સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણે શરાબ વિષે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

આપણે શરાબ વિષે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

આપણે શરાબ વિષે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

“દ્રાક્ષારસનું ફળ ઠઠ્ઠા છે, મદ્યનું ફળ ટંટા છે; જે કોઇ [વધુ] પીવાની ભૂલ કરે છે તે જ્ઞાની નથી.”—નીતિવચનો ૨૦:૧.

૧. યહોવાહની ભલાઈ વિષે દાઊદે શું કહ્યું?

 યાકૂબે કહ્યું હતું કે ‘દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને પ્રકાશોના પિતા પાસેથી ઊતરે છે.’ (યાકૂબ ૧:૧૭) દાઊદે પણ યહોવાહની ભલાઈ વિષે કહ્યું: “ઢોરને સારૂ તે ઘાસ તથા માણસના ખપને સારૂ શાકભાજી ઉપજાવે છે; એમ ભૂમિમાંથી તે અન્‍ન નિપજાવે છે. વળી માણસના હૃદયને આનંદ આપનાર દ્રાક્ષારસ, તેના મોઢાને તેજસ્વી કરનાર તેલ, અને તેના અંતઃકરણને બળ આપનાર રોટલી તે નિપજાવે છે.” (ગીતશાસ્ત્ર ૧૦૪:૧૪, ૧૫) ઈશ્વર આપણને શાકભાજી, રોટલી અને તેલ આપે છે. વધુમાં, તે આપણને દ્રાક્ષારસ જેવા પીણાં પણ આપે છે. * જો આપણે શરાબ પીતા હોય, તો શું આપણે લિમિટમાં લઈએ છીએ કે પછી હદ ઉપરાંત લઈએ છીએ?

૨. દારૂ વિષે આપણે કયા પ્રશ્નો પર વિચારીશું?

જ્યારે આપણે લિમિટમાં ખાઈએ-પીએ, ત્યારે આપણને ખૂબ લાભ અને આનંદ થાય છે. દાખલા તરીકે, બાઇબલ કહે છે કે મધ ખાવું “સારૂં છે,” પણ “ઘણું મધ ખાવું સારૂં નથી.” (નીતિવચનો ૨૪:૧૩; ૨૫:૨૭) બાઇબલ એ પણ કહે છે કે “થોડો દ્રાક્ષારસ” પીવામાં કંઈ વાંધો નથી, પણ શરાબના ગુલામ થવું પાપ સમાન છે. (૧ તીમોથી ૫:૨૩) શાસ્ત્ર કહે છે: “દ્રાક્ષારસનું ફળ ઠઠ્ઠા છે, મદ્યનું ફળ ટંટા છે; જે કોઇ [વધુ] પીવાની ભૂલ કરે છે તે જ્ઞાની નથી.” (નીતિવચનો ૨૦:૧) વધુ દારૂ પીવાથી કેવી ભૂલો થાય છે? * આપણે કઈ રીતે દારૂ પીવામાં લિમિટ રાખી શકીએ? ચાલો આપણે જોઈએ.

શરાબ આપણને કઈ રીતે ‘ભૂલ કરાવશે?’

૩, ૪. (ક) શરાબી વિષે બાઇબલ શું કહે છે? (ખ) દારૂના ઘેનમાં વ્યક્તિ શું કરી શકે?

જૂના જમાનામાં, જો ઈસ્રાએલમાં કોઈ માણસ શરાબી અને ખાઉધરો હોય ને તે પસ્તાવો ન કરે, તો તેને પથ્થરોથી મારી નાખવામાં આવતો. (પુનર્નિયમ ૨૧:૧૮-૨૧) પ્રેષિત પાઊલે અરજ કરી: “જેઓ આપણા ભાઈ કહેવાય છે તેમાંનો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદક, છાકટો કે જુલમી હોય, તો એવાની સોબત તમારે કરવી નહિ; અને એવાની સાથે બેસીને ખાવું પણ નહિ.” કોઈ શંકા નથી કે શાસ્ત્ર પ્રમાણે, જે કોઈ વ્યક્તિ શરાબી છે, તે ઘોર પાપ કરે છે.—૧ કોરીંથી ૫:૧૧; ૬:૯, ૧૦.

