સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સુખ દુઃખમાં યહોવાહનો સાથ લો

સુખ દુઃખમાં યહોવાહનો સાથ લો

સુખ દુઃખમાં યહોવાહનો સાથ લો

બાઇબલ સમયમાં અમુક લોકોને યહોવાહ સાથે ગાઢ નાતો હતો. એટલે યહોવાહનો તેઓના પરમેશ્વર તરીકે ઉલ્લેખ થયો છે. દાખલા તરીકે, “ઇબ્રાહીમનો દેવ,” “એલીયાહનો દેવ યહોવાહ,” અને “દાઊદનો દેવ યહોવાહ.”—ઉત્પત્તિ ૩૧:૪૨; ૨ રાજાઓ ૨:૧૪; ૨૦:૫.

તેઓએ કઈ રીતે યહોવાહ સાથે ગાઢ નાતો બાંધ્યો? આપણે એમાંથી શું શીખી શકીએ? આપણે કઈ રીતે યહોવાહ સાથે ગાઢ નાતો બાંધીને એને જાળવી રાખી શકીએ?

ઈબ્રાહીમે “યહોવાહ પર વિશ્વાસ કર્યો”

ઈબ્રાહીમ પહેલા વ્યક્તિ છે જેના વિષે બાઇબલ કહે છે: “તેણે યહોવાહ પર વિશ્વાસ કર્યો.” પરમેશ્વરના આશીર્વાદ પામવા ઈબ્રાહીમે મહત્ત્વનો ગુણ વિશ્વાસ કેળવ્યો હતો. તો સામે યહોવાહે પણ તેમના પર આશીર્વાદ વરસાવ્યા હતા. તેથી યહોવાહે મુસાને પોતાની ઓળખ આપતા કહ્યું કે “ઇબ્રાહીમનો દેવ,” તેના દીકરા ઇસ્હાકનો દેવ તથા પૌત્ર યાકૂબનો દેવ.—ઉત્પત્તિ ૧૫:૬; નિર્ગમન ૩:૬.

કઈ રીતે ઈબ્રાહીમે પરમેશ્વરમાં આવો વિશ્વાસ કેળવ્યો? તેમણે નક્કર પાયા પર વિશ્વાસ કેળવ્યો હતો. કઈ રીતે કહેવાય? કદાચ નુહના પુત્ર શેમે તેમને યહોવાહનું માર્ગદર્શન આપ્યું હોય શકે. શેમે પોતે અનુભવ્યું હતું કે યહોવાહ કઈ રીતે છુટકારાનો માર્ગ ખોલે છે. તેમણે પોતાની આંખે જોયું હતું કે યહોવાહે “અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયીપણાના ઉપદેશક નુહને તથા તેની સાથેનાં સાત માણસોને બચાવ્યાં.” (૨ પીતર ૨:૫) ઈબ્રાહીમે શેમ પાસેથી સાંભળ્યું હશે કે યહોવાહ જે કંઈ વચન આપતા એ ચોક્કસ પૂરા થતા. તેથી, યહોવાહે ઈબ્રાહીમને વચન આપ્યું ત્યારે તેમને પૂરો ભરોસો હતો કે એ વચન ચોક્કસ પૂરું થશે.

ઈબ્રાહીમનો વિશ્વાસ પહાડ જેવો હતો. તેમણે એ પોતાના કાર્યો દ્વારા બતાવ્યું. પ્રેષિત પાઊલે લખ્યું: “વિશ્વાસથી ઇબ્રાહીમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું, ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો; એટલે પોતે ક્યાં જાય છે, એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો.” (હેબ્રી ૧૧:૮) ઈબ્રાહિમે વિશ્વાસથી એ આજ્ઞા પાળી. એના વિષે શિષ્ય યાકૂબે લખ્યું: “ઈશ્વર પરના વિશ્વાસને લીધે અબ્રાહામ ઈશ્વર જે કહે તે બધું કરવા તૈયાર હતો. તેનાં સારાં કાર્યોથી તેનો વિશ્વાસ સંપૂર્ણ કરાયો.”—યાકોબ ૨:૨૨, IBSI.

