સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરમેશ્વરના જ્ઞાનથી બાળકોનું રક્ષણ કરવું

પરમેશ્વરના જ્ઞાનથી બાળકોનું રક્ષણ કરવું

પરમેશ્વરના જ્ઞાનથી બાળકોનું રક્ષણ કરવું

આપણું શરીર રોજ અલગ અલગ રોગનો સામનો કરે છે. પણ આપણે કેટલા આભારી છીએ કે આપણને વારસામાં રોગપ્રતિકારક શક્તિ મળી છે. આ રોગપ્રતિકારક શક્તિ રોગથી રક્ષણ આપે છે. અને આપણને બીમાર પડતા અટકાવે છે.

એવી જ રીતે, પરમેશ્વર સાથેના આપણા સંબંધમાં તિરાડ પાડે એવા ખરાબ વિચારો વિરૂદ્ધ લડત આપણે આપવી પડે છે. (૨ કોરીંથી ૧૧:૩) આપણા મન અને હૃદય પર થતા રોજના હુમલાનો સામનો કરવા માટે આપણે આત્મિક રીતે રક્ષણ મેળવવાની જરૂર છે.

ખાસ કરીને આપણા બાળકો માટે આવું રક્ષણ જરૂરી છે. ભલે તેઓ રોગપ્રતિકારક શક્તિ સાથે જન્મ્યા હોય, પણ તેઓને જન્મથી ખરાબ વિચારો ટાળવાની શક્તિ મળી નથી. (એફેસી ૨:૨) તેથી બાળક મોટું થતું જાય તેમ, માબાપ તેઓને શીખવી શકે કે તેઓ પોતાનું કેવી રીતે રક્ષણ કરી શકે. પરંતુ, આવું રક્ષણ કોણ આપી શકે? બાઇબલ સમજાવે છે: ‘યહોવાહ જ્ઞાન આપે છે. તે પોતાના ભક્તોના માર્ગનું રક્ષણ કરશે.’ (નીતિવચનો ૨:૬,) પરમેશ્વરનું જ્ઞાન યુવાનોને ખરાબ સોબત, મિત્રોનું દબાણ અને ખરાબ મનોરંજનના ફાંદામાં ફસાતા અટકાવે છે. માબાપ કઈ રીતે યહોવાહને માર્ગે દોરી શકે?

સારી સોબત રાખવી

યુવાનો ખાસ કરીને પોતાની ઉંમરના યુવાનો સાથે જ મિત્રતા રાખે છે. પરંતુ તેઓના દોસ્તોને જીવનનો બહુ અનુભવ હોતો નથી. તેઓની સંગતથી પરમેશ્વરનું જ્ઞાન મળતું નથી. નીતિવચન ચેતવણી આપે છે, “મૂર્ખાઇ બાળકના હૃદયની સાથે જોડાએલી છે.” (નીતિવચનો ૨૨:૧૫) અમુક માબાપોએ પોતાના બાળકોને સારી સોબત રાખવા મદદ કરી છે. કઈ રીતે? ચાલો જોઈએ.

ડાન * નામના એક પિતાએ કહ્યું: “અમારા બાળકો ખાસ કરીને તેમની ઉંમરના છોકરાઓ સાથે જ વધારે સમય પસાર કરે છે. તેઓ મોટા ભાગે અમારા ઘરમાં, અમારી નજર સામે જ હોય છે. અમે આ છોકરાઓ માટે અમારા ઘરના દરવાજા હંમેશા ખુલ્લા જ રાખીએ છીએ. અમારી નજર સામે અમારા બાળકો આનંદ માણી શકે એ માટે તેઓના ઘોંઘાટને અને તોફાનને પણ અમે રાજીખુશીથી સહન કરી લઈએ છીએ.”

