સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુનું શિક્ષણ તમારા જીવનને અસર કરે છે?

ઈસુનું શિક્ષણ તમારા જીવનને અસર કરે છે?

ઈસુનું શિક્ષણ તમારા જીવનને અસર કરે છે?

આપણે આગલા લેખમાં જોયું કે ઈસુનું શિક્ષણ ચારે ખૂણે ફેલાયું છે. પણ હવે આપણે પોતાને પૂછવાની જરૂર છે, “એની મારા પર કેવી અસર પડી છે?”

ઈસુએ ઘણા વિષય પર સમજણ આપી અને એ આપણા જીવનને દરેક રીતે અસર કરે છે. ઈસુએ શીખવ્યું કે આપણે જીવનમાં શાને પ્રથમ સ્થાન આપવું જોઈએ. કઈ રીતે પરમેશ્વર સાથે નિકટનો સંબંધ કેળવવો જોઈએ? બીજાઓ સાથે સારો સંબંધ રાખવા શું કરવું જોઈએ? કોઈ મતભેદો ઊભા થાય તો, એને કઈ રીતે થાળે પાડવા? અને કેમ હિંસાથી દૂર રહેવું જોઈએ? ચાલો એ વિષે જોઈએ.

જીવનમાં શું પહેલું હોવું જોઈએ

આજે જીવનમાં કોને નવરાશ છે? સવારે ઊઠતા જ કામનું ચક્કર ચાલુ થઈ જાય. તેથી, ઘણી વાર આપણે ઈશ્વર ભક્તિમાં પાછળ રહી જઈએ છીએ. વીસ વર્ષના જેરીનો જ વિચાર કરો. જેરીને ઈશ્વર વિષે શીખવાની અને વાત કરવાની બહુ હોંશ છે. પણ તે કહે છે: ‘નિયમિત ઈશ્વરનું જ્ઞાન લેવા મારી પાસે પૂરતો સમય નથી. હું અઠવાડિયામાં છ દિવસ કામ કરું. ખાલી રવિવારની રજા મળતી હોય. એ દિવસેય મારે અમુક કામ પતાવવાના હોય. પછી હું થાકીને લોથપોથ થઈ જઉં છું.’ ઘણાની સ્થિતિ પણ આવી જ હશે. પણ હિંમત ન હારો. તમે ઈસુએ પહાડ પર આપેલા પ્રવચનમાંથી મદદ મેળવી શકો.

ઈસુએ પહાડ પર સાંભળવા આવેલા ટોળાને કહ્યું: ‘હું કહું છું કે ખાવાપીવા વિષે કે કપડાં વિષે ચિંતા ન કરો, કારણ કે તમને જીવન અને શરીર અપાયેલ છે. ખોરાક કરતાં જીવન અને વસ્ત્ર કરતાં શરીર વધારે મૂલ્યવાન છે. પક્ષીઓને નિહાળો. તેઓ ખોરાકની ચિંતા કરતા નથી. તેઓને અનાજ વાવવાની, લણવાની કે કોઠારોમાં ભરવાની જરૂર પડતી નથી, કારણ કે સ્વર્ગમાંના તમારા ઈશ્વરપિતા તેઓનું પોષણ કરે છે. તમે પ્રભુની દૃષ્ટિમાં પક્ષીઓ કરતાં ઘણાં મૂલ્યવાન છો. વસ્ત્રો અને ખોરાક માટે ચિંતા ન કરો. દુન્યવી લોકો જેવા શા માટે થાઓ છો? તેઓ આ બાબતોમાં ગૌરવ સમજે છે, અને તે પ્રાપ્ત કરવા સતત પરિશ્રમ કરે છે. પણ સ્વર્ગમાંના તમારા પિતા જાણે છે કે આ બાબતોની તમારે જરૂર છે. તમે જીવનમાં ઈશ્વરને પ્રથમ સ્થાન આપો અને તેમની ઇચ્છા પ્રમાણે ચાલો, તો તે તમારી તમામ જરૂરિયાતો પૂરી પાડશે.’ (માત્થી ૬:૨૫-૩૩, IBSI) આપણે આમાંથી શું શીખી શકીએ?

