સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘એક અતિ મૂલ્યવાન મોતી શોધી કાઢવું’

‘એક અતિ મૂલ્યવાન મોતી શોધી કાઢવું’

‘એક અતિ મૂલ્યવાન મોતી શોધી કાઢવું’

આજ સુધી સંખ્યાબંધ આતુર લોકો સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ માટે ધસી રહ્યા છે, અને તેઓ એ મેળવે છે.—માથ્થી ૧૧:૧૨,  IBSI.

૧, ૨. (ક) રાજ્ય વિષેના એક ઉદાહરણમાં ઈસુએ કેવી વ્યક્તિ વિષે વાત કરી? (ખ) ઈસુએ અમૂલ્ય મોતીના ઉદાહરણમાં શું કહ્યું?

 આજકાલ લોકો નામ કમાવા, ખુરશી કે સત્તા મેળવવા રાત-દિન એક કરી દે છે. અથવા પૈસાને પરમેશ્વર માને છે. પણ શું એવી કોઈ ચીજ છે, જે તમને જીવની જેમ વહાલી હોય? એટલી વહાલી કે જેના માટે તમે બધું જ જતું કરો? આજે ભાગ્યે જ કોઈ એવો હશે, જે એક ચીજ મેળવવા પોતાનું બધું જ જતું કરે! ઈશ્વરના રાજ્ય વિષે ઈસુએ એક ઉદાહરણ આપ્યું હતું. ચાલો આપણે એનો વિચાર કરીએ. એમાં ઈસુ એવી વ્યક્તિ વિષે વાત કરી, જેણે પોતાની મનગમતી ચીજ માટે પોતાનું બધુંય જતું કર્યું.

એ ઉદાહરણ ઈસુએ ફક્ત પોતાના શિષ્યોને જ જણાવ્યું હતું, જેમાં અમૂલ્ય મોતીની કિંમતની વાત થાય છે. “આકાશનું રાજ્ય સારાં મોતી શોધનાર કોઈએક વેપારીના જેવું છે; તેને એક અતિ મૂલ્યવાન મોતીની શોધ લાગી, ત્યાર પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે વેચાતું લીધું.” (માત્થી ૧૩:૩૬, ૪૫, ૪૬) આ ઉદાહરણથી ઈસુ કઈ વાત શીખવતા હતા? આપણે એમાંથી શું શીખી શકીએ?

કીમતી મોતી

૩. ઈસ્રાએલના જમાનાથી જ સુંદર મોતી શા માટે કીમતી છે?

ઈસ્રાએલના જમાનાથી જ મોતીની કિંમત ઊંચી છે. રૂમી લેખક પ્લીની ધી એલ્ડર પ્રમાણે, મોતીનું “મૂલ્ય બધી કીમતી ચીજોથી વધારે છે.” શા માટે એમ? એનું કારણ એ કે મોતી જીવંત માછલીમાં બને છે, જેને આપણે મોતીની છીપ તરીકે જાણીએ છીએ. કોઈક રીતે એ છીપમાં રેતીના કણ કે નાના પથ્થરને મોતી બનાવવામાં આવે છે. પહેલાના જમાનામાં સુંદર મોતી લાલ સમુદ્ર, ઈરાની અખાત અને ભારતીય મહાસાગરમાંથી મળી આવતા, જે ઈસ્રાએલ દેશથી દૂર દૂર આવેલા છે. એટલે જ ઈસુએ ‘સુંદર મોતીની શોધમાં નીકળેલા વેપારીની’ વાત કરી. સુંદર, કીમતી મોતી કંઈ રસ્તામાં પડ્યા નથી હોતા, એ મેળવવા પુષ્કળ મહેનત કરવી પડે છે.

૪. મોતીના વેપારીના ઉદાહરણથી ઈસુ શું શીખવવા માંગતા હતા?

ઈસુ કીમતી મોતીના ઉદાહરણથી શું શીખવવા માંગતા હતા? ઈશ્વરના રાજને ઈસુ કંઈ ફક્ત કીમતી મોતી સાથે જ સરખાવતા નથી. ના, એ ‘સુંદર મોતીની શોધમાં નીકળેલા વેપારી’ તરફ પણ આપણું ધ્યાન દોરે છે. આ વેપારી કંઈ જેવો તેવો નથી. એ તો પાક્કો, અનુભવી વેપારી છે. તે વસ્તુ જોતા જ પારખી જાય છે કે એ અસલી છે કે નકલી. કીમતી મોતી મળતા એ વેપારી કેવી રીતે વર્તે છે, એ ખાસ વિચારો.

