સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સંજોગો બદલાયા પરંતુ અમે ન બદલાયા

સંજોગો બદલાયા પરંતુ અમે ન બદલાયા

મારો અનુભવ

સંજોગો બદલાયા પરંતુ અમે ન બદલાયા

રીકાર્ડો માલિકાસીના જણાવ્યા પ્રમાણે

મારા ધાર્મિક શિક્ષણને લીધે, હું કોઈ રાજનીતિમાં ભાગ લેતો ન હતો. એના લીધે મારે નોકરી ગુમાવવી પડી. અમે કુટુંબ તરીકે હવે કેવી રીતે અમારા ભાવિ પ્લાન કરી શકીએ એ માટે યહોવાહને પ્રાર્થના કરી. એમાં અમે અમારા પ્રચાર કાર્યમાં કઈ રીતે વધારે કરી શકીએ એ પણ જણાવ્યું. પછી તો અમે નવી જ મંજિલની શરૂઆત કરી. અમે બે ખંડોના આઠ દેશોમાં મુસાફરી કરી. આ રીતે, અમે ઘણી જગ્યાઓએ પ્રચાર કરી શક્યા.

મારો જન્મ ફિલિપાઈન્સમાં ૧૯૩૩માં થયો. મારા કુટુંબમાં કુલ ૧૪ જણ હતા. અમે ધર્મે ફિલિપાઈન્સ ઈંડીપેન્ડન્ટ ચર્ચના સભ્યો હતા. હું ૧૨ વર્ષનો થયો ત્યારે મેં ઈશ્વરને પ્રાર્થના કરી, કે મને સત્યને માર્ગે દોર. મારા એક શિક્ષકે મારું નામ ધર્મના વર્ગમાં નોંધાવ્યું. પછી હું કૅથલિક ધર્મમાં ડૂબી ગયો. હું શનિવારે પાપ કબૂલાત કરવાની વિધિ કે રવિવારના મીસને કદી પણ ચૂકતો નહિ. જોકે, એનાથી મને બહુ સંતોષ થતો ન હતો. મારા મનમાં અમુક પ્રશ્નો ઘૂંટાયા કરતા. જેમ કે, આપણે મરી જઈએ પછી શું થાય છે? શું નર્ક છે? ત્રૈક્ય શું છે? ધર્મગુરુઓના જવાબોથી પણ મને સંતોષ મળતો નહિ.

મને સંતોષ મળ્યો

હું કોલેજમાં ભણતો હતો ત્યારે તો મારામારી, જુગાર, સિગરેટો ફૂંકવી અને એના જેવા ખોટાં લફરાંમાં ફસાયો. એક દિવસ સાંજે હું મારા વર્ગના મિત્રની મમ્મીને મળ્યો. તે યહોવાહની સાક્ષી હતી. મેં ધર્મગુરુઓને પૂછેલા બધા જ પ્રશ્નો તેમને પૂછ્યા. તેમણે બધા પ્રશ્નોના જવાબો બાઇબલમાંથી આપ્યા. પછી મને ખાતરી થઈ કે આ જ સત્ય છે.

મેં બાઇબલ ખરીદ્યું અને યહોવાહના સાક્ષીઓ પાસે એમાંથી શીખવા લાગ્યો. પછી તો યહોવાહના સાક્ષીઓની બધી જ સભાઓમાં પણ જવા લાગ્યો. મને બાઇબલમાંથી ખબર પડી કે “દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે” ત્યારે તરત જ મેં ખરાબ દોસ્તોને અલવિદા કહી દીધી. (૧ કોરીંથી ૧૫:૩૩) એના લીધે હું બાઇબલમાંથી ઘણું શીખ્યો અને છેવટે ૧૯૫૧માં હું યહોવાહનો સેવક બન્યો. ત્યાર પછી મેં અમુક સમય સુધી પાયોનિયર સેવા કરી. મેં અયુરા મેંડોઝા કૃઝ સાથે ડિસેમ્બર ૧૯૫૩માં લગ્‍ન કર્યાં. અમે બનેંયે સાથે મળીને યહોવાહની સેવા કરી.

