સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારે ખરું-ખોટું કઈ રીતે પારખવું જોઈએ?

તમારે ખરું-ખોટું કઈ રીતે પારખવું જોઈએ?

તમારે ખરું-ખોટું કઈ રીતે પારખવું જોઈએ?

ખરું-ખોટું પારખવાના ધોરણો નક્કી કરવાનો હક્ક કોને છે? માનવ ઇતિહાસની શરૂઆતથી આ પ્રશ્ન ઊભો છે. બાઇબલનું ઉત્પત્તિનું પુસ્તક જણાવે છે તેમ, પરમેશ્વરે એદન બાગમાં “ભલુંભૂંડું જાણવાનું વૃક્ષ” ઉગાડ્યું હતું. (ઉત્પત્તિ ૨:૯) તેમણે આદમ અને હવાને એ વૃક્ષનું ફળ ન ખાવાની આજ્ઞા આપી હતી. પરંતુ, પરમેશ્વરના શત્રુ શેતાને આદમ અને હવાને કહ્યું કે એ વૃક્ષનું ફળ ખાવાથી, “તમારી આંખો ઊઘડી જશે, ને તમે દેવના જેવાં ભલુંભૂંડું જાણનારાં થશો.”—ઉત્પત્તિ ૨:૧૬, ૧૭; ૩:૧, ૫; પ્રકટીકરણ ૧૨:૯.

હવે આદમ અને હવાને નિર્ણય કરવાનો હતો કે તેઓ પરમેશ્વરની આજ્ઞા પાળશે કે પછી પોતાને જે સારું લાગે એ કરશે? (ઉત્પત્તિ ૩:૬) તેઓએ પરમેશ્વરની આજ્ઞા ન પાળી અને મના કરેલા વૃક્ષનું ફળ ખાધું. એનો શું અર્થ થયો? ફળ ખાઈને તેઓએ જાહેર કર્યું કે પોતે અને પોતાના વંશજો જાતે જ ખરું-ખોટું પારખવાના ધોરણો નક્કી કરશે. પણ માણસજાતને એ ધોરણો બેસાડવામાં કેટલી સફળતા મળી છે?

જુદા જુદા વિચારો

સદીઓથી જાણીતા લોકોના શિક્ષણને તપાસ્યા પછી એન્સાયક્લોપીડિયા બ્રિટાનીકા કહે છે કે, ગ્રીક ફિલોસોફર સૉક્રેટિસથી લઈને ૨૦મી સદી સુધી “હજી એ વિવાદ ચાલી રહ્યો છે કે ભલાઈ કોને કહેવાય અને ખરાં-ખોટાંનાં ધોરણો શું છે.”

દાખલા તરીકે, ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં ગ્રીક શિક્ષકોનું ગ્રૂપ ફિલોસોફરો તરીકે ખૂબ પ્રખ્યાત હતું. તેઓએ શીખવ્યું કે લોકોમાં પ્રચલિત હોય એવી માન્યતા કે વિચારોથી ખરું-ખોટું પારખવાનાં ધોરણો નક્કી કરવા જોઈએ. આવા જ એક શિક્ષકે કહ્યું: “કોઈ શહેરમાં લોકો નક્કી કરે કે અમુક માન્યતા કે ધોરણો તેઓના માટે વાજબી અને સારા છે તો, એ નિર્ણય તેઓ પર છે. પરંતુ દરેક શહેર માટે એ નિર્ણય સરખો ન પણ હોય.” જો આ શિક્ષકની માન્યતા સ્વીકારીએ તો, આગલા લેખમાં ઉલ્લેખ કરેલ જોડીએ રૂપિયા પોતાની પાસે રાખી લેવા જોઈએ. કેમ કે, તેના સમાજ અથવા “શહેરમાં” મોટા ભાગના લોકો એમ જ કરતા હતા.

અઢારમી સદીના ફિલોસોફર, ઈમાનુએલ કાન્તે એકદમ અલગ વિચાર મૂક્યો. નૈતિક સિદ્ધાંતોની ચર્ચા નામનું છાપું કહે છે: ‘ઈમાનુએલ કાન્ત અને તેના જેવા બીજા ફિલોસોફરો એ વાત પર ભાર મૂકે છે કે ખરાં-ખોટાંનો નિર્ણય વ્યક્તિએ પોતે લેવાનો છે.’ કાન્તની ફિલસુફી પ્રમાણે, જ્યાં સુધી જોડી બીજાનું કંઈક ખરાબ ન કરે તો જે તે કરે એ તેમના પર છે. તેણે પોતાના સમાજની જેમ જ વિચારીને ખરું-ખોટું નક્કી કરવું જોઈએ નહિ.

