સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે પોતાને બીજાઓ સાથે સરખાવો છો?

શું તમે પોતાને બીજાઓ સાથે સરખાવો છો?

શું તમે પોતાને બીજાઓ સાથે સરખાવો છો?

આપણે સર્વ એવી વ્યક્તિઓને મળીએ છીએ કે જે આપણા કરતાં વધારે સુંદર હોય, જાણીતી હોય, બાબતો તરત જ સમજી જતી હોય કે સ્કૂલમાં સારા માર્ક્સ મળતા હોય. આપણા કરતાં બીજાઓની તબિયત સારી હોય અથવા સારી નોકરી કરતા હોય. તેઓ જીવનમાં જે કંઈ કરે એમાં સફળતા મળતી હોય કે પછી તેઓના વધારે મિત્રો હોય. અરે, વધારે સંપત્તિ, પૈસા, નવી ગાડી વગેરે હોય શકે. તેઓ સૌથી સુખી પણ લાગતા હોય. શું આવી બધી બાબતોમાં આપણે પોતાને બીજાઓ સાથે સરખાવીએ છીએ? શું આવી સરખામણી ટાળી ન શકીએ? શા માટે એક યહોવાહના સેવક તરીકે આપણે સરખામણી ન કરવી જોઈએ? આપણે બીજાઓ સાથે પોતાને સરખાવ્યા વગર કઈ રીતે સંતોષી રહી શકીએ?

શા માટે અને ક્યારે—સરખામણી કરી શકીએ

શા માટે લોકો પોતાને બીજાઓ સાથે સરખાવતા હોય છે? એનાથી તેઓને લાગે છે કે પોતે કંઈક છે. ઘણા લોકો એ જોઈને સંતોષ અનુભવે છે કે તેઓ પણ પોતાના મિત્રો જેવા જ સફળ છે. તો બીજાઓ પોતાને સલામત મહેસૂસ કરવા કે પછી આપણે તે શું કરી શકે છે ને શું નહિ એ જાણવા બીજાઓ સાથે પોતાને સરખાવે છે. આપણે બીજાઓને ધારેલી બાબતો કરતા જોઈએ છીએ. જો તેઓ લગભગ આપણા જેવા હોય અને અમુક ધ્યેય સુધી પહોંચી શકતા હોય તો, આપણને એમ થાય છે કે આપણે પણ એવા જ ધ્યેય સુધી પહોંચી શકીએ છીએ.

મોટા ભાગે લોકો કોની સાથે પોતાને સરખાવે છે? જાતિ, ઉંમર અને સામાજિક સ્તરમાં સરખા હોય એવા લોકો સાથે. અથવા એકમેકને સારી રીતે જાણતા હોય એવા લોકો સાથે. જો આપણે પહેલેથી આપણા અને બીજા વચ્ચે મોટો તફાવત જોતા હોઈશું તો, તેમની સાથે સરખામણી કરીશું નહિ. જેમ કે, એક સામાન્ય છોકરી પોતાને કોઈ મોડેલ સાથે નહિ પરંતુ, પોતાની સાથે ભણતી છોકરીઓ સાથે સરખાવશે. એવી જ રીતે, એક મોડલ પણ કંઈ પોતાને એક સામાન્ય છોકરી સાથે સરખાવશે નહિ.

કઈ કઈ બાબતોમાં સરખામણી કરવામાં આવે છે? બુદ્ધિ, સુંદરતા, સંપત્તિ, કપડાં કે બીજી કોઈ પણ બાબત કે જેને સમાજમાં વધારે પડતું મહત્ત્વ આપવામાં આવતું હોય. ખાસ કરીને આપણને જેમાં રસ હોય એવી બાબતોમાં પણ સરખામણી કરીએ છીએ. દાખલા તરીકે, આપણા કોઈ મિત્ર કે સગાને અલગ અલગ ટિકિટો એકઠી કરવાનો શોખ હોય. પણ જો આપણને એમાં રસ નહિ હોય તો આપણે તેમની અદેખાઈ કરીશું નહિ.

સરખામણી કરવાથી ઘણાને સંતોષ થાય છે. ઘણા ઉદાસ થઈ જાય છે. ઘણા અભિમાની થઈ જાય છે. ઘણા ઈર્ષાળુ થઈ જાય છે. આમ, સરખામણી કરવાથી ખોટી લાગણીઓ પણ પેદા થાય જે યહોવાહના સેવકને શોભતી નથી.