અમારી પ્રાર્થના સાંભળી

અમે પાયોનિયર સેવા કરવા માંગતા હતા. પરંતુ, અમે તરત જ પાયોનિયર ન બની શક્યા. તેમ છતાં, અમે યહોવાહને પ્રાર્થના કરવાનું છોડ્યું નહિ કે અમે કઈ રીતે વધુ સેવા કરી શકીએ. અમારું જીવન કઠિન હતું. આ બધાયથી જીવન ઘેરાયેલું હોવા છતાં અમે યહોવાહની ભક્તિ આગળ મૂકતા. હું ૨૫ વર્ષનો થયો ત્યારે મને મંડળમાં પ્રમુખ નિરીક્ષકની જવાબદારી આપવામાં આવી.

હું બાઇબલમાંથી શીખતો ગયો તેમ મારું દિલ યહોવાહના વિચારો પ્રમાણે ઘડાતું ગયું. મને એ પણ ખ્યાલ આવ્યો કે મારી નોકરી એવી હતી જે કરવાથી મારું અંતર ડંખતું હતું. (યશાયાહ ૨:૨-૪) મેં નોકરી છોડી દીધી. મારી શ્રદ્ધાની કસોટી થઈ. હવે હું કઈ રીતે રોજી રોટી કમાઈશ? અમે વારંવાર યહોવાહને પ્રાર્થના કરતા રહ્યા. (ગીતશાસ્ત્ર ૬૫:૨) અમે અમારી ચિંતા ઈશ્વરને દ્વારે રેડી અને એ પણ પ્રાર્થનામાં કહ્યું કે અમને જ્યાં જરૂર હોય ત્યાં સેવા કરવી છે. (ફિલિપી ૪:૬, ૭) અમારી આ ઇચ્છા પૂરી થઈ. અમારી સામે યહોવાહની સેવા કરવાના ઘણા દ્વાર ખૂલ્યા.

અમારી મુસાફરી શરૂ થઈ

એપ્રિલ ૧૯૬૫માં લાઓસના વિએનટાઈન ઇન્ટરનેશનલ એરપોર્ટમાં મને પ્લેનને એક્સિડન્ટ થાય ને આગ લાગે તો શું કરવું એ જોવાનું કામ મળ્યું. બચાવ ટુકડીના સુપરવાઈઝર તરીકેની એ નોકરી હતી. પછી અમે લાઓસમાં જ રહેવા ગયા. ત્યાંના વિએનટાઈન નામના શહેરમાં ૨૪ યહોવાહના સાક્ષીઓ હતા. અમને ભાઈઓ અને મિશનરીઓ સાથે પ્રચાર કામમાં જવાની ખૂબ મજા આવતી. પછી મારી બદલી થાઇલૅન્ડમાં, ઉદન થાઈ એરપોર્ટ પર થઈ. અહીં એકેય સાક્ષીઓ ન હતા. કુટુંબ તરીકે અમે પોતે જ બધી સભાઓ કરતા. ઘરે-ઘર પ્રચાર કરતા. પાછા લોકોને મળવા જતા અને તેઓ સાથે બાઇબલનો અભ્યાસ પણ કરતા.

ઈસુએ શીખવ્યું કે તમે “બહુ ફળ આપો.” (યોહાન ૧૫:૮) એ શબ્દો યાદ રાખીને અમે પ્રચાર કરતા રહ્યાં. છેવટે એનું પરિણામ આવ્યું. થાઇલૅન્ડની જ એક છોકરીએ સત્યનો માર્ગ સ્વીકાર્યો. તે યહોવાહની સાક્ષી બની. ઉત્તર અમેરિકાથી આવેલા બે લોકોએ સત્ય સ્વીકાર્યું અને હવે તેઓ બંને વડીલો તરીકે સેવા કરે છે. અમે દસ વર્ષ સુધી ઉત્તર થાઇલૅન્ડમાં પ્રચાર કામ ચાલુ રાખ્યું. હવે તો ઉદન થાઈમાં પણ એક મંડળ છે. અમે જ્યાં પ્રચાર કર્યો એના પરિણામો હજુ પણ મળે છે.

