સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આજે ‘અતિ મૂલ્યવાન મોતી’ શોધી કાઢવું

આજે ‘અતિ મૂલ્યવાન મોતી’ શોધી કાઢવું

આજે ‘અતિ મૂલ્યવાન મોતી’ શોધી કાઢવું

“સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારૂ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે.” —માત્થી ૨૪:૧૪.

૧, ૨. (ક) ઈસુના સમયમાં લોકો ઈશ્વરના રાજ્ય વિષે શું માનતા હતા? (ખ) ઈસુએ રાજ્ય વિષેનું શિક્ષણ કેવી રીતે આપ્યું અને લોકો પર એની કેવી અસર પડી?

 ઈસુ ધરતી પર હતા ત્યારે, લોકો ઈશ્વરના રાજ્યની જ વાતો કરતા હતા. (માત્થી ૩:૧, ૨; ૪:૨૩-૨૫; યોહાન ૧:૪૯) પણ તેઓને ખબર ન હતી કે એ રાજ્ય દ્વારા યહોવાહ પૃથ્વી પર કેવા આશીર્વાદો લાવશે. તેઓને એવી પણ ખબર ન હતી કે એ સ્વર્ગનું રાજ હશે. (યોહાન ૩:૧-૫) અરે, ઈસુના ખાસ દોસ્તોને પણ પૂરેપૂરી સમજ ન હતી કે ઈશ્વરનું રાજ્ય શું છે. તેઓ ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવાના હતા. પણ એ આશીર્વાદ મેળવવા શું કરવાની જરૂર છે એ પણ તેઓને ખબર ન હતી.—માત્થી ૨૦:૨૦-૨૨; લુક ૧૯:૧૧; પ્રેરિતોનાં કૃત્યો ૧:૬.

પરંતુ ઈસુએ પોતાના દોસ્તોને ધીમે ધીમે શીખવ્યું કે ઈશ્વરનું રાજ્ય શું છે. ઈસુના શિક્ષણમાં મૂલ્યવાન મોતીનું ઉદાહરણ પણ હતું, જે આપણે ગયા લેખમાં જોઈ ગયા. એ ઉદાહરણે બતાવ્યું કે ઈશ્વરનું રાજ્ય કેટલું મહત્ત્વનું છે અને તેઓનાં જીવન પર એની કેટલી હદે અસર થશે. (માત્થી ૬:૩૩; ૧૩:૪૫, ૪૬; લુક ૧૩:૨૩, ૨૪) એ શિક્ષણ શિષ્યોના દિલ સુધી પહોંચ્યું કે તરત જ તેઓ હિંમતથી અને પૂરી ધગશથી પ્રચાર કરવા લાગ્યા. અરે, દુનિયામાં દૂર દૂર સુધી તેઓએ પ્રચાર કર્યો! એના વિષે પ્રેરિતોનાં કૃત્યોનું પુસ્તક આપણને જણાવે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧:૮; કોલોસી ૧:૨૩.

૩. ઈસુએ આપણા સમય માટે ઈશ્વરના રાજ્ય વિષે શું કહ્યું હતું?

આજે પણ લાખોને એ રાજ્યના આશીર્વાદ મળી શકે છે. એ વિષે ઈસુએ પોતે જણાવ્યું કે ‘જગતના અંતે’ શું બનશે. તેમણે કહ્યું કે “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.” (માત્થી ૨૪:૩, ૧૪; માર્ક ૧૩:૧૦) ઈસુએ સમજાવ્યું કે ભલે કોઈ પણ મુશ્કેલીઓ કે તકલીફો આવે છતાં, આ કામ પૂરું થશે જ. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે “અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે.” (માત્થી ૨૪:૯-૧૩) ઈસુના ઉદાહરણમાંના વેપારીની જેમ, આપણે પણ રાજ્યના આશીર્વાદ પામવા બધુંય જતું કરવું પડશે. શું આજે એવા લોકો છે જે ઈશ્વરના રાજ્ય માટે એવી જ શ્રદ્ધા અને ધગશ બતાવતા હોય?

સત્ય મળવાની ખુશી

૪. આજે લોકો પર રાજ્ય વિષેના સત્યની કેવી અસર થાય છે?

