સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ દુષ્ટોનો હિસાબ લેશે, જરૂર લેશે

યહોવાહ દુષ્ટોનો હિસાબ લેશે, જરૂર લેશે

યહોવાહ દુષ્ટોનો હિસાબ લેશે, જરૂર લેશે

“તારા દેવને મળવાને તૈયાર થા.”—આમોસ ૪:૧૨.

૧, ૨. આપણે કેવી રીતે ખાતરી રાખી શકીએ કે યહોવાહ દુષ્ટતાને મિટાવી દેશે?

 એકવીસમી સદીને આંગણે આજે આપણે ઊભા છીએ. પણ બસ એક જ સવાલ જન્મે છે, કે શું યહોવાહ કદી પણ આપણાં દુઃખો દૂર કરશે? તે ક્યાં સુધી આ દુનિયાનાં પાપનો ભાર ઝીલશે? જ્યાં જુઓ ત્યાં મારામારી ને કાપાકાપી સિવાય બીજું શું જોવા મળે છે? આતંકવાદ, હિંસા અને ભ્રષ્ટાચાર વગરની દુનિયા જોવા તો હવે આપણે તરસીએ છીએ.

પણ ગભરાવ નહિ! યહોવાહ આ ખરાબ દુનિયાનો ન્યાય કરશે જ! યહોવાહ વિષે જાણીને આપણને ખાતરી થાય છે કે, તે પગલાં લેશે જ. યહોવાહ સચ્ચાઈથી ન્યાય કરે છે. બાઇબલ કહે છે કે, “તે ન્યાય અને ન્યાયી વર્તન ચાહે છે.” (ગીતશાસ્ત્ર ૩૩:૫) બાઇબલમાં એ પણ લખ્યું છે કે, “યહોવાહ ન્યાયીઓને પારખે છે; પણ દુષ્ટ તથા જુલમીથી તે કંટાળે છે.” (ગીતશાસ્ત્ર ૧૧:૫) યહોવાહ ન્યાયના પ્રેમી છે. તેમનામાં સચ્ચાઈનું તેજ છે. પાપની હદ હોય છે, સીમા હોય છે. યહોવાહ પાપનું નામનિશાન મિટાવી દેશે.

૩. આપણે આમોસના પુસ્તકમાંથી શું શીખીશું?

બાઇબલમાં એવા ઘણા દાખલા છે, જે જોઈને આપણે ખાતરી રાખી શકીએ કે યહોવાહ બૂરાઈ દૂર કરશે. ખાસ કરીને યહોવાહ કઈ રીતે પાપીઓને સજા કરે છે, એ આમોસના પુસ્તકમાંથી જોવા મળે છે. આપણે આમોસમાંથી બીજું ઘણું શીખી શકીએ. યહોવાહ જ્યારે ન્યાય કરે છે ત્યારે આપણે ત્રણ બાબતો યાદ રાખવી જોઈએ. એક, લોકો હંમેશાં એ ન્યાયને લાયક હોય છે. બીજું કે, યહોવાહ ન્યાય કરે છે ત્યારે કોઈ છટકી શકતું નથી. ત્રીજું, યહોવાહ ફક્ત પાપીઓને જ સજા કરે છે. પણ જે લોકો પસ્તાવો કરે છે તેઓને યહોવાહ દયા બતાવે છે.—રૂમી ૯:૧૭-૨૬.

યહોવાહનો ન્યાય સાચો છે

૪. યહોવાહે આમોસને ક્યાં મોકલ્યો અને શા માટે?

આમોસના જમાનામાં ઈસ્રાએલ રાજ્યના બે ભાગલા પડી ગયા હતા. દક્ષિણના રાજ્યમાં યહુદાહના બે કુળોનું રાજ હતું. ઉત્તરના રાજ્યમાં ઈસ્રાએલના દસ કુળો હતા. આમોસ યહુદાહનો હતો. યહોવાહે તેને પ્રબોધક તરીકે ન્યાયચુકાદો જાહેર કરવા ઉત્તર ઈસ્રાએલમાં જવાનું હતું.

૫. આમોસે શરૂઆતમાં ક્યાં યહોવાહનો સંદેશો જણાવવાનો હતો અને એ દેશોનો શા માટે યહોવાહ ન્યાય કરવાના હતા?

