સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અનાથને મળી ગયો નાથ

અનાથને મળી ગયો નાથ

મારો અનુભવ

અનાથને મળી ગયો નાથ

દમીત્રિસ સિદીરોપોલ્યોસના જણાવ્યા પ્રમાણે

ઑફિસરે મારા હાથમાં બંદૂક પકડાવીને તાડૂકતા કહ્યું, “ચાલ આ બંદૂક ઉઠાવ ને ગોળીબાર કર.” મેં શાંતિથી ના પાડી તો ઑફિસરે મારા ખભાની ઉપર ગોળીઓની ધડાધડી કરી. બીજા બધા સૈનિકો તો આભા જ બની ગયા. હું તો મરતા મરતા બચી ગયો. મારા જીવનમાં આવા તો કેટલાય કિસ્સા બની ગયા છે.

અમારું વતન તુર્કી. કાપાદોકીઆ પાસે આવેલા કાયસરી બાજુ અમે રહેતા હતા. ત્યાંના અમુક લોકો પહેલી સદીમાં ખ્રિસ્તી બન્યા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૯) પણ વીસમી સદીની શરૂઆતમાં અહીં ઘણી ઊથલપાથલ થઈ.

મારું કોઈ ન હતું

હું ૧૯૨૨માં જન્મયો એના થોડા જ મહિનાઓમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા. મારું કુટુંબ ગ્રીસમાં આશરો લેવા ભાગી છૂટ્યું. મારા માબાપને કંઈ ખબર ન હતી કે શું લેવું શું ન લેવું. બસ ફક્ત મને લઈને નીકળી પડ્યા. કેટકેટલું દુઃખ તેઓની માથે પડ્યું. કેટલીય હાડમારી સહી. છેવટે તેઓ સાવ કંગાલ હાલતમાં એક ગામડામાં આવી પહોંચ્યા. એ ઉત્તર ગ્રીસનું કીર્યા ગામ હતું.

હું ચાર વર્ષનો થયો ત્યારે મારા નાના ભાઈનો જન્મ થયો. એના થોડા જ વખતમાં મારા પિતાજી ગુજરી ગયા. તે ફક્ત ૨૭ વર્ષના હતા. પણ જીવનના બોજાથી હારી ગયા હતા. મારી માએ પણ ઘણું દુઃખ જોયું. બીચારી બહુ જ તડપી. તે પણ મોતના મોંમાં ચાલી ગઈ. હવે મારું ને મારા ભાઈનું કોણ? કોઈ કરતાં કોઈ નહિ. અમને એક પછી બીજા અનાથ આશ્રમમાં ધકેલી દેવામાં આવ્યા. હું ૧૨ વર્ષનો થયો ત્યારે મને થેસાલોનિકાના અનાથ આશ્રમમાં મૂક્યો. ત્યાં હું મિકેનીકનું કામ શીખ્યો.

હું અનાથ આશ્રમમાં જ મોટો થયો. ત્યાંની હાલત બહુ ખરાબ. હું વારંવાર વિચારતો કે અમુક લોકો પર શા માટે દુઃખના દુઃખ જ આવે છે. શા માટે ભગવાન આવું કરે છે. અમે ધર્મ વિષે શીખતા તો ત્યાં કહેતા કે ભગવાન તો બધે જ હોય છે. પણ કોઈએ સમજાવ્યું નહિ કે દુઃખ શા માટે પડે છે. ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચમાં તો બસ એકનું એક રટણ ચાલતું કે અમારો ધર્મ જ સૌથી સારો છે. હું પૂછતો કે “તમારો ધર્મ સારો હોય તો કેમ બધા લોકો તમારો ધર્મ પાળતા નથી?” મને કોઈ જવાબ દેતું નહિ.

