“મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા”
“મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા”
‘મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા; [તેથી] દેવને મહિમા આપો.’—૧ કોરીંથી ૬:૨૦.
૧, ૨. (ક) યહોવાહના નિયમ મુજબ માલિકે પોતાના દાસ સાથે કેવો વહેવાર રાખવાનો હતો? (ખ) સાતમે વર્ષે દાસ કયો નિર્ણય લઈ શકતો?
બાઇબલનો એક શબ્દકોશ કહે છે: ‘પ્રાચીન સમયમાં ઘણા લોકો ગુલામો રાખતા હતા. મિસર, ગ્રીસ અને રોમમાં વેપાર ધંધો કરવા માટે ગુલામોનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. પ્રથમ સદીમાં ઇટાલીની વસ્તીમાંથી ૩૦ ટકા ગુલામ હતા. આજુબાજુના દેશોની વસ્તીમાં પણ લગભગ ૨૫ ટકા લોકો ગુલામ હતા.’
૨ મુસાના દિવસોમાં પણ લોકોને ગુલામ તરીકે રાખવામાં આવતા હતા. તેથી, યહોવાહે નિયમો આપ્યા હતા. જેથી હેબ્રી ગુલામો પર અત્યાચાર ન થાય, પણ તેઓને પ્રેમ અને દયા બતાવવામાં આવે. દાખલા તરીકે, એક નિયમ એવો હતો કે કોઈ પણ માલિક દાસ કે ગુલામને ફક્ત છ વર્ષ માટે જ કામ કરાવી શકતા. પરંતુ, “સાતમે વર્ષે તે એમ ને એમ છૂટી” જતો. “પણ જો તે દાસ સ્પષ્ટ કહે, કે હું મારા શેઠને તથા મારી સ્ત્રીને તથા મારાં છોકરાંને ચાહું છું; મારે તો છૂટવું નથી; તો તેનો શેઠ તેને ન્યાયાધીશોની રૂબરૂ લઈ જાય, ને તે તેને દ્વાર પાસે કે બારસાખ પાસે લાવે; અને તેનો શેઠ તેનો કાન આરથી વીંધે; એટલે કે તે સદાને માટે તેનો દાસ થાય.”—નિર્ગમન ૨૧:૨-૬; લેવીય ૨૫:૪૨, ૪૩; પુનર્નિયમ ૧૫:૧૨-૧૮.
૩. (ક) પ્રથમ સદીમાં ખ્રિસ્તીઓ કોના દાસ બન્યા? (ખ) આપણે શા માટે ઈશ્વરના સેવકો બનીએ છીએ?
૩ જોકે, આજે આપણે પણ એક રીતે દાસ જ છીએ. પરંતુ આપણો માલિક કોઈ માણસ નથી. પાઊલ, યાકૂબ, પીતર અને યહુદાની જેમ, આપણે પરમેશ્વર યહોવાહ ને તેમના પુત્ર ઈસુના દાસ કે સેવકો છીએ. (તીતસ ૧:૧; યાકૂબ ૧:૧; ૨ પીતર ૧:૧; યહુદા ૧) પાઊલે કહ્યું હતું કે થેસ્સાલોનીકીના ભાઈ-બહેનો મૂર્તિને બદલે ‘જીવતા તથા ખરા દેવની સેવા કરવા’ લાગ્યા. (૧ થેસ્સાલોનીકી ૧:૯, ૧૦) આ ખ્રિસ્તીઓ શા માટે ઈશ્વરની સેવા કરવા લાગ્યા? કેમ કે તેઓ ઈશ્વરને ખૂબ ચાહતા હતા. આજે પરમેશ્વર યહોવાહ આપણા માલિક છે. તેમના પ્રેમને લીધે આપણે “પૂરા અંતઃકરણથી તથા પૂરા જીવથી” તેમની સેવા કરીએ છીએ. (પુનર્નિયમ ૧૦:૧૨, ૧૩) આપણે કઈ રીતે ઈસુ ને યહોવાહની સેવા કરી શકીએ? આપણે તેમના સેવકો હોવાથી દરરોજ શું કરવું જોઈએ?