શરાબના નશામાં આવવાથી શું થાય છે? બાઇબલ કહે છે: “આકર્ષક અને પીવા માટે મન થઈ જાય એવા દારૂથી છેતરાઈ જઈશ નહિ. કારણ કે અંતે તો તે અતિશય ઝેરી સાપની માફક કરડે છે અને નાગની માફક ડંખે છે. વળી, તું અવનવા આભાસી દૃશ્યો જોશે અને મૂર્ખતાભર્યો બડબડાટ કરશે.” (નીતિવચનો ૨૩:૩૧-૩૩, IBSI) હા, વધુ પડતો દારૂ પીવાથી જાણે એ ઝેરી સાપની જેમ ડંખ મારે છે. એનાથી વ્યક્તિ બીમાર બની જાય છે. તે દારૂના નશામાં વિચિત્ર સપનાઓ જોવા લાગી શકે અને બેહોશ પણ થઈ જઈ શકે. શરાબના ઘેનમાં વ્યક્તિ ગંદા વિચારો અને મૂર્ખ વાતોનો બડબડાટ કરવા લાગી શકે.

૫. વધારે પડતો દારૂ પીવાથી શું થઈ શકે?

શું આપણે દારૂનો નશો ચડવા માંડે, ત્યાં સુધી પીવું જોઈએ? ના. અમુક લોકો ખૂબ શરાબ પી શકે છે, પણ આપણને એમ નહિ લાગે કે તેઓ પીધેલા છે. આપણે એમ ન વિચારવું જોઈએ કે ‘દારૂનું ઘેન ચઢવા લાગે ત્યારે હું પીવાનું બંધ કરી દઈશ.’ જો એમ વિચારીશું, તો આપણે જાણીજોઈને ખાડામાં પડીએ છીએ. (યિર્મેયાહ ૧૭:૯) જે વ્યક્તિઓને ઘણું પીવાની ટેવ હોય, તેઓ ધીમે ધીમે ‘દારૂના ગુલામ બની’ જશે. (તીતસ ૨:૩, પ્રેમસંદેશ) એ વિષે કારોલાઈન નેપ નામની લેખિકા કહે છે: ‘લોકો ખૂબ ધીમે ધીમે દારૂડિયા બને છે. અરે, તેઓને ખબર પણ નથી પડતી કે તેઓ એના બંધાણી બની ગયા છે.’ આપણે શરાબના ફાંદાથી બહુ જ સાવચેત રહેવું જોઈએ!

૬. આપણે શા માટે હદ ઉપરાંત ખાવા-પીવાનું ટાળવું જોઈએ?

આપણે ઈસુની આ ચેતવણી યાદ રાખીએ: “તમે પોતાના વિષે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, જેથી તે દિવસ ફાંદાની પેઠે તમારા પર ઓચિંતો આવી પડે. કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપરના સર્વ વસનારા પર આવી પડશે.” (લુક ૨૧:૩૪, ૩૫) ભલે વ્યક્તિને દારૂનો નશો ન ચડે, તોપણ એવું નથી કે તેને કંઈ અસર થવાની નથી. ઘણો શરાબ પીવાથી તે ચોક્કસ આળસુ બનશે અને ઝોલા ખાવા લાગશે. અરે, તે ભક્તિમાં પણ આળસુ બની જશે. યહોવાહ આ દુનિયાનો અંત લાવશે ત્યારે જો તે આવી હાલતમાં હોય તો, તેનું શું થશે?

‘હદથી વધારે દારૂ પીવાથી શું થશે?’

૭. શરાબી બનવાથી આપણને શું થઈ શકે અને ૨ કોરીંથી ૭:૧ શું સલાહ આપે છે?

ઘણો દારૂ પીવાથી આપણે ઈશ્વરથી દૂર ચાલ્યા જઈશું. શરાબી બનવાથી આપણું કલેજું અને પેટ સાવ બગડી જશે. અરે, આપણને હેપટાઈટ્‌સ, કૅન્સર, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી બીમારી થશે. એટલું જ નહિ, આપણા મગજને નુકશાન થશે અને આપણે પાગલોની જેવા બનીશું. જો તમને આવા દુઃખોમાંથી બચવું હોય, તો બાઇબલની આ સલાહ દિલમાં ઉતારો: “આપણા જીવનને અશુદ્ધ બનાવનાર સર્વ બાબતોથી પોતાને અલગ રાખીએ અને ઈશ્વરની બીકમાં જીવન ગાળીને સંપૂર્ણ પવિત્ર બનીએ.”—૨ કોરીંથી ૭:૧, પ્રેમસંદેશ.