અમારા ટીચરને બાઇબલ પ્રત્યે ખૂબ માન હતું. તે અમને કહેતા કે બાઇબલ ઈશ્વરે આપેલું છે. અનાથ આશ્રમના સંચાલક પણ એવા જ હતા. તે કોઈ પણ ધાર્મિક વિધિઓમાં ભાગ લેતા નહિ. મેં એનું કારણ પૂછ્યું તો કહે કે તે એવું બધું યહોવાહના સાક્ષીઓ પાસેથી શીખ્યા હતા. મને તો ખબર પણ ન હતી કે યહોવાહના સાક્ષીઓ એટલે કોણ.

હું ૧૭ વર્ષનો થયો ત્યારે અનાથ આશ્રમમાં મારું ભણતર પૂરું થયું. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું હતું ને હીટલરના સૈનિકોએ ગ્રીસનો કબજો કરી લીધો હતો. માણસો તો રસ્તે ભૂખે મરતા હતા. હું બીજા ગામડામાં નાસી ગયો. ત્યાં ટૂંકા પગારે નોકરી કરવા લાગ્યો.

બાઇબલમાંથી મારી તરસ મટી

એપ્રિલ ૧૯૪૫માં હું પાછો થેસાલોનિકા ગયો. ત્યાં મારા અનાથ આશ્રમના જ એક લંગોટિયા દોસ્તની બહેન મને મળવા આવી. બહેનનું નામ પાસ્ચાલ્યા. તેણે મને કહ્યું કે એનો ભાઈ ગુમ થઈ ગયો છે અને મને એના વિષે કંઈ ખબર છે કે કેમ. વાત-વાતમાં ખબર પડી કે પાસ્ચાલ્યા પરમેશ્વર યહોવાહની સેવા કરે છે. તેણે મને સમજાવ્યું કે પરમેશ્વર આપણને ખૂબ પ્રેમ કરે છે.

મને તો માનવામાં જ ન આવ્યું. ગુસ્સામાં ને ગુસ્સામાં મેં અનેક સવાલો કર્યા કે નાનપણથી મારા પર શા માટે દુઃખો આવે છે? હું શા માટે અનાથ થઈ ગયો? મને જ્યારે ભગવાનની ગરજ હતી ત્યારે એ ક્યાં હતો? તેણે મને કહ્યું: “શું તને એમ લાગે છે કે આમાં ઈશ્વરનો કંઈ વાંક છે?” પછી તેણે મને બાઇબલમાંથી સમજાવ્યું કે પરમેશ્વર લોકો પર દુઃખ લાવતા નથી. તેણે મને એ પણ સમજાવ્યું કે ઈશ્વર તો બધાને ખૂબ જ પ્રેમ કરે છે અને જલદી આ જગત પર સુખ શાંતિના દિવસો લાવશે. તેણે મને યશાયાહ ૩૫:૫-૭ અને પ્રકટીકરણ ૨૧:૩, ૪ બતાવ્યા. હું જાણી શક્યો કે યુદ્ધ, બીમારી, મોત જેવા બીજા અનેક દુઃખો પરમેશ્વર દૂર કરશે અને જે લોકો યહોવાહ પરમેશ્વરમાં શ્રદ્ધા રાખશે તેઓ કાયમ જીવશે.

મને આશરો મળ્યો

મને સમાચાર મળ્યા કે પાસ્ચાલ્યાનો ભાઈ ગોરીલા લડાઈમાં માર્યો ગયો. હું તેના કુટુંબને આશ્વાસન આપવા ગયો. પણ નવાઈની વાત હતી કે તેઓએ મને બાઇબલમાંથી દિલાસો આપ્યો. હું પાછો તેઓને મળવા ગયો જેથી બાઇબલમાંથી વધુ શીખી શકું. પછી હું પોતે યહોવાહના સાક્ષીઓ છૂપીથી ભેગા થતા ત્યાં જતો. તેઓ ત્યાં બાઇબલમાંથી શીખતા અને સાચા પરમેશ્વરની ભક્તિ કરતા. લોકો યહોવાહના સાક્ષીઓનું બૂરું બોલતા છતાં હું તેઓને મળવા જતો.