પરંતુ શરૂઆતમાં આમોસે ઉત્તર ઈસ્રાએલમાં નહિ, પણ આજુબાજુના છ દેશોમાં યહોવાહનો ન્યાયચુકાદો જાહેર કર્યો હતો. એ દેશોના નામ, અરામ, પલેશેથ, તૂર, અદોમ, આમ્મોન અને મોઆબ હતા. એ સર્વ દેશો યહોવાહના ભક્તોની સખત નફરત કરતા હતા. તેથી યહોવાહ તેઓને શિક્ષા કરવાના હતા.

૬. શા માટે યહોવાહ અરામ, પલેશેથ અને તૂરને શિક્ષા કરવાના હતા?

યહોવાહે અરામના લોકો વિષે જણાવ્યું કે, “તેઓએ ગિલઆદને લોઢાના ઝૂડિયાથી ઝૂડ્યો છે.” (આમોસ ૧:૩) ઈસ્રાએલની યરદન નદીની પૂર્વ તરફ ગિલઆદ શહેર હતું. પણ અરામના દમસ્ક શહેરના લોકોએ એ શહેર પચાવી પાડ્યું અને યહોવાહના ભક્તોને ખૂબ દુઃખી કર્યાં. પલેશેથ અને તૂર વિષે શું? પલિસ્તીઓ યહોવાહના ભક્તોને ગુલામ તરીકે રાખીને આમ્મોનના લોકોને વેચી દેતા હતા. એમાંના અમુક ગુલામોનો સોદો તૂરના વેપારીઓ કરતા હતા. (આમોસ ૧:૬,) આપણને તો માનવામાં જ ન આવે કે, આ પાપીઓ યહોવાહના ભક્તોને, હા યહોવાહના ભક્તોને ગુલામ તરીકે વેચતા હતા. યહોવાહ તેઓને શિક્ષા ન કરે તો બીજું શું કરે!

૭. અદોમ, આમ્મોન અને મોઆબનો ઈસ્રાએલ સાથે કયો નાતો હતો પણ તેઓએ ઈસ્રાએલીઓને શું કર્યું?

અદોમ, આમ્મોન અને મોઆબ આ ત્રણેય દેશો સાથે ઈસ્રાએલનો નાતો હતો. અદોમના લોકો યાકૂબના જોડિયા ભાઈ એસાવના વંશમાંથી પેદા થયા હતા. તેઓમાં ઈસ્રાએલીઓનું જ લોહી વહેતું હતું. આમ્મોન અને મોઆબના લોકો ઈબ્રાહીમના ભત્રીજા લોતના વંશમાંથી પેદા થયા હતા. આ બધાય એક રીતે તો ભાઈઓ કહેવાય. પણ તેઓએ ભાઈ ભાઈનો નાતો ઈસ્રાએલીઓ સાથે કઈ રીતે રાખ્યો? અદોમીઓ તો ભારે નિર્દય હતા. તેઓ તો “તરવાર લઈને પોતાના ભાઈની” હા, પોતાના ભાઈની પાછળ પડ્યા. આમ્મોનીઓએ તો ઈસ્રાએલીઓના બૂરા હાલ કરી નાખ્યા હતા. (આમોસ ૧:૧૧, ૧૩) આમોસમાં મોઆબીઓ વિષે કંઈ કહેવામાં નથી આવ્યું, પણ તેઓ તો સદીઓથી યહોવાહના ભક્તોને દુઃખી કરતા હતા. આ ત્રણેય દેશો પર યહોવાહે પોતાનો ક્રોધ વરસાવ્યો.

ઈશ્વરના ન્યાયથી કોઈ છટકી શકતું નથી

૮. શા માટે એ છ દેશો ઈશ્વરના ન્યાયમાંથી છટકી શક્યા નહિ?

એ છ દેશોને યહોવાહે શિક્ષા ફટકારી. તેઓમાંનું કોઈ એમાંથી છટકી શક્યું નહિ. આમોસના પહેલા અધ્યાયની ત્રીજી કલમથી માંડીને બીજા અધ્યાયની પહેલી કલમમાં યહોવાહ છ વખત કહે છે કે, “હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ.” યહોવાહે એમ જ કર્યું. ઇતિહાસ બતાવે છે કે એ છ દેશોની હાલત સાવ ખરાબ થઈ ગઈ. એમાં પલેશેથ, મોઆબ, આમ્મોન અને અદોમનું તો નામનિશાન પણ નથી રહ્યું!

૯. યહુદાહના લોકો શાને લાયક હતા અને શા માટે?