પરંતુ, ફરી અમારી બદલી થઈ અને અમારે થાઇલૅન્ડ છોડવું પડ્યું. પણ અમે ‘ફસલના ધણીને પ્રાર્થના’ કરી જેથી અમે જ્યાં જઈએ ત્યાં પ્રચાર કામ ચાલુ રાખવા માટે મદદ કરે. (માત્થી ૯:૩૮) અમારી બદલી ઈરાનના પાટનગર તહેરાનમાં થઈ. એ વખતે ત્યાં શાહનું રાજ ચાલતું હતું.

પ્રચાર કામ સહેલું ન હતું

તહેરાન પહોંચતા તરત જ અમને ભાઈબહેનો મળ્યા. દેશ-વિદેશના કુલ ૧૩ સાક્ષીઓ હતા. આ દેશમાં પ્રચાર કરવા માટે અમારે અમુક ફેરગોઠવણ કરવી પડી. જોકે, કોઈ અમારો વિરોધ કરતું ન હતું છતાં અમે એ દેશમાં સમજી વિચારીને પ્રચાર કરતા.

જે લોકોને રસ હતો તેઓના કામધંધાને લીધે અમે ઘણી વખત તેઓ સાથે રાતના બારેક વાગ્યાથી તે સવાર સુધી અભ્યાસ કરતા. પણ અમારી મહેનતનાં મીઠાં ફળ મળ્યાં. ઘણાં ફિલીપીનો અને કોરિયન પરિવાર સત્યમાં આવ્યાં.

ડિસેમ્બર, ૧૯૭૭માં બાંગ્લાદેશ, ઢાકામાં મારી બદલી થઈ. એ દેશમાં પણ પ્રચાર કરવો સહેલું ન હતું. અમે હંમેશાં એ જ વિચારતા કે ભલે ગમે એ થાય પણ પ્રચાર કામમાં ઢીલા પડવું ન જોઈએ. યહોવાહના માર્ગદર્શનથી અમે એવા ઘણાં કુટુંબોને મળ્યા કે જેઓ પોતાને ખ્રિસ્તી કહેતા હતા. એમાંના કેટલાકને સત્યની તરસ હતી. (યશાયાહ ૫૫:૧) અમે ઘણા સાથે બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો.

પરમેશ્વરની ઇચ્છા છે કે “સઘળાં માણસો તારણ પામે.” એ અમે કદી ન ભૂલ્યા. (૧ તીમોથી ૨:૪) કોઈએ અમને હેરાન કર્યા ન હતા. કોઈ અમારો ભેદભાવ ન રાખે એ માટે અમે તેઓ સાથે પ્રેમથી વાતો કરતા. પાઊલની જેમ અમે “સર્વેની સાથે સર્વેના” જેવા થયા. (૧ કોરીંથી ૯:૨૨) અમને કોઈ પૂછતું કે શા માટે આવ્યાં છો તો અમે પ્રેમથી તેઓને સમજાવતા. તેઓ હસીબોલીને વાતો કરતાં.

ઢાકામાં અમને એક યહોવાહની સાક્ષી બહેન મળ્યા. અમે તેને સભાઓમાં અને પ્રચાર કામમાં આવવાનું ઉત્તેજન આપ્યું. મારી પત્નીએ તેના કુટુંબ સાથે અભ્યાસ કર્યો અને તેઓને સભામાં આવવાનું ઉત્તેજન આપ્યું. યહોવાહની કૃપાથી આખું કુટુંબ સત્યમાં આવ્યું. તેમની બે દીકરીઓએ બાઇબલ સાહિત્યનું બંગાળી ભાષામાં અનુવાદ કરવામાં પણ ભાગ લીધો. તેઓના ઘણાં સગાંઓ પણ સત્ય શીખ્યા. બીજા ઘણા લોકો બાઇબલ સત્ય શીખ્યા. તેઓમાંના મોટા ભાગે આજે વડીલો અને પાયોનિયરો તરીકે સેવા કરે છે.