૮. દારૂડિયા વિષે નીતિવચનો ૨૩:૨૦, ૨૧ શું કહે છે?

દારૂની લતમાં, આપણે પૈસા પણ જેમ-તેમ વાપરી નાખીશું. અરે, આપણે નોકરી પણ ગુમાવી શકીએ. રાજા સુલેમાને કહ્યું: “દારૂડિયા અને ખાઉધરા લોકો સાથે મિજબાનીમાં જોડાઇશ નહિ, કારણ કે છેવટે તો તેઓ કંગાલ થઇ જવાના છે. વળી યાદ રાખ કે અતિશય ઊંઘ માણસને ચીંથરેહાલ બનાવે છે.”—નીતિવચનો ૨૩:૨૦, ૨૧, IBSI.

૯. આપણે શા માટે શરાબ પીને વાહન ચલાવવું ન જોઈએ?

શરાબી લોકો વિષેનો જ્ઞાનકોશ (અંગ્રેજી) કહે છે: ‘સંશોધન બતાવે છે કે લોકો દારૂ પીને કાર ચલાવે છે ત્યારે, રસ્તા પર ધ્યાન આપી શકતા નથી. તેઓ જલદી નિર્ણયો લઈ શકતા નથી. કારને સારી રીતે ચલાવી શકતા નથી. તેઓ ઝડપથી બ્રેક મારી શકતા નથી.’ શરાબ પીને વાહન ચલાવવું ખૂબ ખતરનાક છે. ફક્ત અમેરિકામાં જ દારૂ પીને કાર ચલાવવાને લીધે દર વર્ષે દસ હજારથી વધારે લોકો એક્સિડન્ટમાં માર્યા જાય છે. લાખો ઘાયલ થઈ જાય છે. ઘણા એક્સિડન્ટ યુવાનોના હાથે થાય છે, કેમ કે તેઓ કાર ચલાવવામાં બહુ અનુભવી નથી. તેઓને એ પણ ખબર નથી કે કેટલો દારૂ પીવો જોઈએ. જો કોઈ હદ ઉપરાંત દારૂ પીને કાર ચલાવે, તો શું તે ખરેખર પોતાનું અને બીજાનું જીવન કીમતી ગણે છે? શું તે જીવનને યહોવાહ તરફથી એક ભેટ ગણે છે? (ગીતશાસ્ત્ર ૩૬:૯) જો આપણે જીવનને ખરેખર કીમતી ગણતા હોઈએ, તો આપણે શરાબનો એક ઘૂંટડો પીને પણ વાહન ચલાવીશું નહિ.

૧૦. શરાબ આપણા મગજને કઈ રીતે અસર કરે છે અને એનું શું પરિણામ આવી શકે?

૧૦ વધુ પડતો શરાબ પીવાથી આપણને અને બીજાને પણ નુકશાન થાય છે. એનાથી આપણે ઈશ્વરથી પણ દૂર પણ ચાલ્યા જઈશું. બાઇબલ કહે છે: “દ્રાક્ષારસ ને નવો દ્રાક્ષારસ બુદ્ધિનું હરણ કરે છે.” (હોશીઆ ૪:૧૧) એક કહેવત છે, ‘દારૂ અંદર જાય તો બુદ્ધિ બહાર નીકળે.’ અમેરિકાની એક સંસ્થા એવા લોકોને મદદ કરે છે જેઓ કેફી દવાની લતે ચડી ગયા હોય. એ સંસ્થા દારૂ વિષે કહે છે: ‘શરાબ, લોહીમાં જાય છે અને એ જલદી મગજ સુધી પહોંચી જાય છે. શરાબને લીધે મગજ ધીમું પડે છે. એ વ્યક્તિના વિચારો ને લાગણીઓને કાબૂ કરવા માંડે છે. છેવટે, વ્યક્તિને લાગી શકે કે તે મન ફાવે તેમ કરી શકે.’ નશો ચડે ત્યારે વ્યક્તિ ચોક્કસ “ભૂલ” કરી બેસશે, કેમ કે તે વિચારો અને શરીર પર કાબૂ રાખતી નથી. તે લફરા કરવા, અરે વ્યભિચાર કરવા પણ લલચાઈ શકે છે.—નીતિવચનો ૨૦:૧.

