સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહને આધારે જીવ્યા

યહોવાહને આધારે જીવ્યા

મારો અનુભવ

યહોવાહને આધારે જીવ્યા

નાટાલી હોલ્ટોફના જણાવ્યા પ્રમાણે

જૂન ૧૯૪૫ની વાત છે. એક સુકલકડી માણસ અમારા ઘરને આંગણે ઊભો હતો. તેનો ચહેરો એકદમ ફિક્કો હતો. તેને જોઈને મારી નાની દીકરી રૂથે બૂમ પાડી: “ઓ મમ્મી . . . જો કોઈ આપણે બારણે ઊભું છે!” એને બીચારીને શું ખ્યાલ એ તો કોઈ નહિ પણ તેના પપ્પા હતા. તેના પપ્પાનું નામ ફ્રાદીનાડ. બે વર્ષ અગાઉ તેના પપ્પાને ગિરફતાર કરવામાં આવ્યા ત્યારે રૂથ ત્રણ જ દિવસની હતી. તેને નાત્ઝીઓની છાવણીમાં પૂરી દેવામાં આવ્યા. ખેર, છેવટે રૂથ તેના પપ્પાને મળી અને અમારું પરિવાર ભેગું મળ્યું. તેના પપ્પા સાથે મારે તો ઘણી ઘણી વાતો કરવાની હતી.

ફ્રાદીનાડનો જન્મ ૧૯૦૯માં જર્મનીના ખિય્લ શહેરમાં થયો. હું ૧૯૦૭માં જર્મનીના દ્રેશ્દન શહેરમાં જન્મી. હું બાર વર્ષની હતી ત્યારે પહેલી વાર મારા કુટુંબને યહોવાહના સાક્ષીઓ મળ્યા હતા. હું ઓગણીસ વર્ષની થઈ ત્યારે, મેં ઈવેંજીકલ ચર્ચનો ધર્મ છોડ્યો અને યહોવાહ પરમેશ્વરની ભક્તિ શરૂ કરી.

ફ્રાદીનાડને કૉલેજમાંથી ડિગ્રી મળી અને તે નાવિક બન્યા. વહાણમાં મુસાફરી કરતા તે વિચારતા હતા કે શું ખરેખર પરમેશ્વર છે? એક વાર તે જર્મનીમાં વહાણ રોકીને પોતાના મોટા ભાઈના ઘરે ગયા. મોટા ભાઈ યહોવાહના સાક્ષી હતા. તેમના ભાઈએ બાઇબલમાંથી સમજાવ્યું કે ખરેખર પરમેશ્વર છે અને એવા બીજા ઘણા પ્રશ્નોના જવાબ પણ આપ્યા. તેથી ફ્રાદીનાડે લુથેરન ચર્ચનો ધર્મ છોડી દીધો. નાવિક તરીકે કામ કરવાનું પણ છોડી દીધું. થોડા વખત પછી તે પ્રચારમાં ગયા. આખો દિવસ પ્રચાર કામ કરીને તેને ખૂબ મજા આવી. તેમણે આખી જિંદગી આ કામ કરવાનો નિર્ણય લીધો. એ જ સાંજે તેમણે યહોવાહને પોતાનું જીવન સમર્પણ કર્યું. તેમણે ઑગસ્ટ ૧૯૩૧માં બાપ્તિસ્મા લીધું.

એક નાવિક અને પ્રચારક

નવેમ્બર ૧૯૩૧માં ફ્રાદીનાડ નેધરલૅન્ડમાં પ્રચાર કાર્યમાં મદદ કરવા માટે ગયા. નેધરલૅન્ડમાં પ્રચાર કાર્ય પર દેખરેખ રાખતા ભાઈને ફ્રાદીનાડે કહ્યું કે પોતે એક નાવિક છે. ત્યારે ભાઈએ કહ્યું: “અરે વાહ! તમારી તો બહુ જ જરૂર છે.” પછી ભાઈઓએ એક બૉટ ભાડે લીધી. જેથી એમાં પાયોનિયરો એ દેશની ઉત્તર બાજુના દરિયાકાંઠે રહેતા લોકોને પ્રચાર કરી શકે. બૉટમાં પાંચ જણા હતા. પણ તેઓમાંથી કોઈને બૉટ હાંકતા આવડતું ન હતું. તેથી ફ્રાદીનાડ બૉટ ચલાવનાર બન્યા.