એ યહોવાહના સેવકો સાથે મને બહુ મજા આવતી. તેઓમાં પ્રેમ હતો. જેની મને નાનપણથી ભૂખ હતી. તેઓ કોઈ સ્વાર્થના સગા ન હતા. મને ખડે પગે મદદ કરવા તૈયાર હતા. (૨ કોરીંથી ૭:૫-૭) હું તો પરમેશ્વર યહોવાહને ઓળખી શક્યો. હા, મુજ અનાથને હવે મળી ગયો નાથ. (ગીતશાસ્ત્ર ૨૩:૧-૬) પછી મેં પણ નક્કી કર્યું કે હું જીવનભર યહોવાહની ભક્તિ કરીશ. ૧૯૪૫માં હું બાપ્તિસ્મા પામ્યો.

યહોવાહના સાક્ષીઓની સભામાં જવાથી મારી શ્રદ્ધા ખૂબ વધી. સભાઓમાં જવા માટે અમારા ગામડેથી પાંચ કિલોમીટર ચાલવું પડતું. પણ એમાં ખૂબ મજા આવતી. અમે યહોવાહ વિષે કેટકેટલી વાતો કરતા. પછી ૧૯૪૫માં મેં પાયોનિયર સેવા શરૂ કરી. મારા જીવનમાં હવે અનેક કસોટીઓ આવવાની હોવાથી મારે યહોવાહમાં મક્કમ શ્રદ્ધા રાખવાની હતી.

અમને કોઈ બોલતા બંધ કરી શક્યું નહિ

ઘણી વખત પોલીસ બંદૂકો લઈને સભાઓમાં આવી ચડતી ને ધરપકડ કરતી. ગ્રીસમાં આંતરયુદ્ધ ફાટી નીકળ્યું હતું અને મિલિટરીનું રાજ ચાલતું હતું. અંદરોઅંદર ખતરનાક મારામારી ચાલતી હતી. એમાંય ચર્ચના પાદરીઓ સરકારને એવું ભરમાવતા કે અમે પણ એમાં સંડોવાયેલા છીએ, તેથી અમને ખૂબ હેરાન કરવા જોઈએ.

બે વર્ષમાં તો અમને ઘણી વખત ગિરફતાર કરવામાં આવ્યા હતા. છ વખત અમને ચાર ચાર મહિનાની કેદની સજા ફટકારી. પણ જેલ ચિકાર ભરાયેલી હતી. તેથી અમને છોડી મૂકવામાં આવતા. જેવા છોડતા એવા અમે પ્રચાર કરવા લાગી જતા. પણ પછી પાછા અમને પકડી લેતા. ઘણી વખત તો અઠવાડિયામાં ત્રણ વાર ગિરફતાર કરવામાં આવતા. આપણા ઘણા ભાઈઓને ઉજ્જડ ટાપુઓમાં કાઢી મૂકતા. પણ શું મારી શ્રદ્ધા મક્કમ રહેશે?

ખૂબ આકરા સંજોગો હતા. મારા પર નજર રાખવા સરકારના માણસોએ મને થેસાલોનિકાની બાજુમાં આવેલા ઈવોસ્મોસમાં મોકલ્યો. ત્યાં પોલીસ સ્ટેશને. મારે રોજ હાજરી પુરાવવી પડતી. મેં ત્યાં જ નજીકમાં એક રૂમ ભાડે રાખી. ગુજરાન ચલાવવા માટે હું કારીગર તરીકે બધે કામ કરતો. પિત્તળના વાસણો પણ પોલિશ કરતો. આજુબાજુના ગામમાં હું પાયોનિયરીંગ કરવા લાગ્યો ત્યારે આ કામને લીધે હું પોલીસથી બચી જતો. ઘરે ઘરે લોકોના પિત્તળના વાસણો પણ પોલિશ કરતો હોવાથી પોલીસને મારા પ્રચાર કામ પર જરાય શંકા ન આવી. ઘણા લોકોએ સત્યનો સંદેશો સાંભળ્યો. એમાંથી દસેક લોકો યહોવાહના સેવકો બન્યા.

