સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારી શ્રદ્ધાને જાળવી રાખો

તમારી શ્રદ્ધાને જાળવી રાખો

તમારી શ્રદ્ધાને જાળવી રાખો

“યહોવાહ કહે છે, તમે મારા સાક્ષી છો.”—યશાયાહ ૪૩:૧૦.

૧. યહોવાહે મંડળમાં કેવા કેવા લોકોને બોલાવ્યા છે?

 તમારા મંડળ પર જરા નજર ફેરવો. યુવાનો બેઠા બેઠા ધ્યાનથી અને હોંશથી સાંભળે છે. (ગીતશાસ્ત્ર ૧૪૮:૧૨, ૧૩) બીજા ઘણા ભાઈબહેનો બીમાર કે ઘરડા છે. છતાં, તેઓ કેટલી તમન્‍નાથી યહોવાહની ભક્તિ કરે છે. (નીતિવચનો ૧૬:૩૧) પછી માબાપનો વિચાર કરો. તેઓ બાળકોના દિલમાં સારા સંસ્કારો સિંચવા રાતદિવસ મહેનત કરે છે. બધાના સંજોગો અલગ. બધાના જીવનની જવાબદારીઓ અલગ. પણ તેઓ બધા પૂરા દિલથી યહોવાહને ચાહે છે. એટલે યહોવાહે તેઓને મંડળમાં બોલાવ્યા છે. ઈસુએ કહ્યું: “મારા બાપે મને મોકલ્યો છે, તેના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી નથી શકતો.”—યોહાન ૬:૩૭, ૪૪, ૬૫.

૨, ૩. આપણી શ્રદ્ધાને જલતી રાખવી કેમ સહેલું નથી?

આજે આપણે યહોવાહને દ્વારે આવીને તેમની ભક્તિ કરી શકીએ એ કેટલું સરસ કહેવાય. આપણને બીજા ઘણા આશીર્વાદો પણ મળ્યા છે. તોપણ, યહોવાહમાં શ્રદ્ધા જલતી રાખવી સહેલું નથી. આપણે ‘સંકટના વખતોમાં’ જીવી રહ્યા છીએ. (૨ તીમોથી ૩:૧) આ દુનિયા ખાસ કરીને યુવાન ભાઈ-બહેનો પર ખૂબ દબાણો મૂકે છે. એક યુવાને કહ્યું: ‘હું નાનો હતો, ત્યારથી બધી મિટિંગોમાં જતો હતો. પણ મેં સત્ય વિષે ઊંડો વિચાર જ કર્યો ન હતો. અરે, સાચું કહું તો મને સત્યમાં રસ જ ન હતો.’

ધ્યાન ન રાખીએ તો આપણે પોતે પણ ખોટે રસ્તે ચઢી જઈ શકીએ. ભલે આપણે યહોવાહને ભજવા ચાહતા હોઈએ પણ આ દુનિયા ધીમે ધીમે આપણી શ્રદ્ધાને ઓલવી શકે છે. પાઊલે કહ્યું કે દુનિયાની હવા ખતરનાક છે. (એફેસી ૨:૨) એ બધે ફેલાઈ રહી છે, ને આપણી શ્રદ્ધાને ઠારી શકે છે. આજે ઘણા કહેશે કે ‘બાઇબલ ને એના સંસ્કારો જૂના જમાનાના છે. જરા મોડર્ન બનો!’ (૧ પીતર ૪:૪) બીજા કહેશે કે ‘તમે મન ફાવે તેમ ભગવાનને ભજો.’—યોહાન ૪:૨૪.

૪. આપણી શ્રદ્ધા જાળવી રાખવા, ઈસુએ કયો દાખલો વાપરીને ચેતવણી આપી?

