સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહની શક્તિથી શામશૂને મેળવેલી જીત

યહોવાહની શક્તિથી શામશૂને મેળવેલી જીત

યહોવાહની શક્તિથી શામશૂને મેળવેલી જીત

શામશૂન. એક સમયનો બળવાન ને શૂરવીર પુરુષ જાણે સાવ નિઃસહાય અવસ્થામાં આવી પડ્યો. દુશ્મનોએ પકડીને તેની આંખો ફોડી નાખી. પછી જેલમાં પૂરીને ચક્કી પિસાવી. પછી તેને જેલમાંથી તેઓના દેવના મંદિરમાં લઈ ગયા. શા માટે? જેથી ટોળું શામશૂનની ઠેકડી ઉડાવે. દુશ્મનોએ તેને હજારો લોકોની સામે ચલાવ્યો ને લોકોએ તેની ભારે ઠઠ્ઠામશ્કરી પણ કરી. શામશૂન કંઈ અપરાધી ન હતો કે દુશ્મન સૈન્યનો કોઈ મોટો સેનાપતિ પણ ન હતો. તે તો યહોવાહનો ભક્ત હતો. તેણે વીસ વર્ષ સુધી ઈસ્રાએલમાં ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી.

એક સમયનો સૌથી બળવાન શામશૂન કઈ રીતે આવી દયનીય હાલતમાં આવી પડ્યો? શું તેની અનોખી શક્તિએ તેને બચાવ્યો? શામશૂનની શક્તિનું રહસ્ય શું હતું? શામશૂનના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

‘તે ઈસ્રાએલીઓને ઉગારશે’

ઈસ્રાએલીઓ વારંવાર યહોવાહના માર્ગમાંથી ભટકી જતા હતા. તેઓએ યહોવાહને બદલે જૂઠા દેવ-દેવીને ભજીને ઘોર પાપ કર્યું. આમ તેઓએ “યહોવાહની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું; અને ચાળીસ વર્ષ સુધી યહોવાહે તેઓને પલિસ્તીઓના હાથમાં સોંપી દીધા.”—ન્યાયાધીશો ૧૩:૧.

પણ યહોવાહે તેઓને સાવ તજી દીધા નહિ. એક વાર યહોવાહના દૂતે માનોઆહ નામની ઈસ્રાએલી વાંઝણી સ્ત્રીને દર્શન આપ્યું કે તેને એક પુત્ર થશે. ત્યારથી શામશૂનની કહાની શરૂ થાય છે. દૂતે માનોઆહને સૂચના આપી: “અસ્ત્રો તેના માથા પર કદી ન ફરે; કેમ કે તે છોકરો ગર્ભાધાનથી દેવને સારૂ નાઝીરી થશે; અને તે પલિસ્તીઓના હાથમાંથી ઈસ્રાએલને ઉગારવા માંડશે.” (ન્યાયાધીશો ૧૩:૨-૫) આમ, શામશૂન તેની માના ગર્ભમાં પણ ન હતો એ પહેલાં યહોવાહે તેને એક ખાસ કામ માટે પસંદ કરી લીધો હતો. શામશૂન જન્મથી જ નાઝારી હતો કેમ કે તેને યહોવાહની પવિત્ર સેવા કરવા માટે પસંદ કરવામાં આવ્યો હતો.

“મારે એ જ કન્યા જોઈએ”

