સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રાજ્યનું દર્શન સાચું પડે છે

રાજ્યનું દર્શન સાચું પડે છે

રાજ્યનું દર્શન સાચું પડે છે

‘ભવિષ્યવચન અંધારે ઠેકાણે પ્રકાશ કરનાર દીવાના જેવાં છે. તમે તેના પર ચિત્ત ધ્યાન લગાડો તો સારૂં.’—૨ પીતર ૧:૧૯.

૧. દુનિયાના લોકો અને યહોવાહના લોકો વચ્ચે કેવો તફાવત છે?

 દુનિયામાં જ્યાં જુઓ ત્યાં ઊથલ-પાથલ છે. આજે તો, આતંકવાદીઓનું રાજ ચાલે છે. માણસને લીધે ધરતી બગડતી જાય છે. ધર્મો પણ લોકોમાં સુખ લાવવાને બદલે, બસ નફરતની આગ જ સળગાવે છે. શાસ્ત્રે કહ્યું છે તેમ, આજે સર્વ જાતિના લોકો ‘ઘોર અંધકારમાં જ’ જીવે છે. (યશાયાહ ૬૦:૨) તો આપણું શું થશે? યહોવાહના લાખો ભક્તોની જેમ જ, આપણી પાસે એક સુંદર આશા છે. જેમ આપણને ‘અંધારે ઠેકાણે પ્રકાશ કરનાર દીવા’ મદદ કરે, તેમ બાઇબલ ભવિષ્યવાણીઓ કે ‘વચનો’ આપણને જીવનમાં પ્રકાશ દે છે. (૨ પીતર ૧:૧૯) એ પ્રકાશથી આપણે સારાં પગલાં લઈ શકીએ છીએ.

૨. ‘અંતના સમયે’ ઈશ્વરનું જ્ઞાન મેળવવા માટે આપણે શું કરવું જોઈએ?

આ દુનિયાના “અંતના સમય” વિષે પ્રબોધક દાનીયેલે કહ્યું: “ઘણાઓ અહીંતહીં દોડશે, ને જ્ઞાનની વૃદ્ધિ થશે. ઘણા પોતાને શુદ્ધ તથા શ્વેત કરશે, ને તેમને નિર્મળ કરવામાં આવશે; પણ દુષ્ટો પાપ કર્યા કરશે; અને કોઈ પણ દુષ્ટ સમજશે નહિ; પણ જ્ઞાની જનો સમજશે.” (દાનીયેલ ૧૨:૪, ૧૦) જો આપણે બાઇબલ વાંચીએ ને એના શિક્ષણો દિલમાં ઉતારીએ, તો આપણે ઈશ્વરનું જ્ઞાન મેળવીશું.—માત્થી ૧૩:૧૧-૧૫; ૧ યોહાન ૫:૨૦.

૩. યહોવાહના લોકોએ ૧૮૭૦ના વર્ષોમાં ભાવિ વિષે કઈ સમજણ મેળવી?

ઈશ્વરે તેમના લોકોને “આકાશના રાજ્યના મર્મો” વિષે સમજણ આપી છે. (માત્થી ૧૩:૧૧) આ સમજણ, દુનિયાના ‘છેલ્લા’ દિવસો શરૂ થયા એ પહેલેથી તે આપતા આવ્યા છે. (૨ તીમોથી ૩:૧-૫) પણ દુનિયાના લોકોને આ સમજણ મળી નહિ. તેઓ હજી અંધકારમાં રહે છે. તેઓ વિચારે છે કે ઈસુ ફરી પૃથ્વી પર આવવાના છે. પણ છેક ૧૮૭૦ના દાયકાથી ઈશ્વરભક્તોને ખબર હતી કે ઈસુ ફરી પૃથ્વી પર નહિ આવે, પણ તે સ્વર્ગમાંથી રાજ કરવા માંડશે. તેઓને આ ખબર હતી કેમ કે શાસ્ત્રમાં જણાવ્યું છે કે ઈસુ રાજ કરવા માંડશે ત્યારે પૃથ્વી પર અનેક ખાસ નિશાનીઓ જોવા મળશે.—માત્થી ૨૪:૩-૧૪.