ઢાકાની વસ્તી ઘણી છે. અમે અમારાં સગાંઓને ઢાકા આવીને પ્રચારમાં મદદ કરવાનું કહ્યું. ઘણા બાંગ્લાદેશ આવ્યા. યહોવાહનો પાડ માનીએ છીએ કે અમને ત્યાં પ્રચાર કરવાનો મોકો મળ્યો. શરૂઆતમાં બાંગ્લાદેશમાં એક વ્યક્તિ સત્યમાં હતી હવે બે મંડળો છે!

જુલાઈ ૧૯૮૨માં અમારે બાંગ્લાદેશ છોડવું પડ્યું. આંસુભરી આંખે અમે ભાઈબહેનોને અલવિદા કહ્યું. પછી મને યુગાંડાના ઈન્ટેબે ઇન્ટરનેશનલ એરપોર્ટમાં નોકરી મળી. ત્યાં અમે ચાર વર્ષ અને સાત મહિના રોકાયા. અમે ત્યાં યહોવાહનું નામ કેવી રીતે રોશન કર્યું?

પૂર્વ આફ્રિકામાં યહોવાહની સેવા કરી

અમે ઈન્ટેબે ઇન્ટરનેશનલ એરપોર્ટે પહોંચ્યા ત્યારે ડ્રાઇવર અમને અમારા ઘરે લઈ જવા માટે આવ્યો. ગાડીમાં હું ડ્રાઇવરને યહોવાહ વિષે જણાવતો હતો. તેણે મને પૂછ્યું: “શું તમે યહોવાહના સાક્ષી છો?” મેં હા પાડી ત્યારે તેણે કહ્યું: “યહોવાહનો એક સાક્ષી અહીં એક કંટ્રોલ ટાવરમાં કામ કરે છે.” મેં તેને કહ્યું કે મને સીધા તેમની પાસે લઈ જા. ભાઈ પણ અમને જોઈને રાજી થઈ ગયા અને અમે સભાઓમાં અને પ્રચારકામમાં જવાની ગોઠવણો કરી.

એ વખતે યુગાંડામાં ફક્ત ૨૨૮ પ્રકાશકો હતા. એક બે ભાઈઓ ઈન્ટેબેમાં પણ હતા. પહેલા વર્ષે અમે પ્રચાર કામમાં લોકોની દિલમાં સત્યના બી વાવ્યા. ત્યાંના લોકો વાંચવાના બહુ જ શોખીન છે તેથી અમે ઘણા મૅગેઝિનો અને પુસ્તકો આપી શક્યા. અમે કંપાલાના ભાઈઓને ઈન્ટેબે પ્રચાર કરવા માટે બોલાવ્યા. મારા પહેલા જાહેર વાર્તાલાપમાં હું અને બીજા ચાર લોકોએ હાજરી આપી હતી.

ત્રણ વર્ષ દરમ્યાન અમારી મહેનતનાં મીઠાં ફળ નજરે દેખાયા. જે લોકોને અમે શીખવતા હતા તેઓ ઝડપથી પ્રગતિ કરવા લાગ્યા. (૩ યોહાન ૪) એક સરકીટ સંમેલનમાં છ બાઇબલ વિદ્યાર્થીઓએ બાપ્તિસ્મા લીધું. અમારા દાખલામાંથી ઘણાને પાયોનિયર સેવા કરવી હતી કેમ કે અમે નોકરી હોવા છતાં પાયોનિયરીંગ કરતા હતા.