૧૧, ૧૨. જો વ્યક્તિ શરાબી બને, તો મંડળ અને પરિવારમાં શું થશે?

૧૧ બાઇબલ સ્પષ્ટ કહે છે: “તમે ખાઓ, કે પીઓ, કે જે કંઈ કરો તે સર્વ દેવના મહિમાને અર્થે કરો.” (૧ કોરીંથી ૧૦:૩૧) જો આપણે ઘણો દારૂ પીએ, તો શું આપણે ખરેખર યહોવાહને ખુશ કરીએ છીએ? જો લોકો આપણને શરાબી તરીકે ઓળખે, તો એ કેવા અફસોસની વાત કહેવાય. ખરેખર, શરાબી બનવાથી આપણે યહોવાહને બદનામ કરીએ છીએ.

૧૨ જો આપણે વધારે પડતો દારૂ પીએ અને કોઈ ભાઈ-બહેનને ઠોકર ખવડાવીએ, તો એ પણ ગંભીર વાત કહેવાય. (રૂમી ૧૪:૨૧) ઈસુએ કહ્યું: “આ નાનાઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવશે તે કરતાં તેની કોટે ઘંટીનું પડ બંધાય, ને તે સમુદ્રના ઊંડાણમાં ડુબાડાય એ તેને માટે સારૂં છે.” (માત્થી ૧૮:૬) જો કોઈ વ્યક્તિને વધારે દારૂ પીવાની ટેવ હોય, તો તેની મંડળમાંની જવાબદારી ચોક્કસ લઈ લેવામાં આવશે. (૧ તીમોથી ૩:૧-૩,) વિચાર કરો કે શરાબી બનવાથી પરિવારમાં કેટલું દુઃખ ફેલાશે.

શરાબના ફાંદાથી દૂર રહો

૧૩. જો આપણે શરાબીપણાથી દૂર રહેવું હોય તો શું ન વિચારવું જોઈએ?

૧૩ આપણે કદી એમ ન વિચારવું જોઈએ કે ‘હું ઊંચા આસમાને પહોંચતા પહેલાં જ પીવાનું બંધ કરી દઈશ.’ અથવા, ‘એક-બે પેગ વધારે પી લઉં તો મને કંઈ નહિ થાય.’ જો આપણને દારૂનો નશો ચડે, તો આપણે મોટી ભૂલ કરીએ છીએ. એ ખૂબ મહત્ત્વનું છે કે આપણે લિમિટમાં જ દારૂ પીઈએ. પણ એ લિમિટ કેટલી છે? બધા લોકો જુદા હોય છે. આપણે કોઈને કહી શકતા નથી કે તેણે કેટલો દારૂ પીવો જોઈએ કે ન પીવો જોઈએ. આપણે બધાએ પોતે નિર્ણય લેવો પડશે કે ‘હું કેટલો પીઈશ?’ પણ એ નિર્ણય કેવી રીતે લઈ શકાય? ચાલો આપણે બાઇબલની સલાહ તપાસીએ.

૧૪. દારૂ પીવાની લિમિટ જાણવા માટે કયો બાઇબલ સિદ્ધાંત આપણને મદદ કરશે?

૧૪ બાઇબલ કહે છે: “સુજ્ઞાન તથા વિવેકબુદ્ધિ પકડી રાખ; તો તેઓ તારા આત્માનું જીવન, તથા તારા ગળાની શોભા થશે.” (નીતિવચનો ૩:૨૧, ૨૨) આ કલમોનો સિદ્ધાંત સાફ દેખાય આવે છે. જો દારૂ પીવાથી તમારું મગજ ધીમું પડી જાય અને તમે શરીર કે વિચારોને કાબૂ ન રાખી શકો, તો એ તમારા માટે બહુ કહેવાય. પછી ભલેને તમે ફક્ત એક જ ઘૂંટડો પીધો હોય. દરેકે પોતાની લિમિટ જાણવી જ જોઈએ!

૧૫. કયા કિસ્સામાં આપણે દારૂનો એક ઘૂંટડો પણ ન પીઈએ તો સારું?

