તમારા બાળકોનું જતન કરો
તમારા બાળકોનું જતન કરો
“બાળકો ઈશ્વરે આપેલી ભેટ છે, વારસો છે, હા ઈશ્વરે આપલું ઈનામ છે.”—ગીતશાસ્ત્ર ૧૨૭:૩, IBSI.
૧. સૌથી પહેલા બાળકનો જન્મ ક્યારે થયો?
યહોવાહ ખરેખર કેવા મહાન સરજનહાર છે! તેમની કરામત વિષે થોડું વિચારો. આદમ અને હવાના લગ્ન પછી હવાની કૂખમાં એક બી ઊગવા લાગ્યું. એમાંથી આ ધરતી પર સૌથી પહેલું બાળક જન્મ્યું. (ઉત્પત્તિ ૪:૧) યહોવાહની આ કરામત વિષે વિચારીને આપણે તેમની વાહ વાહ જ કરીએ છીએ. ખરેખર, ઘણા કહે છે એ વાત સાચી કે બાળક જનમે એ એક ચમત્કાર જ છે.
૨. શા માટે કહી શકીએ કે માની કૂખમાં કરામત થાય છે?
૨ એ કરામત વિષે થોડું વધારે વિચારો. એક માની કૂખમાં બી હોય છે. સૌથી પહેલા બીમાં બાળકના શરીર વિષે બધી માહિતી સમાયેલી હોય છે. એ ઊગવા લાગે ત્યારે એક નાનકડા કોશમાંથી બે થાય. બેમાંથી ચાર. આ ક્રિયા લગભગ ૯ મહિના ચાલે છે. છેવટે અબજોને અબજો કોશ થાય છે. આ કોશો આમ-તેમ ફાંફાં મારતા નથી. તેઓ બધા ગોઠવેલા હોય છે. વિચાર કરો કે એક કોશમાંથી ૨૦૦ જુદી-જુદી જાતના કોશો બને છે. ફક્ત એક નાનકડા કોશમાંથી છેવટે એક ફૂલ જેવું બાળક જન્મે છે!
૩. બાળકનું જીવન ખરેખર ક્યાંથી આવે છે?
૩ ભલે બાળક માની કૂખમાં મોટું થાય છે, પરંતુ એ બાળકનું જીવન ખરેખર યહોવાહ તરફથી આવ્યું છે. એટલે બાઇબલ કહે છે, “યહોવાહ તેજ દેવ છે, એમ તમે માનો; તેણે આપણને ઉત્પન્ન કર્યાં છે, અને આપણે તેનાં જ છીએ.” (ગીતશાસ્ત્ર ૧૦૦:૩) આપણે માબાપ બની શકીએ એ રીતે યહોવાહે આપણને બનાવ્યા છે. આ તો પરમેશ્વરની કરામત છે. કેટલી સુંદર કરામત! —ગીતશાસ્ત્ર ૧૩૯:૧૩-૧૬.
૪. યહોવાહ ને ઘણા માણસો વચ્ચે કેવો ફરક છે?
૪ આજે તો ઘણા લોકો દયા વગરના છે. બાળકોની પણ દયા નથી રાખતા. યહોવાહ એવા નથી. યહોવાહે આપણને માબાપ બનવાની શક્તિ આપી છે. શું એનો અર્થ એ થાય કે યહોવાહને જન્મલા બાળકોની કંઈ જ પડી નથી? (ગીતશાસ્ત્ર ૭૮:૩૮-૪૦) ગીતશાસ્ત્ર ૧૨૭:૩ કહે છે: “બાળકો ઈશ્વરે આપેલી ભેટ છે, વારસો છે, હા ઈશ્વરે આપલું ઈનામ છે.” (IBSI)
“બાળકો વારસો છે, હા ઈશ્વરે આપલું ઈનામ”
૫. શા માટે બાળકોને એક વારસો કહી શકીએ?
૫ વારસો એટલે કે એક કિંમતી ભેટ. માબાપ પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરે છે. એટલે જ, તેઓ તન-તોડ મહેનત કરીને પોતાના બાળકો માટે ઘર, પૈસા કે બીજી કોઈ કિંમતી વસ્તુઓ એકઠી કરીને તેઓને વારસામાં આપે છે. એવી જ રીતે, યહોવાહ પણ આપણા સૌથી પ્યારા પિતા છે. તે આપણને ખૂબ ચાહે છે. એટલે તે વારસામાં આપણને બાળકો આપે છે. જો તમે માબાપ હોવ, તો શું તમે તમારા લાડલાઓને યહોવાહે આપેલી ભેટ ગણો છો?
