સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણે જોયેલા ચમત્કારો!

આપણે જોયેલા ચમત્કારો!

આપણે જોયેલા ચમત્કારો!

“ચમત્કાર” વિષે એક શબ્દકોશ આમ વ્યાખ્યા આપે છે, ‘અદ્‍ભુત કરામત કે નવાઈ લાગે એવી ઘટના બનવી.’ આપણે સર્વએ નવાઈ લાગે એવા ચમત્કારો જોયા છે, જેમાં પરમેશ્વરનો કોઈ હાથ નથી.

કુદરતના ભૌતિક નિયમોને સારી રીતે સમજ્યા પછી, મનુષ્યો પહેલાં અશક્ય લાગતી બાબતો હવે આસાનીથી કરી શકે છે. દાખલા તરીકે, કૉમ્પ્યુટર, ટેલિવિઝન, રેડિયો કે અવકાશ વિજ્ઞાન જેવી ટૅક્નૉલૉજીમાં માનવે જે હરણફાળ ભરી છે એનો જ વિચાર કરો. એ આજે એકદમ સામાન્ય છે. પણ આજથી સોએક વર્ષ પહેલાં મોટા ભાગના લોકોને એ અશક્ય લાગતું હતું, એની કલ્પના પણ કરી શકતા ન હતા.

વૈજ્ઞાનિકો સમજ્યા છે કે પરમેશ્વરે સરજેલી વસ્તુઓ વિષેનું તેઓનું જ્ઞાન અધુરું છે. તેથી, કેટલાક વૈજ્ઞાનિકો કબૂલે છે કે કોઈ બાબત અશક્ય છે એમ તેઓ ચોક્કસ કહી શકતા નથી. મોટા ભાગે તો, તેઓ એટલું જ કહી શકે છે કે કોઈ બાબત અશક્ય છે જ નહિ. આમ, તેઓ ભવિષ્યમાં થનારા કોઈ અજાયબ બનાવ માટે આશાનો માર્ગ ખુલ્લો રાખે છે.

શું આપણે સર્વએ “ચમત્કારો” જોયા છે? હા, કુદરતની લીલા પણ એક ચમત્કાર છે. દાખલા તરીકે, આપણે રોજ સૂર્ય, ચંદ્ર અને તારાઓ જોઈએ છીએ. આ સર્વ “કુદરતની લીલા” છે જે સર્વની પરમેશ્વરે રચના કરી છે. વધુમાં કોણ સમજાવી શકે કે આપણું માનવ શરીર કઈ રીતે કામ કરે છે? આપણું મગજ કઈ રીતે કામ કરે છે? તેમ જ, કઈ રીતે ગર્ભ ધારણ થાય છે? બોડી મશીન નામનું પુસ્તક જણાવે છે: ‘આપણું માનવ શરીર બહુ જ જટિલ યંત્ર જેવું છે. એ આપણને ખબરેય ન હોય એમ જુદા જુદા કામો નિરંતર કર્યા કરે છે. વળી આપણું મગજ કૉમ્પ્યુટરથી પણ વધારે જટિલ છે. એ જાતે જ પોતાનું મેન્ટેનન્સ કરે છે. આપણા શરીર વિષે જેટલું વધારે શીખીશું એટલા વધારે નવાઈમાં ડૂબી જઈશું.’ પરમેશ્વરે “માનવ શરીર” જે રીતે બનાવ્યું છે એ ખરેખર એક ચમત્કાર છે. જોકે બીજા ચમત્કારો પણ તમે જોયા હશે. પરંતુ તમે એટલું ધ્યાન આપ્યું નહી હોય.

બાઇબલ—શું અજાયબ પુસ્તક?

બાઇબલનું એટલા મોટા પ્રમાણમાં વિતરણ થયું છે જેટલું બીજા કોઈ પણ પુસ્તકનું થયું નથી. શું તમે બાઇબલને એક અજાયબ પુસ્તક તરીકે જુઓ છો? આ પુસ્તકને આપણે પરમેશ્વર તરફથી એક ચમત્કાર કહી શકીએ? ખરું, કે માણસોએ બાઇબલ લખ્યું છે. પરંતુ, તેઓએ પોતાના નહિ પણ પરમેશ્વરના વિચારો લખ્યા છે. (૨ શમૂએલ ૨૩:૧, ૨; ૨ પીતર ૧:૨૦, ૨૧) જરા વિચાર કરો. કંઈક ૪૦ માણસોએ ૧,૬૦૦ વર્ષના ગાળામાં આખું બાઇબલ લખ્યું. તેઓ સર્વ અલગ અલગ સમાજ કે સંસ્કૃતિમાંથી આવ્યા હતા. બાઇબલના લેખકોમાં ઘેટાંપાળકો, સૈનિકો, માછીમારો, નોકરો, વૈદો, યાજકો અને રાજાઓ પણ હતા. તોપણ તેઓએ એકસરખો આશાનો સંદેશો આપ્યો છે જેમાં આપણે પૂરો ભરોસો રાખી શકીએ.