સરખામણીમાં હરીફાઈનું વલણ

બીજાઓ સાથે સરખામણી કરીને ‘પોતે કંઈક છે’ એવું બતાવનારાઓમાં હરીફાઈનું વલણ જોવા મળે છે. તેઓ બીજા કરતા સારા ન બને ત્યાં સુધી તેઓને સંતોષ થતો નથી. તેથી, આવી વ્યક્તિઓ સાથે સંબંધ રાખવો પણ તેઓને ગમતું નથી. તેઓ સાથે પ્રેમથી મિત્રતા બંઘાતી નથી. તેઓ નમ્ર પણ હોતા નથી. તેમ જ બીજા લોકો પ્રત્યે પ્રેમથી વર્તવાની સલાહ પણ ગળે ઉતારી શકતા નથી. હરીફાઈના વલણના લીધે તેઓ બીજાઓને નીચા પાડે છે.—માત્થી ૧૮:૧-૫; યોહાન ૧૩:૩૪, ૩૫.

બીજાઓ લોકો નકામા છે આવું મહેસૂસ કરાવવામાં આવે છે ત્યારે તેઓને ખૂબ જ દુઃખ થાય છે. એક લેખિકાએ કહ્યું, “આપણા જેવા જ સંજોગમાં હોય એવા લોકોએ આપણે ઇચ્છતા હોય એવી સંપત્તિ મેળવી હોય ત્યારે આપણને બહુ દુઃખ થાય છે.” આમ હરીફાઈના વલણને લીધે અદેખાઈ ઉત્પન્‍ન થાય છે. આપણને કોઈ વ્યક્તિને મળેલી સંપત્તિ, ખ્યાતિ, શાખ, ફાયદાઓ વગેરે પ્રત્યે ખાર થઈ શકે. એના કારણે ઊભું થયેલું હરીફાઈનું વલણ બહુ ખતરનાક હોય છે. ‘એકબીજાની અદેખાઈના’ વલણને બાઇબલ ધિક્કારે છે.—ગલાતી ૫:૨૬.

સામેવાળી વ્યક્તિને મળેલી સફળતાનું અપમાન કરીને, અદેખાઈ રાખનારી વ્યક્તિ પોતાની ઘવાયેલી લાગણીઓને પોષે છે. આવું વલણ સામાન્ય લાગી શકે. પરંતુ, જો આવી લાગણીઓ કાબૂમાં ન રાખીએ તો, એ અદેખાયના માર્ગે લઈ જઈ શકે. ચાલો આપણે બાઇબલમાં જોવા મળતા અદેખાઈના બે ઉદાહરણને જોઈએ.

ઈસ્હાક, પલિસ્તીઓ સાથે રહેતો હતો. યહોવાહે તેને આશીર્વાદ આપ્યો અને “તેની પાસે ઘેટાં તથા ઢોર તથા ઘણા દાસો થયાં; અને પલિસ્તીઓએ તેની અદેખાઈ કરી.” આથી, તેઓ ઈસ્હાકના પિતા, ઇબ્રાહીમે ખોદેલા કૂવાઓ પૂરવા માંડ્યા. એટલું જ નહિ, તેઓના રાજાએ તેને એ વિસ્તાર છોડીને ચાલ્યા જવાનું કહ્યું. (ઉત્પત્તિ ૨૬:૧-૩, ૧૨-૧૬) તેઓની અદેખાઈ બહુ ખરાબ હતી. આથી, ઈસ્હાક તેઓ સાથે રહીને જે આબાદી મેળવતો હતો એને તેઓ સાંખી શક્યા નહિ.

એવી જ રીતે વર્ષો પછી, દાઊદે યુદ્ધમાં વિજય મેળવ્યો. ઈસ્રાએલી સ્ત્રીઓએ એના વખાણ કરતા ગીત ગાયું: “શાઊલે સહસ્રોને, અને દાઊદે દશ સહસ્રોને સંહાર્યા છે.” અહીંયા શાઊલના પણ વખાણ થયા હતા. પણ સરખામણીમાં દાઊદના વધારે વખાણ થયા હોવાથી તેના હૃદયમાં અદેખાઈનો કીડો ઊભો થયો. ત્યારથી તે દાઊદ માટે મનમાં ખાર ભરવા લાગ્યો. પછી તે દાઊદને મારવા મોકો શોધવા લાગ્યો. અદેખાઈએ તેને કેવા ખરાબ કામ કરવા પ્રેર્યો!—૧ શમૂએલ ૧૮:૬-૧૧.