૧૫ અમુક કિસ્સામાં એક ઘૂંટડો દારૂ પીવો પણ સારો નથી. જો કોઈ સ્ત્રી મા બનવાની હોય, તો તે નિર્ણય લઈ શકે કે પેટમાંના બાળકને લીધે તે કોઈ જાતનો આલ્કોહોલ પીશે નહિ. કોઈ પહેલાં શરાબી હોય, પણ હવે પીવાનું છોડી દીધું હોય, એની સામે પણ દારૂ પીવો સારો નથી, નહિતર તેમને ફરી પીવાનું મન થશે. જો શરાબ પીવાથી કોઈનું મન ડંખતું હોય, તો આપણે ન પીવું જોઈએ. યહોવાહે ઈસ્રાએલના યાજકોને કહ્યું: “મુલાકાતમંડપમાં જાઓ ત્યારે દ્રાક્ષારસ કે દારૂ ન પીઓ, રખેને તમે માર્યા જાઓ.” (લેવીય ૧૦:૮, ૯) એ ખૂબ મહત્ત્વનું છે કે આપણે મિટિંગમાં જતા પહેલાં દારૂ ન પીવો જોઈએ. આપણે પ્રચારમાં કે મંડળની બીજી કોઈ જવાબદારી ઉપાડતા પહેલાં પણ આલ્કોહોલ ન પીવો જોઈએ. જો આપણે એવા દેશમાં રહેતા હોય, જ્યાં શરાબની મનાઈ હોય, અથવા અમુક ઉંમર પછી જ પીવાય, તો આપણે એ દેશના નિયમો પાળવા જ જોઈએ.—રૂમી ૧૩:૧.

૧૬. જો કોઈ તમને દારૂની ઑફર કરે, તો તમારે કેવા નિર્ણયો લેવા જોઈએ?

૧૬ માનો કે તમે મિત્રના ઘરે ગયા. તે તમને દારૂની ઑફર કરે. ‘હા’ પાડતા પહેલાં વિચાર કરો કે ‘શું મારે પીવો જોઈએ?’ જો તમે ‘હા’ પાડો, તો નક્કી કરો કે તમે કેટલો પીશો. ભલેને તમારા મિત્રો તમને વધુ પીવાનું કહે, તમારી લિમિટથી એક ઘૂંટડો પણ વધારે પીશો નહિ. અમુક દેશોમાં લગ્‍ન જેવી મહેફિલમાં જોઈએ એટલો દારૂ મળતો હોય શકે. એવી જગ્યાઓએ આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. અમુક દેશોમાં બાળકો શરાબ પી શકે છે. જો એમ હોય તો માબાપની જવાબદારી છે કે તેઓ બાળકોને એ વિષે શિખામણ આપે. એક તો કે તેઓએ પીવો કે નહિ અને બીજું કે તેઓ પીવાના હોય તો કેટલો પીવો જોઈએ. એટલું જ નહિ, પછી તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે બાળકે ખરેખર કેટલો પીધો છે.—નીતિવચનો ૨૨:૬.

તમે શરાબની લતમાંથી છૂટી શકો

૧૭. આપણે શરાબના ગુલામ બન્યા છે કે નહિ એ તપાસવા કયા પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ?

૧૭ શું તમને હદ ઉપરાંત દારૂ પીવાની ટેવ છે? જો હોય તો ધ્યાન રાખો, નહિતર તમે ધીરે ધીરે શરાબી બની જશો! આ પ્રશ્નો પર બે વાર વિચાર કરો: ‘શું હું પહેલાં કરતાં વધારે દારૂ પીઉં છું? શું હું હવે વધારે આલ્કોહોલવાળો દારૂ પીવા માંડ્યો છું? શું હું ચિંતાઓ ઓછી કરવા માટે પીઉં છું? શું મારા કોઈ સગાં-વહાલાંએ મારી પીવાની ટેવ વિષે વાંધો ઉઠાવ્યો છે? વધુ પીવાથી શું પરિવારમાં કોઈ ઝઘડો થયો છે? શું મને દરરોજ દારૂ પીવા જોઈએ છે? જો હું અમુક દિવસો સુધી ન પીઉં તો શું મને એ અઘરું લાગશે? શું હું છાની-છૂપીથી દારૂ પી લઉં છું?’ જો તમે આ કોઈ પણ પ્રશ્નોનો જવાબ ‘હા’ કહો તો તમારી બૂરી આદત સુધારો. એવા માણસ ન બનો જે ‘પોતાનું સ્વાભાવિક મોં આરસીમાં જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો, એ તે તરત ભૂલી જાય છે.’ (યાકૂબ ૧:૨૨-૨૪) સુધારો કરવા તમે શું કરી શકો?