રાજ્યનું દર્શન સાચું પડે છે

૪. આજે યહોવાહ કઈ રીતે તેમના ભક્તોની શ્રદ્ધા મજબૂત કરે છે?

ઈસુના જમાનામાં, લોકોએ ચાહ્યું તેમ ઈસુએ કર્યું નહિ. એના લીધે અનેક લોકોએ તેમના માર્ગમાં ચાલવાનું છોડી દીધું. પણ ઈસુના શિષ્યો હિંમત હાર્યા નહિ. ઈસુના રૂપાંતરથી પીતર, યાકૂબ ને યોહાન જોઈ શક્યા કે ભાવિમાં ઈસુ એક મહાન રાજા બનવાના હતા. (માત્થી ૧૭:૧-૯) એ દર્શનથી તેઓની શ્રદ્ધા ખૂબ મજબૂત બની. આજે પણ, યહોવાહ તેમના ભક્તોની શ્રદ્ધા મજબૂત કરે છે. કઈ રીતે? તે ઈસુનું રૂપાંતર અને બીજી ભવિષ્યવાણીઓ પર સત્યનો પ્રકાશ ફેંકે છે. ચાલો આપણે એ બાબતો વિષે વધુ જોઈએ.

૫. “સવારનો તારો” કોણ છે? તે ક્યારે અને કઈ રીતે ‘ઊગ્યો’?

રૂપાંતર વિષે પીતરે લખ્યું: “વળી અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, એટલે ભવિષ્યવચન, છે; તેને અંધારે ઠેકાણે પ્રકાશ કરનાર દીવાના જેવાં જાણીને જ્યાં સુધી પોહ ફાટે ને સવારનો તારો તમારાં અંતઃકરણોમાં ઊગે, ત્યાં સુધી તમે તેના પર ચિત્ત લગાડો તો સારૂં.” (૨ પીતર ૧:૧૯) “સવારનો તારો” કે “પ્રભાતનો પ્રકાશિત તારો” ઈસુ છે. (પ્રકટીકરણ ૨૨:૧૬) જેમ સવારે સૂર્ય ઊગે, તેમ ૧૯૧૪માં ઈશ્વરના રાજનો સ્વર્ગમાં ઉદય થયો. ઈસુ એ રાજ્યના રાજા બન્યા અને ત્યારથી એક નવો યુગ શરૂ થયો. (પ્રકટીકરણ ૧૧:૧૫) ઈસુનું રૂપાંતર થયું એ દર્શનમાં મુસા અને એલીયાહ પણ હતા. તો એનો શું અર્થ થાય છે? તેઓ કોને રજૂ કરે છે?

૬, ૭. ઈસુના રૂપાંતરમાં મુસા અને એલીયાહ કોને રજૂ કરે છે અને શાસ્ત્ર કઈ રીતે તેઓની ઓળખ બતાવે છે?

આના જવાબો દાનીયેલના દર્શનમાં મળશે. દર્શનમાં દાનીયેલે ‘મનુષ્યપુત્ર જેવા એક પુરુષને,’ એટલે ઈસુને જોયા. તેમને ‘વયોવૃદ્ધ પુરુષ,’ એટલે ઈશ્વર તરફથી ‘સનાતન સત્તા’ મળી. પછી દાનીયેલે કહ્યું: “રાજ્ય તથા સત્તા ને આખા આકાશ તળેનાં રાજ્યોનું મહત્ત્વ પરાત્પરના પવિત્રોની પ્રજાને આપવામાં આવશે.” (દાનીયેલ ૭:૧૩, ૧૪, ૨૭) ઈસુના રૂપાંતરના ૫૦૦થી વધારે વર્ષો પહેલાં, ઈશ્વરે બતાવ્યું હતું કે મસીહ સાથે એક ‘પવિત્ર પ્રજા’ રાજ કરશે. તેથી, મુસા અને એલીયાહ એ લોકોને રજૂ કરે છે જેઓ ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરશે.

