સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમારું ભવિષ્ય તમારા હાથમાં છે?

શું તમારું ભવિષ્ય તમારા હાથમાં છે?

શું તમારું ભવિષ્ય તમારા હાથમાં છે?

શું આપણા જન્મ પહેલાં જ ભગવાને લખી રાખ્યું છે કે આપણા જીવનમાં શું થશે? આપણે જીવનમાં જે નિર્ણયો લઈએ છીએ એની શું આપણા ભાવિ પર કંઈ જ અસર પડતી નથી?

કલ્પના કરો કે જીવનમાં શું કરવું એ આપણા હાથમાં છે. એ ખરું હોય તો જે કામ આપણે કરીશું એ કઈ રીતે પહેલેથી લખી રાખ્યું હોય શકે? આપણે પોતાની મરજી પ્રમાણે જીવીએ તો, પરમેશ્વર પૃથ્વી માટેના પોતાના હેતુને કઈ રીતે પૂરો કરશે? ધર્મશાસ્ત્રમાંથી આપણે આ પ્રશ્નોના જવાબ જોઈશું.

નસીબ કે પછી ઇચ્છા મુજબ કરવાની આઝાદી —શું ખરું છે?

વિચાર કરો કે યહોવાહ પરમેશ્વરે આપણને કઈ રીતે બનાવ્યા છે. ધર્મશાસ્ત્ર કહે છે: ‘દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્‍ન કર્યું, તેણે તેઓને નરનારી ઉત્પન્‍ન કર્યાં.’ (ઉત્પત્તિ ૧:૨૭) આપણને ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે બનાવવામાં આવ્યા છે. તેથી આપણે પણ ઈશ્વરના ગુણો બતાવી શકીએ છીએ. જેમ કે, ડહાપણ, ન્યાય, પ્રેમ, અને શક્તિ. યહોવાહે આપણને આપણી મરજી પ્રમાણે ચાલવાની આઝાદી આપી છે. એટલે જ પૃથ્વી પર તેમણે સરજેલા બીજા સર્વ પ્રાણીઓ કરતાં આપણે અલગ છીએ. આપણે પરમેશ્વરના માર્ગે ચાલીશું કે નહિ એ પોતે નક્કી કરી શકીએ છીએ. તેથી પરમેશ્વરના એક સેવક મુસાએ કહ્યું: “હું આજ આકાશને તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી રાખું છું, કે મેં આજે તારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યાં છે; માટે જીવન પસંદ કર, કે તું તથા તારાં સંતાન જીવતાં રહે: યહોવાહ તારા દેવ પર પ્રીતિ રાખવાનું, તેની વાણી સાંભળવાનું, ને તેને વળગી રહેવાનું પસંદ કર.”—પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦.

યહોવાહે આપણને પોતાની ઇચ્છા મુજબ કરવાની સ્વતંત્રતા આપી છે. પણ એનો અર્થ એમ નહિ કે આપણે મન ફાવે એમ ગમે તે કરીએ. યહોવાહે જે નિયમો આપ્યા છે એ પાળવાથી આપણને જ લાભ થશે. પણ એ નિયમો વિરુદ્ધ જવાથી આપણને જ નુકસાન થાય છે. દાખલા તરીકે, ગુરુત્વાકર્ષણનો નિયમ લો. એ નિયમને લીધે વિશ્વમાં તારાઓ અને ગ્રહો એની યોગ્ય જગ્યાએ રહીને ગતિ કરે છે. પણ જો આપણે એ નિયમને ભૂલીને કોઈ બહુમાળી ઇમારત ઉપરથી કૂદી પડીએ તો શું થશે!—ગલાતી ૬:૭.

યહોવાહે આપણને પોતાની મરજી મુજબ ચાલવાની આઝાદી આપી છે. તેથી આપણે તેમને હિસાબ આપવાનો છે. જ્યારે જાનવરો કે કૉમ્પ્યુટરને કોઈ જવાબદારી હોતી નથી. તેથી એઓને હિસાબ આપવાની જરૂર પડતી નથી. પણ માણસોને પોતાના ખરાબ કામની શિક્ષા ભોગવવી પડે છે. લેખક કોરલીસ લમાંત કહે છે: ‘જો લોકો નસીબ લઈને જ જન્મ્યા હોય તો, તેઓને ખરાબ કામ કરવાથી શા માટે શિક્ષા થાય છે?’ હા, આપણને મરજી મુજબ કરવાની આઝાદી સાથે ભારે જવાબદારી પણ રહેલી છે. આપણે જે કંઈ કરીએ એનો હિસાબ પરમેશ્વરને આપવાનો છે.