૧૮, ૧૯. જો તમને હદ બહાર દારૂ પીવાની ટેવ હોય, તો તમે કઈ રીતે એને સુધારી શકો છો?

૧૮ પ્રેષિત પાઊલે આપણને કહ્યું: “મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ.” (એફેસી ૫:૧૮) નક્કી કરો કે તમારી લિમિટ કેટલી છે અને એનાથી વધારે કંઈ ન પીઓ. તમારા વિચારો અને શરીર પર પૂરો કાબૂ રાખો. (ગલાતી ૫:૨૨, ૨૩) જો તમારા મિત્રો તમને વધુ પીવાનું અરજ કરે, તો શું? આ બાઇબલ સલાહ યાદ રાખો: “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.”—નીતિવચનો ૧૩:૨૦.

૧૯ શું તમે ટેન્શનને ઓછું કરવા માટે દારૂ પીઓ છો? જો એમ હોય, તો દારૂ પીવાને બદલે બાઇબલમાંથી માર્ગદર્શન લો. એ તમને લાભ થાય એવી રીતે મદદ કરશે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫) તમને વધારે મદદની જરૂર હોય તો, ચોક્કસ મંડળના વડીલો સાથે વાત કરો. યહોવાહની સંસ્થા દ્વારા માર્ગદર્શન સ્વીકારો. યહોવાહને તમારી કુટેવ અને નબળાઈઓ વિષે જણાવો. તેમની મદદ માંગો. યહોવાહને અરજ કરો કે તે તમારું ‘અંતઃકરણ તથા હૈયાને’ સાફ કરે. (ગીતશાસ્ત્ર ૨૬:૨) આપણે ગયા લેખમાં જોઈ ગયા તેમ, તન-મનથી સચ્ચાઈના માર્ગ પર ચાલતા રહો.

૨૦. જો તમારી કુટેવ ન સુધરે તો શું કરવું જોઈએ?

૨૦ જો તમે હદ બહાર દારૂ ન પીવા પૂરી કોશિશ કરો, છતાંય વધારે પીવાય જાય તો શું? ઈસુની આ સલાહ દિલમાં ઉતારો: “જો તારો હાથ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખ; તને બે હાથ છતાં નરકમાં ન હોલવાનાર અગ્‍નિમાં જવું, તેના કરતાં ઠૂંઠો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારૂં છે.” (માર્ક ૯:૪૩, ૪૪) આ સિદ્ધાંતનો અર્થ એ જ છે કે દારૂ પીવો જ નહિ. એક બહેનને આવો જ નિર્ણય લેવો પડ્યો. તે કહે છે: ‘હું શરાબી હતી. હવે બે વર્ષથી મેં એક ઘૂંટડો પણ પીધો નથી. પણ અમુક વાર હું વિચારું છું કે “એક ગ્લાસ પી લઉં તો કંઈ નહિ થાય.” પણ જ્યારે મને એવું લાગવા માંડે ત્યારે હું તરત જ પ્રાર્થના કરું છું. મેં મનમાં ગાંઠ વાળી છે કે યહોવાહની નવી દુનિયા આવે ત્યાં સુધી હું કદીયે દારૂ નહિ પીઉં. અરે, નવી દુનિયા આવે ત્યારે પણ હું પીઈશ કે નહિ, એ તો બીજી વાત છે.’ જો તમે દારૂને લીધે યહોવાહથી દૂર ચાલ્યા જતા હોવ તો, દારૂને છોડી દો. નહિતર, તમને યહોવાહની નવી દુનિયા જોવા મળશે નહિ!—૨ પીતર ૩:૧૩.

‘એવી રીતે દોડો કે તમને ઇનામ મળે’

૨૧, ૨૨. જીવનનું વરદાન મેળવવા માટે આપણે શાનાથી દૂર રહેવું જોઈએ? આપણે બાઇબલની કઈ સલાહ દિલમાં ઉતારવી જોઈએ?

