સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શાઊલના પ્રચારથી નફરત જાગે છે

શાઊલના પ્રચારથી નફરત જાગે છે

શાઊલના પ્રચારથી નફરત જાગે છે

દમસ્કમાં રહેતા યહુદી માની નથી શકતા કે આજ માણસ જે યહુદી ધર્મ માટે જાન દેવા તૈયાર હતો, તેણે હવે યહુદી ધર્મ છોડી દીધો! યરૂશાલેમમાં જે કોઈ ઈસુને નામે પ્રચાર કરતા તેઓને મારવા શાઊલ તૈયાર હતો. પણ પછી એ પોતે જ દમસ્કમાં ઈસુને નામે પ્રચાર કરતો થઈ ગયો. શાઊલ પાગલ થઈ ગયો હતો કે શું?—પ્રેરિતોનાં કૃત્યો ૯:૧, ૨, ૨૦-૨૨.

શું થયું એ જાણી શકાય એમ છે. શાઊલ યરૂશાલેમથી દમસ્ક મુસાફરી કરતો હતો. એ મુસાફરીમાં જે બન્યું એ કદાચ બીજા લોકોએ પણ જોયું હશે. દમસ્ક નજીક પહોંચ્યા ત્યાં તો તેઓ ફરતે એક મોટો પ્રકાશ પથરાયો. બધા લોકો પડી ગયા. કોઈકનો આવાજ સંભળાયો. કોઈને નહિ પણ ફક્ત શાઊલને જ ઈજા થઈ હતી. તે રસ્તા પર પડી રહ્યો. પછી તે ઊભો થયો પણ આંખે અંધારા આવી ગયા હતા. બીજા લોકોએ તેને દમસ્ક જવા સથવારો આપ્યો.—પ્રેરિતોનાં કૃત્યો ૯:૩-૮; ૨૬:૧૩, ૧૪.

ઈસુનો દુશ્મન હવે ઈસુને પગલે ચાલે છે

દમસ્ક જતા રસ્તે શું બન્યું? શું લાંબી મુસાફરી કે આકરો તાપ હતો એટલે શાઊલ થાકી ગયો હતો? આજકાલના ઘણા પંડિતો હકીકત જાણતા નથી, એટલે પોતાની રીતે જણાવે છે કે શું બન્યું. તેઓ માને છે કે શાઊલ ગાંડો થઈ ગયો હશે. ખોટો ભ્રમ જાગ્યો હશે. જીવનમાં આકરા સંજોગો ઊભા થયા હશે એટલે ગાંડો થઈ ગયો હશે. દિલ ડંખતું હશે અથવા લકવા થઈ ગયો હશે.

હકીકતમાં ખુદ ઈસુએ તેમને પ્રકાશમાં દર્શન દીધા અને સમજાવ્યું કે તે પોતે મસીહ છે. ઘણા એવું ચિત્ર બનાવે છે કે શાઊલ ઘોડા પરથી પડી ગયો છે. ભલે ગમે તે હોય પણ બાઇબલ તો ફક્ત એ જ જણાવે છે કે, તે “ભોંય પર પડી ગયો.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૬-૧૧) ભોંય પર તો પડ્યો પણ એ વખતે એનું અભિમાન પણ નમી ગયું. તેને ખબર પડી કે ઈસુના શિષ્યો જે પ્રચાર કરે છે એ સાચું છે. તેણે પણ ઈસુને પગલે ચાલવું જોઈએ. તે ઈસુનો ખૂબ વિરોધ કરતો હતો પણ હવે તે દિલથી ઈસુ વિષે પ્રચાર કરતો થઈ ગયો. તેનો અંધાપો દૂર થયો અને તે બાપ્તિસ્મા પામ્યો. પછી “શાઊલમાં વિશેષ બળ આવતું ગયું, અને ઈસુ તેજ ખ્રિસ્ત છે એનાં પ્રમાણો આપીને તેણે દમસ્કમાં રહેનારા યહુદીઓને” સમજાવ્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૯:૨૨.

શાઊલ મરતા મરતા બચી જાય છે

શાઊલ પછીથી પાઊલ તરીકે ઓળખાય છે. પણ બાપ્તિસ્મા પામ્યો પછી ક્યાં ગયો? તે જણાવે કે, “હું અરબસ્તાન ચાલ્યો ગયો; અને ફરીથી દમસ્ક પાછો આવ્યો.” (ગલાતી ૧:૧૭) તે અરબસ્તાન ચાલ્યો ગયો એનો અર્થ કે તે અરબસ્તાનમાં ગમે ત્યાં ગયો હોય શકે. ઘણા પંડિતો માને છે કે તે સિરિયાના રણમાં ગયો હશે, અથવા નાબાટિઆમાં આરેતાસ ચોથાના રાજ્યમાં ગયો હશે. ભલે તે ગમે ત્યાં ગયો હોય પણ બાપ્તિસ્મા થયા પછી, શાઊલ શાંતિથી વિચાર કરી શકે એટલે શાંત જગ્યાએ ગયો હશે. બાપ્તિસ્મા થયા પછી ઈસુએ પણ એવું જ કર્યું હતું.—લુક ૪:૧.

