દુનિયાના લોકો પર ઈસુનો પ્રભાવ
દુનિયાના લોકો પર ઈસુનો પ્રભાવ
બાઇબલના એક ભાષાંતરકાર એડગર ગુડસ્પીડે કહ્યું: ‘બાઇબલમાં માત્થી, માર્ક, લુક અને યોહાનનું પુસ્તક ઈસુના ઉપદેશ વિષે જણાવે છે. એ સર્વ શિક્ષણ ઈસુએ લગભગ બે કલાકમાં આપી શક્યું હોત. તોપણ, એમાં ઈસુએ જે બોધ આપ્યો એ ઘણા લોકોના હૃદય સોંસરવો ઊતરી ગયો છે. તેમના જેવું અગાઉ બીજા કોઈએ શીખવ્યું ન હતું. સાચે જ ઈસુનું શિક્ષણ ચારે ખૂણે ફેલાયું છે.’
ઈસવીસન ૩૩માં ઈસુએ પ્રચાર કાર્ય પૂરું કર્યું ત્યારે તેમના લગભગ ૧૨૦ શિષ્યો હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૧૫) આજે બસો કરોડથી વધારે લોકો પોતાને ખ્રિસ્તી કહેવડાવે છે. કરોડો લોકો ઈસુને પ્રબોધક માને છે. ખરેખર, ઈસુના ઉપદેશની સર્વ માણસજાત પર અસર પડી છે.
અરે, બીજા ધર્મના લોકો પણ ઈસુના ઉપદેશથી પડેલા પ્રભાવને કબૂલે છે. દાખલા તરીકે, યહુદી ધર્મગુરુ હાઈમેન એનેલોએ લખ્યું: “માનવ ધર્મના ઇતિહાસમાં ઈસુ લોકોના માનસપટ પર ખૂબ લોકપ્રિય રહ્યા છે; તેમના વિષે સૌથી વધારે અભ્યાસ થયો છે, અને લોકોના મન પર તેમના જેવો પ્રભાવ બીજા કોઈનો નથી.” એનેલો આગળ જણાવે છે: “લોકો પર ઈસુનો જે પ્રભાવ છે એનો કોણ નકાર કરી શકે? તેમણે લોકોમાં જે પ્રેમની જ્યોત જલાવી, દિલાસો આપ્યો, જતું કરવાની ભાવના જગાવી, લોકોમાં ખુશી અને આશાનું
કિરણ ફેલાવ્યું. તેમની તોલે બીજું કોઈ આવી જ ન શકે. માનવજાતના સુખ માટે તેમણે જે કંઈ કર્યું છે એ જોતા ઇતિહાસમાં તેમના જેટલું મહાન બીજું કોઈ નથી.” ગાંધીજીએ પણ કહ્યું હતું: ‘ઈસુએ માનવજાતના સુખ માટે જે કર્યું એવું તો બીજા કોઈએ પણ કર્યું નથી. હું જરૂર કહીશ કે ખ્રિસ્તી ધર્મ એક સારો ધર્મ છે.’ આગળ તે જણાવે છે: ‘પણ તમારા ખ્રિસ્તીઓમાં મુશ્કેલી એ છે કે તમે જે શીખવો છો એને આચરણમાં મૂકતા નથી.’ખરેખર, આજે કહેવાતા ખ્રિસ્તીઓ ઈસુને પગલે ચાલતા નથી. તેઓના કામો છાપરે ચઢીને પોકારે છે. ખ્રિસ્તી ધર્મના ઇતિહાસકાર સેસીલ જોન કાડોએ કહ્યું: ‘છેક ઈસવીસન ૧૪૦થી ચર્ચના પાદરીઓ જોતા આવ્યા છે કે તેમના લોકો નૈતિક સંસ્કારોમાં કેવા બેદરકાર બની રહ્યા છે. ધીરે ધીરે ચર્ચ દુનિયાને માર્ગે જઈ રહ્યું છે. કેમ કે એમાં ઈસુના ઊંચા ધોરણો રહ્યાં નથી.’
ખાસ કરીને ચોથી સદીથી ચર્ચના સંસ્કાર હલકા થતા ગયા. કેમ કે, ચોથી સદીમાં રોમન સમ્રાટ કોન્સ્ટન્ટાઈને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. કાડોએ લખ્યું: ‘ઇતિહાસકારોએ નોંધ્યું છે કે કોન્સ્ટન્ટાઈનને લીધે ચર્ચના ધોરણો પણ સાવ હલકા થતા ગયા. ઇતિહાસકારોને એ જરાય પસંદ ન હતું.’ ત્યારે ખ્રિસ્તીઓએ ખ્રિસ્તી મૂલ્યોને મચકોડીને ઈસુના નામને જે બટ્ટો લગાડ્યો હતો એને આજેય કહેવાતા ખ્રિસ્તીઓ વળગી રહ્યા છે.
તો પછી, પ્રશ્ન એ ઊભો થાય છે કે: ઈસુએ ખરેખર શું શીખવ્યું હતું? એ ઉપદેશની આપણા પર શું અસર પડવી જોઈએ?
[પાન ૩ પર ચિત્ર]
‘ઈસુએ માનવજાત માટે જે કર્યું એવું બીજા કોઈએ કર્યું નથી.’—મોહનદાસ કે. ગાંધી
[પાન ૩ પર ચિત્ર]
‘ઈસુનું શિક્ષણ ચારે ખૂણે ફેલાયું છે.’—એડગર ગુડસ્પીડ
[ક્રેડીટ લાઈન]
Culver Pictures