છ મહિના પછી ફ્રાદીનાડને દક્ષિણ નેધરલૅન્ડના, ટીલબર્ગમાં પાયોનિયર કરવાની સોંપણી મળી. લગભગ એ સમયે હું પણ ટીલબર્ગમાં પાયોનિયરીંગ કરતી હતી. ત્યાં અમે બેય મળ્યા. પછી, તરત જ અમને ઉત્તર નેધરલૅન્ડની બાજુના ગામ જવાનું કહેવામાં આવ્યું. ગામનું નામ ગ્રોરીનગન. એ જ ગામમાં અમે ઑક્ટોબર ૧૯૩૨માં લગ્‍ન કર્યાં. અમારું હનીમૂન તો ઘરમાં જ હતું. આ ઘરમાં અમુક પાયોનિયરો પણ રહેતા હતા. પછી અમે પણ ત્યાં રહીને પાયોનિયરીંગ કર્યું.

વર્ષ ૧૯૩૫માં અમારી દીકરી એસ્તરનો જન્મ થયો. જોકે અમારી આવક બહું ઓછી હતી છતાં, અમે પાયોનિયરીંગ ચાલું રાખવાનો નિર્ણય કર્યો. અમે એક ગામડાંમાં રહેવા ગયા. ત્યાં એક નાનાં ઘરમાં રહેતા હતા. હું એસ્તરની કાળજી રાખતી ત્યારે મારા પતિ આખો દિવસ પ્રચાર કરવા જતા. બીજે દિવસે હું પ્રચારમાં જતી અને તે એસ્તરનું ધ્યાન રાખતા હતા. એસ્તર અમારી સાથે પ્રચારમાં આવી શકે ત્યાં સુધી અમે આમ વારાફરતી પ્રચારમાં જતા.

થોડા જ વખતમાં યુરોપના રાજકારણમાં ઊથલ- પાથલ શરૂ થઈ. અમને સાંભળવા મળ્યું કે જર્મનીમાં સાક્ષીઓની સતાવણી કરવામાં આવે છે. ત્યારે અમને થયું કે જલદી જ આપણા પર પણ સતાવણી થશે. અમે વિચારતા હતા કે આપણા પર સતાવણી આવશે ત્યારે કઈ રીતે સહન કરી શકીશું? શું આપણે ગભરાઈ જઈશું કે શું આપણી શ્રદ્ધા નબળી પડી જશે? વર્ષ ૧૯૩૮માં નેધરલૅન્ડની સરકારે કાયદો કાઢ્યો કે બહારના દેશમાંથી આવ્યા હોય એ લોકોએ પ્રચાર કરવો જોઈએ નહિ. તેથી, નેધરલૅન્ડના ભાઈબહેનોએ અમારું સેવાકાર્ય ચાલું રાખવામાં મદદ કરી. કઈ રીતે? શુભસંદેશમાં રસ બતાવ્યો હોય એવા લોકોનું નામ અને સરનામું તેઓએ અમને આપ્યું. અમે તેઓમાંના અમુક સાથે બાઇબલનો અભ્યાસ કર્યો.

એ જ સમયમાં યહોવાહના સાક્ષીઓનું મહાસંમેલન રાખવામાં આવ્યું હતું. જોકે મહાસંમેલનમાં જવા અમારી પાસે ટ્રેનની ટિકિટના પૈસા ન હતા. તોપણ, અમે ત્યાં જવા માંગતા હતા. અમે ત્રણ દિવસ સાયકલ ચલાવી. એસ્તરને પણ અમે સાઈકલના હેન્ડલ પર એક નાની સીટમાં બેસાડીને મહાસંમેલનમાં ગયા. જે કોઈ ભાઈબહેનોના ઘરો રસ્તે આવે ત્યાં અમે રાત પસાર કરતા. અમે મહાસંમેલનમાં પહોંચ્યા ત્યારે અમારી ખુશીનો પાર ન હતો. આ સંમેલનથી અમારા શ્રદ્ધા મજબૂત થઈ. અને એ બહુ જ મહત્ત્વનું હતું કેમ કે અમારા પર સતાવણી આવવાની હતી. તેમ જ, અમને યહોવાહ પર જ પૂરો ભરોસો રાખવાનું યાદ દેવડાવ્યું. તેથી, ગીતશાસ્ત્ર ૩૧:૬ના શબ્દો અમારા જીવનનો મુખ્ય ધ્યેય હતો: “હું યહોવાહ પર ભરોસો રાખું છું.”