યહોવાહના સાક્ષીઓ બાઇબલનો ઊંડો અભ્યાસ કરીને એને ‘માનવીય સંદેશા તરીકે નહિ પણ ઈશ્વરના વચન તરીકે સ્વીકારે છે.’ (૧ થેસ્સાલોનિકી ૨:૧૩, IBSI) બાઇબલના અમુક અહેવાલો તરફ ઘણા આંગળી ચીંધીને કહે છે કે એ એકબીજાને મળતા આવતા નથી. પણ યહોવાહના સાક્ષીઓએ વર્ષોથી તેમના સાહિત્યમાં બતાવ્યું છે કે અલગ અલગ લાગતા અહેવાલો હકીકતમાં બાઇબલના સંદેશા સાથે મેળ ખાય છે. આ બતાવે છે કે બાઇબલ ખરેખર ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે. *

બાઇબલનું અસ્તિત્વ મિટાવવા માટે જે પ્રયત્નો થયા છે એવા બીજા કોઈ પુસ્તક માટે થયા નથી. તેમ છતાં, આજે પણ આખું બાઇબલ કે એના ભાગો લગભગ ૨,૦૦૦ ભાષાઓમાં મળે છે. વળી આ પુસ્તક આજ સુધી સહીસલામત છે. એનો સંદેશો બદલાયો નથી, એવો જ રહ્યો છે. આ બતાવે છે કે બાઇબલને એવું જ સાચવી રાખવામાં ખરેખર પરમેશ્વરનો હાથ છે. ખરેખર બાઇબલ પણ એક અજાયબી છે!

પુસ્તક જે “જીવંત અને સમર્થ” છે

પહેલા લોકો ચમત્કારથી સાજા થતા અને સજીવન થતા. પરંતુ, એવા ચમત્કારો આજે જોવા મળતા નથી. જોકે આપણને ખાતરી છે કે પરમેશ્વરની નવી દુનિયામાં આવા ચમત્કારો ફરીથી જોવા મળશે. એ ચમત્કારોથી આપણાં બધાં દુઃખો દૂર થશે અને એવા આશીર્વાદ મળશે કે જેની આજે કલ્પના પણ કરી શકતા નથી.

આપણને જે રીતે બાઇબલ મળ્યું છે એ ખરેખર ચમત્કાર કહેવાય. આજે બાઇબલમાં પણ ચમત્કાર કરવાની શક્તિ છે. એ કઈ રીતે? બાઇબલને વાંચીને લોકો પોતાના જીવનમાં, વર્તનમાં ધરમૂળ ફેરફારો કરે છે. (“પરમેશ્વરના શબ્દમાં શક્તિ છે” પાન ૮ પરનો બૉક્સનો દાખલો જુઓ.) હેબ્રી ૪:૧૨ કહે છે: “દેવનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે, તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદાં પાડે એટલે સુધી વીંધનારો છે, અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે.” હા, આખી દુનિયાના ૬૦ લાખથી વધારે લોકોનું જીવન બદલવામાં બાઇબલે મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. બાઇબલે તેઓને જીવનનો હેતુ આપ્યો છે. એટલું જ નહિ, તેઓને ભવિષ્યની અદ્‍ભુત આશા પણ આપી છે.

તો પછી, કેમ નહિ કે તમે પણ બાઇબલમાંથી શીખીને તમારા જીવનમાં ચમત્કારનો અનુભવ કરો?

[ફુટનોટ]

^ જો તમારે જાણવું હોય કે બાઇબલના અહેવાલોમાં કોઈ વિરોધાભાસ નથી અને એ એકબીજાની સુમેળમાં છે તો, ધ બાઇબલ—ગૉડ્‌સ વર્ડ ઓર મૅન્સ? પુસ્તકનું સાતમું પ્રકરણ વાંચો. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૭ પર બોક્સ/ચિત્ર]

સિપાઈએ ઈસુને ભાલાથી વીંધ્યા ત્યારે તે શું જીવતા હતા?