ઈસુના ઉદાહરણમાંના વેપારીને ‘અતિ મૂલ્યવાન મોતી’ મળ્યું, એટલે તે ખુશ ખુશ થઈ ગયો હતો. એટલો ખુશ થઈ ગયો કે એ મોતી પોતાનું કરી લેવા તેણે બધુંય જતું કર્યું. (હેબ્રી ૧૨:૧) યહોવાહ અને તેમના રાજ્યનું શિક્ષણ આજે પણ લોકોમાં એવી જ શ્રદ્ધા જગાડે છે. ભાઈ એ. એચ. મેકમીલનનો વિચાર કરો. ફેઈથ ઓન ધ માર્ચ નામના પુસ્તકમાં, તેમણે જણાવ્યું કે પોતે કઈ રીતે ઈશ્વરની શોધ કરી, જીવનનો અર્થ શોધ્યો. તેમણે કહ્યું કે “મને સત્ય જ મળ્યું છે. આજે હજારો લોકોને એ મળે છે. એમાં બધી નાત-જાતના, રંગના, નાના-મોટા લોકો છે. સત્ય કોઈનો ભેદભાવ રાખતું નથી, પણ બધા લોકોને આકર્ષે છે.”

૫. વર્ષ ૨૦૦૪માં પ્રચાર કરવાથી આપણને કયા આશીર્વાદો મળ્યા છે?

એ શબ્દો આજે પણ સો ટકા સાચા છે! દર વર્ષે હજારો લોકો યહોવાહના રાજ્ય વિષે જાણે છે, શીખે છે અને તેમના ભક્તો બને છે. સપ્ટેમ્બર ૨૦૦૩થી ઑગસ્ટ ૨૦૦૪ના વર્ષમાં પણ એમ જ થયું છે. એ બાર મહિનામાં લગભગ ૨૩૫ દેશોમાં ૨,૬૨,૪૧૬ લોકો યહોવાહના ભક્તો બન્યા. એ દેશોમાં યહોવાહના લોકો લગભગ ૬૦,૮૫,૩૮૭ લોકોને દર અઠવાડિયે યહોવાહ વિષે શીખવે છે. એ લોકો જુદી જુદી નાત-જાતના, ભાષાના છે, જેઓ બાઇબલમાંથી જીવન આપતી અમૃત-વાણી પીએ છે.—પ્રકટીકરણ ૭:૯.

૬. યહોવાહના ભક્તોમાં શા માટે વધારો થતો જાય છે?

એ બધી યહોવાહની કૃપા છે, એમાં કોઈ સવાલ જ નથી. (યોહાન ૬:૬૫; પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮) સાથે સાથે રાજ્ય વિષે લોકોને જણાવવા ભાઈ-બહેનોએ જે હોંશથી કામ કર્યું, એ પણ કેમ ભૂલાય? ભાઈ મેકમીલને ૭૯ વર્ષની ઉંમરે લખ્યું કે “લાખો નિરાશામાં જે આશા બાઇબલ આપે છે, એ મેં જાણી ત્યારે જ મેં મનમાં ગાંઠ વાળી કે, એના વિષે હું બધું જ શીખીશ. જેથી, મારા જેવા બીજા લોકોને પણ હું એક માત્ર ઈશ્વર યહોવાહ વિષે જણાવી શકું. આપણા માટેની અમર આશા વિષે જણાવી શકું.”

૭. બાઇબલમાંથી સત્ય શીખીને જે આનંદ થાય છે, એનો અનુભવ જણાવો.

આજે પણ યહોવાહના ભક્તોમાં એવી જ ધગશ જોવા મળે છે. વીએના, ઑસ્ટ્રિયાની દાનીએલાનો વિચાર કરો. તે કહે છે કે “બચપનથી જ મને ઈશ્વરનો સાથ છે. મારા મનની કોઈ પણ વાત હું તેને જણાવી શકું છું. પણ મને તેનું નામ જાણવાની બહુ જ ઇંતેજારી હતી. આખરે યહોવાહના સાક્ષીઓ મારા ઘરે આવ્યા ત્યારે, હું ૧૭ વર્ષની હતી. તેઓએ ઈશ્વર વિષે મને બધું જ જણાવ્યું. મને ખરું જ્ઞાન મળ્યું! હું એટલી ખુશ હતી કે બધાને એ વિષે જણાવવા લાગી.” બધાને એ ન ગમ્યું, એટલે સ્કૂલમાં દાનીએલાની મશ્કરી પણ થવા લાગી. શું તે નિરાશ થઈ ગઈ? ના, તે કહે છે કે “ઈસુએ તો પહેલેથી જ કહ્યું હતું કે ‘મારે પગલે ચાલનારાની મશ્કરી થશે જ.’ એ વાત મારા કિસ્સામાં સાચી પડી, એની મને બેહદ ખુશી થઈ.” દાનીએલા પોતે યહોવાહની ભક્ત બની. તેણે મિશનરી બનવાનું નક્કી કર્યું. તેના લગ્‍ન હલ્મુટ નામના ભાઈ સાથે થયા. પછી તેઓએ વીએનામાં રહેતા આફ્રિકા, ચીન, ફિલિપાઈન્સના લોકો અને ઇંડિયનોને પ્રચાર કર્યો. હવે દાનીએલા અને હલ્મુટ આફ્રિકામાં મિશનરીઓ છે.