નાત્ઝીઓ અમારી પાછળ પડ્યા

વર્ષ ૧૯૪૦ના મે મહિનામાં નાત્ઝીઓ નેધરલૅન્ડ આવ્યાં અને નેધરલૅન્ડ પર આક્રમણ કર્યું. પછી થોડા જ દિવસમાં, ગેસ્ટાપો નામે ઓળખાતી છૂપી પોલીસ અમારા ઘરે આવી ને અમે બાઇબલ સાહિત્યો ગોઠવતા હતા. ફ્રદીનાડને પોલીસ હેડક્વાટર લઈ ગઈ. એસ્તર અને હું ઘણી વાર ત્યાં તેમને મળવા જતા હતા. ઘણીવાર તો, અમારી સામે તેમની પૂરપૂરછ કરવામાં આવતી. તેમ જ, અમારી સામે તેમને મારવામાં પણ આવતા હતા. પરંતુ, ડિસેમ્બરમાં તેમને અચાનક થોડા દિવસ માટે જ છોડવામાં આવ્યા. એક સાંજે અમે ઘરે આવ્યા ત્યારે, અમારા ઘર આગળ ગેસ્ટાપોની ગાડી જોઈ. ફ્રાદીનાડ ત્યાંથી નાસી ગયા. હું અને એસ્તર ઘેર ગયા. ત્યાં ગેસ્ટાપો અમારી રાહને જ બેઠા હતા. ખરેખર તો, તેઓ ફ્રાદીનાડને લેવા આવ્યા હતા. ગેસ્ટાપોના ગયા પછી એ જ રાત્રે નેધરલૅન્ડની પોલીસ આવીને પૂછપરછ કરવા મને લઈ ગઈ. બીજે દિવસે હું અને એસ્તર નવા નવા સત્યમાં આવેલા નોડરને ઘેર ગયા. જેથી, પોલીસને અમને શોધી ન શકે. ખરેખર, આ કુટુંબે અમારી કાળજી રાખી અને રક્ષણ કર્યું.

વર્ષ ૧૯૪૧, જાન્યુઆરી મહિનાના અંતે હાઉસ- બોટમાં રહેતા એક પાયોનિયર યુગલને ગિરફતાર કરવામાં આવ્યા. બીજા દિવસે સરકીટ ઓવરસીયર અને મારા પતિ એ યુગલની અમુક વસ્તુઓને લેવા બૉટમાં ગયા. પરંતુ, ગેસ્ટાપો ત્યાં આવી ચડે છે. જોકે, ફ્રાદીનાડ તો પોતાની બાઈક પર નાસી છૂટ્યા. પણ સરકીટ ઓવરસીયરને પકડી ગયા.

સરકીટ ઓવરસીયને જેલમાં પૂર્યા. પછી જવાબદાર ભાઈઓએ ફ્રાદીનાડને પૂછ્યું કે તમે સરકીટ ઓવરસીયરેની જવાબદારી ઉપાડી શકો? તેમણે હા પડી. પણ હવે તે મહિનામાં ફક્ત ત્રણ દિવસ ઘેર આવશે. જોકે આ મારા માટે મોટો પડકાર હતો. તેમ છતાં, મેં પાયોનિયરીંગ ચાલું રાખ્યું. ગેસ્ટાપો સાક્ષીઓની પાછળ પડ્યા હોવાથી અમારે વારંવાર રહેવાની જગ્યા બદલવી પડતી હતી. વર્ષ ૧૯૪૨માં અમે ત્રણ વાર અલગ અલગ જગ્યા રહેવા ગયા. આખરે અમે રોટરડૅમ શહેરમાં રહેવા આવ્યા. ફ્રાદીનાડ ખાનગીમાં જે સરકીટ કામ કરતા હતા એનાથી આ જગ્યા બહુ દૂર હતી. હવે મને બીજું બાળક થવાનું હતું. તેથી, કૅમ્પ પરિવારે તેમના ઘરમાં મને આશરો આપ્યો. તેમના પણ બે પુત્રોને એ સમયમાં જ જુલમી છાવણીમાં લઈ ગયા હતા.