બ્રાયન અને મેરીને ત્રણ બાળકો છે. તેઓએ ત્રણેય બાળકોને સારી તાલીમ આપી છે. પણ આ કામ કંઈ સહેલું ન હતું. તેઓ કહે છે: “અમારા મંડળમાં અમારી દીકરી જેઈનની ઉંમરના બહુ જ થોડા યુવાનિયા હતા કે જેઓની દોસ્તી જેઈન બાંધી શકે. એમાંથી સુઝન નામની છોકરી તેની બહેનપણી હતી. તે બહુ મળતાવડી અને આનંદી હતી. તેના માબાપ અમારા કરતાં વધારે છૂટછાટવાળા હતા. સુઝન મોડી રાત સુધી બહાર રહે, ટૂંકા ટૂંકા સ્કર્ટ પહેરે, જેવું તેવું સંગીત સાંભળે કે એવી ખરાબ ફિલ્મો જુએ એમાં માબાપની કોઈ રોકટોક ન હતી. તેથી અમારી જેઈન સમજી શકતી ન હતી કે અમે શા માટે તેને અમુક બાબતોમાં છૂટ આપતા નથી. જેઈન માનતી કે સુઝનના માબાપ વધારે સમજું છે જ્યારે કે અમે બહુ જૂનવાણીના છીએ. પણ પણ સુઝન છેવટે બગડી ગઈ ત્યારે જેઈનને ખબર પડી કે અમે કેમ અમુક બાબતોમાં બહુ છૂટ આપતા ન હતા. તે જોઈ શકી કે એનાથી કઈ રીતે તેનું રક્ષણ થયું હતું. અમને પણ એ વાતની ખુશી છે કે અમારી દીકરીના ભલા માટે અમે હંમેશાં મક્કમ રહ્યા હતા.”

જેઈનની જેમ, ઘણા યુવાનો માબાપનું કહ્યું સાંભળીને સુખી થયા છે. “જે ઠપકાનું પરિણામ જીવન છે તે પર જે કાન ધરે છે તે જ્ઞાનીઓમાં ગણાશે.” (નીતિવચનો ૧૫:૩૧) પરમેશ્વરનું જ્ઞાન યુવાનોને સારી સોબત રાખવાનું ઉત્તેજન આપે છે.

મિત્રોના દબાણનો સામનો કરવો

મિત્રો તરફથી દબાણ પણ આવે છે. બાળકોએ રોજ આવા દબાણનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે બાળકો પોતાની દોસ્તી જાળવી રાખવા મિત્રોના દબાણમાં ફસાય જાય છે.—નીતિવચનો ૨૯:૨૫.

બાઇબલ આપણને જણાવે છે કે “જગત તથા તેની લાલસા જતાં રહે છે.” (૧ યોહાન ૨:૧૭) તેથી, પોતાના બાળકો પર જગતના વિચારોની અસર ન થાય એની માબાપે કાળજી રાખવી જ જોઈએ. તેઓ કઈ રીતે બાળકોને મદદ કરી શકે?

રિચાર્ડ નામના એક પિતાએ કહ્યું: “મારી દીકરી હંમેશા તેની બહેનપણીઓ જેવા કપડાં પહેરવા ઇચ્છતી હતી. તે જ્યારે પણ એવાં કપડાં લેવાનું કહેતી ત્યારે અમે તેને શાંતિથી એના લાભ અને નુકસાન વિષે સમજાવતા. અમને યોગ્ય લાગતા હોય એવાં કપડાંની ફેશન માટે પણ અમે વર્ષો પહેલાં સાંભળેલી સલાહ જણાવતા કે, ‘જે વ્યક્તિ નવી ફૅશન પાછળ ન જાય ને જૂની ફેશન પાછળ પણ ન જાય તે જ ડાહી વ્યક્તિ છે.’”

પોલીન નામની માતાએ પોતાના બાળકોને મિત્રોના દબાણનો સામનો કરવા બીજી રીતે મદદ કરી. તે કહે છે: “મારા બાળકોને જેમાં રસ હતો એમાં મેં પણ રસ લીધો. હું નિયમિત તેઓના રૂમમાં જઈને તેઓ સાથે વાત કરતી. તેઓ સાથે લાંબો સમય વાત કરવાને લીધે હું તેઓને સારી રીતે માર્ગદર્શન આપી શકી.”

જોકે બાળકો પર મિત્રોનું દબાણ તો રહેશે જ. આથી માબાપે ‘જૂઠી દલીલોનો’ સતત સામનો કરવો પડશે. તેમ જ તેઓએ પોતાના બાળકોના ‘વિચારો ખ્રિસ્તની આધીનતામાં’ લાવવા પણ મદદ કરવી પડશે. (૨ કોરીંથી ૧૦:૫, IBSI) ‘પ્રાર્થનામાં લાગુ રહીને’ માબાપ અને બાળકો મિત્રોના દબાણનો સામનો કરવા દૃઢ બની શકશે.—રૂમી ૧૨:૧૨; ગીતશાસ્ત્ર ૬૫:૨.