યોહાન ૧૯:૩૩, ૩૪ પ્રમાણે ઈસુ મરણ પામ્યા હતા ત્યારે “એક સિપાઈએ ભાલાથી તેની કૂંખ વીંધી, એટલે તરત તેમાંથી લોહી તથા પાણી નીકળ્યાં.” પરંતુ, અમુક ભાષાંતર પ્રમાણે માત્થી ૨૭:૪૯, ૫૦માં આમ બન્યું ત્યારે ઈસુ જીવતા હતા. તો પછી, શા માટે આવો તફાવત?

મુસાનો નિયમ ગુનેગારની લાશને આખી રાત વધસ્તંભ પર લટકાવી રાખવાની મનાઈ કરતો હતો. (પુનર્નિયમ ૨૧:૨૨, ૨૩) તેથી, ઈસુના દિવસોમાં ગુનેગારને વધસ્તંભે જડ્યા પછી મોડે સુધી તે જીવતો હોય તો, તેના પગ ભાંગી નાખવામાં આવતા. આમ કરવાથી વ્યક્તિ પોતાની જાતે ઊભી થઈ શકતી નહિ, જેના લીધે તેને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડતી. આમ, તે જલદી મરી જતી. સિપાઈઓએ ઈસુની આજુબાજુ વધસ્તંભે જડેલા બે ચોરના પગ ભાંગી નાખ્યા હતા. પરંતુ, ઈસુ મરેલા લાગ્યા હોવાથી તેમને કંઈ કર્યું નહિ. તોપણ ઈસુ ખરેખર મરી ગયા છે એવી ખાતરી કરવા સિપાઈઓએ તેમની કૂંખ વીંધી. તેમને એવી શંકા હોય શકે કે ઈસુ જીવતા રહ્યા તો, તેઓના ગયા પછી લોકો તેમને ઉતારી લેશે ને સારવાર કરીને તે સજીવન થયા એવું જાહેર કરશે.

તોપણ, ઉપર જણાવ્યા પ્રમાણે બાઇબલના અમુક ભાષાંતરોમાં માત્થી ૨૭:૪૯, ૫૦નો આ પ્રમાણે અનુવાદ થયો છે: “એક સિપાઈએ ભાલાથી તેની કૂંખ વીંધી, એટલે તરત તેમાંથી લોહી તથા પાણી નીકળ્યાં. પછી ઈસુએ બીજી વાર મોટે ઘાંટે બૂમ પાડીને પ્રાણ મૂક્યો.” જોકે, અહીં ત્રાંસા કરેલા અક્ષરો કોઈ પણ જૂના બાઇબલ કે હસ્તપ્રતમાં જોવા મળતા નથી. વળી, અમુક બાઇબલ પંડિતો માને છે કે આ ત્રાંસા કરેલા અક્ષરોને યોહાનની સુવાર્તામાંથી લઈને અહીં ઉમેરવામાં આવ્યા છે. એટલું જ નહિ, ખોટી જગ્યાએ એને ઉમેરવાથી વાક્યો ઊલટસૂલટ થઈ ગયા છે. તેથી, ઘણા બાઇબલ ભાષાંતરો આ ત્રાંસા કરેલા અક્ષરોને કૌંસમાં મૂકીને ફૂટનોટમાં એની સમજણ આપે છે. અથવા તો એ વાક્યને જ કાઢી નાખે છે.

ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનમાં વેસ્કોટ અને હોર્ટની મૂળ પ્રતનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલા માટે માત્થી ૨૭:૪૯માં એ વાક્યને બે કૌંસમાં મૂકવામાં આવ્યું છે. એ બતાવે છે કે વાક્ય ‘કદાચ શાસ્ત્રીઓ દ્વારા ઉમેરવામાં આવ્યું છે.’

આ પુરાવો આપે છે કે યોહાન ૧૯:૩૩, ૩૪માં જે લખવામાં આવ્યું એ હકીકત છે. અને રૂમી સિપાઈઓએ ઈસુની કૂંખ વીંધી ત્યારે ઈસુ મરણ પામ્યા હતા.

