સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે કોના માટે જીવો છો?

તમે કોના માટે જીવો છો?

તમે કોના માટે જીવો છો?

‘જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને અર્થે નહિ, પણ ખ્રિસ્ત વાસ્તે જીવે, જે સર્વેને વાસ્તે મૂઓ.’—૨ કોરીંથી ૫:૧૫.

૧, ૨. ઈસુએ તેમના શિષ્યોને કઈ આજ્ઞા આપી ને શિષ્યો કઈ હદ સુધી પાળી?

 ઈસુના જીવનની આખરી રાતે છે. તે તેમના શિષ્યોને ઘણી મહત્ત્વની બાબતો જણાવે છે. કેમ કે હવે થોડાક કલાકોમાં તે પોતાના શિષ્યો માટે જીવ આપી દેવાના છે. પરંતુ, એ પહેલા, તે શિષ્યોને એક ખાસ બાબત જણાવે છે: “હું તમને નવી આજ્ઞા આપું છું, કે તમે એકબીજા પર પ્રેમ રાખો; જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહાન ૧૩:૩૪, ૩૫.

ઈસુના સાચા શિષ્યો સ્વાર્થ વગરનો સાચો પ્રેમ બતાવે છે. આથી જ, તેઓ ‘પોતાના મિત્રોને સારૂ જીવ આપવા’ પણ તૈયાર હોય છે. (યોહાન ૧૫:૧૩) ઈસુના પ્રથમ શિષ્યોએ એકબીજા માટે સાચો પ્રેમ બતાવ્યો હતો. તેઓ વિષે બીજી સદીના ટર્ટુલિયને માફી (અંગ્રેજી) નામના પુસ્તકમાં લખ્યું: ‘ખ્રિસ્તીઓ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. અરે, તેઓ એકબીજા માટે પોતાનો જીવ આપવા પણ તૈયાર હોય છે.’

૩, ૪. (ક) સ્વાર્થથી દૂર રહેવા આપણે શું કરવું જોઈએ? (ખ) આપણે આ લેખમાં કયા પ્રશ્નોના જવાબ મેળવીશું?

આજે આપણે પણ ‘એકબીજાનો બોજો ઊંચકવો જોઈએ, અને ખ્રિસ્તનો નિયમ સંપૂર્ણ રીતે પાળવો’ જોઈએ. (ગલાતી ૬:૨) ઈસુ આપણને કહે છે: ‘યહોવાહ પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર. અને પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.’ (માત્થી ૨૨:૩૭-૩૯) એ કહેવું સહેલું છે પણ કરવું ખૂબ અઘરું છે. આપણામાં પાપનો ડાઘ છે. તેથી આપણે ઘણી વાર સ્વાર્થી બનીને પોતાનો જ વિચાર કરીએ છીએ. સ્કૂલમાં કે નોકરી પર કોઈ તકલીફ આવી પડે છે ત્યારે આપણે સ્વાર્થી બની જઈ શકીએ છીએ. જીવનના દુઃખ-સુખમાં આપણે બસ પોતાનો વિચાર કરીએ છીએ. દુઃખની વાત એ છે કે લોકો દિવસે દિવસે વધારેને વધારે સ્વાર્થી બનતા જાય છે. બાઇબલે વર્ષો પહેલાં કહ્યું હતું કે, ‘છેલ્લા સમયમાં માણસો સ્વાર્થી’ બનશે.—૨ તીમોથી ૩:૧, ૨.

તો આપણે કઈ રીતે સ્વાર્થ વગરના બની શકીએ? ઈસુએ તેમના શિષ્યોને કઈ સલાહ આપી? આપણે એ કઈ રીતે પાડી શકીએ?

તમે કોના માટે જીવો છો?

૫. ઈસુ ગલીલમાં હતા ત્યારે તે શિષ્યોને શું કહ્યું ને શિષ્યોને શું લાગ્યું?

ઈસુ તેમના શિષ્યો સાથે કાઈસારીઆ ફિલિપીમાં છે. આ શહેર ગાલીલની ઉત્તર બાજુ આવેલું છે. એ સુંદર મજાના મેદાનમાં તે શિષ્યોને કહે છે: “હું યરૂશાલેમમાં જાઉં, ને વડીલો તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું વેઠું, ને માર્યો જાઉં, ને ત્રીજે દહાડે પાછો ઊઠું.” (માત્થી ૧૬:૨૧) આ સાંભળીને શિષ્યોના રુવાંટા ઊભા થઈ ગયા! કેમ કે તેઓને તો એમ જ હતું કે ઈસુ રાજા બનીને પૃથ્વી પર રાજ કરશે.—લુક ૧૯:૧૧; પ્રેરિતોનાં કૃત્યો ૧:૬.

