શું તમારું ભવિષ્ય વિધાતાના હાથમાં છે?
શું તમારું ભવિષ્ય વિધાતાના હાથમાં છે?
‘મનુષ્યો અને જાનવરોની હાલત સરખી જ છે. કેમ કે, કાલે જીવનમાં શું થશે એ બન્નેમાંથી કોઈ જાણતું નથી,’ આવું વૈજ્ઞાનિક જોન ગ્રેએ કહ્યું. બીજા એક ધર્મગુરુ શમૂલીય બોટેકે પોતાના પુસ્તક એન ઈન્ટેલીજન્ટ પર્સન્સ ગાઈડ ટુ જુડાઈઝમમાં એનાથી સાવ અલગ વિચાર જણાવ્યો: ‘મનુષ્યો અને જાનવરોમાં આભ-જમીનનો ફરક છે. ભવિષ્ય મનુષ્યોની મુઠ્ઠીમાં છે.’
ઘણા લોકો જોન ગ્રે સાથે સહમત થશે. તેઓ માને છે કે ઉપરવાળાની ઇચ્છા તેઓના જીવનમાં ઘણી અસર કરે છે. જ્યારે બીજાઓ માને છે કે પરમેશ્વરે મનુષ્યને બનાવ્યો છે અને જીવનમાં શું કરવું એ પરમેશ્વરે તેના હાથમાં છોડી દીધું છે. આમ મનુષ્ય જાતે પોતાનું ભવિષ્ય ઘડે છે.
કેટલાકને લાગે છે કે તેઓનું ભવિષ્ય નેતાઓ કે સરકારોના હાથમાં છે. પત્રકાર રોય વેથફોર્ડે કહ્યું: ‘અમુક સરકારોને રાજગાદી મળતા જ તેઓ જુલમ પર ઊતરી આવે છે. એનાથી આખી દુનિયા અને ખાસ કરીને સ્ત્રીઓ પર વધારે અસર પડે છે. કેમ કે તેઓએ સરકારની નીતિ મુજબ જીવવું પડે છે.’ (નસીબની અસર [અંગ્રેજી]) ઘણા લોકોએ સુખી જીવનના સપના જોયા હતા. પણ રાજકીય કે લશ્કરી સરકારોએ તેઓની આશા પર પાણી ફેરવી દીધું છે.
સદીઓથી અમુક માને છે કે તેઓના જીવનમાં બધું ઉપરવાળાની ઇચ્છા મુજબ થાય છે. એટલે એમાં કંઈ બદલાવ નહિ થાય. એ વિષે બોટેક કહે છે, ‘પ્રાચીન ગ્રીસના લોકો માનતા કે લખ્યા લેખ કોઈ ટાળી શકતું નથી.’ તેઓ માનતા કે તેઓની આખી જિંદગી ગ્રીક દેવી-દેવતાઓના હાથમાં છે. દાખલા તરીકે, આ દેવી-દેવતા નક્કી કરે છે કે વ્યક્તિ ક્યાં સુધી જીવશે અને તેણે જીવનમાં કેટલું દુઃખ સહેવું પડશે.
ઈશ્વર કે વિધાતાએ આપણું ભવિષ્ય પહેલેથી લખી રાખ્યું છે એ માન્યતા આજે સાવ સામાન્ય છે. દાખલા તરીકે, ઘણા લોકો માને છે કે આપણું નસીબ પહેલેથી લખાઈ ગયું છે. એટલે કે વિધાતાએ પહેલેથી લખી રાખ્યું છે કે આપણે જીવનમાં કેવાં કામો કરીશું. વળી આપણે ક્યારે આ જીવનથી નાહી નાખીશું એ દિવસ પણ લખી રાખ્યો છે. તેઓ એમ પણ માને છે કે કોણ સુખી જીવન પામશે અને કોણ નરકમાં જશે એ ભગવાને લખી રાખ્યું છે. અરે, ઘણા ખ્રિસ્તીઓ પણ આવું માને છે.
પરંતુ, તમને શું લાગે છે? શું આપણે નસીબમાં માનવું જોઈએ? કે પછી અંગ્રેજી લેખક વિલિયમ શેક્સપીયરના શબ્દો ખરા છે: ‘મનુષ્યનું ભાગ્ય કોઈ વાર તેની પોતાની મુઠ્ઠીમાં હોય છે?’ શું પવિત્ર શાસ્ત્ર નસીબ વિષે કંઈક કહે છે? એ વિષે આપણે હવે પછીના લેખમાં જોઈશું.