આ જમાનામાં લગ્નજીવન સુખેથી ટકી શકે!
આ જમાનામાં લગ્નજીવન સુખેથી ટકી શકે!
“સઘળાં ઉપરાંત પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો.” —કોલોસી ૩:૧૪.
૧, ૨. (ક) મંડળમાં પતિ-પત્નીઓએ કઈ હદ સુધી એકબીજાને સાથ આપ્યો છે? (ખ) લગ્નજીવનને સુખી બનાવવા માટે શું જરૂરી છે?
મંડળમાં ઘણાએ સુખેથી લગ્નજીવન ૧૦, ૨૦ અરે ૩૦ વર્ષથી ગાળ્યું છે. સુખ-દુઃખમાં એકબીજાનો સાથ આપ્યો છે. ઊછળતા સંસાર સાગરમાં તેઓની જીવન હોડી ડગી નથી.—ઉત્પત્તિ ૨:૨૪.
૨ પણ એનો અર્થ એ નથી કે લગ્ન જીવનની ગાડી સહેલાયથી ચાલી શકશે. એક લેખકે કહ્યું: ‘બધાના લગ્ન જીવનમાં કોઈને કોઈ તકલીફો તો ઊભી થશે જ. કભી ખુશી કભી ગમ. એવા સંજોગોમાં લગ્નસાથી એકબીજાને છોડતા નથી.’ આ પતિ-પત્નીની જીવનગાંઠ કઈ રીતે વર્ષોથી બંધાય રહે છે? તેઓએ કઈ રીતે હાથમાં હાથ મીલાવીને બાળકોને મોટા કર્યાં છે? તેઓએ બાઇબલની સલાહ પાળી છે. તેઓ કહી શકે છે: “પ્રીતિ કદી ખૂટતી નથી.”—૧ કોરીંથી ૧૩:૮.
૩. આજે કુટુંબોમાં શું થાય છે? આપણે કયાં પ્રશ્નોના જવાબ મેળવીશું?
૩ આજની દુનિયાનો વિચાર કરો. આજકાલ તો ઘણા લોકો તલાક લે છે. એક રીપોર્ટે કહ્યું: ‘આજે એમેરિકામાં લગભગ ૫૦% લગ્નના છૂટાછેડા લઈ લે છે. અરે, તેઓ માંડ માંડ સાતેક વર્ષ સાથે ખેંચી શકે છે. જેઓએ તલાક લીધો હોય તેઓમાંના ૭૫% ફરી લગ્ન કરે છે. પણ એમાંથી ૬૦% લોકો પાછા તલાક લે છે.’ જાપાન જેવા અમુક દેશોના લોકો જલદીથી છૂટાછેડા લેતા નથી. પણ હવે તો એવા દેશોમાં છૂટાછેડાની વાતો દરરોજ સંભળાય છે. લગ્નબંધન શા માટે તૂટી જાય છે? જો આપણે લગ્નો કર્યા હોય, તો આપણે કઈ રીતે આ બંધનને નીભાવી શકીએ?
જીવવનો માળો શા માટે વિખરાય જાય છે?
૪. લગ્નજીવનને ટકાવી રાખવું કેમ સહેલું નથી?
૪ આ જમાનો ખૂબ બગડી ગયો છે. એના વિષે બાઇબલ જણાવે છે કે, “અંતના સમયમાં મુશ્કેલીના દિવસો આવશે. માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, બડાશ મારનાર, અને અભિમાની બની જશે. તેઓ બીજાની નિંદા કરશે, માતાપિતાને આધીન નહિં રહે, આભાર નહીં માનનારા, નાસ્તિક હશે. તેઓ દયા વગરના, બદલો લેનારા, અફવા ફેલાવનારા, સંયમ નહિ રાખનારા, ઘાતકી, અને સત્યનો નકાર કરનારા હશે. તેઓ દગો દેનારા, અવિચારી, અભિમાનથી ફૂલાઈ ગયેલા અને ઈશ્વર પર પ્રેમ કરવાને બદલે વિલાસને ચાહનારા હશે. ધર્મના બાહ્ય રૂપને તેઓ પકડી રાખશે પણ તેના વાસ્તવિક સમર્થ્યનો નકાર કરશે. આવા પ્રકારના માણસોથી દૂર રહે.”—૨ તીમોથી ૩:૧-૫, પ્રેમસંદેશ.
૫. લગ્ન જીવનમાં ‘સ્વાર્થ’ હોય તો શું થશે? બાઇબલ કઈ સલાહ આપે છે?
