સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું આપણી જીભ કોઈને દુઃખ પહોંચાડે છે?

શું આપણી જીભ કોઈને દુઃખ પહોંચાડે છે?

શું આપણી જીભ કોઈને દુઃખ પહોંચાડે છે?

“તમારામાં લડાઈ તથા ઝઘડા ક્યાંથી થાય છે?” —યાકૂબ ૪:૧.

યાકૂબે પૂછ્યું: “તમારામાં લડાઈ તથા ઝઘડા ક્યાંથી થાય છે?” પૂછ્યું તો ખરા પણ કોને? રોમન સૈનિકોને? ના. રોમના સામે લડતા બળવાખોર યહુદીઓને? ના. યાકૂબે કોઈ પણ બે વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને એ સવાલ કર્યો હતો, જેઓમાં કોઈ વાતે અણબનાવ થયો હોય. શા માટે? કેમ કે, લડાઈની જેમ જ અંદરોઅંદર થતી બોલાચાલી કે અણબનાવ કે વેરભાવથી વ્યક્તિને ખૂબ ઇજા પહોંચે છે. બાઇબલના આ અહેવાલોને ધ્યાનમાં લો.

યુસફના ભાઈઓ તેને એટલા ધિક્કારતા કે તેને ગુલામ તરીકે વેચી દીધો. (ઉત્પત્તિ ૩૭:૪-૨૮) ઈસ્રાએલના રાજા શાઊલે દાઊદને મારી નાખવા ઘણી કોશિશ કરી. શા માટે? કેમ કે, તેમને દાઊદની ઈર્ષા થતી હતી. (૧ શમૂએલ ૧૮:૭-૧૧; ૨૩:૧૪, ૧૫) પ્રથમ સદીમાં મંડળની બે બહેનો, યુઓદિયા તથા સુન્તુખેમાં એવી બોલાચાલી થઈ કે એનાથી આખા મંડળની શાંતિ ઝૂંટવાઈ ગઈ.—ફિલિપી ૪:૨.

આજકાલની જ વાત કરીએ તો, લોકોમાં બોલાચાલી કે તકરાર થાય ત્યારે તેઓ એને થાળે પાડવાને બદલે મારામારી પર ઊતરી આવે છે. તલવાર કે પિસ્તોલથી હલ લાવવા મથે છે. પરિણામ? કોઈનો જીવ જાય છે કાં તો કોઈ જીવનભર અપંગ થઈ જાય છે. એકબીજા સાથે લડવા લોકો બીજું કયું હથિયાર વાપરે છે? તેઓ શબ્દોરૂપી બાણનો મારો ચલાવે છે. ભલે એનાથી લોહી ન વહે, પણ કડવા વેણથી વ્યક્તિ અને તેની શાખ બંને પડી ભાંગે છે. મોટા ભાગે નિર્દોષ વ્યક્તિ આવી “લડાઈનો” ભોગ બનતી હોય છે.

હવે એક દાખલાનો વિચાર કરો. થોડાં વર્ષો પહેલાં એંગ્લિકન ચર્ચના પાદરીએ બીજા પાદરી પર આરોપ મૂક્યો કે તે ચર્ચના નાણામાં ગોલમાલ કરે છે. તેઓનો આ ઝગડો જગજાહેર થયો ને ચર્ચમાં ભાગલા પડી ગયા. ચર્ચના અમુક સભ્યોએ કહ્યું કે એ પાદરી ચર્ચમાં સેવા આપવાનું ચાલુ રાખશે તો તેઓ ચર્ચમાં નહિ આવે. તેઓ એટલા તો આવેશમાં આવી ગયા હતા કે તેઓ ચર્ચમાં ઉપાસના માટે આવે ત્યારે વિરોધી પાદરીનો પક્ષ લેતા સભ્યોનું મોઢું પણ જોતા ન હતા. પછી, જે પાદરીએ આરોપ લગાવ્યો હતો તેના પર પણ જાતીય સતાવણીનો આરોપ મૂકવામાં આવ્યો. ત્યારે તો, ચર્ચમાં બળતામાં ઘી હોમવા જેવું થઈ ગયું.

છેવટે કેન્ટરબરીના આર્ચબિશપે આ બંને પાદરીઓને અરજ કરી કે તેઓની લડાઈ બંધ કરે. તેમણે કહ્યું કે તેઓની લડાઈ “કૅન્સર” રોગ જેવી છે અને તેઓએ ‘પ્રભુના નામને બટ્ટો લગાવ્યો છે.’ છેવટે ૧૯૯૭માં એક પાદરીએ જાતે જ નિવૃત્તિ લઈ લીધી. જ્યારે બીજા પાદરીએ નિવૃત્તિની ઉંમર સુધી પોતાની ખુરશી છોડી નહિ. છેક ઑગષ્ટ ૭, ૨૦૦૧માં તે ૭૦ વર્ષના થયા ત્યારે પાદરીમાંથી નિવૃત્ત થયા. ધ ચર્ચ ઑફ ઇંગ્લૅંડ ન્યુઝપેપરે જણાવ્યું કે જે દિવસે એ પાદરી નિવૃત્ત થયા એ જ દિવસે “સંત” વિક્ટીર્યસની યાદમાં તહેવાર પણ હતો. પણ “સંત” વિક્ટીર્યસ કોણ હતા? એ ચોથી સદીના બિશપ હતા કે જેમણે લશ્કરમાં ન જોડાવાને લીધે વારંવાર કોરડા ખાધા હતા. સંત વિક્ટીર્યસ ને નિવૃત્ત પાદરી વચ્ચે તફાવત બતાવતા છાપાએ જણાવ્યું: ‘સંત વિક્ટીર્યસ લડાઈ ઝગડાથી દૂર રહ્યા, જ્યારે નિવૃત્ત પાદરી બીજાઓ સાથે લડવા ઝગડવામાં માનતા હતા.’

જો એ બે પાદરીઓએ રૂમી ૧૨:૧૭, ૧૮ની સલાહ પાળી હોત તો એકબીજા સાથે તકરાર ન કરી હોત. તેમ જ તેઓએ બીજાઓનું મન પણ દુભાવ્યું ન હોત. એ કલમ જણાવે છે: “ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. સઘળાં માણસોની નજરમાં જે શોભે છે, તે કરવાને કાળજી રાખો, જો બની શકે, તો ગમે તેમ કરીને સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલો.”

જો કોઈએ તમારું મન દુભાવ્યું હોય તો, શું તમે બોલાચાલી પર ઊતરી આવો છો? કે પછી તમે તેઓ સાથે સુલેહ કરવા માટે મીઠા શબ્દોથી વાત કરો છો? જો તમે કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો, શું તમે એ વ્યક્તિની સામે આવવાનું ટાળો છો? અને એમ વિચારો છો કે સમય જતા એ વ્યક્તિ બધું મન દુઃખ ભૂલી જશે? કે પછી તમે એની માફી માંગો છો? તમે શાંતિ જાળવી રાખવા બીજાની માફી માંગો કે પછી બીજાને માફ કરો ત્યારે, તમે પણ સુખની નીંદર ખેંચી શકશો. અરે, બાઇબલની સલાહ પાળવાથી આપણે મોટી મોટી તકરારો પણ થાળે પાડી શકીએ. હવે પછીનો લેખ એ બતાવશે.