શામશૂન મોટો થતો ગયો તેમ, “યહોવાહે તેને આશીર્વાદ આપ્યો.” (ન્યાયાધીશો ૧૩:૨૪) એક દિવસ શામશૂને તેના માબાપને કહ્યું: “તિમ્નાહમાં પલિસ્તીઓની દીકરીઓમાં એક સ્ત્રી મેં જોઈ છે; તો હવે તેને મારી સાથે પરણાવો.” (ન્યાયાધીશો ૧૪:૨) શામશૂનના માબાપ તો અવાચક બની ગયા. શામશૂન ગાંડો તો નથી થઈ ગયો ને? પલિસ્તીઓ તો ઈસ્રાએલીઓના કટ્ટર દુશ્મન હતા. ઉપરથી જૂઠા દેવ-દેવીઓને ભજતા હતા. ને આ શામશૂન ઈસ્રાએલીઓને પલિસ્તીઓના હાથમાંથી છોડાવાને બદલે તેઓની પુત્રી સાથે પરણવા માંગતો હતો! જાણે તે ઈશ્વરનો નિયમ ભૂલી ગયો હતો. નિયમમાં જૂઠા દેવ-દેવીને ભજતી સ્ત્રીઓને પરણવાની સખત મનાઈ હતી. (નિર્ગમન ૩૪:૧૧-૧૬) આ કારણે, તેના માબાપે કહ્યું: “શા માટે તું યહુદી કન્યાને પરણવા નથી માગતો? શા માટે તારે આ મૂર્તિપૂજક પલિસ્તીઓમાંથી પત્ની લાવવા માટે જવું જોઈએ? ઈઝરાયેલી લોકોમાં શું એવી કોઈ કન્યા નથી જેની સાથે તું લગ્‍ન કરે?” તોપણ શામશૂન પોતાની જીદ પર અડગ રહ્યો. તેણે પિતાને કહ્યું: “મારે એ જ કન્યા જોઈએ. તેને મારે માટે લાવો.”—ન્યાયાધીશો ૧૪:૩, IBSI.

શા માટે શામશૂને “એ જ” કન્યા લાવવા માટે કહ્યું? મેક્લીન્ટોક અને સ્ટ્રોંગ્સનો સાઈક્લોપેડિયા જણાવે છે: તે ‘બહુ સુંદર હતી એટલા માટે નહિ. પણ એ કન્યાની માંગણી પાછળ એક ખાસ કારણ હતું.’ કયું કારણ? ન્યાયાધીશો ૧૪:૪ કહે છે: “તેને પલિસ્તીઓ સાથે લડવાનું કારણ જોઈતું હતું.” (સંપૂર્ણ બાઈબલ) તેથી, તે પલિસ્તી સ્ત્રી લાવવાનું કહેતો હતો. શામશૂન મોટો થતો ગયો તેમ “યહોવાહનો આત્મા તેને પ્રેરણા” આપવા લાગ્યો હતો. (ન્યાયાધીશો ૧૩:૨૫) તેથી, શામશૂને પલિસ્તી સ્ત્રીની માંગ કરી એ પાછળ યહોવાહનો હાથ હતો. શામશૂન આખી ઈસ્રાએલ જાતિનો ન્યાયાધીશ હતો ત્યારે પણ યહોવાહ તેને માર્ગદર્શન આપતા હતા. શું શામશૂનની ઇચ્છા પૂરી થઈ? એ પહેલા ચાલો આપણે જોઈએ કે યહોવાહે તેને વિકટ હાલતમાં કઈ રીતે મદદ કરી?

એક દિવસ શામશૂન એ પલિસ્તી સ્ત્રીને લેવા તિમ્નાહ જતો હતો. બાઇબલ જણાવે છે: ‘તે દ્રાક્ષવાડીઓ પાસે આવી પહોંચ્યો; અને જુઓ, એક જુવાન સિંહે તેની સામે ગર્જના કરી. એ વખતે યહોવાહનો આત્મા પરાક્રમસહિત તેના પર આવ્યો, ને જેમ બકરીના બચ્ચાને ચીરી નાખે તેમ તેણે એને ચીરી નાખ્યો.’ શામશૂન એકલો હતો ત્યારે તેનામાં આવી અજોડ તાકાત આવી હતી. આ ઘટના બની ત્યારે ત્યાં બીજું કોઈ ન હતું. એનો શું અર્થ થાય? શું યહોવાહ શામશૂનને ખાતરી કરાવતા હતા કે તે નાઝારી છે અને તેમણે આપેલું કાર્ય પૂરું કરી શકે છે? જોકે, એ વિષે બાઇબલમાં ક્યાંય લખવામાં આવ્યું નથી. પરંતુ, એનાથી શામશૂનને પાકી ખાતરી થઈ કે તેણે પોતાની શક્તિથી આમ કર્યું ન હતું. પરમેશ્વરની શક્તિથી તેણે સિંહને માર્યો હતો. હવે તેને પૂરો ભરોસો હતો કે યહોવાહ તરફથી મળેલ કોઈ પણ કામને તે પૂરું કરી શકશે. સિંહના કિસ્સાથી ખાતરી મેળવીને તેણે ફરીથી મુસાફરી કરી. પછી, “તે સ્ત્રીની સાથે વાતચીત કરી; અને શામશૂનને તે બહુ ગમી.”—ન્યાયાધીશો ૧૪:૫-૭.