ઈસુ અહીં એમ કહેતા ન હતા કે આપણે પોતાની અને કુટુંબની રોટી, કપડા, અને મકાન જેવી જરૂરિયાતો પૂરી ન પાડીએ તો ચાલશે. કેમ કે બાઇબલ જણાવે છે: “જે માણસ પોતાની ને વિશેષે કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે, એમ સમજવું; તે તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.” (૧ તીમોથી ૫:૮) ઈસુનો કહેવાનો અર્થ એ હતો કે જો આપણે ઈશ્વરને જીવનમાં પ્રથમ રાખીશું તો, તે આપણી બીજી જરૂરિયાતો પૂરી પાડશે. અહીં શીખવા મળે છે કે જીવનમાં કઈ બાબતને પહેલા રાખવી જોઈએ. આ સલાહને પાળીશું તો આપણે સુખી થઈશું. ઈસુએ કહ્યું, “પોતાની આત્મિક જરૂરિયાત જાણનાર લોકોને ધન્ય છે; આકાશનું રાજ તેઓનું છે.”—માથ્થી ૫:૩, પ્રેમસંદેશ.

ઈશ્વરની સાથે ગાઢ સંબંધ બાંધવો

લોકોને ઈશ્વરભક્તિની ભૂખ જાગે છે ત્યારે તેઓ ઈશ્વર સાથે ગાઢ સંબંધ બાંધવાનું શરૂ કરશે. જરા વિચારો કે આપણે બીજાઓ સાથે કઈ રીતે દોસ્તી બાંધીએ છીએ. પહેલા તો આપણે એ વ્યક્તિને સારી રીતે ઓળખીએ છીએ. તેના વિચારો, વલણ ને ક્ષમતા જાણવા કોશિશ કરીએ છીએ. એ પણ જાણીએ છીએ કે તેને શું ગમે છે ને શું નથી ગમતું. પરમેશ્વર સાથે ગાઢ સંબંધ કેળવવા પણ એ ખૂબ જરૂરી છે. એ માટે તેમના વિષે પૂરું જ્ઞાન લેવાની જરૂર છે. ઈસુએ પોતાના શિષ્યો વિષે ઈશ્વરને પ્રાર્થના કરતા કહ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (યોહાન ૧૭:૩) હા, પરમેશ્વર સાથે ગાઢ સંબંધ બાંધવા આપણે તેમને સારી રીતે ઓળખવાની જરૂર છે. પરંતુ કઈ રીતે? આપણે બાઇબલમાંથી જ પરમેશ્વર વિષે વધારે જાણી અને શીખી શકીએ. (૨ તીમોથી ૩:૧૬) એ માટે આપણે બાઇબલમાંથી નિયમિત શીખતા રહેવા સમય કાઢવો જોઈએ.

જોકે, પરમેશ્વર વિષે શીખવું જ પૂરતું નથી. ઈસુએ પ્રાર્થનામાં કહ્યું: “તેઓએ [શિષ્યોએ] તમારી આજ્ઞા માની છે.” (યોહાન ૧૭:૬, IBSI) હા, આપણે પરમેશ્વર વિષે શીખવા ઉપરાંત એ મુજબ ચાલવાની જરૂર છે. તેમની આજ્ઞાઓ પાળીને જ આપણે તેમના મિત્ર બની શકીશું. જરા વિચારો, શું તમે એવું કંઈક કરશો જે તમારા દિલોજાન મિત્રને ન ગમતું હોય? તો પછી, આપણે પરમેશ્વરને કઈ રીતે નારાજ કરી શકીએ? તેમના વિચારો અને સિદ્ધાંતો તો જીવનમાં આપણને માર્ગદર્શન આપે છે. કઈ રીતે? ચાલો આપણે તેમના બે સિદ્ધાંતો વિષે જોઈએ કે બીજા લોકો સાથે સારો સંબંધ જાળવવા એ કઈ રીતે મદદ કરે છે.