૬. ઈશ્વરે શા માટે આપણને માબાપ બનવાની શક્તિ આપી છે?
૬ ઈશ્વરે આપણને માબાપ બનવાની શક્તિ આપી છે. જેથી, આખી ધરતી માણસોથી ભરાય જાય. (ઉત્પત્તિ ૧:૨૭, ૨૮; યશાયાહ ૪૫:૧૮) યહોવાહે સ્વર્ગમાં અબજો સ્વર્ગદૂતોને બનાવ્યા તેમ, તે દરેક બાળકને પોતે બનાવતા નથી. એ જવાબદારી તો પતિ-પત્નીને આપી છે. તેઓ બંને બાળકને પેદા કરીને તેનું જતન કરી શકે છે. (ગીતશાસ્ત્ર ૧૦૪:૪; પ્રકટીકરણ ૪:૧૧) આ કરામત, આ ચમત્કાર આપણા માટે કેટલો મોટો આશીર્વાદ છે!
ઈસુના દાખલામાંથી શીખો
૭. અમુક માબાપ કેવા હોય છે પણ ઈસુ કેવા હતા?
૭ અફસોસની વાત છે કે આજે ઘણા લોકો બાળકોને આશીર્વાદના બદલે બોજરૂપ ગણે છે. તેઓ પોતાના બાળકોને પ્રેમ કરતા નથી. પરંતુ, યહોવાહ ને ઈસુ આપણને ખૂબ ચાહે છે કેમકે આપણે તેઓના બાળકો જ છીએ. (ગીતશાસ્ત્ર ૨૭:૧૦; યશાયાહ ૪૯:૧૫) ઈસુ સ્વર્ગમાં હતા ત્યારે તે મનુષ્યોને જોઈને ખૂબ “આનંદ” કરતા. (નીતિવચનો ૮:૩૧) તે પૃથ્વી પર આવ્યા ત્યારે પણ સર્વ પર પ્રેમ વરસાવ્યો ને ખાસ કરીને બાળકોની પર. તે આપણને એટલા ચાહતા હતા કે આપણને પાપમાંથી છોડાવવા માટે પોતાનું જીવન આપી દીધું.—માત્થી ૨૦:૨૮; યોહાન ૧૦:૧૮.
૮. ઈસુએ માબાપ માટે કેવો દાખલો બેસાડ્યો?
૮ ભલે ઈસુને બાળકો ન હતા. તોપણ તે માબાપને ઘણું શીખવે છે. ભલે તે ઘણી વખત ટેન્શનમાં હતા, ભલે કામમાં વ્યસ્ત હતા, પરંતુ તે હંમેશાં બાળકોને ખોળામાં લેતા. વહાલ કરતા. બાળકો બજારમાં રમતા ત્યારે તેઓને ખુશીથી જોતા. પછી બીજાઓને શીખવતા તેઓના દાખલાનો ઉપયોગ કરતા. (માત્થી ૧૧:૧૬, ૧૭) ઈસુ છેલ્લી વાર યરૂશાલેમમાં ગયા હતા ત્યારે તેમને ખબર હતી કે તેમને મારી નાખવામાં આવશે, એ સમય આવી ગયો છે. તેમ છતાં, જ્યારે લોકો તેમને જોઈને જાય છે ત્યારે પોતાના બાળકો લઈને તેમની પાસે દોડી આવે છે. એ જોઈને શિષ્યોએ વિચાર્યું હશે કે ‘ઈસુને માથે બોજો હશે, બાળકો તેમની પાસે લાવશે તો માથું ખાશે.’ તેથી, તેઓ બાળકોને ઈસુ પાસે જતા રોકે છે. પણ ઈસુ શિષ્યોને તરત જ કહે છે, “બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને વારો મા.” કેમ? કારણ કે ઈસુને બાળકો સાથે ખૂબ મજા આવતી.—માર્ક ૧૦:૧૩, ૧૪.
૯. માબાપે વર્તનથી બાળકોને શું બતાવવું જોઈએ?