ભલે આપણે નાના હોય કે મોટા, આપણે દુનિયાના વિચારોથી દૂર રહેવું જોઈએ. આપણે દુનિયાના લોકોથી જુદા છીએ. ખુદ યહોવાહે આપણા દિલમાં સદ્‍ગુણો રોપ્યા છે. (ઉત્પત્તિ ૧:૨૬; મીખાહ ૬:૮) જો આપણે યહોવાહના કહ્યા પ્રમાણે જીવીએ તો આપણી શ્રદ્ધાને જાળવી રાખીશું. જેમ સરસ મજાના કપડાં પહેરવાથી આપણે કેવા સુંદર લાગીએ છીએ. પણ એના વગર આપણને કેટલી શરમ લાગશે. આપણી શ્રદ્ધા ને સંસ્કારો એ સરસ મજાના કપડાં છે. શેતાન આપણી શ્રદ્ધાને કાઢીને આપણને શરમાવા ચાહે છે. ઈસુએ કહ્યું: “જુઓ, ચોરની પેઠે હું આવું છું, જાગૃત રહે છે, અને પોતાનાં વસ્ત્ર એવી રીતે સાચવે છે કે પોતાને નગ્‍ન ચાલવું ન પડે, અને પોતાની લાજ ન દેખાય, તેને ધન્ય છે!” *પ્રકટીકરણ ૧૬:૧૫.

૫, ૬. શ્રદ્ધા જાળવી રાખવી કેમ મહત્ત્વનું છે?

શ્રદ્ધાને જાળવી રાખવાથી આપણે દુનિયાની પાછળ નહિ પડીએ. પણ જો આપણી શ્રદ્ધા નબળી હશે, તો શંકા આપણા દિલને કોરી ખાશે. છેવટે આપણે જીવનની રાહમાં ફાંફાં મારીશું. આપણે એક પગ દૂધમાં ને બીજો પગ દહીંમાં રાખી શકતા નથી. બાઇબલ કહે છે: “જે કોઈ સંદેહ રાખે છે, તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે. એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું. બે મનવાળું માણસ પોતાનાં સઘળાં કાર્યમાં અસ્થિર છે.”—યાકૂબ ૧:૬-૮; એફેસી ૪:૧૪; હેબ્રી ૧૩:૯.

યહોવાહના ભક્તો તરીકે, આપણે કઈ રીતે શ્રદ્ધાને પકડી રાખી શકીએ? આપણે કઈ રીતે સત્યનો વારસો સાચવી શકીએ? ચાલો આપણે જોઈએ.

શ્રદ્ધાનો પાયો ઊંડો નાંખો!

૭. આપણે કેવી પ્રાર્થના કરવી જોઈએ અને શા માટે?

યહોવાહને પૂરા દિલથી ચાહો. યહોવાહ સાથે ચાલવું એ કેટલો મોટો આશીર્વાદ છે! (ગીતશાસ્ત્ર ૨૫:૧૪; નીતિવચનો ૩:૩૨) પણ જો તમને થાય કે ‘મારે યહોવાહની ભક્તિ કરવી જોઈએ કે કેમ?’ તો તમે શું કરી શકો? તમારે પ્રાર્થના કરવી જોઈએ કે, “હે યહોવાહ, મારી કસોટી કરીને મારી પરીક્ષા કર; મારા અંતઃકરણ તથા હૈયાને કસી [કે તપાસી] જો.” (ગીતશાસ્ત્ર ૨૬:૨) ખરું કે પોતાના દિલમાં શું છે એ આપણને ખબર છે. પણ આપણે પોતાના પર ક્યારેય આધાર ન રાખવો જોઈએ. ફક્ત યહોવાહ જ આપણને સાચો માર્ગ બતાવી શકે. ફક્ત તે જ આપણી શ્રદ્ધાને મજબૂત કરી શકે છે.—યિર્મેયાહ ૧૭:૯, ૧૦.

૮. (ક) મુસીબતો સહેવાથી આપણને કયા આશીર્વાદ મળે છે? (ખ) તમારી શ્રદ્ધા કઈ કઈ રીતે મજબૂત થઈ છે?

યહોવાહ આપણા દિલને કઈ રીતે પારખે છે? આપણા પર અનેક મુસીબતો આવે છે એને ચાલવા દઈને. જીવનમાં મુસીબતો આવે ત્યારે આપણા દિલમાં ખરેખર શું છે એ બહાર આવી જાય છે. (હેબ્રી ૪:૧૨, ૧૩; યાકૂબ ૧:૨૨-૨૫) પણ આપણા પર આવતી તકલીફો યહોવાહ ચાલવા દે તો શું એ ખોટું કહેવાય? ના, કેમ કે એનાથી આપણી શ્રદ્ધાની કસોટી થાય છે. ગમે એવા સંજોગમાં શ્રદ્ધાને જાળવી રાખવાથી આપણે ‘સંપૂર્ણ થઈશું અને કશામાં અપૂર્ણ રહીશું નહિ.’ (યાકૂબ ૧:૨-૪) મુસીબતો વખતે આપણી શ્રદ્ધાને જાળવી રાખીશું તો એ દીવાની જેમ ઝળહળશે!—એફેસી ૪:૨૨-૨૪.