અમે નોકરીના સ્થળે પણ પ્રચાર કરી શક્યા. એક વખત મેં એરપોર્ટના ફાયર ઑફિસર સાથે બાઇબલમાંથી ચર્ચા કરીને સમજાવ્યું કે આ ધરતી પર સુખનો સૂરજ પાછો ઊગશે. મેં તેમને તેમના જ બાઇબલમાંથી બતાવ્યું કે સર્વ લોકો હળીમળીને રહેશે. ગરીબાઈ, બીમારી ને મરણનું નામનિશાન નહિ રહે. (ગીતશાસ્ત્ર ૪૬:૯; યશાયાહ ૩૩:૨૪; ૬૫:૨૧, ૨૨; પ્રકટીકરણ ૨૧:૩, ૪) આથી તેમને વધુ જાણવાનું મન થયું. અમે તેમની સાથે બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો. તેમણે બધી સભાઓમાં હાજરી આપી. બહુ ઝડપથી પ્રગતિ કરીને તે યહોવાહના સાક્ષી બન્યા. થોડા સમય પછી તેમણે પણ અમારી સાથે પાયોનિયર સેવા શરૂ કરી.

અમે યુગાંડામાં હતા ત્યારે બે વખત ધમાલ ફાટી નીકળી. પરંતુ એનાથી કંઈ અમારી સભાઓ ભરવાનું અને પ્રચાર કાર્ય બંધ પડી ગયું નહિ. ઇન્ટરનેશનલ એજન્સીમાં કામ કરનારાઓને છ મહિના માટે નાઇરોબી, કેન્યા મોકલી દેવામાં આવ્યા. અમે યુગાંડામાં રહ્યા અને સભાઓમાં જવાનું તથા પ્રચારકામ કરવાનું ચાલુ રાખ્યું. એ કંઈ સહેલું ન હતું, અમારે સમજી વિચારીને પગલાં લેવાં પડ્યાં.

એપ્રિલ ૧૯૮૮માં મારી નોકરીને લીધે પાછી બદલી થઈ. અમારે ઈન્ટેબે મંડળ છોડવું પડ્યું. ત્યાં જે કંઈ પ્રગતિ થઈ હતી એ વિષે અમને ખુશી થઈ. જુલાઈ ૧૯૯૭માં અમને પાછા ઈન્ટેબે જવાની તક મળી. એ સમયે અમારી સાથે બાઇબલનો અભ્યાસ કરનારા કેટલાક હવે વડીલો હતા. જાહેર સભામાં ૧૦૬ લોકોએ હાજરી આપી હતી, એ જોઈને અમે કેટલા ખુશ થઈ ગયા!

જ્યાં કોઈ પ્રચાર કરવા ગયું ન હતું

શું એવી કોઈ જગ્યા હતી જ્યાં અમારે માટે પ્રચારના દ્વાર ખૂલ્યા હોય? હા. સોમાલિયાનાં મોગાડીશું ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મારી બદલી થઈ. અહીં કોઈએ પ્રચાર કર્યો ન હોવાથી, અમે પોતાને મળેલી તકનો સૌથી સારો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.

મોટા ભાગે અમે એમ્બેસી સ્ટાફને, ફિલિપાઈન્સથી કામ કરવા આવ્યા હોય તેઓને અને બીજા દેશોમાંથી આવ્યા હોય એ લોકોને પ્રચાર કરતા. અમે ઘણી વખતે તેઓને બજારમાં મળતા. અમે તેઓને ઘરે પણ મળવા જતા. અમે સમજી વિચારીને પગલાં લેતાં. યહોવાહ પર ભરોસો રાખતા. એમ કરવાથી અમે અનેક દેશના લોકોને બાઇબલનો સંદેશો બતાવી શક્યા. બે વર્ષ પછી અમે એ દેશ છોડ્યો. ત્યાર બાદ, થોડા જ સમયમાં ત્યાં લડાઈ શરૂ થઈ.

ઇન્ટરનેશનલ સિવીલ એવીએશન ઓર્ગેનાઈઝેશને મને મ્યાનમારના યાંગોનમાં મોકલ્યો. ત્યાં પણ અમે ઘણા લોકોને સત્ય શીખવ્યું. મ્યાનમાર પછી અમને ટાંઝાનિયામાં, દારેસલામ મોકલવામાં આવ્યા. ત્યાં અંગ્રેજી બોલતા લોકો હોવાથી ઘરઘરનું પ્રચાર કામ સહેલું હતું.

