સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

શામશૂન પોતે શબને અડક્યા છતાં, કઈ રીતે નાઝીરી રહ્યા?

પ્રાચીન ઈસ્રાએલમાં, વ્યક્તિ પોતાની મરજીથી પ્રતિજ્ઞા લઈને અમુક સમય સુધી નાઝીરી બની શકતી હતી. * આવી રીતે નાઝીરી બનનારે અમુક બાબતો પાળવાની હતી. જેમ કે, “યહોવાહની સેવામાં તે વૈરાગી થાય તે સઘળા દિવસો સુધી મૂએલા પ્રાણીની પાસે તે ન જાય. પોતાના બાપના, કે પોતાની માના, પોતાના ભાઈના, કે પોતાની બહેનના મરણ પર તે પોતાને અભડાવે નહિ.” પરંતુ “જો કોઈ તેની પડખે એકાએક મરી જાય” તો શું? આ રીતે અચાનક શબને અડકવાથી તેનું નાઝીરીપણું અશુદ્ધ થાય છે. શાસ્ત્ર બતાવે છે: “આગલા દિવસો રદ જાય.” પરંતુ, શુદ્ધિકરણ પછી તે ફરીથી નાઝીરી જીવન શરૂ કરી શકે.—ગણના ૬:૬-૧૨.

જોકે, શામશૂને કંઈ પોતે નાઝીરી બનવાની પ્રતિજ્ઞા લીધી ન હતી. પરંતુ, પરમેશ્વરે તેમને નાઝીરી બનાવ્યા હતા. તેમના જન્મ પહેલાં, યહોવાહના દૂતે તેમની માતાને કહ્યું: “જો તને હમેલ રહેશે, ને પુત્રનો પ્રસવ થશે; અસ્ત્રો તેના માથા પર કદી ન ફરે; કેમકે તે છોકરો ગર્ભાધાનથી દેવને સારૂ નાઝીરી થશે; અને તે પલિસ્તીઓના હાથમાંથી ઈસ્રાએલને ઉગારવા માંડશે.” (ન્યાયાધીશો ૧૩:૫) આમ, શામશૂને કંઈ પોતે નાઝીરી બનવાની પ્રતિજ્ઞા લીધી ન હતી. પરંતુ, પરમેશ્વરે તેમને નાઝીરી બનાવ્યા હતા. કેમ કે તે જીવનભર નાઝીરી રહેવાના હતા. તેમના કિસ્સામાં શબને નહિ અડકવાની આજ્ઞા લાગુ પડતી ન હતી. જો તેમને પણ એ લાગુ પડતી હોય અને તે અચાનક શબને અડકે તો, જન્મથી જ નાઝીરી વ્યક્તિ કેવી રીતે ફરીથી નાઝીરી બની શકે? દેખીતી રીતે જ, જે વ્યક્તિ જનમથી જ નાઝીરી હોય અને જે વ્યક્તિ પોતાની મરજીથી નાઝીરી બને એ બેય માટે અલગ નિયમો હતા.

ચાલો આપણે શામશૂન, શમૂએલ અને યોહાન બાપ્તિસ્મકનો દાખલો તપાસીએ. તેઓ જન્મથી જ નાઝીરી જીવન જીવ્યા હતા. યહોવાહે તેઓને આપેલી આજ્ઞાનો વિચાર કરો. ન્યાયાધીશો ૧૩:૫માં જોયું તેમ, શામશૂન પોતાના માથાના વાળ ન કાપે એ જરૂરી હતું. હાન્‍નાહે શમૂએલને જન્મ આપતા પહેલાં પરમેશ્વર સમક્ષ પ્રતિજ્ઞા કરી: “હું તેને તેની આખી જિંદગી સુધી યહોવાહને અર્પણ કરીશ, ને અસ્ત્રો તેના માથા પર કદી ફરશે નહિ.” (૧ શમૂએલ ૧:૧૧) યોહાન બાપ્તિસ્મકના કિસ્સામાં, યહોવાહના દૂતે કહ્યું: “દ્રાક્ષારસ કે દારૂ તે પીશે નહિ.” (લુક ૧:૧૫) “યોહાનનાં લૂગડાં ઊંટનાં રૂઆંનાં હતાં, ને તેની કમરે ચામડાનો પટો હતો, ને તીડો તથા રાની મધ તેનો ખોરાક હતો.” (માત્થી ૩:૪) આ ત્રણમાંથી એક પણ વ્યક્તિને મૂએલાંના શબ નજીક નહિ આવવાની આજ્ઞા આપવામાં આવી ન હતી.

