સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જમતા જમતા વાતો પણ કરો

જમતા જમતા વાતો પણ કરો

જમતા જમતા વાતો પણ કરો

દરેક જણ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણે છે. પણ શું તમે જમતી વખતે કુટુંબ કે મિત્રો સાથે સારી વાતચીત અને સંગતનો આનંદ માણો છો? એનાથી તમારી ભૂખ તો ભાંગશે જ, એ ઉપરાંત તમને ખુશી પણ મળશે. ઘણા કુટુંબો દિવસમાં ઓછામાં ઓછું એક સમયે સાથે ભોજન લે છે. એનાથી કુટુંબમાં બધા દિવસ દરમિયાન જે કંઈ બન્યું હોય કે બનવાનું હોય એની ચર્ચા કરી શકે છે. ઘણી વાર બાળકો આ સમયે પોતાના દિલની વાત ઠાલવતા હોય છે. એનાથી માબાપ તેઓના વિચારો જાણી શકે છે. સાચે જ, આ રીતે સાથે ભોજન લેવાથી કુટુંબમાં પ્રેમનું બંધન ગાઢ થાય છે, એકબીજા પર ભરોસો વધે છે, બાળકો પણ હૂંફ ને સલામતી અનુભવે છે.

આજે ઘણા કુટુંબોને સાથે મળીને જમવાનો સમય જ મળતો નથી. કારણ? તેઓ નોકરી ધંધામાં જ બહુ વ્યસ્ત હોય છે. અમુક દેશોમાં રિવાજ હોય છે કે પહેલાં પુરુષો જમે ને પછી સ્ત્રીઓ. અથવા ચૂપચાપ જમી લેવું, કોઈ વાત ન કરવી. અમુક કુટુંબો ટીવી જોતા જોતા જમતા હોય છે. પણ એનાથી તેઓ વિચારોની આપ-લે કરી શકતા નથી કે કુટુંબ તરીકે સંગત માણી શકતા નથી.

જોકે, ખ્રિસ્તી માબાપ પોતાના કુટુંબને દૃઢ કરવાની તક ઝડપી લેવા સતર્ક હોય છે. (નીતિવચનો ૨૪:૨૭) અગાઉ શાસ્ત્રમાં માબાપને આજ્ઞા આપવામાં આવી હતી કે ‘તેઓ ઘરમાં બેઠા હોય’ ત્યારે પોતાના બાળકોમાં બાઇબલના સંસ્કારો સિંચે. એ જ સૌથી ઉત્તમ સમય છે. (પુનર્નિયમ ૬:૭) નિયમિત સાથે બેસીને ભોજન લેવાથી માબાપને પોતાના બાળકોના હૃદયમાં યહોવાહ માટેનો પ્રેમ અને તેમના ન્યાયી સિદ્ધાંતોને ઉતારવાની એક અજોડ તક મળે છે. આનંદી અને હળવું વાતાવરણ ઊભું કરીને તમે એ સમયને વધારે આનંદદાયક બનાવી શકો. તમારા કુટુંબને ઉત્તેજન આપતા અનુભવો પણ જણાવી શકો. હા, ભોજનના સમયને ફક્ત ભૂખ ભાંગવા પૂરતો જ ન રાખો. જમતા જમતા અલકમલકની વાતો પણ કરો.