૫ બાઇબલ બતાવે છે કે દુનિયાની હાલતને લીધે લગ્ન જીવનમાં તાણ પડશે. આજે “માણસો સ્વાર્થી” છે. જો પતિ-પત્નીમાંથી એક સ્વાર્થી હોય તો વારંવાર ઝઘડા જ ઊભા થશે. એટલે બાઇબલ જણાવે છે કે, “સ્વાર્થી ન બનો. બીજાઓને પ્રભાવિત કરવાના ઇરાદાથી ન વર્તો. નમ્ર બનો અને પોતાને કરતાં બીજાઓને ચઢિયાતા ગણો. માત્ર પોતાનું જ હિત ન જુઓ પરંતુ બીજાઓનું હિત જુઓ અને તેમના કાર્યમાં રસ લો.”—ફિલિપી ૨:૩, ૪, IBSI.
૬. પૈસા પાછળ પડવાથી લગ્ન જીવનને શું થઈ શકે છે?
૬ પૈસા પાછળ પડવાથી લગ્ન જીવન તૂટે છે. બાઇબલમાં જણાવે છે કે, “જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે, કે જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડુબાવે છે. કેમકે દ્રવ્યનો લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે; એનો લોભ રાખીને કેટલાએક વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણાં દુઃખોથી તેઓએ પોતાને વીંધ્યા છે.” (૧ તીમોથી ૬:૯, ૧૦) આ દુનિયામાં અનેક લોકો પૈસા પાછળ પડી ગયા છે. જીવનના સપના પૂરા કરવા માટે તેઓએ પતિ કે પત્નીને એકબાજુ મૂકી દીધા છે. આ રીતે લગ્નજીવનમાંથી પ્રેમ ને ખુશીઓ ઓલવાય જાય છે.
૭. અમુક વ્યક્તિઓ શાને લીધે વ્યભિચાર કરે છે?
૭ બાઇબલમાં એમ પણ કહ્યું કે આ જમાનાનાં લોકો “દયા વગરના, બદલો લેનારા” થશે. એને કારણે આજે ઘણા લગ્નનો માળો વિખરાઈ જાય છે. અરે, પતિ-પત્ની એકબીજાને દગો પણ દે છે. (માલાખી ૨:૧૪-૧૬) ઘણા લોકો લગ્નબંધનને પવિત્ર નથી રાખતા. એક બહેન કહે છે, ‘મારા પતિ મને છોડીને ચાલ્યા ગયા. તે બીજી સ્ત્રીઓ સાથે વધારે પડતી દોસ્તી રાખતા હતા. એ જોઈને મને બહુ ખોટું લાગતું. મેં તેને સમજાવવાની કોશિશ કરી. પણ તે સમજી જ ન શક્યા. જે વાત લફરાથી શરૂ થઈ એ છેવટે વ્યભિચારમાં ખતમ થઈ. તેમને ખાડો ખોદ્યો ને એમાં પોતે જ પડ્યા!’—નીતિવચનો ૬:૨૭-૨૯.
૮. વ્યભિચાર ક્યારે શરૂ થાય છે?
૮ બાઇબલ કહે છે: “જે પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તે અક્કલ વગરનો છે, તે એવું કરે છે જેથી તેનું જીવન બરબાદ થાય.” (સુભાષિતો [નીતિવચનો] ૬:૩૨, સંપૂર્ણ બાઇબલ) કોઈને રાતોરાત વ્યભિચારના વિચારો આવતા નથી. વ્યક્તિ ધ્યાન ન રાખે તો વ્યભિચારના સડેલા વિચારો તેને ધીમે ધીમે ખોટે માર્ગે ઢસરડી શકે છે. (યાકૂબ ૧:૧૪, ૧૫) ઈસુએ કહ્યું: “વ્યભિચાર ન કર, એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે; પણ હું તમને કહું છું, કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.”—માત્થી ૫:૨૭, ૨૮.
૯. નીતિવચનો ૫:૧૮-૨૦ લગ્ન સાથીઓને શું અરજ કરે છે?
૯ નીતિવચનો સર્વ પતિ-પત્નીને અરજ કરે છે: ‘તારી જુવાનીની પત્નીમાં આનંદ કર. તેના મનોહર આલિંગનથી તૃપ્તિ અનુભવ. ફક્ત તેના જ પ્રેમથી તારો આનંદ ઊભરાય. પરનારીને આલિંગન કરવામાં તારે શા માટે આનંદ માણવો જોઈએ?’—નીતિવચનો ૫:૧૮-૨૦, IBSI.
