પરમેશ્વરના પ્રેમથી સંપ આવશે
પરમેશ્વરના પ્રેમથી સંપ આવશે
પ્રથમ સદીમાં ખ્રિસ્તી મંડળ સ્થપાયું ત્યારે એમાં ઘણી નાતજાતના ને અમીર-ગરીબ લોકો હતા. પણ તેઓમાં સંપ હતો, જેણે મંડળને પ્રેમના બંધનમાં જકડી રાખ્યું. આ બધા ઈશ્વરભક્તો એશિયા, યુરોપ ને આફ્રિકાથી આવ્યા હતા. તેઓ અનેક જુદા જુદા વર્ગોમાંથી આવતા હતા. એમાં પાદરી, સૈનિક, ચાકર, શરણાર્થી, વેપારીઓ અને ગુલામો પણ આવી જતા હતા. એમાં યહુદીઓ અને બીજા ધર્મોના લોકો પણ હતા. મંડળમાં એવા લોકો પણ હતા જેઓ પહેલાં વ્યભિચારીઓ, સજાતીય સંબંધ બાંધનારા, દારૂડિયા, ચોર કે ગુંડાઓ હતા. પણ એક વાર સાચા ખ્રિસ્તી બન્યા પછી, તેઓએ પોતાના બધાં ખરાબ કામો છોડી દીધા અને પૂરી શ્રદ્ધાથી એક થઈને પરમેશ્વરની સેવા કરવા લાગ્યા.
શાને કારણે પ્રથમ સદીના ખ્રિસ્તીઓ એક થયા? શા માટે તેઓએ એકબીજા સાથે અને દુનિયાના લોકો સાથે પણ શાંતિ જાળવી રાખી? તેઓ લડાઈમાં કેમ જોડાયા નહિ? શા માટે પ્રથમ સદીનો સાચો ખ્રિસ્તી ધર્મ આજના મોટા ભાગના ધર્મો કરતાં સાવ અલગ છે?
શાને કારણે મંડળના સભ્યો એક થવા પ્રેરાયા?
પ્રથમ સદીનાં સભ્યો એક હતા કેમ કે તેઓને પરમેશ્વર માટે પ્રેમ હતો. એ સાચા ખ્રિસ્તીઓ બરાબર સમજ્યા હતા કે તેઓની મુખ્ય ફરજ યહોવાહ પરમેશ્વરને પૂરા દિલથી પ્રેમ કરવાની છે. દાખલા તરીકે, પ્રેષિત પીતરનો જ વિચાર કરો. તે પોતે એક યહુદી હતા. એ જમાનામાં યહુદીઓ બીજા ધર્મના લોકો સાથે કોઈ સંબંધ રાખતા નહિ. પણ પીતરને ૧ કરિંથી ૧:૧૦, IBSI; માત્થી ૨૨:૩૭; પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૧-૩૫.
એક પરદેશીના ઘરે જવાની આજ્ઞા મળી ત્યારે, તેમણે શું કર્યું? પીતર યહોવાહને પૂરા જીવથી ચાહતા હોવાથી ખુશીથી એ પરદેશીના ઘરે ગયા. આમ, પીતર અને બીજા ખ્રિસ્તીઓ પરમેશ્વરને દિલથી ચાહતા હતા. એટલું જ નહિ, તેઓને એ પણ ખબર હતી કે પરમેશ્વર સ્વભાવે કેવા છે, તે શાનાથી પ્રસન્ન થાય છે ને તેમને શું પસંદ છે ને શું નથી. પરમેશ્વરનો આશિષ પણ તેઓ પર હતો. ધીમે ધીમે આ પ્રથમ સદીના ભક્તોએ યહોવાહની ઇચ્છા પારખી. યહોવાહ તેઓ માટે શું ચાહતા હતા? એ જ કે તેઓ સર્વ ‘સુમેળથી રહે, એક મનના અને એક વિચારના થાય.’—આ ઈશ્વરભક્તો એક હતા કેમકે તેઓને ઈસુ ખ્રિસ્તમાં પૂરી શ્રદ્ધા હતી. તેઓ ઈસુને પગલે ચાલવા ઇચ્છતા હતા. ઈસુએ તેમને આજ્ઞા આપી હતી: “મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહાન ૧૩:૩૪, ૩૫) તેઓએ એવો પ્રેમ રાખવાનો ન હતો જે એક વાર ઊભરો આવીને શમી જાય. પણ તેઓએ પ્રેમ બતાવતા રહેવાનું હતું. એ માટે તેઓએ જતું કરવાની ભાવના રાખવાની હતી. એનું પરિણામ શું આવ્યું? જેઓએ ઈસુમાં વિશ્વાસ રાખ્યો તેઓ માટે ઈસુએ પ્રાર્થના કરી કે, “મારા પર વિશ્વાસ કરે છે તેઓને સારૂ પણ વિનંતી કરૂં છું, કે તેઓ બધા એક થાય; હે બાપ, જેમ તું મારામાં અને હું તારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય, કે તેં મને મોકલ્યો છે, એવો જગત વિશ્વાસ કરે.”—યોહાન ૧૭:૨૦, ૨૧; ૧ પીતર ૨:૨૧.