તો પછી, આગલા લેખમાં જોયું તેમ જોડીએ શું કર્યું? તેણે ત્રીજો જ નિર્ણય લીધો. તે ઈસુ ખ્રિસ્તના ઉપદેશ પ્રમાણે ચાલ્યો. હા, ઈસુએ જે ધોરણો આપ્યા એની ખ્રિસ્તીઓ અને બીજા ઘણા લોકો પણ પ્રશંસા કરતા આવ્યા છે. ઈસુએ શીખવ્યું: “જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.” (માત્થી ૭:૧૨) જોડીએ તેની ગ્રાહકને ૮૨,૦૦૦ યુએસ ડોલર આપ્યા ત્યારે તે દંગ થઈ ગઈ. તેણે જોડીને પૂછ્યું કે ‘તેં શા માટે એ રૂપિયા રાખી ન લીધા?’ ત્યારે તેણે સમજાવ્યું કે ‘હું યહોવાહનો સાક્ષી છું અને “એ પૈસા મારા નથી.”’ જોડીને લાગ્યું કે તેણે માત્થી ૧૯:૧૮માં જોવા મળતી ઈસુની આ સલાહને વળગી રહેવું જોઈએ: “તું ચોરી ન કર.”

શું પ્રખ્યાત માન્યતા પર ભરોસો મૂકવો જોઈએ?

અમુક લોકોને લાગી શકે કે ‘જોડી તો મૂર્ખ છે, આ જમાનામાં કંઈ પ્રમાણિક રહેવાય?’ પરંતુ, પ્રખ્યાત વિચારો પર આપણે પૂરો ભરોસો ન રાખવો જોઈએ. દાખલા તરીકે, અગાઉના જમાનામાં ઘણી જગ્યાએ લોકો બાળકોનો ભોગ આપતા હતા. અમુક સમાજમાં એ સામાન્ય હતું. જો તમારો સમાજ પણ એને સામાન્ય ગણતો હોય તો, શું તમે પણ એ માન્યતા સ્વીકારી લેશો? (૨ રાજાઓ ૧૬:૩) બીજું, જો તમારા સમાજમાં લોકો માનતા હોય કે માનવ માંસ ખાવામાં કંઈ વાંધો નથી તો શું? તમે પણ શું એમ વિચારશો કે માનવીઓનું માંસ ખાવામાં કંઈ વાંધો નથી. મોટા ભાગના લોકો જે માનતા હોય અને વિચારતા હોય એ કંઈ ખરું હોતું નથી. હજારો વર્ષો પહેલાં બાઇબલે આ વિષે ચેતવણી આપી હતી: “ઘણાઓનું અનુસરણ કરીને તું દુષ્ટતા ન કર.”—નિર્ગમન ૨૩:૨.

ખરું-ખોટું પારખવા માટે પ્રખ્યાત વિચારોથી સાવધ રહેવા ઈસુએ બીજું એક કારણ પણ આપ્યું. તેમણે શેતાનને “આ જગતનો અધિકારી” તરીકે ખુલ્લો પાડ્યો. (યોહાન ૧૪:૩૦; લુક ૪:૬) એ કારણે શેતાન આખી “પૃથ્વીને” આડે રસ્તે દોરી રહ્યો છે. (પ્રકટીકરણ ૧૨:૯) તેથી, જો તમે પ્રખ્યાત વિચારોને ધ્યાનમાં રાખીને ખરું-ખોટું નક્કી કરતા હોવ તો, કદાચ તમે શેતાનના વિચારો અપનાવી રહ્યા છો. ખરેખર, તેના વિચારો વિનાશ તરફ લઈ જાય છે.

શું પોતાના નિર્ણય પર ભરોસો મૂકવો જોઈએ?