૫, ૬. (ક) ઈસુના ઉદાહરણનો વેપારી કઈ રીતે બીજા વેપારીઓથી અલગ છે? (ખ) સંતાડેલા ખજાના પરનું ઈસુનું બીજું એક ઉદાહરણ વેપારી વિષે શું જણાવે છે?

વેપારીઓ મોટે ભાગે તો પહેલા જ વિચાર કરશે કે ‘આ મોતી હું કેટલામાં લઉં? મને બજારમાં કેટલો ભાવ મળશે? મને કેટલો નફો થશે?’ તે એની પણ ખબર કાઢશે કે બજારમાં આ મોતીની માંગ છે કે નહિ. જેથી, એ તેના માથે ન પડે, પણ તે જલદીથી એને વેચી શકે. પણ ઈસુના ઉદાહરણનો વેપારી તો જુદી જ માટીનો હતો. તેને ધનદોલતની પડી ન હતી. અરે, તે પોતાને મનગમતું, સુંદર, અનમોલ મોતી મળતા જ, પોતાનું બધું જ ખર્ચી દેવા તૈયાર હતો.

મોટા ભાગના વેપારીઓ વિચારશે કે ‘એ તો ગાંડો થઈ ગયો છે, ગાંડો.’ વેપારીઓ એવું જોખમ લેવાનો વિચાર પણ નહિ કરે. પણ ઈસુના ઉદાહરણનો વેપારી જેવો-તેવો વેપારી ન હતો. તેની નજરે એ મોતીનું ખરું મૂલ્ય પૈસા ન હતા. તેને મન તો એનું મૂલ્ય એ જ હતું કે તે એવી ચીજનો માલિક થાય, જેનાથી તેને ખુશી મળે, સંતોષ મળે. ઈસુએ એના જેવું જ બીજું એક ઉદાહરણ આપતા કહ્યું: “આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય [ખજાના] જેવું છે; કે જે એક માણસને જડ્યું, પછી તેણે તે છાનું રાખ્યું, ને તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તેણે તે ખેતર વેચાતું લીધું.” (માત્થી ૧૩:૪૪) એ માણસ સંતાડેલા ખજાનાની શોધમાં હતો એ તેને મળ્યો. તે એનો માલિક થઈ શકે એટલો વિચાર જ પૂરતો હતો. તે માણસે એ ખજાનો મેળવવા પોતાની પાસે હતું એ બધુંય જતું કર્યું. શું આજે એના જેવા કોઈ છે? શું એવી કોઈ અમૂલ્ય ચીજ છે, જેને કારણે વ્યક્તિ પોતાનું બધુંય જતું કરવા તૈયાર હોય?

કીમતી ચીજ પારખનારા લોકો

૭. ઈસુએ કઈ રીતે યહોવાહના રાજ્યની કદર કરી?

ઈસુ ઉદાહરણો દ્વારા જણાવતા હતા કે લોકો સ્વર્ગના રાજ્યની કેવી કદર કરે છે. ઈસુ પોતે એ રાજ્યની ખૂબ કદર કરતા હતા. માત્થી, માર્ક, લુક અને યોહાનનાં પુસ્તકો એનો જોરદાર પુરાવો આપે છે. ઈસુ ૨૯ની સાલમાં બાપ્તિસ્મા પામ્યા. ‘ત્યારથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યા, કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.’ ઈસુએ સાડા ત્રણ વર્ષમાં તો કંઈ કેટલાયે લોકોને શિક્ષણ આપ્યું. તે એક જ જગ્યાએ નહિ, પણ ‘શહેરેશહેર તથા ગામેગામ ઉપદેશ કરતા તથા દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા ફર્યા.’—માત્થી ૪:૧૭; લુક ૮:૧.

૮. યહોવાહનું રાજ્ય કેવા કેવા આશીર્વાદો લાવશે એ બતાવવા ઈસુએ શું કર્યું?

