સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારે કાયમ જીવવું છે?

તમારે કાયમ જીવવું છે?

તમારે કાયમ જીવવું છે?

જાપાનના એક દાદીમાએ કહ્યું: “હું મોતથી જરાય નથી ડરતી. પણ ડર તો એ છે કે મારે આ સુંદર ફૂલછોડને અલવિદા કહેવી પડશે.” આ દાદીમાનો બગીચો સુંદરતાથી મહેકતો હતો. ઘણા લોકોને મોતનો ડર નથી હોતો. પણ તેઓને ધરતીની સુંદરતા છોડવી ગમતી નથી.

ઘણાને સદા જીવતા રહેવાનો વિચાર શેખચલ્લી જેવો લાગે છે. ઘણાને અમર કઈ રીતે રહી શકાય એ જાણવું પણ નથી. શા માટે?

જીવી જીવીને કંટાળી નહિ જઈએ?

ઘણા લોકોને લાગે છે કે અમર રહીશું તો, છેવટે જીવી જીવીને કંટાળી જઈશું. તેઓ કહેશે કે આ ઘરડા લોકોનું જીવન જુઓ. બસ દિવસ આખો બેસી રહેવું બહુ બહુ તો ટીવી જોયા કરવું. તમને લાગશે, હા વાત તો સાચી. પણ ખગોળશાસ્ત્રી રોબર્ટ જાસ્ટ્રોને પૂછવામાં આવ્યું કે માણસ સદા જીવી શકે તો એ સારું કે ખરાબ? તેમણે કહ્યું: “જે લોકોને નવું નવું શીખવાની તરસ હોય, તેઓ માટે ખૂબ સારું. પણ જેઓને શીખવાનો કંટાળો આવતો હોય, એમ લાગે કે હવે તો જીવનમાં કંઈ બાકી નથી, તેઓ માટે અમર જીવન ખરાબ. તેઓ જીવનથી હારી ગયા છે.”

અમર રહેવું સારું કહેવાય કે ખરાબ એ તો તમારા પર નભે છે. તમને નવું નવું શીખવાનો શોખ હોય તો, તમે શું શીખી શકો એનો જરા વિચાર કરો. તમે ગીત-સંગીત શીખી શકો. ચિત્રકળા જેવી બીજી અઢળક ચીજો શીખી શખાય. તમને જે કંઈ મન થાય એ શીખી શકો.

અમર જીવન જે પ્રેમથી ઊભરાતું હશે એનો જરા વિચાર કરો! આપણે બધાય પ્રેમના ભૂખ્યા છીએ. પ્રેમ વરસાવી પણ શકીએ છીએ. સાચો પ્રેમ સદીઓ સુધી બતાવીશું ને બતાવતા કદીયે થાકીશું નહિ. આપણે એકબીજાને તો પ્રેમ બતાવીશું પણ આપણામાં જે ઈશ્વરપ્રેમ ખીલી ઊઠશે એનો વિચાર કરો. “જો કોઈ દેવ પર પ્રેમ રાખે છે, તો તેને તે ઓળખે છે.” (૧ કોરીંથી ૮:૩) ખુદ ઈશ્વર આપણને ઓળખી શકશે. વર્ષોના વર્ષો સુધી ઈશ્વર વિષે શીખતા આપણે થાકીશું નહિ. તો પછી કંટાળો ક્યાંથી આવશે?

શું ટૂંકી જિંદગી મજાની છે?

ઘણાને પલ દો પલના જીવનમાં સંતોષ છે. તેઓ કહે છે કે જીવન તો સોના જેવું છે. સોનું કેટલું કીમતી છે. જો એ ગમે ત્યાં ઊગતું હોય તો કોઈ એનો ભાવ પણ ન પૂછે. પણ શું એ સાચું છે? સોનું ચારે કોર પાણીની જેમ મળી આવે તોય સુંદર તો રહેવાનું જ છે, એમાં કોઈ સવાલ જ નથી! એ જ રીતે, ભલે આપણે સદા જીવીએ પણ એ જીવન તો સુંદર જ રહેશે.