દસ વર્ષમાં આઠ અલગ અલગ જેલમાં પુરાયો

પોલીસે મારા પર ૧૯૪૯ સુધી નજર રાખી અને પછી હું પાછો થેસાલોનિકા ગયો. જેથી ત્યાં હું પાયોનિયરીંગ કરી શકું. મને થયું હાશ, હવે મારી કસોટીઓ ગઈ. પણ ૧૯૫૦માં આર્મીમાં જોડાવા મારા પર હુકમ આવ્યો. હું કોઈ આર્મીમાં જોડાવા માંગતો ન હતો અને કોઈ જાતની “યુદ્ધકળા” શીખવી ન હતી. (યશાયાહ ૨:૪) પાછી મારા જીવનમાં કસોટી આવી. મારે ગ્રીસની અનેક જેલોમાં ચક્કી પીસવી પડી.

સૌથી પહેલા તો હું દર્મ શહેરની જેલમાં ગયો. હું ત્યાં ગયો એ જ અઠવાડિયે નવા નવા સૈનિકો નિશાનબાજી શીખતા હતા. એક દિવસ મને નિશાનબાજીના મેદાનમાં લઈ જવામાં આવ્યો. ત્યાં એક ઑફિસરે મારા હાથમાં બંદૂક પકડાવીને કહ્યું કે ગોળી માર. મેં ના પાડી તો તે ગુસ્સે થઈ ગયો ને મારી તરફ ગોળીબાર કરવા લાગ્યો. બીજા ઑફિસરોએ જોયું કે હું એકનો બે થવાનો ન હતો ત્યારે તેઓએ મને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો. સિગરેટ પી પીને તેઓએ મારા હાથ પર બુઝાવી. પછી મને એકલાને જેલમાં પૂરી દેવામાં આવ્યો. આવું ત્રણ ત્રણ દિવસ સુધી ચાલ્યું. સિગરેટથી દાઝી ગયો હતો એ બહુ જ પીડાજનક હતું. વર્ષો સુધી એના ઘા મારા હાથ પરથી રુઝાયા નહિ.

મારા પર લશ્કરી અદાલતમાં કામ ચાલે એ પહેલાં મને ક્રીટના મિલિટરી કેમ્પમાં લઈ ગયા. ત્યાં પણ મને બહુ જ માર્યો. મને થયું કે હું હિંમત હારી જઈશ, પણ મેં યહોવાહને ખૂબ જ પ્રાર્થના કરી જેથી મને હિંમત મળે. યિર્મેયાહ ૧:૧૯ના શબ્દો મને યાદ આવ્યા કે, “તેઓ તારી સાથે યુદ્ધ કરશે; પણ તને હરાવશે નહિ; કેમ કે તારો છૂટકારો કરવા માટે હું તારી સાથે છું, એવું યહોવાહ કહે છે.”—ફિલિપી ૪:૬, ૭; નીતિવચનો ૩:૫.

પછી લશ્કરી અદાલતમાં મારા પર મુકદમો ચાલ્યો. તેઓએ યહોવાહના સાક્ષીઓને દેશના મોટા દુશ્મનો કહ્યા. મને જનમટીપની સજા થઈ. મારી સજા કાનિયાની બહાર આવેલી ઈટ્‌સેડીન જેલમાં શરૂ થઈ. આ એ જ જેલ હતી જ્યાં મને એકલો પૂરી દીધો હતો. ઈટ્‌સેડીન એક જૂનો કિલ્લો હતો. મને જ્યાં પૂરવામાં આવ્યો હતો ત્યાં પુષ્કળ ઉંદરડા પણ હતા. હું એક જૂનું ફાટલું તૂટલું ગોદડું લપેટીને સૂઈ જતો. જેથી ઉંદરો સીધા મારા શરીર પર આવી ન ચડે. પછી મને ભયંકર ન્યુમોનિયા થઈ ગયો. ડૉક્ટરે સલાહ આપી કે મારે તડકામાં બેસવું જોઈએ. હું બેસવા જતો અને બીજા ઘણા કેદીઓ સાથે યહોવાહ વિષે વાતો કરતો. પણ બીમારીમાં મારી હાલત બગડતી થઈ. મારા ફેફસાંમાં લોહી ફેલાઈ ગયું. મને ઈરાક્લાયોન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