૯. આપણે બધાએ શું કરવું જોઈએ? એ કેમ મહત્ત્વનું છે?

સત્ય દિલમાં ઉતારો. જો આપણે બાઇબલમાંથી શીખીએ નહિ, તો આપણી શ્રદ્ધા નબળી થઈ જશે. (ફિલિપી ૧:૯, ૧૦) ભલે આપણે નાના હોય કે મોટા, આપણે બધાએ સત્યનું અમૃત પીતા રહેવું જોઈએ. આમ, આપણને પૂરી ખાતરી થશે કે આપણે યહોવાહના ભક્તો છીએ. પાઊલે કહ્યું: “સઘળાંની પારખ કરો; જે સારૂં છે તે ગ્રહણ કરો.” (૧ થેસ્સાલોનીકી ૫:૨૧) યુવાનો, શું તમે સત્યને દિલમાં ઉતારો છો? તમારા માબાપ સત્યમાં હોય એટલું જ પૂરતું નથી. તમારે પોતે પણ યહોવાહમાં શ્રદ્ધા રાખવી જોઈએ. દાઊદે તેમના દીકરા સુલેમાનને કહ્યું: “તું તારા પિતાના દેવને ઓળખ, ને સંપૂર્ણ અંતઃકરણથી તથા રાજીખુશીથી તેની સેવા કર.” (૧ કાળવૃત્તાંત ૨૮:૯) સુલેમાને એમ ન વિચાર્યું કે ‘મારા પિતા યહોવાહના ભક્ત છે, એટલે એમાં હું પણ આવી જઉં છું.’ ના, તેમણે પોતે યહોવાહમાં શ્રદ્ધા રાખી. સુલેમાને યહોવાહને વિનંતી કરી: “મને ડહાપણ તથા વિવેકબુદ્ધિ આપ; કેમ કે તારી આ મહાન પ્રજાનો ન્યાય કોણ કરી શકે?”—૨ કાળવૃત્તાંત ૧:૧૦.

૧૦. શ્રદ્ધાને મજબૂત કરવા માટે આપણે શું કરવું જોઈએ?

૧૦ યહોવાહ વિષે શીખવાથી આપણી શ્રદ્ધાનો પાયો મજબૂત થશે. એ સાથે આપણને પૂરી ખાતરી થશે કે તેમના હરેક વચનો જરૂર સાચા પડશે. આપણે તેમની સંસ્થા પર પૂરો ભરોસો મૂકીશું. પાઊલે કહ્યું: “સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે.” (રૂમી ૧૦:૧૭) યહોવાહ ચાહે છે કે આપણે બાઇબલને સારી રીતે જાણીએ. બાઇબલમાંથી આપણા સવાલના જવાબો શોધવાથી આપણી શ્રદ્ધા વધારે મજબૂત થશે. એમ કરવા માટે સૌથી, પહેલા આપણે બાઇબલ વિષે ‘જ્ઞાન’ મેળવવાની જરૂર છે. (તીતસ ૧:૧, ૨) ભલે અમુક વિષય અઘરા હોય, યહોવાહ આપણને એ સમજવા મદદ કરશે. (૧ કોરીંથી ૨:૧૧, ૧૨) જો આપણે કોઈ વિષય સમજી જ ન શકીએ તો શું કરવું જોઈએ? પ્રાર્થના. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦, ૧૧, ૨૭) આ બધું કરશો તો, ‘દેવની ઇચ્છા શી છે, તે તમે પારખી શકશો.’—રૂમી ૧૨:૨.

મનમાં ગાંઠ વાળો કે તમે યહોવાહની જ ભક્તિ કરશો

૧૧. (ક) ખાસ કરીને યુવાનો કયા ફાંદામાં પડી શકે? (ખ) આપણે કઈ ખોટી સોબતથી દૂર રહી શકીએ?

