સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શાંતિ રાખો અને સુખી થાવ

શાંતિ રાખો અને સુખી થાવ

શાંતિ રાખો અને સુખી થાવ

ઍડ અને બીલ પાક્કા મિત્રો હતા. પણ એક દિવસ ઍડના કોઈ નિર્ણયને લીધે બીલે પોતાની નોકરી ગુમાવવી પડી. એ કારણે આ પાક્કા મિત્રો વચ્ચે નફરતની દીવાલ ચણાઈ ગઈ. આ વાતને ૨૦ વર્ષ વીતી ગયા. ઍડ મરણ પથારીએ પડ્યો છે. તે પોતાના મિત્રની માફી માંગીને શાંતિથી મરવા ચાહે છે. પણ બીલ તો ઍડનું મોઢુંય જોવા માંગતો નથી.

હવે, ત્રીસ વર્ષ પછી બીલ મરણને બારણે પહોંચ્યો. તેણે શા માટે ઍડને માફ ન કર્યો એ જણાવતા કહ્યું: ‘હું ઍડનો પાક્કો મિત્ર હતો. તો પછી, શા માટે તેણે મારી નોકરી છોડાવી દીધી? જ્યારે એડ મરણ પથારીએ હતો ત્યારે મારે એની કોઈ વાત સાંભળવી ન હતી. હું કદાચ ખોટો હોઈશ. પરંતુ, મને જે લાગ્યું એ જ મેં કર્યું.’ *

ખરું કે તકરાર ઊભી થાય ત્યારે હર વખતે આવું બનતું નથી. પરંતુ, એનાથી બંને વ્યક્તિના મનમાં કડવાશ ઘર કરી જાય છે. ધારો કે, તમે ઍડ જેવું જ અનુભવો છો. તમને ભાન થાય છે કે ‘મારા નિર્ણયને લીધે દોસ્તને કેટલું નુકસાન થયું છે.’ તમે પોતાની ભૂલના અહેસાસ સાથે જીવો છો. તમારી દોસ્તીમાં જે દરાર પડી એનો પણ તમને હરપલ અહેસાસ હોય છે. તમે તમારા દોસ્તની માફી માંગવા પણ તૈયાર છો. પણ તે તમારું કંઈ સાંભળવા તૈયાર નથી. જરા વિચારો, એનાથી તમને કેટલું દુઃખ થશે!

હવે માની લો કે, તમે બીલની જગ્યાએ છો. પોતે બલિનો બકરો બન્યા હોવાથી મન કડવાશથી ભરાઈ ગયું છે. કદાચ, તમને લાગશે કે, ‘શા માટે મારા મિત્રએ મને આમ કર્યું. તેણે જાણી જોઈને એમ કર્યું.’ જોકે, બે વ્યક્તિમાં તકરાર થાય ત્યારે બંનેને એમ જ લાગતું હોય છે કે ‘હું જ સાચો છું, બધો દોષ સામેવાળાનો છે.’ આમ, બે મિત્રો વચ્ચે નફરતની દીવાલ ઊભી થઈ જાય છે.

તેઓ એકબીજા સાથે બોલતા નથી. એક વ્યક્તિ સામેથી આવતી હોય તો, બીજી વ્યક્તિ ગલીમાં વળી જાય. તેઓ ગ્રૂપમાં મળે ત્યારે એકબીજાને જાણે ઓળખતા જ ન હોય એવો વર્તાવ કરે. દૂરથી એકબીજાને જુએ તોપણ અજાણી અને ધિક્કારની દૃષ્ટિએ જુએ. તેઓ વાત કરે ત્યારે જાણે એકબીજાને તોડી પાડવાના હોય એમ કડવા વેણ સંભળાવશે. એકબીજાનું અપમાન કરવાનો મોકો શોધતા રહેશે.