યહોવાહે પોતાનો પવિત્ર આત્મા તેમના સેવકોને આપ્યો હતો. એટલે કે પોતાની પવિત્ર શક્તિ તેઓને આપી. એ પવિત્ર શક્તિએ પણ તેઓને એક થવા મદદ કરી. તેથી, તેઓ મંડળોમાં શીખવવામાં આવતા બાઇબલના શિક્ષણને સારી રીતે સમજી શક્યા. યહોવાહના સેવકોએ એક જ શુભસંદેશનો પ્રચાર કર્યો. એ સંદેશો કયો હતો? એ પરમેશ્વરના મસીહી રાજ્યની ખુશખબરી હતી. એ રાજ્ય સ્વર્ગની સરકાર છે જે આખી માણસજાત પર રાજ કરશે ને યહોવાહનું નામ પવિત્ર મનાવશે. પહેલી સદીના ખ્રિસ્તીઓ એ પણ સમજ્યા હતા કે તેઓ ‘આ જગતનો ભાગ નથી.’ તેથી, લડાઈ-ઝઘડામાં કે લશ્કરમાં જોડાવા બાબતે ખ્રિસ્તીઓ કોઈનો પક્ષ લેતા ન હતા. તેઓએ બધાની સાથે શાંતિ જાળવી રાખી.—યોહાન ૧૪:૨૬; ૧૮:૩૬; માત્થી ૬:૯, ૧૦; પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૪; રૂમી ૧૨:૧૭-૨૧.
બધા ઈશ્વરભક્તો એકતા વધારવાની પોતાની જવાબ- દારીથી પણ વાકેફ હતા. કઈ રીતે? તેઓ ખાતરી રાખતા હતા કે પોતાની વાણી-વર્તન બાઇબલ મુજબ હોય. એટલે જ પ્રેષિત પાઊલે ખ્રિસ્તીઓને લખ્યું: “તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો” અને ‘નવું માણસપણું પહેરી લો.’—એફેસી ૪:૨૨-૩૨.
એકતા જળવાઈ રહે છે
જોકે, પ્રથમ સદીના ખ્રિસ્તીઓ પણ અપૂર્ણ હતા. વળી, એવા સંજોગો પણ ઊભા થયા જેનાથી તેઓની એકતા જોખમમાં મૂકાઈ. દાખલા તરીકે, પ્રેરિતોનાં કૃત્યો ૬:૧-૬માં જોવા મળે છે કે ગ્રીક અને હેબ્રી બોલતા યહુદીઓ વચ્ચે તકરાર થઈ હતી. ગ્રીક બોલતા યહુદીઓને લાગ્યું કે તેઓનો હંમેશાં દોષ કાઢવામાં આવે છે. પ્રેષિતોએ કોઈનો પક્ષ લીધા વગર એ બાબતો થાળે પાડી. પછીથી, ખ્રિસ્તી મંડળમાં સુન્નત વિષે પ્રશ્ન ઊભો થયો. ત્યારે પણ મતભેદો ઊભા થયા કેમકે અમુક કહેતા હતા કે બિનયહુદીઓ જે ખ્રિસ્તી થયા તેઓએ સુન્નત કરાવવી જોઈએ. પરંતુ, બાઇબલના સિદ્ધાંતને આધારે એ પ્રશ્નને થાળે પાડવામાં આવ્યો. જે નિર્ણય લેવામાં આવ્યો એને બધા જ મંડળોએ સ્વીકારી લીધો.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧-૨૯.
