યાદગાર જન્મ
યાદગાર જન્મ
“તમારે સારૂ એક તારનાર, એટલે ખ્રિસ્ત પ્રભુ, જન્મ્યો છે.” —લુક ૨:૧૧.
બેથલેહેમ શહેરમાં આશરે બે હજાર વર્ષ પહેલાં એક સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો. એ સ્ત્રી મરિયમ હતી. તેને જે બાળક થયું એની આખા જગત પર અસર થવાની હતી. તોપણ, તેના જન્મના મહત્ત્વ વિષે બેથલેહેમના ગણ્યા-ગાંઠ્યા લોકો જ જાણતા હતા. બાળકનો જન્મ થયો એ રાત્રે કેટલાક ભરવાડો ખેતરમાં પોતાનાં ઘેટાં-બકરાં સાચવતા હતા. અચાનક તેઓએ સ્વર્ગદૂતોને જોયા. તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા કહેતા હતા: “પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્ન છે, તેઓને શાંતિ થાઓ.”—લુક ૨:૮-૧૪.
દૂતોનું સાંભળીને ભરવાડો નવા જન્મેલા બાળકને મળવા દોડી ગયા. દૂતોના કહ્યાં મુજબ તેઓને મરિયમ અને તેના પતિ યુસફ તબેલામાં જોવા મળ્યા. મરિયમે બાળકને કપડાંમાં લપેટીને ગભાણમાં સુવડાવ્યું હતું. તેણે એ બાળકનું નામ ઈસુ પાડ્યું. (લુક ૧:૩૧; ૨:૧૨) આજે ઈસુના જન્મને બે હજાર વર્ષ થઈ ગયા છે. તોપણ લોકો ઈસુના જન્મને લગતા બનાવો હજી યાદ કરે છે. એને લગતી વાર્તા દુનિયાની બીજી કોઈ વાર્તા કરતાં વધારે જાણીતી છે. વળી, આજે દુનિયાની વસ્તીનો ત્રીજો ભાગ ખ્રિસ્તી ધર્મ પાળવાનો દાવો પણ કરે છે.
યુરોપના સ્પેનની જ વાત કરો. ત્યાં ઘણા લોકો કૅથલિક ધર્મ પાળે છે. તેઓ બહુ ધૂમધામથી ઈસુનો જન્મ ઊજવે છે.
સ્પેનમાં નાતાલ
સ્પેનમાં લોકો આશરે તેરમી સદીથી નાતાલ ઊજવતા આવ્યા છે. તેઓ દર વર્ષે નાતાલના સમયે ઈસુના જન્મનું પ્રદર્શન રાખે છે. તેઓ એમાં શું રાખે છે? જેમ ઈસુને જન્મ પછી ગભાણમાં મૂકવામાં આવ્યા હતા તેમ સ્પેનમાં અમુક કુટુંબો માટીનું નાનું ગભાણ બાંધે છે. તેઓ માટીના નાના નાના પૂતળા પણ બનાવે છે. એ કોના હોય છે? ઈસુના જન્મ સાથે જોડાયેલા સર્વ લોકોના. એટલે કે ભરવાડો, માગીઓ કે (“ત્રણ રાજાઓ”), યુસફ, મરિયમ અને ઈસુના પૂતળાં. ઘણા તો નાતાલના સમયે ભરબજારમાં આવું પ્રદર્શન રાખે છે. આ રિવાજ કોણે શરૂ કર્યો? ઇટાલીના ધર્મગુરુ ફ્રાંસિસ ઑફ એસિસે. તેમને લાગતું હતું કે આમ કરવાથી લોકો ઈસુના જન્મને યાદ રાખશે. પછી બીજા દેશના ધર્મગુરુઓ પણ આ રિવાજ પાળવા લાગ્યા. ધીરે ધીરે બીજા દેશોમાં પણ આ રિવાજ ફેલાઈ ગયો.
જેમ બીજા દેશોમાં નાતાલની ઉજવણી વખતે સાંતાક્લોઝ મહત્ત્વનો ભાગ ભજવે છે તેમ, સ્પેનમાં માગીઓ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. સ્પેનમાં જાન્યુઆરીની છઠ્ઠી તારીખ દીઆ દે રેયેસ (રાજાઓનો દિવસ) કહેવાય છે. એ દિવસે માગીનો વેશ ધારણ કરીને ઘણા લોકો બાળકોને ભેટો આપે છે. કેમ કે ત્યાં લોકો માને છે કે નવા જન્મેલા ઈસુને માગીઓએ ભેટો આપી હતી. પરંતુ બાઇબલ એ જણાવતું નથી કે કેટલા માગીઓ ઈસુને મળવા ગયા હતા. ઘણા માને છે તેમ તેઓ રાજાઓ ન હતા, પણ ખગોળશાસ્ત્રી તરીકે વધારે ઓળખાતા હતા. * બીજી એક હકીકત પણ ધ્યાનમાં લો. માગીઓ ઈસુને મળવા ગયા એ પછી હેરોદ રાજાએ ઈસુને મારી નાખવાના ઇરાદાથી બેથલેહેમના ‘બે વર્ષના તથા તેથી નાનાં બાળકોને’ મારી નંખાવ્યા. આ બતાવે છે કે માગીઓએ ઈસુની તેમના જન્મદિને જ મુલાકાત લીધી ન હતી. પણ એના ઘણા દિવસો પછી તેઓ ઈસુને મળવા ગયા હતા.—માત્થી ૨:૧૧, ૧૬.
