સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહે મને કસોટીમાં ટકાવી રાખી

યહોવાહે મને કસોટીમાં ટકાવી રાખી

મારો અનુભવ

યહોવાહે મને કસોટીમાં ટકાવી રાખી

આના ડેન્ટ્‌સ ટરપીનના જણાવ્યા પ્રમાણે

હું નાની નાની વાતમાં પણ હંમેશાં મારા માબાપ પર પ્રશ્નોનો મારો ચલાવતી. ઘણી વાર મમ્મી મજાકમાં મને કહેતી પણ ખરી કે, “હંમેશાં તારું ‘શા માટે’ તો હોય જ!” પણ મારા પ્રશ્નોના લીધે તેઓ ક્યારેય મારા પર ગુસ્સો કરતા નહિ. તેઓએ મને બાઇબલનું સારું શિક્ષણ આપ્યું હતું. આથી, જ્યારે હું પ્રશ્નો પૂછતી ત્યારે તેઓ હંમેશાં મને કારણ આપતા. અને મને મારા અંતઃકરણ મુજબ નિર્ણય લેવા દેતા. એ તાલીમ મારા માટે કેવો આશીર્વાદ પુરવાર થઈ! હું ૧૪ વર્ષની હતી ત્યારે, એક દિવસ નાત્ઝી સૈનિકોએ મારા માબાપને મારાથી હંમેશ માટે જુદા કરી દીધા. ત્યારે આ તાલીમ ખૂબ કામ આવી.

મારા માબાપ જર્મનીના લવરચ શહેરમાં રહેતા હતા. આ શહેર સ્વિટ્‌ઝર્લૅન્ડની સરહદે આવેલું છે. પપ્પા આસ્કર ડેન્ટ્‌સ અને મમ્મી આના મરાયા યુવાનીમાં રાજકારણમાં ડૂબેલા હતા. એના લીધે સમાજમાં તેમનું સારું માનપાન હતું. પણ લગ્‍નના થોડા જ સમય પછી, ૧૯૨૨માં રાજકારણમાંથી તેઓનો રસ ઊઠી ગયો. એ સાથે તેઓના જીવનના ધ્યેયો પણ બદલાઈ ગયા. શું થયું હતું? મમ્મીએ બાઇબલ વિદ્યાર્થીઓ પાસેથી બાઇબલ શીખવાનું શરૂ કર્યું. યહોવાહના સાક્ષીઓ એ સમયે બાઇબલ વિદ્યાર્થીઓ તરીકે જાણીતા હતા. મમ્મીને એ જાણીને ખૂબ આનંદ થયો કે પરમેશ્વરનું રાજ્ય જલદી જ પૃથ્વી પર આવશે અને હંમેશ માટેની શાંતિ લાવશે. મારા પપ્પા પણ બાઇબલ અભ્યાસમાં જોડાયા. તેઓએ બાઇબલ વિદ્યાર્થીઓની સભાઓમાં જવાનું શરૂ કર્યું. પપ્પાએ એ વર્ષની નાતાલે મમ્મીને ધ હાર્પ ઑફ ગોડ નામનું બાઇબલ વિષેનું પુસ્તક પણ આપ્યું. પછી હું માર્ચ ર૫, ૧૯૨૩માં જન્મી. હું મારા માબાપનું એકનું એક સંતાન હતી.

માબાપ સાથે વિતાવેલી બચપણની એ પળો મને હજુયે યાદ છે! અમે ઉનાળામાં બ્લેક ફોરેસ્ટના શાંત જંગલોમાં પ્રવાસે જતા હતા. ઘણી વાર મમ્મી મને રસોઈ પણ શીખવતી. હું રસોઈ કરતી હોવ ત્યારે મમ્મી રસોડામાં ઊભી ઊભી જોતી કે હું કઈ રીતે કામ કરું છું. એ યાદો આજે પણ એવી જ તાજી છે. મારા માબાપે મને એક સૌથી મહત્ત્વની બાબત શીખવી. એ શું હતી? યહોવાહ પરમેશ્વરમાં ભરોસો મૂકવો અને તેમને પ્રેમ કરવો.

