આપણે કેટલું લાંબું જીવી શકીએ?
આપણે કેટલું લાંબું જીવી શકીએ?
સમય, માર્ચ ૩, ૧૫૧૩. સ્પેનનો વન પોન્સે દી લીઓંન પોર્ટો રિકોથી વહાણ લઈને એક શોધમાં નીકળી પડ્યો. તેને બીમીની નામના ટાપુએ પહોંચવું હતું. તે માનતો હતો કે એ ટાપુ પર ઘરડા માણસને પાછો જુવાન કરી દે, એવું એક ઝરણું આવેલું છે. પણ એ ટાપુએ પહોંચવાને બદલે તે અમેરિકાના ફ્લોરિડામાં આવી પહોંચ્યો. જુવાનીના ઝરણાની શોધનું તેનું સપનું તૂટી ગયું.
આજે માણસ જીવી જીવીને કેટલું જીવે છે? સિત્તેર વર્ષ, બહુ બહુ તો એંસી સુધી ખેંચી જાય. જે માણસોની ઉંમર બહુ લાંબી હતી એના દાખલા બાઇબલમાં આપવામાં આવ્યા છે. પણ ૨૦૦૨ના ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ પ્રમાણે, એક દાદીમાની ઉંમર ૧૨૨ વર્ષ ને ૧૬૪ દિવસે પહોંચી હતી! (ઉત્પત્તિ ૫:૩-૩૨) વૈજ્ઞાનિક જોન હેરીસ જણાવે છે: “દુનિયા બહુ આગળ વધી ગઈ છે. એવો વખત આવશે કે કોઈ ઘરડા નહિ થાય અને કોઈ મરશે પણ નહિ.” એકવીસમી સદીમાં ઘણા વૈજ્ઞાનિકો પોકારે છે કે “૨૦૯૯ સુધીમાં તો એવો વખત આવી જશે, કે કોઈ મરશે જ નહિ. હૃદય કાયમ ધબકતું રહેશે, જીવનના કોષો હંમેશાં નવા થતા રહેશે.”
માર્ક બેન્કેએ લખેલું પુસ્તક, અમર જીવનનું સપનું (અંગ્રેજી) જણાવે છે: “આપણા જીવન દરમિયાન આખા શરીરના કોષો અનેક વાર નવા થાય છે. દર સાત વર્ષે જાણે કે આપણું શરીર નવું થાય છે. અમુક વર્ષો પછી આ ચક્ર પણ અટકી જાય છે. જો એ ન અટકે, તો આપણે કાયમ માટે જીવી શકીએ.”
આપણું મગજ વાપરવાની તો કોઈ સીમા જ નથી, પણ જીવન ટૂંકું છે. એન્સાયક્લોપીડિયા બ્રિટાનીકા પ્રમાણે, “માણસ મગજમાં કેટલી માહિતી સમાવી શકે એ ટૂંકા જીવનમાં ખબર ન પડી શકે.” (૧૯૭૬ની આવૃત્તિ, ૧૨મો ગ્રંથ, પાન
૯૯૮) મગજ કઈ રીતે શીખે છે (અંગ્રેજી) નામનું એક પુસ્તક ડેવિડ સુઝાએ લખ્યું. એમાં તે જણાવે છે: “માણસ પોતાના મગજમાં કેટલું ભરી શકે એની તો કોઈ સીમા જ નથી.”—પાન ૭૮, બીજી આવૃત્તિ, કૉપીરાઈટ ૨૦૦૧.વૈજ્ઞાનિકોને એ ખબર નથી પડતી કે શા માટે આપણે મરીએ છીએ. તેઓ એ પણ જાણી શકતા નથી કે શા માટે આપણા મગજમાં શીખવાની કોઈ સીમા નથી. શું આપણને એ રીતે રચવામાં આવ્યા હતા કે આપણે હંમેશ માટે શીખતા જ રહીએ? આપણને અમર રહેવાનો ખ્યાલ પણ ક્યાંથી આવ્યો?
બાઇબલ જણાવે છે કે ઈશ્વરે આપણા ‘હૃદયમાં સનાતનપણું મૂક્યું છે. શરૂઆતથી અંત સુધીનાં ઈશ્વરનાં કાર્યો મનુષ્ય સમજી શકતો નથી.’ (ઉપદેશક [સભાશિક્ષક] ૩:૧૧, IBSI) આમ, ખુદ ઈશ્વરે આપણા હૃદયમાં સનાતનપણું એટલે કે અમર રહેવાની ઇચ્છા મૂકી છે. તેથી આપણે ઈશ્વર વિષે શીખતા કદી થાકીશું નહિ. આપણે અબજો વર્ષો સુધી જીવીએ તોપણ, ઈશ્વરે બનાવેલી સુંદર સૃષ્ટિમાંથી શીખતા કદી થાકીશું નહિ.
ઈસુએ શીખવ્યું હતું કે માણસ કાયમ જીવી શકે છે. તેમણે કહ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (યોહાન ૧૭:૩) શું તમારે કાયમ જીવવું છે?
[પાન ૩ પર ચિત્ર]
વન પન્સે દી લીઓંન જુવાનીના ઝરણાની શોધમાં
[ક્રેડીટ લાઈન]
પોન્સે દી લીઓંન: Harper’s Encyclopædia of United States History