‘દેવના મહિમાને અર્થે સર્વ કરો’
૪. આપણે ઈસુ ને યહોવાહના સેવકો ક્યારે બનીએ છીએ?
૪ દાસો તેમના ‘માલિકનું કહ્યું કરે છે.’ તેથી આપણે આપણા જીવનનું અર્પણ કરીને બાપ્તિસ્મા લીધું, ત્યારે યહોવાહ આપણા માલિક બન્યા. એ વખતથી આપણે ‘પ્રભુ યહોવાહના જ છીએ.’ (રૂમી ૧૪:૮) ઈસુ વગર આપણે કદીયે યહોવાહની ભક્તિ કરી શક્યા ન હોત. કેમ નહિ? કેમ કે આપણમાં પાપનો ડાઘ છે. ઈસુએ પોતાનું લોહી વહેવડાવીને આપણને પાપમાંથી બચાવ્યા. એટલે જ અમુક તેમની સાથે સ્વર્ગમાં જશે ને બાકીના પૃથ્વી પર સદા માટે જીવશે. (એફેસી ૧:૭; ૨:૧૩; પ્રકટીકરણ ૫:૯) ઈસુએ લોહીથી ‘મૂલ્ય આપીને આપણને ખરીદ્યા.’ (૧ કોરીંથી ૬:૧૯, ૨૦) આપણે હવે પોતાના માલિક નથી. આપણે ઈશ્વરની સેવા કરવા માટે જીવીએ છીએ. તેથી આપણે તેમની આજ્ઞાને પૂરા દિલથી પાળવી જોઈએ.—૧ પીતર ૧:૧૮, ૧૯.
૫. યહોવાહના દાસ તરીકે આપણે શું કરવું જોઈએ?
૫ કોઈ દાસ તેમના માલિકનો દરેક હુકમ માને છે, તેમ આપણે યહોવાહની દરેક આજ્ઞાઓ પાળવી જોઈએ. આ એવી કોઈ આજ્ઞા નથી કે જેનાથી આપણે દબાય જઈએ. કેમ કે, ૧ યોહાન ૫:૩ કહે છે: “આપણે દેવની આજ્ઞાઓ પાળીએ, એ જ દેવ પરનો પ્રેમ છે; અને તેની આજ્ઞાઓ ભારે નથી.” હા, આપણે રાજી-ખુશીથી યહોવાહની આજ્ઞા પ્રમાણે કરવું જોઈએ. હંમેશાં આપણે તેમની સેવા કરવા તૈયાર હોવા જોઈએ. પાઊલે કહ્યું: “તમે ખાઓ, કે પીઓ, કે જે કંઈ કરો તે સર્વ દેવના મહિમાને અર્થે કરો.” (૧ કોરીંથી ૧૦:૩૧) આપણે આપણા જીવનની હરેક પળથી બતાવીશું કે આપણે ખરેખર ઈશ્વરની સેવા કરીએ છીએ કે કેમ. તેથી સર્વ લોકો જોઈ શકશે કે આપણે ‘પ્રભુ યહોવાહની સેવા કરીએ’ છીએ.—રૂમી ૧૨:૧૧.
૬. ઈશ્વરના દાસ તરીકે આપણે કઈ રીતે નિર્ણય લઈશું? એના વિષે કોઈ દાખલો આપો.