એ ઉપરાંત, યહોવાહે ઈબ્રાહીમના વિશ્વાસની કસોટી કરીને એને વધારે મજબૂત બનાવ્યો. પાઊલે કહ્યું: “વિશ્વાસથી ઇબ્રાહીમે, જ્યારે તેની કસોટી થઈ ત્યારે, ઈસહાકનું બલિદાન આપ્યું.” કસોટીથી વિશ્વાસ મજબૂત થાય છે. અને એ “અગ્‍નિથી પરખાએલા નાશવંત સોના કરતાં બહુ મૂલ્યવાન છે.”—હેબ્રી ૧૧:૧૭; ૧ પીતર ૧:૭.

જોકે, ઈબ્રાહીમે જીવતેજીવ પરમેશ્વરે આપેલાં બધાં વચનો પૂરા થતા જોયા ન હતા. તોપણ, બીજાઓને પોતે બેસાડેલા દાખલા મુજબ ચાલતા જોઈને તેમને ઘણી ખુશી મળી હતી. તેમની પત્ની સારાહ અને તેમના પુત્રો ઈસ્હાક, યાકૂબ અને યુસફે પણ ઈબ્રાહીમની જેમ વિશ્વાસમાં સારો દાખલો બેસાડ્યો હતો. એ માટે તેઓના નામ પણ બાઇબલમાં વિશ્વાસુ લોકોની યાદીમાં છે.—હેબ્રી ૧૧:૧૧, ૨૦-૨૨.

ઈબ્રાહીમ જેવો વિશ્વાસ આજે બતાવીએ

સદા યહોવાહની સેવામાં લાગુ રહેવા વિશ્વાસ બહુ જરૂરી છે. પાઊલે લખ્યું: “વિશ્વાસ વગર દેવને પ્રસન્‍ન કરવો એ બનતું નથી.” (હેબ્રી ૧૧:૬) કઈ રીતે આજે આપણે ઈબ્રાહીમ જેવો વિશ્વાસ કેળવી શકીએ?

ઈબ્રાહીમની જેમ આપણે પણ નક્કર પાયા પર વિશ્વાસ કેળવવો જોઈએ. એ માટે સૌથી સારી રીત છે, બાઇબલ અને એના પ્રકાશનોનો ઊંડો અભ્યાસ. બાઇબલ વાંચીને એના પર મનન કરવાથી પરમેશ્વરે આપેલાં વચનો જરૂર પૂરા થશે એવી આપણને ખાતરી થાય છે. એક વાર એવી ખાતરી થયા પછી, આપણે જીવનમાં જરૂરી ફેરફારો કરવા પ્રેરાઈશું. આજ્ઞાપાલનથી પણ આપણો વિશ્વાસ મજબૂત થાય છે. એમાં લોકોને શુભસંદેશો જણાવવો અને સભાઓમાં હાજર રહેવાનો સમાવેશ થાય છે.—માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦; હેબ્રી ૧૦:૨૪, ૨૫.

આપણા વિશ્વાસની ઘણી રીતે કસોટી થશે. જેમ કે, સતાવણી, કોઈ ગંભીર બીમારી કે પછી આપણા પ્રિયજનનું મોત. પણ યાદ રાખો, ગમે તેવા કપરાં સંજોગોમાં પણ યહોવાહને વફાદાર રહેવાથી આપણો વિશ્વાસ મજબૂત થશે. અને એ વિશ્વાસ સોના કરતાંય મૂલ્યવાન હશે. પરમેશ્વરના બધાં વચનોને પૂરા થતા જોવા ભલે આપણે જીવતા ન પણ રહીએ, પણ જો આપણો વિશ્વાસ મજબૂત હશે તો, એ પરમેશ્વરની નિકટ લઈ જશે. બીજાઓને પણ આપણા વિશ્વાસને અનુસરવાનું ઉત્તેજન મળશે. (હેબ્રી ૧૩:૭) રાલ્ફનો દાખલો લો. તેણે પોતાના માબાપનો અજોડ વિશ્વાસ જોયો ત્યારે, તે પણ એવો જ વિશ્વાસ કેળવવા પ્રેરાયો. તે કહે છે:

“હું ઘરે હતો ત્યારે અમે કુટુંબ તરીકે ભેગા મળીને બાઇબલ વાંચી શકીએ એ માટે મારા માબાપે વહેલાં ઊઠવા ઉત્તેજન આપ્યું. આ રીતે અમે આખું બાઇબલ વાંચ્યું હતું.” રાલ્ફ આજેય સવારે વહેલા બાઇબલ વાંચીને દિવસની સારી શરૂઆત કરે છે. રાલ્ફ અઠવાડિયે એક વાર તેના પપ્પા સાથે પ્રચારમાં જતો. તે કહે છે: “એ વખતે હું પપ્પા પાસેથી ફરી મુલાકાત લેવાનું અને બાઇબલ અભ્યાસ ચલાવવાનું શીખ્યો.” રાલ્ફ હમણાં યુરોપમાં યહોવાહના સાક્ષીઓની એક બ્રાંચ ઑફિસમાં સેવા આપે છે. ખરેખર, માબાપના વિશ્વાસનું કેવું સરસ પરિણામ!

યહોવાહને મનગમતો માણસ

ઈબ્રાહીમના લગભગ ૯૦૦ વર્ષ પછી દાઊદનો જન્મ થયો હતો. બાઇબલમાં યહોવાહના વિશ્વાસુ સેવકોમાં દાઊદનો પણ ઉલ્લેખ છે. યહોવાહે દાઊદને રાજા તરીકે પસંદ કર્યો છે એ જણાવતા ઈશ્વરભક્ત શમુએલે કહ્યું: “યહોવાહે પોતાને મનગમતો એક માણસ શોધી કાઢ્યો છે.” દાઊદને પણ યહોવાહ સાથે ગાઢ નાતો હતો. એટલે જ ઈશ્વરભક્ત યશાયાહે હિઝકીયાહ રાજાને કહ્યું કે “તારા પિતા દાઊદનો દેવ યહોવાહ.”—૧ શમૂએલ ૧૩:૧૪; ૨ રાજાઓ ૨૦:૫; યશાયાહ ૩૮:૫.

ભલે દાઊદ યહોવાહનો મનગમતો માણસ હતો. અમુક વાર તેણેય યહોવાહને નારાજ કર્યા હતા. તેમની આજ્ઞાઓ તોડી હતી. દાઊદે જીવનમાં ત્રણ વાર ગંભીર ભૂલો કરી હતી: એક, તે અયોગ્ય રીતે કરાર કોશને યરૂશાલેમમાં લઈ આવ્યા. બીજું, બાથશેબા સાથે વ્યભિચાર કર્યો અને તેના પતિ ઉરિયાહને યુદ્ધમાં મરાવી નાખ્યો. ત્રીજું, યહોવાહે આજ્ઞા કરી ન હતી તોય યહુદા અને ઈસ્રાએલીઓની વસ્તી ગણતરી કરી. દરેક વખતે દાઊદ પરમેશ્વરના નિયમની વિરુદ્ધમાં ગયા હતા.—૨ શમૂએલ ૬:૨-૧૦; ૧૧:૨-૨૭; ૨૪:૧-૯.

યહોવાહે પોતાના સેવક દ્વારા દાઊદને તેનું પાપ બતાવ્યું ત્યારે, તેણે પોતાના દોષનો ટોપલો બીજાઓ પર ઢોળ્યો નહિ. તેણે કબૂલ્યું કે તે યોગ્ય રીતે કરારકોશને ઊંચકીને લાવ્યો ન હતો: “આપણે નિયમ પ્રમાણે તેની [યહોવાહની] હજૂરમાં ગયા નહિ.” પ્રબોધક નાથાને દાઊદના વ્યભિચારને ખુલ્લો પાડ્યો ત્યારે, દાઊદે કહ્યું: “મેં યહોવાહની વિરૂદ્ધ પાપ કર્યું છે.” લોકોની વસ્તી ગણતરી કર્યા પછી તેને પોતાની ભૂલનું ભાન થાય છે ત્યારે, ફરી એક વાર તે કબૂલે છે: “મેં જે કર્યું છે તેમાં મેં મોટું પાપ કર્યું છે.” આમ, દાઊદે દિલથી પોતાની ભૂલોનો પસ્તાવો કર્યો અને યહોવાહ સાથે ગાઢ સંબંધમાં રહ્યો.—૧ કાળવૃત્તાંત ૧૫:૧૩; ૨ શમૂએલ ૧૨:૧૩; ૨૪:૧૦.