૬. શા માટે ઈસુએ પીતરને ઠપકો આપ્યો?

ઈસુના શબ્દો સાંભળીને પીતર તરત જ ઈસુને ‘એક બાજુએ લઈ જઈને તેમને ઠપકો આપવા લાગ્યા, ને કહ્યું, કે અરે પ્રભુ એવું તમને કદી થશે નહિ. પણ ઈસુએ પીતરને કહ્યું, કે અરે શેતાન, મારી પછવાડે જા; તું મને ઠોકરરૂપ છે; કેમકે દેવની વાતો પર નહિ, પણ માણસની વાતો પર તું ચિત્ત લગાડે છે.’ ઈસુને ખબર હતી કે યહોવાહના કહ્યું કરવા માટે તેણે પોતાનો જીવ પણ આપી દેવો પડશે. પરંતુ પીતર એમ વિચારતા હતા કે શા માટે દુઃખ તકલીફ વેઠવી. આથી એમ કહ્યું “એવું તને કદી થશે નહિ.” ભલે પીતરે પ્રેમથી ઈસુને એવી શીખામણ આપી, પણ તેમના વિચારમાં થોડો સ્વાર્થ હતો. તેમના પર પણ થોડા ઘણા શેતાનના રંગના છાંટા પડ્યા હતા. એટલે જ ઈસુએ પીતરને કહ્યું કે તું “દેવની વાતો પર નહિ, પણ માણસની વાતો પર” ધ્યાન આપે છે.—માત્થી ૧૬:૨૨, ૨૩.

૭. માત્થી ૧૬:૨૪માં ઈસુએ તેમના શિષ્યોને કઈ સૂચનાઓ આપી હતી?

આજે પણ દુનિયામાં ઘણા લોકો કહેશે ‘તનતોડ મહેનત કરવાની શું જરૂર છે? થોડું એશથી જીવો.’ પણ ઈસુ આપણને કહે છે: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું.” (માત્થી ૧૬:૨૪) ધ ન્યૂ ઇન્ટટ્રપ્રેટર્સ બાઇબલ કહે છે કે ‘આ કલમ સર્વ લોકોને ખ્રિસ્તી બનવા અરજ કરતી નથી. પણ એ ખાસ કરીને ખ્રિસ્તીઓ માટે છે. તેઓએ આ શબ્દો પર વિચાર કરવો જોઈએ કે તેઓ ઈસુના ખરા શિષ્યો છે કે કેમ.’ આ કલમમાં ઈસુએ પોતાના શિષ્યોને ત્રણ મહત્ત્વની સૂચનો આપી હતી. ચાલો આપણે એ જોઈએ.

૮. “પોતાનો નકાર કરવો” અર્થ શું થાય છે?

પહેલા, ઈસુએ કહ્યું કે આપણે પોતાનો નકાર કરવો જોઈએ. મૂળ ગ્રીક ભાષામાં એનો અર્થ એ થાય કે આપણે સ્વાર્થી વિચારોને કાઢી નાખવા જોઈએ. પરંતુ એનો અર્થ એવો નથી કે આપણે બસ સાધુની જેમ જીવીએ કે જીવનમાં મજા ન માણીએ. પોતાનો નકાર કરવાનો અર્થ એ છે કે આપણે યહોવાહના દરેક બોલ જીલવા તૈયાર છીએ. તેથી, આપણને પોતાના ‘શરીર પર કોઈ અધિકાર નથી.’ (૧ કોરિંથી ૬:૧૯, ૨૦, IBSI) આપણે આપણું જીવન યહોવાહને અર્પીએ ને બાપ્તિસ્મા લઈએ ત્યારે યહોવાહ આપણા દિલના માલિક બને છે. પછી આપણે પોતાની ઇચ્છા પૂરી કરવાને બદલે વિચારીએ છીએ કે ‘હું કઈ રીતે યહોવાહને ખુશ કરી શકું?’ એ કરવા માટે આપણે ઘણી બાબતોને જતી કરવી પડશે. આપણું અર્પણ નિભાવવા માટે આપણે જિંદગીભર યહોવાહ ખુશ રહે એવા નિર્ણયો લેવા પડશે.