પછી શામશૂન એ સ્ત્રીને પરણવા ફરીથી તિમ્નાહ ગયો. એ વખતે તે “પેલા સિંહની લાસ જોવા રસ્તેથી ફંટાયો; અને જુઓ, તે સિંહના ખોળિયામાં મધમાખીઓ તથા મધ હતાં.” શામશૂનના લગ્‍ન વખતે પલિસ્તીઓ તરફથી તેઓની તહેનાતમાં ૩૦ યુવાન સોબતીઓ આવ્યા હતા. શામશૂન સિંહના કિસ્સાને યાદ કરીને તેઓને એક ઉખાણું પૂછે છે: “ખાનારમાંથી ખોરાક નીકળ્યો, અને બળવાનમાંથી મીઠાશ નીકળી.” જો આ યુવાનો ઉખાણાનો અર્થ સમજાવે તો, શામશૂને તેઓને ૩૦ જોડી ઝભ્ભા અને વસ્ત્ર આપવાનું વચન આપ્યું. પણ તેઓ જવાબ ન આપી શકે તો, તેઓએ શામશૂનને એટલા જ ઝભ્ભા અને વસ્ત્ર આપવાના હતા. ત્રણ દિવસ સુધી તેઓ મથ્યા, પણ ઉખાણાનો ઉકેલ મેળવી ન શક્યા. ચોથા દિવસે તેઓએ શામશૂનની સ્ત્રીને ધમકી આપી કે: “તારા ભરથારને ફોસલાવ, એ સારૂ કે તે અમને ઉખાણાનો અર્થ બતાવે, નહિ તો અમે તને તથા તારા બાપના ઘરમાં સર્વને અગ્‍નિથી બાળી નાખીશું.” જો પલિસ્તીઓ પોતાના લોકોને જ આમ કરી શકતા હોય તો, ખરેખર ઈસ્રાઓલીઓ સાથે કેવો વ્યવહાર કરતા હશે!—ન્યાયાધીશો ૧૪:૮-૧૫.

શામશૂનની સ્ત્રી તેઓની ધમકીથી ડરી ગઈ હોવાથી તેણે શામશૂનને જવાબ આપવા માટે બહુ ફોસલાવ્યો. ઉખાણાનો જવાબ મળતા જ તેણે એ જુવાનોને કહી દીધું. આમ તે શામશૂનને બેવફા બની. જુવાનોએ શામશૂનને જવાબ કહ્યો. પણ તે જાણતો હતો કે તેઓને કઈ રીતે ખબર પડી. તેથી શામશૂને કહ્યું: “જો મારી વાછરડીથી તમે ખેડ્યું ન હોત, તો તમને મારા ઉખાણાનો પત્તો લાગત નહિ.” એનાથી હવે શામશૂનને ભાવતું હતું એ મળી ગયું. “યહોવાહનો આત્મા તેના પર પરાક્રમસહિત આવ્યો, ને તેણે આશ્કલોનમાં જઈને તેઓમાંના ત્રીસ જણને માર્યા, ને તેઓનાં વસ્ત્ર લૂટી લઈને જે માણસોએ તે ઉખાણાનો અર્થ કહી બતાવ્યો હતો તેઓને તે આપ્યાં.”—ન્યાયાધીશો ૧૪:૧૮, ૧૯.

આશ્કલોનમાં શામશૂને જે કર્યું એ શું ફક્ત બદલો લેવા માટે કર્યું હતું? ના. એમાં તો યહોવાહનો હાથ હતો. કેમ કે ઈસ્રાએલીઓને છોડાવવા તેમણે શામશૂનને પસંદ કર્યો હતો. શામશૂન દ્વારા યહોવાહે પોતાના લોકો પર જુલમ ગુજારનાર વિરુદ્ધ લડાઈ શરૂ કરી હતી. એ માટે શામશૂને જે કર્યું એ જરૂરી હતું. શામશૂન પોતાની પત્નીને મળવા આવ્યો ત્યારે ફરીથી આવી તક ઊભી થઈ.

