સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

શું પ્રેરિતોનાં કૃત્યો ૭:૫૯માં સ્તેફનના શબ્દો એ બતાવે છે કે આપણે ઈસુને પ્રાર્થના કરવી જોઈએ?

પ્રેરિતોનાં કૃત્યો ૭:૫૯ જણાવે છે: “તેઓ સ્તેફનને પથરા મારતા હતા ત્યારે તેણે પ્રભુની પ્રાર્થના કરીને કહ્યું, કે ઓ પ્રભુ, ઈસુ, મારા આત્માનો અંગીકાર કર.” આ શબ્દોએ કેટલાકના મનમાં પ્રશ્ન ઊભો કર્યો છે. કેમ કે બાઇબલ જણાવે છે કે યહોવાહ “પ્રાર્થનાના સાંભળનાર” છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) શું સ્તેફને ખરેખર ઈસુને પ્રાર્થના કરી હતી? જો તેમણે ઈસુને પ્રાર્થના કરી હોય તો, શું એનો અર્થ એમ થાય કે ઈસુ એ જ યહોવાહ છે?

કીંગ જેમ્સ બાઇબલ બતાવે છે કે સ્તેફને “પરમેશ્વરને આજીજી કરી.” તેથી, ઘણા લોકોને બાઇબલ ટીકાકાર મેથ્યુ હેન્રી જેવું જ લાગે છે. તેમણે કહ્યું: “અહીં સ્તેફન ખ્રિસ્તને પ્રાર્થના કરે છે તેથી આપણે પણ તેમને જ પ્રાર્થના કરવી જોઈએ.” પરંતુ, આવો વિચાર ભૂલ ભરેલો છે. શા માટે?

બ્રાન્ઝ નોટ્‌સ ઓન ધ ન્યૂ ટેસ્ટામેન્ટ કહે છે: “પરમેશ્વર શબ્દ મૂળ લખાણમાં નથી, આથી અનુવાદમાં પણ એ ન જ હોવો જોઈએ. એ કોઈ પણ પ્રાચીન [હસ્તલેખ] કે આવૃત્તિમાં નથી.” એ કલમમાં કઈ રીતે “પરમેશ્વર” શબ્દ ઉમેરવામાં આવ્યો? અબીલ એબોર્ટ લીવરમોરે કહે છે કે, “અહીં કેટલાક અનુવાદકોએ પોતાનો મત આગળ વધારવા” એ શબ્દ ઉમેર્યો. જોકે, આધુનિક અનુવાદકોએ આ શબ્દને કાઢી નાખ્યો છે.

તેમ છતાં, ઘણા અનુવાદો બતાવે છે કે સ્તેફને ઈસુને “પ્રાર્થના કરી.” અરે, ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનની નિમ્નનોંધ પણ બતાવે છે કે તેણે “આજીજી કરી” એનો અર્થ “પ્રાર્થના” કરી થઈ શકે. તેથી, શું એનો અર્થ એમ થાય કે ઈસુ સર્વશક્તિમાન પરમેશ્વર છે? ના. વાઈન્સ એક્પોઝીટરી ડિક્ષનરી ઑફ ઓલ્ડ ઍન્ડ ન્યૂ ટેસ્ટામેન્ટ વર્ડસ્‌ સમજાવે છે કે આ સંદર્ભમાં, મૂળ ગ્રીક શબ્દ ઍપિકાલિયોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એનો અર્થ થાય કે, “વિનંતી કરવી, પ્રાર્થના કરવી; . . . અધિકારીઓને વિનંતી કરવી.” પાઊલે પણ એક વાર આ જ શબ્દનો ઉપયોગ કર્યો હતો, જ્યારે તેમણે કહ્યું: “હું કૈસરની પાસે દાદ માગું [વિનંતી કરું] છું.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૫:૧૧) તેથી, ધ ન્યૂ ઈંગ્લીશ બાઇબલ કહે છે કે સ્તેફને પરમેશ્વરને નહિ પણ ઈસુને “વિનંતી કરી.”

શા માટે સ્તેફને ઈસુને આ રીતે વિનંતી કરી? પ્રેરિતોનાં કૃત્યો ૭:૫૫, ૫૬નો અહેવાલ જણાવે છે: “પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેણે આકાશ તરફ એકી નજરે જોઈ રહેતાં, દેવનો મહિમા તથા દેવને જમણે હાથે ઈસુને ઊભેલો જોયો.” સ્તેફન ઈસુના નામમાં યહોવાહને પ્રાર્થના કરી શક્યા હોત. પરંતુ, દર્શનમાં સજીવન થયેલા ઈસુને જોઈને, સ્તેફનને તેમને સીધેસીધી પ્રાર્થના કરવાનું વધારે સહેલું લાગ્યું હશે. આથી તેમણે કહ્યું: “ઓ પ્રભુ, ઈસુ, મારા આત્માનો અંગીકાર કર.” સ્તેફન જાણતા હતા કે પરમેશ્વર યહોવાહે ઈસુને મૂએલાઓને સજીવન કરવાનો અધિકાર આપ્યો છે. (યોહાન ૫:૨૭-૨૯) તેથી, ઈસુ તેમને સ્વર્ગમાં સજીવન ન કરે ત્યાં સુધી પોતાના આત્મા કે જીવન શક્તિનું રક્ષણ કરવાની તે ઈસુને વિનંતી કરતા હતા.

શું સ્તેફનની આ ટૂંકી વિનંતી ઈસુને પ્રાર્થના કરવાનો નમૂનો બેસાડે છે? ના, જરાય નહિ. એક તો ઈસુ અને યહોવાહ વચ્ચેનો સ્પષ્ટ તફાવત સ્તેફન બતાવે છે. અહેવાલ બતાવે છે કે તેમણે ઈસુને ‘દેવને જમણે હાથે ઊભેલા જોયા.’ બીજું કે આ સંજોગો એકદમ અલગ હતા. આ સિવાય ફક્ત પ્રેષિત યોહાને ઈસુને દર્શનમાં જોયા ત્યારે તેમને આવી રીતે સંબોધ્યા હતા.—પ્રકટીકરણ ૨૨:૧૬, ૨૦.

આજે ખ્રિસ્તીઓ ફક્ત યહોવાહને પ્રાર્થના કરે છે. પરંતુ એ સાથે તેઓને દૃઢ વિશ્વાસ છે કે ઈસુ “પુનરુત્થાન તથા જીવન” છે. (યોહાન ૧૧:૨૫) સ્તેફનની જેમ આપણે પણ ઈસુમાં પૂરો વિશ્વાસ રાખી શકીએ કે તે પોતાના શિષ્યોને મરણમાંથી સજીવન કરશે. આવો વિશ્વાસ આપણને ગમે એવી મુશ્કેલી કે કસોટીઓનો સામનો કરવા મદદ કરશે.