સ્પેનના અમુક શહેરો છેક બારમી સદીથી ઈસુના જન્મનું નાટક ભજવે છે. એમાં બેથલેહેમના ભરવાડો અને માગીઓ ઈસુને કઈ રીતે મળ્યા એ બધું બતાવવામાં આવે છે. સ્પેનમાં દર પાંચમી જાન્યુઆરીએ લોકો કબલગાતા નામનું સરઘસ કાઢે છે. એમાં ત્રણ માણસો “ત્રણ રાજાઓનો” વેશ ધારણ કરીને રથ જેવા શણગારેલા વાહનમાં આખા શહેરમાં સરઘસ કાઢે છે. તેઓ માર્ગમાં સરઘસ જોવા ઊભેલા લોકોને કૅન્ડી પણ આપે છે. વળી નાતાલના સમયે લોકો આખું શહેર સરસ મજાનું શણગારે છે ને વિલાનસિઓસ એટલે કે ક્રિસમસના ગીતો ગાય છે. એનાથી આ આનંદી અવસરમાં લોકોને ખૂબ મજા મળે છે.
સ્પેનના મોટા ભાગના કુટુંબો ડિસેમ્બર ૨૪ના ખાસ ભોજન લેતા હોય છે. કુટુંબીજનો દૂર દૂર રહેતા હોય તોપણ આ ખાસ અવસર, ભેગા મળીને ઊજવવા તેઓ બનતી બધી કોશિશ કરે છે. તેઓના પરંપરાગત ખોરાકમાં તુરોન (બદામ અને મધથી બનેલી મીઠાઈ), માર્ઝિપાન, સૂકો મેવો, ઘેટાંનું ભૂંજેલું માંસ, અને જાત જાતની માછલીઓનો સમાવેશ થાય છે. જાન્યુઆરી છઠ્ઠીના રોજ તેઓ બીજું એક ખાસ ભોજન લે છે. ભોજન પછી, તેઓ કેક ખાય છે. એમાં વીંટી આકારની રોસકોન દે રેયેસ નામની કેક હોય છે. આ કેકમાં પહેલેથી નાનું પૂતળું છુપાવેલું હોય છે. એવો જ રિવાજ રોમન રાજમાં પણ હતો. જે કોઈ ચાકરની કેકમાં એ નાનું પૂતળું આવે તેને એક દિવસ માટે “રાજા” બનાવવામાં આવતો.
“વર્ષનો સૌથી આનંદી અને વ્યસ્ત સમય”
જોકે નાતાલના ઘણા રિવાજો છે. પરંતુ, એક વાત ચોક્કસ છે કે આજે આખી દુનિયામાં નાતાલ ઊજવાય છે. ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા જણાવે છે કે નાતાલ ‘વખતે આખી દુનિયાના કરોડો ખ્રિસ્તીઓ અને બીજા ધર્મના લોકો પણ આનંદમાં મશગૂલ હોય છે.’ શું નાતાલની ઉજવણી ખરેખર લાભદાયી છે?
ખરું કે ખ્રિસ્તનો જન્મ એ યાદગાર દિવસ છે. ઈસુના જન્મ સમયે દૂતોએ પણ સ્તુતિ કરતા ગાયું હતું કે “જે માણસો વિષે તે પ્રસન્ન છે, તેઓને શાંતિ થાઓ.” એ સાચે જ આ જન્મના મહત્ત્વની સાક્ષી પૂરે છે.
પરંતુ, જુઆન ઓરીયસ નામના એક સ્પેનિશ પત્રકાર ધ્યાન દોરે છે કે “અગાઉના ખ્રિસ્તીઓ ઈસુનો જન્મ ઊજવતા ન હતા.” જો એમ હોય તો, નાતાલના તહેવારની શરૂઆત ક્યારથી થઈ? ઈસુનો જન્મ અને જીવનને યાદ કરવાની સૌથી સારી રીત કઈ છે? આ પ્રશ્નોના જવાબ આપણને હવે પછીના લેખમાં જોવા મળશે.
[ફુટનોટ]
^ ઈસુ સાથેના પ્રોફેસરો દ્વારા પવિત્ર શાસ્ત્રનું લખાણ અને એની સમાલોચના નામનું સ્પેનિશ પુસ્તક આમ સમજાવે છે: “ઈરાન, માદાય અને બાબેલોનમાં માગી લોકોએ પછી ધર્મગુરુ તરીકે પોતાનો અલગ વર્ગ બનાવ્યો. તેઓએ મેલીવિદ્યા, ખગોળશાસ્ત્ર અને ઔષધશાસ્ત્રને પ્રોત્સાહન આપ્યું.” વળી, મધ્યયુગમાં જે માગીઓ બાળ ઈસુને મળવા ગયા હતા તેઓને સંતનો દરજ્જો આપવામાં આવ્યો અને મેલ્કીઓર, ગાસ્પર અને બેલ્થાસાર નામ આપવામાં આવ્યા. તેઓની અસ્થિ કોલોન, જર્મનીના એક ચર્ચમાં હજુયે અકબંધ છે.