શું આપણે દરેકે ખરું શું અને ખોટું શું છે એ જાતે જ નક્કી કરવું જોઈએ? ધર્મશાસ્ત્ર કહે છે: “તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.” (નીતિવચનો ૩:૫) શા માટે? કેમ કે આપણને સર્વને વારસામાં પાપ અને અપૂર્ણતા મળ્યા છે. તેથી આપણે ખોટા નિર્ણય કરી બેસી શકીએ. આદમ અને હવાએ પરમેશ્વર વિરુદ્ધ બળવો કરીને દગાબાજ શેતાનના સ્વાર્થી ધોરણો અપનાવ્યાં. એટલું જ નહિ, તેઓએ શેતાનને પિતા તરીકે પસંદ કર્યો. પછીથી તેઓએ પોતાનાં બાળકોને પણ વારસામાં એ જ ધોરણો આપ્યાં. આમ, આપણું હૃદય કપટી છે. ખરું શું છે એ જાણવા છતાં આપણું હૃદય ખોટું જ કરવા તરફ ઢળે છે.—ઉત્પત્તિ ૬:૫; રૂમી ૫:૧૨; ૭:૨૧-૨૪.

નૈતિક ધોરણો પર વધારે ચર્ચા કરતા એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા જણાવે છે: “ખરું શું છે એ લોકો જાણે છે. તેમ છતાં, તેઓ એ જ કરે છે જેનાથી તેઓને ફાયદો થાય. આવા લોકોને ખરું શું છે એ સમજાવવું એક મોટી સમસ્યા છે, ખાસ કરીને પશ્ચિમના દેશોમાં.” ધર્મશાસ્ત્ર સાચે જ જણાવે છે: “હૃદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે; તેને કોણ જાણી શકે?” (યિર્મેયાહ ૧૭:૯) જો કોઈ વ્યક્તિ કપટી હોય તો, શું આપણે તેના પર ભરોસો મૂકીશું? જરાય નહિ.

જે લોકો નાસ્તિક છે તેઓ પણ સાચા-ખોટાનો ભેદ અમુક હદે જાણે છે. તેઓ ઘણા સારા સારા નિયમો પણ ઘડી શકે છે. પણ ખરેખર તો એવા નિયમોનું મૂળ બાઇબલમાં છે. બાઇબલ બતાવે છે કે ‘પરમેશ્વરે મનુષ્યને પોતાના જેવો બનાવ્યો.’ એટલે માણસો પરમેશ્વરની જેમ સદ્‍ગુણો બતાવી શકે છે. (ઉત્પત્તિ ૧:૨૭; પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૬-૨૮) પ્રેષિત પાઊલે કહ્યું: “તેઓના અંતઃકરણમાં નિયમ લખેલો છે તે તેઓનાં કામ દેખાડી આપે છે.”—રૂમી ૨:૧૫.

તોપણ, આપણે બધા એ જરૂર સ્વીકારીશું કે ખરી બાબત જાણવી અને એ પ્રમાણે કરવામાં આભ-જમીનનો ફરક છે. તો પછી, ખરું હોય એ જ કરવા આપણને ક્યાંથી મદદ મળી શકે? આપણે કંઈ પણ કામ હૃદયથી કરવા પ્રેરાઈએ છીએ. બાઇબલના મૂળ લેખક, યહોવાહ પરમેશ્વર પ્રત્યે સાચો પ્રેમ કેળવવાથી આપણને ખરું હોય એ જ કરવા મદદ મળશે.—ગીતશાસ્ત્ર ૨૫:૪, ૫.

સારું કરવાની શક્તિ મેળવવી

પરમેશ્વર માટે પ્રેમ કેળવવા પ્રથમ આપણે શું કરવું જોઈએ? પહેલા એ જોવું જોઈએ કે તેમની આજ્ઞાઓ કેટલી વાજબી છે. પ્રેષિત યોહાને કહ્યું: “આપણે દેવની આજ્ઞાઓ પાળીએ, એ જ દેવ પરનો પ્રેમ છે; અને તેની આજ્ઞાઓ ભારે નથી.” (૧ યોહાન ૫:૩) દાખલા તરીકે, બાઇબલમાં ઘણી સરસ સલાહ આપેલી છે. દારૂ પીવા, ડ્રગ્સ લેવા, કે લગ્‍ન પહેલાં સેક્સ માણવા વિષે યુવાનોને ખરું-ખોટું નક્કી કરવા એમાંથી મદદ મળી શકે. પરિણીત યુગલો માટે પણ બાઇબલમાં સલાહ છે કે તેઓએ કઈ રીતે મતભેદો થાળે પાડવા. માબાપે કઈ રીતે બાળકોને ઉછેરવા એ વિષે પણ એમાં માર્ગદર્શન આપેલું છે. * લોકો ભલે કોઈ પણ સમાજ કે દેશના હોય, તેઓ બાઇબલના ધોરણોને લાગુ પાડે છે ત્યારે તેઓને જરૂર લાભ થાય છે.