છેવટે આમોસ પોતાના દેશ યહુદાહમાં યહોવાહનો ન્યાયચુકાદો જાહેર કરે છે. આમોસને યહુદાહમાં ન્યાયચુકાદો જાહેર કરતા સાંભળીને ઉત્તર ઈસ્રાએલના લોકો દંગ થઈ ગયા હશે. યહોવાહ શા માટે યહુદાહને કડક સંદેશો આપતા હતા? “કેમ કે તેઓએ યહોવાહના નિયમનો અનાદર કર્યો છે.” (આમોસ ૨:૪) નિયમનો અનાદર કરે એ યહોવાહ કંઈ ચલાવી લેવાના ન હતા. યહોવાહે કહ્યું: “હું યહુદાહ પર અગ્‍નિ મોકલીશ, ને તે યરૂશાલેમના મહેલોને ભસ્મ કરશે.”—આમોસ ૨:૫.

૧૦. યહુદાહ શા માટે યહોવાહના હાથમાંથી છટકી શક્યું નહિ?

૧૦ યહુદાહના લોકો પાપની શિક્ષામાંથી છટકી શકે એમ ન હતા. સાતમી વખત યહોવાહે કહ્યું: “હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ.” (આમોસ ૨:૪) છેવટે બાબેલોને ઈસવીસન પૂર્વે ૬૦૭માં યહુદાહ પર ચઢાઈ કરી અને એને ચીંથરેહાલ કરી નાખ્યું. કોઈ પાપી યહોવાહના ન્યાયથી છટકી શક્યું નહિ.

૧૧-૧૩. આમોસે ખાસ કયા દેશમાં સંદેશો આપ્યો અને ત્યાં કઈ કઈ રીતે લોકોને દુઃખી કરવામાં આવતા?

૧૧ તો શું હવે એમ માની લેવાનું કે આમોસનું કામ પતી ગયું? જરાય નહિ! તેનું મુખ્ય કામ તો એ હતું કે તે ઉત્તર ઈસ્રાએલમાં યહોવાહનો ન્યાયચુકાદો જાહેર કરે. ઈસ્રાએલીઓના હાથ પાપથી રંગાયેલા હતા. ધર્મનું નામનિશાન ભૂંસાઈ ગયું હતું ને ચારે બાજુ ધતિંગ ચાલતા હતા, ધતિંગ.

૧૨ યહોવાહ આમોસ દ્વારા તેઓની પોલ ખુલ્લી પાડે છે અને જણાવે છે: “ઈસ્રાએલના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે તેઓએ રૂપાને માટે નેકીવાનોને વેચ્યા છે, ને ખાસડાંની જોડને માટે દરિદ્રીઓને વેચ્યા છે; તેઓ ગરીબના માથા પરની પૃથ્વીની ધૂળને માટે તલપે છે, ને દીનોને માર્ગમાંથી ભટકાવી દે છે; અને બાપ દીકરો એક જ યુવતી પાસે જઈને મારા પવિત્ર નામને બટ્ટો લગાડે છે.”—આમોસ ૨:૬, ૭.

૧૩ હા, સારા લોકોને તેઓ ફક્ત ‘રૂપાની’ કિંમતે વેચી દેતા. એટલે કે લુચ્ચા ન્યાયાધીશો રૂપાની લાંચ લઈને બિચારા નિર્દોષને સજા કરતા. લેણદારો નાની નાની રકમ માટે બિચારા ગરીબોને “ખાસડાંની” કિંમતે વેચી નાખતા. નિર્દય લોકો ભૂખ્યા કૂતરાની જેમ ગરીબોની પાછળ પડ્યા હતા. તેઓ ગરીબડાની આંતરડી એટલી કકળાવતા કે બીચારા દુઃખના માર્યા માથે ધૂળ ઉડાડતા. ભ્રષ્ટાચારની તો વાત જ ન પૂછો. જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર. એમાં ગરીબ કે ‘દરિદ્રી’ સામે જોવાવાળું કોણ હોય!

૧૪. ઈસ્રાએલના દસ કુળના રાજ્યમાં કોના પર જુલમ થતો હતો?

૧૪ કોને દુઃખી કરવામાં આવતા? સચ્ચાઈને માર્ગે ચાલે તેઓને. ગરીબો પર જુલમ ગુજારાતો. દરિદ્રીઓ પર અત્યાચાર થતો. યહોવાહે ઈસ્રાએલીઓને નિયમ આપ્યો હતો કે તેઓ ગરીબો કે દુખિયારાનું ધ્યાન રાખે. પણ ઈસ્રાએલના દસ કુળના રાજ્યમાં દયાનો છાંટોય ન હતો.