અમારા મંડળમાં લગભગ ૪૦ ઉત્સાહી ભાઈબહેનો હતા. રાજ્ય વિષે બીજાઓને જણાવવાની મારા માબાપમાં એક ખાસ આવડત હતી. તેઓ પહેલાં સામાજિક પ્રવૃત્તિઓમાં આગળ પડતા હોવાથી બીજાઓ સાથે સહેલાયથી વાત કરી શકતા. લોકો પણ આદરથી તેઓનું સાંભળતા હતા. હું સાત વર્ષની થઈ ત્યારે, મારે પણ ઘર ઘરનો પ્રચાર કરવો હતો. પહેલા દિવસે હું પ્રચારમાં નીકળી ત્યારે, જેમની સાથે કામ કરતી હતી એ બહેને મારા હાથમાં અમુક સાહિત્ય આપ્યું. તેમણે એક ઘર બતાવતા કહ્યું: “તેઓને આ સાહિત્ય જોઈએ છે કે કેમ એ જઈને જો.” પછી ૧૯૩૧માં, અમે સ્વિટ્‌ઝર્લૅન્ડના બેસલમાં બાઇબલ વિદ્યાર્થીઓના સંમેલનમાં ગયા. મારા માબાપે ત્યાં બાપ્તિસ્મા લીધું.

જુલમની શરૂઆત

એ દિવસોમાં જર્મનીમાં બહુ ધમાલ ચાલતી હતી. રાજકીય પક્ષો ખુલ્લેઆમ હિંસા પર ઊતરી આવ્યા હતા. એક રાત્રે અચાનક પડોશીની ઘરમાંથી આવતી ચીસોના લીધે હું જાગી ગઈ. બે તરુણોએ પોતાના મોટા ભાઈને ખેતીના ધારદાર ઓજારથી મારી નાખ્યા હતા. કારણ? તેઓ એકબીજાના રાજકીય વિચારો સાથે સહમત ન હતા. વધુમાં યહુદીઓ સામેની નફરત પણ દિવસે દિવસે આગની જેમ વધી રહી હતી. અમારી સ્કૂલમાં એક યહુદી છોકરી હતી. તેની સાથે નાત બહાર જેવો વ્યવહાર કરવામાં આવતો. તેણે એક ખૂણામાં ઊભા રહેવું પડતું. મને તેની ખૂબ દયા આવતી. પણ મને શું ખબર કે એક દિવસે મારી હાલત પણ એના જેવી જ થવાની છે.

જાન્યુઆરી ૩૦, ૧૯૩૩માં એડોલ્ફ હિટલર જર્મનીનો પ્રમુખ બન્યો. અમે જોયું કે અમારી શાળાથી બે બ્લોક દૂર શહેરની સરકારી ઑફિસ પર નાત્ઝીના વિજયનો સ્વસ્તિક ઝંડો લહેરાવવામાં આવ્યો. અમારી શાળાના એક શિક્ષકે અમને “હૅઈલ હિટલર” એટલે કે હિટલરનો જયજયકાર કરવાનું શીખવ્યું. એ દિવસે બપોરે મેં પપ્પાને એ વિષે વાત કરી. તે થોડા ચિંતિત થઈ ગયા. તેમણે મને કહ્યું, “એ સારું નથી, કેમ કે ‘હૅઈલનો’ અર્થ તારણ થાય છે. તેથી, જો આવી રીતે આપણે હિટલરનો જયજયકાર કરીએ તો એનો અર્થ એ થાય કે આપણે તારણ માટે યહોવાહ પર નહિ પણ હિટલર પર આધાર રાખીએ છીએ. મને આ યોગ્ય લાગતું નથી. પણ તારે શું કરવું એ તું જાતે નિર્ણય લે.”

મેં હિટલરને સલામી નહિ આપવાનું નક્કી કર્યું. એના લીધે ક્લાસના વિદ્યાર્થીઓ મારી સાથે અછૂત જેવો વ્યવહાર કરવા લાગ્યા. શિક્ષક ન જોતા હોય ત્યારે કેટલાક છોકરાઓ તો મને મારતા પણ હતા. હું એને બહુ ધ્યાન પર લેતી ન હોવાથી તેઓએ મને હેરાન કરવાનું છોડી દીધું. મારી સહેલીઓએ મને કહ્યું કે હવેથી તેઓ મારી સાથે નહિ રમે. કેમ કે તેમના માબાપે મના કરી હતી. તેમને એમ લાગતું કે મારી સાથે રમવામાં બહુ જોખમ છે.