૯ ઈસુના દાખલામાંથી માબાપ શું શીખી શકે? પહેલા તો એ કે ભલે ઈસુ કોઈ પણ કામમાં ડૂબેલા હતા, તોપણ તે હંમેશાં બાળકો માટે સમય ફાળવતા. એવી જ રીતે માબાપે પણ બાળકો માટે સમય કાઢવો જોઈએ. તેઓ સાથે વાતચીત કરવી જોઈએ. ખોળામાં લઈને પ્રેમ કરવો જોઈએ. મોંથી ફક્ત ‘બેટા-દીકરા’ કરવું જ પૂરતુ નથી. તેઓએ પોતાનો પ્રેમ કાર્યોથી પણ બતાવવો જોઈએ. ઈસુના દાખલામાંથી બીજું શું શીખી શકીએ? ઈસુએ જેમ તેમના શિષ્યો સાથે ધીરજ બતાવી, તેમ માબાપે પણ બાળકો સાથે ધીરજ રાખવી જોઈએ. કેમકે, ભલે તમે બાળકો પ્રત્યે ભરપૂર પ્રેમ બતાવો ને તેઓને સારામાં સારું શિક્ષણ પણ આપો પરંતુ, એ કદાચ તેઓના દિલમાં જલ્દી નહિ ઉતરે. આથી અધીરા બનવાના બદલે તેઓને ધીરજથી શિખાડવું જોઈએ.
પ્રેમ ને ધીરજથી બાળકોને ઉછેરો
૧૦. ઈસુએ તેમના શિષ્યોને નમ્ર રહેવા માટે કેવો પાઠ શિખવ્યો ને એનું શું પરિણામ આવ્યું?
૧૦ ઈસુએ કઈ રીતે ધીરજ બતાવી? એક વખત ઈસુ ને તેમના શિષ્યો કાપરનાહુમ ગયા હતા. તેઓ શહેરમાં પહોંચ્યા ત્યારે ઈસુએ કહ્યું: “તમે માર્ગમાં શો વિવાદ કરતા હતા? પણ તેઓ છાના રહ્યા; કેમકે માર્ગમાં તેઓ માંહોમાંહે વિવાદ કરતા હતા કે મુખ્ય કોણ છે?” આ જાણીને ઈસુએ તેઓને ધમકાવ્યા નહિ. એને બદલે, તેમણે પ્રેમ ને ધીરજથી તેઓને નમ્ર રહેવાનો પાઠ શિખવ્યો. (માર્ક ૯:૩૩-૩૭) શું ઈસુએ એક વાર શીખવેલી બાબત તેઓના દિલમાં ઉતરી ગઈ? શું તેઓએ તરત જ પોતાનામાં સુધારો કર્યો? ના, કેમ કે લગભગ ૬ મહિના પછી શિષ્યો ફરી એની એ જ ચર્ચા કરવા લાગ્યા કે તેઓમાંથી સૌથી મોટો કોણ છે. અરે, યાકૂબ અને યોહાને તો હદ કરી નાખી. તેઓ ઈસુના રાજમાં મોટી પદવી મળે માટે પોતાની માને તેમની પાસે જઈને કહેવાનું કહે છે. શું ઈસુ ઉકળી ઉઠ્યા? ના તેઓ સાથે ધીરજ રાખી.—માત્થી ૨૦:૨૦-૨૮.
૧૧. (ક) શિષ્યોએ કયું કામ કરવા તૈયાર ન હતા? (ખ) ઈસુએ શું કર્યું ને એનું શું પરિણામ આવ્યું?