૯. (ક) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે વધસ્તંભ શાને રજૂ કરતો? (ખ) આપણે કઈ રીતે વધસ્તંભ ઊંચકીને જીવીએ છીએ?

ઈસુએ આપણને પોતાનો વધસ્તંભ ઊંચકવાનું પણ જણાવ્યું. ઈસુના જમાનામાં ફક્ત ગુનેગારોને જ વધસ્તંભ પર લટકાવવામાં આવતા હતા. વધસ્તંભને ઊંચકવાનો અર્થ થતો દુઃખ સહન કરવું. આમ, ઈસુ કહેવા માગતા હતા કે તેમના પગલે ચાલવાથી ખ્રિસ્તીઓ પર સતાવણી આવશે. લોકો આપણી એટલી હદે નફરત કરશે કે તેઓ મારી નાખતા પણ નહિ ખચકાય. શા માટે? કેમ કે આપણે ઈસુની જેમ આ જગતના નથી. (યોહાન ૧૫:૧૮-૨૦) આપણી વાણી-વર્તન આ દુનિયાના લોકો કરતાં સાવ જુદી છે. એટલે તેઓ ઘરમાં, કામે કે સ્કૂલે એમ ગમે ત્યાં આપણી ‘નિંદા કરે છે.’ (૧ પીતર ૪:૪; લુક ૯:૨૩) તેમ છતાં, આપણે આ બધું સહન કરવા તૈયાર છીએ કેમ કે આપણે માણસોને કે પોતાને નહિ, પણ યહોવાહને ખુશ કરવા માટે જીવીએ છીએ. ઈસુએ કહ્યું: “જ્યારે લોક તમારી નિંદા કરશે, ને પૂઠે લાગશે, ને મારે લીધે તમારી વિરૂદ્ધ તરેહ તરેહની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમને ધન્ય છે. તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ; કેમકે આકાશમાં તમારો બદલો મોટો છે.” (માત્થી ૫:૧૧, ૧૨) યહોવાહની કૃપા મેળવવા માટે આપણે કંઈ પણ સહન કરવા તૈયાર છીએ!

૧૦. ઈસુની પાછળ ચાલવામાં આપણે શું કરવું જોઈએ?

૧૦ ઈસુની ત્રીજી સલાહ હતી કે આપણે તેમની પાછળ ચાલવું જોઈએ. નવા કરાર વિષેનો શબ્દકોશ (અંગ્રેજી) કહે છે: ‘એનો અર્થ એ થાય કે એ બંને વ્યક્તિઓ એક જ દિશામાં ચાલતી હોય.’ આના વિષે ૧ યોહાન ૨:૬ કહે છે: “હું તેનામાં [યહોવાહમાં] રહું છું, એમ જે કહે છે, તેણે જેમ તે [ઈસુ] ચાલ્યો તેમજ ચાલવું જોઇએ.” ઈસુ યહોવાહને માર્ગે કેવી રીતે ચાલ્યા? એક તો તેમનામાં કોઈ સ્વાર્થ ન હતો. તેમની રગે-રગમાં બસ યહોવાહ અને તેમના શિષ્યો માટેનો પ્રેમ વહેતો હતો. પાઊલે કહ્યું કે “ખ્રિસ્તે પોતાના સુખનો વિચાર કર્યો ન હતો.” (રોમનો ૧૫:૩, પ્રેમસંદેશ) તે ભૂખ્યા હતા અને લોથ-પોથ થઈ ગયા હતા ત્યારે પણ પોતાનો નહિ પરંતુ બીજાઓનો વિચાર કર્યો. (માર્ક ૬:૩૧-૩૪) ઈસુએ પૂરા દિલથી પ્રચાર પણ કર્યો. તેમણે આપણને કહ્યું: ‘સર્વ દેશનાઓને શિષ્ય કરો; ઈસુ જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.’ (માત્થી ૨૮:૧૯, ૨૦) ઈસુએ આપણા માટે સારો દાખલો બેસાડ્યો. આપણે ‘તેમને પગલે ચાલવું’ જોઈએ ને હોંશથી પ્રચાર કરવો જોઈએ.—૧ પીતર ૨:૨૧.

૧૧. આપણે શા માટે સ્વાર્થ કાઢીને, પોતાનો વધસ્તંભ ઊંચકીને ઈસુની પાછળ ચાલવું જોઈએ?