જો આપણે પોતાને બીજાઓની સફળતા કે તેઓ સાથે સરખાવીએ તો, એનાથી અદેખાઈ કે હરીફાઈનું વલણ ઉત્પન્‍ન થઈ શકે છે. આપણે ધ્યાન રાખવું જોઈએ. એનાથી ખોટી લાગણીઓ ઉત્પન્‍ન થાય છે કે જે પરમેશ્વરના વિચારોના સુમેળમાં નથી. આપણે આવી લાગણીઓને કઈ રીતે કાબૂમાં રાખીએ એનો વિચાર કરતા પહેલા ચાલો આપણે આવી સરખામણીથી બીજું શું થાય છે એ જોઈએ.

પોતાને તપાસો અને સંતોષી રહો

‘શું હું બુદ્ધિશાળી, સુંદર, સક્ષમ, શારીરિક રીતે તંદુરસ્ત, બીજાઓ પર અધિકાર કરનાર કે પ્રેમાળ છું? કેટલી હદે છું?’ આપણામાંથી કોઈ પણ અરીસાની સામે ઊભા રહીને પોતાને એવું નહિ પૂછે. તોપણ, એક લેખિકાએ લખ્યું; “આવા પ્રશ્નો આપણા મનમાં તો આવે છે, અને એનો કંઈક અંશે જવાબ મળે છે.” જો આપણને ખબર ન હોય કે આપણે શું કરી શકીએ ત્યારે, આપણે કોઈની પણ સાથે પોતાને સરખાવવા ન જોઈએ કે અદેખાઈ કરવી જોઈએ નહિ. બીજાઓ સાથે સરખાવ્યા વિના આપણે પોતે શું કરી શકીએ એનો વિચાર કરીએ એમાં કંઈ ખોટું નથી.

દરેક પાસે પોતાના અલગ અલગ સંજોગો પ્રમાણે ક્ષમતાઓ હોય છે. એવું તો બની જ ન શકે કે આપણા કરતા વધારે સારું કોઈ કરી જ ન શકે. તેથી, તેઓની અદેખાઈ કરવાના બદલે, આપણે પરમેશ્વરના ન્યાયી ધોરણોમાં આપણા કાર્યોને તપાસવાની જરૂર છે. કેમ કે એનાથી આપણને સાચું માર્ગદર્શન મળે છે. યહોવાહ પરમેશ્વરને આપણે જેવા છીએ એવા જ ગમીએ છીએ. તે આપણને કોઈની સાથે સરખાવતા નથી. પ્રેષિત પાઊલ સલાહ આપે છે: “દરેક માણસે પોતાની રહેણીકરણી તપાસી જોવી, અને ત્યારે તેને કોઈ બીજા વિષે નહિ, પણ કેવળ પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે.”—ગલાતી ૬:૪.

અદેખાયથી દૂર રહેવું

આપણે બધા ભૂલો કરીએ છીએ આથી, અદેખાયથી દૂર રહેવા માટે આપણે સખત મહેનત કરવી પડે છે. “માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો” એ બાઇબલ સલાહને જાણવી એ એક બાબત છે. પરંતુ, એ પ્રમાણે કરવું બહુ અઘરું છે. પાઊલ પોતાના પાપી વલણ વિષે જાણતા હતા. એ વિરુદ્ધ લડવા, તેમણે ‘[પોતાના] દેહનું દમન કરીને તેને વશમાં’ રાખવું પડતું હતું. (રૂમી ૧૨:૧૦; ૧ કોરીંથી ૯:૨૭) એનાથી શીખવા મળે છે કે આપણે હરીફાઈનું વલણ ટાળીને ઉત્તેજન આપે એવા વિચારો મનમાં ભરવા જોઈએ. આપણે યહોવાહ પરમેશ્વરની મદદ માટે પ્રાર્થના કરવી જોઈએ કે આપણે ‘પોતાને જેવા ગણવા જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવા.’—રૂમી ૧૨:૩.