કાયમ જીવવાની કેવી મજા આવશે એ ચાલો હવા સાથે સરખાવીએ. માની લો કે પાણીની અંદર સબમરીન બગડી ગઈ છે. એ પાણીમાંથી બહાર નીકળી શકતી ન હોવાથી અંદરના નાવિકો હવા માટે ફાંફાં મારવા લાગે છે. પણ તેઓને બચાવી લીધા પછી તેઓ પેટ ભરીને શ્વાસ લેશે. હા, પછી તેઓ હવા કેટલી કીમતી છે એ જીવનભર યાદ રાખશે.

જેમ સબમરીનમાં ફસાઈ ગયેલા લોકોને બચાવી લેવાય છે, એમ જ આપણને પણ મોતના મોંમાંથી બચાવવામાં આવ્યા છે. “પાપનો મૂસારો મરણ છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંતજીવન છે.” (રૂમી ૬:૨૩) ઈશ્વરે ઈસુનું જીવન આપણા માટે રેડી દીધું. હવે ખુદ ઈશ્વર પગલાં ભરશે ને મોતનું નામનિશાન કાઢી નાખશે. જે લોકો ઈશ્વરને પગલે ચાલશે તેઓની જીવન દોર કદી કપાશે નહિ.

તમારા સગાંવહાલાં વિષે શું?

ઘણાને થશે કે, જો મારા સગાંવહાલાં મારી સાથે ન હોય તો, કાયમ જીવતા રહેવાનું શું કામનું? તમે કદાચ બાઇબલમાંથી શીખ્યા હશો કે આ પૃથ્વી પર સુખચેનથી કઈ રીતે કાયમ જીવી શકાય. (લુક ૨૩:૪૩; યોહાન ૩:૧૬; ૧૭:૩) ઈશ્વરના આશીર્વાદ સગાંવહાલાં ચાખી શકે એ કોને ન ગમે?—૨ પીતર ૩:૧૩.

પણ તમારા સગાંવહાલાંને આ ધરતી પર સદા માટે રહેવું ન હોય તો? ગભરાવ નહિ. તમે પોતે પરમેશ્વર વિષે શીખતા રહો અને તેમને માર્ગે ચાલતા રહો. પ્રેષિત પાઊલે લખ્યું: “અરે સ્ત્રી, તું તારા પતિને તારીશ કે નહિ એ તું શી રીતે જાણે? અથવા, અરે પતિ, તું શી રીતે જાણે કે તું તારી સ્ત્રીને તારીશ કે નહિ?” (૧ કોરીંથી ૭:૧૬) હા, માણસોના સ્વભાવ બદલાઈ શકે છે. એક ભાઈને યહોવાહના સાક્ષીઓ જરાય ગમતા નહિ. પણ તે હવે વડીલ તરીકે સેવા કરે છે. તે કહે છે: “હું તો મારા કુટુંબનો પાડ માનું છું. હું તેઓ પર ગુસ્સે થતો છતાં, તેઓ યહોવાહને વળગી રહ્યાં.”

ઈશ્વરને તમારા સગાંવહાલાંની ખૂબ પડી છે. “કોઈનો નાશ ન થાય પણ સઘળાં પશ્ચાત્તાપ કરે, એવું ઈચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે.” (૨ પીતર ૩:૯) યહોવાહ ચાહે છે કે તમારા સગાંવહાલાં પણ તમારી સાથોસાથ કાયમ જીવે. ઈશ્વર આપણને સાચે જ પ્રેમ કરે છે. (યશાયાહ ૪૯:૧૫) તો પછી, ઈશ્વરની ભક્તિમાં લાગુ રહો. પછી તમે તમારા સગાંવહાલાંને પણ મદદ કરી શકશો. ભલે તેઓને કાયમ જીવવું ન હોય, પણ તેઓ જુએ કે તમે બાઇબલ કહે છે એ પ્રમાણે જ જીવો છો તો આખરે તેઓનું મન ફરી શકે.