ભલે એકબીજાને કટ્ટર દુશ્મન ગણે, પણ અમુક બાબતમાં તો તેઓ બંને સહમત હોય છે. તેઓ એ જરૂર સમજે છે કે બંને વચ્ચે કંઈક મોટી તકરાર છે અને એનાથી તેઓની ગાઢ દોસ્તી તૂટી ગઈ છે. તેઓ બંને જખમનો અનુભવ કરે છે. વળી બંને જાણે છે કે એના માટે કંઈક કરવાની જરૂર છે. પરંતુ, શાંતિ બનાવીને પોતાની દોસ્તી ટકાવી રાખવા કોણ પહેલ કરે? કોઈ પણ પહેલ કરવા રાજી હોતું નથી.

આશરે બે હજાર વર્ષ પહેલાં ઈસુ ખ્રિસ્તના શિષ્યોમાં પણ કોઈ બાબતે તકરાર થઈ હતી. (માર્ક ૧૦:૩૫-૪૧; લુક ૯:૪૬; ૨૨:૨૪) જ્યારે ઈસુએ પૂછ્યું કે “તમે માર્ગમાં શો વિવાદ કરતા હતા?” ત્યારે શિષ્યો શરમના માર્યા કંઈ જવાબ આપી શક્યા નહિ. (માર્ક ૯:૩૩, ૩૪) પણ ઈસુના શિક્ષણે તેઓને પોતાની તકરાર થાળે પાડવા મદદ કરી. ઈસુએ શિષ્યોને જે સલાહ આપી એ આજે પણ ઘણાને તકરાર થાળે પાડવા અને મિત્રતા જાળવી રાખવા મદદ કરે છે. એ કઈ રીતે, ચાલો આપણે જોઈએ.

એકબીજા સાથે સારો સંબંધ રાખો

શું આપણે ક્યારેય આમ વિચાર્યું છે: ‘મારે એની સાથે વાત જ નથી કરવી. અરે! મારે એનું મોઢુંય જોવું નથી?’ જો આપણા મનમાં એવો ખાર હોય તો, આપણે અમુક પગલાં લેવાની જરૂર છે. પણ કેવાં પગલાં?

ઈસુએ શીખવ્યું: “તું તારૂં અર્પણ વેદી પાસે લાવે, ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારે વિરૂદ્ધ કંઈ છે, તો ત્યાં વેદી આગળ તારૂં અર્પણ મૂકીને જા, પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર.” (માત્થી ૫:૨૩, ૨૪) તેમણે એમ પણ કહ્યું: “જો તારો ભાઈ તારી વિરૂદ્ધ અપરાધ કરે, તો જા, ને તેને એકાંતે લઈ જઈને તેનો દોષ તેને કહે.” (માત્થી ૧૮:૧૫) અહીં ઈસુના શબ્દો પ્રમાણે તમે કોઈને કે પછી કોઈએ તમને દુઃખ પહોંચાડ્યું હોય તો, તમારે તરત જ એ વ્યક્તિ સાથે વાત કરવા પહેલ કરવી જોઈએ. વળી, આ તમારે “નમ્ર ભાવે” કરવાની જરૂર છે. (ગલાતી ૬:૧) જો માફી માંગવાની જરૂર હોય તો, વિના સંકોચ માંગો. બીજાનો વિચાર ન કરો કે તેઓ શું કહેશે. મનમાં એવો વિચાર પણ ન રાખો કે હું તેની પાસે માફી મંગાવીશ. યાદ રાખો કે આપણો ધ્યેય આપણા ભાઈ સાથે સારો સંબંધ રાખવાનો છે. આ બારામાં બાઇબલની સલાહ આપણને કઈ રીતે મદદ કરે છે? ચાલો અમુક દાખલાઓ જોઈએ.