૧૧ હવે ઈસુના બીજા એક અનુભવનો વિચાર કરો. તેત્રીસમી સાલમાં ઈસુ અને તેમના શિષ્યો પાસ્ખાપર્વ ઉજવવા માટે એક ઘરમાં ગયા. હવે એ જમાનામાં ઘરનો દાસ કે દાસી સર્વ મહેમાનોના ધૂળવાળા પગ ધોતા. પણ આ ઘરમાં એવી સેવા કરવાનાર કોઈ ન હતું. બાર શિષ્યોમાંથી કોઈને એ કામ કરવું ન હતું. (૧ શમૂએલ ૨૫:૪૧; ૧ તીમોથી ૫:૧૦) તેઓ એમ જ વિચારતા હતા કે ‘હું કંઈક છું, મારાથી એવું કામ થાય જ નહિ.’ આ જોઈને ઈસુને ખૂબ જ દુઃખ થયું હશે. તોપણ તે ધીરજથી શિષ્યોને એક મહત્ત્વનો પાઠ શિખવે છે. તે પોતે તેઓના પગ ધોવે છે. (યોહાન ૧૩:૪-૧૭) શું ઈસુના આટલા પ્રત્યનો છતાં, શિષ્યો આ વખતે સુધર્યા? ના, બાઇબલ કહે છે કે એ જ સાંજે શિષ્યોમાં ફરી એ જ ચર્ચા થવા માંડી કે, “આપણામાં કોણ મોટો ગણાય છે.” પરિણામે “તેઓમાં વાદવિવાદ શરૂ થયો.”—લુક ૨૨:૨૪.
૧૨. બાળકોને મોટા કરતી વખતે માબાપે શું યાદ રાખવું જોઈએ?
૧૨ માબાપ, શું તમે ઈસુ જેવા સંજોગમાં આવ્યા છો? ભલે તમે અનેક વાર બાળકોને પ્રેમથી શિખામણ આપો પણ તેઓ સુધરતા નથી. જો એમ હોય, તો હિંમત ન હારો. ઈસુની જેમ ધીરજ બતાવવો. શિક્ષણ આપતા જ રહો. ધીરજનાં ફળ મીઠાં હોય છે.—૧ યોહાન ૩:૧૪, ૧૮.
૧૩. બાળકોને વાત કરવી હોય ત્યારે માબાપને શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ?
૧૩ ઈસુના દાખલામાંથી માબાપ બીજું શું શીખી શકે છે? એ કે તેઓએ સમય લઈને બાળકો સાથે વાત કરવી જોઈએ. ઈસુએ હંમેશાં તેમના શિષ્યોના દિલની વાતો સાંભળી. (માત્થી ૧૭:૨૫-૨૭) જ્યારે માબાપ બાળકોની વાત ધ્યાનથી સાંભળે ત્યારે બાળકોને લાગે કે ‘હા, મારા મમ્મી પપ્પા મને પ્રેમ કરે છે.’ પણ જો બાળકને વાત કરવા માંગતા હોય, પણ તમે તરત જ મોઢું ચડાવીને કહો, ‘હવે શું જોઈએ છે! અત્યારે હું કામ કરું છું. જા મને હમણાં હેરાન ન કર!’ તો વિચાર કરો કે બાળકને કેવું દુઃખ થાય. જો તમે ખરેખર કામમાં ડૂબેલા હોવ, તો તમારે શું કરવું જોઈએ? તમે પ્રેમથી બાળકને સમજાવો કે કામ પૂરું કરીને તમે તેની સાથે વાત કરશો. ત્યાર પછી તેની સાથે વાત કરવાનું ભૂલશો નહિ. એમ કરવાથી, બાળક ખરેખર તમારો સાચો પ્રેમ જોઈ શકશે. ખુલ્લે દિલે વાત કરી શકશે.
૧૪. ઈસુના ઉદાહરણમાંથી માબાપે શું શીખવું જોઈએ?
૧૪ ઈસુ બાળકોને ખૂબ ચાહતા હતા. બાઇબલ કહે છે કે ઈસુએ “તેઓને બાથમાં લીધાં, ને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ દીધો.” (માર્ક ૧૦:૧૬) માબાપે પણ પોતાના બાળકોને ખોળામાં લઈને પ્રેમ બતાવવો જોઈએ. એમ કરવાથી બાળકનું દિલ પ્રેમથી ઉભરાય જાય છે. પછી જ્યારે તમે તેઓને શિક્ષણ કે શિક્ષા આપો ત્યારે તેઓને એમ નહિ લાગે કે ‘મારા માબાપને મારા પર પ્રેમ નથી.’
બાળકો માટે સમય કાઢો
૧૫, ૧૬. ઘણા માબાપો શું વિચારે છે ને શા માટે?
