલ બંધાયો હોય ત્યાંના સ્થાનિક સાક્ષીઓ પણ બાંધકામ અને એની જાળવણી કરતા શીખ્યા છે. કિંગ્ડમ હૉલ ફંડને લીધે જરૂરી સાધનો અને સામગ્રી ખરીદવું પણ શક્ય બન્યું છે. આ નવા હૉલ વાપરતા સાક્ષીઓ, એ માટે મળેલી મદદ અને મહેનતની ખૂબ કદર કરે છે. તેઓ પોતે પણ આ નવા હૉલની જાળવણી માટે દર મહિને દાન આપે છે. તેમ જ વધારે કિંગ્ડમ હૉલ બાંધવા માટે મદદ પણ કરે છે.કેવો કિંગ્ડમ હૉલ બાંધવો, એ વિસ્તારને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. જોકે આ હૉલ કંઈ ભવ્ય નથી હોતા. પરંતુ, એ આકર્ષક અને વ્યવસ્થિત હોય છે. બાંધકામ કાર્યક્રમ શરૂ થયો ત્યારે, ૧૯૯૯માં લગભગ ૪૦ દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને બાંધકામ કાર્યક્રમ લગભગ ૧૧૬ દેશોમાં શરૂ કરવામાં આવ્યો છે. એમાં યહોવાહના સાક્ષીઓના અડધા કરતાં વધારે મંડળોનો સમાવેશ થાય છે. આ ગોઠવણથી છેલ્લા ૫ વર્ષમાં ૯,૦૦૦થી વધારે કિંગ્ડમ હૉલ બંધાયા છે. વિચાર કરો કે દરરોજ સરેરાશ પાંચ નવા કિંગ્ડમ હૉલ બાંધવામાં આવ્યા છે! પણ આ ૧૧૬ દેશોમાં હજી ૧૪,૫૦૦ હૉલની જરૂર છે. આપણે આશા રાખીએ કે યહોવાહના આશીર્વાદથી અને આખી પૃથ્વી પરના સાક્ષીઓની ઉદારતાથી આ જરૂરિયાતને પૂરી કરી શકાશે.—ગીતશાસ્ત્ર ૧૨૭:૧.
કિંગ્ડમ હૉલના લીધે થતો વધારો
કિંગ્ડમ હૉલના લીધે, જે તે વિસ્તારના સાક્ષીઓ અને પ્રચાર કાર્ય પર એની કેવી અસર થઈ છે? ઘણા વિસ્તારોમાં, કિંગ્ડમ હૉલ બની ગયા પછી સભાઓમાં આવનારાની સંખ્યામાં વધારો થયો છે. એનું એક સરસ ઉદાહરણ બુરુંડીના આ અહેવાલમાંથી જોવા મળે છે: “જેવા કિંગ્ડમ હૉલ તૈયાર થાય છે, એ ભરચક થઈ જાય છે. દાખલા તરીકે, એક મંડળમાં સરેરાશ ૧૦૦ લોકો સભામાં આવતા હતા. એ મંડળ માટે ૧૫૦ લોકો વ્યવસ્થિત બેસી શકે, એવો એક કિંગ્ડમ હૉલ બાંધવામાં આવ્યો. પરંતુ એનું બાંધકામ પૂરું થયું ત્યાં સુધીમાં તો સભાઓમાં આવનારાની સંખ્યા ૨૫૦ની થઈ ગઈ હતી.”
શા માટે એકદમ આટલો વધારો થાય છે? યહોવાહના સેવકો પહેલાં સભા માટે ઝાડ નીચે કે ખેતરોમાં ભેગા મળતા. એના લીધે અમુક સમયે તેઓ પર શંકા કરવામાં આવતી હતી. એક દેશમાં, અનેક નાના ધર્મો પાસે ઉપાસનાનું સ્થળ ન હોવાથી, હિંસા માટે તેઓને જવાબદાર ગણવામાં આવતા. આથી, એવો કાયદો બનાવવામાં આવ્યો કે તેઓએ ઉપાસના માટે ધાર્મિક સ્થળોએ જ ભેગા મળવું જોઈએ.
હવે યહોવાહના સાક્ષીઓનો પોતાનો કિંગ્ડમ હોલ છે. તેથી તેઓ સમાજમાં બતાવી શકે છે કે તેઓ કોઈ પાદરીના શિષ્યો નથી. યહોવાહના સાક્ષીઓની ઝીંબાબ્વે ઑફિસ લખે છે: “પહેલા આ વિસ્તારના ભાઈઓ સભાઓ માટે ઘરોમાં ભેગા મળતા હતા. આથી લોકો જેના ઘરમાં ભેગા મળતા એ માલિકના નામથી જ મંડળને ઓળખતા હતા. તેઓ ભાઈઓને એ રીતે ઓળખતા કે તેઓ શ્રીમાન ફલાણા ચર્ચના છે. પરંતુ, હવે લોકો નવા બંધાયેલા હૉલ પર ‘યહોવાહના સાક્ષીઓનું રાજ્યગૃહ’ બોર્ડ જુએ છે તેમ તેઓનું વલણ પણ ધીમે ધીમે બદલાઈ રહ્યું છે.”