આપણે ભૂલ કરીએ ત્યારે

યહોવાહ સાથે ગાઢ નાતો બાંધવા દાઊદ રાજાના દાખલામાંથી આપણને ઘણું ઉત્તેજન મળે છે. દાઊદ જેવી યહોવાહને મનગમતી વ્યક્તિએ પણ ગંભીર ભૂલો કરી હતી. તો પછી, આપણે કોઈ વાર ભૂલ કે પાપ કરી બેસીએ તો, દુઃખમાં ડૂબી જવાની જરૂર નથી. (સભાશિક્ષક ૭:૨૦) દાઊદે પાપનો પસ્તાવો કર્યો ત્યારે યહોવાહે તેને માફ કર્યો. એ જાણીને આપણને કેટલો દિલાસો મળે છે! અમુક વર્ષો પહેલાં ઊવના * કિસ્સામાં પણ આવું જ બન્યું હતું.

ઊવ યહોવાહના સાક્ષીઓના મંડળમાં એક વડીલ તરીકે સેવા આપતા હતા. એક વાર તે ખોટી ઇચ્છાઓને વશ થઈને વ્યભિચાર કરી બેઠા. દાઊદની જેમ ઊવે પણ પહેલાં આ વાત પોતાના પૂરતી રાખી. તેમને લાગ્યું કે પોતે કરેલા પાપ યહોવાહથી પણ અજાણ છે. આખરે, ઊવને પોતાનું અંતઃકરણ ડંખવા લાગ્યું. તેથી તેમણે બીજા એક વડીલ આગળ પોતાના પાપ કબૂલ્યા. એ માટે તેમના પર અમુક પગલાં ભરવામાં આવ્યા. તેમને પરમેશ્વરની ફરીથી સેવા કરવા માટે મદદ આપવામાં આવી.

ઊવે પોતાના પાપનો પસ્તાવો કર્યો. વળી તે યહોવાહ સાથે ગાઢ સંબંધમાં રહ્યાં અને મંડળની સાથે પણ રહ્યા હતા. તે પોતાને મળેલી મદદ માટે બહુ આભારી હતા. એ બનાવના થોડાં અઠવાડિયાં પછી વડીલોની મદદ માટે દિલથી આભાર માનતા તેમણે લખ્યું: “ખરેખર તમે લોકોએ મને યહોવાહના નામ પર બટ્ટો ન લાગે એ માટે મદદ કરી.” ઊવ યહોવાહ સાથેનો પોતાનો સંબંધ ફરીથી બાંધી શક્યા. તેમને સેવકાઈ ચાકર તરીકે પણ નીમવામાં આવ્યા.

“સ્વભાવે આપણા જેવો માણસ”

દાઊદ પછી સદીઓ બાદ એલીયાહ થઈ ગયા. તે ઈસ્રાએલના મહત્ત્વના પ્રબોધક હતા. ઈસ્રાએલ ભ્રષ્ટાચાર અને અનૈતિકતામાં ડૂબેલું હતું એ સમયે તેમણે યહોવાહની ભક્તિનો પ્રસાર કર્યો હતો. તે યહોવાહની ભક્તિમાં ક્યારેય ડગમગ્યા ન હતા. તેથી જ, એલીશાએ કહ્યું કે “એલીયાહનો દેવ યહોવાહ”!—૨ રાજાઓ ૨:૧૪.