૬ કોઈ પણ નાનો-મોટો નિર્ણય લેતી વખતે આપણે પહેલા વિચારવું જોઈએ કે, ‘શું હું મારા આ નિર્ણયથી મારા માલિક યહોવાહને ખુશ કરીશ કે દુઃખી?’ (માલાખી ૧:૬) આપણે મન ફાવે એમ ન કરવું જોઈએ, કેમ કે આપણું ‘હૃદય સહુથી કપટી ને ભૂંડું છે.’ (યિર્મેયાહ ૧૭:૯) યહોવાહને ખુશ કરવા આપણે તેમની ઇચ્છા પ્રમાણે જીવન જીવીશું. મલીસાનો અનુભવ સાંભળો. તેમણે બાપ્તિસ્મા લીધાને થોડો સમય જ થયો હતો. એક યુવક તેમના પ્રેમમાં પડ્યો. તે સાક્ષીઓ સાથે સ્ટડી કરતો હતો. મલીસાને લાગ્યું કે તે બહુ સારો છે, તેની સાથે લગ્ન કરવા જોઈએ. પરંતુ એક વડીલે મલીસાને કહ્યું કે, તેણે “કેવળ પ્રભુમાં” એટલે બીજા કોઈ યહોવાહના ભક્ત સાથે જ લગ્ન કરવા જોઈએ. (૧ કોરીંથી ૭:૩૯; ૨ કોરીંથી ૬:૧૪) મલીસાએ કહ્યું: ‘આ સલાહ સાંભળીને પહેલા તો મને દુઃખ થયું. પરંતુ પછી મેં વિચાર કર્યો કે મેં તો મારું જીવન યહોવાહને અર્પી દીધું છે. તો કેમ નહિ કે હું તેમના કહ્યા પ્રમાણે જ ચાલું.’ આ બનાવના થોડા સમય બાદ એ માણસે સ્ટડી કરવાનું છોડી દીધું. મલીસા કહે છે: ‘સારું થયું કે મેં વડીલની સલાહ દિલમાં ઉતારી. જો મેં એ યુવાન સાથે લગ્ન કર્યા હોત, તો ખબર નથી કે મારું શું થયું હોત!’
૭, ૮. (ક) આપણે કોને ખુશ રાખવા જોઈએ? (ખ) અનુભવ પરથી બતાવવો કે આપણે શા માટે માણસોથી ગભરાય જવું જોઈએ નહિ?
૭ યહોવાહના સેવકો તરીકે આપણે કદીયે માણસોના વિચારો પાછળ દોડીશું નહિ. (૧ કોરીંથી ૭:૨૩) દુનિયાના લોકો આપણને તેઓના જેવા બનવા માટે દબાણ કરી શકે, પરંતુ, આપણે ઢીલા પડી જવું જોઈએ નહિ. પાઊલે કહ્યું: “શું હું માણસોને રાજી કરવા ચાહું છું? જો હજી સુધી હું માણસોને રાજી કરતો હોઉં, તો હું ખ્રિસ્તનો સેવક નથી.” (ગલાતી ૧:૧૦) જો દુનિયાના લોકો આપણને તેઓના રંગમાં રંગી દેવાનો પ્રયત્ન કરે, તો આપણે યહોવાહને વળગી રહેવું જોઈએ!
૮ એલિના સ્પેનમાં રહે છે. તેના ક્લાસમાં અમુક યુવાનો હૉસ્પિટલમાં જઈને લોહી આપે છે. તેઓને જાણતા હતા કે એલિના લોહી આપતી નથી કે લેતી પણ નથી. ક્લાસમાં એક વખતે લોહી વિષેની ચર્ચા થતી હતી. એ સમયે, એલિનાએ લોહી વિષે હિંમતથી આખા ક્લાસને બાઇબલ સમજાણ આપી. એલિના કહે છે: ‘મેં ઘરેથી જ એની સારી તૈયારી કરી હતી. તેમ છતાં, ક્લાસમાં હું બહુ જ ગભરાતી હતી. તોપણ, મેં હિંમતથી ક્લાસને એ વિષે સમજાવ્યું. ત્યાર પછી ઘણા યુવાનો મને માન આપવા લાગ્યા. મારા ટીચરે પણ મારા પ્રચાર કામના ઘણા વખાણ કર્યા. હું બહુ ખુશ છું છે કે મેં યહોવાહ વિષે સાક્ષી આપી. તેમ જ, તેઓને બાઇબલમાંથી પણ સમજાવી શકી.’ (ઉત્પત્તિ ૯:૩, ૪; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯) યહોવાહ ને ઈસુના દાસો તરીકે આપણે દુનિયાના લોકોથી અલગ છીએ. જો આપણે હિંમતથી સત્ય વિષે સાક્ષી આપીએ તો કદાચ એલિનાની જેમ જ લોકો આપણને પણ માન આપશે.—૧ પીતર ૩:૧૫.
૯. એક સ્વર્ગદૂતના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?