અમે જે જે દેશોમાં ગયા ત્યાં પ્રચાર કરી શક્યા. જોકે, અમુક દેશોમાં પ્રચાર કરવાની મનાઈ હતી છતાં અમને કંઈ ખાસ તકલીફ પડી ન હતી. મારી નોકરીમાં મારા હોદ્દાને લીધે મારે સરકાર કે ઇન્ટરનેશનલ એજન્સીના સંપર્કમાં આવવું પડતું હતું કે જેના લીધે લોકોને મારા પ્રચાર કાર્ય પર શક જતો નહિ.

મારી નોકરીને લીધે હું ને મારી પત્ની ત્રીસેક વર્ષ સુધી મુસાફરી કરતા જ રહ્યાં. મારી નોકરી તો ફક્ત રોજી રોટી કમાવવા માટે હતી. અમને તો બસ યહોવાહના રાજ્યનો પ્રચાર કરવો હતો. ભલે અમારા સંજોગો બદલાતા રહ્યા, અમે તો યહોવાહની સેવા કરતા જ રહ્યાં અને બધી જગ્યાએ પ્રચાર કરતા રહ્યા.

શરૂઆત કરી હતી ત્યાં જ પાછા આવ્યાં

હું ૫૮ વર્ષનો થયો ત્યારે મને થયું કે હવે રીટાયર થઈને પાછા ફિલિપાઈન્સ જવું સારું. અમે પાછા આવી ગયા ત્યારે યહોવાહને પ્રાર્થના કરી કે અમને મદદ કરે. અમે કેવીટી શહેરના ટ્રેસ મારટીરેસમાં આવેલા મંડળમાં સેવા આપવાનું શરૂ કર્યું. અમે ત્યાં ગયા ત્યારે ફક્ત ૧૯ સાક્ષીઓ જ હતા. દરરોજ પ્રચારમાં જવાની ગોઠવણ કરીને અમે ઘણા લોકો સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. મંડળમાં વધારો થવા લાગ્યો. એક સમયે મારી પત્ની ૧૯ લોકો સાથે અભ્યાસ કરતી અને હું ૧૪ લોકો સાથે!

પછી કિંગ્ડમ હૉલ નાનો પડવા લાગ્યો. અમે યહોવાહને એના વિષે પ્રાર્થના કરી. એક યુગલે તેઓની થોડી જમીનનું દાન કર્યું. બ્રાંચ ઑફિસે નવો કિંગ્ડમ હૉલ બાંધવા લોન આપી. આ નવા હૉલની પ્રચાર વિસ્તાર પર સારી છાપ પડી, જેના લીધે દર અઠવાડિયે ઘણા લોકો આવે છે. પ્રચાર પણ સારી રીતે થાય છે. હવે અમે એક કલાકની મુસાફરી કરીને બીજા એક મંડળમાં મદદ કરવા જઈએ છીએ. ત્યાં ૧૭ પ્રકાશકો છે.

હું ને મારી પત્ની ઘણા દેશોમાં જઈને યહોવાહની સેવા કરી શક્યા એ ખરેખર આશીર્વાદ છે. ભલે અમે ઘણી મુસાફરી કરી, પણ અમે અમારો સમય યહોવાહનો સંદેશો ફેલાવવા અને ઘણા લોકોને સત્ય શીખવવા વાપર્યો એ જ સૌથી મોટો આશીર્વાદ છે.

[પાન ૨૪, ૨૫ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

ઈરાન

યુગાંડા

સોમાલિયા

ટાંઝાનિયા

બાંગ્લાદેશ

મ્યાનમાર

લેઓસ

થાઇલેન્ડ

ફિલિપાઈન્સ

[પાન ૨૩ પર ચિત્ર]

મારી પત્ની, ઉર્યા સાથે