એલીયાહ પણ આપણા જેવા સામાન્ય હતા. યાકૂબે લખ્યું: “એલીયાહ સ્વભાવે આપણા જેવો માણસ હતો.” (યાકૂબ ૫:૧૭) દાખલા તરીકે, તેમણે ઈસ્રાએલમાં બઆલ ભક્તોને મારી નાખ્યા ત્યારે, રાણી ઈઝેબેલે લાલચોળ થઈને તેમને મારી નાખવાની ધમકી આપી. એ વખતે એલીયાહે કેવું અનુભવ્યું? તે ડરીને અરણ્યમાં નાસી ગયા. વળી, એલીયાહે રોતમવૃક્ષ નીચે બેસીને પ્રાર્થના કરી: “હવે તો બસ થયું; હવે તો, હે યહોવાહ, મારો જીવ લઈ લે; કેમ કે હું મારા પિતૃઓ કરતાં સારો નથી.” એલીયાહ પ્રબોધક તરીકે રહેવા કરતાં મરી જવા ચાહતા હતા.—૧ રાજાઓ ૧૯:૪.

પણ યહોવાહ એલીયાહની લાગણી સમજતા હતા. તેમણે એલીયાહને શક્તિ આપી ને ખાતરી કરાવી કે તે પોતે એકલા નથી, પરમેશ્વરની ભક્તિમાં બીજાઓ પણ તેમની સાથે છે. વધુમાં, યહોવાહે એલીયાહ પર ભરોસો મૂક્યો અને તેમને બીજું એક કામ સોંપ્યું.—૧ રાજાઓ ૧૯:૫-૧૮.

ભલે એલીયાહ ડરી ગયા, હતાશ થઈ ગયા. પણ એનો એવો અર્થ નથી કે યહોવાહનો આશીર્વાદ તેમના પર ન હતો. કેમ કે, લગભગ ૧,૦૦૦ વર્ષ પછી પીતર, યાકૂબ અને યોહાનને ઈસુના રૂપાંતરનું દર્શન થયું ત્યારે, યહોવાહે ઈસુની સાથે મુસા અને એલીયાહને પસંદ કર્યા હતા. (માત્થી ૧૭:૧-૯) આ બતાવે છે કે યહોવાહે એલીયાહને એક સારા પ્રબોધક તરીકે જોયા હતા. એલીયાહનો સ્વભાવ ‘આપણા જેવો હતો.’ તોપણ, તેમણે લોકોને ફરીથી સાચી ભક્તિ કરવા પ્રેર્યા અને યહોવાહના નામને મહિમા આપ્યો. એલીયાહના આવા પ્રયત્નોની યહોવાહે પણ કદર કરી.

આપણે પણ એવા સંજોગમાં હોઈએ ત્યારે

આજે યહોવાહના સેવકો પણ અમુક વાર નિરાશાનો શિકાર બને છે. પરંતુ, એ જાણીને કેટલો દિલાસો મળે છે કે એલીયાહ પણ આપણા જેવા જ હતા! વળી, યહોવાહ એલીયાહની લાગણીઓને સમજ્યા હતા. એવી જ રીતે, તે આપણને પણ સમજે છે એ જાણીને કેટલું ઉત્તેજન મળે છે.—ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪.

આપણે પરમેશ્વર અને લોકોને પ્રેમ કરતા હોવાથી પૂરા દિલથી યહોવાહના રાજ્યનો સંદેશો જણાવીએ છીએ. પણ આપણા સંદેશાને કોઈ ન સાંભળે કે આપણા દુશ્મનો યહોવાહની ભક્તિ કરતા અટકાવે ત્યારે આપણે નિરાશ થઈ શકીએ. પરંતુ, યહોવાહે એલીયાહને તેનું કામ ચાલુ રાખવા શક્તિ આપી હતી તેમ તે આપણને પણ આપશે. હર્બટ અને ગેટ્રુડનો વિચાર કરો.

હર્બટ અને ગેટ્રુડે ૧૯૫૨માં, લીપઝીગમાં યહોવાહના સાક્ષી તરીકે બાપ્તિસ્મા લીધું હતું. લીપઝીગ પહેલા જર્મન લોકશાહી પ્રજાસત્તાકમાં હતું. એ સમયે યહોવાહના સાક્ષીઓ માટે જીવન બહુ કઠિન હતું. કેમ કે, એ વખતે પ્રચાર કાર્ય પર પ્રતિબંધ હતો. ઘર-ઘરના પ્રચાર કાર્ય વિષે હર્બટને કેવું લાગ્યું?