‘તારા ઈશ્વરને મળવાને તૈયાર થા’

૧૫, ૧૬. (ક) શા માટે ઈસ્રાએલીઓને કહેવામાં આવ્યું કે ‘તારા દેવને મળવા તૈયાર થા’? (ખ) આમોસ ૯:૧, ૨ પ્રમાણે શા માટે પાપીઓ છટકી શક્યા નહિ? (ગ) ઈસવીસન પૂર્વે ૭૪૦માં ઈસ્રાએલના દસ કુળના રાજ્યની શું હાલત થઈ?

૧૫ ઈસ્રાએલીઓ પાપી હતા. તેથી આમોસ તેઓને જણાવે છે કે, “તારા દેવને મળવાને તૈયાર થા.” (આમોસ ૪:૧૨) એ પાપીઓ યહોવાહની શિક્ષામાંથી છટકી જવાના ન હતા. યહોવાહે આઠમી વખત કહ્યું: “હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ.” (આમોસ ૨:૬) છટકવાની કોશિશ કરતા પાપીઓને યહોવાહે કહ્યું: “તેઓમાંનો એક પણ નાસી જવા પામશે નહિ, ને તેઓમાંના એક પણ બચી જવા પામશે નહિ. જો તેઓ ખોદીને શેઓલમાં ઊતરી જાય, તોપણ ત્યાંથી મારો હાથ તેમને પકડી લાવશે; અને જો તેઓ આકાશમાં ચઢી જાય, તોપણ ત્યાંથી હું તેઓને નીચે ઉતારીશ.”—આમોસ ૯:૧, ૨.

૧૬ કોઈ પણ પાપીઓ યહોવાહના હાથમાંથી છટકી શકે એમ ન હતા. ભલે “તેઓ ખોદીને શેઓલમાં ઊતરી જાય,” એટલે કે ભલે તેઓ ગમે ત્યાં સંતાઈ જાય પણ યહોવાહ તેઓને નહિ છોડે. ભલે “તેઓ આકાશમાં ચઢી જાય,” એટલે કે ભલે તેઓ ઊંચા ઊંચા પર્વતોમાં સંતાય જાય. પણ યહોવાહે સાફ જણાવ્યું હતું, કે તેઓ ક્યાંય છટકી શકે એમ નથી. યહોવાહનો ન્યાય પોકારી ઊઠ્યો છે. એને કોણ રોકી શકે! છેવટે ઈસવીસન પૂર્વે ૭૪૦માં, એટલે કે આમોસે સંદેશો આપ્યો એના ૬૦ વર્ષ પછી આશ્શૂર દેશે ઈસ્રાએલીઓનો કબજો કરી લીધો.

યહોવાહ ફક્ત પાપીઓને જ શિક્ષા કરે છે

૧૭, ૧૮. આમોસનો નવમો અધ્યાય યહોવાહની દયા વિષે શું શીખવે છે?

૧૭ આમોસમાંથી આપણે જોઈ ગયા કે યહોવાહ પાપીઓને શિક્ષા કરે છે. તેઓ છટકી શકે એમ નથી. જે કોઈ પાપ કરે છે તેઓને યહોવાહ શોધી શકે છે અને શિક્ષા પણ કરે છે. યહોવાહ સાચા દિલના લોકોને પણ શોધી શકે છે અને તેઓને દયા બતાવે છે. એ વિષે આપણે આમોસના છેલ્લા અધ્યાયમાં શીખીશું.

૧૮ આમોસ ૯:૮માં યહોવાહે કહ્યું: “યાકૂબના વંશનો હું પૂરેપૂરો નાશ નહિ કરીશ.” તેર અને પંદરમી કલમ પ્રમાણે યહોવાહે વચન આપ્યું કે, યહુદીઓને પાછા પોતાના દેશમાં લાવવામાં આવશે. યહોવાહ તેઓને દયા બતાવશે. તેઓને એટલો આશીર્વાદ આપશે કે ‘ખેડનારનું કામ કાપણીના કામ સુધી ચાલશે.’ એટલું બધું અનાજ ઊગશે કે રોપવાની બીજી મોસમ આવે તોયે પહેલી મોસમની કાપણી પતશે નહિ!