પણ એ ‘પવિત્ર પ્રજામાં’ કોણ છે? એમાં ૧,૪૪,૦૦૦ ખ્રિસ્તીઓ છે. યહોવાહે તેઓને સ્વર્ગમાં જવા પસંદ કર્યા છે. આ અભિષિક્ત લોકો વિષે પાઊલ કહે છે: “આપણા આત્માની સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે દેવનાં છોકરાં છીએ; હવે જો છોકરાં છીએ, તો વારસ પણ છીએ; એટલે દેવના વારસ છીએ, અને ખ્રિસ્તની સંઘાતે વારસાના ભાગીદાર છીએ; તેની સાથે મહિમા પામવાને સારૂ જો આપણે તેની સાથે દુઃખ સહન કરીએ તો.” (રૂમી ૮:૧૬, ૧૭) પ્રકટીકરણમાં ઈસુ આ ખ્રિસ્તીઓને કહે છે: “જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા બાપની સાથે તેના રાજ્યાસન પર બેઠેલો છું તેમ.” આ ૧,૪૪,૦૦૦ ખ્રિસ્તીઓ જીત મેળવશે પછી, તેઓને સ્વર્ગમાં સજીવન કરવામાં આવશે. ત્યાં તેઓ ઈસુ સાથે પૃથ્વી પર રાજ કરશે.—પ્રકટીકરણ ૩:૨૧; ૫:૯, ૧૦; ૧૪:૧, ૩, ૪; ૧ કોરીંથી ૧૫:૫૩.

૮. અભિષિક્ત ખ્રિસ્તીઓએ કઈ રીતે મુસા અને એલીયાહ જેવું કામ કર્યું છે? તેઓની મહેનતથી કયાં ફળો આવ્યા છે?

પણ આ અભિષિક્ત ખ્રિસ્તીઓ કઈ રીતે મુસા અને એલીયાહ જેવા છે? એક તો, તેઓ સતાવણી સામે યહોવાહ વિષે સાક્ષી આપતા રહે છે. (યશાયાહ ૪૩:૧૦; પ્રેરિતોનાં કૃત્યો ૮:૧-૮; પ્રકટીકરણ ૧૧:૨-૧૨) બીજું કે તેઓ હિંમતથી જૂઠા ધર્મોને ખુલ્લા પાડે છે. ત્રીજું કે તેઓ દીન લોકોને યહોવાહની ભક્તિ કરવા ઉત્તેજન આપે છે. (નિર્ગમન ૩૨:૧૯, ૨૦; પુનર્નિયમ ૪:૨૨-૨૪; ૧ રાજાઓ ૧૮:૧૮-૪૦) આ ખ્રિસ્તીઓની મહેનતના ઘણાં મીઠાં ફળો આવ્યાં છે. એક તો, તેઓએ બાકીના અભિષિક્ત ખ્રિસ્તીઓને એક મંડળી તરીકે ભેગા કર્યા છે. બીજું કે તેઓએ ‘બીજાં ઘેટાંને,’ એટલે લાખો બીજા લોકોને ઈસુને પગલે ચાલવા દોર્યાં છે.—યોહાન ૧૦:૧૬; પ્રકટીકરણ ૭:૪.

ઈસુ તેમની જીત પૂરી કરે છે

૯. પ્રકટીકરણ ૬:૨ મુજબ ઈસુ હવે શું કરે છે?

હજારો વર્ષો પહેલાં, દાઊદે ઈસુ વિષે લખ્યું: “યહોવાહ સિયોનમાંથી તારા સામર્થ્યનો રાજદંડ મોકલશે; તારા શત્રુઓ ઉપર રાજ કર.” (ગીતશાસ્ત્ર ૧૧૦:૨) પ્રકટીકરણ ૬:૨ ઈસુ વિષે આમ પણ કહે છે: “જુઓ, એક સફેદ ઘોડો હતો, ને તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું; અને તેને મુગટ આપવામાં આવ્યો, અને તે જીતતો તથા જીતવા સારૂ નિકળ્યો.” શાસ્ત્રમાં જણાવ્યું તેમ, ઈસુ હવે એક મહાન રાજા છે. બાઇબલ કહે છે કે તે એક સૈનિકની જેમ ઘોડા પર બેસીને લડાઈ કરે છે.—નીતિવચનો ૨૧:૩૧.