બાઇબલ અભ્યાસ અને મનન પણ મદદ કરી શકે. દાખલા તરીકે, પરમેશ્વરે નવી દુનિયા વિષે આપેલા વચનનો વિચાર કરો. ત્યારે સર્વ લોકો શાંતિમાં રહેશે. સારી તંદુરસ્તી હશે, ભરપૂર ખોરાક હશે, પોતાનું ઘર હશે તેમ જ સંતોષ આપનારું કાર્ય હશે. (ગીતશાસ્ત્ર ૪૬:૮, ૯; ૭૨:૭, ૮, ૧૬; યશાયાહ ૬૫:૨૧-૨૩) શું ત્યારે કોઈ એકબીજા સાથે હરીફાઈનું વલણ બતાવશે? જરાય નહિ. કેમ કે, એમ કરવાનું કોઈ કારણ નહિ હોય. સાચું કે યહોવાહ પરમેશ્વરે આપણને નાનામાં નાની બાબતો નથી જણાવી કે નવી દુનિયામાં જીવન કેવું હશે. પરંતુ, આપણે ખાતરી રાખી શકીએ કે દરેક વ્યક્તિ પોતપોતાના શોખ અને આવડત પ્રમાણે કરશે. કોઈ વ્યક્તિને ખગોળશાસ્ત્ર શીખવું હશે જ્યારે કે બીજા કોઈને ફેબ્રિકની સુંદર ડિઝાઈનનો અભ્યાસ કરવો હશે. શા માટે એકબીજાની અદેખાઈ નહિ કરે? આપણા ભાઈબહેનોએ સિદ્ધ કરેલી બાબતો આપણને અદેખા બનવાને બદલે વધારે કાર્યો કરવા પ્રેરશે. કેમ કે ત્યારે કોઈ કોઈની અદેખાય કરશે નહિ.

જો આપણે એવું જીવન ઇચ્છતા હોઈએ તો, શું આપણે હમણાંથી જ એવું વલણ વિકસાવવું ન જોઈએ? આપણે હમણાં ઈશ્વરની છાયા હેઠળ છીએ. પરમેશ્વરની નવી દુનિયામાં હરીફાઈનું વલણ નહિ હોય તેથી, આપણે હમણાંથી આવા વલણથી દૂર રહીએ એ કેટલું જરૂરી છે!

તો શું આપણે બીજાઓ સાથે સરખામણી કરીએ એ ખોટું છે? શું અમુક સમયે સરખામણી કરવી યોગ્ય છે?

યોગ્ય સરખામણી

ઘણીવાર સરખામણી કરવાથી કડવાં અનુભવ થાય છે, પરંતુ બધી જ સરખામણી એવી હોતી નથી. આ બાબતે પ્રેષિત પાઊલે આપેલી સલાહ ધ્યાન પર લો: “વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે તેઓનું અનુકરણ કરો.” (હેબ્રી ૬:૧૨) યહોવાહના પ્રાચીન સમયના વિશ્વાસુ સેવકો જેવા ગુણો વિકસાવવાથી એની સારી અસર થાય છે. એ સાચું છે કે એમાં ઘણી વાર સરખામણી કરવામાં આવે છે. તોપણ, આ ઉદાહરણોમાંથી આપણને એ શીખવા મદદ મળે છે કે આપણે ક્યાં સુધારો કરવાની જરૂર છે.

યોનાથાનનો વિચાર કરો. તેની પાસે અદેખાય કરવાના અનેક કારણ હતા. ઈસ્રાએલના રાજા શાઊલના સૌથી મોટા દીકરા તરીકે તે રાજા બની શકતા હતા. પરંતુ, યહોવાહે તેમના કરતા ૩૦ વર્ષ નાના દાઊદને પસંદ કર્યો. યોનાથાને મનમાં ખાર ભરવાના બદલે, તે દાઊદના સાચા મિત્ર બન્યા અને યહોવાહના નિયુક્ત થયેલા રાજા તરીકે તેમને પૂરી મદદ કરી. યોનાથાન ખરેખર એક આત્મિક વ્યક્તિ હતા. (૧ શમૂએલ ૧૯:૧-૪) તે તેમના પિતા શાઊલના સ્વભાવથી અલગ હતા. કેમ કે શાઊલ દાઊદને મારી નાખવા માંગતા હતા જ્યારે યોનાથાન જાણતા હતા કે આ બાબતમાં યહોવાહનો હાથ છે. આથી, તે પરમેશ્વરની ઇચ્છાને આધીન રહ્યા. તેમણે પોતાને દાઊદ સાથે સરખાવતા એમ ન કહ્યું કે “શા માટે દાઊદને પસંદ કરવામાં આવ્યા અને મને નહિ?”

