ઘડપણને માથે મહિમાનો મુગટ
‘યહોવાહ તરફથી મને સહાય મળે છે’
ઘડપણને માથે મહિમાનો મુગટ
યહોવાહની સેવા કરતા કરતા જીવન પાનખર વયે પહોંચે છે. તો કેવું લાગે? એકસો એક વર્ષની વયે મ્યૂરલ બા કહે છે કે, “એ જ સાચું સુખ.” સિત્તેર વર્ષના થિયોડોરોસભાઈ કહે છે કે, “આ જ જીવનના આશીર્વાદ.” મારિયાની ઉંમર ૭૩ અને તે જણાવે છે કે, “મેં એ રસ્તો લીધો એનો મને ખૂબ જ સંતોષ છે.”
દુનિયાને ખૂણે ખૂણે યહોવાહના ભક્તો છે. ઘણા મોટી ઉંમરના પણ છે. ઘડપણ નડતું હોય કે આકરા સંજોગ હોય, પણ ઘરડા ભક્તો દિલથી યહોવાહની ભક્તિ કરતા જ રહે છે. જીવનભર જેને યહોવાહની ભક્તિ કરી હોય અને છેવટે માથે ધોળા આવી ગયા હોય, તેઓને ખરેખરભાઈઓ બહેનો માન આપે છે. ભલે તેઓ પહેલાં જેટલું ન કરી શકે, પણ યહોવાહ વૃદ્ધ ભક્તોને ખૂબ ચાહે છે અને તેઓની ભક્તિ દિલથી સ્વીકારે છે. *—૨ કોરીંથી ૮:૧૨.
ઘરડા ભક્તોને યહોવાહ આશીર્વાદ આપે છે. એ વિષે ગીતશાસ્ત્રમાં સરસ સમજણ આપી છે. તેઓને એક ઘટાદાર વૃક્ષ સાથે સરખાવવામાં આવે છે. વૃદ્ધ ભક્તો વિષે કવિએ કહ્યું: “તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે, તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે.”—ગીતશાસ્ત્ર ૯૨:૧૪.
ઘણાને ઘડપણમાં લાગે કે ‘મારું તો હવે કોઈ નથી.’ દાઊદે ઈશ્વરને પ્રાર્થના કરી: “વૃદ્ધાવસ્થાને સમયે મને તજી ન દે; મારી શક્તિ ખૂટે ત્યારે મારો ત્યાગ ન કર.” (ગીતશાસ્ત્ર ૭૧:૯) ઘડપણમાં પરમેશ્વરનો ડર રાખીને ચાલવાથી આપણને સાચું સુખ મળી શકે. કવિએ કહ્યું: “ઈશ્વરની બીક રાખનાર તાડની જેમ ખીલશે.”—ગીતશાસ્ત્ર ૯૨:૧૨, IBSI.
જેઓ ઘડપણમાં ઈશ્વરની સેવા કરે છે તેઓ ખીલે છે. જીવનભર સાચે માર્ગે ચાલનાર અને બીજાઓને પણ ચલાવનાર લોકો ઘડપણમાં ખીલે છે. (ગલાતી ૬:૭-૧૦; કોલોસી ૧:૧૦) જ્યારે કે પોતાના જ સ્વાર્થ માટે જીવ્યા હોય તેઓ ઘડપણમાં કરમાઈ જાય છે.
નેકીનો માર્ગ અથવા સાચો માર્ગ તો એક મુગટ છે, ઘડપણનો મુગટ છે. નીતિવચનો જણાવે છે કે, “માથે પળિયાં એ મહિમાનો મુગટ છે, તે નેકીના માર્ગમાં માલૂમ પડશે.” (નીતિવચનો ૧૬:૩૧) નેકીને માર્ગે ચાલનારનું દિલ સુંદર હોય છે. જીવનભર સાચે માર્ગે ચાલનારનું માન વધે છે. (લેવીય ૧૯:૩૨) માથે ધોળા આવી ગયા હોય, સાથે ડહાપણ હોય, ભક્તિ હોય તો માન મળે છે.—અયૂબ ૧૨:૧૨.