૧૦. (ક) ઈસુ રાજા બન્યા ત્યારે તેમણે પ્રથમ શું કર્યું? (ખ) શેતાન અને તેના ચેલાઓને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા ત્યારે તેઓએ શું કર્યું?

૧૦ ઈસુએ કોના પર જીત મેળવી છે? પ્રથમ તો, તેમણે શેતાન અને તેના ચેલાઓને સ્વર્ગમાંથી પૃથ્વી પર કાઢી મૂક્યા છે. તેઓને ખબર છે કે નજીકમાં જ ઈસુ તેઓને કેદમાં પૂરી દેશે. એ જાણીને આ દુષ્ટ દૂતો ગુસ્સામાં લાલ-પીળા થઈને માણસજાત પર લાખો દુઃખો લાવ્યા છે. ઈસુએ વર્ષો પહેલાં ‘તેમના આવવાની તથા જગતના અંતની નિશાની’ વિષે ભવિષ્યવાણી કરી હતી. એ ભવિષ્યવાણી મુજબ આજે લડાઈઓ, ભૂખમરો અને જીવલેણ રોગો બધી બાજુ ફેલાઈ રહ્યા છે. (માત્થી ૨૪:૩, ૭; લુક ૨૧:૭-૧૧) પ્રકટીકરણમાં જણાવેલા ત્રણ ઘોડેસવારો આ મહાદુઃખોને સારી રીતે રજૂ કરે છે. (પ્રકટીકરણ ૬:૩-૮; ૧૨:૭-૧૨) શાસ્ત્ર કહે છે કે આ બધું તો “દુઃખોનો આરંભ જ” છે. દુનિયાની હાલત તો હજી વધુ ખરાબ થતી જશે! પણ નજીકમાં જ ઈસુ ‘જીતવા સારૂ નીકળશે.’ તે શેતાનની આખી દુનિયાનો વિનાશ કરશે ને શાંતિનો યુગ લઈ આવશે. *માત્થી ૨૪:૮.

૧૧. રાજા ઈસુએ તેમના મંડળ માટે શું કર્યું છે?

૧૧ ઈસુએ બીજું શું કર્યું છે? તેમણે ખ્રિસ્તી મંડળ પર ખૂબ આશીર્વાદો વરસાવ્યા છે. આને લીધે ઈશ્વરભક્તો રાજ્ય વિષેની ખુશખબરી ફેલાવી શક્યા છે. પણ દુનિયાના સર્વ જૂઠા ધર્મોએ (મહાન બાબેલોન) યહોવાહના ભક્તોને ખૂબ સતાવ્યા છે. સરકારોએ પણ સાક્ષીઓ પર ખૂબ જુલમ કર્યો છે. તોપણ, આ ભક્તો પ્રચાર કરતા રહ્યા છે. અરે, તેઓએ એટલો પ્રચાર કર્યો છે કે દુનિયાના ચારેય ખૂણામાં સત્યનો સંદેશ સાંભળી શકાય છે. (પ્રકટીકરણ ૧૭:૫, ૬) રાજા ઈસુએ સત્ય માટે કેટલું કર્યું છે!—ગીતશાસ્ત્ર ૧૧૦:૩.

૧૨. આજે લોકોને શા માટે ઈસુના રાજ વિષે કંઈ પડી નથી?

૧૨ અફસોસની વાત છે કે આજે કરોડો નામ પૂરતા ખ્રિસ્તીઓને પારખી શકતા નથી કે ઈસુ સ્વર્ગમાં રાજ કરે છે. અરે, સાક્ષીઓ રાજ્ય વિષે પ્રચાર કરે ત્યારે આ લોકો તો તેઓની મશ્કરી જ કરે છે! (૨ પીતર ૩:૩, ૪) પણ તેઓ શા માટે એમ કરે છે? કેમ કે શેતાને તેઓના મન આંધળા કરી નાખ્યા છે. (૨ કોરીંથી ૪:૩, ૪) અરે, શેતાને સદીઓ અગાઉથી આ કહેવાતા ખ્રિસ્તીઓ પર અંધકાર બિછાવવાનું શરૂ કરી દીધું હતું. એમાંના ઘણાએ તો પાછા એ અંધકારમાં જઈને સત્યને છોડી દીધું છે.

