‘મારે શું કરવું જોઈએ?’
‘મારે શું કરવું જોઈએ?’
જોડી નામના એક ભાઈનો મિલકતની લે-વેચ કરવાનો ધંધો છે. તે મરણ પામેલી વ્યક્તિની મિલકત વેચવામાં મદદ કરે છે. એક વાર તે એક સ્ત્રીને તેની મરણ પામેલી બહેનની ઘરવખરી અલગ પાડીને વેચવામાં મદદ કરી રહ્યો હતો. ઘરની જૂની તાપવાની સગડીની આસપાસ તપાસ કરતા તેને બે બૉક્સ જોવા મળ્યા. તેણે એક બૉક્સ ખોલીને જોયું તો તેની આંખો પહોળી થઈ ગઈ! જોડીને પોતાની આંખો પર વિશ્વાસ જ ન બેઠો. એ બૉક્સમાં ફોઈલ પેપરમાં વીંટાળેલી સો સો ડોલરની નોટો હતી! કુલ મળીને રોકડા ૮૨,૦૦૦ ડોલર! આશરે ૩૮ લાખ રૂપિયા! એ વખતે જોડી એકલો જ રૂમમાં હતો. તેણે શું કરવું જોઈએ? શું તેણે ચૂપચાપ રૂપિયા લઈ લેવા જોઈએ કે પોતાની ગ્રાહકને એ વિષે કહેવું જોઈએ?
જોડી વિચારમાં પડી ગયો. જોકે માણસો વિચારી શકે છે. પરંતુ, પ્રાણીઓ એવી રીતે વિચારી શકતા નથી. એ વિષે ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા જણાવે છે: “મનુષ્યોમાં પોતાને યોગ્ય પ્રશ્નો પૂછવાનો ખાસ ગુણ છે. જેમ કે પોતે શું કરવું અને શું ન કરવું જોઈએ.” જો કોઈ ભૂખ્યા કૂતરાને માંસનો ટુકડો દેખાશે તો, તે તરત ખાઈ લેશે. તે એમ નહિ વિચારે કે તેણે ખાવું જોઈએ કે નહિ. જ્યારે જોડી પોતે વિચાર કરી શકતો હતો કે એ પૈસા લેવા કે નહિ. ખરું કે તે પૈસા રાખી લે તો કોઈ જાણવાનું ન હતું. તે એ પણ જાણતો હતો કે ચૂપચાપ પૈસા લઈ લેવા એ તો ચોરી કહેવાય, કેમ કે એ પૈસા તેના ન હતા. જોકે તેના ગ્રાહકને પણ એ વિષે કંઈ ખબર નથી. વધુમાં, જો જોડી ગ્રાહકને રૂપિયા પાછા આપે તો, સમાજના લોકો તેને મૂર્ખ ગણે.
જો જોડીની જગ્યાએ તમે હોવ તો શું કર્યું હોત? તમારો જવાબ બતાવશે કે તમે જીવનમાં કેવા સિદ્ધાંતો પર ચાલો છો.
શું સાચું અને શું ખોટું?
વર્ષોથી ધર્મએ સિદ્ધાંતો બનાવ્યા છે, જે લોકોને બતાવે છે કે જીવન કેવી રીતે જીવવું. ઘણા
સમાજમાં હજી ધર્મશાસ્ત્ર બાઇબલની ઊંડી અસર છે. તોપણ, આખી દુનિયામાં જોવા જઈએ તો, ઘણા લોકોએ ધાર્મિક નીતિ-નિયમોને છોડી દીધા છે. તેઓએ બાઇબલના સિદ્ધાંતોને પણ જુનવાણી ગણીને બાજુ પર મૂકી દીધા છે. શા માટે? વેપાર-ધંધામાં નૈતિક સિદ્ધાંતો નામનું (અંગ્રેજી) પુસ્તક કહે છે: ‘પહેલા ધર્મો સિદ્ધાંતો બનાવતા હતા. પણ હવે ભણેલા-ગણેલા લોકો એ નક્કી કરે છે.’ તેથી, ઘણા લોકો સલાહ માટે ધર્મ તરફ ફરવાને બદલે ભણેલા-ગણેલા સલાહકારો તરફ ફરે છે. નીતિ કે સદાચાર શીખવતા પ્રોફેસર પોલ મકનીલ કહે છે: ‘સાચું શું ને ખોટું શું એ હવે માણસ પોતે નક્કી કરે છે. અગાઉ ધર્મ એ નક્કી કરતો હતો પણ હવે એવું કંઈ રહ્યું નથી.’તમારે કોઈ મુશ્કેલ નિર્ણય લેવાનો હોય તો, તમે કઈ રીતે ખરું-ખોટું પારખશો? શું તમે પરમેશ્વરના ઊંચા ધોરણો અપનાવશો કે પછી તમારા પોતાના?