યહોવાહની ભક્તિમાં જીવન ગાળ્યું હોય એ યહોવાહને ખૂબ ગમે છે. યહોવાહ જણાવે છે કે, “તમારા ઘડપણ સુધી હું તેજ છું, પળિયાં આવતાં સુધી હું તમને ઉપાડી લઈશ; મેં ઉત્પન્ન કર્યું છે, ને હું તમને ઊંચકી રાખીશ; હા, હું તમને ઉપાડી લઈશ, ને તમને બચાવીશ.” (યશાયાહ ૪૬:૪) પરમેશ્વર વચન આપે છે કે ઘડપણમાં તે પોતે તેમના ભક્તોનું ધ્યાન રાખશે.—ગીતશાસ્ત્ર ૪૮:૧૪.
જીવનભર, ઘડપણ સુધી જે યહોવાહને પગલે ચાલ્યા હોય, એ યહોવાહને ખૂબ જ પસંદ છે. જો યહોવાહને તેઓનું જીવન પસંદ હોય, તો આપણે પણ વૃદ્ધ સેવકોને દિલથી માન આપવું જોઈએ. (૧ તીમોથી ૫:૧, ૨) ઘરડા ભાઈ-બહેનોનું આપણે કઈ રીતે ધ્યાન રાખી શકીએ એનો વિચાર કરવો જોઈએ.
જીવનની છેલ્લી ઘડીએ પરમેશ્વર વિષે શીખી શકો
બાઇબલ જણાવે છે કે, “નેકીના માર્ગમાં જીવન છે.” (નીતિવચનો ૧૨:૨૮) ઘડપણમાંયે પરમેશ્વરને માર્ગે ચાલતા શીખી શકાય છે. મોલડાવા ૯૯ વર્ષના દાદા જ્યારે યુવાન હતા, ત્યારે સામ્યવાદની આગ ફેલાવતા હતા. લેનિન જેવા સામ્યવાદી નેતાઓની ઓળખાણ પણ હતી. પણ જ્યારે સામ્યવાદ ઠરી ગયો, ત્યારે તે જીવનમાં ફાંફાં મારતા થઈ ગયા. યહોવાહના સેવકોએ તેમને શીખવ્યું કે પરમેશ્વરનું રાજ્ય આ જગતની સર્વ તકલીફોને દૂર કરશે. તે બાઇબલના શિક્ષણમાં ડૂબી ગયા! જીવનની છેલ્લી ઘડી સુધી તે યહોવાહ વિશે શીખતા રહ્યા.
એક ૮૧ વર્ષના બાનો વિચાર કરો. તે હંગેરીમાં રહે છે. લગ્ન કર્યા વગર વર્ષોથી એક પુરુષ સાથે રહેતા હતા. પણ પછી બાઇબલમાંથી એ બા શીખ્યા કે એ તો ખોટું કહેવાય. તેણે હિંમત ભેગી કરી અને એ પુરુષને કહ્યું કે લગ્ન કર્યાં વગર આપણે સાથે રહીએ એ ખોટું છે. તેને માનવામાં ન આવ્યું કે એ પુરુષે લગ્ન કરવાના હા પાડી. આ ૮૧ વર્ષના બા ૮ મહિના બાઇબલનો અભ્યાસ કરીને, પ્રકાશક બન્યા અને ત્યાર બાદ બાપ્તિસ્મા લીધું. હા, ઘડપણમાંયે યહોવાહને રસ્તે ચાલતા શીખી શકાય છે.
યહોવાહ તેમના ભક્તોને ઘડપણમાં તજશે નહિ. પણ તે પોતે તેઓનું ધ્યાન રાખશે. ટેકો આપશે. માર્ગદર્શન આપશે. ઘડપણમાં તેઓ કહી શકે કે, યહોવાહ “તરફથી મને સહાય મળે છે.”—ગીતશાસ્ત્ર ૧૨૧:૨.
[ફુટનોટ]
^ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલા ૨૦૦૫ના કેલેંડરમાં જાન્યુઆરી/ફેબ્રુઆરી જુઓ.
[પાન ૯ પર બ્લર્બ]
“માથે પળિયાં એ મહિમાનો મુગટ છે, તે નેકીના માર્ગમાં માલૂમ પડશે.”—નીતિવચનો ૧૬:૩૧.
[પાન ૮ પર બોક્સ]
યહોવાહ વૃદ્ધ ભક્તોનું ધ્યાન રાખે છે
“તું પળિયાંવાળા માથાની સમક્ષ ઊભો થા, ને વૃદ્ધ માણસના મોંને માન આપ.” —લેવીય ૧૯:૩૨.
“તમારા ઘડપણ સુધી હું તેજ છું, પળિયાં આવતાં સુધી હું તમને ઉપાડી લઈશ.” —યશાયાહ ૪૬:૪.