મનોરંજનનું જોર

મનોરંજન એવી વસ્તુ છે જેમાં બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવું માબાપ માટે સહેલું નથી. સામાન્ય રીતે બાળકોને રમવાનું ગમતું હોય છે. અરે, ઘણા યુવાનો પણ રમત-ગમત માટે બહુ ઉત્સુક હોય છે. (૨ તીમોથી ૨:૨૨) પરંતુ જો તેઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં ન આવે તો તેઓનો પરમેશ્વર સાથેનો સંબંધ નબળો પાડી જશે. આ જોખમ ખાસ કરીને બે રીતોએ આવે છે.

સૌ પ્રથમ, મોટા ભાગના મનોરંજનમાં જગતના ખરાબ ધોરણો જોવા મળે છે. (એફેસી ૪:૧૭-૧૯) જગતનું મનોરંજન વ્યક્તિને જકડી રાખે એ રીતે રજૂ કરવામાં આવે છે. એનાથી યુવાનો ફાંદામાં ફસાય જાય છે.

બીજું, મનોરંજન પાછળ કેટલો સમય વાપરવામાં આવે છે એ પણ મહત્ત્વનું છે. કેમ કે, મોજશોખ જીવનમાં મહત્ત્વના બની જાય તો, એ ઘણો બધો સમય અને શક્તિ લઈ લે છે. તેથી, નીતિવચનો આપણને ચેતવણી આપે છે, “ઘણું મધ ખાવું સારૂં નથી.” (નીતિવચનો ૨૫:૨૭) એવી જ રીતે, વધારે પડતું મનોરંજન આપણને આળસુ બનાવી દે છે. પછી આપણને પરમેશ્વરની ભક્તિ કરવી પણ અઘરી લાગશે. (નીતિવચનો ૨૧:૧૭; ૨૪:૩૦-૩૪) આ જગતમાં તલ્લીન થઈ જવું સારું નથી. એનાથી યુવાનો “ખરેખરૂં જીવન,” એટલે કે અનંતજીવન ગુમાવી દઈ શકે. (૧ તીમોથી ૬:૧૨, ૧૯) માબાપ કઈ રીતે આ મુશ્કેલીનો સામનો કરી શકે?

ત્રણ છોકરીઓની માતા, મેરી કારમેને કહ્યું: “અમે અમારી છોકરીઓને યોગ્ય મનોરંજન આપવા માંગતા હતા. તેથી, અમે કુટુંબ તરીકે નિયમિત તેમની સાથે બહાર ફરવા જતા. તેઓ મંડળના મિત્રો સાથે પણ સમય પસાર કરતા. પરંતુ અમે મનોરંજનને યોગ્ય જગ્યાએ રાખ્યું. અમારા જીવનમાં એ સૌથી મહત્ત્વની બાબત ન હતી. તેઓ ઘરકામ, સ્કૂલનું હોમવર્ક અને મંડળમાં સારી રીતે કામ કરવાનું પણ શીખ્યા.”

ડોન અને રૂથ પણ પોતાના બાળકોને સારુ મનોરંજન પૂરું પાડવા ખાસ પ્રયત્નો કરતા. તેમણે કહ્યું: “અમે કુટુંબના આનંદપ્રમોદ માટે ખાસ કરીને શનિવારે અલગ સમય રાખતા. અમે સવારે પ્રચારમાં જતા, બપોરે તરવા જતા અને સાંજે મનગમતું ભોજન તો હોય જ.”

આ માબાપોએ મનોરંજન વિષે જે કહ્યું એ શું બતાવે છે? તેઓ પારખે છે કે બાળકોને મનોરંજની જરૂર છે પણ કેટલું મનોરંજન કરવું અને ક્યારે એ પણ સમજી શક્યા છે.—સભાશિક્ષક ૩:૪; ફિલિપી ૪:૫.

યહોવાહમાં ભરોસો રાખો

જોકે, આત્મિક રક્ષણ કંઈ આપોઆપ આવી જતું નથી. એ રક્ષણ માટે વર્ષોની મહેનત કરવી પડે છે. એવી કોઈ જાદુઈ દવા નથી કે જે લેવાથી બાળકો પરમેશ્વરના જ્ઞાનથી ભરપૂર થઈ જાય ને તેમની સલાહ મુજબ ચાલે. એ માટે તો ખુદ માબાપે બાળકોને ‘પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં ઉછેરવા’ પડશે. (એફેસી ૬:૪) બાળકોને ‘પ્રભુના શિક્ષણમાં’ ઉછેરવાનો અર્થ થાય છે કે તેઓને પરમેશ્વરની રીતે બાબતો જોવા મદદ કરવી. માબાપો આ કઈ રીતે કરી શકે?