૯ આપણે યહોવાહના દાસો છીએ એવું હંમેશા યાદ રાખીશું, તો આપણે ઘમંડથી ફૂલાઈ જઈશું નહિ. એક સ્વર્ગદૂતનો વિચાર કરો. તેણે યોહાનને દર્શન આપ્યું. એ દર્શન જોઈને યોહાન તેની આરાધના કરવા પગે પડે છે. પણ દૂતે તરત જ કહ્યું: “જોજે, એમ ન કર; હું તો તારો તથા જે પ્રબોધકો તારા ભાઈઓ છે તેઓનો તથા આ પુસ્તકની વાતોને પાળનારાઓનો સાથીદાસ છું; તું દેવની આરાધના કર.” (પ્રકટીકરણ ૨૨:૮, ૯) ઈશ્વરના સર્વ દાસો માટે આ સ્વર્ગદૂતે કેટલો સારો દાખલો બેસાડ્યો. મંડળમાં આપણી પાસે કોઈ મોટી જવાબદારી હોય. તોપણ આપણે હંમેશા નમ્ર રહેવું જોઈએ. આપણે ઈસુના શબ્દો યાદ રાખવા જોઈએ. તેમણે કહ્યું: “પણ તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તે તમારો સેવક થાય; અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે, તે તમારો દાસ થાય.” (માત્થી ૨૦:૨૬, ૨૭) મંડળમાં આપણે ભલે ગમે તેવું કામ કરીએ, ઈસુની નજરમાં આપણે બધા દાસ જ છીએ.
“જે કરવાની અમારી ફરજ હતી, તે જ અમે કર્યું છે”
૧૦. યહોવાહનું માનવાને બદલે અમુક સેવકોએ શું કર્યું?
૧૦ જોકે, યહોવાહની આજ્ઞા પાળવી સહેલું નથી. યહોવાહ મુસાને કહ્યું કે તેણે ઈસ્રાએલીઓને મિસરમાંથી છોડાવવાના છે, ત્યારે તને એ કામ જરાય ન ગમ્યું. (નિર્ગમન ૩:૧૦, ૧૧; ૪:૧, ૧૦) યૂનાને નીનવેહના લોકોને ચેતવણી આપવાનું કહ્યું, ત્યારે તે “યહોવાહની હજૂરમાંથી તાર્શીશ નાસી જવાને ઊઠ્યો.” (યૂના ૧:૨, ૩) ત્યાર પછી યિર્મેયાહના સેક્રેટરી બારૂખનો વિચાર કરો. હિંમત હારીને તેમની સેવા વિષે કચકચ કરવા લાગ્યો. (યિર્મેયાહ ૪૫:૨, ૩) જો તમે એ સંજોગોમાં હોત, તો તમે શું કર્યું હોત? આપણને યહોવાહ જે કઈ આજ્ઞા આપી છે એનાથી કંઈક બીજુ જ કરવાનું મન થાય, તો આપણે શું કરવું જોઈએ? ઈસુ એક વાર્તાથી આપણને જવાબ આપે છે.
૧૧, ૧૨. (ક) ઈસુએ લુક ૧૭:૭-૧૦માં જણાવેલી વાર્તા વિષે ટૂંકમાં જણાવો. (ખ) આમાંથી આપણે શું શીખીએ છીએ?
૧૧ એ વાર્તામાં ઈસુએ દાસની જવાબદારી વિષે જણાવ્યું. એક દાસે આખો દિવસ માલિકના ઢોરનું ધ્યાન રાખ્યું હતું. તે ઘરે આવ્યો ત્યારે થાકીને લોથપોથ થઈને ગયો હતો. તોપણ, તેના માલિક તેને એમ ન કહ્યું કે ‘આવ, મારી પાસે બેસ. થોડો આરામ કર કે થોડું ખા.’ પરંતુ, માલિકે કહ્યું: “હું ખાઈ પી રહું ત્યાં સુધી કમર બાંધીને મારી સેવા કર; અને પછી તું ખાજેપીજે?” માલિકની ચાકરી કર્યા પછી જ તે પોતે આરામ કરી શક્યો. ઈસુએ કહ્યું: “તેમ જે આજ્ઞાઓ તમને આપેલી છે તે સર્વ પાળ્યા પછી તમારે પણ એમ કહેવું, કે અમે નકામા ચાકરો છીએ; કેમકે જે કરવાની અમારી ફરજ હતી તે જ અમે કર્યું છે.”—લુક ૧૭:૭-૧૦.