૧૧ આપણે સ્વાર્થ કાઢીને, પોતાનો વધસ્તંભ ઊંચકીએ ત્યારે જ ઈસુની પાછળ ચાલી શકીએ છીએ. જો આપણે પૂરી રીતે આ સ્વાર્થ વગરનો પ્રેમ બતાવીએ તો આપણે કશાની ચિંતા નહિ કરીએ. કેમ કે ઈસુએ કહ્યું: “જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે, તે તેને ખોશે; પણ જે કોઇ મારે લીધે પોતાનો જીવ ખોશે, તે તેને બચાવશે. કેમકે જો માણસ આખું જગત મેળવે, ને પોતાના જીવની હાનિ પામે, તો તેને શો લાભ થશે? અથવા માણસ પોતાના જીવને બદલે શું આપશે?”—માત્થી ૧૬:૨૫, ૨૬.

‘ઈશ્વર અને પૈસાની સેવા કરાય નહિ’

૧૨, ૧૩. (ક) એક ધનવાન માણસ કેવી ચિંતા કરતો હતો? (ખ) ઈસુએ એ માણસને કેવી સલાહ આપી ને શા માટે?

૧૨ એક પ્રસંગે એક ધનવાન માણસે ઈસુને પૂછ્યું: “ઉપદેશક, સર્વકાળનું જીવન પામવા સારૂ હું શું સારૂં કરૂં?” ઈસુએ કહ્યું: “આજ્ઞાઓ પાળ.” પછી તેમણે તેને અમુક ખાસ નિયમો યાદ કરાવ્યા. આ સાંભળીને માણસે ખરા દિલથી કહ્યું: “એ બધી તો હું પાળતો આવ્યો છું. હજી મારામાં શું અધૂરૂં છે? ઈસુએ તેને કહ્યું, કે જો તું સંપૂર્ણ [સાચો ભક્ત] થવા ચાહે છે, તો જઈને તારૂં જે છે તે વેચી નાખ, ને દરિદ્રીઓને આપી દે, એટલે આકાશમાં તને દ્રવ્ય મળશે; અને આવીને મારી પાછળ ચાલ.”—માત્થી ૧૯:૧૬-૨૧.

૧૩ ઈસુ જાણતા હતા કે એ માણસ પૈસા પાછળ પડેલો છે. જો તેણે યહોવાહના સાચા ભક્ત બનવું હોય, તો તેણે ધન-દોલતને છોડી દેવી પડશે. શા માટે? કેમ કે ઈસુએ કહ્યું કે, “દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહિ.” (માત્થી ૬:૨૪) તેનું ધ્યાન ફક્ત યહોવાહની ભક્તિ પર જ રાખવું જોઈએ. (માત્થી ૬:૨૨) પણ જો એ ધનવાન તેનું ધન-દોલત ગરીબોને આપી દીધું હોત, તો તેણે ખરેખર બતાવ્યું હોત કે તે સ્વાર્થ વગરનો હતો. આ કરવાથી તે ખરેખર ઈશ્વરની નજરે ધનવાન બની શક્યો હોત. કઈ રીતે? તેને ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવાનો બદલો મળ્યો હોત. એ આશીર્વાદની સરખામણીમાં પૈસા શું? કંઈ જ નહિ ને! પણ દુઃખની વાત એ છે કે આ માણસે પોતાનો સ્વાર્થ ન કાઢ્યો. ઈસુની સલાહ સાંભળીને તે “દિલગીર થઈને ચાલ્યો ગયો, કેમકે તેની મિલકત ઘણી હતી.” (માત્થી ૧૯:૨૨) પણ બીજા ઘણા વ્યક્તિઓએ ઈસુની સલાહ દિલમાં ઉતારી.

૧૪. ઈસુની સલાહ સાંભળીને ચાર માછીમારે શું કર્યું?

૧૪ આ બનાવના લગભગ બે વર્ષ પહેલાં, ઈસુએ ચાર માછીમારોને એ જ સલાહ આપી હતી. દરિયા કાંઠે ઈસુએ પીતર, આન્દ્રિયા, યાકૂબ ને યોહાનને કહ્યું: “મારી પાછળ આવો, ને હું તમને માણસોને પકડનારા કરીશ.” અમુક વખત પછી આ ચાર માણસો તેઓનો કામ-ધંધો છોડીને ઈસુને પગલે ચાલે છે.—માત્થી ૪:૧૮-૨૨.

૧૫. એક બહેને સાક્ષી બનવા માટે કેવો નિર્ણય લેવો પડ્યો?