મારા વહાલા ભાઈ બહેનો મને મળવા આવ્યા. (કોલોસી ૪:૧૧) ઈરાક્લાયોનના ભાઈઓ મને નિયમિત મળવા આવતા, દિલાસો દેતા. મેં તેઓને જણાવ્યું કે મારે પુસ્તકો જોઈએ છે જેથી હું લોકોને યહોવાહ વિષે શીખવી શકું. તેઓ એક સુટકેસમાં સંતાડીને લાવ્યા. હું જેલમાં હતો એ સમય દરમિયાન છ કેદીઓ સત્યમાં આવ્યા.

હવે આંતર યુદ્ધ ખતમ થઈ ગયું હતું. મારી જનમટીપની સજા ફક્ત દસ વર્ષની થઈ ગઈ. દસ વર્ષ મેં રેથીમિનો, જેનતી કોયુલ અને કસાંડ્‌રા જેલોમાં વિતાવ્યા. દસેક વર્ષ પછી મને આઝાદ કરવામાં આવ્યો અને હું પાછો થેસાલોનિકા ગયો. મારા ભાઈ બહેનોએ મારો પ્રેમથી આવકાર કર્યો.

ઈશ્વરભક્તિ ખીલી ઊઠી

હું જેલમાંથી છૂટ્યો ત્યારે યહોવાહના સાક્ષીઓ છૂટથી યહોવાહની ભક્તિ કરી શકતા હતા. હું પણ પાયોનિયર સેવા કરવા લાગ્યો. પછી હું કોતીનાને મળ્યો. તે યહોવાહને દિલથી પ્રેમ કરતી હતી. પ્રચાર પણ પૂરા જોશથી કરતી હતી. અમે ઑક્ટોબર ૧૯૫૯માં લગ્‍ન કર્યા. પછી ઘરે દીકરી જન્મી, નામ અગાપે પાડ્યું. મને હવે મારો પરિવાર મળી ગયો. અનાથ હતો એ ઘા હવે રુઝાવા લાગ્યા. મારું કુટુંબ હવે યહોવાહની છાયામાં તેમની ભક્તિ કરતું હતું.—ગીતશાસ્ત્ર ૫:૧૧.

પછી મારા સંજોગો બદલાયા અને મારે પાયોનિયર સેવા છોડવી પડી. પણ મેં મારી પત્નીને પૂરો ટેકો આપ્યો જેથી તે પાયોનિયરીંગ કરી શકે. મારા જીવનનું સૌથી યાદગાર વર્ષ ૧૯૬૯ હતું. એ વર્ષે જર્મનીમાં યહોવાહના સાક્ષીઓ માટે મોટું સંમેલન ગોઠવવામાં આવ્યું હતું. ત્યાં જવા માટે અમે પાસપોર્ટ માટે અરજી કરી. મારી પત્ની જ્યારે પોલીસને પૂછવા ગઈ કે બે મહિના થઈ ગયા તોપણ હજુ પાસપોર્ટ કેમ તૈયાર નથી. તો પોલીસ ઑફિસરે મોટી ફાઈલ કાઢી ને મારી પત્નીને કહ્યું: “તું શું આ માણસનો પાસપોર્ટ માંગે છે? એ તો જર્મની જશે તો બધાનો ધર્મ બદલાવી નાખશે. એને પાસપોર્ટ ન જ અપાય!”