જર્મની પર પૂરો કબજો જમાવી દીધાના બે મહિના પછી, નાત્ઝીઓએ યહોવાહના સાક્ષીઓ દેશ માટે ખતરો છે એવું કહીને તેઓ પર પ્રતિબંધ મૂકી દીધો. હિંસા ભડકાવનારા નાત્ઝી સૈનિકોએ મેગ્ડેબર્ગમાં બેથેલ બંધ કરાવી દીધું. તેમ જ આપણી સભાઓ પર પણ પ્રતિબંધ મૂકી દીધો. પરંતુ, અમે સરહદ પર રહેતા હોવાથી, મારા પપ્પાએ સરહદ પાર કરીને સ્વિટ્‌ઝર્લૅન્ડના બેસલમાં જવાની રજા મેળવી લીધી. ત્યાં અમે રવિવારની સભાઓમાં જતા હતા. પપ્પા હંમેશાં કહેતા કે જર્મનીના ભાઈઓને આવનાર મુશ્કેલીઓનો સામનો કરવા આત્મિક ખોરાકની જરૂર છે. કાશ, હું તેઓ માટે કંઈક કરી શકું તો કેટલું સારું!

જુલમમાં વધારો

મેગ્ડેબર્ગમાં બેથેલ બંધ થઈ ગયા પછી, ત્યાંના જુલિયસ રીફલ નામના ભાઈ પોતાના ગામ લવરચમાં પાછા આવ્યા. તેઓ છાની રીતે પ્રચારની ગોઠવણ કરવા માંગતા હતા. મારા પપ્પા તેમને મદદ કરવા તૈયાર થઈ ગયા. તેમણે મને અને મમ્મીને બેસાડીને સમજાવ્યું કે પોતે સ્વિટ્‌ઝર્લૅન્ડથી જર્મનીમાં બાઇબલ સાહિત્ય લાવવા મદદ કરવાનું વચન આપ્યું છે. તેમણે કહ્યું કે આ બહુ જ જોખમી કામ છે, એમાં તેમને કોઈ પણ સમયે જેલની સજા થઈ શકે. આ કામ અમારા માટે પણ જોખમી હતું. એના લીધે તે અમને કોઈ પ્રકારનું દબાણ કરવા માંગતા ન હતા. પરંતુ, મમ્મીએ તરત જ કહ્યું કે, “હું તમારી સાથે છું.” ત્યાર પછી બંને મારી સામે જોવા લાગ્યા, અને મેં કહ્યું: “હું પણ તમારી સાથે છું.”

મારી મમ્મીએ ચોકીબુરજ મૅગેઝિન સમાઈ જાય એવા ખાનાવાળા પાકીટ પોતાને હાથે બનાવ્યા. તે એ પાકીટમાં મૅગેઝિન મૂકીને બીજી બાજુથી બંધ કરી દેતી. તેણે પપ્પાના કપડાંમાં પણ ચોર ખિસ્સા બનાવ્યા. તેણે બે પેટીકોટ પણ બનાવ્યા કે જેમાં અમે બંને છાની છૂપી રીતે નાના બાઇબલ સાહિત્ય લઈ આવતા. દર વખતે અમે સાહિત્ય લઈ આવ્યા પછી યહોવાહનો ઘણો આભાર માનતા. પછી અમારા ઘરના માળિયા પર સાહિત્ય સંતાડી દેતા.

શરૂઆતમાં તો નાત્ઝીઓને અમારા કોઈના પર શક ગયો નહિ. તેઓએ કદી અમારી પૂછપરછ ન કરી કે અમારા ઘરમાં તપાસ પણ કરી નહિ. તેમ છતાં, અમે અમુક સાંકેતિક ભાષા વાપરવાનું નક્કી કર્યું. કોઈ મુશ્કેલી આવી પડે તો, ભાઈબહેનોને ચેતવવા અમે ૪૭૧૧ નંબરનો ઉપયોગ કરતા. આ નંબર પ્રખ્યાત સુગંધી કોલનનો હતો. જો ઘરે આવવામાં જોખમ હોય તો, અમે કંઈક રીતે આ નંબર બતાવીને તેઓને ચેતવી દેતા. મારા પપ્પાએ તેઓએ એમ પણ કહ્યું કે ઘરમાં આવતા પહેલાં અમારા બેઠકરૂમની બારીઓ જોવી. જો ડાબી બાજુની બારી ખુલ્લી હોય તો, કંઈક ગરબડ છે. આથી, તેઓએ ત્યાંથી સરકી જવું.

