સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઘણા માને છે કે ધર્મ સંપ ન લાવી શકે

ઘણા માને છે કે ધર્મ સંપ ન લાવી શકે

ઘણા માને છે કે ધર્મ સંપ ન લાવી શકે

“પોતાના પડોશી પર તું પ્રીતિ કર.” (માત્થી ૨૨:૩૯) આજે ઘણા ધર્મો આ સિદ્ધાંતની ઊંડી કદર કરે છે. જો આ ધર્મો ખરેખર પડોશીને પ્રેમ કરવાનું શીખવતા હોય તો, એના સદસ્યોમાં પણ જરૂર એકતા અને પ્રેમ જોવા મળશે. પણ હકીકત શું છે? શું તમને કોઈ ધર્મમાં એવું જોવા મળ્યું છે જેમાં બધા લોકો હળીમળીને રહેતા હોય, કે એક થઈને ભક્તિ કરતા હોય? શું ધર્મ એકતા લાવે છે? હાલમાં જર્મનીમાં થયેલી એક સર્વેમાં પૂછવામાં આવ્યું: “શું ધર્મો લોકોને એક કરે છે કે તેઓમાં ભાગલા પાડે છે?” ફક્ત ૨૨ ટકા લોકો સહમત થયા કે ધર્મ લોકોને એક કરે છે. પરંતુ, ૫૨ ટકા લોકો કહ્યું કે ધર્મ લોકોમાં ભાગલા પાડે છે. કદાચ તમારા દેશના લોકો પણ એવું જ વિચારતા હોય શકે.

શા માટે મોટા ભાગના લોકો એવું માને છે કે ધર્મ લોકોમાં ભાગલા પાડે છે? બની શકે કે તેઓ ઇતિહાસના બનાવોથી સારી રીતે જાણકાર હોય. ઇતિહાસ સાબિતી આપે છે કે ધર્મએ લોકોને એક કરવાને બદલે ઘણી વાર તેઓમાં ભાગલા પાડ્યા છે. અમુક કિસ્સામાં તો વળી ધર્મને નામે કેટલાય લોકોની કતલ થઈ છે. ચાલો આપણે છેલ્લા સોએક વર્ષના અમુક દાખલાઓ જોઈએ.

ધર્મને નામે મારા-મારી

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, બાલ્કન દેશોમાં રોમન કૅથલિક ક્રોએશિયનો અને ઑર્થોડૉક્સ સર્બિયનો એકબીજા સામે યુદ્ધે ચઢ્યા હતા. આ બંને જૂથ કહેતા હતા કે તેઓ ખ્રિસ્તી છે. તેમ જ, ઈસુના અનુયાયી હોવાનો દાવો કરતા હતા! પણ તેઓ જાણે ઈસુનો બોધ ભૂલી ગયા હતા. ઈસુએ તો પોતાના શિષ્યોને પાડોશી પર પ્રેમ રાખવાનું શીખવ્યું હતું. તોપણ, એક સંશોધકના જણાવ્યા પ્રમાણે, સૌથી મોટા આઘાતની વાત એ હતી કે તેઓની લડાઈમાં “સૌથી વધારે નાગરિકોની કતલ થઈ હતી.” એ લડાઈમાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો મળીને ૫,૦૦,૦૦૦થી વધારે લોકો માર્યા ગયા જેનાથી આખી દુનિયા શોકમાં ડૂબી ગઈ હતી.

હવે ભારતનો વિચાર કરો. વર્ષ ૧૯૪૭માં ભારત ઉપખંડની વસ્તી કંઈક ૪૦ કરોડ જેટલી હતી. એ વિશ્વની કુલ વસ્તીનો પાંચમો ભાગ હતી. એમાં મોટા ભાગે હિંદુ, મુસ્લિમ અને શીખ ધર્મના લોકો હતા. પણ ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે કોમી રમખાણો ફાટી. બંને દેશોના લાખો લોકો પર ભારે અત્યાચાર ગુજારાયો. શરણાર્થીઓની ભારે ખૂનામરકી થઈ. વળી ધર્મને નામે ઘણાને બંદૂકે મારવામાં આવ્યા.

આટલું ઓછું ન હોય એમ, ૨૧મી સદીની શરૂઆતથી જ આખા જગતમાં આતંકવાદે કાળો કેર વર્તાવ્યો છે. આજે આખું જગત આતંકવાદના ભયથી થથરે છે. વળી, ઘણા આતંકવાદી જૂથો કોઈને કોઈ ધર્મ સાથે જોડાયેલા હોવાનો દાવો કરે છે. ખરેખર, ધર્મ લોકોને એક કરી શક્યો નથી. એના બદલે, ઘણી વાર હિંસા અને ભાગલા માટે ધર્મને જવાબદાર ગણવામાં આવે છે. એટલે જ જર્મન ન્યૂઝ મૅગેઝિન ફોકસએ દુનિયાના આગળ પડતા ધર્મને બારૂદ સાથે સરખાવ્યા છે. એ ધર્મમાં બૌદ્ધ, ખ્રિસ્તી, કન્ફ્યુસિયમ, હિંદુ, મુસ્લિમ, યહુદી, અને ટોઈસમનો સમાવેશ થાય છે.

ધર્મોમાં ઝગડા

ખરું કે અમુક ધર્મો ખુલ્લેઆમ એકબીજા સાથે લડતા હોય છે. જ્યારે બીજા અમુક ધર્મો એવા છે જ્યાં અંદરોઅંદર વિખવાદ ચાલતો હોય છે. દાખલા તરીકે, હાલમાં કહેવાતા ખ્રિસ્તીઓના ચર્ચમાં અમુક સિદ્ધાંતોને લઈને વાદવિવાદ ચાલતો હોવાથી હવે તેઓમાં ફૂટ પડી છે. પાદરીઓ અને તેમના ચર્ચના લોકો ઘણા પ્રશ્ન પર વિચાર કરે છે, દાખલા તરીકે: શું ગર્ભ રોકવાની રીતો અપનાવી શકાય? શું ગર્ભપાત કરાવી શકાય? શું સ્ત્રીઓને પાદરી બનાવવી જોઈએ? સજાતીય સંબંધ ચર્ચોએ માન્ય કરવો કે નહિ? શું ધર્મએ યુદ્ધને ટેકો આપવો જોઈએ? આવા અનેક વિષયોમાં લોકોના જવાબ એક ન હોવાથી, ઘણા વિચારે છે કે, ‘જો ધર્મ પોતાના સભ્યોને એક ન કરી શકતો હોય તો, આખી માનવજાતને એ કઈ રીતે એક કરી શકે?

સાચે જ, ધર્મ લોકોને એક કરવામાં નિષ્ફળ ગયો છે. પરંતુ, શું બધા જ ધર્મો લોકોમાં ભાગલા પડાવે છે? કે પછી કોઈ એક ધર્મ છે જે લોકોને એક કરી શકે?

[પાન ૩ પર ચિત્ર]

ભારતમાં ૧૯૪૭માં ફાટી નીકળેલા કોમી રમખાણોમાં ઇજાગ્રસ્ત પોલીસો

[ક્રેડીટ લાઈન]

Photo by Keystone/Getty Images