૧૨ ઈસુ એમ કહેતા ન હતા કે આપણા માલિક ર્નિદય છે. અથવા તે આપણા કામને હલકું ગણે છે. બાઇબલ કહે છે, ‘દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, અને ભૂલે એવા અન્યાયી નથી.’ (હેબ્રી ૬:૧૦) તો ઈસુ શું કહેવા માંગતા હતા? એ કે યહોવાહના દાસ તરીકે આપણે મન ફાવે એમ કરી શકતા નથી. આપણે પોતાના દિલના રાજા નથી. આપણે આપણું જીવન યહોવાહને આપ્યું છે. તેથી આપણે રાજી-ખુશીથી કહેવું જોઈએ કે, ‘યહોવાહ મારા માલિક છે. હું તેમના માટે જ જીવવું છું!’
૧૩, ૧૪. (ક) કયા સંજોગોમાં આપણે યહોવાહની સેવામાં પાછા પડી શકીએ? (ખ)આપણે શા માટે યહોવાહની આજ્ઞાઓ પાળવી જોઈએ?
૧૩ બાઇબલ અને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા આપવામાં આવેલા પુસ્તકોમાંથી વધુ શીખવું ખૂબ મહેનત માગી લે છે. (માત્થી ૨૪:૪૫) જો આપણને વાંચવાનું જરાય ગમતું ન હોય કે આપણે બહુ ભણેલા ન હોય, તો અભ્યાસ કરવું વધારે અઘરું બને છે. ‘દેવના ઊંડા વિચારો શોધવા’ આસાન નથી! (૧ કોરીંથી ૨:૧૦) તો શું એનો અર્થ એ થાય કે આપણે અભ્યાસ ન કરવો જોઈએ? ના, આપણે નક્કી કરીને થોડો ઘણો તો શીખવું જ જોઈએ. આપણે શીખતા જ રહેશું તો, સત્યનો “ભારે ખોરાક” ગળે ઉતરશે.—હેબ્રી ૫:૧૪.
૧૪ આજનો વિચાર કરો. તમે નોકરી પરથી આવીને લોથ-પોથ થઈ ગયા છો. ત્યારે પછી શું તમને મિટિંગમાં કે પ્રચારમાં જવાનું મન થશે? તમે કદાચ બહાના કાઢી શકો! અજાણ્યા લોકો સાથે સત્ય વિષે વાત કરતાં આપણે પાછા પડી શકીએ. પાઊલ આ સારી રીતે જાણતા હતા તેથી તેમણે કહ્યું અમુક વખત આપણે ઈશ્વરની સેવા “રાજીખુશીથી” કરી શકીશું નહિ. (૧ કોરીંથી ૯:૧૭) તેમ છતાં આપણે શા માટે ભક્તિ કરતા રહેવું જોઈએ? કેમ કે આપણે યહોવાહને ચાહીએ છીએ. બીજું કે, તે આપણા માલિક છે તેથી તેમની આજ્ઞા પાળવી જ જોઈએ. તેમની આજ્ઞા પાળવાથી આપણને પોતાને કેટલો આનંદ મળે છે!—ગીતશાસ્ત્ર ૧:૧, ૨; ૧૨૨:૧; ૧૪૫:૧૦-૧૩.
‘પાછળ ન જુઓ’
૧૫. ઈશ્વરના દાસ તરીકે ઈસુએ કેવો દાખલો બેસાડ્યો?
૧૫ ઈસુએ કદીયે મનના રાજા ન હતા. તે હંમેશાં તેમના માલિક યહોવાહનો પડ્યો બોલ ઝીલવા તૈયાર રહેતા હતા. આથી જ, તે શિષ્યોને કહી શક્યા: “હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેણે મને મોકલ્યો છે તેની ઇચ્છા પૂરી કરવાને આકાશથી ઊતર્યો છું.” (યોહાન ૬:૩૮) ગેથસેમાને બાગમાં પ્રાર્થના કરતા કહ્યું: “ઓ મારા બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તારી ઇચ્છા પ્રમાણે થાઓ.”—માત્થી ૨૬:૩૯.