યહોવાહે મને સહાય કરી અને ભાઈઓએ પણ. એનાથી મને ગ્રૂપ પાસપોર્ટમાં જવાની રજા મળી. છેવટે હું એ સંમેલનમાં જઈ શક્યો. ત્યાં લગભગ ૧,૫૦,૦૦૦ લોકોએ હાજરી આપી હતી. યહોવાહના આશીર્વાદ હું જોઈ શક્યો. હરેક નાતજાતના લોકો સંપીને ત્યાં આવ્યા હતા. એ જોઈને યહોવાહના ભક્તો પ્રત્યે મારો પ્રેમ પ્રેમ ખીલ્યો.

મારી પત્ની ૧૯૭૭માં ગુજરી ગઈ. મેં મારી દીકરીને યહોવાહના માર્ગે ઉછેરવાની મહેનત કરી. પણ હું એકલો જ ન હતો. યહોવાહના સેવકો એટલે કે, મારા ભાઈ-બહેનોએ મને સથવારો આપ્યો. એ હું કદીયે નહિ ભૂલું. ઘણા તો મારી દીકરીનું ધ્યાન રાખવા માટે ઘરે રોકાવા પણ આવતા. એ પ્રેમ, સાચો પ્રેમ હું કદીયે નહિ ભૂલું.—યોહાન ૧૩:૩૪, ૩૫.

અગાપે મોટી થઈ. તેણે યહોવાહના સેવક સાથે લગ્‍ન કર્યા. તેના પતિનું નામ એલિએસ. તેઓને ઘેર ચાર દીકરા છે. બધા યહોવાહને માર્ગે ચાલે છે. હમણાં હમણાં તો મને ઘણા સ્ટ્રોક આવ્યા છે. એના લીધે તબિયત પણ સારી રહેતી નથી. પણ મારી દીકરી અને તેનું કુટુંબ મારું ખૂબ ધ્યાન રાખે છે. ભલે મારી તબિયત સાથ નથી આપતી, પણ યહોવાહની સેવામાં મારો આનંદ વધતો જ જાય છે. મને યાદ છે કે, થેસાલોનિકામાં લગભગ સોએક ભાઈઓ જ હતા. છાનાછૂપા જુદા જુદા ઘરોમાં ભેગા મળતા. પણ હવે ત્યાં પાંચ હજારથી પણ વધારે સાક્ષીઓ છે. (યશાયાહ ૬૦:૨૨) સંમેલનમાં ઘણા યુવાન ભાઈઓ મને આવીને કહે કે, “શું તમને યાદ છે કે તમે અમારા ઘેર મૅગેઝિન લાવતા હતા?” કદાચ તેઓના માબાપે નહિ વાંચ્યા હોય પણ બાળકોએ એ મૅગેઝિનો વાંચ્યા અને હવે તેઓ યહોવાહના ભક્તો છે!

યહોવાહની સંસ્થાને વડની જેમ પાંગરતા જોઈને મને થાય છે કે ભલે મેં ગમે એટલા દુઃખો સહન કર્યા પણ આશીર્વાદો કેટલા મળ્યા છે! હું મારી દીકરીના છોકરાવને અને બીજા યુવાનોને એક જ સલાહ આપું છું કે તમે યુવાનીમાં હંમેશાં યહોવાહને યાદ રાખજો. તે તમને કદી છોડી નહિ દે. (સભાશિક્ષક ૧૨:૧) યહોવાહ ખરેખર “અનાથનો પિતા” છે. (ગીતશાસ્ત્ર ૬૮:૫) ભલે નાનપણમાં હું અનાથ થઈ ગયો પણ મને મળી ગયા નાથ! પ્રેમાળ નાથ.

[પાન ૨૨ પર ચિત્ર]

હું દર્માની જેલમાં એક રસોયાનું કામ કરતો

[પાન ૨૩ પર ચિત્ર]

મારા લગ્‍ન થયા ત્યારે કોતીના સાથે, ૧૯૫૯

[પાન ૨૩ પર ચિત્ર]

લગભગ ૧૯૬૦માં થેસાલોનિકાના જંગલોમાં સંમેલન ભર્યું હતું ત્યારે

[પાન ૨૪ પર ચિત્ર]

અમારી દીકરી સાથે, ૧૯૬૭