લગ્નનું ગાડું જોડવા ઉતાવળ ન કરો
૧૦. આપણે શા માટે ઉતાવળે લગ્ન ન કરવા જોઈએ?
૧૦ જો કોઈ ઉતાવળે લગ્ન કરે તો તકલીફો ઊભી થઈ શકે. કદાચ તેઓ એકબીજાને ખરેખર ઓળખતા ન હોય. ઉતાવળે લગ્ન કરવાને બદલે એકબીજાને સારી રીતે ઓળખો. એકબીજાને શું ગમે છે, શું નથી ગમતું, જીવનમાં તેઓને શું કરવું છે, તેઓનું કુટુંબ કેવું છે એ બધુય જોવું જોઈએ. ઈસ્હાકનો વિચાર કરો. તેમણે રાહેલના પિતા માટે સાત વર્ષ કામ કર્યું. આ સમયે તે રાહેલને સારી રીતે ઓળખી શક્યા. તેઓની પ્રેમ કહાણી વર્ષો દરમિયાન ખીલી.—ઉત્પત્તિ ૨૯:૨૦-૩૦.
૧૧. (ક) લગ્ન બંધનની જોડણીમાં શું શું સમાયેલું છે? (ખ) જીવનસાથી સાથે આપણે કેવી રીતે બોલવું જોઈએ ને શા માટે?
૧૧ લગ્ન બસ બે જણાનું બંધન જ નથી. એ કુટુંબની, સ્વભાવની, લાગણીની, ભણતરની, સંસ્કૃતિની અને ભાષાની પણ જોડણી છે. બંનેના વિચારો અલગ હોવાથી ઘણી વખત રાઈનો પહાડ બની શકે છે. જો પતિ-પત્ની એકબીજાનું લોહી પીએ કે જીભેથી કડવા વેણ બોલે, તો લગ્ન જીવનનું શું થશે? એવી રીતે બોલવાને બદલે, ચાલો આપણે પ્રેમથી ને શાંતિથી એકબીજા સાથે બોલીએ.—નીતિવચનો ૧૨:૧૮; ૧૫:૧, ૨; ૧૬:૨૪; ૨૧:૯; ૩૧:૨૬.
૧૨, ૧૩. જીવનસાથી શોધતી વખતે આપણે શું વિચારવું જોઈએ ને શું ન શોધવું જોઈએ?
૧૨ એક બહેને કહ્યું: ‘છોકરો કે છોકરીને પસંદ કરો ત્યારે ઉતાવળે લગ્ન ન કરી લો. પહેલા વિચારો કે તેઓનો સ્વભાવ કેવો છે? કદાચ ૧૦ સદ્ગુણોની નોંધ કરી શકો. પછી જુઓ કે તેઓમાં કેટલા છે. જો તેઓમાં દસમાંથી સાત ગુણો હોય, તો વિચારો “બાકીના ત્રણ ગુણો ન હોય તો ચાલે? જો દરરોજ એ ખામીઓને સહન કરવી પડે, તો મારાથી સહન થઈ શકાશે?” જો આ પ્રશ્નોને “ના” પાડો, તો તેની સાથે લગ્ન કરો એ પહેલા બે વાર વિચારો.’ પણ આનો અર્થ એ નથી કે આપણે કોઈ હીરો કે હીરોઈનને શોધવા જોઈએ. આપણે સપનાની દુનિયામાં જીવી નથી શકતા. તમે એવું ન માનતા કે તમારા જીવનસાથીમાં બધા જ સદ્ગુણો સોયેસો ટકા હશે. એ તો તમારામાંય નથી!—લુક ૬:૪૧.
૧૩ લગ્ન જીવનને સુખી રાખવા માટે, બંને વ્યક્તિઓને અમુક બાબતો જતી કરવી પડશે. પાઊલે કહ્યું: ‘પણ તમે ચિંતા ન કરો, એવી મારી ઇચ્છા છે. જે પરણેલો નથી તે પ્રભુની વાતોની ચિંતા રાખે છે, કે મારે પ્રભુને કેવી રીતે પ્રસન્ન કરવો; પણ પરણેલો દુનિયાદારીની ચિંતા રાખે છે, કે મારે મારી પત્નીને કેવી રીતે પ્રસન્ન કરવી. તેમ જ પરણેલી તથા કુંવારી સ્ત્રીમાં પણ ફેર છે. જે પરણેલી નથી તે પ્રભુની વાતોની ચિંતા રાખે છે, કે તે શરીરમાં તથા આત્મામાં પવિત્ર થાય; પણ પરણેલી સ્ત્રી દુનિયાદારીની ચિંતા રાખે છે, કે મારે મારા પતિને કેવી રીતે પ્રસન્ન કરવો.’—૧ કોરીંથી ૭:૩૨-૩૪.