વર્ષ ૧૯૩૬ અને ૩૭માં, જર્મનીની છૂપી પોલીસે જેલો અને જુલમી છાવણીઓમાં યહોવાહના સાક્ષીઓને ઘેટાં-બકરાંની જેમ પૂરવા માંડ્યા. ત્યાં તેઓ પર સખત જુલમ ગુજારવામાં આવ્યો. સ્વિટ્‌ઝર્લૅન્ડની બર્ન બ્રાન્ચ ઑફિસ છાવણીઓમાં શું બની રહ્યું છે એના અહેવાલો એકઠા કરવા લાગી. પછી બ્રાન્ચે કેટલાક અહેવાલો ભેગા કરીને ક્રોઈટ્‌સટ્‌સુગ ગૅગૅન દૉસ ક્રિસ્ટેનટન (ખ્રિસ્તીઓ વિરૂદ્ધ લડાઈ) નામનું પુસ્તક બહાર પાડ્યું કે જેણે નાત્ઝી જુલમોને ખુલ્લા પાડ્યા હતા. અમે આ અહેવાલોને બેસીલની સરહદ પાર લઈ જવાનું જોખમી કામ ઉપાડી લીધું. જો નાત્ઝી અમને એ અહેવાલ લઈ જતા રંગે હાથ પકડે તો, અમને તરત જ જેલ ભેગા કરી દેવામાં આવે. પણ ભાઈઓ જે કપરી સતાવણી સહન કરી રહ્યા છે એ વાંચીને મારું હૃદય દ્રવી ઊઠતું. તેમ છતાં, હું ડરતી ન હતી. મને પૂરો ભરોસો હતો કે યહોવાહ મારા માબાપ, મારા ભાઈ-બહેનો અને મારી કાળજી રાખશે.

મેં ૧૪ વર્ષે સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું અને વાસણોની દુકાનમાં કારકુનની નોકરી કરવા લાગી. સામાન્ય રીતે પપ્પાને નોકરી પર રજા હોય ત્યારે, અમે શનિવાર બપોરે અથવા રવિવારે કુરિયર તરીકેનું કામ કરતા. અમે દર બે અઠવાડિયે જતા. અમે બીજા પરિવારની જેમ જાણે સપ્તાહઅંતે ફરવા નીકળ્યા હોય એવો ડોળ કરતા. આમ, લગભગ ચાર વર્ષ સુધી ચાલ્યું. સરહદના સિપાઈએ ક્યારેય અમને અટકાવીને તપાસ કરી ન હતી. પરંતુ, ફેબ્રુઆરી ૧૯૩૮માં એક દિવસે છેવટે અમે તેઓની પકડમાં આવી ગયા.

શોધી કાઢ્યું!

એ દિવસે અમે બેસીલ નજીક નક્કી કરેલી જગ્યાએ હર વખતની જેમ સાહિત્ય લેવા ગયા. ત્યાં પહોંચ્યા ત્યારે પપ્પાનો ચહેરો એકદમ મૂરઝાઈ ગયો. તેમના એ હાવભાવ હું કદી નહિ ભૂલું. અમે ત્યાં સાહિત્યનો મોટો ઢગલો જોયો. હા, અમારી જેમ કુરિયર તરીકે કામ કરતું કુટુંબ પકડાઈ ગયું હતું. હવે અમારે તેઓના પુસ્તકો પણ લઈ જવાના હતા. એ દિવસે સરહદ પરનો કસ્ટમ અધિકારી પણ અમને શંકાની નજરે જોવા લાગ્યો. તેણે અમારી તલાશી લેવાનો ઑર્ડર આપ્યો. પુસ્તકો મળતા જ તે અમારી તરફ ધસી આવ્યો અને બંદૂકથી ઇશારો કરીને પોલીસની ગાડીમાં બેસી જવા જણાવ્યું. પછી પોલીસ અમને લઈ જતા હતા ત્યારે, પપ્પાએ મારો હાથ દબાવ્યો અને ધીમેથી કહ્યું: “કોઈનું પણ નામ જણાવીશ નહિ.” મેં તેમને ખાતરી અપાવતા કહ્યું, “હું કદી નહિ જણાવું.” અમને પાછા લવરચમાં લાવવામાં આવ્યા અને પોલીસે મને પપ્પાથી વિખુટી પાડી દીધી. પોલીસ તેમને જેલમાં લઈ ગયા. જેલનો દરવાજો બંધ થયો ત્યારે છેલ્લી વાર મેં તેમને જોયા હતા.