અરનેસ્ટ એક મોટી ઑફિસમાં સુપરવાઈઝર છે. * ઘણાં વર્ષોથી તેનું કામ સર્વ પ્રકારના લોકોની નાની મોટી ફરિયાદો થાળે પાડવાનું છે, જેથી બધા હળીમળીને કામ કરી શકે. કેવી નાની નાની વાતમાં લોકોનું મન દુઃખ થાય છે એ તેમણે જોયું છે. તે કહે છે: “મને પણ ક્યારેક બીજાથી મન દુઃખ થતું. પણ એવું કંઈ થાય ત્યારે હું એ વ્યક્તિ સાથે બેસીને વાત કરી લેતો. તેઓ સાથે સીધેસીધી વાત કરો. તેઓ સાથે સારો સંબંધ રાખવાના હેતુથી વાત કરો. આમ કરવાથી તમે એકબીજા સાથે હળીમળીને કામ કરી શકશો.”

આલીસીયાના ઘણા મિત્ર જુદા જુદા સમાજ કે સંસ્કૃતિમાંથી આવે છે. તે કહે છે: “ઘણી વાર મારાથી એવું કંઈક બોલાઈ જાય જેનાથી બીજાને મન દુઃખ થઈ શકે. એવા સમયે હું એ વ્યક્તિ પાસે જઈને માફી માગું છું. ભલે સામેવાળી વ્યક્તિને કંઈ દુઃખ ન લાગ્યું હોય તોપણ, હું વારંવાર માફી માગું છું. કેમ કે, એનાથી મને બહુ સારું લાગે છે. એનાથી મને એ આશ્વાસન મળે છે કે અમારામાં કંઈ ગેરસમજ નથી.”

નડતરો દૂર કરવી

આપણે કોઈ સાથે શાંતિના પગલાં લેવા જઈએ ત્યારે વચ્ચે ઘણી અડચણો આવે છે. શું તમે ક્યારેય આમ કહ્યું છે: “સુલેહ કરવા હું કેમ પહેલો જાઉં? બધી મુશ્કેલીનું મૂળ તો એ જ છે?” અથવા તમે કોઈની જોડે મતભેદ થાળે પાડવા ગયા હોય ત્યારે સામેની વ્યક્તિ કહે કે: ‘મારે તમારી સાથે કોઈ વાત કરવી નથી?’ જોકે, અમુક લોકોને બહુ મનદુઃખ થાય ત્યારે તેઓ આવેશમાં આવું જ કહેતા હોય છે. નીતિવચનો ૧૮:૧૯ કહે છે: “દુભાએલા ભાઈ સાથે સલાહ કરવી તે કિલ્લાવાળા નગરને જીતવા કરતાં મુશ્કેલ છે; એવા કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે.” તેથી સામેની વ્યક્તિની લાગણીઓને પણ ધ્યાનમાં રાખો. જો તે તમારું કંઈ ન સાંભળે તો, થોડા વખત પછી ફરીથી તેની સાથે વાત કરવા કોશિશ કરો. આમ કરવાથી “કિલ્લાવાળું નગર” આપણા માટે ખૂલી શકે ને સલાહશાંતિ માટે “કિલ્લાની ભૂંગળો” દૂર થઈ શકે.

ઘણા લોકોને સામે ચાલીને સુલેહ કરવામાં પોતાનો અહમ નડતો હોય છે. અમુકને માફી માંગવી કે દુશ્મન સાથે વાત કરવી શરમની વાત લાગે છે. ઘણાને એમ લાગે કે માફી માંગવાતી સ્વમાન ખોવાય છે. પણ ખરેખર તો આપણું ઘમંડ જ આપણને માફી માંગતા રોકે છે.

યાકૂબ કહે છે કે દલીલબાજીના મૂળ ઘમંડમાં રોપાયેલા હોય છે. અમુક ખ્રિસ્તીઓની ખોટી ઇચ્છા કે સ્વાર્થને લીધે તેઓમાં થતા “લડાઈ” અને “ઝગડા” વિષે વાત કર્યા પછી યાકૂબ આગળ કહે છે: “દેવ ગર્વિષ્ઠોની વિરૂદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.” (યાકૂબ ૪:૧-૩,) કઈ રીતે ગર્વ કે ઘમંડ સુલેહ કરવામાં બાધા બની શકે?