લગ્નમાં બેવફાઈ કઈ રીતે શરૂ થાય છે
૧૪, ૧૫. લગ્નબંધન શાને લીધે નબળું બની જઈ શકે?
૧૪ બાર વર્ષના લગ્ન પછી એક બહેનના દિલના ટુકડેટુકડા થઈ ગયા. તેમના પતિ છૂટાછેડા લઈને બીજી સાથે રહેવા ગયા. બહેને કહ્યું: ‘છૂટાછેડા લેતા પહેલા જ દાળમાં કંઈ કાળું હતું. તેમણે પ્રાર્થના કરવાનું બંધ કરી દીધું હતું. બહાના કાઢીને તે મિટિંગ કે પ્રચારમાંથી ગુલ્લી મારતા. મારી સાથે નિરાંતે બેસવાને બદલે તે કહેતા કે “મને સુવા દે, હું થાકી ગયો છું,” કે “હમણાં વાત નહિ કરાય, હું કામમાં છું.” તે સાવ બદલાય ગયા હતા.’
૧૫ ઘણા ભાઈ-બહેનોએ આવા કઠણ અનુભવ થયા છે. મોટા ભાગના કિસ્સામાં, તેઓના જીવનસાથી બાઇબલ વાંચવાનું ને મિટિંગોમાં જવાનું ધીમે ધીમે છોડી દે છે. નવી દુનિયાની આશા ઝાંખી થઈ જાય છે. છેવટે તેઓ યહોવાહનો સાથ છોડી દે છે. અમુક કિસ્સામાં, વ્યક્તિઓ સત્યમાં ધીમા પડી જાય છે, પછી વ્યભિચાર કરે છે.—હેબ્રી ૧૦:૩૮, ૩૯; ૧૧:૬; ૨ પીતર ૩:૧૩, ૧૪.
૧૬. લગ્ન બંધન કઈ રીતે મજબૂત થઈ શકે?
૧૬ ઘણા લગ્નબંધનો વર્ષો સુધી સુખમાં વહે છે. કારણ કે તેઓ બંને યહોવાહને છોડતા નથી. એક પતિએ કહ્યું: ‘હું ને મારી પત્ની સાથે પ્રાર્થના કરીએ. સાથે સ્ટડી કરીએ. પ્રચારમાં પણ ભેગા હોઈએ. અમે જે કંઈ કરીએ અમે ભેગા જ હોઈએ. એકબીજા વગર અમને ન ચાલે.’
છૂટથી વાત કરો
૧૭. (ક) સુખી લગ્ન જીવન માટે શું જરૂરી છે? (ખ) ખરો પ્રેમ કેવો હોય છે?
૧૭ આપણે બીજી કઈ રીતે લગ્નજીવનમાં સુખ વહેતું રાખી શકીએ? એકબીજાને ખરો પ્રેમ બતાવવો ને એકબીજા સાથે દિલથી વાત કરો. જ્યારે બંનેની આંખોમાં પ્રેમનો નશો છલકાતો હોય, ત્યારે તેઓ એકબીજાના ખરા રંગ જોઈ શકતા નથી. તેઓને લાગે કે લગ્ન જીવન એક રોમેન્ટીક ફિલ્મ કે પ્રેમ કહાણી છે. પણ લગ્ન પછી આ સપનું જલદી ઊડી જાય છે. એકબીજાની નાની નાની ભૂલોમાંથી મોટા ઝઘડા શરૂ થાય છે. એ સમયે આપણે ખાસ કરીને યહોવાહ શીખવે છે એ સદ્ગુણોથી વર્તવું જોઈએ. સાચો પ્રેમ તો બતાવવો જ જોઈએ. (ગલાતી ૫:૨૨, ૨૩) આ પ્રેમમાં શરીરનો નહિ પણ દિલનો નાતો છે. ઈશ્વરનો નાતો છે. સાચા પ્રેમ વિષે પાઊલે કહ્યું: ‘પ્રેમ ધીરજવાન અને માયાળુ છે. પ્રેમ સ્વાર્થ નથી કે ખીજાતો નથી. કોઈએ ખોટું કર્યું હોય તો પ્રેમ તેની નોંધ રાખતો નથી. પ્રેમ અંત સુધી સહન કરે છે. પ્રેમ બધા પર વિશ્વાસ રાખે છે; બધાની આશા રાખે છે; બધા માટે ધીરજ રાખે છે.’ (૧ કોરીંથી ૧૩:૪-૭, પ્રેમસંદેશ) જો આપણમાં ખરો પ્રેમ હશે, તો આપણે એકબીજાનું લોહી પીશું નહિ. પણ દિલથી ભૂલો માફ કરીશું.—નીતિવચનો ૧૦:૧૨.