શામશૂન લડાઈ કરે છે

શામશૂન તેની પત્નીને મળવા તિમ્નાહ આવ્યો. પણ તેને ખબર પડી કે તેની પત્નીને સસરાએ બીજા પુરુષ સાથે પરણાવી દીધી છે. કેમ કે તેને લાગ્યું કે શામશૂન હવે તેની દીકરીને ધિક્કારે છે. તેથી, શામશૂનને બહુ ગુસ્સો ચઢ્યો. તેણે ૩૦૦ શિયાળ પકડ્યા અને બબ્બે શિયાળની પૂંછડીઓ બાંધીને એમાં મશાલો મૂકી દીધી. પછી શિયાળોને પલિસ્તીઓના ખેતરોમાં છોડી દીધા. તેથી તેઓનો ઊભો પાક તથા પૂળા અને જૈતવૃક્ષો પણ બળીને ભસ્મ થઈ ગયા. એનાથી પલિસ્તીઓએ ગુસ્સાથી લાલચોળ થઈને શામશૂનની પત્ની ને તેના પિતાને જીવતા સળગાવી દીધા. તેઓના આમ કરવાથી શામશૂનને લડાઈ કરવાનું બીજું કારણ મળી ગયું. બદલાની આગમાં શામશૂને ઘણા પલિસ્તીઓને મારી નાખ્યા.—ન્યાયાધીશો ૧૫:૧-૮.

આ બધું જોયા પછી પણ ઈસ્રાએલીઓ સમજ્યા નહિ કે શામશૂન પર યહોવાહનો આશીર્વાદ છે. તેથી પલિસ્તીઓનું નામનિશાન મિટાવવા શામશૂનને મદદ કરવાને બદલે તેઓ તેને જ મુશ્કેલીનું મૂળ સમજે છે. ઈસ્રાએલીઓએ મુશ્કેલીને ટાળવા યહુદામાંથી ૩,૦૦૦ માણસોને શામશૂનને પકડવા મોકલ્યા, જેથી તેઓ તેને દુશ્મનોના હાથમાં સોંપી દે. ઈસ્રાએલીઓની આ બેવફાઈમાં પણ શામશૂનને પોતાના દુશ્મનો સામે લડવાની એક તક મળી. તેઓ શામશૂનને પલિસ્તીઓને સોંપવાના જ હતા ત્યાં “યહોવાહનો આત્મા તેના પર પરાક્રમસહિત આવ્યો, અને તેને હાથે જે દોરડાં બાંધેલાં હતાં તે અગ્‍નિમાં બળેલા શણના જેવાં થઈ ગયાં, ને તેના હાથ પરથી તેના બંધન ખરી પડ્યાં.” પછી તેણે ગધેડાના જડબાથી એક હજાર પલિસ્તીઓને મારી નાખ્યા.—ન્યાયાધીશો ૧૫:૧૦-૧૫.

પછી શામશૂન તરસ્યો થયો હોવાથી યહોવાહને વિનંતી કરે છે: “તેં આ મોટો બચાવ તારા દાસની હસ્તક કર્યો છે; અને શું હું હવે તૃષાથી મરી જઈને બેસુનત લોકના હાથમાં પડીશ?” યહોવાહે તેની પ્રાર્થના સાંભળીને એનો જવાબ આપ્યો. “લેહીમાં એક ખાડો છે તેમાં દેવે ફાટ પાડી, ને તેમાંથી પાણી નીકળ્યું; અને પીધા પછી તે પાછો શુદ્ધિમાં આવ્યો, ને સાવચેત થયો.”—ન્યાયાધીશો ૧૫:૧૮, ૧૯.