ખુશીથી દાન આપનારા
પ્રેષિત પાઊલે લખ્યું કે, “ખુશીથી આપનારને દેવ ચાહે છે.” (૨ કોરીંથી ૯:૭) વધારે દાન આપવાથી મદદ મળે છે. પરંતુ, મોટા ભાગે કિંગ્ડમ હૉલના બૉક્સમાંથી વધારે પ્રમાણમાં ફાળો મળે છે. ભલે કોઈ વધારે તો કોઈ ઓછું દાન કરે, એની દિલથી કદર કરવી જોઈએ. યાદ કરો, વિધવાએ નાખેલી બે દમડી પણ ઈસુના ધ્યાન બહાર ગઈ નહિ. દૂતો અને યહોવાહે પણ તેને જોઈ હશે. આપણે તો વિધવાનું નામ પણ જાણતા નથી. પરંતુ, આ વિધવા સ્ત્રીના પ્રેમની બાઇબલમાં નોંધ લેવાય, એવી યહોવાહે પ્રેરણા આપી.
કિંગ્ડમ હૉલ બાંધકામ ઉપરાંત, આપણા દાન પ્રચાર જેવા મહત્ત્વના કામને ટેકો આપવા ઉપયોગમાં લેવાય છે. આ રીતે આપવાથી આપણને ખુશી થાય છે. તેમ જ “દેવની સ્તુતિરૂપી પુષ્કળ ફળ પણ ઉત્પન્ન થાય છે.” (૨ કોરીંથી ૯:૧૨) બેનીનના આપણા ભાઈઓ અહેવાલ આપે છે: “આખા જગતના ભાઈબહેનો પાસેથી મળતી મદદ માટે અમે રોજ યહોવાહનો આભાર માનીએ છીએ.” એ જ સમયે, પ્રચાર કાર્ય માટે મદદ કરનારાઓ પણ અનહદ ખુશી મેળવે છે.
[પાન ૨૨, ૨૩ પર બોક્સ/ચિત્ર]
દાન આપવાની કેટલીક રીતો
આખા જગતમાં પ્રચાર માટે દાન
ઘણા લોકો નિયમિત રીતે અમુક રકમ બચાવે છે અને મંડળમાં “જગતવ્યાપી પ્રચાર કાર્ય માટે દાન—માત્થી ૨૪:૧૪” લેબલવાળા બૉક્સમાં મૂકે છે.
પછી મંડળ, દર મહિને જે દાન મળે છે એ, તેઓના દેશની યહોવાહના સાક્ષીઓની ઑફિસને મોકલે છે. તમે પણ તમારી મરજી પ્રમાણે પૈસાનું દાન યહોવાહના સાક્ષીઓની ઑફિસને મોકલી શકો છો. બ્રાંચ ઑફિસના સરનામા પાન ૨ પર આપવામાં આવ્યા છે. જો તમે ચૅક મોકલાવો તો, એ “વૉચટાવર” નામે મોકલાવી શકો. તમે ઘરેણાં કે એના જેવી બીજી કીંમતી વસ્તુઓ પણ દાનમાં આપી શકો. તમે આવી કોઈ વસ્તુ આપતા હોવ ત્યારે, એ પણ લખીને જણાવો કે એ શાના માટે દાન આપો છો.
શરતી-દાન ટ્રસ્ટ ગોઠવણ
આ ગોઠવણમાં વૉચટાવરને લાભ થાય, એ રીતે પૈસા ટ્રસ્ટમાં મૂકી શકાય. આ ખાસ ગોઠવણમાં દાન આપનારને જરૂર પડે તો, તે દાનમાં આપેલા પૈસા પાછા મેળવી શકે છે. વધુ માહિતી માટે તમારા દેશની બ્રાંચ ઑફિસનો સંપર્ક કરો.
દાન આપવાની બીજી રીતો
પૈસાના દાનો આપવા ઉપરાંત, આખી દુનિયામાં પ્રચાર કાર્ય માટે દાન આપવાની અનેક રીતો છે. તમે કયા દેશમાં રહો છો એ પ્રમાણે તમે નીચે આપેલી કેટલીક રીતોથી દાન આપી શકો છો:
વીમો: જીવન વીમાની પોલિસી કે પેન્શનના ફૉર્મમાં, વારસદાર તરીકે વૉચટાવરનું નામ આપી શકાય.