તેઓ હિંમત હારતા નથી

૮. યહોવાહના ભક્તોમાંથી અમુકે કઈ રીતે યહોવાહના રાજ્ય માટેનો પ્રેમ બતાવ્યો છે?

મિશનરી સેવા એક રીત છે, જેનાથી યહોવાહના રાજ્ય માટેનો તેમના ભક્તોનો પ્રેમ નજરે પડે છે. ઈસુના ઉદાહરણમાં જે વેપારીની વાત કરી, તેની જેમ મિશનરીઓ આજે પણ દૂર દૂરના દેશોમાં જાય છે. ત્યાં જઈને તેઓ રાજ્યની ખુશખબર ફેલાવે છે. જેથી, બીજા લોકો પણ ઈસુના શિષ્યો બનીને એ રાજ્યના આશીર્વાદો પામી શકે. (માત્થી ૨૮:૧૯, ૨૦) ઘણા મિશનરીઓને બહુ તકલીફો સહેવી પડે છે, છતાં તેઓને પુષ્કળ આશીર્વાદો પણ મળે છે.

૯, ૧૦. મિશનરીઓને મધ્ય આફ્રિકા જેવા દેશોમાં કેવા કેવા અનુભવો થયા છે?

મધ્ય આફ્રિકાનો વિચાર કરો. ગયા વર્ષે ત્યાં મેમોરિયલમાં ૧૬,૧૮૪ લોકો આવ્યા હતા. એ દેશમાં યહોવાહના સાક્ષીઓ કરતાં સાતગણા વધારે લોકો ત્યાં હાજર હતા! એ દેશમાં લાઇટનું કોઈ ઠેકાણું ન હોવાથી, લોકો મોટે ભાગે ઘરની બહાર ઝાડના ઠંડા છાયામાં બેસીને કામકાજ કરતા હોય છે. મિશનરીઓ પણ લોકો સાથે બાઇબલની ચર્ચા ઘરમાં નહિ, પણ બહાર ઝાડના છાયામાં બેસીને જ કરતા હોય છે. એટલે બહાર અજવાળું ને ઝાડની ઠંડક મળે. સાથે સાથે લોકોને બાઇબલ બહુ વહાલું છે. એટલે આવતા-જતા લોકો બાઇબલની વાત સાંભળીને ઊભા રહે છે અને ચર્ચા કરે છે.

૧૦ જ્યારે એક મિશનરી ભાઈ બહાર બેસીને બાઇબલની ચર્ચા કરતા હતા, ત્યારે એક યુવાન સામેના ઘરમાંથી આવ્યો. તેણે આપણા ભાઈને કહ્યું કે ‘મારે ઘરે કેમ કોઈ આવ્યું નહિ? મારે પણ બાઇબલ વિષે જાણવું છે.’ આપણો ભાઈ તો રાજીનો રેડ થઈ ગયો. એ યુવાન હવે સરસ રીતે યહોવાહના માર્ગ વિષે શીખી રહ્યો છે. એ દેશમાં પોલીસ પણ આપણા ભાઈ-બહેનોને ઘણી વાર રોકે છે. હેરાન કરવા કે પૈસા પડાવવા નહિ. ના, પણ પોલીસને નવું ચોકીબુરજ અને સજાગ બનો! જોઈએ છે. પોલીસ એ પણ જણાવે છે કે તેઓને મૅગેઝિનમાંથી કયા કયા લેખો બહુ જ ગમ્યા.

૧૧. ભલે તકલીફો હોય છતાં પણ એક પતિ-પત્ની મિશનરી સેવા વિષે શું જણાવે છે?