આ માટે, નિયમિત કૌટુંબિક અભ્યાસ એક સૌથી મહત્ત્વની ચાવી છે. અભ્યાસ ‘બાળકોની આંખો ઉઘાડે છે કે જેથી તેઓ પરમેશ્વરના વચનોમાંથી અદ્‍ભુત બાબતો જોઈ શકે.’ (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૮) થીએગો નામના ભાઈએ કૌટુંબિક અભ્યાસને ઘણું મહત્ત્વ આપ્યું અને એના લીધે તેમના બાળકો પરમેશ્વરનો સાથ લેતા શીખ્યા. તે કહે છે, “હું અભ્યાસ માટે બરાબર તૈયારી કરતો. સંસ્થાએ બહાર પાડેલા પ્રકાશનોમાંથી સંશોધન કરીને, હું બાઇબલ પાત્રને એકદમ જીવંત બનાવવાનું શીખ્યો. હું બાળકોને એ જોવા ઉત્તેજન આપતો કે યહોવાહના વફાદાર સેવકો કેવા સંજોગોમાં રહેતા ને આજે આપણા સંજોગો કેવા છે. એનાથી બાળકોને જોવા મળતું કે યહોવાહ કઈ બાબતોથી ખુશ થાય છે.”

બાળકોને હરવખત શિક્ષણ આપી શકાય છે. મુસાએ માબાપને ‘તેઓ ઘરમાં બેઠા હોય ને રસ્તે ચાલતા હોય અને જ્યારે તેઓ સૂઈ જાય કે ઊઠે’ ત્યારે બાળકોને યહોવાહ વિષે શીખવવાની સલાહ આપી હતી. (પુનર્નિયમ ૬:૭) એક પિતા કહે છે: “મારા દીકરાને દિલ ખોલીને વાત કરતા ઘણો સમય લાગતો હતો. અમે સાથે ચાલવા જઈએ કે કોઈ પણ કામ સાથે કરીએ ત્યારે છેવટે તે પોતાની લાગણીઓ વ્યક્ત કરવા લાગતો. ઘણી વાર આવી રીતે વાતો કરવાથી અમને બંનેને ફાયદો થયો છે.”

બાળકો સાથે પ્રાર્થના કરવાથી પણ બાળક પર ઊંડી અસર થાય છે. માબાપને નમ્ર હૃદયે પરમેશ્વરને મદદ અને માફી માટે વિનંતી કરતા સાંભળે છે ત્યારે, બાળકો પણ ‘તે [પરમેશ્વર] છે એવો વિશ્વાસ કરે છે.’ (હેબ્રી ૧૧:૬) ઘણા માબાપ જે બાળકોને ઉછેરવામાં સફળ થયા છે. તેઓ કૌટુંબિક પ્રાર્થનાને ખૂબ મહત્ત્વની ગણે છે. બાળકો સાથે સ્કૂલની બાબતો વિષે પ્રાર્થના કરી શકાય. બીજી કોઈ પણ બાબતો જેની ચિંતા બાળકોને હોય એની પ્રાર્થના તેઓ સાથે કરી શકાય. એક પિતાએ કહ્યું કે બાળકો સ્કૂલે જવાના હોય એ પહેલાં હંમેશા તેમની પત્ની બાળકો સાથે પ્રાર્થના કરે છે.—ગીતશાસ્ત્ર ૬૨:૮; ૧૧૨:૭.

“સારૂં કરતાં આપણે થાકવું નહિ”

બધા જ માબાપ ભૂલો કરી બેસે છે અને પછી પસ્તાય છે. તેમ છતાં, બાઇબલ આપણને ઉત્તેજન આપતા કહે છે કે, “સારૂં કરતાં આપણે થાકવું નહિ.”—ગલાતી ૬:૯.

ઘણી વાર માબાપ પોતાના બાળકોને સમજી શકતા નથી અને હિંમત હારી જાય છે. એવું માની લેવું સહેલું છે કે આ યુવાન પેઢીને સમજવી અઘરી છે. પરંતુ, આજના બાળકોની નબળાઈઓ અને ગઈ કાલના બાળકોની નબળાઈઓમાં કંઈ ફેર નથી. તેઓ પણ એવી જ લાલચોનો સામનો કરે છે. જોકે, આજના બાળકો પર પોતાની ન મર્યાદા રાખવાનું દબાણ વધી ગયું છે. એક પિતા પોતાના બાળકને ઠપકો આપ્યા પછી પ્રેમથી કહે છે: “હું પણ તારી ઉંમરે આવું જ કંઈ કરવા માંગતો હતો.” ખરું કે આજે યુવાનોમાં કોમ્પ્યુટર જેવી બાબતો સામાન્ય છે. માબાપ કદાચ આ બધી બાબતો સમજી ન પણ શકે, પરંતુ માબાપ જરૂર જાણે છે કે કેવી કેવી બાબતો આપણને ફાંદામાં ફસાવી શકે.—માત્થી ૨૬:૪૧; ૨ કોરીંથી ૨:૧૧.