ઘમંડ જેવો સ્વભાવ લોકોને છેતરે છે. ઘમંડી લોકોને લાગે છે કે પોતે બીજાઓ કરતાં સોગણા સારા છે. તેઓ પોતે એ ન્યાય કરે છે, કે બીજાઓ સારા છે કે ખરાબ. જ્યારે મતભેદો ઊભા થાય ત્યારે ઘમંડીને એમ લાગે કે સામેવાળી વ્યક્તિ ક્યારેય બદલાશે નહિ કે સુધરશે નહિ. એટલે તેઓ માફી માંગવાનું ઉચિત ગણતા નથી. આમ, જેઓ ઘમંડનો શિકાર હોય છે તેઓ પોતાના મતભેદોને ચાલવા દે છે અને ક્યારેય એને થાળે પાળવા કોશિશ કરતા નથી.

જેમ એક મોટું ઝાડ રોડ વચ્ચે પડવાથી ટ્રાફિક જામ થઈ જાય છે તેમ ઘમંડ સુલેહ-શાંતિ કરવામાં મોટી અડચણ બને છે. જો તમે કોઈની સાથે સુલેહ કરતા અચકાતા હોવ તો, એ તમારા ઘમંડને કારણે હોય શકે. તમે નમ્રતા કેળવીને ઘમંડને કાઢી શકો.

નમ્રતા કેળવો

બાઇબલ કહે છે કે આપણે નમ્ર બનવું જોઈએ. “ધન, આબરૂ તથા જીવન એ નમ્રતાનાં અને યહોવાહના ભયનાં ફળ છે.” (નીતિવચનો ૨૨:૪) ગીતશાસ્ત્ર ૧૩૮:૬ જણાવે છે કે પરમેશ્વર નમ્ર અને ગર્વિષ્ઠોને કઈ રીતે જુએ છે: “યહોવાહ મહાન છે, તોપણ તે દીન જનો પર લક્ષ રાખે છે; પણ ગર્વિષ્ઠોને તો તે વેગળેથી ઓળખે છે.”

ઘણાને નમ્ર બનવામાં નીચાપણું લાગે છે. દુનિયા પર રાજ કરતા શાસકોને જ લો. નમ્ર બનવું તેઓ માટે લોઢાના ચણા ચાવવા જેવું છે. આખી જનતા તેઓને આધીન રહે છે, તોપણ શાસકોમાં એટલીય હિંમત નથી કે પોતાની ભૂલની માફી માંગે. જો કોઈ નેતા કે મંત્રી એમ કહે કે ‘મને માફ કરો’ તો, આ સમાચાર ચારે બાજુ ફેલાઈ જાય. એક વાર અગાઉની સરકારના એક અધિકારીએ વિનાશક આપત્તિમાં પોતે નિષ્ફળ ગયા બદલ માફી માંગી ત્યારે તેમના એ શબ્દો સમાચારોમાં હેડલાઈન હતા.

નમ્રતા એટલે શું? એક શબ્દકોષ એની આમ સમજણ આપે છે: ‘નરમ સ્વભાવ હોવો, કે પોતે જ કંઈક છે એવું ન માનવું. નમ્ર એટલે કે ગરીબ ગાય જેવો.’ આમ નમ્રતા વ્યક્તિને એ જોવા મદદ કરે છે કે પોતે અંદરથી કેવી છે. નહિ કે બીજાઓનો એ વ્યક્તિ માટે કેવો અભિપ્રાય છે. પોતાની ભૂલ સ્વીકારીને એની માફી માંગવાથી વ્યક્તિ નાની થઈ જતી નથી. એનાથી તો, તેનું માન વધે છે. બાઇબલ જણાવે છે: “માણસનું હૃદય ગર્વિષ્ટ થયા પછી નાશ આવે છે, પહેલી દીનતા છે, પછી માન છે.”—નીતિવચનો ૧૮:૧૨.