[પાન ૮ પર બોક્સ/ચિત્ર]

પરમેશ્વરના શબ્દ બાઇબલમાં શક્તિ છે

ડેટલેફ તરુણ વયનો હતો ત્યારે તેના માબાપે છૂટાછેડા લીધા. * તે ધીમે ધીમે ખરાબ સોબતે ચઢી ગયો. દારૂ ને નશીલા પદાર્થોનું સેવન કરવા લાગ્યો. વધુમાં તે હેવી મેટલ સંગીતની લતે ચઢી ગયો. પછી તે સ્કીનહેડ નામની બળવાખોર ટોળીમાં જોડાયો. હવે તે મારપીટમાં સંડોવાયો હોવાથી પોલીસની આંખોમાં પણ આવી ગયો.

વર્ષ ૧૯૯૨ની આ વાત છે. ઉત્તર-પૂર્વીય જર્મનીના એક બાર અને રેસ્ટોરંટમાં સ્કીનહેડ ટોળીના ૬૦ જેટલા યુવાનિયા ને પંક નામની બીજી ગુંડા ટોળીના લગભગ ૩૫ યુવાનિયા આવી ચડ્યા. કોઈ વાતે આ બંને ટોળી હિંસક મારપીટ પર ઊતરી આવી. એમાં પંક ટોળીનો થોમસ નામનો યુવાન ઢોરમારને લીધે મરણ પામ્યો. તેથી ટોળીના અમુક સરદારોને જેલની સજા થઈ જેમાં ડેટલેફ પણ હતો. ટીવી અને છાપા દ્વારા આ સમાચાર બધે જ ફેલાઈ ગયા.

થોડા સમય બાદ ડેટલેફ જેલમાંથી છૂટ્યો. તેને કોઈએ યહોવાહના સાક્ષીઓની એક પત્રિકા આપી. એનો વિષય હતો: “શા માટે જીવન કોયડાથી આટલું બધું ભરેલું છે?” એ પત્રિકા વાંચીને ડેટલેફને તરત જ સમજ પડી કે સાચો ધર્મ આ જ છે. તેથી તેણે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. એ કારણે તેની રહેણી-કરણી સાવ બદલાઈ ગઈ. વર્ષ ૧૯૯૬થી તે એક યહોવાહનો સાક્ષી છે.

ઝિગફ્રીડ પણ અગાઉ પંક ટોળીમાં હતો. તે થોમસનો ખાસ મિત્ર હતો, આપણે ઉપર જોયું તેમ, આ થોમસ મારપીટમાં માર્યો ગયો હતો. હવે ઝિગફ્રીડ પણ યહોવાહનો સાક્ષી છે અને મંડળમાં વડીલ તરીકે સેવા આપે છે. એક વાર ઝિગફ્રીડ ડેટલેફના મંડળમાં ટૉક આપવા ગયો (અમુક વાર થોમસની મમ્મી પણ આ હૉલમાં આવે છે.) ડેટલેફે, ઝિગફ્રીડને બપોરે જમવા માટે બોલાવ્યો. દસેક વર્ષ પહેલાં તો તેઓ એકબીજાનું મોં જોવા પણ તૈયાર ન હતા. પણ બાઇબલમાંથી શીખીને તેઓમાં આજે ભાઈઓ જેવો પ્રેમ છે.

ડેટલેફ અને ઝિગફ્રીડ નવી દુનિયામાં થોમસને ફરી જોવાની રાહ જુએ છે. ડેટલેફ કહે છે: “મેં જે કર્યું એ માટે હું બહુ દિલગીર છું. એ વિષે વિચારું છું ત્યારે મારી આંખો ભીની થઈ જાય છે.” તેઓ બંને આજે લોકોને યહોવાહ વિષે જાણાવે છે અને બાઇબલમાંથી આશાનો સંદેશો આપે છે. વળી તેઓની ઇચ્છા છે કે તેઓ નવી દુનિયામાં થોમસને પણ આ રીતે મદદ કરે.

ખરેખર, બાઇબલમાં કોઈનું પણ જીવન બદલવાની શક્તિ છે!

[ફુટનોટ્‌સ]

^ નામ બદલવામાં આવ્યા છે.

[પાન ૬ પર ચિત્ર]

આપણું માનવ શરીર એક અદ્‍ભુત રચના છે

[ક્રેડીટ લાઈન]

Anatomy Improved and Illustrated, London, 1723, Bernardino Genga