ચાર કલાક સુધી, ચાર જર્મન ગુપ્ત પોલીસોએ મારી ઉલટતપાસ કરી. તેઓ મારી પાસે બીજા સાક્ષીઓના નામ અને સરનામાં માંગતા હતા. મેં નામ આપવાનો ઇનકાર કર્યો ત્યારે, એક અધિકારી આવેશમાં આવી ગયો. તેણે મને ધમકાવતા કહ્યું: “મોં ખોલાવવાના બીજા રસ્તાઓ પણ અમારી પાસે છે!” મેં તેઓને કંઈ પણ જણાવ્યું નહિ. તેઓ મને અને મારી મમ્મીને પાછા ઘરે લઈ ગયા અને પહેલી વાર અમારા ઘરની તલાશી લીધી. પછી તેઓ મમ્મીને જેલમાં લઈ ગયા અને મારો હવાલો મારી માસીને સોંપ્યો. જોકે તેઓ જાણતા ન હતા કે તે પણ સાક્ષી છે. હું હજું કામ પર જઈ શકતી હતી છતાં, ગુપ્ત પોલીસો મારી દરેક હિલચાલ પર નજર રાખતી. ચાર જણ ગાડીમાં રહેતા ને એક પોલીસ રસ્તા પર ચોકી કરતો.

આ રીતે થોડા દિવસો ગુજર્યા. એક દિવસ બપોરે હું ભોજનના સમયે ઘરની બહાર આવી. ત્યાં મેં શું જોયું? એક યુવાન બહેન સાઇકલ લઈને મારા ઘર તરફ આવી રહી હતી. તેણે નજીક આવીને મારી તરફ એક કાગળનો ટુકડો ફેંક્યો. મેં ચૂપચાપ એ લઈને ત્રાંસી નજરે જોઈ લીધું કે પોલીસો જોઈ ગયા તો નથી ને! પરંતુ, મઝાની વાત તો એ હતી કે એ જ સમયે તેઓ અંદરોઅંદર હસી-મજાકમાં મશગૂલ હતા!

એ બહેને કાગળમાં જણાવ્યું હતું કે મારે બપોરે તેના માબાપને મળવા જવું. પોલીસની આંખો તો મારા પર જ હતી. હું કેવી રીતે મળવા જઉં? ગાડીમાં ચાર ગુપ્ત પોલીસો હતા ને બીજો એક પોલીસ રસ્તા પર આમતેમ આંટા મારતો હતો. મને સમજ પડતી ન હતી કે શું કરવું. મેં મદદ માટે યહોવાહને કાલાવાલા કર્યા. અચાનક, એ પોલીસ ગાડી પાસે જઈને તેઓ સાથે વાતો કરવા લાગ્યો. પછી તે પણ ગાડીમાં બેસી ગયો અને તેઓ જતા રહ્યા!

પછી મારી માસી આવી. બપોર થઈ ચૂકી હતી. તેમણે એ ચિઠ્ઠી વાંચીને નક્કી કર્યું કે અમારે એમાં જણાવેલા ઘરે જવું જ જોઈએ. અમને એવું લાગતું હતું કે ભાઈઓ કદાચ મને સ્વિટ્‌ઝર્લૅન્ડ લઈ જશે. અમે ત્યાં પહોંચ્યા ત્યારે, એ પરિવારે મને એક અજાણ્યા ભાઈની ઓળખાણ કરાવી. તેમનું નામ હિનરીચ રીફ હતું. મને સહીસલામત ત્યાં આવેલી જોઈને તેમને ઘણી ખુશી થઈ. તે મને છાનીછૂપી સ્વિટ્‌ઝર્લૅન્ડ લઈ જવા આવ્યા હતા. અડધા કલાક પછી અમે જંગલમાં મળ્યા.