૧૧ ઘણા મિશનરીઓ ૪૦ કે ૫૦ વર્ષ પછી પણ હજુ સેવા આપે છે. આપણને તેઓના અનુભવોમાંથી ઘણી હિંમત મળે છે. એક પતિ-પત્ની લગભગ ૪૨ વર્ષોથી મિશનરી છે. તેઓએ જુદા જુદા ત્રણ દેશોમાં સેવા આપી છે. ભાઈ કહે છે કે “મુશ્કેલીઓ તો આવવાની જ. અમારે ૩૫ વર્ષો સુધી મેલેરિયા સામે લડત આપવી પડી. તોપણ અમને જરાય અફસોસ નથી કે અમે મિશનરી બન્યા.” એ ભાઈના પત્ની કહે છે કે “મિશનરીને ઘણા આશીર્વાદો મળે છે. પ્રચાર કામનો જ વિચાર કરો તો, લોકોને બાઇબલનું શિક્ષણ બહુ જ ગમે છે. તેઓ જ્યારે મિટિંગમાં આવે, બીજા ભાઈ-બહેનોને ઓળખતા થાય, પછી તો જાણે એક કુટુંબ ભેગું થયું હોય એવી મઝા આવે.”

તેઓ બધી વસ્તુઓ નકામી ગણે છે

૧૨. ઈશ્વરના રાજ્ય માટે સાચો પ્રેમ હોય, તેઓને એ વિષે કેવું લાગે છે?

૧૨ ઈસુના ઉદાહરણમાં જ્યારે વેપારીને “એક અતિ મૂલ્યવાન મોતીની શોધ લાગી, ત્યાર પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે વેચાતું લીધું.” (માત્થી ૧૩:૪૬) એ મોતી માટેનો આ સાચો પ્રેમ કહેવાય! યહોવાહના રાજ્ય માટે પણ તેમના ભક્તોને એટલો જ પ્રેમ છે. તેથી યહોવાહના રાજ્ય માટે કોઈ પણ ભોગ આપવા તેઓ તરત જ તૈયાર છે. એ રાજ્યમાં ઈસુ સાથે રાજ કરનાર, પ્રેષિત પાઊલે કહ્યું કે “ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે, હું એ બધાંને હાનિ જ ગણું છું; એને લીધે મેં સઘળાનું નુકસાન સહન કર્યું, અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરૂં.”—ફિલિપી ૩:૮.

૧૩. ચૅક પ્રજાસત્તાકના એક પ્રિન્સિપાલે કઈ રીતે ઈશ્વરના રાજ્ય માટેનો પ્રેમ બતાવ્યો?

૧૩ એ જ પ્રમાણે આજે પણ ઘણા પોતાના જીવનમાં મોટા ફેરફારો કરે છે, જેથી ઈશ્વરના રાજ્યના આશીર્વાદ પામી શકે. જેમ કે ચૅક પ્રજાસત્તાકમાં સ્કૂલના એક પ્રિન્સિપાલનો વિચાર કરો. ઑક્ટોબર ૨૦૦૩માં આ ૬૦ વર્ષના પ્રિન્સિપાલના હાથમાં જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તક આવી ચડ્યું. એ વાંચ્યા પછી તેમણે યહોવાહના સાક્ષીઓને શોધી કાઢ્યા. તેઓ સાથે બાઇબલની ચર્ચા શરૂ કરી. પછી બધી મિટિંગોમાં આવવા લાગ્યા. પણ તે ચૂંટણીમાં મેયર અને પછી સેનેટર બનવા લડવાના હતા. તેમણે શું કર્યું? તેમણે નક્કી કર્યું કે એ બધાને બદલે, પોતે ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરનારા બનશે. પછી તેમણે કહ્યું: “મેં મારા વિદ્યાર્થીઓને જ બાઇબલનું ઘણું લીટરેચર આપ્યું.” જુલાઈ ૨૦૦૪માં તે યહોવાહના ભક્ત બન્યા.

૧૪. (ક) ઈશ્વરના રાજ્ય માટે લાખો લોકો આજે શું કરી રહ્યા છે? (ખ) આપણે પોતાને કયા સવાલ પૂછવા જોઈએ?