બીજાઓ સાથે સારો સંબંધ કેળવો

સારો સંબંધ બાંધવા વિષે ઈસુએ એક સરસ વાર્તા કહી હતી. એ વાર્તા મુજબ, એક રાજા તેના દેવાદાર ચાકરોનો હિસાબ પતાવવા માંગે છે. એક ચાકર પર તો એટલું ગંજાવર દેવું હતું જે તે ક્યારેય ચૂકવી શકવાનો ન હતો. તેથી રાજાએ હુકમ કર્યો કે એ ચાકર, તેની પત્ની અને બાળકોને વેચીને હિસાબ ચૂકતે કરવામાં આવે. પણ આ ચાકરે રાજાને પગે પડીને ભીખ માંગી: “સાહેબ, ધીરજ રાખ, ને હું તારૂં બધું વાળી આપીશ.” રાજાને દયા આવી ને તેનું દેવું માફ કર્યું. પણ આ ચાકર દુષ્ટ હતો. જેવો તે રાજા પાસેથી બહાર નીકળ્યો કે તેને બીજો એક ચાકર મળ્યો. હવે આ બીજા ચાકરે તેની પાસેથી થોડું કરજ લીધું હતું. દુષ્ટ ચાકરે આ ચાકરને પોતાનું દેવું ચૂકતે કરવા હુકમ કર્યો. બીજા ચાકરે દયાની ભીખ માંગી. પણ દુષ્ટ ચાકરમાં તો દયાનો છાંટોય ન હતો. તેણે બીજા ચાકરને પૈસા ન ચૂકવે ત્યાં સુધી જેલમાં પૂરી દીધો. રાજાને આ વાતની ખબર પડી ત્યારે તે ગુસ્સાથી તપી ઊઠ્યા. તેમણે કહ્યું: “મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તને પણ તારા સાથી ચાકર પર કરવી ઘટારત ન હતી?” રાજાએ એ દુષ્ટ ચાકરને પોતાનું સઘળું દેવું ચૂકતે ન કરે ત્યાં સુધી જેલમાં નાખી દીધો. ઈસુની આ વાર્તાનો બોધપાઠ એ જ હતો કે, “એ પ્રમાણે જો તમે પોતપોતાના ભાઈઓના અપરાધ તમારા અંતઃકરણથી માફ નહિ કરો, તો મારો આકાશમાંનો બાપ પણ તમને એમ જ કરશે.”—માત્થી ૧૮:૨૩-૩૫.

આપણે ઘણા પાપ કરીએ છીએ. પેલા ચાકરના ગંજાવર દેવાની જેમ, આપણા પુષ્કળ પાપો ઈશ્વર આગળ એકઠા થયા છે. આપણે ક્યારેય એને ઉતારી શકવાના નથી. આપણે તો ફક્ત માફીની ભીખ માંગી શકીએ. અને યહોવાહ પણ માફ કરવા તૈયાર છે. જો આપણા ભાઈઓએ નાની મોટી ભૂલો કરી હોય ને એને આપણે માફ કરીશું તો, યહોવાહ પરમેશ્વર પણ આપણાં પાપો માફ કરશે. ખરેખર, કેવો મૂલ્યવાન બોધ! ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું: “અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તું અમારાં ઋણો અમને માફ કર.”—માત્થી ૬:૧૨.

સમસ્યાને જડમૂળથી દૂર કરો

માનવ સ્વભાવ સમજવામાં ઈસુ બહુ હોશિયાર હતા. તેમણે સમસ્યાનું મૂળ શોધીને મતભેદો થાળે પાડવા સલાહ આપી. ચાલો આપણે બે દાખલાઓ જોઈએ.

ઈસુએ કહ્યું: “હત્યા ન કર, ને જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે, એમ પુરાતન કાળમાં લોકોને કહેલું હતું, એ તમે સાંભળ્યું છે; પણ હું તમને કહું છું, કે જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે.” (માત્થી ૫:૨૧, ૨૨) અહીં ઈસુએ જણાવ્યું કે હત્યા કરતા પહેલાં મનમાં જે ક્રોધ ઉત્પન્‍ન થાય છે એ જ સમસ્યાનું મૂળ છે. કેમ કે ક્રોધ એવું વલણ છે જે વ્યક્તિના દિલમાં દિવસે દિવસે વધતું જાય છે. જો લોકો પોતાના મનમાં ખાર ન રાખે ને ગુસ્સા પર કાબૂ રાખે તો, કેટલીય ખૂનામરકી અટકી શકે છે. ઈસુની આ સલાહને લાગુ પાડવાથી કેટલું લોહી વહેતા અટકી શકે છે!