૧૧ માણસોને બદલે ફક્ત યહોવાહનો જ સાથ લો. આપણે બધાને મિત્રોની જરૂર છે. ઘણી વાર આપણા ફ્રેંડ સર્કલ પરથી લોકોને ખબર પડી જાય છે કે આપણે કેવા છીએ. આ બારામાં ખાસ કરીને આપણા યુવાનોએ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે તેઓને મિત્રો બનાવવાનું ખૂબ જ મન થતું હોય છે. પણ જેવો સંગ એવો રંગ. એટલે કે ખોટી સોબત આપણને ખોટે માર્ગે દોરી શકે. (નીતિવચનો ૧:૧૧-૧૯) જ્યારે કોઈ યુવાન ભાઈ કે બહેન આ ખોટી સોબત ચાખવા માંડે ત્યારે તેઓને યહોવાહના સાક્ષી હોવાની શરમ લાગે છે. (ગીતશાસ્ત્ર ૨૬:૪) પાઊલે કહ્યું: “આ જગતની વર્તણૂક અને રીતરિવાજોનું અનુકરણ ન કરો.” (રોમન ૧૨:૨, IBSI) જો આપણે યહોવાહ તરફ જોઈએ, તો તે ચોક્કસ આપણને મદદ કરશે. અને આપણને ખોટી સોબતનો રંગ નહિ લાગે.—હેબ્રી ૧૩:૬.

૧૨. કઈ કલમ આપણને યહોવાહને માર્ગે ચાલવા મદદ કરશે?

૧૨ દુનિયાના લોકો જે રસ્તે જાય એ જ રસ્તે શું તમે જશો? ભલે લોકો આપણને ખૂબ દબાણ કરે, એ ભૂલશો નહિ કે આપણે યહોવાહના સાક્ષીઓ છીએ. માણસોને માર્ગે ચાલવા કરતાં, યહોવાહને માર્ગે રહેવું વધુ મહત્ત્વનું છે. નિર્ગમન ૨૩:૨ કહે છે: “ઘણાઓનું અનુસરણ કરીને તું દુષ્ટતા ન કર.” મોટા ભાગના ઈસ્રાએલીઓ યહોવાહનાં વચનો પર શંકા કરવા લાગ્યા, ત્યારે કાલેબ તેઓ સાથે જોડાયો નહિ. તેણે યહોવાહનાં વચનો પર પૂરી શ્રદ્ધા મૂકી ને તેને ઘણા આશીર્વાદો મળ્યા. (ગણના ૧૩:૩૦; યહોશુઆ ૧૪:૬-૧૧) શું તમે કાલેબની જેમ હિંમતથી યહોવાહને વળગી રહેશો?

૧૩. આપણે શા માટે લોકોને પહેલેથી જણાવવું જોઈએ કે આપણે યહોવાહને ભજીએ છીએ?

૧૩ સર્વને જણાવો કે તમે યહોવાહના સાક્ષી છો. લોકો ભલે આપણને તોડી પાડે, આપણે તેઓથી ડરવું ન જોઈએ. આપણે કદીયે તેઓને ખુશ રાખવા માટે યહોવાહને ભૂલવા ન જોઈએ. લોકો સાથે કોઈ તકલીફ ઊભી થાય એ પહેલાં, આપણે તેઓને પ્રેમથી જણાવવું જોઈએ કે આપણે યહોવાહને ભજીએ છીએ. નહિતર, આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવું થશે. જો આપણે બતાવીએ કે આપણા સંસ્કારો ઊંચા જ રહેશે ને શ્રદ્ધા ડગવાની નથી, તો લોકો ચાવી મારીને આપણને કંઈ ખોટું કામ કરાવી શકશે નહિ. (ગીતશાસ્ત્ર ૬૪:૧૦) ચાલો આપણે એઝરાના દિવસોના ઈસ્રાએલીઓની જેમ સૌને કહીએ: ‘આપણે આકાશ તથા પૃથ્વીના દેવના સેવકો છીએ.’ (એઝરા ૫:૧૧) જો એ રીતે લોકોને કહીશું, તો યહોવાહ આપણું રક્ષણ કરશે. અરે, આપણી શ્રદ્ધા જોઈને કદાચ અમુક વ્યક્તિઓ યહોવાહ વિષે વધુ જાણવા માગશે.

૧૪. શું બધા લોકો આપણું સાંભળશે? તેઓ ન સાંભળે તો આપણે શું કરવું જોઈએ?