શામશૂને પછી પલિસ્તીઓ સામે લડવા પાક્કો ઇરાદો કર્યો. યહોવાહના દુશ્મનો સામે લડવા તે ગાઝાહમાં એક વેશ્યાને ઘરે રોકાયો. શું વેશ્યા સાથે મોજ માણવા રોકાયો? ના. એવો કોઈ ખરાબ વિચાર તેના મનમાં ન હતો. દુશ્મનોના શહેરમાં એક રાત કાઢવા તેણે વેશ્યાના ઘરે ઉતારો કર્યો. પછી મધરાતે ઊઠીને શામશૂને નગરના દરવાજાનાં કમાડ તથા બન્‍ને બારસાખો પકડીને ભૂંગળસહિત ખેંચી કાઢ્યા, ને એને ખાંધ પર મૂકીને હેબ્રોનની સામેના એક પર્વતના શિખર પર લઈ ગયો. એ ગાઝાથી કંઈક ૬૦ કિલોમીટર દૂર હતું. તોપણ અશક્ય લાગતું આ કામ તે પરમેશ્વરની શક્તિથી કરી શક્યો.—ન્યાયાધીશો ૧૬:૧-૩.

જે સંજોગોમાં પવિત્ર આત્માએ શામશૂનને મદદ કરી એ બહુ અજોડ હતા. આજે પણ પરમેશ્વરના સેવકો શક્તિ માટે પવિત્ર આત્મા પર ભરોસો રાખી શકે છે. ઈસુ ખ્રિસ્તે પણ પોતાના શિષ્યોને ખાતરી આપી કે “જેઓ માગે, તેમને તે [યહોવાહ] પવિત્ર આત્મા આપશે.”—લુક ૧૧:૧૩.

શા માટે યહોવાહ ‘શામશૂન પાસેથી જતા રહ્યાં’?

હવે શામશૂન દલીલાહ નામની સ્ત્રીના પ્રેમમાં પડે છે. પલિસ્તીઓના પાંચ શહેરના લશ્કરી અધિકારીઓ શામશૂનને હરાવવા દલીલાહની મદદ માંગે છે. તેઓએ તેને કહ્યું: “સામસૂન પાસેથી જાણી લે કે તેનામાં આટલી તાકાત ક્યાંથી આવે છે? અમારે જાણવું છે કે તેને કેવી રીતે હરાવવો અને સાંકળોથી બાંધવો.” આ અધિકારીઓએ તેને લાંચ તરીકે ‘ચાંદીના અગિયારસો સિક્કાની’ પણ લાલચ આપી.—ન્યાયાધીશો ૧૬:૪, ૫, IBSI.

એક ચાંદીના સિક્કાને શેકેલમાં ગણીએ તો, તેઓએ દલીલાહને ૫,૫૦૦ શેકેલ લાંચની લાલચ આપી હતી. એ કંઈ નાનીસૂની લાંચ ન હતી. ઈબ્રાહિમે તેમની વહાલી પત્નીને દાટવા જમીનના ટુકડા માટે ૪૦૦ શેકેલ આપ્યા હતા. બીજું કે એક દાસની કિંમત પણ ફક્ત ૩૦ શેકેલ હતી. (ઉત્પત્તિ ૨૩:૧૪-૨૦; નિર્ગમન ૨૧:૩૨) જો દલીલાહ પલિસ્તી હોત તો, આ અધિકારીઓએ તેને લાંચ આપ્યા વગર પોતાની જાતિની હોવાને નાતે મદદ કરવા કહ્યું હોત. પણ દલીલાહ કદાચ ઈસ્રાએલી સ્ત્રી હોવાથી તેઓએ તેને લાંચ આપી. ભલે ગમે તે હોય, દલીલાહ તેઓની વાતમાં આવી ગઈ.

પછી દલીલાહે ચાલાકીથી શામશૂનને ત્રણ વાર પૂછ્યું કે તેની તાકાત શામાં સમાયેલી છે. પણ શામશૂને ત્રણેય વાર દલીલાહને ખોટો જવાબ આપ્યો. ત્રણેય વાર તેણે શામશૂનને દુશ્મનોના હાથમાં સોંપવાની ચાલ રમી. પછી શું થયું? “તેણે પોતાનાં વચનો વડે તેને દરરોજ આગ્રહ કરીને હઠેઠ કરી, જેથી તેનો જીવ મરણતુલ્ય અકળાયો.” આખરે શામશૂને સાચું કહી દીધું કે તેની તાકાતનું રહસ્ય તેના વાળમાં છે. અત્યાર સુધી તેના વાળ કાપવામાં આવ્યા નથી. જો તેના વાળ કાપવામાં આવે તો, તે બીજા માણસો જેવો સામાન્ય થઈ જશે.—ન્યાયાધીશો ૧૬:૬-૧૭.