ઈશ્વરના રાજ્યને ઘણા ભૂલી જાય છે

૧૩. શેતાનને લીધે સાચા ખ્રિસ્તી મંડળમાં શું થયું?

૧૩ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે કહ્યું હતું કે લોકો સત્યને છોડીને પોતાના વિચારો શીખવશે ને ઘણાને ખોટે માર્ગે લઈ જશે. તેમણે કહ્યું કે ભ્રષ્ટ ખ્રિસ્તીઓ કડવા દાણા જેવા છે, જે ખ્રિસ્તી મંડળમાં ઊગવા માંડશે. (માત્થી ૧૩:૨૪-૩૦, ૩૬-૪૩; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯-૩૧; યહુદા ૪) ઈસુના શબ્દ સાચા પડ્યા. સમય જતા, કહેવાતા ખ્રિસ્તીઓ સત્યને છોડીને બીજા ધર્મોના તહેવારો ઊજવવા લાગ્યા. તેઓ એના શિક્ષણમાં ભેળસેળ કરીને કહેવા લાગ્યા કે ‘આ બધું તો ખ્રિસ્તી ધર્મ જ છે!’ દાખલા તરીકે, અમુક ખ્રિસ્તીઓ સૂર્ય અને શનિ જેવા જૂઠા દેવોને ભજવા લાગ્યા જેમાંથી પછી નાતાલની શરૂઆત થઈ. પણ આ ખ્રિસ્તીઓએ શા માટે સત્યને છોડી દીધું? ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા (૧૯૭૪) કહે છે: ‘લોકો રાહ જોતા હતા કે ઈસુ ફરી પૃથ્વી પર આવશે. પણ તે આવ્યા નહિ. એટલે કંટાળીને તેઓએ ક્રિસમસની ઉજવણી શરૂ કરી.’

૧૪. ઓરીગન અને ઑગસ્ટીનના શિક્ષણે કઈ રીતે રાજ્યના સત્યને ભ્રષ્ટ કર્યું?

૧૪ નકલી ખ્રિસ્તીઓએ બીજી અનેક રીતે ખ્રિસ્તી શિક્ષણને ભ્રષ્ટ કરી દીધું. એક તો તેઓએ ઈશ્વરના “રાજ્યનો” અર્થ સાવ બદલાવી નાખ્યો. ઈશ્વરનું રાજ્ય—વીસમી સદીનો અર્થ (અંગ્રેજી) નામનું પુસ્તક કહે છે: ‘ત્રીજી સદીના ફિલસૂફ ઓરીગને કહ્યું કે ઈશ્વરનું “રાજ્ય” સ્વર્ગમાં નહિ, પણ વ્યક્તિના દિલમાં રાજ કરે છે.’ ઓરીગને આ સમજણ બાઇબલમાંથી લીધી ન હતી. ‘ઈસુ અને પ્રથમ મંડળના શિક્ષણને વળગી રહેવાને બદલે, તેણે દુન્યવી ફિલસૂફી પર સમજણ મેળવી.’ ઈશ્વરનું શહેર નામના લેટીન પુસ્તકમાં હિપ્પોના ઑગસ્ટીને (ઈસવીસન ૩૫૪-૪૩૦) લખ્યું કે ઈશ્વરનું રાજ્ય તો ખરેખર ચર્ચ છે. આ ભૂલ ભરેલા વિચારને લીધે ચર્ચે તરત જ સરકારો પાસેથી રાજસત્તા ઝૂંટવી લીધી. એ પળથી દુનિયા પર અંધકાર છવાઈ ગયો ને ખૂનની નદીઓ વહેવા લાગી. આ ચર્ચોએ સદીઓ સુધી એ સત્તા ભોગવી.—પ્રકટીકરણ ૧૭:૫, ૧૮.