૧૯. જે લોકોએ પસ્તાવો કર્યો તેઓનું શું થયું?

૧૯ યહુદાહમાં અને ઈસ્રાએલમાં યહોવાહે પાપીઓને સજા કરી અને જે લોકોએ પસ્તાવો કર્યો તેઓને દયા બતાવી. આમોસ ૯ની ભવિષ્યવાણી પ્રમાણે, જેઓએ પસ્તાવો કર્યો તેઓ ઈસવીસન પૂર્વે ૫૩૭માં બાબેલોનની ગુલામીમાંથી છૂટ્યા અને પાછા તેઓના વતનમાં રવાના થયા. તેઓ ફરીથી દેશમાં યહોવાહની ભક્તિ કરવા લાગ્યા. તેઓએ ઘરો બાંધ્યાં, દ્રાક્ષાવાડીઓ ને વાડીઓ રોપી અને સુખ-શાંતિથી રહેવા લાગ્યા.

યહોવાહ આ જગતનો પણ ન્યાય કરશે!

૨૦. આમોસના પુસ્તકમાંથી આપણને શું ખાતરી મળે છે?

૨૦ આપણે આમોસના પુસ્તકમાંથી જોઈ ગયા કે યહોવાહ પાપી લોકોનો નાશ કરે છે. એ જ રીતે આપણા જમાનામાં પણ કરશે. આપણે કઈ રીતે ખાતરી રાખી શકીએ? એક તો, યહોવાહે જે રીતે આમોસના જમાનામાં પાપી લોકોનો નાશ કર્યો. એ જ રીતે આપણા જમાનામાં કરશે. બીજું, ઈસ્રાએલના ઢોંગી ધર્મગુરુઓનો યહોવાહે ન્યાય કર્યો હતો એ જ રીતે આજના ઢોંગી કે ખાલી નામ પૂરતા ખ્રિસ્તીઓનો યહોવાહ નાશ કરશે. ‘મહાન બાબેલોન’ એટલે કે સર્વ ખોટા ધર્મો કરતાં પણ આ ઢોંગી ખ્રિસ્તીઓ વધારે પાપી છે.—પ્રકટીકરણ ૧૮:૨.

૨૧. શા માટે યહોવાહ ઢોંગી ખ્રિસ્તીઓને આકરી સજા કરશે?

૨૧ ઢોંગી ખ્રિસ્તીઓને પાપની સજા થવી જ જોઈએ. તેઓ ધર્મને નામે ધતિંગ કરતા શીખવે છે. તેઓના સંસ્કાર સાવ હલકા છે. યહોવાહ તેઓનો ન્યાય કરશે જ અને આ શેતાનની દુનિયાનો પણ ન્યાય કરશે. એમાંથી કોઈ છટકી શકશે નહિ. આમોસ ૯:૧ જણાવે છે: “તેઓમાંનો એક પણ નાસી જવા પામશે નહિ, ને તેઓમાંના એક પણ બચી જવા પામશે નહિ.” પાપી ભલે ગમે ત્યાં સંતાય યહોવાહ તેને શોધી લેશે.

૨૨. યહોવાહના ન્યાયચુકાદા વિષે આપણને ૨ થેસ્સાલોનીકી ૧:૬-૮માંથી શું શીખવા મળે છે?

૨૨ યહોવાહ દુષ્ટોનો ન્યાય કરે છે ત્યારે કોઈ છટકી શકતું નથી. પણ પસ્તાવો કરનારને તે માફ કરે છે. આપણે પાઊલના શબ્દોમાંથી એ જોઈ શકીએ છીએ: “જેઓ તમને દુઃખ દે છે તેઓને દેવ દુઃખનો બદલો આપે, અને જ્યારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્‍નિની જ્વાળામાં પ્રગટ થશે, ત્યારે તે તમો દુઃખ સહન કરનારાઓને અમારી સાથે વિસામો આપે; તે વેળા જેઓ દેવને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે.” (૨ થેસ્સાલોનીકી ૧:૬-૮) આમ, જેઓ યહોવાહના અભિષિક્તોને દુઃખી કરે છે તેઓ પર તે જરૂર “ન્યાયચુકાદો અને શિક્ષા” લાવશે. “ઈસુ તેમના પરાક્રમી દૂતો સાથે અગ્‍નિની જ્વાળામાં સ્વર્ગમાંથી પ્રગટ થશે” ત્યારે કોઈ પણ પાપી છટકી શકશે નહિ. યહોવાહ બીજા કોનો ન્યાય કરશે? જેઓએ “ઈસુ ખ્રિસ્તની મારફતે આપેલી ઉદ્ધારની સુવાર્તાનો સ્વીકાર કર્યો નથી તેઓને શિક્ષા કરશે.” એ ન્યાયચુકાદો જાહેર થશે પછી, યહોવાહના ભક્તોને ખૂબ રાહત મળશે.