સારા ખોરાકથી આપણને જીવવા શક્તિ મળે છે. એ જ રીતે, દરરોજ બાઇબલ વાંચવાથી આપણને શક્તિ મળે છે, જેથી આપણે પરમેશ્વરના ધોરણો પ્રમાણે જીવી શકીએ. ઈસુએ બાઇબલનાં વચનોની સરખામણી જીવન ટકાવનાર રોટલી સાથે કરી હતી. (માત્થી ૪:૪) તેમણે એમ પણ કહ્યું: “જેણે મને મોકલ્યો છે, તેની ઇચ્છા પૂરી કરવી, અને તેનું કામ પૂર્ણ કરવું, એ મારૂં અન્‍ન છે.” (યોહાન ૪:૩૪) આમ, ઈશ્વરનાં વચનોમાંથી ઈસુને એવી શક્તિ મળી જેનાથી તે લાલચોનો સામનો કરી શક્યા. તેમ જ સારા નિર્ણયો પણ લઈ શક્યા.—લુક ૪:૧-૧૩.

જોકે શરૂઆતમાં પરમેશ્વરનાં વચનો હૃદયમાં ઉતારવા અને તેમના ધોરણો પ્રમાણે ચાલવું તમને અઘરું લાગી શકે. પણ યાદ કરો, તમે નાના હતા ત્યારે અમુક ખાવાની વસ્તુઓ કદાચ તમને નહિ ભાવતી હોય. પણ તમારા માટે એ સારી હોવાથી તમે ધીરે ધીરે એ ખાવાનું શીખ્યા હતા. એવી જ રીતે, પરમેશ્વરનાં ધોરણો પ્રમાણે જીવવા માટે કદાચ તમને સમય લાગી શકે. પણ જો તમે એમાં લાગુ રહેશો તો, એ ધોરણો માટે તમારો પ્રેમ વધશે અને પરમેશ્વરની સેવામાં તમે વધુ મજબૂત થશો. (ગીતશાસ્ત્ર ૩૪:૮; ૨ તીમોથી ૩:૧૫-૧૭) વળી તમે યહોવાહ પર ભરોસો મૂકવાનું શીખશો અને “ભલું” કરવા પ્રેરાશો.—ગીતશાસ્ત્ર ૩૭:૩.

જોડીએ જે પરિસ્થિતિનો સામનો કર્યો એવું કદાચ તમારી સાથે ન પણ થાય. પરંતુ, આપણે દરેકે રોજ નાના-મોટા નિર્ણયો લેવાના હોય છે. એટલે જ બાઇબલ વિનંતી કરે છે: “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.” (નીતિવચનો ૩:૫, ૬) યહોવાહ પર ભરોસો કેળવવાથી આપણને જીવનમાં ઘણા જ લાભ થાય છે. એટલું જ નહિ, એનાથી હંમેશ માટે આ ધરતી પર સુખ-શાંતિમાં જીવવાની તક પણ ખુલશે. યહોવાહ પરમેશ્વરની આજ્ઞાઓ પાળીને જ આપણે અનંતજીવન પામી શકીએ છીએ.—માત્થી ૭:૧૩, ૧૪.

[ફુટનોટ]

^ પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે અને કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તકમાં બાઇબલની સલાહ અને બીજી માહિતી આપેલી છે. આ પુસ્તકો યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યાં છે.

[પાન ૬ પર બ્લર્બ]

પ્રખ્યાત વિચારો શેતાન તરફથી હોય શકે

[પાન ૫ પર ચિત્ર]

સદીઓથી ફિલોસોફરો ખરું શું ને ખોટું શું છે એના પર વિવાદ કરી રહ્યા છે

સૉક્રેટિસ

કાન્ત

કન્ફ્યુશિયસ

[પાન ૫ પર ચિત્ર]

કાન્ત: From the book The Historian’s History of the World; સૉક્રેટિસ: From the book A General History for Colleges and High Schools; કન્ફ્યુશિયસ: Sung Kyun Kwan University, Seoul, Korea

[પાન ૭ પર ચિત્ર]

બાઇબલ આપણને ખરું-ખોટું પારખવામાં જ મદદ કરતું નથી, પણ ખરું હોય એ જ કરવા પ્રેરે છે