૧૫. જગતના ચર્ચ માટે ગલાતી ૬:૭ની ચેતવણી કઈ રીતે સાચી પડી છે?

૧૫ પણ આજે, ચર્ચો પાસે કંઈ સત્તા નથી. મોટા ભાગના ચર્ચ તો ખાલી જ હોય છે. ચર્ચે જે વર્ષોથી વાવ્યું હતું, એ જ હવે લણે છે. (ગલાતી ૬:૭) યુરોપમાં ચર્ચની હાલત વિષે થોડું વિચારો. ક્રિશ્ચિયાનીટી ટુડે નામનું મૅગેઝિન જણાવે છે: ‘યુરોપના સૌથી ભવ્ય ચર્ચો, હવે તો મ્યુઝિયમ છે. ટુરિસ્ટો સિવાય કોઈ ત્યાં જતું નથી.’ જગત ફરતે પણ આવું જ જોવા મળે છે. ચર્ચ ખરેખર એના છેલ્લા શ્વાસ લઈ રહ્યું છે.

ઈશ્વરના મહાન દિવસ માટે તૈયાર રહો

૧૬. આપણે કઈ રીતે જાણી શકીએ કે સર્વ જૂઠા ધર્મનો અંત નજીક છે?

૧૬ સર્વ જૂઠા ધર્મનો અંત નજીક છે. એમ કઈ રીતે કહી શકીએ? જેમ જ્વાળામુખી ફાટતા પહેલાં એમાંથી રાખ ને ધુમાડો નીકળે, તેમ આજે દુનિયા ફરતે લાખો લોકોમાંથી ધર્મ માટે ખૂબ નફરત નીકળે છે. થોડા જ સમયમાં યહોવાહ સર્વ રાજનેતાઓના હૃદયમાં એવો વિચાર નાખશે કે તેઓ મહાન બાબેલોનને ઉઘાડું પાડીને તેને પાયમાલ કરે. (પ્રકટીકરણ ૧૭:૧૫-૧૭; ૧૮:૨૧) ધર્મના અંત પછી “મોટી વિપત્તિ” આવશે. (માત્થી ૨૪:૨૧) આ મહત્ત્વના બનાવો વિષે જાણીને શું આપણે ગભરાઈ જવું જોઈએ? ના, જરાય નહિ. આપણે એ વખતે આનંદ કરવો જોઈએ કેમ કે યહોવાહ દુષ્ટોનો નાશ કરવા આવ્યા છે. (પ્રકટીકરણ ૧૮:૨૦; ૧૯:૧, ૨) પ્રથમ સદીના ખ્રિસ્તીઓ એક મહાવિપત્તિમાંથી બચી ગયા હતા. તેઓના અનુભવમાંથી આપણે ઘણું શીખી શકીએ.

૧૭. આ દુનિયાનો અંત આવે ત્યારે આપણે શા માટે ગભરાઈ જવાની જરૂર નથી?

૧૭ જ્યારે રૂમી સૈનિકોએ ઈસવીસન ૬૬માં યરૂશાલેમ ફરતે ઘેરો નાખ્યો ત્યારે ઈસુના સાચા શિષ્યો ગભરાયા નહિ. શાસ્ત્રમાંથી તેઓને ખબર હતી કે “ઉજ્જડ થવાનો સમય પાસે આવ્યો છે.” (લુક ૨૧:૨૦) તેઓને પૂરી ખાતરી હતી કે કતલ શરૂ થશે એ પહેલાં યહોવાહ તેઓ માટે બચવાનો માર્ગ ખોલશે. પછી એ સમય આવ્યો ત્યારે તેઓ નાસી છૂટ્યા. (દાનીયેલ ૯:૨૬; માત્થી ૨૪:૧૫-૧૯; લુક ૨૧:૨૧) આજે પણ, જેઓ યહોવાહ પર પૂરી શ્રદ્ધા રાખે છે ને ઈસુનું કહ્યું માને છે, તેઓ ડરી ડરીને જીવતા નથી. (૨ થેસ્સાલોનીકી ૧:૬-૯) આ દુનિયાનો અંત આવે ત્યારે આ સાચા ખ્રિસ્તીઓ હિંમતવાન બનશે. તેઓ ‘નજર ઉઠાવીને માથાં ઊંચાં કરશે, કેમ કે તેઓનો ઉદ્ધાર પાસે આવ્યો છે.’—લુક ૨૧:૨૮.