ગેસ્ટાપોએ અમારો પીછો છોડ્યો ન હતો

મારી બીજી દીકરી રૂથનો જન્મ જુલાઈ ૧૯૪૩માં થયો. રૂથના જન્મ પછી, ફ્રાદીનાડ ત્રણ જ દિવસ અમારી સાથે રહી શક્યા. પછી તેમને જવાનું હતું. એ વખતે અમે તેમને જોયા પછી, લાંબા સમયે અમે ફરીથી મળ્યા. તે ગયા અને ત્રણ અઠવાડિયા પછી આમસ્ટેરડામમાં તેમને ગિરફતાર કરવામાં આવ્યા. તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. ત્યાં તેમની યહોવાહના સાક્ષી તરીકે ઓળખ થઈ. એટલે ગેસ્ટાપોએ તેમના પ્રચાર કામ વિષેની વધારે માહિતી આપવા બહુ બળજબરી કરી. પરંતુ, ફ્રાદીનાડે કહ્યું કે હું તો યહોવાહનો એક સાક્ષી છું અને રાજનીતિમાં કોઈ રીતે સંડોવાયેલો નથી. પોલીસો ગુસ્સે ભરાયા કેમ કે ફ્રાદીનાડ એક જર્મન હોવા છતાં લશ્કરમાં જોડાયા ન હતા. તેઓએ ફ્રાદીનાડને ધમકી આપી કે, ‘તમે લશ્કરમાં ન જોડાયા માટે તમને મળશે મોતની સજા.’

પાંચ મહિના સુધી ફ્રાદીનાડને જેલમાં રાખવામાં આવ્યા. ત્યાં તેમણે ગોળીઓથી વીંધી નાખવાની ધમકીઓ સહન કરી. તોપણ, યહોવાહને વફાદાર રહેવામાં તે ડગમગ્યા ન હતા. પરમેશ્વરની સેવા કરવા અને તેમને વફાદાર રહેવા બાઇબલમાંથી મદદ મળી. જોકે પોલીસે કાયદો રાખ્યો કે યહોવાહના સાક્ષીને બાઇબલ રાખી ન શકે. પણ બીજા કેદીઓ બાઇબલ રાખી શકે છે. ફ્રાદીનાડે જેલમાં પોતાની સાથે રહેતા કેદીને પોતાના પરિવાર પાસેથી એક બાઇબલ મંગાવાનું કહ્યું. અને કેદીએ બાઇબલ મંગાવ્યું. વર્ષો પછી પણ, ફ્રાદીનાડ આ કિસ્સાને પણ યાદ કરે ત્યારે કહેતા: “ખરેખર, બાઇબલમાંથી મને કેવો દિલાસો અને હિંમત મળી હતી!”

જાન્યુઆરી ૧૯૪૪માં અચાનક ફ્રાદીનાડને વુકેટ, નેધરલૅન્ડમાં જુલમી છાવણીમાં લઈ જવામાં આવ્યા. જોકે ત્યાં લઈ ગયા એ એક રીતે સારું હતું. કેમ કે એ છાવણીમાં બીજા ૪૬ ભાઈઓ પણ હતા. પછી મને ખબર પડી કે મારા પતિ હજુ જીવે છે એ જાણી હું બહુ રાજી થઈ ગઈ.

જુલમી છાવણીમાં પણ પ્રચારકામ

જોકે, ત્યાંનું જીવન પણ બહુ કઠિન હતું. સારું ખાવાનું મળતું ન હતું. કકળતી ઠંડી હતી પણ ગરમ કપડાં ન હતા. ફ્રાદીનાડને ગળામાં ટોનસીલ થયા. લાંબો સમય કકળતી ઠંડીમાં કામ કર્યા પછી, તેમણે ત્યાંના દવાખાનામાં જણાવ્યું કે પોતાને તાવ છે. પરંતુ, વ્યક્તિને ૪૦ ડિગ્રી સેલ્સિયસ અથવા એનાથી પણ વધારે તાવ હોય તો જ, તેમને દવાખાનામાં જવા દેતા. અને ફ્રાદીનાડનો તાવ ૩૯ ડિગ્રી સેલ્સિયસ હતો. તેથી તેમને પાછા બહાર કામ કરવા મોકલ્યા. પણ બીજા કેદીઓને તેમના પર બહુ દયા આવી. તેથી, તેઓએ તેમને થોડા સમય માટે ગરમ જગ્યાએ સંતાડી રાખ્યા. એટલું જ નહિ, ઘણી વાર જેલના અમુક ભાઈઓને બહારથી ખાવાનું મળતું ત્યારે તેઓ ફ્રાદીનાડને પણ આપતા હતા. તેથી, તેમને થોડી ઘણી શક્તિ મળી.