૧૪ જો લોકો આપણી ઠેકડી ઉડાવે તો શું? (યહૂદા ૧૮) જો યહોવાહ વિષે સમજાવતી વખતે લોકો ગુસ્સે થાય તો શું? (હઝકીએલ ૩:૭, ૮) ત્યારે આપણે હિંમત હારવી ન જોઈએ. એવું બનશે કે ભલે તમે ગમે એટલું સમજાવો, અમુકના કાનો બંધ જ રહેશે. ફારૂનનો દાખલો યાદ છે? યહોવાહે મુસા દ્વારા કેટલી વાર તેને સમજાવવાની કોશિશ કરી. યહોવાહે તેની સામે કેટલા ચમત્કારો કર્યા. કેટલી આફતો લાવ્યા. અરે, ફારૂને તો ઘમંડમાં ને ઘમંડમાં તેનો પહેલો દીકરો પણ ગુમાવ્યો. હા, ફારૂનની ચામડી તૂટી પણ ઘમંડ ન છૂટ્યું. આજે ઘણા લોકો ફારૂન જેવા છે. યહોવાહનું સાંભળતા નથી. પણ આપણે હિંમત ન હારવી જોઈએ. આપણે યહોવાહ પર ભરોસો મૂકીએ, તો તે ચોક્કસ આપણને બોલવાની હિંમત આપશે.—નીતિવચનો ૩:૫, ૬; ૨૯:૨૫.

સત્યના વારસાને ભૂલો નહિ

૧૫, ૧૬. (ક) આપણને સત્યના વારસામાં શું મળ્યું છે? (ખ) આપણે કઈ બાબતો પર વિચાર કરવો જોઈએ અને એમાંથી શું શીખવા મળે છે?

૧૫ સત્યના વારસાને કીમતી ગણો. આ વારસામાં શું આવી જાય છે? એક તો બાઇબલમાંથી આપણને સનાતન સત્ય મળે છે. બીજું, કે આપણને હંમેશ માટેના જીવનનું વરદાન મળશે. ત્રીજું, આપણે યહોવાહના ભક્તો છીએ. આપણે તેમના વિષે પ્રચાર કરીએ છીએ. બધાને કંઈ આવો વારસો મળતો નથી! યાદ રાખો કે, “યહોવાહ કહે છે, તમે મારા સાક્ષી છો.”—યશાયાહ ૪૩:૧૦.

૧૬ શું તમે આ વારસાને કીમતી ગણો છો? શું તમારા જીવનમાં યહોવાહની ભક્તિ પહેલા આવે છે? જો આપણે આ વારસાની કિંમત કરીશું, તો તકલીફ કે લાલચ સામે આપણી શ્રદ્ધા ડગશે નહિ. જો આપણે સત્યના વારસાને પકડી રાખીએ તો, યહોવાહ આપણને તજશે નહિ. (ગીતશાસ્ત્ર ૯૧:૧, ૨) આપણે યહોવાહના સેવકોનો છેલ્લાં ૧૨૦ વર્ષનો ઇતિહાસ તપાસીએ, ત્યારે આપણને કેટલી હિંમત મળે છે. લોકો ભલે ગમે એ કરે, તેઓ કદીયે આપણો ધર્મ મિટાવી શકશે નહિ!—યશાયાહ ૫૪:૧૭; યિર્મેયાહ ૧:૧૯.

૧૭. આપણે બીજું શું કરવાની જરૂર છે?

૧૭ સત્યના વારસાને કીમતી ગણીને આપણે બીજું શું કરવું જોઈએ? આપણે હંમેશા યહોવાહનો સાથ લેવો જોઈએ. પાઊલે ફિલિપીનાં મંડળને કહ્યું: “મારા વહાલાઓ, જેમ તમે હંમેશાં આધીન રહેતા હતા તેમ, કેવળ મારી હાજરીમાં જ નહિ, પણ હવે વિશેષે કરીને મારી ગેરહાજરીમાં, ભય તથા કંપારીસહિત તમારૂં તારણ સાધી લેવાને યત્ન કરો.” (ફિલિપી ૨:૧૨) પાઊલ કહેવા માગતા હતા કે તારણ માટે બીજાઓ પર નભવું ન જોઈએ પણ એ જવાબદારી આપણા પોતાને માથે છે.

૧૮. યહોવાહની સેવા કરવાથી કેવા આશીર્વાદો મળે છે?