કલ્પના કરો કે વિધાતાએ આપણા જન્મ પહેલાં જ લખી રાખ્યું છે કે આપણે જીવનમાં શું કરવાના છીએ. પછી આપણે કંઈક ખોટું કરીએ તો, એના માટે પણ આપણે જવાબદાર છીએ. તો શું એ બરાબર કહેવાય? બિલકુલ નહિ! ખરું જોઈએ તો, ઈશ્વર “પ્રેમ છે” અને તેમના ‘માર્ગો ન્યાયી’ છે. તેથી, તે કંઈ પહેલેથી લખી રાખતા નથી. (૧ યોહાન ૪:૮; પુનર્નિયમ ૩૨:૪) નસીબમાં માનતા લોકોને લાગે છે કે કોણ સુખી થશે ને કોણ દુઃખમાં સબડશે એ પરમેશ્વરે અગાઉથી લખી રાખ્યું છે. પરંતુ, પરમેશ્વરે તો આપણને મરજી મુજબ કરવાની આઝાદી આપી છે. તો પછી, એ કઈ રીતે સાચું હોય શકે?

વળી, બાઇબલ સ્પષ્ટ બતાવે છે કે આપણા નિર્ણયોની અસર જરૂર આપણા જીવન પર પડે છે. દાખલા તરીકે, દુષ્ટોને પરમેશ્વર વિનંતી કરે છે કે ‘તમે પોતપોતાના કુમાર્ગથી તથા પોતપોતાનાં દુષ્કર્મોથી ફરો, એટલે હું તમને કંઈ ઈજા કરીશ નહિ.’ (યિર્મેયાહ ૨૫:૫, ૬) જો પરમેશ્વરે વ્યક્તિનું નસીબ લખી રાખ્યું હોય તો, આ વિનંતી કરવાનો કોઈ અર્થ નથી. બાઇબલ જણાવે છે: “તમે પસ્તાવો કરો, ને ફરો, જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે; અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે.” (પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯) જો લખ્યા લેખ કોઈ ટાળી શકતું ન હોય તો, શા માટે યહોવાહ આપણને ભૂલોનો પસ્તાવો કરવાનું કહે છે?

બાઇબલ જણાવે છે કે ઈસુ સાથે રાજ કરવા પરમેશ્વરે પૃથ્વી પરથી અમુક લોકોને પસંદ કર્યા છે. (માત્થી ૨૨:૧૪; લુક ૧૨:૩૨) પરંતુ, તેઓ અંત સુધી સહન કરીને પરમેશ્વરની ભક્તિમાં લાગુ નહિ રહે તો, તેઓ એ લહાવો ગુમાવશે. (પ્રકટીકરણ ૨:૧૦) હવે જો યહોવાહે તેઓનું નસીબ લખી રાખ્યું હોય કે તેઓ લહાવો ગુમાવશે તો, શા માટે તેઓને આમંત્રણ આપે? ઈશ્વરભક્ત પાઊલે પોતાના સાથી ભાઈબહેનોને લખેલા શબ્દોનો વિચાર કરો: “સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે જાણીજોઈને પાપ કરીએ, તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી.” (હેબ્રી ૧૦:૨૬) જો ઈશ્વરે બધાનું નસીબ લખી રાખ્યું હોય તો, આ ચેતવણીનો પણ કોઈ અર્થ નથી. પણ ઘણા બાઇબલમાંથી ટાંકીને દાવો કરે છે કે ઈસુ ખ્રિસ્ત સાથે રાજ કરવા પરમેશ્વરે અગાઉથી અમુક લોકોને પસંદ કરી લીધા છે. શું એ ખરું છે?

અગાઉથી પસંદ કર્યા—વ્યક્તિને કે જૂથને?

પાઊલે લખ્યું: ‘ઈશ્વરે આપણને સ્વર્ગીય દુનિયામાં દરેક આત્મિક ભેટ આપીને ખ્રિસ્ત સાથેના આપણા સંબંધમાં આપણને આશિષ આપી છે. દુનિયાનું સૃજન કરવામાં આવ્યું તે પહેલાં ખ્રિસ્તમાં આપણે ઈશ્વરના બનીએ એવું પસંદ કરવામાં આવ્યું હતું. ઈસુ ખ્રિસ્તની મારફતે આપણે ઈશ્વરના પુત્રો બનીએ તેવું ઈશ્વરે ક્યારનુયે નક્કી કર્યું હતું.’ (એફેસી ૧:૩-૫, પ્રેમસંદેશ) ઈશ્વરે શું “ક્યારનુયે નક્કી કર્યું હતું?” અને “દુનિયાનું સૃજન કરવામાં આવ્યું તે પહેલાં” પસંદ કરવામાં આવ્યા એનો શું અર્થ થાય છે?

