સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલની મદદથી ભાષાંતર

બાઇબલની મદદથી ભાષાંતર

બાઇબલની મદદથી ભાષાંતર

બાઇબલના કર્તા, યહોવાહ પરમેશ્વર ચાહે છે કે તેમના રાજ્યનો સંદેશો “સર્વ રાજ્ય, જાતિ, ભાષા તથા પ્રજામાં” જાહેર કરવામાં આવે. (પ્રકટીકરણ ૧૪:૬) પરમેશ્વર ઇચ્છે છે કે તેમનું વચન જુદી જુદી ભાષા અને જાતિના લોકો સમજી શકે એવી ભાષામાં હોય. તેથી, આખી દુનિયામાં બીજા કોઈ પુસ્તક કરતાં બાઇબલનું ભાષાંતર સૌથી વધારે ભાષાઓમાં કરવામાં આવ્યું છે. હજારો લોકોએ રાત-દિવસ સખત મહેનત કરીને પરમેશ્વરના શબ્દનું ભાષાંતર કર્યું છે.

જોકે એવું નથી કે બાઇબલ ફક્ત ભાષાંતર કરવા માટેનું જ પુસ્તક છે. ઘણી વાર બાઇબલ પણ આપણને ભાષાંતર કરવામાં મદદ કરે છે. ઘણા ભાષાંતરકારોએ અલગ અલગ ભાષાના બાઇબલના શબ્દોની સરખામણી કરી. એનાથી તેઓને અમુક શબ્દોનું સારું અને યોગ્ય ભાષાંતર કરવામાં ઘણી મદદ મળી. એ પદ્ધતિનો હવે કૉમ્પ્યુટર દ્વારા ભાષાંતર માટે ઉપયોગ કરવામાં આવે છે.

કૉમ્પ્યુટર સારું ભાષાંતર કરી શકતું નથી. ઘણા વિદ્વાનો માને છે કે ભાષાંતર કરવું કૉમ્પ્યુટરના હાથની વાત નથી. શા માટે? કેમ કે, ભાષામાં ફક્ત શબ્દો જ નથી હોતા. દરેક ભાષામાં અમુક એવા શબ્દો હોય છે જે કંઈ બધા જ શબ્દો સાથે મેળ ખાતા નથી. દરેક ભાષાનું વ્યાકરણ અલગ અલગ હોય છે. તેમ જ, ભાષામાં કહેવતો અને બે-ત્રણ અર્થ નીકળતા શબ્દો હોય છે. કૉમ્પ્યુટર આ બધી જ બાબતો શીખી શકતું નથી. એ કારણે કૉમ્પ્યુટર દ્વારા તૈયાર થયેલું ભાષાંતર મોટા ભાગે સમજવું બહુ મુશ્કેલ છે.

કૉમ્પ્યુટર ભાષાંતરના નિષ્ણાંત ફ્રાન્ઝ યોસેફ ઑખએ કહ્યું, “હવે કૉમ્પ્યુટરના વૈજ્ઞાનિકો ભાષાંતર કરવાની નવી રીતો બહાર પાડી રહ્યા છે.” ચાલો એનો એક દાખલો જોઈએ. ધારો કે તમે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કરવા ચાહો છો. સૌથી પહેલા બંને ભાષાઓમાં હોય એવો પાઠ લો. હવે એને કૉમ્પ્યુટરમાં ટાઈપ કરી દો. પછી કૉમ્પ્યુટર પ્રોગ્રામ બંને પાઠની સરખામણી કરીને નક્કી કરશે કે કયા ગુજરાતી શબ્દનો અંગ્રેજી શબ્દ કયો છે. દાખલા તરીકે, કૉમ્પ્યુટર જુએ કે અમુક ગુજરાતી શબ્દ માટે અંગ્રેજીમાં “હાઉસ” શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે કૉમ્પ્યુટર નક્કી કરશે કે એ ગુજરાતી શબ્દની બરાબર અંગ્રેજી શબ્દ “હાઉસ” છે કે નહિ. એ ઉપરાંત એ ગુજરાતી શબ્દના વિશેષણ, જેમ કે, “મોટું” “નાનું” “જૂનું” અને “નવું” પણ જોશે. આમ, કૉમ્પ્યુટર એક યાદી તૈયાર કરશે. જેમાં ગુજરાતી શબ્દો માટે અંગ્રેજીમાં કયા શબ્દો છે એ જોશે. કયા શબ્દો સાથે કયો શબ્દ વાપરી શકાય એ પણ નક્કી કરશે. કૉમ્પ્યુટરને આવી “તાલીમ” આપવા માટે થોડા દિવસ કે અઠવાડિયા લાગી શકે. એ પછી, કૉમ્પ્યુટર એ પ્રોગ્રામનો ઉપયોગ કરીને નવા પાઠનું ભાષાંતર કરી શકશે. એ સાચું છે કે કૉમ્પ્યુટર જે ભાષાંતર કરશે એનું વ્યાકરણ અને શૈલી સારી નહિ હોય. પરંતુ આપણે સમજી શકીએ એવું તો, જરૂર હશે.

ભાષાંતર કેવું હશે એ શરૂઆતમાં કૉમ્પ્યુટરમાં કેટલા શબ્દો નાખવામાં આવ્યા છે એના પર આધારિત છે. એ કારણે કૉમ્પ્યુટરથી ભાષાંતર કરવામાં બાઇબલ ઘણું મદદગાર સાબિત થયું છે. ઘણી ભાષાઓમાં બાઇબલનું બહુ ચીવટથી ભાષાંતર કરવામાં આવ્યું છે. આપણે બાઇબલને સહેલાઈથી મેળવી શકીએ છીએ અને એમાં ઘણી કલમો છે. તેથી, કૉમ્પ્યુટરને નવી ભાષાની ‘તાલીમ’ આપતી વખતે સંશોધકોએ બાઇબલની પસંદગી પહેલી કરી હતી.