૧૪ આજે દુનિયામાં બીજા લાખો લોકો એમ જ કરે છે. તેઓ યહોવાહની ભક્તિ કરવા, જીવનમાં મોટા મોટા ફેરફારો કરે છે. સ્વભાવ બદલે છે. જરૂર હોય તો કામકાજ પણ બદલે છે. જેથી શેતાની દુનિયામાં સમય અને શક્તિ વાપરવાને બદલે, પૂરા તન, મન અને ધનથી યહોવાહની ભક્તિ કરી શકે. (યોહાન ૧૫:૧૯; એફેસી ૪:૨૨-૨૪; યાકૂબ ૪:૪; ૧ યોહાન ૨:૧૫-૧૭) આવું બધું તેઓ શા માટે કરે છે? એનું કારણ એ જ છે કે તેઓ જાણે છે કે આ દુનિયા જે કંઈ ઑફર કરે છે, એ કંઈ જ નથી. પણ યહોવાહનું રાજ્ય હંમેશ માટે આપણા પર આશીર્વાદ વરસાવશે. તમને ઈશ્વરના રાજ્ય વિષે કેવું લાગે છે? શું તમે તમારું જીવન યહોવાહની મરજી પ્રમાણે જીવવા માંગો છો? જો એમ કરશો, તો ચોક્કસ તમે હમણાં અને કાયમ માટે યહોવાહની કૃપા અને આશીર્વાદ પામશો.

પુષ્કળ કામ છે

૧૫. યહોવાહના લોકો વિષે અગાઉથી શું કહેવામાં આવ્યું છે?

૧૫ એક કવિએ કહ્યું કે “તારી સત્તાના સમયમાં તારા લોક ખુશીથી અર્પણ થાય છે.” એ લોકોમાં “મળસ્કાના” ઝાકળનાં ટીપાં જેવા યુવાનો પણ છે. અરે, એમાં “સ્ત્રીઓનું તો મોટું ટોળું છે.” (ગીતશાસ્ત્ર ૬૮:૧૧; ૧૧૦:૩) આજે યહોવાહની ભક્તિમાં સ્ત્રી-પુરુષો, નાના-મોટાની મહેનતનું શું પરિણામ આવ્યું છે?

૧૬. યહોવાહના ભક્તો તેમના રાજ્ય વિષેની ખુશખબર ફેલાવવા કેવા પ્રયત્નો કરે છે?

૧૬ એક પાયોનિયર બહેનનો વિચાર કરો. તે બૅંગ્લોરમાં રહે છે. તેણે વિચાર્યું કે ભારતના વીસેક લાખ જેટલા બહેરા લોકો કઈ રીતે ઈશ્વરના રાજ્ય વિષે જાણશે? (યશાયાહ ૩૫:૫) એ બહેને સાઇન લૅંગ્વેજ અથવા ઇશારાની ભાષા શીખવાનું નક્કી કર્યું. તેના ક્લાસીસમાં તેણે રાજ્ય વિષે ઘણાને જણાવ્યું. ઘણાને બાઇબલ વિષે જાણવું હતું. થોડા જ સપ્તાહોમાં બારેક વ્યક્તિઓ આપણા હૉલમાં મિટિંગોમાં આવવા લાગી. પછી એક લગ્‍ન પ્રસંગે આ બહેન કોલકત્તાના એક યુવાનને મળી. તેને પણ યહોવાહ વિષે ઘણું જાણવું હતું. પણ મુશ્કેલી એ હતી કે એ યુવાન પાછો કોલકત્તા ભણવા જઈ રહ્યો હતો. ત્યાં સાઇન લૅંગ્વેજ જાણનાર કોઈ ભાઈ-બહેન ન હતા. એ યુવાને મહા-મહેનતે તેના પપ્પાને મનાવી લીધા, જેથી તે કોલકત્તાને બદલે બૅંગ્લોરની કૉલેજમાં જઈ શકે. આમ તે યહોવાહ વિષે શીખી શક્યો અને એકાદ વર્ષ પછી યહોવાહના ભક્ત બન્યો. તે બીજા બહેરા લોકોને મદદ કરી શક્યો, જેમાં તેનો બચપનનો દોસ્તાર પણ હતો. ભારતની બ્રાંચ ઑફિસ હવે ગોઠવણ કરે છે, જેથી બીજા પાયોનિયરો પણ સાઇન લૅંગ્વેજ શીખી શકે.

૧૭. પાન ૧૯-૨૨ પરના ૨૦૦૪ના રિપોર્ટમાંથી તમને કઈ રીતે ઉત્તેજન મળ્યું?