૧૮ યહોવાહની સેવા કરતા રહો. એનો અર્થ થાય કે આપણે બને એમ બધી મિટિંગોમાં જઈએ. કિંગ્ડમ હૉલ બાંધકામમાં મદદ કરીએ. એકબીજાને સથવારો આપીએ. યહોવાહની સેવા કરવાની એના જેવી બીજી અનેક રીતો છે. આપણે મહેનતુ બનવું જોઈએ. આપણે તન-મનથી પ્રચાર કરવો જોઈએ. પાઊલે કહ્યું: “હું વિદેશીઓનો પ્રેરિત છું, એથી હું મારૂં સેવાકાર્ય મહત્ત્વનું માનું છું.” (રૂમી ૧૧:૧૩) એક વ્યક્તિએ કહ્યું કે ‘તમારું કામ તમારા સ્વભાવને પણ ઘડે છે.’ જો આપણે યહોવાહ માટે અનેક કામો કરીશું, તો એનાથી આપણો સ્વભાવ સુંદર બનશે. આપણી શ્રદ્ધા મજબૂત થશે.—ગલાતી ૬:૯, ૧૦; હેબ્રી ૧૦:૨૩, ૨૪.

યહોવાહના ભક્તોને આશીર્વાદો મળે છે

૧૯, ૨૦. (ક) યહોવાહને ભજવાથી તમને કેવા આશીર્વાદો મળ્યા છે? (ખ) આપણે કોને ખુશ રાખવા જોઈએ ને શા માટે?

૧૯ યહોવાહને ભજવાથી આપણને શું આશીર્વાદો મળ્યા છે? સૌથી મહત્ત્વનું તો આપણે સાચા પરમેશ્વર યહોવાહને સારી રીતે ઓળખી શક્યા છીએ! (યાકૂબ ૨:૨૩) યહોવાહ પણ આપણને દરેકને સારી રીતે ઓળખે છે. માલાખીએ કહ્યું: “યહોવાહનો ભય રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી; અને યહોવાહે તે ધ્યાન દઈને સાંભળ્યું, અને યહોવાહનું ભય રાખનારાઓને સારૂ તથા તેના નામનું ચિંતન કરનારાઓને સારૂ યાદીનું પુસ્તક તેની હજૂરમાં લખવામાં આવ્યું.” (માલાખી ૩:૧૬) બીજું કે દુનિયાના લોકોની જેમ આપણે જીવનમાં ફાંફાં મારતા નથી. આપણી મંજિલ સદા માટે જીવવાની છે!—ગીતશાસ્ત્ર ૩૭:૯.

૨૦ કદી ભૂલો નહિ, માણસો તરફથી માન મેળવવું મહત્ત્વનું નથી. જો તેઓ આપણને નકામા ગણે, તો કંઈ વાંધો નહિ. સૌથી મહત્ત્વનું એ છે કે આપણે યહોવાહને ખુશ કરીએ. આપણી શ્રદ્ધા જોઈને તે આપણા પર પ્રેમથી આશીર્વાદો વરસાવશે. તેમની નજરમાં આપણે હીરા-મોતીથી વધુ કીમતી બનીશું. (માત્થી ૧૦:૨૯-૩૧) ચાલો આપણે યહોવાહને પૂરા દિલથી ચાહીએ કેમ કે બાઇબલ કહે છે, “જો કોઈ દેવ પર પ્રેમ રાખે છે, તો તેને તે ઓળખે છે.” (૧ કોરીંથી ૮:૩) ચાલો આપણે ગર્વથી કહીએ, ‘હું યહોવાહને ભજું છું!’

[ફુટનોટ]

^ આપણે એમ ધારી શકીએ કે આ ચેતવણી ચોકીદારો માટે હતી. યરૂશાલેમના મંદિરમાં રાતે એક અમલદાર બધા ચોકીદારોને જોવા જતો. જો કોઈ ચોકીદાર સૂતો નજરે પડે, તો અમલદાર તેને લાકડીથી મારતો. પછી ચોકીદારના કપડાં ફાડીને, બાળી નાખતો.

તમને યાદ છે?

• શા માટે આપણી શ્રદ્ધાને મજબૂત રાખવી જોઈએ?

• કઈ રીતે બતાવી શકીએ કે આપણે યહોવાહને ભજીએ છીએ?

• કોને ખુશ રાખવા જોઈએ ને કઈ રીતે?

• શ્રદ્ધા મજબૂત કરવાથી આપણને કયા આશીર્વાદો મળશે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૧ પર ચિત્ર]

અનેક રીતોએ યહોવાહની સેવા કરવાથી આપણી શ્રદ્ધા મજબૂત થાય છે