ત્યારથી શામશૂનની પડતી શરૂ થઈ. દલીલાહે ચાલાકીથી તેના વાળ કપાવી નાખ્યા. જોકે, શામશૂનની તાકાત તેના વાળમાં ન હતી. તેના વાળ તો, નાઝારી તરીકે પરમેશ્વર સાથેના તેના સંબંધને દર્શાવતા હતા. પરંતુ, શામશૂનના વાળ કાપી નાખવામાં આવ્યા હોવાથી તે હવે નાઝારી રહ્યો ન હતો. એ કારણે ‘યહોવાહ તેની પાસેથી જતા રહ્યાં.’ હવે પલિસ્તીઓએ તેને પકડી લીધો, તેની આંખો ફોડી નાખીને જેલમાં પૂરી દીધો.—ન્યાયાધીશો ૧૬:૧૮-૨૧.

આમાંથી આપણને બહુ જ અગત્યનો બોધપાઠ શીખવા મળે છે. આપણે યહોવાહ સાથેના આપણા સંબંધને મૂલ્યવાન ગણવો જોઈએ. આપણે પરમેશ્વરને સમર્પણ કર્યું ત્યારે જે વચનો લીધાં હતાં એમાં જો સમાધાન કરીશું તો, પરમેશ્વર આપણને આશીર્વાદ આપશે નહિ.

“હું પણ ભલે આ પલિસ્તીઓ સાથે મરી જાઉં”

શામશૂનને પકડ્યા પછી પલિસ્તીઓ એનો જશ તેઓના દેવ દાગોનને આપે છે. વિજયનો જશ્ન મનાવવા તેઓ શામશૂનને દાગોનના મંદિરમાં લાવે છે. જોકે, શામશૂન જાણતો હતો કે પોતાની પડતી શાને લીધે થઈ. તે જાણતો હતો કે શા માટે યહોવાહ તેને છોડીને જતા રહ્યા. વળી તેને પોતાના કર્યા પર પસ્તાવો પણ થતો હતો. પછી શામશૂન જેલમાં હતો એ વખતે તેના વાળ ધીમે ધીમે વધવા લાગ્યા હતા. હવે હજારો પલિસ્તીઓ આગળ તે શું કરશે?

શામશૂને પ્રાર્થના કરી: “ઓ પ્રભુ યાહવે, મને ફરીથી યાદ કરો, ફરી એક વાર મને તાકાતવાન બનાવો, જેથી મારી આંખો માટે હું એક સામટું વેર પલિસ્તીઓ ઉપર વાળું.” પછી તેણે વચ્ચેના બન્‍ને થાંભલા જેના પર મંદિરનો આધાર રહેલો હતો, તે પકડ્યા અને ‘પોતાની સઘળી તાકાત અજમાવી.’ પરિણામ? “પલિસ્તી આગેવાનો અને એકત્ર થયેલા સર્વ લોકો પર મંદિર તૂટી પડ્યું. તેના જીવનકાળ દરમિયાન તેણે જેટલાંની કતલ કરી હતી તે કરતાં મોટી સંખ્યામાં તેણે તેના મરણ સમયે પલિસ્તીઓનો સંહાર કર્યો.”—ન્યાયાધીશો ૧૬:૨૨-૩૦, IBSI.

એ સમયે શામશૂન જેટલું શક્તિમાન કોઈ જ ન હતું. તેના શક્તિશાળી કૃત્યો સાચે જ નોંધપાત્ર હતા. સૌથી મહત્ત્વનું તો, વિશ્વાસમાં દૃઢ હતા એવા લોકોમાં બાઇબલ શામશૂનનું નામ પણ જણાવે છે.—હેબ્રી ૧૧:૩૨-૩૪.

[પાન ૨૬ પર ચિત્ર]

શામશૂનની તાકાતનું રહસ્ય શું હતું?