મારા વહાલા પતિનું જીવન જ પ્રચાર કાર્યમાં ડૂબેલું હતું. જેલમાં પણ તે પ્રચાર કરતા હતા. જેલના અધિકારીઓ હંમેશા તેમના જાંબુડીયા રંગના ત્રિકોણ વિષે કંઈને કંઈ ટીકા કરતા. આ ત્રિકોણ, જેલમાં યહોવાહના સાક્ષીઓના કપડા પર સાંધવામાં આવતું. પરંતુ, ફ્રાદીનાડ એ ટીકાઓ સાંભળીને તેઓ સાથે યહોવાહ વિષે વાત કરતા. જોકે, ફ્રાદીનાડ જ પ્રચાર કરતા નહિ. ત્યાં બીજા ભાઈઓ પણ પ્રચાર કરતા હતા. પણ એક તકલીફ હતી કે જે જેલમાં ભાઈઓ હતા ફક્ત ત્યાં જ પ્રચાર થઈ શકે. તેથી, ભાઈઓ વિચારતા હતા કે ‘કઈ રીતે છાવણીની બીજી જેલોમાં પણ પ્રચાર થઈ શકે?’ તેઓ વિચારતા હતા એવામાં જેલના અધિકારીઓએ તેમના માટે ઉકેલ શોધી કાઢ્યો હતો.

ભાઈઓ પાસે ખાનગીમાં બાઇબલ સાહિત્યો અને ૧૨ બાઇબલ હતા. એક દિવસે ચોકીદારના હાથમાં અમુક સાહિત્યો આવ્યા. પરંતુ, સાહિત્યો કોના છે એ તેઓ જાણી ન શક્યા. તેથી જેલના અધિકારીઓએ ભાઈઓના સંપને તોડવાનું નક્કી કર્યું. દરેક ભાઈઓને બીજા કેદીઓ સાથે રહેવા મૂક્યા. એટલું જ નહિ, જમતી વખતે પણ તેઓએ બીજા કેદીઓ સાથે બેસવાનું હતું. આ ગોઠવણ એક આશીર્વાદ સાબિત થઈ. કેમ કે ભાઈઓ માટે તો એવું થયું કે જાણે ભાવતું તું ને વૈદે કહ્યું. હવે તેઓ જેલના ઘણા લોકોને પ્રચાર કરી શકતા હતા.

એકલા હાથે બે છોકરીઓ ઉછેરવી

એ સમય દરમિયાન, હું ને મારી બે દીકરીઓ રોટરડૅમમાં રહેતા હતા. વર્ષ ૧૯૪૩/૪૪નો શિયાળો બહુ કઠિન હતો. અમારા ઘરની પાછળ જર્મન લશ્કરનું તોપખાનું હતું. અમારા ઘર આગળ જ બંદર હતું. એટલે બીજા દેશો ત્યાં બૉંબમારો કરતા હતા. તેથી, રહેવા માટે આ જગ્યા બહુ જોખમી હતી. વળી, ખોરાક પણ ભાગ્યે જ મળતો. પણ અમે હંમેશા યહોવાહ પર ભરોસો રાખવાનું શીખ્યા હતા.—નીતિવચનો ૩:૫, ૬.

આંઠ વર્ષની એસ્તર મને ખૂબ મદદ કરતી હતી. ગરીબ લોકોને સૂપ અને બ્રેડ આપવામાં આવતા હતા. ત્યાં જઈને એસ્તર લાઇનમાં ઉભી રહેતી હતી. ઘણી વાર તેનો વારો આવે ત્યારે કંઈ બચતું નહિ. એક વાર તે આમ ખોરાક લેવા ગઈ હતી. તે જ્યાં ગઈ હતી ત્યાં બૉંબ ફૂટ્યો. એ સાંભળીને મારો જીવ અધ્ધર થઈ ગયો. પરંતુ, તે હમખેમ અને એ પણ થોડું બીટરૂટ લઈને ઘરે પાછી આવી ત્યારે, મારા જીવમાં જીવ આવ્યો. મેં તેને પૂછ્યું, “શું થયું?” તેણે શાંતિથી જવાબ આપ્યો, “બૉંબ ફૂટ્યો. પણ પપ્પાએ મને શીખવ્યું હતું એમ, જમીન પર સીધી સૂઈ ગઈ ને યહોવાહને પ્રાર્થના કરી. હું બચી ગઈ!”