૧૮. લગ્ન બંધનને સુખી રાખવા શું જરૂર છે?
૧૮ લગ્નમાં સુખના કોળિયા ખાવા માટે એકબીજા સાથે છૂટથી વાતચીત કરવી જોઈએ. પણ એટલું પૂરતું નથી. આપણે બે કાને સાંભળવું પણ જોઈએ. એક પતિ કહે છે: ‘અમે દિલ ખોલીને વાત કરીએ, ત્યારે અમે હંમેશાં પ્રેમથી એકબીજા સાથે વાત કરીએ છીએ.’ પતિ-પત્ની તો એકબીજાને એટલી સારી રીતે ઓળખી શકે કે જાણે ચહેરાના ભાવ જોઈને જ ખબર પડી જાય કે દિલમાં શું છૂપાયેલું છે. પણ અમુક પત્નીઓ કહે છે કે ‘હું વાત કરું ત્યારે મારા પતિનું ધ્યાન બીજે ક્યાંક ચોંટ્યું હોય છે!’ અમુક પતિઓ કહે છે ‘હું કામમાં ડૂબેલો હોઉં, ત્યારે જ ઓલીને વાત કરવી હોય!’ ભલે ગમે એમ હોય, વાત કરવી સહેલી છે, પણ સાંભળવી અઘરી છે. જો પતિ ને પત્ની પ્રેમથી વર્તે ને સમજી-વિચારીને બોલે, તો લગ્નજીવન ખીલશે.—યાકૂબ ૧:૧૯.
૧૯. (ક) ‘સોરી’ કહેવું કેમ અઘરું છે? (ખ) આપણે શા માટે માફી માંગવી જોઈએ?
૧૯ દિલની વાતો કરતી વખતે આપણે અમુક વાર ‘સોરી’ પણ કહેવું પડશે. માથું નમાવીને માફી માગવી ખૂબ નમ્રતા માંગી લે છે. પણ વિચાર કરો કે એનું પરિણામ શું આવશે. રોજબરોજની નાની નાની ભૂલો માફી માંગવાથી ભૂલી જવાશે. અરે, એમ કરવાથી તમે બંને સુધરી શકશો. પાઊલે કહ્યું: “એકબીજાનું સહન કરો, ને જો કોઇને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો, જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો; વળી એ સઘળાં ઉપરાંત પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો.”—કોલોસી ૩:૧૩, ૧૪.
૨૦. જીવન સાથીનો ખરો અર્થ શું થાય છે?
૨૦ જીવનસાથીઓ ખરેખર એકબીજાને સુખ-દુઃખમાં સાથ દે છે. તેઓ એકબીજાને દગો દેશે નહિ. શરમાવશે નહિ. તોડી પાડશે નહિ. (કોલોસી ૪:૬) એને બદલે, તેઓ એકબીજાના વખાણ કરશે. (નીતિવચનો ૩૧:૨૮ખ) જ્યારે તેઓ એકબીજાના હાથમાં હાથ મીલાવીને કહે ‘હું તને ખૂબ જ પ્યાર કરું છું.’ એવા મીઠા બોલ બોલવાથી લગ્ન બંધન કદી તૂટશે નહિ. આજના જમાનામાં પતિ-પત્નીઓ બીજી કઈ રીતોથી લગ્ન જીવનને સુખી રાખી શકે? આવતા અઠવાડિયાનો લેખ બાઇબલની વધારે સલાહ આપશે. *
[ફુટનોટ]
^ વધુ માહિતી માટે યહોવાહના સાક્ષીઓએ બહાર પડેલો કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તક જુઓ.
તમે સમજાવી શકો છો?
• કયા કારણોથી લગ્ન બંધન નબળું પડી શકે?
• કેમ ઉતાવળે લગ્ન ન કરવા જોઈએ?
• લગ્નબંધનમાં શા માટે યહોવાહની જરૂર છે?
• લગ્નજીવનને સુખી રાખવા માટે શું કરવું જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૨ પર ચિત્ર]
લગ્નબંધન ફક્ત રોમાંસથી જ મજબૂત રહેતું નથી
[પાન ૧૪ પર ચિત્ર]
જો તમારા જીવનમાં યહોવાહ હોય, તો લગ્ન જીવન સુખી રહેશે