લાલ કીમતી પથ્થર જેવો
લાલ કીમતી પથ્થર જેવો
પ્રેષિત યોહાને સંદર્શનમાં ભવ્ય રાજ્યાસન જોયું. રાજ્યાસન પર બેઠેલી વ્યક્તિનો દેખાવ “યાસપિસ પાષાણ” જેવો હતો. એ વ્યક્તિ બીજું કોઈ નહિ, પણ ખુદ પરમેશ્વર હતા. તેમનો દેખાવ ‘લાલ પાષાણ જેવો’ મૂલ્યવાન હતો. (પ્રકટીકરણ ૪:૨, ૩) આ પાષાણ અર્થાત્ પથ્થરો શું હતા?
આ કંઈ સામાન્ય પથ્થર ન હતા. પ્રાચીન સમયમાં, ‘યાસપિસનો’ અર્થ મૂળ ભાષામાં અલગ અલગ રંગોના પથ્થર અથવા કીમતી રત્નો થતો હતો. એ. ટી. રોબર્ટસને વર્ડ પીકચર્સ ઈન ધ ન્યૂ ટેસ્ટામેન્ટમાં કહ્યું કે, પ્રકટીકરણ ૪:૩નો “યાસપિસ પાષાણ” ‘આજે જોવા મળતા પથ્થરો કરતાં પણ વધારે કીમતી હતો.’ પછીથી પ્રકટીકરણના પુસ્તકમાં, યોહાન સ્વર્ગમાંના યરૂશાલેમ વિષે કહે છે: “તેનું તેજ યાસપિસ જેવા અતિ મૂલ્યવાન રત્ન જેવું, એટલે સ્ફટિકના જેવું નિર્મળ હતું.”—પ્રકટીકરણ ૨૧:૧૦, ૧૧.
યોહાને સંદર્શનમાં સિંહાસન પર બેઠેલી વ્યક્તિ જોઈ, એ વિશ્વના સૌથી મહાન પરમેશ્વર યહોવાહ છે. તે આખા વિશ્વમાં સૌથી શુદ્ધ અને પવિત્ર છે. એ વિષે પ્રેષિત યોહાને લખ્યું: “દેવ પ્રકાશ છે, અને તેનામાં કંઈ પણ અંધકાર નથી.” (૧ યોહાન ૧:૫) તેથી, યોહાન પોતાના ખ્રિસ્તી ભાઈબહેનોને ‘યહોવાહની જેમ શુદ્ધ’ થવા વિનંતી કરે છે.—૧ યોહાન ૩:૩.
આપણે પરમેશ્વર જેવા શુદ્ધ થવા શું કરવું જોઈએ? આપણા પાપોની માફી માટે ખ્રિસ્તના બલિદાનમાં પૂરો વિશ્વાસ હોવો જરૂરી છે. તેમ જ આપણે નિયમિત બાઇબલ અભ્યાસ કરીને એ પ્રમાણે જીવવું જોઈએ. એમ કરીશું તો આપણે પણ પરમેશ્વરના ‘પ્રકાશમાં ચાલી’ શકીશું.—૧ યોહાન ૧:૭.