બીજા દેશમાં જીવન

હું ભારે હૈયે રીફભાઈને મળી. મને સતત એવા વિચારો આવતા હતા કે હું મારા માબાપને છોડીને જઈ રહી છું. આ બધું અચાનક થઈ ગયું હતું. ગભરાટની થોડી પળો પછી, અમે મુસાફરોના ગ્રૂપમાં ભળી ગયા અને સલામત રીતે સ્વિટ્‌ઝર્લૅન્ડની સરહદ પાર કરી.

અમે સ્વિટ્‌ઝર્લૅન્ડના પાટનગર બર્નની બ્રાન્ચ ઑફિસે ગયા. ત્યાં મને જાણવા મળ્યું કે જર્મનીથી મારા છટકી આવવાની ભાઈઓએ અગાઉથી ગોઠવણ કરી હતી. પછી તેઓએ મારી રહેવાની ગોઠવણ કરી. મને રસોડામાં કામ કરવું ખૂબ ગમતું હતું. હું કંઈ જાણતી ન હતી કે મારા માબાપનું શું થશે. તેઓને બે-બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આવા સંજોગોમાં બીજા દેશમાં રહેવું કેટલું અઘરું હતું! ઘણી વાર હું દુઃખ અને ચિંતાઓમાં ઘેરાઈ જતી. હું બાથરૂમમાં જઈને ખૂબ રડતી. જોકે, હું મારા માબાપ સાથે નિયમિત પત્રવ્યવહાર કરી શકતી હતી. તેઓ મને કાયમ સંગઠનને વળગી રહેવાનું ઉત્તેજન આપતા.

માબાપના વિશ્વાસનું ઉદાહરણ જોઈને, મેં પણ યહોવાહને મારું સમર્પણ કર્યું. મેં જુલાઈ ૨૫, ૧૯૩૮માં બાપ્તિસ્મા લીધું. બેથેલમાં એક વર્ષ રહ્યા બાદ, હું બીજા એક શહેર શાનીલાઝમાં બેથેલ ફાર્મમાં કામ કરવા ગઈ. આ ફાર્મ સ્વીસ બ્રાન્ચના બેથેલ પરિવાર અને સતાવણીમાંથી નાસી છૂટેલા ભાઈઓને ખોરાક પૂરો પાડતું હતું.

છેવટે મારા માબાપની જેલની સજા ૧૯૪૦માં પૂરી થઈ. પણ નાત્ઝીઓએ તેમને કહ્યું કે તમારો ધર્મ છોડી દો તો જ તમને જવા દઈશું. પણ તેઓએ નકાર કર્યો. આથી તેઓને જુલમી છાવણીમાં પૂરવામાં આવ્યા. મારા પપ્પાને ડચસોમાં અને મમ્મીને રાવેન્સબ્રકમાં મોકલવામાં આવ્યા. વર્ષ ૧૯૪૧માં શિયાળો પૂરો થવા આવ્યો એ દરમિયાન, મારી મમ્મી અને બીજી બહેનોએ લશ્કરી સેવા માટે કામ કરવાની ના પાડી. તેથી, નાત્ઝીઓએ શિક્ષા કરવા તેઓને સતત ત્રણ દિવસ-રાત બહાર ઊભા રાખ્યા. પછી તેઓને અંધારી કોટડીમાં પૂરી દીધા અને ૪૦ દિવસ સુધી સૂકો રોટલો આપવામાં આવ્યો. તેઓને ફટકા મારવામાં આવ્યા. આ સખત મારના ત્રણ અઠવાડિયા પછી મારી મમ્મી જાન્યુઆરી ૩૧, ૧૯૪૨માં મરણ પામી.