૧૬, ૧૭. (ક) આપણે જે જે જતું કર્યું છે એના વિષે આપણે શું વિચારવું જોઈએ? (ખ) પાઊલે શા માટે કહી શક્યા કે દુન્યવી વસ્તુઓ તો ‘કચરા’ સમાન જ છે?
૧૬ ઈસુ ચાહે છે કે આપણે આપણા માલિક યહોવાહની આજ્ઞા પાળીએ. તેમની આજ્ઞા વિષે કદી પણ બે વાર વિચાર કરવો ન જોઈએ. તેથી, તેમણે કહ્યું: “કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પછવાડે જુએ તો તે દેવના રાજ્યને યોગ્ય નથી.” (લુક ૯:૬૨) જો આપણે એમ વિચાર્યે કે, ‘અરેરે સત્ય માટે તો મેં ઘણું જતું કર્યું,’ તો આપણે રાજીખુશીથી ઈશ્વરની સેવા કરતા નથી. એના બદલે આપણે એમ વિચારવું જોઈએ કે, ‘યહોવાહની ભક્તિ કરવાથી મને કેટલા આશીર્વાદો મળ્યા છે.’ પાઊલે ફિલિપીના મંડળને કહ્યું: ‘ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનને લીધે, હું એ બધાંને હાનિ જ ગણું છું; એને લીધે મેં સઘળાનું નુકસાન સહન કર્યું, અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરૂં.’—ફિલિપી ૩:૮.
૧૭ સત્ય માટે પાઊલે કેવા ભોગ આપવા પડ્યા? તેમણે પૈસાનો મોહ રાખ્યો નહિ. યહુદી ધર્મમાં તે એક મોટા ગુરુ બની શક્યા હોત. તે તેમના શિક્ષક ગમાલીએલના દીકરા કે મોટા નેતા જેવા બની શક્યા હોત. (પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૩; ગલાતી ૧:૧૪) યહુદીઓ ૬૬-૭૦ના સાલમાં રૂમી સરકાર સામે થયા, ત્યારે ગમાલીએલનો દીકરો શિમઓન, ફરોશીઓનો નેતા બન્યો. એ વખતે રૂમીને હાથે કે યહુદીઓના હાથે તે માર્યો ગયો.
૧૮. યહોવાહની સેવા કરવાથી આપણને કેવો આનંદ મળે છે એ ઉદાહરણથી બતાવો.
૧૮ આજે ઘણા યહોવાહના સાક્ષીઓ પાઊલની જેમ જ પૈસા ને પદવીને કચરો જ ગણે છે. જીનબહેનનો વિચાર કરો. સ્કૂલ છોડ્યા પછી તેમને લંડનમાં એક સરસ નોકરી મળી. એક મોટી કંપનીમાં તે વકીલના સેક્રેટરી બન્યા. તે કહે છે, ‘એ કામમાં મને બહુ મઝા આવતી હતી. અરે, પૈસા પણ સારા એવા મળતા હતા! તોપણ દિલમાં કંઈક ખટકતું હતું. મને ખબર હતી કે યહોવાહ માટે હું વધુ કરી શકું છું. આથી. થોડા સમય બાદ મેં નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને તરત જ પાયોનિયરીંગ કરવાનું શરૂ કર્યું. હવે તો લગભગ ૨૦ વર્ષ વીતી ગયા છે! હું હજી પાયોનિર છું. મારી નોકરી મને કદીયે આટલો આનંદ આપી શકી ન હોત એટલો આનંદ મને લોકોને સત્ય શીખવવાથી મળે છે. તેઓ સત્ય સ્વીકારીને પોતાનું જીવન બદલાવે છે ત્યારે મારું દિલ ખુશીથી ઝૂમી ઊઠે છે. આ મારા માટે એક મોટો આશીર્વાદ છે. ભલે આપણે કંઈ પણ જતું કરીએ, યહોવાહના આશીર્વાદોની સરખામણીમાં એ કંઈ જ નથી!’