૧૫ આજના જમાનામાં ઘણા માબાપ એવું માને છે કે દિવસમાં એકાદ કલાક બાળકો માટે કાઢવો જોઈએ. તેઓનું એવું પણ કહેવું છે કે જો દિવસમાં બાળકો સાથે બસ થોડી મિનિટો વાત-ચીત ને ખેલ-કૂદ માટે ફાળવી શકીએ તો પણ બહુ છે. એ થોડી મિનિટો માટે તમારું પૂરું ધ્યાન બાળકો પર જ હોવું જોઈએ. પણ શું બાળકોને આવી રીતે મોટા કરાય? ના જરાય નહિ!
૧૬ એક લેખકે અનેક બાળકો સાથે વાત કરી હતી. બધા બાળકોએ તેને કહ્યું કે, ‘માબાપ સાથે અમને વધારે સમય જોઈએ છે. દિવસમાં ફક્ત થોડી મિનિટો જ નહિ.’ એક પ્રોફેસરે કહ્યું: ‘હકીકત એ છે કે આજના માબાપોને બાળકો માટે બિલકૂલ સમય નથી. તેથી, માબાપો બાળકો સાથે થોડો ઘણો સમય ફાળવે છે જેથી તેઓનું મન ન ડંખે.’ પરંતુ પ્રશ્ન એ છે કે બાળકો માટે તમારે કેટલો સમય કાઢવો જોઈએ?
૧૭. ઈશ્વર માબાપને કેવું માર્ગદર્શન આપે છે?
૧૭ બાઇબલ માર્ગદર્શન આપે છે. ઈશ્વરે ઈસ્રાએલી માબાપને કહ્યું કે તેઓ છોકરાને ઘરમાં હોય ને રસ્તા પર ચાલતા હોય ત્યારે શીખવવું જોઈએ. અરે, તેઓ સૂઈ જાય ને ઊઠે ત્યારે પણ શીખવવું જોઈએ. (પુનર્નિયમ ૬:૭) આ માર્ગદર્શનમાંથી સ્પષ્ટ રીતે જોવા મળે છે કે માબાપે હર ઘડીએ બાળકોને શિખવતા રહેવું જોઈએ.
૧૮. શિક્ષણ આપવાની બાબતમાં માબાપ ઈસુના ઉદાહરણમાંથી શું શીખી શકે છે?
૧૮ ફરી એક વાર ઈસુનો વિચાર કરો. થાક્યા વગર તે શિષ્યો ગમે ત્યારે શિક્ષણ આપવાની તક ઝડપી લેતા હતા. પછી ભલે તેઓ જમતા હોય, મુસાફરી કરતા હોય કે આરમ કરતા હોય. (માર્ક ૬:૩૧, ૩૨; લુક ૮:૧; ૨૨:૧૪) એવી જ રીતે, આજે માબાપે પણ ગમે ત્યારે બાળકોને શિખામણ આપવા તૈયાર રહેવું જોઈએ. સાથે સાથે તેઓને દિલની વાતો કરવા પણ તૈયાર હોવા જોઈએ.
બાળકોને શું શીખવવું જોઈએ ને કઈ રીતે?
૧૯. (ક) બાળકો માટે સમય કાઢવા ઉપરાંત બીજી કઈ બાબત જરૂરી છે? (ખ) માબાપને ખાસ કરીને બાળકોને શું શિખવવું જોઈએ?
૧૯ જો તમે બાળકો માટે સમય કાઢો તો એ ઘણું સારું છે. પરંતુ તમે બાળકોને કયું શિક્ષણ આપો છો? બાઇબલ કહે છે: ‘યહોવાહ તારા દેવ પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રીતિ કર. અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે ખંતથી તારાં છોકરાંને શીખવ.’ (પુનર્નિયમ ૬:૫-૭) ઈસુએ કહ્યું કે યહોવાહને પ્રેમ કરવાની આજ્ઞા સૌથી મહત્ત્વની આજ્ઞા છે. (માર્ક ૧૨:૨૮-૩૦) માબાપ, શું તમે તમારા બાળકોને યહોવાહ વિષે શીખવો છો? શું તમે સમજાવો છો કે શા માટે ફક્ત યહોવાહને જ ભજવા જોઈએ?
૨૦. મુસાના દિવસમાં માબાપે ખાસ કરીને બાળકોને શું શિખવવાનું હતું?