૧૮. શેતાન અને તેની ફોજ યહોવાહના લોકો પર છેલ્લો હુમલો કરશે ત્યારે શું થશે?

૧૮ મહાન બાબેલોનના વિનાશ પછી શેતાન (ગોગનો માગોગ) યહોવાહના લોકો પર સીધો હુમલો કરશે. તે તેની ફોજ સાથે “દેશને ઢાંકી દેનાર વાદળની પેઠે” આવશે. તેને લાગશે કે જીત તેના હાથમાં જ છે. પણ તે ભૂલ કરે છે! (હઝકીએલ ૩૮:૧૪-૧૬, ૧૮-૨૩) પ્રેષિત યોહાને કહ્યું: “મેં આકાશ ઊઘડેલું જોયું, તો જુઓ, એક શ્વેત ઘોડો, અને તેના પર એક જણ બેઠેલો છે, તેનું નામ વિશ્વાસુ તથા સાચો છે. તેના મોંમાંથી ધારવાળી તરવાર નીકળે છે, કે તે વડે તે વિદેશીઓને મારે.” હા, “રાજાઓનો રાજા” ઈસુ, યહોવાહના ભક્તોને બચાવશે. સાથે સાથે તે શેતાન અને તેની ફોજનો સંહાર કરી દેશે. (પ્રકટીકરણ ૧૯:૧૧-૨૧) આમ થશે ત્યારે, ઈસુના રૂપાંતરનું દર્શન ખરા અર્થમાં પૂરું થશે!

૧૯. ઈસુ જીત મેળવે ત્યારે ઈશ્વરભક્તોને કેવું લાગશે? આપણે હમણાંથી શું કરવું જોઈએ?

૧૯ ઈસુ પૂરી રીતે જીત લેવા નીકળશે ત્યારે ઈશ્વરભક્તો જોતા જ રહી જશે. “જેઓએ વિશ્વાસ કર્યો તેઓમાં આશ્ચર્ય ઉત્પન્‍ન” થશે. (૨ થેસ્સાલોનીકી ૧:૧૦) શું તમને એ દિવસ જોવો છે જ્યારે ઈસુ શેતાન પર પૂરી જીત મેળવે? તો કેમ નહિ કે હમણાંથી તમારી શ્રદ્ધા મજબૂત કરો ને “તૈયાર રહો; કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે.”—માત્થી ૨૪:૪૩, ૪૪.

અંત માટે તૈયાર રહો

૨૦. (ક) “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” ઉત્તેજન ને માર્ગદર્શન આપે ત્યારે આપણે શું કરવું જોઈએ? (ખ) આપણે કયા પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ?

૨૦ શ્રદ્ધાને મજબૂત રાખવા “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” આપણને વારંવાર ઉત્તેજન આપે છે. તેઓ આપણને છેલ્લા દિવસો વિષે ખૂબ જાણકાર બનાવે છે. (માત્થી ૨૪:૪૫, ૪૬; ૧ થેસ્સાલોનીકી ૫:૬) પણ શું આપણે તેઓની સલાહ ને ચેતવણીઓ સાંભળીએ છીએ? શું આપણે બતાવીએ છીએ કે જીવનમાં યહોવાહની ભક્તિ પ્રથમ આવે છે? પોતાને પૂછો: શું હું ખરેખર માનું છું કે ઈસુ સ્વર્ગમાં રાજ કરે છે? શું મને પૂરી ખાતરી છે કે તે નજીકમાં શેતાન અને જૂઠા ધર્મનો અંત આવશે?