આ ઉદાહરણો બતાવે છે કે પ્રથમ સદીના મંડળમાં પણ મતભેદો ઊભા થયા હતા. પરંતુ, એનાથી તેઓમાં ભાગલા પડ્યા ન હતા. તેઓની માન્યતાઓમાં પણ ફેર પડ્યો ન
હતો. શા માટે? કેમ કે, ઘણી બાબતોએ પ્રથમ સદીના ખ્રિસ્તીઓની શાંતિ અને એકતામાં ફાળો આપ્યો હતો. તેઓને યહોવાહ માટે પ્રેમ અને ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ હતો. તેમ જ, તેઓમાં એકબીજા માટે જતું કરવાની ભાવના હતી. વળી, તેઓ પવિત્ર આત્માના માર્ગદર્શન મુજબ ચાલ્યા હતા. એટલું જ નહિ, તેઓ બાઇબલ શિક્ષણની ખરી સમજણ લેવા અને પોતાના વલણને બદલવા પણ તૈયાર હતા.આજે પરમેશ્વરની ભક્તિમાં સંપ
શું આજે પણ આવો સંપ જોવા મળી શકે? પહેલી સદીની જેમ શું આજે પણ એવો કોઈ ધર્મ છે જેમાં દુનિયાના કોઈ પણ નાત-જાતના લોકો એક સાચા પરમેશ્વરની ભક્તિ કરતા હોય? શાંતિથી હળીમળીને રહેતા હોય? ચોક્કસ! આજે યહોવાહના સાક્ષીઓ દુનિયાભરના ૨૩૦ કરતાં વધારે દેશો અને ટાપુઓમાં પોતાના સાથી ઉપાસકો સાથે સંપીને રહે છે. પ્રથમ સદીના ખ્રિસ્તીઓ જે કારણોથી સંપીને રહેતા હતા એ જ કારણે આજના સાચા ખ્રિસ્તીઓ પણ એક છે.
યહોવાહના સાક્ષીઓના સંપનું મુખ્ય કારણ એ છે કે તેઓ યહોવાહ પરમેશ્વરની ભક્તિ કરે છે. તેઓ કોઈ પણ સંજોગોમાં તેમને જ વફાદાર રહે છે. તેઓ ઈસુના શિક્ષણમાં વિશ્વાસ મૂકે છે. પોતાના સાથી ભાઈબહેનો માટે ભોગ આપીને પ્રેમ બતાવે છે. તેમ જ, દુનિયાના કોઈ પણ ખૂણામાં તેઓ લોકોને પરમેશ્વરના રાજ્યનો શુભસંદેશ આપે છે. તેઓ કોઈ પણ નાત, જાત કે દેશના લોકોને રાજ્યની ખુશખબરી જણાવે છે. આજે રાજનીતિમાં અને સાંસ્કૃતિમાં ભાગલા છે. સામાજિક જીવનના અનેક મત હોય છે, પણ યહોવાહના સેવકો એવી બાબતોમાં પક્ષ લેતા નથી. બધા જ સાક્ષીઓ બાઇબલના ધોરણો પ્રમાણે ચાલીને એકતા વધારવાને પોતાની ફરજ સમજે છે.
તેઓનો સંપ બીજાઓમાં રસ જાગૃત કરે છે
યહોવાહના સાક્ષીઓના સંપે ખાસ કરીને બીજા લોકોમાં પણ રસ જાગૃત કર્યો છે. દાખલા તરીકે, જર્મનીની ઇલઝ, * એક સમયે કોન્વેન્ટમાં નન (સાધ્વી) હતી. તે શાનાથી યહોવાહના સાક્ષીઓ તરફ આકર્ષાઈ? તે કહે છે: ‘હું આજ સુધી ઘણા લોકોને મળી છું. પણ યહોવાહના સાક્ષીઓ તો બધાની જેમ નથી. તેઓ સારા છે. તેઓ યુદ્ધમાં ભાગ લેતા નથી, બીજાઓનું ભૂંડું ઇચ્છતા નથી. તેઓ બધા લોકોને સુખ-શાંતિમાં રહેતા જોવા ઇચ્છે છે. એટલે તેઓ પરમેશ્વરના રાજ વિષે બધાને ખુશખબરી આપે છે.’