પોતાની ભૂલની માફી ન માંગતા રાજકારણીઓ વિષે એક પ્રાધ્યાપકે કહ્યું: “દુઃખની વાત છે કે ભૂલની માફી માંગવી તેઓને નબળાઈનું ચિહ્‍ન લાગે છે. ખરેખર તો, નબળા લોકો ભાગ્યે જ ‘માફી માંગતા’ હોય છે. ‘મેં ભૂલ કરી છે’ એમ કહેનારા તો હિંમતવાન ને દરિયા દિલના હોય છે.” જોકે આ બાબત સામાન્ય લોકોને પણ લાગુ પડે છે. તમે ઘમંડને નમ્રતામાં ફેરવવા દિલથી કોશિશ કરશો તો, લોકો સાથે સહેલાઈથી મતભેદો થાળે પાડી શકશો. એક કુટુંબે પણ આમ કર્યું હોવાથી કેવો લાભ થયો એ પર ધ્યાન આપો.

જુલી અને તેના ભાઈ વિલયમ વચ્ચે કોઈ વાતે ગેરસમજ ઊભી થઈ. એમાં જુલી અને તેના પતિ જોસફ પર વિલયમ બહુ ગુસ્સે થઈ ગયો. તેણે તેઓ સાથેના બધા સંબંધો તોડી નાખ્યા. વળી જે જે ભેટો જુલીએ વિલયમને આપી હતી, તેણે જુલીને પાછી આપી દીધી. ભાઈબહેનોમાં પહેલાં જે પ્રેમ હતો એ સમય જતા કડવાશમાં ફેરવાઈ ગયો.

પણ જુલીના પતિ જોસફે માત્થી ૫:૨૩, ૨૪ને લાગુ પાડવાનું વિચાર્યું. તેમણે નમ્રતાથી પોતાના સાળા સાથે વાત કરવા પ્રયત્ન કર્યો. એટલું જ નહિ, માફી માંગતા ઘણા પત્રો પણ તેને લખ્યા. જોસફે પોતાની પત્નીને પણ તેના ભાઈને માફ કરવા ઉત્તેજન આપ્યું. સમય જતા, વિલયમે જોયું કે જુલી અને જોસફ ખરેખર તેની સાથે સુલેહ કરવા માંગે છે. તેથી તે પણ થોડો ઠંડો પડ્યો. વિલયમ ને તેની પત્ની, જુલી ને જોસફ ચારેય જણ ભેગા મળ્યા. તેઓ સર્વએ એકબીજાની માફી માંગી અને બધી કડવાશ કાઢી નાંખીને પાછા પહેલાની જેમ રહેવા લાગ્યા.

જો તમે પણ કોઈની સાથે મતભેદો થાળે પાડવા માંગતા હોવ તો, બાઇબલના શિક્ષણને લાગુ પાડો. તેમ જ એ વ્યક્તિ સાથે સુલેહ કરવા આગળ વધો. યહોવાહ તમને જરૂર મદદ કરશે. પરમેશ્વરે પ્રાચીન ઈસ્રાએલને જે કહ્યું એ તમારા કિસ્સામાં પણ સાચું ઠરશે: “જો તેં મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત તો કેવું સારૂં! ત્યારે તો તારી શાંતિ નદીના જેવી, ને તારૂં ન્યાયીપણું સમુદ્રનાં મોજાં જેવું થાત.”—યશાયાહ ૪૮:૧૮.

[ફુટનોટ્‌સ]

^ ધ મરો બોય્સ—પાયોનીયર્સ ઓન ધ ફ્રન્ટ લાઈન્સ ઓફ બ્રોડકાસ્ટ જર્નાલીઝમ પર આધારિત, જે સ્ટેનલી ક્લોડ અને લેન ઓલ્સનએ આયોજત કર્યું.

^ અમુક નામ બદલવામાં આવ્યા છે.

[પાન ૭ પર ચિત્ર]

માફી માંગવાથી સંબંધો સારા થાય છે