ઈસુએ ઘણા ચમત્કારો કર્યા, જેથી લોકો એ જાણી શકે કે યહોવાહનું રાજ કેવા કેવા આશીર્વાદો લાવશે. તેમણે બીમાર લોકોને સાજા કર્યા. ભૂખ્યાના પેટની આગ ઠારી. પવનના તોફાન, સમુદ્રનાં મોજાંઓને કાબૂમાં કર્યા. અરે, ઈસુએ તો મૂએલાઓને પણ જીવતા કર્યા. (માત્થી ૧૪:૧૪-૨૧; માર્ક ૪:૩૭-૩૯; લુક ૭:૧૧-૧૭) આખરે ઈસુ મરતા દમ સુધી યહોવાહને અને તેમના રાજ્યને વળગી રહ્યા. યાદ કરો, પેલો મોતીનો વેપારી ‘અતિ મૂલ્યવાન મોતીને’ માટે પોતાનું બધું જ આપી દે છે. એવી જ રીતે, યહોવાહના રાજ્યને માટે ઈસુએ પૂરા તન, મન અને ધનથી મહેનત કરી. અરે, તેમણે એને માટે પોતાનો જીવ પણ આપી દીધો.—યોહાન ૧૮:૩૭.

૯. ઈસુના શરૂઆતના શિષ્યો કેવા હતા?

યહોવાહના રાજ્યનો પ્રેમ ઈસુએ પોતાના પૂરતો જ રાખ્યો નહિ. તેમણે પોતાના દોસ્તોમાં પણ એ પ્રેમની આગ સળગાવી. એ દોસ્તો પણ યહોવાહના રાજ્ય માટે કંઈ પણ કરવા તૈયાર હતા. દાખલા તરીકે, તેઓમાં આંદ્રિયા નામનો એક શિષ્ય હતો, જે પહેલાં યોહાન બાપ્તિસ્મા કરનારને પગલે ચાલતો હતો. પણ યોહાને પૂરી શ્રદ્ધાથી તેને જણાવ્યું કે ઈસુને યહોવાહે મોકલ્યા છે. એ સાંભળીને આંદ્રિયા અને યોહાન નામનો ઝબદીનો એક દીકરો પણ તરત જ ઈસુના શિષ્યો બન્યા. પછી આંદ્રિયા પોતાના ભાઈ સીમોન પાસે દોડી ગયો અને કહ્યું કે, ‘અમને મસીહ મળ્યો છે.’ એ સાંભળીને સીમોન પીતર, ફિલિપ અને તેનો મિત્ર નાથાનાએલ પણ તરત ઈસુને પગલે ચાલ્યા. અરે, નાથાનાએલે તો ઈસુને કહ્યું કે, “તું દેવનો દીકરો છે; તું ઈસ્રાએલનો રાજા છે.”—યોહાન ૧:૩૫-૪૯.

ઈસુના શિષ્યોએ શું કર્યું?

૧૦. ઈસુ ફરીથી પોતાના શિષ્યોને મળ્યા ત્યારે તેઓએ શું કર્યું?

૧૦ મોતીનો વેપારી જ્યારે સુંદર, કીમતી મોતી જુએ છે, ત્યારે તેનું હૈયું હાથમાં નથી રહેતું. એ જ રીતે આંદ્રિયા, પીતર, યોહાન અને બીજા શિષ્યો મસીહને ઓળખીને રાજીના રેડ થઈ જાય છે. પણ પછી શું થયું? ઈસુને પ્રથમ વાર મળ્યા પછી તરત જ તેઓએ શું કર્યું, એ વિષે બાઇબલ આપણને બહુ જણાવતું નથી. પણ મોટા ભાગના પાછા રોજિંદુ જીવન જીવવા લાગ્યા. એકાદ વરસ પછી, ઈસુ ફરીથી આંદ્રિયા, પીતર, યોહાન અને યોહાનના ભાઈ યાકૂબને મળે છે. તેઓ બધા ગાલીલના દરિયા કિનારે માછીમારનું કામ કરતા હતા. * ઈસુએ તેઓને કહ્યું કે “મારી પાછળ આવો, ને હું તમને માણસોને પકડનારા કરીશ.” પીતર અને આંદ્રિયાએ શું કર્યું? માત્થીનું પુસ્તક કહે છે કે “તેઓ તરત જાળો મૂકીને તેની પાછળ ગયા.” યાકૂબ અને યોહાન વિષે એ જ અહેવાલ જણાવે છે કે “તેઓ તરત વહાણને તથા પોતાના બાપને મૂકીને તેની પાછળ ગયા.” લુકનું પુસ્તક જણાવે છે કે “તેઓ બધું મૂકીને તેની પાછળ ચાલ્યા.”—માત્થી ૪:૧૮-૨૨; લુક ૫:૧-૧૧.

૧૧. શા માટે ઈસુના દોસ્તોએ તેમના શિષ્યો બનવાનો નિર્ણય લીધો?