બીજો એક દાખલો જર્મનીના ગુન્ટરનો છે. તે પહેલાં સૈનિક હતો. બીજા વિશ્વયુદ્ધમાં તેને ફ્રાંસ મોકલવામાં આવ્યો. એક વાર ગુન્ટરની છાવણીમાં પ્રોટેસ્ટંટ પાદરીએ ધાર્મિક વિધિ રાખી હતી. એમાં પાદરીએ તેઓની જીત અને રક્ષણ માટે પરમેશ્વરને પ્રાર્થના કરી. એ ધાર્મિક વિધિ પછી ગુન્ટર ચોકીદાર તરીકે પોતાની ફરજ બજાવવા પાછો ગયો. તેણે દૂરબીનથી જોયું તો, દુશ્મનની છાવણીમાં પણ એક પાદરી ધાર્મિક વિધિ કરી રહ્યો હતો. ગુન્ટરે કહ્યું: “એ પાદરીએ પણ તેઓની જીત અને રક્ષણ માટે પરમેશ્વરને પ્રાર્થના કરી. હું તો વિચારમાં જ પડી ગયો કે ખ્રિસ્તી ચર્ચ કઈ રીતે યુદ્ધમાં સામસામે હોય શકે?” આ વાત ગુન્ટર ક્યારેય ભૂલી ન શક્યો. પછી સમય જતા તેને યહોવાહના સાક્ષીઓનો ભેટો થયો. તેઓએ ગુન્ટરને જણાવ્યું કે સાક્ષીઓ યુદ્ધમાં ભાગ લેતા નથી. ત્યાર પછી ગુન્ટર પણ યહોવાહનો સાક્ષી બન્યો.
અશોક અને ફીમા ધર્મમાં બહું માનતા હતા. તેમણે પૂજાપાઠ માટે ઘરમાં જ એક નાનું મંદિર પણ બનાવ્યું હતું. પરંતુ, તેઓના કુટુંબમાં કોઈ ગંભીર બીમારી ત્રાટકી ત્યારે તેઓએ પોતાના ધર્મની ફરીથી તપાસ કરી. પછી તેઓ યહોવાહના સાક્ષીઓને મળ્યા. બાઇબલના શિક્ષણથી અશોક અને ફીમા ખૂબ પ્રભાવિત થયા. ખાસ કરીને સાક્ષીઓ મધ્યે પ્રેમ જોઈને તેઓનું હૃદય સ્પર્શી ગયું. હવે અશોક અને ફીમા પણ યહોવાહના સાક્ષી છે અને પૂરા દિલથી યહોવાહના રાજ્ય વિષે બીજાઓને જણાવી રહ્યા છે.
ઇલઝ, ગુન્ટર, અશોક અને ફીમા આજે દુનિયાના લાખો યહોવાહના સાક્ષીઓના ભાઈચારામાં હળીમળી ગયા છે. તેઓ બધા હવે સંપીને પરમેશ્વરની ભક્તિ કરી રહ્યા છે. તેઓને બાઇબલના આ વચનમાં પૂરો ભરોસો છે કે જેમ તેઓ ઈશ્વરભક્તિમાં એક થયા છે તેમ જલદી જ ઈશ્વરની આજ્ઞા પાળતા સર્વ જનો એક સંપથી યહોવાહની ભક્તિ કરશે. ત્યાર પછી ધર્મને નામે કોઈ અત્યાચાર નહિ થાય, લોકોમાં ભાગલા પણ નહિ પડે. આખી પૃથ્વી સંપીને સાચા પરમેશ્વર, યહોવાહની ભક્તિ કરશે.—પ્રકટીકરણ ૨૧:૪, ૫.
[ફુટનોટ]
^ આ લેખમાં અમુક નામ બદલવામાં આવ્યા છે.
[પાન ૪, ૫ પર ચિત્ર]
પહેલી સદીમાં મંડળના ખ્રિસ્તીઓ અનેક નાત-જાત કે વર્ગમાંથી આવ્યા હતા, તોપણ તેઓ એક સંપથી રહ્યા