બૅંક ખાતાઓ: બૅંકમાં મૂકેલા પૈસા, ફિક્સ્ડ ડિપોઝિટના સર્ટિફિકેટ અને પેન્શનના બૅંક ખાતા તમારા મરણ પછી વૉચટાવરને મળે એ માટે કોઈ ટ્રસ્ટમાં મૂકી શકાય. અથવા, મરણ પછી એ સીધા જ તેઓને મળે એવી ગોઠવણ કરી શકાય. એ ગોઠવણો તમારા બૅંકના નિયમ પ્રમાણે થઈ શકશે.
શેર અને બૉન્ડ્સ: શેર અને બૉન્ડ્સ પણ વૉચટાવરને દાનમાં આપી શકાય.
જમીન કે મિલકત: જમીન કે મિલકતનું વૉચટાવરને સીધું દાન કરી શકાય. અથવા, દાન કરનાર પોતે જીવે ત્યાં સુધી એનો ઉપયોગ કરી શકે છે. તમારી કોઈ પણ મિલકતનું દાન કરતા પહેલાં, તમારા દેશની બ્રાંચ ઑફિસને લખો.
ગિફ્ટ એન્યુઇટી: આ ગોઠવણમાં વ્યક્તિ પોતાના પૈસા કે મિલકત વૉચટાવર કોર્પોરેશનને આપી શકે. પછી દાન આપનાર કે તે પસંદ કરે તે વ્યક્તિને જીવનભર દર વર્ષે અમુક રકમ મળે છે. દાન આપનાર આ ગોઠવણ શરૂ કરે ત્યારે એ વર્ષમાં તેમને આવક વેરો ભરવો પડતો નથી.
વસિયત (વિલ) અને ટ્રસ્ટ: મિલકત કે પૈસા, વસિયત કે ટ્રસ્ટ દ્વારા વૉચટાવરને નામે કરી શકાય. અમુક દેશોમાં, ટ્રસ્ટ દ્વારા દાન આપવાથી વૉચટાવર સરકારી ગોઠવણ પ્રમાણે કર નિવારી શકે. જોકે એ ભારતમાં લાગુ પડતું નથી.
તમે અનેક રીતોથી આખા જગતમાં પ્રચાર માટે દાન આપી શકો છો. ઉપરની “દાન આપવાની રીતો” બતાવે છે કે દાન આપતા પહેલાં, તમારે અમુક ફોર્મ ભરીને અગાઉથી તૈયારી કરવી પડે છે. જો તમે એ દાન આપવાની રીતોમાંથી કોઈ પણ રીતને પસંદ કરતા હોવ તો, ગોઠવણો કરવા માટે અંગ્રેજી અને સ્પેનિશ ભાષામાં એક બ્રોશર તૈયાર કરવામાં આવ્યું છે. એનું નામ છે ચેરીટબલ પ્લાનીંગ ટુ બેનીફીટ કિંગ્ડમ સર્વિસ વર્લ્ડવાઈડ. ઘણા લોકો ભેટો, વસિયત અને ટ્રસ્ટથી દાન આપવા વિષે પૂછતા હતા, તેથી આ બ્રોશર લખવામાં આવ્યું છે. એમાં મિલકત, નાણાકીય અને કર માટેની ગોઠવણો વિષે પણ જણાવવામાં આવ્યું છે. આ બ્રોશર એ પણ સમજાવે છે કે તમે કઈ ગોઠવણોથી હમણાં દાન આપી શકો છો અને વસિયત દ્વારા કઈ રીતે આપી શકાય. બ્રોશર વાંચ્યા પછી, તમે વકીલ અથવા એકાઉન્ટન્ટ સાથે ચર્ચા કરી શકો છો. વળી, તમારે બ્રાંચની ચેરીટેબલ પ્લાનીંગ ઑફિસ સાથે પણ ચર્ચા કરવી જોઈએ. સારું માર્ગદર્શન લઈને ઘણા લોકોએ સંસ્થાને દાનો આપ્યા છે. તેમ જ અમુક દેશોમાં દાન આપનારને અને સંસ્થાને ઓછો વેરો ભરવાનો થયો છે.
જો તમને વધુ માહિતી જોઈતી હોય તો, યહોવાહના સાક્ષીઓને નીચે આપેલી બ્રાંચના સરનામા પર ફોન કરી શકો કે પત્ર લખી શકો. અથવા, પાન ૨ પર આપેલા સરનામા પર તેઓને લખો.
Jehovah’s Witnesses,
Post Box 6440,
Yelahanka,
Bangalore 560 064,
Karnataka.
Telephone: (080) 28468072
[પાન ૨૦, ૨૧ પર ચિત્રો]
યહોવાહના સાક્ષીઓના નવા અને જૂના ભેગા મળવાના સ્થળો
ઝાંબિયા
મધ્ય આફ્રિકા પ્રજાસત્તાક