આપણા ભાઈબહેનોમાં આપણે ક્યારેય એવું અનુભવવું જોઈએ નહિ કે તેઓ આપણને હટાવીને આપણી જગ્યા લેવા માગે છે. કેમ કે હરીફાઈનું વલણ રાખવું એ યોગ્ય નથી. એક પુખ્ત ખ્રિસ્તી તરીકે સહકાર, એકતા અને પ્રેમમાં રહેવું જોઈએ. એક સમાજશાસ્ત્રી ફ્રેન્સીસ્કો આલબર્ની કહે છે, “અદેખાઈ પ્રેમનો દુશ્મન છે. જો આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ તો, આપણે હંમેશા તેમનું ભલુ જ ઇચ્છીશું. તેઓને સુખી અને સફળ જોઈને આપણને ઘણી ખુશી થાય છે.” એવી જ રીતે, મંડળમાં કોઈ બીજાને ખાસ લહાવા માટે પસંદ કરવામાં આવે તો, આપણે એની અદેખાઈ ન કરીએ એ જ સૌથી સારું છે. યોનાથાન પણ એવા જ હતા. યહોવાહના સંગઠનમાં આગેવાની લઈ રહેલાઓને વિશ્વાસુપણે ટેકો આપીશું તો આપણે પણ યોનાથાનની જેમ આશીર્વાદ મેળવીશું.

આપણા ભાઈબહેનોએ બેસાડેલા ઉદાહરણની આપણે પ્રશંસા કરવી જોઈએ. તેઓ સાથે યોગ્ય સરખામણી કરવાથી આપણને તેઓ જેવા વિશ્વાસુ બનવાનું ઉત્તેજન મળે છે. (હેબ્રી ૧૩:૭) પરંતુ જો આપણે ધ્યાન ન રાખીએ તો, આપણે તેઓના સારા ગુણો કેળવવાને બદલે હરીફાઈ તરફ જઈ શકીએ છીએ. આપણે જેમના વખાણ કરતા હોઈએ તેઓ આપણાથી આગળ નીકળી જાય અને આપણે તેમની ટીકા કરીએ તો, આપણે તેમની અદેખાઈ કરીએ છીએ.

કોઈ પણ અપૂર્ણ માનવીઓ આપણા માટે સૌથી સારું ઉદાહરણ બેસાડી શકે નહિ. આથી, બાઇબલ કહે છે: “પ્રિય બાળકો તરીકે દેવનું અનુકરણ કરનારાં થાઓ.” વળી, એમ પણ બતાવે છે, “ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું, અને તમે તેને પગલે ચાલો, માટે તેણે તમોને નમૂનો આપ્યો છે.” (એફેસી ૫:૧, ૨; ૧ પીતર ૨:૨૧) આમ, પ્રેમ, સહાનુભૂતિ, નમ્રતા વગેરે યહોવાહ અને ઈસુના ગુણોનું આપણા જીવનમાં બતાવવા જોઈએ. આપણે તેઓના ગુણો, હેતુઓ અને તેઓ બાબતો જે રીતે હાથ ધરે છે એની સાથે સરખામણી કરવી જોઈએ. એમ કરવાથી આપણું જીવન સફળ થશે. યોગ્ય માર્ગદર્શન, સ્થિરતા અને સલામતી મળશે. તેમ જ આપણને પુખ્ત બનવામાં મદદ કરશે. (એફેસી ૪:૧૩) જો આપણે યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્તે બેસાડેલા ઉદાહરણને અનુસરવા આપણાથી બનતું બધું જ કરીશું તો, આપણે પોતાને બીજા ભાઈબહેનો સાથે સરખાવીશું નહિ.

[પાન ૨૮, ૨૯ પર ચિત્ર]

રાજા શાઊલે દાઊદની અદેખાઈ કરી

[પાન ૩૧ પર ચિત્ર]

યોનાથાને પોતાનાથી નાના દાઊદને કદી પણ એક હરીફ તરીકે જોયા નહિ