ઈસુએ બીજી એક એવી સમસ્યાના જડની વાત કરી જેનાથી દિલમાં ખૂબ દુઃખ થાય છે. તેમણે કહ્યું: “વ્યભિચાર ન કર, એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે; પણ હું તમને કહું છું, કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે. અને જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે.” (માત્થી ૫:૨૭-૨૯) ઈસુએ શીખવ્યું કે વ્યભિચારનું મૂળ, એ પહેલા મનમાં ઊભી થતી ખોટી ભાવનાઓ છે. વ્યક્તિ ખોટી ઇચ્છાઓને ન પોષીને એને મનમાંથી ‘કાઢી નાખે’ તો, તે ખરાબ રસ્તે ચડી નહિ જાય.

‘તારી તરવાર મ્યાનમાં પાછી ઘાલ’

ઈસુને વિશ્વાસઘાત કરીને પકડવામાં આવ્યા એ રાત્રે, એક શિષ્યએ તેમને બચાવવા તરવાર કાઢી. ઈસુએ તેને કહ્યું: “તારી તરવાર તેના મ્યાનમાં પાછી ઘાલ; કેમકે જેટલા તરવાર પકડે છે તેઓ સર્વ તરવારથી નાશ પામશે.” (માત્થી ૨૬:૫૨) બીજી સવારે ઈસુએ પોંતિયસ પિલાતને કહ્યું: “મારૂં રાજ્ય આ જગતનું નથી; જો મારૂં રાજ્ય આ જગતનું હોત, તો મને યહુદીઓને સ્વાધીન કરવામાં ન આવે, માટે મારા સેવકો લડાઈ કરત; પણ મારૂં રાજ્ય તો અહીંનું નથી.” (યોહાન ૧૮:૩૬) અહીંયા આપણને શું શીખવા મળે છે?

હિંસા-મારપીટ કે લડાઈ ન કરવા વિષે ઈસુએ જે શીખવ્યું એના પ્રત્યે અગાઉના ખ્રિસ્તીઓનું વલણ કેવું હતું? ધ અર્લી ક્રિશ્ચયન એટીટ્યુડ ટુ વૉર પુસ્તક કહે છે: ‘ઈસુએ સ્પષ્ટ શીખવ્યું હતું કે બીજા લોકો વિરુદ્ધ હિંસા ન આચરો. તેઓને કોઈ રીતે નુકસાન ન પહોંચાડો. એનો અર્થ એમ પણ થાય કે યુદ્ધ કે લડાઈથી દૂર રહો. શરૂઆતના ખ્રિસ્તીઓ ઈસુ ખ્રિસ્તના એ ઉપદેશ મુજબ ચાલ્યા હતા. તેઓનો ધર્મ શાંતિનો સંદેશ ફેલાવતો હતો. તેઓ ક્યારેય યુદ્ધમાં જોડાતા નહિ, કેમ કે એમાં તો ઘણા લોકોના જીવ હોમાઈ જતા.’ પોતાને ખ્રિસ્તી ગણાવતા લોકો આ ઉપદેશ મુજબ ચાલ્યા હોત તો, આખો ઇતિહાસ કંઈક અલગ જ હોત!

તમે ઈસુના શિક્ષણમાંથી લાભ લઈ શકો

આપણે ઈસુએ આપેલા શિક્ષણને જોઈ ગયા જે એકદમ સાદું છે. એને જીવનમાં લાગુ પાડીને આપણે લાભ મેળવી શકીએ. *

તમારા વિસ્તારના યહોવાહના સાક્ષીઓ તમને ઈસુના શિક્ષણમાંથી લાભ મેળવવા ખુશીથી મદદ કરશે. એ માટે કોઈ પણ સાક્ષીને મળો અથવા આ મૅગેઝિનના બીજા પાન પર આપેલા નજીકના સરનામે લખો.

[ફુટનોટ]

^ ઈસુના શિક્ષણ વિષે વધુ જાણવા કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ પુસ્તક જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૫ પર ચિત્ર]

“સ્વર્ગમાંના તમારા ઈશ્વરપિતા તેઓનું પોષણ કરે છે”

[પાન ૭ પર ચિત્ર]

ઈસુના શિક્ષણની તમારા જીવન પર સારી અસર પડી શકે છે