૨૦ માબાપે બાળકોને શિખવવું જોઈએ કે તેઓ યહોવાહને પ્રેમ કરે. બીજું શું શિખવવું જોઈએ? તેઓને યહોવાહના “વચનો” પણ શિખવવા જોઈએ. એ વચનો પુનર્નિયમના પાંચમા અધ્યાયમાં જોવા મળે છે. ત્યાં આપણે પરમેશ્વરે મુસાને આપેલી દસ આજ્ઞાઓ જોઈ શકીએ છીએ. એમાંના અમુક નિયમ એ છે કે આપણે જૂઠું ન બોલવું જોઈએ, ને ચોરી, ખુન કે વ્યભિચાર જેવા પાપ ન કરવા જોઈએ. (પુનર્નિયમ ૫:૧૧-૨૨) શાસ્ત્ર કહે છે કે બાળકોને યહોવાહના નીતિ-નિયમો પણ શીખવવા.
૨૧. ‘છોકરાંને ખંતથી શીખવવાનો’ શું અર્થ થાય છે?
૨૧ યહોવાહ કહે છે કે માબાપે ‘છોકરાંને ખંતથી શીખવવું’ જોઈએ. એનો અર્થ એ થાય કે એ શિક્ષણ બાળકના દિલમાં ઉતરે ત્યાં સુધી મહેનત કરતા રહેવું જોઈએ. એ શિક્ષણ મગજમાં ઠસવવા માટે વારંવાર શિખવવું પડે છે. યહોવાહ ખરેખર એ કહેવા માગે છે કે માબાપે ગોઠવણ કરવી જોઈએ જેથી તેઓ બાળકોને નિયમિત રીતે ભક્તિ કરવાનું શીખવી શકે.
૨૨. ઈસ્રાએલી માબાપને બીજું શું કરવાનું હતું ને એનો શું અર્થ થતો હતો?
૨૨ ખંતથી બાળકોને શીખવવામાં બાઇબલ માબાપને બીજું શું કરવાનું કહે છે? શાસ્ત્ર કહે છે કે યહોવાહના “વચનો” કે આજ્ઞાઓ “તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ, ને તારી આંખોની વચ્ચે તેમને કપાળભૂષણ તરીકે રાખ. અને તું તેમને તારા ઘરની બારસાખો ઉપર તથા દરવાજા ઉપર લખ.” (પુનર્નિયમ ૬:૮, ૯) આનો અર્થ એ થતો ન હતો કે માબાપને તાવીજ પર નિયમો લખીને બાળકોને પહેરાવવાના હતા કે તેઓએ દરવાજા ઉપર લગાવવાના હતા. પરંતુ એનો અર્થ એ થતો હતો કે માબાપ હર ઘડીએ બાળકોને યહોવાહ ને તેમના નિયમો વિષે શીખવતા રહેવું જોઈએ. આમ એ નિયમો જાણે બાળકોની નજર સામે જ હોય.
૨૩. બીજા લેખમાં આપણે કયા પ્રશ્નોની ચર્ચા કરીશું?
૨૩ આજે માબાપોએ બાળકોને ખાસ કરીને કઈ મહત્ત્વની બાબતો શીખવી જોઈએ? બાળકોને કેવું શિક્ષણ આપી શકાય જેથી તેઓ ખરાબ કામોથી દૂર રહી શકે? માબાપ પાસે એવું કંઈ છે જે તેઓને બાળકોને સારી રીતે મોટા કરાવવા મદદ કરશે? આ પ્રશ્નોના જવાબ બીજા લેખમાં જોવા મળશે.
તમે કેવો જવાબ આપશો?
• બાળકો શા માટે કિંમતી વારસો છે?
• ઈસુ પાસેથી ખાસ કરીને માબાપો શું શીખી શકે?
• માબાપે બાળકો માટે કેટલો સમય કાઢવો જોઈએ?
• બાળકોને ખાસ કરીને શું શીખવવું જોઈએ ને કઈ રીતે શીખવવું જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૦ પર ચિત્ર]
ઈસુ પાસેથી માબાપ શું શીખી શકે?
[પાન ૧૧ પર ચિત્ર]
ઈસ્રાએલી માબાપે બાળકોને ક્યારે ને કઈ રીતે શીખવવાનું હતું?
[પાન ૧૨ પર ચિત્ર]
માબાપે હંમેશાં યહોવાહનું શિક્ષણ બાળકની નજર સામે જ રાખવું જોઈએ