૧૧ શું શિષ્યોએ વગર વિચાર્યે નિર્ણય લીધો હતો? જરાય નહિ! જ્યારે તેઓ ઈસુને પહેલી વાર મળ્યા ત્યારે તેઓએ જે જોયું, સાંભળ્યું, એ તેઓના દિલો-દિમાગ પર છવાઈ ગયું હતું. એ તેઓ કેમ ભૂલી શકે! ખરું કે તેઓ માછીમારના ધંધામાં પાછા ગયા. પણ એ એકાદ વર્ષમાં તેઓને એના પર વિચાર કરવાનો મોકો મળ્યો. હવે તેઓ કેવો નિર્ણય લેશે? શું તેઓ મૂલ્યવાન મોતીના વેપારી જેવા બનશે? એ વેપારીએ મોતી મળતા જ એને ખરીદવા માટે તરત જ બધું જતું કર્યું. ઈસુના દોસ્તો પણ એવા જ હતા. એટલે જ તેઓએ તરત જ પોતાનું બધું પડતું મૂક્યું ને ઈસુના શિષ્યો બન્યા.

૧૨, ૧૩. (ક) ઈસુનો ઉપદેશ સાંભળનારા મોટા ભાગનાએ શું કર્યું? (ખ) ઈસુએ પોતાના શિષ્યો વિષે શું કહ્યું? એ શબ્દોનો અર્થ શું થાય?

૧૨ આ શિષ્યો જુદી જ માટીના હતા. ઈસુએ ઘણા લોકોને સાજા કર્યા હતા, ઘણાને ખવડાવ્યું હતું. તોપણ તેઓ સર્વ પાછા પોતપોતાના જીવન-સંસારમાં પડી ગયા. (લુક ૧૭:૧૭, ૧૮; યોહાન ૬:૨૬) અરે, અમુકે તો ઈસુના શિષ્ય બનવાને બદલે કંઈ કેટલાયે બહાનાં કાઢ્યાં. (લુક ૯:૫૯-૬૨) જ્યારે કે ઈસુના દોસ્તો તેમને વળગી રહ્યા. ઈસુએ તેઓ વિષે કહ્યું કે, જ્યારથી યોહાને ઉપદેશ અને બાપ્તિસ્માની સેવા શરૂ કરી, ત્યારથી માંડીને આજ સુધી સંખ્યાબંધ આતુર લોકો સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ માટે ધસી રહ્યા છે, અને તેઓ એ મેળવે છે.—માથ્થી ૧૧:૧૨, IBSI.

૧૩ ‘પ્રવેશ માટે ધસી રહ્યા છે,’ એનો અર્થ શું થાય? મૂળ ગ્રીક ભાષાના શબ્દના અર્થ વિષે નવા અને જૂના કરારના શબ્દો પર વાઇન્સની એક ડિક્ષનરી કહે છે: “એ ક્રિયાપદ પૂરા જોરથી પ્રયત્ન કરવાને દર્શાવે છે.” એ કલમ વિષે બાઇબલના એક સ્કૉલર પણ જણાવે છે, કે ‘મસીહી રાજ્ય માટેની હોંશ, ધગશ, ને મહેનતનું વર્ણન આ જ રીતે કરી શકાય (હવે શાંત રહીને રાહ જોવાની જરૂર ન હતી).’ મોતીના વેપારીની જેમ જ, ઈસુના શિષ્યોએ અતિ મૂલ્યવાન ચીજને તરત જ પારખી લીધી. પછી એ રાજ્ય માટે પોતાનું બધુંય જતું કર્યું.—માત્થી ૧૯:૨૭, ૨૮; ફિલિપી ૩:૮.

બીજાઓ મોતીની શોધમાં જોડાયા

૧૪. ઈસુએ પોતાના શિષ્યોને રાજ્યનો પ્રચાર કરવા કઈ રીતે તૈયાર કર્યા? શિષ્યોએ શું કર્યું?