૧૫ આજે ઘણા વ્યક્તિઓએ આ માછીમારો જેવો નિર્ણય લીધો છે. તેઓ ધન-દોલત છોડીને ઈસુને પગલે ચાલવા લાગ્યા છે. ડેબ્રાબહેન કહે છે: ‘હું લગભગ ૨૨ વર્ષની હતી ત્યારે હું યહોવાહ વિષે શીખવા લાગી. સ્ટડીના છ-એક મહિના પછી મારે મોટો નિર્ણય લેવો પડ્યો. હું દિલથી યહોવાહની ભક્તિ કરવા તૈયાર હતી. પણ મારા પરિવારે કડક શબ્દોમાં ના પાડી દીધી. તેઓ કરોડપતિ હતા. આથી, તેઓને એમ લાગતું હતું કે સાક્ષી બનવાથી તેઓની આબરૂના કાંકરા થઈ જશે. તેઓએ મને કહ્યું કે આ ધર્મને છોડી દે અને અમારી સાથે રાણીની જેમ રહે. અથવા તારા ધર્મને પકડી રાખ ને ઘરમાંથી નીકળી જા ને ફરી કદી તારું મોં અમને બતાવીશ નહિ. મારે ૨૪ કલાકમાં નિર્ણય લેવાનો હતો. યહોવાહના માર્ગદર્શનથી મેં મનમાં ગાંઠ વાળી. તેમણે મને ખૂબ હિંમત આપી. છેલ્લાં ૪૨ વર્ષથી હું યહોવાહની સેવા કરવાનો આનંદ માણું છું. મેં લીધેલા આ નિર્ણયથી મને જરાય પસ્તાવો થતો નથી. જો મેં એશ-આરામમાં જીવવાનું પસંદ કર્યું હોત, તો બધું જ હોવા છતાં મારા પરિવારના જેમ, મારું જીવન પણ નકામું બની જાત. મેં ને મારા પતિએ ઘણા લોકોને યહોવાહ વિષે શીખવ્યું છે. તેઓ મારા વહાલા બાળકો જેવા છે. પૈસાથી મને આવું સુખી કદીય મળ્યું ન હોત.’ લાખો બીજા સાક્ષીઓ આ બહેન સાથે સહમત થાય છે. શું તમે પણ એવું કહી શકો છો?

૧૬. આપણે યહોવાહ માટે જીવીએ છીએ એવું કઈ રીતે બતાવી શકીએ?

૧૬ દર વર્ષે હજારો હજારો ભાઈ-બહેનો પાયોનિયરીંગ કરે છે. તેઓ ફક્ત યહોવાહ માટે જ જીવે છે એમ પોતાના જીવનથી બતાવી આપે છે. બીજા ઘણા ભાઈ-બહેનો પાયોનિયરીંગ કરી શકતા નથી. તો પણ તેઓ યહોવાહ વિષે ખુશખબરી ફેલાવવા પોતાનાથી બનતું બધું જ કરે છે. ઘણા બાળકોના માબાપ પણ સત્ય માટે એવો પ્રેમ બતાવે છે. તેઓ જીવનમાં ઘણું જતું કરે છે જેથી તેમના બાળકો સત્ય શીખે. યહોવાહની ભક્તિ આપણાં જીવનમાં પ્રથમ છે એ આપણે નાની-મોટી બાબતોમાં બતાવી શકીએ છીએ.—માત્થી ૬:૩૩.

પ્રેમથી સેવા કરો

૧૭. આપણે શા માટે ઈસુના પગલે ચાલીએ છીએ?

૧૭ સ્વાર્થ વગરનો પ્રેમ બતાવવો સહેલો નથી. તેમ છતાં, આપણે આવો પ્રેમ બતાવવો જોઈએ. કેમ કે ‘ખ્રિસ્તની પ્રીતિ આપણને ફરજ પાડે છે; કારણ કે આપણે એવું ચોક્કસ સમજીએ છીએ, કે એક સર્વેને વાસ્તે મૂઓ. જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને અર્થે નહિ, પણ જે તેઓને વાસ્તે મૂઓ તથા પાછો ઊઠ્યો તેને અર્થે જીવે.’ (૨ કોરીંથી ૫:૧૪, ૧૫) યહોવાહે અને ઈસુએ આપણા માટે કેટલો પ્રેમ બતાવ્યો! અરે, આપણે પાપમાંથી બચીએ માટે ઈસુએ પોતાનો જીવ પણ આપી દીધો. શું આ જાણ્યા પછી પણ આપણે આ દુનિયાની મોજ-મજા પાછળ જવું જોઈએ? જરાય નહિ! આપણે ઈસુને ખૂબ ચાહીએ છીએ. યહોવાહને પ્રેમ કરીએ છીએ. દિલથી યહોવાહને માર્ગે ચાલવા તૈયાર છીએ.—યોહાન ૩:૧૬; ૧ યોહાન ૪:૧૦, ૧૧.