કેટલાક બાળકોને માબાપ સલાહ આપે એ ગમતું નથી. કોઈ વાર તેઓ સામા પણ થઈ જાય. તેમ છતાં, માબાપ ધીરજ રાખીને સહન કરે એ બહુ જરૂરી છે. શરૂઆતમાં માબાપની શિખામણ સાંભળવામાં આનાકાની કરતા બાળકો, છેવટે ધ્યાન આપે છે. (નીતિવચનો ૨૨:૬; ૨૩:૨૨-૨૫) યહોવાહના સાક્ષીઓની બ્રાન્ચ ઑફિસમાં સેવા આપતો મેથ્યુ નામનો યુવાન ભાઈ કહે છે: “હું નાનો હતો ત્યારે, મને એવું લાગતું કે મારા માબાપ વધારે પડતા કડક છે. હું ખોટી દલીલ કરતો કે મારા મિત્રોને તો તેમના માબાપ ઘણી છૂટ આપે છે. તો મને કેમ નહિ? અમુક વખતે જ્યારે મેં કંઈક ભૂલ કરી હોય ત્યારે તેઓ મને મનગમતી બાબત કરવાની છૂટ ન આપતા. ત્યારે હું ખૂબ જ ગુસ્સે થતો. પણ હવે એનો વિચાર કરું છું ત્યારે, હું જોઈ શકું છું કે મારા માબાપે આપેલું શિક્ષણ ખરેખર સારું હતું. હું તેઓનો ખૂબ જ આભાર માનું છું કે તેઓએ યોગ્ય સમયે જરૂરી શિસ્ત આપી.”

ખરું કે આપણા બાળકોએ કોઈ કોઈ વાર ખરાબ વાતાવરણમાં રહેવું પડે છે. તોપણ તેઓ યહોવાહના સારા સેવકો બની શકે છે. બાઇબલ વચન આપે છે તેમ, પરમેશ્વરનું જ્ઞાન તેઓનું આત્મિક રીતે રક્ષણ કરશે. “ડહાપણ અને સત્ય તમારા હૃદયમાં પ્રવેશ કરશે અને તમારું જીવન આનંદથી ભરપૂર થશે. વિવેકબુદ્ધિ અને સમજદારી તને બચાવી લેશે, જેથી ભૂંડા માણસોથી તું દૂર રહી શકે.”—નીતિવચનો ૨:૧૦-૧૨, IBSI.

બાળકને નવ મહિના સુધી પેટમાં ઉછેરવું એ કંઈ સહેલું નથી. પછીના ૨૦ વર્ષો પણ ખુશીઓની સાથોસાથ ઘણી મુશ્કેલીઓ પણ લાવી શકે. પરંતુ માબાપ પોતાના બાળકોને ખૂબ ચાહતા હોવાથી, તેઓને પરમેશ્વરના ડહાપણથી રક્ષણ આપવા બનતું બધું જ કરે છે. જેમ વયોવૃદ્ધ પ્રેષિત યોહાને પોતાના આત્મિક બાળકો વિષે અનુભવ્યું એવું જ તેઓ પણ અનુભવે છે: “જ્યારે મારા સાંભળવામાં આવે છે કે મારાં બાળકો સત્યમાં ચાલે છે, ત્યારે એ કરતાં બીજાથી મને મોટો આનંદ થતો નથી.”—૩ યોહાન ૪.

[ફુટનોટ]

^ કેટલાક નામો બદલવામાં આવ્યા છે.

[પાન ૨૪ પર ચિત્ર]

“અમે યુવાનો માટે હંમેશાં અમારું ઘર ખુલ્લું જ રાખતા”

[પાન ૨૫ પર ચિત્ર]

તમારા બાળકોને જે કંઈ ગમે એમાં તમે પણ રસ લો

[પાન ૨૬ પર ચિત્ર]

“હું અભ્યાસની પૂરેપૂરી તૈયારી કરતો”