૧૪ ઈસુ પોતે રાજ્યનો પ્રચાર કરતા ગયા, ને બીજાઓને પણ એમ કરવા તૈયાર કરતા ગયા. સૌ પ્રથમ તો તેમણે ૧૨ શિષ્યોને પસંદ કર્યા. તેઓને તેમણે પ્રેરિતો કહ્યા, જેનો અર્થ થાય કે તેમનાથી મોકલાયેલા. તેઓને ઈસુએ ઘણી સૂચનાઓ આપી કે પ્રચારમાં શું કરવું, શું ન કરવું. પ્રચારમાં કેવી કેવી તકલીફો આવી શકે. (માત્થી ૧૦:૧-૪૨; લુક ૬:૧૨-૧૬) એ પછીના બેએક વર્ષ તેઓ ઈસુની સાથે સાથે પ્રચાર કરતા ગયા. તેઓએ ઈસુની શીખવવાની રીતો જોઈ, તેમણે કરેલા ચમત્કારો જોયા. અરે, તેઓએ ખુદ ઈસુનો દાખલો પોતાની સગી આંખે જોયો! આમ, ઈસુ તેઓના ખાસ દોસ્ત બન્યા. (માત્થી ૧૩:૧૬, ૧૭) આનાથી તેમનું આખું જીવન બદલાઈ ગયું. તેઓ પેલા મોતીના વેપારીની જેમ પૂરી હોંશથી, પૂરા દિલથી ઈશ્વરના રાજ્યનું કામ કરવા માંડ્યા.

૧૫. ઈસુએ શિષ્યોને કયા કારણને લીધે રાજી થવાનું કહ્યું?

૧૫ ઈસુએ ૧૨ પ્રેરિતો સિવાય “બીજા સિત્તેર શિષ્યોને ઠરાવ્યા, અને જે પ્રત્યેક શહેર તથા જગામાં તે પોતે જવાનો હતો, ત્યાં તેઓમાંના બબ્બેને પોતાની આગળ મોકલ્યા.” ઈસુએ તેઓના પર આવનારી મુસીબતો વિષે પણ જણાવ્યું. પછી તેઓને કહ્યું કે લોકોને જઈને જણાવો કે “દેવનું રાજ્ય પાસે આવ્યું છે.” (લુક ૧૦:૧-૧૨) એ સિત્તેર શિષ્યો પ્રચારમાંથી પાછા આવ્યા ત્યારે, તેઓની ખુશી સમાતી ન હતી. તેઓએ આવીને ઈસુને કહ્યું કે, “પ્રભુ, તારા નામથી ભૂતો પણ અમારે તાબે થયાં છે.” પરંતુ, ઈસુએ તેઓને હજુ આવનાર મોટા આશીર્વાદ વિષે કહ્યું, કેમ કે તેઓ ખૂબ હોંશીલા હતા. ઈસુએ તેઓને જણાવ્યું કે, ‘દુષ્ટ આત્માઓ તમને આધીન થયા, એટલા માટે જ હરખાશો નહિ; પણ એથી વિશેષ, આકાશમાં તમારાં નામ લખેલાં છે, તેથી હરખાઓ.’—લુક ૧૦:૧૭, ૨૦, પ્રેમસંદેશ.

૧૬, ૧૭. (ક) ઈસુએ પોતાના ખાસ દોસ્તોને છેલ્લી સાંજે શું કહ્યું? (ખ) ઈસુના શબ્દોથી પ્રેરિતોને કેવું લાગ્યું હશે?

૧૬ આખરે, પોતાના પ્રેરિતો સાથે ઈસુની છેલ્લી સાંજ નીસાન ૧૪, ૩૩ની સાલમાં આવી પહોંચી. એ સાંજે ઈસુએ એક મહત્ત્વના પ્રસંગની શરૂઆત કરી, જે પ્રભુભોજન તરીકે જાણીતી બની. પછી, ઈસુએ એ પ્રસંગ ઊજવવાની આજ્ઞા આપી. એ સાંજે ઈસુએ પોતાના ખાસ ૧૧ દોસ્તોને જણાવ્યું, કે “મારાં પરીક્ષણોમાં મારી સાથે રહેનાર તમે જ છો. જેમ મારા બાપે મને રાજ્ય ઠરાવી આપ્યું છે, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું, કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ તથા પીઓ; અને તમે ઈસ્રાએલનાં બારે કુળોનો ન્યાય ઠરાવતાં રાજ્યાસનો પર બેસશો.”—લુક ૨૨:૧૯, ૨૦, ૨૮-૩૦.

૧૭ એ સાંભળીને પ્રેરિતોનું હૈયું કેટલું હરખાઈ ઊઠ્યું હશે! કેવા અજોડ આશીર્વાદનું વચન તેઓને મળ્યું! તેઓ તો ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવાના હતા. (માત્થી ૭:૧૩, ૧૪; ૧ પીતર ૨:૯) અતિ મૂલ્યવાન મોતીના પેલા વેપારીની જેમ, પ્રેરિતોએ ઈશ્વરના રાજ્ય માટે બધું જ જતું કર્યું. હવે તેઓને યહોવાહના આશીર્વાદોની ખાતરી મળી ગઈ હતી.