પપ્પાને ડચસોથી ઑસ્ટ્રિયાના મોથોઝેનમાં લઈ જવામાં આવ્યા. આ છાવણીમાં નાત્ઝીઓ કેદીઓને ભૂખ્યા રાખીને તેમ જ સખત મજૂરી કરાવીને ચાલાકીથી મારી નાખતા હતા. મમ્મી મરી ગઈ એના છ મહિના પછી, નાત્ઝીઓએ મારા પપ્પા પર તબીબી અખતરા કરીને તેમને મારી નાખ્યા. ડૉક્ટરો જેલના કેદીઓને બલીનો બકરો બનાવીને પહેલા તો ટીબીનું ઇંજેક્શન આપતા. પછી, તેની અસર જોઈને કેદીઓને હૃદયમાં ઝેરનું ઇંજેક્શન આપી દેતા. અધિકારીઓએ અહેવાલમાં બતાવ્યું કે મારા પપ્પા “હૃદયના સ્નાયુઓ નબળા” હોવાને લીધે મરી ગયા. તે ફક્ત ૪૩ વર્ષના હતા. તેમની આવી ક્રૂર રીતે કરવામાં આવેલી હત્યા વિષે મને થોડા મહિનાઓ પછી ખબર પડી. મારા માબાપની યાદ આવતા હજુ પણ મારી આંખો ભીની થઈ જાય છે. એ સમયે અને આજે પણ મને એ જાણીને દિલાસો મળે છે કે મારા મમ્મી પપ્પા બંનેને સ્વર્ગની આશા હતી. તેઓ હવે યહોવાહના હાથમાં સલામત છે.

બીજા વિશ્વયુદ્ધ પછી, મને ન્યૂયૉર્કમાં વોચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડમાં જવાની ખાસ તક મળી. પાંચ મહિના બાઇબલ અભ્યાસમાં ડૂબી જવાનો કેવો આનંદ! વર્ષ ૧૯૪૮માં સ્નાતક થયા પછી, મને મિશનરી તરીકે સ્વિટ્‌ઝર્લૅન્ડ મોકલવામાં આવી. પછી હું જેમ્સ એલ. ટરપીનને મળી. આ ભાઈ પણ ગિલયડના પાંચમા વર્ગમાં સ્નાતક થયેલા હતા. તુર્કસ્તાનમાં સૌથી પહેલી બ્રાન્ચ ઑફિસ શરૂ થઈ ત્યારથી તે નિરીક્ષક તરીકે કામ કરતા હતા. અમે માર્ચ ૧૯૫૧માં લગ્‍ન કર્યા. પછી થોડા જ દિવસોમાં અમને ખબર પડી કે હું મા બનવાની છું! અમેરિકા ગયા પછી, એ જ વર્ષે ડિસેમ્બરમાં અમારી દીકરી માર્લિનનો જન્મ થયો.

વર્ષો સુધી, હું અને જીમ પ્રચાર કાર્યનો ભરપૂર આનંદ ઉઠાવતા. મને હજુ પણ મારી પાસે બાઇબલ શીખતી એક ચીની સ્ત્રી યાદ છે. તેનું નામ પેની હતું. તેને બાઇબલમાંથી શીખવું ખૂબ ગમતું. પછી તેણે બાપ્તિસ્મા લીધું ને ગાઈ પીઅર્સ સાથે લગ્‍ન કર્યા. પીઅર્સભાઈ હમણાં યહોવાહના સાક્ષીઓના ગવર્નિંગ બોડીના સદસ્ય છે. આવા વહાલા ભાઈબહેનોએ મારા અનાથ બન્યા પછી આવેલો ખાલીપો સહેવા ખૂબ મદદ કરી.

વર્ષ ૨૦૦૪ની શરૂઆતમાં, લવરચના ભાઈઓએ મારા માબાપના શહેરમાં સ્ટીચ માર્ગથી જાણીતા વિસ્તારમાં એક નવો કિંગ્ડમ હૉલ બાંધ્યો. હવે એ શહેરના અધિકારીઓ જાણતા હતા કે યહોવાહના સાક્ષીઓએ કેવી સતાવણી સહી હતી. તેથી, મારા માબાપના માનમાં તેઓએ એ માર્ગને ડેન્ટ્‌સ માર્ગ નામ આપ્યું. દૈનિક છાપામાં મથાળું હતું, “જેમની હત્યા થઈ હતી એ ડેન્ટ્‌સ યુગલની યાદમાં: નવા રસ્તાનું નામ.” આ મથાળા નીચે અહેવાલ હતો કે મારા માબાપને “નાત્ઝી શાસન દરમિયાન તેમના ધર્મને લીધે જુલમી છાવણીમાં મારી નાખવામાં આવ્યા હતા.” શહેરના અધિકારીઓ મારા માબાપનું આવું સન્માન કરશે એવી તો મેં કલ્પના પણ કરી ન હતી.