આ કલમો બતાવે છે કે પરમેશ્વરે પ્રથમ મનુષ્ય આદમના અમુક વંશજોને ખ્રિસ્તની સાથે રાજ કરવા માટે પસંદ કર્યા છે. (રૂમી ૮:૧૪-૧૭, ૨૮-૩૦; પ્રકટીકરણ ૫:૯, ૧૦) તોપણ એમ માની લેવું યોગ્ય નથી કે પરમેશ્વરે આ ખાસ લહાવા માટે અમુક વ્યક્તિઓને તેઓના જન્મના હજારો વર્ષ પહેલાં પસંદ કરી લીધી હતી. જો આમ જ હોય તો, એમ કઈ રીતે કહી શકાય કે પરમેશ્વરે માણસોને તેઓની ઇચ્છા મુજબ ચાલવાની આઝાદી આપી છે? હકીકત તો એ છે કે પરમેશ્વરે કોઈ ખાસ વ્યક્તિઓને નહિ, પણ વ્યક્તિઓના સમૂહને અગાઉથી પસંદ કર્યા છે.

એને સારી રીતે સમજવા એક દાખલાનો વિચાર કરો. માની લો કે સરકાર કોઈ વિભાગ ખોલવાનો નિર્ણય લે છે. પછી એ કઈ રીતે કામ કરશે, એની પાસે કેટલી સત્તા હશે, અને એમાં કેટલા લોકો હશે એ અગાઉથી નક્કી કરે છે. અમુક દિવસો પછી આખરે એ વિભાગ કામ કરતો શરૂ થાય છે. એના કર્મચારીઓ આમ કહે છે: ‘સરકારે અમુક વર્ષો પહેલાં નક્કી કરી રાખ્યું હતું કે આપણું કામ શું હશે. હવે આપણે એ કામ શરૂ કરીએ છીએ.’ શું એનો અર્થ એમ થાય કે સરકારે અગાઉથી નક્કી કરી રાખ્યું હતું કે આ વિભાગમાં કઈ કઈ વ્યક્તિ કામ કરશે? જરાય નહિ! એવી જ રીતે, યહોવાહે પણ આપણને આદમના પાપની અસરમાંથી મુક્ત કરવા એક ખાસ વિભાગનું નિર્માણ કરી રાખ્યું છે. તેમણે એ માટે કોઈ ખાસ વ્યક્તિઓને નહિ પણ લોકોના સમૂહને અગાઉથી પસંદ કર્યો છે. એમાં કઈ કઈ વ્યક્તિ હશે એ તો પછીથી નક્કી થવાનું હતું. પરમેશ્વર જોશે કે તેઓ કેવું જીવન જીવ્યા. એનાથી તે નક્કી કરશે કે તેઓ એ વિભાગમાં કામ કરવા લાયક છે કે નહિ.

ઈશ્વરભક્ત પાઊલે કહ્યું કે “દુનિયાનું સર્જન કરવામાં આવ્યું તે પહેલાં ખ્રિસ્તમાં આપણે ઈશ્વરના બનીએ એવું પસંદ કરવામાં આવ્યું હતું.” અહીં, તે કઈ દુનિયાની વાત કરી રહ્યાં છે? પરમેશ્વરે શરૂમાં આદમ અને હવાને બનાવ્યા એ સમયની દુનિયાની પાઊલ વાત કરતા ન હતા. એ દુનિયા તો “ઉત્તમોત્તમ” હતી. એ વખતે પાપ ન હતું કે કોઈ જાતનો ભ્રષ્ટાચાર પણ ન હતો. (ઉત્પત્તિ ૧:૩૧) વળી, એ વખતે ‘પાપની માફીની’ કોઈ જરૂર ન હતી.—એફેસી ૧:૭.

અહીં પાઊલ આદમ અને હવાએ એદન વાડીમાં પાપ કર્યું એ પછીની દુનિયાની વાત કરે છે. એ યહોવાહે શરૂઆતમાં બનાવેલી દુનિયાથી એકદમ અલગ હતી. આદમ અને હવાના બાળકોથી એની શરૂઆત થઈ. એ દુનિયાના લોકો પરમેશ્વરથી દૂર થઈ ગયા અને પાપ તથા ભ્રષ્ટાચારના દાસ બની ગયા. પાઊલ એવી દુનિયાની વાત કરે છે જેના લોકો આદમ અને હવાની જેમ જાણીજોઈને પાપ કરતા નથી. એ લોકો ઈસુના બલિદાનને આધારે છુટકારા માટે લાયક બને છે.—રૂમી ૫:૧૨; ૮:૧૮-૨૧.