૧૭ આ મૅગેઝિનના ૧૯-૨૨મા પાન પર, તમને યહોવાહના સાક્ષીઓનો ૨૦૦૪નો રિપોર્ટ જોવા મળશે. તમે એ જુઓ તેમ વિચારો કે આજે યહોવાહના લોકો કઈ રીતે ‘અતિ મૂલ્યવાન મોતી’ શોધીને એની કદર કરે છે. કઈ રીતે તેઓ આખી દુનિયાના લોકોને એના વિષે જણાવે છે.

ઈશ્વરનું રાજ્ય જીવનમાં પહેલા રાખજો

૧૮. ઈસુએ મોતીના વેપારી વિષે કઈ માહિતી નથી જણાવી અને શા માટે નહિ?

૧૮ પાછા આપણે ઈસુના ઉદાહરણનો વિચાર કરીએ. મોતીનો વેપારી પોતાનું બધુંય વેચીને અતિ મૂલ્યવાન મોતી ખરીદી લે છે. ઈસુએ બીજું કંઈ જણાવ્યું નથી કે એ વેપારીએ પછી શું કર્યું, આગળ જીવન કેવી રીતે જીવ્યો. કોઈ પૂછશે કે ‘પણ એ વેપારી પછી ખાવા-પીવાનું, પહેરવા-ઓઢવાનું ક્યાંથી લાવ્યો? તેણે પોતાની બધી મિલકત તો મોતી ખરીદવા વેચી નાખી હતી. પછી આ મોતી શું કામનું? શું એ ખાવાનું?’ ખરું કે આપણી જ નજરે જીવન જોઈએ તો આ સવાલો થઈ શકે. પણ યાદ કરો કે ઈસુએ પોતાના શિષ્યોને શું કહ્યું હતું? “તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.” (માત્થી ૬:૩૧-૩૩) ઈસુના એ ઉદાહરણ પરથી શીખવા મળે છે કે યહોવાહના રાજ્ય માટે હોંશ રાખો, ધગશ રાખો. પૂરા દિલથી તેમની ભક્તિ કરો.

૧૯. અતિ મૂલ્યવાન મોતીના ઉદાહરણમાંથી આપણે શું શીખી શકીએ?

૧૯ આપણે ‘જગતના અંતમાં’ જીવી રહ્યા છીએ, એટલે મુશ્કેલીઓ તો આવવાની જ. (માત્થી ૨૪:૩) આપણે હાલમાં યહોવાહના રાજ્ય વિષે શીખવાનું શરૂ કર્યું હોય કે પછી વર્ષોથી જાણતા હોઈએ. ચાલો આપણે એ અતિ મૂલ્યવાન મોતી જેવા રાજ્ય વિષે લોકોને જણાવતા જ રહીએ. એને આપણા જીવનમાં નંબર વન રાખીએ. પેલા વેપારીની જેમ, આપણે પણ યહોવાહના રાજ્ય માટે હોંશથી બધુંય કરીએ. આપણને પૂરી ખાતરી છે કે યહોવાહનું રાજ્ય ચોક્કસ આપણા પર આશીર્વાદ વરસાવશે.—ગીતશાસ્ત્ર ૯:૧, ૨.

આપણે શું શીખ્યા?

• યહોવાહના ભક્તોમાં શા માટે વધારો થાય છે?

• મિશનરીઓ કેવી હોંશથી પ્રચાર કરે છે?

• યહોવાહના રાજ્ય વિષે શીખીને લોકોએ કેવા કેવા ફેરફારો કર્યા છે?

• અતિ મૂલ્યવાન મોતીના ઉદાહરણમાંથી આપણે શું શીખીએ છીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૯-૨૨ પર ચાર્ટ]

2004 SERVICE YEAR REPORT OF JEHOVAH’S WITNESSES WORLDWIDE

(See bound volume)

[પાન ૧૪ પર ચિત્ર]

સત્ય બધી નાત-જાતના લોકોને ભેગા કરે છે.—એ. એચ. મેકમીલન

[પાન ૧૫ પર ચિત્ર]

દાનીએલા અને હલ્મુટે વીએના દેશમાં પરદેશી ભાષા બોલનારા લોકોને પ્રચાર કર્યો

[પાન ૧૬ પર ચિત્ર]

મોતીના વેપારીની જેમ, મિશનરીઓ પણ ઘણા આશીર્વાદો મેળવે છે

[પાન ૧૭ પર ચિત્ર]

‘તારા લોક રાજી-ખુશીથી તારી ભક્તિ કરશે’