૧૮. આપણે શા માટે જીવનમાં ભોગ આપવા અચકાવું જોઈએ નહિ?

૧૮ શું યહોવાહની ભક્તિ પ્રથમ મૂકવાથી આપણને કોઈ ફાયદો થાય છે? હા, જરૂર. ઈસુના સમયના ધનવાન માણસને લાગ્યું કે તેને કંઈ ફાયદો નહિ થાય. તે ચાલ્યો ગયો પછી પીતરે ઈસુને પૂછ્યું: “જો, અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે?” (માત્થી ૧૯:૨૭) ઈસુએ કહ્યું કે તેઓને સ્વર્ગમાં તેમની સાથે રાજ કરવાનો હક્ક મળશે. કેટલો મોટો આશીર્વાદ! (માત્થી ૧૯:૨૮) ઈસુ કહ્યું: ‘કોઈએ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાના ઘરને કે ભાઈઓને કે બહેનોને કે માને કે બાપને કે છોકરાંને કે ખેતરોને મૂકી દીધાં હશે, તે હમણાં આ કાળમાં સોગણાં તથા આવતા કાળમાં અનંતજીવન, પામ્યા વગર રહેશે નહિ.’ (માર્ક ૧૦:૨૯, ૩૦) વિચાર કરો, આપણે થોડો-ઘણો ભોગ આપવો પડશે. પરંતુ આપણે સપનેય વિચાર્યું ન હોય એટલા આશીર્વાદો મળશે! તમે સત્ય શીખ્યા એના લીધે તમારા કુટુંબે તમને છોડી દીધા હોય શકે. પરંતુ શું મંડળમાં હવે તમારા ઘણા મા, બાપ, ભાઈ ને બહેનો જેવા જ નથી? તમને કોના જેવું બનવું છે? પીતર જેવું કે એ ધનવાન માણસ જેવું?

૧૯. (ક) ખરો આનંદ ક્યાંથી મળે છે? (ખ) આવતા લેખમાં આપણે શું શીખીશું?

૧૯ ઈસુએ વાણી-વર્તનથી બતાવ્યું કે સ્વાર્થ વગરનો પ્રેમ બતાવી શકાય છે. તેમણે કહ્યું કે લેવા કરતાં આપવામાં વધારે આનંદ આવે છે. (માત્થી ૨૦:૨૮; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) આપણે પોતાના સપના પૂરા કરવાને બદલે ઈસુને પગલે ચાલીએ ત્યારે આપણને ખરો આનંદ મળે છે. આપણે યહોવાહ માટે જીવીએ ત્યારે આપણને હંમેશ માટેના સુખી જીવનનો આશીર્વાદ મળે છે. યહોવાહની ભક્તિ કરવાથી આપણે કઈ રીતે સુખી થઈ શકીએ? આપણે કેવા નિર્ણયો લેવા જોઈએ જેથી આપણે આપણા માલિક યહોવાહને ખુશ કરી શકીએ? બીજો લેખ આ પ્રશ્નોના જવાબ આપશે.

તમને ખ્યાલ છે?

• આપણે શા માટે સ્વાર્થી ન બનવું જોઈએ?

• આપણે પોતાનો નકાર કરીએ, વધસ્તંભ ઊંચકીએ ને ઈસુના પાછળ ચાલીએ, એનો શું અર્થ થાય?

• આપણે શા માટે યહોવાહ માટે જીવીએ છીએ?

• આપણે શા માટે જીવનમાં રાજી-ખુશીથી ભોગ આપવા તૈયાર રહેવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૧ પર ચિત્ર]

‘અરે પ્રભુ, એવું તને કદી થશે નહિ.’

[પાન ૧૩ પર ચિત્ર]

ધનવાન માણસે કેમ ઈસુના પગલે ચાલ્યો નહિ?

[પાન ૧૫ પર ચિત્ર]

સ્વાર્થ વગરનો પ્રેમને લીધે આપણે પૂરા દિલથી પ્રચાર કરીએ છીએ