આદમ અને હવાએ પાપ કર્યું ત્યારે જ યહોવાહ એનો ઉકેલ લાવ્યા હતા. એ જ વખતે તેમણે એક મસીહી રાજ્ય, એના રાજા ઈસુ ખ્રિસ્ત અને એમાં કેટલા કામ કરશે એ નક્કી કરી નાખ્યું હતું. એ રાજ્ય મનુષ્યોને આદમથી ઊતરી આવેલા પાપમાંથી છોડાવવાનું હતું. (માત્થી ૬:૧૦) આમ, “દુનિયાનું સર્જન કરવામાં આવ્યું તે પહેલાં” એટલે કે આદમ અને હવાના બાળકો થાય એ પહેલાં જ પરમેશ્વરે માણસજાતના છુટકારા માટેની ગોઠવણ કરી હતી.

મનુષ્ય જે કરવા ચાહે છે એ માટે તેણે પહેલેથી યોજના કરવી પડે છે. નસીબમાં માનનારાને પણ એવું જ લાગે છે કે, ઈશ્વરે પહેલેથી દરેક બાબતો લખીને એની યોજના કરી રાખી છે. વળી, લેખક રોય વેથફોર્ડે લખ્યું: ‘ઘણા ફિલોસોફરને લાગે છે કે વિધાતા દરેક બાબતો લખી ન રાખે તો, કઈ રીતે ઈશ્વર મહાન કહેવાય?’ પરંતુ, શું ઈશ્વરે દરેક બાબતો અગાઉથી લખી રાખવાની જરૂર છે?

યહોવાહ પાસે અગાધ બુદ્ધિ અને શક્તિ છે. તેથી, આપણે પોતાની મરજી પ્રમાણે કંઈ પણ કરીએ ત્યારે એનાથી આવતા ગમે એવા પરિણામનો યહોવાહ સારી રીતે સામનો કરી શકે છે. (યશાયાહ ૪૦:૨૫, ૨૬; રૂમી ૧૧:૩૩) એ કારણે યહોવાહ કંઈ પણ યોજના કર્યા વિના તરત જ એનો ઉકેલ લાવી શકે છે. આપણે અપૂર્ણ માનવીઓમાં થોડી જ ક્ષમતા છે. જ્યારે યહોવાહ તો બધી રીતે સક્ષમ છે. તેમણે દુનિયાના દરેક લોકો ક્યારે શું કરશે એ પહેલેથી લખી રાખવાની જરૂર નથી. (નીતિવચનો ૧૯:૨૧) એટલે જ ઘણા બાઇબલ ભાષાંતરોમાં એફેસી ૩:૧૧માં ઈશ્વરની અગાઉથી નક્કી કરેલી યોજનાને બદલે “સનાતન હેતુ” જેવા શબ્દો વાપર્યા છે.

તમારાં કાર્યોની ભવિષ્ય પર પડતી અસર

આ દુનિયા માટે પરમેશ્વરનો એક હેતુ છે. એ તેમણે અગાઉથી નક્કી કરી રાખ્યો છે. પ્રકટીકરણ ૨૧:૩, ૪ કહે છે: “જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે, દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે, અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.” પરમેશ્વરના એ હેતુ મુજબ આખી દુનિયામાં ચારેકોર સુખ-શાંતિ હશે. (ઉત્પત્તિ ૧:૨૭, ૨૮) પરંતુ, પ્રશ્ન એ છે કે શું તમે એ દુનિયામાં હશો? આનો જવાબ તમે કેવી પસંદગી કરશો એના પર આધાર રાખે છે. યહોવાહે કંઈ આપણું નસીબ લખી રાખ્યું નથી.

પરમેશ્વરના પુત્ર, ઈસુ ખ્રિસ્તના બલિદાન પર વિશ્વાસ કરનારને પૃથ્વી પર હંમેશ માટેનું સુખી જીવન મળશે. (યોહાન ૩:૧૬, ૧૭; પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫) બાઇબલ કહે છે: “પુત્ર પર વિશ્વાસ મૂકે છે તેને સાર્વકાલિક જીવન છે. જે કોઈ પુત્રને આધીન થતો નથી તેને જીવન મળતું નથી.” (યોહાન ૩:૩૬, પ્રેમસંદેશ) તમે બાઇબલમાંથી ઈશ્વર અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત વિષે શીખી શકો ને યહોવાહની ઇચ્છા જાણી શકો. જે શીખો છો એને લાગુ પાડીને તમે જીવનની પસંદગી કરી શકો. બાઇબલ ખાતરી આપે છે કે જેઓ સાચા જ્ઞાનની સુમેળમાં ચાલશે તેઓ “સહીસલામત રહેશે, અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.”—નીતિવચનો ૧:૨૦, ૩૩.

[પાન ૫ પર ચિત્ર]

મનુષ્યો જાનવર જેવા નથી. તેઓએ પોતાનાં કાર્યો માટે ઈશ્વરને જવાબ આપવો પડશે

[પાન ૫ પર ચિત્ર]

રુડ: Foto: Cortesía de GREFA