૨૧. અમુક ભાઈ-બહેનો શા માટે સત્યમાં ધીમા પડી ગયા છે? તેઓ કઈ રીતે પોતાની શ્રદ્ધાને ફરી મજબૂત કરી શકે?

૨૧ દુઃખની વાત છે કે મંડળમાં અમુક ભાઈ-બહેનોની શ્રદ્ધા નબળી પડી ગઈ છે. જેમ ઈસુના દિવસમાં થયું તેમ, આ સાક્ષીઓ સતાવણીને લીધે હિંમત હારી ગયા છે કે ઈશ્વરના રાજ્ય વિષે ભૂલી ગયા છે. બીજાઓ દુન્યવી લાલસા પાછળ પડ્યા છે. (માત્થી ૧૩:૩-૮, ૧૮-૨૩; લુક ૨૧:૩૪-૩૬) બીજાઓ ભક્તિમાં ધીમા પડી ગયા છે કેમ કે તેઓ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” તરફથી અમુક શિક્ષણો સમજી શક્યા નથી. જો તમે આવા કોઈ કારણસર સત્યમાં ધીમા પડી ગયા હોવ, તો તમારે શું કરવું જોઈએ? અમે અરજ કરીએ છીએ કે તમે દિલથી ને હોંશથી બાઇબલમાંથી શીખો. એટલું જ નહિ, પણ યહોવાહને વિનંતી કરો કે તે તમારી શ્રદ્ધાને ફરી મજબૂત કરે.—૨ પીતર ૩:૧૧-૧૫.

૨૨. ઈસુનું રૂપાંતર અને બીજી ભવિષ્યવાણીઓ પર વિચાર કરવાથી તમારા પર કેવી અસર પડી છે?

૨૨ ઈસુના શિષ્યોને ખૂબ ઉત્તેજનની જરૂર પડી ત્યારે ઈસુએ તેમનું રૂપાંતરનું દર્શન આપ્યું. પણ આજે આપણને કોઈ દર્શનની જરૂર નથી કેમ કે ઈસુ હવે સ્વર્ગમાં રાજ કરે છે. તેમનું રૂપાંતર અને બીજી ભવિષ્યવાણીઓ સાચા પડ્યા છે. આપણે આ મહત્ત્વની હકીકતો અને ભાવિ માટેના વચનો પર વિચાર કરીએ, ત્યારે આપણી શ્રદ્ધા કેટલી મજબૂત બને છે. ચાલો આપણે પણ પ્રેષિત યોહાનની જેમ પૂરા દિલથી કહીએ: “આમેન; હે પ્રભુ ઈસુ, આવ.”—પ્રકટીકરણ ૨૨:૨૦.

[ફુટનોટ્‌સ]

^ મૂળ ગ્રીક ભાષામાં “દુઃખોનો આરંભ,” “પ્રસૂતિ વખતે થતા શરૂઆતના દુઃખ” સાથે સરખાવે છે. (માથ્થી ૨૪:૮, પ્રેમસંદેશ) જેમ જન્મ આપતી વખતે માનું દુઃખ ખૂબ વધતું જાય, તેમ આ દુનિયા પર દુઃખો વધતા જ જશે. મોટી વિપત્તિ વખતે દુઃખનો પાર જ નહિ હોય.

તમને યાદ છે?

• અમુક ખ્રિસ્તીઓ ૧૮૭૦ના દાયકામાં ઈસુના પાછા ફરવા વિષે શું સમજ્યા?

• ઈસુનું રૂપાંતરનું દર્શન કઈ રીતે સાચું પડ્યું છે?

• ઈસુ જીત લેવા નીકળ્યા ત્યારે દુનિયામાં અને ખ્રિસ્તી મંડળમાં શું થયું?

• ઈસુ પૂરી રીતે જીત મેળવવા નીકળે ત્યારે બચાવ માટે આપણે શું કરવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૬, ૧૭ પર ચિત્ર]

ઈસુનું રાજ્ય મેળવવાનું દર્શન સાચું પડે છે

[પાન ૧૮ પર ચિત્રો]

તમને ખબર છે કે ઈસુ જી ત લેવા નીકળ્યા ત્યારે શું થયું?