મારી માતૃભાષા જર્મન છે. હું જર્મન છું એની લશ્કરોને ગંધ પણ આવે તો મારો જીવ જોખમમાં આવી શકે. તેથી એસ્તર અમારા માટે બજારમાં ખરીદી કરવા જતી. પરંતુ જર્મન સૈનિકો એસ્તર પર નજર રાખતા હતા. તેઓએ એસ્તરને પૂછપરછ કરવાનું શરૂ કર્યું. પરંતુ, તેણે તેઓને કોઈ માહિતી આપી નહિ. ઘરે હું એસ્તરને બાઇબલમાંથી શીખવતી હતી. વળી તે સ્કૂલમાં જઈ શકતી ન હોવાથી મેં તેને ઘરમાં જ લખતાં-વાંચતા અને બીજી ઘણી કળા શીખવી.

એસ્તર મને પ્રચારમાં પણ મદદ કરતી હતી. જે કોઈ બાઇબલ અભ્યાસ કરે તે ઘર આગળ નિશાની મૂકે જેથી અમને ખબર પડે તેઓની ઘરે ખતરો છે કે નહિ. હું જઉં એ પહેલા એસ્તર જોવા જતી કે ઘરમાં કોઈ નિશાની રાખી છે કે નહિ. દાખલા તરીકે, જેની ઘરે હું બાઇબલ શીખવવા જવાની હોઉં તેઓ ફ્લાવર પૉટ એવી જગ્યાએ મૂકે જેથી મને ખબર પડે કે કોઈ ખતરો નથી, હું જઈ શકું છું. હું ઘરમાં જઈને બાઇબલ અભ્યાસ ચાલું કરું. પણ મારી દીકરી એસ્તર બાબાગાડીમાં રૂથને મૂકીને રસ્તે આંટા મારતી અને જોતી કે કોઈ પોલીસવાળા જોવે છે કે નહિ.

જુલમી છાવણી તરફ

વર્ષ ૧૯૪૪માં ફ્રાદીનાડ બીજી છાવણીમાં ગયા. સપ્ટેમ્બરમાં તેમની સાથે બીજા ઘણાને બળજબરીથી રેલ્વે સ્ટેશન લઈ જવામાં આવ્યા. અને માલ ગાડીના એક ડબ્બામાં ૮૦ કેદીઓ ભર્યા હતા. દરેક ડબ્બામાં ફક્ત બે ડૉલ હતી. એક ટોઇલેટ માટે અને બીજી પીવાના પાણી માટે. આ મુસાફરી ત્રણ દિવસ હતી. ડબ્બામાં ફક્ત ઊભા રહેવાની જગ્યા હતી! ન કોઈ હવા ન કોઈ પ્રકાશ. એ ડબ્બાઓમાં અમુક જોવા માટે થડો બાકોરા જ હતા. તેઓએ એ ત્રણ દિવસ ભૂખ-તરસ, ગરમી, બદબું અને કહી ન શકાય એવું ઘણું બધું સહન કર્યું.

ધીરે ધીરે ટ્રેન સક્સેનહુસેન જુલમી છાવણીમાં આવી. ભાઈબહેનોએ મુસાફરી વખતે પોતાની સાથે ૧૨ નાનાં બાઇબલ રાખ્યા હતા. એ સિવાય, બધા જ કેદીઓ પાસેથી તેઓની વસ્તુઓ છીનવી લેવામાં આવી.

ફ્રાદીનાડ અને બીજા આંઠ ભાઈઓને સક્સેન- હુસેનમાં રેથનાઉ શહેરની છાવણીમાં કામ કરવા મોકલ્યા. ત્યાં તેઓએ યુદ્ધના સાધનો બનાવાના હતા. ભાઈઓને ઘણી વાર ધમકી આપવામાં આવી છતાં, તેઓએ એ કામ કરવાની ઘસીને ના પાડી. એકબીજા વિશ્વાસમાં મજબૂત રહી શકે માટે, તેઓ સવારમાં બાઇબલની કોઈ કલમ યાદ કરતા. જેમ કે ગીતશાસ્ત્ર ૧૮:૨, પછી આખો દિવસ એના પર મનન કરતા હતા. આમ કરવાથી તેઓની શ્રદ્ધા ડગી નહિ.