“એ સમયે અમે બહુ ચિંતિત હતા. ઘરે ઘરે પ્રચાર કરતા ત્યારે, કોઈ પોલીસવાળા આવીને અમને પકડી જશે એવો હંમેશાં ડર રહેતો.” શાનાથી તેઓ આ ડરને આંબી શક્યા? “અમે બાઇબલનો ખૂબ અભ્યાસ કરતા. અને યહોવાહે અમને પ્રચાર ચાલુ રાખવા માટે શક્તિ આપી.” હર્બટને તેમના પ્રચાર કાર્યમાં એવા ઘણા અનુભવ થયા છે જેનાથી તેમનો વિશ્વાસ મજબૂત થાય.

એક વાર તે પચાસેક વર્ષની સ્ત્રીને મળ્યા, જેણે બાઇબલમાં રસ બતાવ્યો હતો. થોડા દિવસ પછી હર્બટ તેના ઘરે ફરી ગયા. ત્યારે એક યુવાન પણ ત્યાં હતો. તે પણ તેઓની વાત સાંભળવા લાગ્યો. થોડી મિનિટો પછી હર્બટે કંઈક જોયું જેનાથી તેના પગ ઢીલા પડી ગયા. તેમણે એવું શું જોયું? રૂમના એક ખૂણાની ખુરશી પર પોલીસ ઑફિસરની ટોપી જોઈ. એ ટોપી પેલા યુવાનની હતી. તે પોલીસ હતો ને હર્બટની ધરપકડ કરવાની તૈયારીમાં જ હતો.

એ યુવાન પોલીસ બરાડી ઊઠ્યો, “તમે યહોવાહના સાક્ષી છો! તમારું આઈડી કાર્ડ બતાવો.” હર્બટે પોતાનું કાર્ડ આપ્યું. પછી અચાનક એવું કંઈક બન્યું જેની હર્બટે આશા રાખી ન હતી. પેલી સ્ત્રીએ એ પોલીસ તરફ ફરીને ચીમકી આપી: “જો પરમેશ્વરના આ માણસને કંઈ થશે તો, તને મારા ઘરમાં પેસવા નહિ દઉં.”

પોલીસ જરા વાર અટક્યો ને હર્બટને તેમનું કાર્ડ પાછું આપી દીધું. તેણે તેમને જવા દીધા. હર્બટને પછીથી ખબર પડી કે એ પોલીસ ઑફિસર પેલી સ્ત્રીની દીકરી સાથે ડેટીંગ કરતો હતો. તેને લાગ્યું કે હર્બટની ધરપકડ કરીશ તો, ડેટીંગ કરવું ભારે પડી જશે.

યહોવાહનો સાથ ન છોડો

આ અનુભવોમાંથી આપણને શું શીખવા મળે છે? ઈબ્રાહીમની જેમ યહોવાહના વચનોમાં આપણને મજબૂત વિશ્વાસ હોવો જોઈએ. દાઊદની જેમ આપણે પણ કોઈ ભૂલ કરી હોય ત્યારે યહોવાહ પાસે દિલથી માફી માંગવી જોઈએ. એલીયાહની જેમ આપણે પણ મુશ્કેલીના સમયમાં યહોવાહ પર પૂરો ભરોસો રાખવાની જરૂર છે. એમ કરવાથી આપણે આજે અને હંમેશ માટે યહોવાહનો સાથ નહિ છોડીએ. કેમ કે, આપણી ‘આશા જીવંત ઈશ્વરમાં છે. તે બધા માણસોના અને વિશેષ કરીને વિશ્વાસ કરનારાઓના ઉદ્ધારક છે.’—૧ તીમોથી ૪:૧૦, પ્રેમસંદેશ.

[ફુટનોટ]

^ નામ બદલવામાં આવ્યું છે.

[પાન ૨૫ પર ચિત્ર]

આજ્ઞાપાલનથી ઈબ્રાહીમનો વિશ્વાસ મજબૂત થયો

[પાન ૨૬ પર ચિત્ર]

આપણે પાપ કરી બેસીએ ત્યારે દાઊદની જેમ પસ્તાવો કરવો જોઈએ

[પાન ૨૮ પર ચિત્ર]

યહોવાહ એલીયાહની લાગણીઓ સમજ્યા તેમ, તે આપણને પણ સમજે છે