શાઊલ જ્યારે પાછો દમસ્ક આવ્યો ત્યારે “યહુદીઓએ તેને મારી નાખવાની મસલત કરી.” (પ્રેરિતોનાં કૃત્યો ૯:૨૩) રાજા આરેતાસનો સેનાપતિ દમસ્કમાં હતો. તે દમસ્કમાં શાઊલને ગિરફતાર કરવાની રાહ જોતો હતો. (૨ કોરીંથી ૧૧:૩૨) દુશ્મનો શાઊલને મારી નાખવા માટે જાળ બિછાવતા હતા પણ ઈસુના શિષ્યોએ શાઊલને નાસી જવા મદદ કરી.

અનાન્યાએ અને શાઊલ બાપ્તિસ્મા પામ્યો પછી જે શિષ્યો તેની સાથે હતા તેઓ સર્વએ શાઊલને નાસવા મદદ કરી. * (પ્રેરિતોનાં કૃત્યો ૯:૧૭-૧૯) શાઊલે દમસ્કમાં પ્રચાર કર્યો અને જેઓએ તેનો સંદેશો સાંભળ્યો, તેઓએ પણ મદદ કરી હશે. પ્રેરિતોનાં કૃત્યો ૯:૨૫ જણાવે છે કે, “તેના શિષ્યોએ તેને રાત્રે ટોપલામાં બેસાડીને કોટ ઉપરથી ઉતારી મૂક્યો.” અહીં જણાવે છે કે “તેના શિષ્યો” એનો અર્થ એ થાય કે જેઓએ શાઊલ પાસેથી સત્ય શીખ્યું. લોકો શાઊલ પાસેથી સત્ય શીખતા એટલે નફરતની આગ વધુ જાગી.

આમાંથી શું શીખી શકાય?

શાઊલે જ્યારે બાપ્તિસ્મા લીધું ત્યારે બીજા લોકો શું વિચારશે એની તેને કોઈ પરવા ન હતી. ઘણો વિરોધ જાગ્યો તોય તેણે હિંમત ન હારી. પ્રચાર કરવાનું કામ એ જ તેના જીવનમાં સૌથી મહત્ત્વનું હતું.—પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૧૪, ૧૫.

તમને દિલથી ખાતરી છે કે પ્રચાર કરવો ખૂબ જ મહત્ત્વનું છે? તમને ખબર છે બધા યહોવાહના સેવકોએ પ્રચાર કરવો જોઈએ. તમે પ્રચાર કરો ને જો લોકોમાં નફરત જાગે તો ગભરાવાની કંઈ જરૂર નથી. (માત્થી ૨૪:૯; લુક ૨૧:૧૨; ૧ પીતર ૨:૨૦) નફરત કરે ત્યારે કઈ રીતે વર્તવું જોઈએ એ શાઊલે સરસ રીતે શીખવ્યું છે. જો આપણે કસોટીમાં યહોવાહને વળગી રહીએ તો યહોવાહ આશીર્વાદ આપશે. ઈસુએ તેમના શિષ્યોને જણાવ્યું કે, “મારા નામને લીધે સઘળા તમારો દ્વેષ કરશે.” પછી તેઓને દિલાસો આપ્યો કે, “તમારી ધીરજથી તમે તમારા જીવને બચાવશો.”—લુક ૨૧:૧૭-૧૯.

[ફુટનોટ]

^ દમસ્કમાં ખ્રિસ્તી ધર્મની શરૂઆત જ્યારે ઈસુએ ગાલીલમાં પ્રચાર કર્યો, ત્યારે થઈ હશે અથવા ૩૩મી સાલ પછી થઈ હશે.—માત્થી ૪:૨૪; પ્રેરિતોનાં કૃત્યો ૨:૫.

[પાન ૨૮ પર ચિત્ર]

ઈસુએ દર્શન દીધું ત્યારે શાઊલ “ભોંય પર પડી ગયો”

[પાન ૨૯ પર ચિત્ર]

દમસ્કમાં શાઊલ મરતા મરતા બચી ગયો