પપ્પા હંમેશાં કહેતા: એ રીતે જીવો કે જાણે કાલે આર્માગેદોન આવશે જ. મારા પપ્પાની આ અમૂલ્ય સલાહ હું હંમેશાં યાદ રાખું છું. હવે તો મારી ઉંમર પણ ઢળી ચૂકી છે. આ મોટી વયે હું ઘરમાં જ હોવ છું ત્યારે આવી ધીરજ રાખીને આતુરતાથી રાહ જોવી કંઈ સહેલું નથી. તોપણ, યહોવાહે પોતાના વિશ્વાસુ સેવકોને આપેલાં વચનોમાં હું હંમેશાં ભરોસો રાખું છું: “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ . . . તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.”—નીતિવચનો ૩:૫, ૬.

[પાન ૨૯ પર બોક્સ/ચિત્ર]

સચવાયેલો અમૂલ્ય ખજાનો

લવરચ શહેરમાં દૂર ગામડાની એક સ્ત્રી ૧૯૮૦ના દાયકામાં રહેવા આવી. એ સમયે, શહેરના લોકો ન જોઈતી વસ્તુઓને જાહેર ચૌટામાં લાવીને રાખી દેતા. પછી જેઓને જે જોઈતું હોય એ ત્યાંથી લઈ લેતા. આ સ્ત્રીને ત્યાંથી સીવણનો એક ડબ્બો મળ્યો. તે એને ઘરે લઈ ગઈ. તેને આ ડબ્બામાંથી કોઈ યુવતીના અમુક ફોટા અને પત્રો મળી આવ્યા. આ પત્રો જુલમી છાવણીના કાગળ પર લખેલા હતા. સ્ત્રીને પત્રો વાંચીને એ વિષે વધારે જાણવાની તાલાવેલી લાગી. પણ ચોટલાવાળી એ યુવતીને ઓળખવી કેવી રીતે?

એક દિવસે ૨૦૦૦માં, આ સ્ત્રીએ લવરચમાં યોજાયેલા ઐતિહાસિક પ્રદર્શન વિષે છાપામાં લેખ વાંચ્યો. આ લેખમાં નાત્ઝી રાજના સમયમાં યહોવાહના સાક્ષીઓ વિષે વર્ણન કરવામાં આવ્યું હતું. એમાં અમારા કુટુંબ વિષે પણ માહિતી હતી. આ છાપામાં મારી તરુણવયનો ફોટો પણ હતો. આ ફોટો સ્ત્રી પાસેના ફોટા સાથે મળતો આવતો હતો. એ જોઈને આ સ્ત્રીએ તરત પત્રકારનો સંપર્ક કરીને ૪૨ પત્રો વિષે જણાવ્યું. થોડાં અઠવાડિયાં પછી, મને આ ૪૨ પત્રો મળ્યાં. એ મારા માબાપે લખેલા હતા! તેઓ સતત મારા વિષે મારી માસીને લખીને પૂછતા હતા. તેઓ જીવ્યા ત્યાં સુધી મારી ખૂબ ચિંતા કરતા હતા. જરા વિચારો, આ પત્રો આજ સુધી સચવાઈ રહ્યા ને ૬૦ કરતાં વધારે વર્ષ પછી ફરી જોવા મળ્યા!

[પાન ૨૫ પર ચિત્ર]

હિટલર સત્તા પર આવ્યો પછી અમારું કુટુંબ વેરવિખેર થઈ ગયું

[ક્રેડીટ લાઈન]

હિટલર: U.S. Army photo

[પાન ૨૬ પર ચિત્ર]

૧. મેગ્ડેબર્ગની બ્રાન્ચ ઑફિસ

૨. જર્મન ગુપ્ત પોલીસોએ હજારો સાક્ષીઓને જેલમાં પૂર્યા

[પાન ૨૮ પર ચિત્ર]

જીમ અને મેં પ્રચાર કાર્યમાં બહુ આનંદ માણ્યો છે