ઈશ્વરભક્તો માટે આશીર્વાદ

૨૩. આપણને આમોસના પુસ્તકમાંથી કેવો દિલાસો મળે છે?

૨૩ આમોસની ભવિષ્યવાણીમાં એ પણ જોવા મળે છે કે સારા દિલના લોકોને યહોવાહ આશા આપે છે. તેઓને આશીર્વાદ અને દિલાસો આપે છે. આમોસના જમાનામાં યહોવાહે સર્વ લોકોનો નાશ કર્યો ન હતો. ઈસ્રાએલ અને યહુદાહમાંથી જેઓ ગુલામીમાં ગયા હતા, તેઓને છેવટે યહોવાહે છોડાવ્યા. તેઓને વતનમાં પાછા મોકલ્યા ને ખૂબ આશીર્વાદ આપ્યા. એમાંથી આપણને આજે શું શીખવા મળે છે? પાપીઓ ભલે ગમે ત્યાં છુપાવાની કોશિશ કરે, યહોવાહ તેઓને શોધી લેશે. પણ યહોવાહ પોતાના ભક્તોને દયા બતાવશે, પછી ભલે તેઓ દુનિયાના ગમે એ ખૂણામાં હોય.

૨૪. આજે યહોવાહે આપણને કયા આશીર્વાદો આપ્યા છે?

૨૪ આપણે યહોવાહના ન્યાયચુકાદાની રાહ જોઈએ છીએ. પણ આજના વિષે શું? આજે પણ યહોવાહે આપણને પુષ્કળ આશીર્વાદો આપ્યા છે. જરા વિચારો, આપણે યહોવાહની ભક્તિ કરી શકીએ છીએ. જ્યારે કે ઢોંગી ખ્રિસ્તીઓ તો શીખવે છે એમાં પણ ભેળસેળ કરે છે. યહોવાહે આપણને પુષ્કળ જ્ઞાન પણ પૂરું પાડ્યું છે, જેમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. એ સાથે આપણા માથે મોટી જવાબદારી પણ મૂકી છે. યહોવાહ ચાહે છે કે આપણે બધા લોકોને તેમના ન્યાયચુકાદાના દિવસ વિષે કહેવું જોઈએ. અને “અનંતજીવનને સારૂ જેટલા નિર્માણ થએલા” છે તેઓને શોધવા જોઈએ. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮) આપણે દિલથી લોકોને મદદ કરવી જોઈએ, જેથી આપણને જે આશીર્વાદો મળ્યા છે એ બીજા લોકોને પણ મળે. જેથી તેઓ પણ યહોવાહનો ન્યાયચુકાદો આવે ત્યારે બચી જાય. પણ આપણે યહોવાહના આશીર્વાદો મેળવવા કેવું દિલ રાખવું જોઈએ? આમોસના પુસ્તકમાં એની પણ ચર્ચા કરવામાં આવી છે. એ આપણે હવે પછીના છેલ્લા લેખમાંથી શીખીશું.

તમે શું શીખ્યા?

• આમોસની ભવિષ્યવાણી કઈ રીતે બતાવે છે કે યહોવાહ સાચો ન્યાય કરે છે?

• આમોસના પુસ્તકમાંથી કઈ રીતે જોઈ શકાય છે કે યહોવાહની શિક્ષામાંથી કોઈ છટકી શકતું નથી?

• આમોસ કઈ રીતે બતાવે છે કે, યહોવાહ અમુક લોકોને બચાવી લે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૭ પર ચિત્ર]

યહોવાહના ન્યાયચુકાદાના દિવસે ઈસ્રાએલ રાજ્ય છટકી ન શક્યું

[પાન ૧૮ પર ચિત્ર]

ઈસવીસન પૂર્વે ૫૩૭માં ઈસ્રાએલ અને યહુદાહના બચી ગયેલા લોકોને બાબેલોનની ગુલામીમાંથી છુટકારો મળ્યો