૧૮. યહોવાહના રાજ્યના આશીર્વાદ ૧૧ પ્રેરિતો સિવાય બીજા કોને કોને મળશે?

૧૮ એ સાંજે જે પ્રેરિતો ઈસુની સાથે હતા, ફક્ત તેઓને જ ઈશ્વરના રાજ્યના આશીર્વાદ મળશે એવું નથી. યહોવાહે નક્કી કર્યું છે કે કુલ ૧,૪૪,૦૦૦ ભાઈ-બહેનોને પૃથ્વી પરથી પસંદ કરવામાં આવે. જેથી તેઓ સ્વર્ગમાંથી ઈસુ ખ્રિસ્ત સાથે રાજ કરે. એટલું જ નહિ, પ્રેરિત યોહાનને એક દર્શન પણ થયું: ‘કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા! તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા; તેઓ કહે છે, કે અમારો દેવ, જે રાજ્યાસન પર બેઠેલો છે, તેને તથા હલવાનને તારણને માટે ધન્યવાદ હોજો.’ આ લોકો અહીં પૃથ્વી પર ઈશ્વરના રાજ્યના આશીર્વાદ પામશે. *પ્રકટીકરણ ૭:૯, ૧૦; ૧૪:૧,.

૧૯, ૨૦. (ક) સર્વ નાત-જાતના લોકોને કઈ તક આપવામાં આવે છે? (ખ) હવે આપણે શાનો વિચાર કરીશું?

૧૯ ઈસુ પૃથ્વી પરથી સ્વર્ગમાં ચડી ગયા એ પહેલાં, તેમણે પોતાના દોસ્તોને એક આજ્ઞા આપી: “એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ; અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.” (માત્થી ૨૮:૧૯, ૨૦) ઈસુના શિષ્યો સર્વ નાત-જાતના, દેશના, રંગના હશે. ભલે અમુક સ્વર્ગમાં જવાના હોય અને અમુક ધરતી પર સદા જીવવાના હોય, તેઓ ચોક્કસ અતિ મૂલ્યવાન મોતીની શોધમાં નીકળેલા પેલા વેપારી જેવા હશે. તેઓ દિલથી યહોવાહના રાજ્ય માટે કંઈ પણ કરવા તૈયાર હશે.

૨૦ ઈસુના કહેવા પ્રમાણે “જગતના અંત સુધી” શિષ્યો બનાવવાના હતા. તો શું આપણા દિવસોમાં પણ એવા કોઈ છે, જેઓ યહોવાહના રાજ્યને માટે પોતાનું બધુંય જતું કરવા તૈયાર હોય, જેમ પેલા મોતીના વેપારીએ કર્યું હતું? ચાલો હવે એ વિચારીએ.

[ફુટનોટ્‌સ]

^ ઝબદીનો દીકરો યોહાન ઈસુને પહેલી વાર મળ્યો, એના પછી અમુક સમય સુધી તેમની સાથે રહ્યો હોવો જોઈએ. એટલે જ તેણે પોતાના નામના પુસ્તકમાં નાની-નાની વિગતો પણ આપી છે. (યોહાન, ૨-૫ અધ્યાયો) આખરે તે પણ પોતાના કુટુંબના માછીમારના ધંધામાં જોડાયો.

^ વધારે માહિતી માટે જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકનું દસમું પ્રકરણ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

આપણે શું શીખ્યા?

• મોતીના વેપારીના ઉદાહરણ પરથી શું શીખવા મળે છે?

• યહોવાહના રાજ્યની ઈસુએ કઈ રીતે કદર બતાવી?

• શા માટે આંદ્રિયા, પીતર, યોહાન અને બીજાઓ ઈસુનું સાંભળીને તરત જ તેમની પાછળ ગયા?

• સર્વ નાત-જાતના લોકો સામે કયો મોટો આશીર્વાદ રહેલો છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૦ પર ચિત્ર]

‘તેઓ બધું મૂકીને ઈસુની પાછળ ચાલ્યા’

[પાન ૧૨ પર ચિત્ર]

સ્વર્ગમાં જતાં પહેલાં ઈસુએ પોતાના દોસ્તોને શિષ્યો બનાવવાની આજ્ઞા આપી