આખરે, લશ્કરોએ જાહેર કર્યું કે રશિયન લશ્કરો મદદ કરવા આવી રહ્યાં છે. રશિયન લશ્કર, ફ્રાદીનાડ અને તેમના સાથી હતા ત્યાં આવી પહોંચ્યું. તેઓએ કેદીઓને થોડું ખાવાનું આપ્યું અને તેઓને જવાનું કહ્યું. વર્ષ ૧૯૪૫ એપ્રિલના અંતે રશિયાના લશકરે તેઓને ઘરે જવાની પરવાનગી આપી.

કુટુંબ ભેગું થયું

જૂન ૧૫ના રોજ ફ્રાદીનાડ નેધરલૅન્ડ આવ્યા. ગ્રોનીગૅનના ભાઈઓએ તેમનું સ્વાગત કર્યું. તેમને જાણવા મળ્યું કે હજુ અમે જીવતા છીએ અને આ દેશમાં ક્યાંક રહીએ છીએ. અમને પણ તેમના છૂટયાના સમાચાર મળ્યા. તેમના આવવાની રાહ જોતા, મને તો એક દિવસ જાણે વર્ષ જેવો લાંબો લાગતો હતો. અને શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે એક દિવસે રૂથે બૂમ પાડી: “ઓ મમ્મી . . . જો કોઈ આપણે બારણે ઊભું છે!” એ મારા વહાલા પતિ અને તેના પિતા હતા!

અમે કુટુંબ તરીકે ભેગા મળીને રહીએ એ પહેલાં ઘણી બાબતો થાળે પાડવાની હતી. અમારી પાસે રહેવાનું ઘર ન હતું. સૌથી મહત્ત્વનું તો, નેધરલૅન્ડમાં હંમેશ માટે રહેવાનો વીઝા ન હતો. અમે જર્મન હોવાથી ડચ અધિકારીઓ અમારી સાથે નાત બહાર જેવો વ્યવહાર કરતા હતા. આખરે, બધી બાબતો થાળે પડી. કુટુંબ તરીકે યહોવાહની સેવા કરવાની અમારી ઇચ્છા આખરે પૂરી થઈ.

“હું યહોવાહ પર ભરોસો રાખું છું”

પછીના વર્ષોમાં હું અને ફ્રાદીનાડ ઘણી વાર અમારા મિત્રોના ઘરે જતા. આ મિત્રો પણ અમારી જેમ કસોટીમાંથી પસાર થયા હતા. અમે ભેગા મળતા ત્યારે, યાદ કરતા કે મુશ્કેલીના સમયમાં યહોવાહે આપણને કેવા ટકાવી રાખ્યા! (ગીતશાસ્ત્ર ૭:૧) અમે રાજી છીએ કે, યહોવાહે અમને ઘણા આશીર્વાદો આપ્યા. વળી, અમે અમારી યુવાની યહોવાહની સેવામાં વાપરી હોવાથી પણ અમે બહુ ખુશ છીએ.—સભાશિક્ષક ૧૨:૧.

નાત્ઝીની સતાવણી પછી, અમે બેયએ પચાસેક વર્ષ યહોવાહની સેવા કરી. મારા વહાલા પતિએ ડિસેમ્બર ૨૦, ૧૯૯૫માં પૃથ્વી પરનું તેમનું જીવન પૂરું કર્યું. હવે તો હું ૯૮ વર્ષની થઈશ. અને મારા બાળકોએ મુશ્કેલીના વર્ષોમાં મને બહુ સાથ એ માટે હું યહોવાહનો દરરોજ પાડ માનું છું. વળી, હજુ પણ હું તેમની સેવા કરીને યહોવાહના નામને મહિમા આપી શકું છું અને તેમણે મારા માટે જે કંઈ કર્યું છે એ માટે પણ હું આભારી છું. હું પૂરા દિલથી એ જ માનું છું કે “હું યહોવાહ પર ભરોસો રાખું છું.”—ગીતશાસ્ત્ર ૩૧:૬.

[પાન ૧૯ પર ચિત્ર]

ફ્રાદીનાડ અને હું, ઑક્ટોબર ૧૯૩૨

[પાન ૧૯ પર ચિત્ર]

પ્રચાર કરવા માટેની બૉટ “અલમીના” અને એના ખલાસીઓ

[પાન ૨૨ પર ચિત્ર]

ફ્રાદીનાડ અને બાળકો સાથે