પણ તમારા કોઈ સગાંવહાલાં ગુજરી ગયા હોય તો? બાઇબલ જણાવે છે કે પરમેશ્વર ગુજરી ગયેલા હજારો લોકોને પાછા જીવતા કરશે, જેથી તેઓ સુંદર પૃથ્વી પર સદા જીવી શકે. ઈસુએ વચન આપ્યું: “એવી વેળા આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે.” (યોહાન ૫:૨૮, ૨૯) જેઓ યહોવાહ વિષે જાણ્યા વગર ગુજરી ગયા હોય તેઓને પણ યહોવાહ પાછા જીવતા કરશે. બાઇબલ જણાવે છે: “ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) બધાયને પાછા જોઈને આપણને કેટલી ખુશી થશે!

સદા જીવન, સુખી જીવન

આ દુનિયાની હાલત આટલી ખરાબ છે છતાં, તમે થોડું ઘણું સુખ માણી શકો છો. તો પછી વિચારો કે, જ્યારે આ દુનિયા સુંદર થઈ જશે ત્યારે તો સુખનો કોઈ પાર નહિ હોય! યહોવાહની એક સાક્ષી બીજી કોઈ સ્ત્રી સાથે યહોવાહના આશીર્વાદો વિષે વાત કરતી હતી. પણ એ સ્ત્રી કહે: “મારે સદા જીવવું નથી. સિત્તેર એંસી વર્ષ જીવી લઉં તો બસ.” ત્યાં એક વડીલ પણ મોજૂદ હતા. તેમણે કહ્યું: “તમે ગુજરી જશો તો તમારાં બાળકોનો જરા વિચાર કર્યો છે?” આ સાંભળીને બહેનની આંખો ભીની થઈ ગઈ. તેને થયું કે હું જઈશ તો મારાં બાળકોનું શું થશે. પછી તેણે કહ્યું: “મને પહેલી વાર આજે અહેસાસ થયો કે હું તો બસ મારું જ વિચારતી હતી, બીજાનું નહિ. કાયમ જીવવાનો વિચાર કરવો એટલે કે બીજાઓનો પણ વિચાર કરવો. તેઓ માટે પણ જીવવું.”

ઘણાને એમ પણ લાગે કે, ‘હું મરું કે જીવું મારી કોને પડી છે.’ ભલે કોઈને ન પડી હોય, પણ યાદ રાખો, ઉપરવાળા માટે તમે ખૂબ મહત્ત્વના છો. તે કહે છે: “મારા જીવના સમ કે દુષ્ટ માણસના મોતથી મને કંઈ આનંદ થતો નથી; પણ દુષ્ટ પોતાનાં દુરાચરણથી ફરે, અને જીવતો રહે એમાં મને આનંદ થાય છે.” (હઝકીએલ ૩૩:૧૧) જરા વિચારો, ઈશ્વર દુષ્ટ લોકોની આટલી ચિંતા કરે છે તો જેઓ સારા છે, ઈશ્વરને પ્રેમ કરે છે તેઓને તે કેટલો બધો પ્રેમ કરતા હશે!

રાજા દાઊદને યહોવાહના પ્રેમ વિષે કંઈ શંકા ન હતી. તેમણે કહ્યું: “જો મારા પિતા અને મારી માતા મને તરછોડી દે તો તમે [યહોવાહ] મારો સ્વીકાર કરશો અને દિલાસો આપશો.” (ગીતશાસ્ત્ર ૨૭:૧૦, IBSI) દાઊદને ખ્યાલ હશે કે તેમના માબાપ તેમને પ્રેમ કરે છે. તેમને એ પણ ખબર હતી કે તેમના માબાપ તેમને તજી દે તોપણ ઈશ્વર તો તેમને તજશે નહિ. યહોવાહ પરમેશ્વર આપણા પર પણ આશીર્વાદ વરસાવવાનો વાયદો કરે છે. આપણે કાયમ જીવીશું એના પણ આશીર્વાદો આપશે. હા, આપણે કદીયે મરીશું નહિ. (યાકૂબ ૨:૨૩) શું પરમેશ્વરે આપેલા આશીર્વાદો આપણે દિલથી સ્વીકારવા ન જોઈએ?

[પાન ૭ પર ચિત્ર]

ઈશ્વરની ભક્તિ કરવી અને સર્વ લોકો પર પ્રેમ રાખીને સદા માટે જીવવાથી કેટલી ખુશી મળશે!