૨૧ પાઊલે આપણા જીવનને દોડની હરીફાઈ સાથે સરખાવી હતી. તેમણે કહ્યું: “દોડવાની શરતમાં દોડનારા બધા ભાગ લે છે, પણ ઇનામ ફક્ત એકને જ મળે છે, એની શું તમને ખબર નથી? તમે પણ એવું દોડો કે તમને ઇનામ મળે. દરેક ખેલાડી કડક શિસ્તમાં રહીને તાલીમ લે છે. તેઓ તો કરમાઈ જનાર મુગટ મેળવવા માટે તેમ કરે છે; પણ આપણે તો સાર્વકાલિક મુગટ મેળવવા તેમ કરીએ છીએ. આથી હું લક્ષ્ય વગર દોડતો નથી. એટલે, હું મુક્કાબાજી કરનારા જેવો છું, પણ મુક્કાબાજી કરનાર પોતાની મુક્કીઓ નકામી મારશે નહિ. હું મારા શરીરને જ મુક્કીઓ મારીને સંપૂર્ણ રીતે કાબૂમાં રાખું છું. રખેને બીજાઓને શુભસંદેશ પ્રગટ કર્યા છતાં મને જ નાપસંદ કરવામાં આવે.”—૧ કોરીંથી ૯:૨૪-૨૭, પ્રેમસંદેશ.

૨૨ જેઓ અંત સુધી ટકી રહેશે, ફક્ત તેઓને જ ઇનામ મળશે. આપણે પણ હંમેશ માટેના જીવનની દોડમાં છીએ. પણ જો આપણે વધારે પડતો દારૂ પીએ કે શરાબી બનીએ તો આપણને એ ઇનામ મળશે નહિ. આપણે તન-મન પર કાબૂ રાખવાની જરૂર છે. સચ્ચાઈના માર્ગ પર દોડવા માટે આપણે ‘મદ્યપાનમાં મગ્‍ન રહેવાથી’ કે શરાબીપણાથી દૂર રહેવું જ જોઈએ. (૧ પીતર ૪:૩) ચાલો આપણે બધી વાતે સંયમ રાખીએ. શરાબ પીવાની વાત આવે છે ત્યારે, ચાલો આપણે ‘અધર્મી જીવન અને દુન્યવી વાસનાઓને ત્યજી દઈએ અને આ દુનિયામાં સંયમી, સીધું અને પવિત્ર જીવન જીવીએ.’—તીતસ ૨:૧૨, પ્રેમસંદેશ.

[ફુટનોટ્‌સ]

^ જ્યારે ગુજરાતી બાઇબલમાં “દ્રાક્ષારસ” શબ્દ જોવા મળે છે, ત્યારે એ દ્રાક્ષનો રસ નહિ, પણ લાલ શરાબને (વાઈન) બતાવે છે.

^ આ લેખમાં આપણે “આલ્કોહોલ” માટે મોટા ભાગે “શરાબ” કે “દારૂ” શબ્દ વાપર્યા છે. પણ એ કોઈ પણ આલ્કોહોલવાળાં પીણાંને રજૂ કરી શકે. જેમ કે બીયર, વાઈન અને વ્હીસ્કી જેવા પીણાં.

શું તમને યાદ છે?

• હદ બહાર દારૂ પીવો એટલે શું?

• હદ બહાર દારૂ પીવાથી શું નુકસાન થાય છે?

• આપણે કઈ રીતે હદ ઉપરાંત દારૂ પીવાથી દૂર રહી શકીએ?

• વધારે પડતો દારૂ પીવાની કુટેવ કઈ રીતે સુધારી શકાય?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૯ પર ચિત્ર]

દ્રાક્ષારસ “માણસના હૃદયને આનંદ” પમાડે છે

[પાન ૨૦ પર ચિત્ર]

આપણે લિમિટમાં દારૂ પીવો જોઈએ

[પાન ૨૧ પર ચિત્ર]

પહેલેથી નક્કી કરો કે તમે કેટલું પીશો

[પાન ૨૨ પર ચિત્ર]

યહોવાહને તમારી નબળાઈઓ વિષે પ્રાર્થનામાં વારંવાર જણાવો

[પાન ૨૩ પર ચિત્ર]

માબાપની જવાબદારી છે કે તેઓ બાળકોને આલ્કોહોલ વિષે શિખામણ આપે