૧૯. આપણે શું કરવું જોઈએ ને શા માટે?
૧૯ ભલે આપણા સંજોગો દરરોજ બદલતા રહે, તોપણ આપણે યહોવાહના દાસો જ છીએ. તેમના સેવકો જ છીએ. યહોવાહ આપણી પાસે પરાણે તેમની સેવા કરાવતા નથી. તે બસ એ જ ચાહે છે કે આપણે પોતાની શક્તિ ને સંજોગો પ્રમાણે થાય એટલું કરીએ. આમ તે જોઈ શકે છે કે આપણા દિલમાં તેમના માટે કેટલો પ્રેમ છે ને તેમના માટે આપણે કેટલો ભોગ આપવા તૈયાર છીએ. (માત્થી ૬:૩૩) ભલે જીવનમાં ગમે એમ થાય, ચાલો આપણે યહોવાહની સેવા દિલથી કરતા રહીએ. પાઊલે કહ્યું: “જો ઇચ્છા હોય, તો તે કોઈની પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે માન્ય છે.”—૨ કોરીંથી ૮:૧૨.
‘તમને ફળ મળે છે’
૨૦, ૨૧. (ક) આપણે યહોવાહના સેવક બન્યા ત્યારથી યહોવાહે આપણા માટે શું કર્યું છે? (ખ) યહોવાહના સેવકો કરવાથી આપણને શું મળશે?
૨૦ યહોવાહ જ એક સાચા માલિક છે. તેમણે આપણને ક્રૂર માલિકના સકંજામાં ફસાતા બચાવ્યા છે. પાઊલે કહ્યું: “પાપથી મુક્ત થએલા, અને દેવના દાસ થએલા હોવાથી તમને આ ફળ મળે છે કે તમે પવિત્ર થાઓ છો, અને પરિણામે તમને અનંતજીવન મળે છે.” (રૂમી ૬:૨૨) યહોવાહને માર્ગે ચાલવાથી આપણા જીવનમાં કેવા ફેરફાર થયા છે, કેવા આશીર્વાદો મળ્યા છે, એનો વિચાર કરો. આપણે જાણે પવિત્ર બન્યા છીએ. વળી, તેમની સેવા કરવાથી આપણને સદા માટે સુખી જીવનનું વચન મળે છે.
૨૧ ખરેખર, યહોવાહ તેમના સેવકો પ્રત્યે ખૂબ દયા બતાવે છે. જો આપણે દિલથી તેમની સેવા કરતા રહીએ તો, તે ‘આકાશની બારીઓ ખોલીને’ આપણા પર “એટલો બધો આશીર્વાદ” વરસાવશે કે એનો કદી અંત આવશે નહિ. (માલાખી ૩:૧૦) તોપછી સદા માટે યહોવાહની ભક્તિ કરવાથી આપણને કેટલો આનંદ થશે!
તમને યાદ છે?
• આપણે શા માટે ઈશ્વરની ભક્તિ કરીએ છીએ?
• આપણે કઈ રીતે બતાવી શકીએ કે આપણે ઈશ્વરના સાચા સેવકો છીએ?
• શા માટે આપણે યહોવાહની સેવાને આપણા જીવનમાં પહેલી રાખવી જોઈએ?
• આપણે શા માટે ‘પાછળ ન જોવું’ જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૬ પર ચિત્ર]
ઈસ્રાએલી દાસોની જેમ આપણે પણ રાજી-ખુશીથી આપણા માલિક યહોવાહની સેવા કરીએ છીએ
[પાન ૧૭ પર ચિત્ર]
આપણે બાપ્તિસ્મા લઈને ઈશ્વરના સેવકો બનીએ છીએ
[પાન ૧૭ પર ચિત્ર]
આપણે જીવનમાં ઈશ્વરની ભક્તિ પ્રથમ મૂકીએ છીએ
[પાન ૧૮ પર ચિત્ર]
એક વખત મુસાને પણ યહોવાહનું કામ કરવામાં અચકાતા હતા