શામશૂન નાઝારી હતા અને ન્યાયાધીશ પણ હતા. યહોવાહે ઈસ્રાએલીઓને પાયમાલ કરનારાઓના હાથમાંથી છોડાવવા તેમને ઊભા કર્યા હતા. (ન્યાયાધીશો ૨:૧૬) પોતાની જવાબદારી પૂરી કરવા માટે, તેમણે શબને પણ અડકવું પડતું. એક પ્રસંગે, શામશૂને ૩૦ પલિસ્તીઓને મારી નાખ્યા. તેમ જ, તેઓનાં કપડાં લૂંટી લીધાં. ત્યાર પછી, તેમણે દુશ્મનોને મારીને “તેઓનો પૂરો સંહાર કર્યો.” તેમણે ગધેડાના તાજા જડબાંથી એક હજાર માણસોને મારી નાખ્યા. (ન્યાયાધીશો ૧૪:૧૯; ૧૫:૮, ૧૫) શામશૂને આ સર્વ બાબત યહોવાહની મદદથી કરી. બાઇબલમાં તેમનો ઉલ્લેખ સર્વ વિશ્વાસુઓ સાથે કરવામાં આવ્યો છે.—હેબ્રી ૧૧:૩૨; ૧૨:૧.

શામશૂને સિંહને “જેમ બકરીના બચ્ચાને ચીરી નાખે” તેમ ચીરી નાખ્યો. શું એ એમ બતાવે છે કે તેમના સમયમાં બકરીનાં બચ્ચાને આ રીતે ચીરી નાખવું સામાન્ય હતું?

એવો કોઈ પુરાવો નથી કે ઈસ્રાએલના ન્યાયાધીશોના સમયમાં, બકરીના બચ્ચાને ચીરી નાખવામાં આવતા. ન્યાયાધીશો ૧૪:૬ બતાવે છે: “યહોવાહનો આત્મા પરાક્રમસહિત [શામશૂન] પર આવ્યો, ને જેમ બકરીના બચ્ચાને ચીરી નાખે તેમ તેણે [સિંહને] ચીરી નાખ્યો, ને તેના હાથમાં કંઈ પણ ન હતું.” આ તો ફક્ત એક સરખામણી કરી છે.

સિંહને શામશૂને “ચીરી નાખ્યો” એના બે અર્થ થઈ શકે. શામશૂને તેનું જડબું ફાડી નાખ્યું હોય શકે અથવા તેમણે ગમે તે રીતે તેના બે ટુકડા થાય એમ ચીરી નાખ્યો હોય શકે. જો શામશૂન પાસે એકલે હાથે સિંહના જડબા ફાડી નાખવાની શક્તિ હોય તો, તેમના માટે બકરીનું બચ્ચું તો કંઈ ન કહેવાય! મામૂલી માણસ પણ બકરીના બચ્ચાને ચીરી શકે. જ્યારે એમ કહેવામાં આવે છે કે શામશૂને આખેઆખા સિંહના ચીરીને બે ટુકડા કર્યા તો, એ શબ્દચિત્ર બતાવે છે કે, યહોવાહે શામશૂનને શક્તિ આપી જેથી તે યહોવાહનું કાર્ય કરી શકે. ગમે તે બાબત હોય, ન્યાયાધીશો ૧૪:૬માં આપવામાં આવેલી સરખામણી કે શબ્દચિત્ર બતાવે છે કે યહોવાહની મદદથી શક્તિશાળી સિંહ પણ શામશૂન માટે એક બકરીના બચ્ચા જેવો હતો. જેમ કોઈ મામૂલી માણસ બકરીના બચ્ચાને ચીરી શકે એમ શામશૂને સિંહને ચીરી નાખ્યો.

[ફુટનોટ]

^ વ્યક્તિ કેટલા સમય માટે નાઝીરી બનવા માગે છે એ પોતે નક્કી કરી શકતી હતી. જોકે, યહુદી રિવાજ પ્રમાણે આવી પ્રતિજ્ઞાના ઓછામાં ઓછા ૩૦ દિવસો હતા. ત્રીસ કરતાં ઓછા દિવસ માટે નાઝીરી બનવાને બહુ સામાન્ય ગણવામાં આવતું હતું.