સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ઈશ્વરનાં વચનો તમારા માર્ગ પર પ્રકાશ ફેંકે છે?

શું ઈશ્વરનાં વચનો તમારા માર્ગ પર પ્રકાશ ફેંકે છે?

શું ઈશ્વરનાં વચનો તમારા માર્ગ પર પ્રકાશ ફેંકે છે?

‘તારા વચન મારા માર્ગને સારૂ અજવાળારૂપ છે.’—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫.

૧, ૨. યહોવાહનાં વચનો આપણા માર્ગ પર પ્રકાશ ફેંકે એ માટે આપણે શું કરવું જોઈએ?

 જો આપણે બાઇબલમાંથી શીખીએ ને એની સલાહ જીવનમાં ઉતારીએ તો આપણે સારા નિર્ણયો લઈ શકીશું. પછી આપણે હિઝકીયાહની જેમ કહી શકીશું: “મારા પગોને સારૂં તારૂં વચન દીવારૂપ છે; તે મારા માર્ગને સારૂ અજવાળારૂપ છે.”—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫.

આ લેખમાં આપણે ગીતશાસ્ત્ર ૧૧૯:૮૯-૧૭૬ની ચર્ચા કરીશું. આ ભાગમાં ગીતના ૧૧ ઝૂમખાં છે. એ બતાવશે કે આપણે જીવનના માર્ગ પર કઈ રીતે રહી શકીએ.—માત્થી ૭:૧૩, ૧૪.

યહોવાહનાં વચનો આપણને સુખી કરે છે

૩. ગીતશાસ્ત્ર ૧૧૯:૮૯, ૯૦ કઈ રીતે બતાવે છે કે આપણે યહોવાહ પર શ્રદ્ધા રાખી શકીએ?

આપણે યહોવાહનાં વચનોને દિલથી ચાહીએ છીએ ત્યારે આપણી શ્રદ્ધાનો દીવો સ્થિર રહે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૮૯-૯૬) હિઝકીયાહે કહ્યું: ‘હે યહોવાહ, તારૂં વચન આકાશમાં સદા સ્થિર છે. તેં પૃથ્વીને સ્થાપી છે, અને તે નભી રહે છે.’ (ગીતશાસ્ત્ર ૧૧૯:૮૯, ૯૦) યહોવાહે ‘નિયમોથી’ આખું તારામંડળ ગોઠવ્યું છે. અબજોના અબજો તારાઓ પોતાના ચક્રમંડળમાં નિરંતર ઘૂમતા હોય છે. યહોવાહે પૃથ્વીને પણ હંમેશ માટે બનાવી છે. (અયૂબ ૩૮:૩૧-૩૩; ગીતશાસ્ત્ર ૧૦૪:૫) આ બધું યહોવાહનાં વચનોને કારણે જ થાય છે. તેથી આપણે યહોવાહ પર પૂરી શ્રદ્ધા મૂકવી જોઈએ કેમ કે તેમનાં વચનો સદા ટકે છે. બાઇબલ કહે છે કે યહોવાહ જે કંઈ ધારે તે ચોક્કસ ‘સફળ થશે.’—યશાયાહ ૫૫:૮-૧૧.

૪. યહોવાહનાં વચનો આપણને કીમતી હશે તો સતાવણી સમયે આપણે શું કરીશું?

હિઝકીયાહે ઘણી મુસીબતો સહન કરવી પડી. આ દુઃખો કોઈ પરદેશીઓ તરફથી નહિ, પણ તેમના જ ભાઈઓ તરફથી આવ્યા હતા. (લેવીય ૧૯:૧૭) જો હિઝકીયાહે યહોવાહના ‘નિયમમાં આનંદ માણ્યો ન હોત, તો તે દુઃખમાં’ દબાઈ જાત. (ગીતશાસ્ત્ર ૧૧૯:૯૨) ઈશ્વરભક્ત પાઊલે પણ ઘણાં દુઃખો સહન કર્યા. કોરીંથના મંડળમાં અમુક વ્યક્તિઓ પોતાને “ઉત્તમ પ્રેરિતો” માનતા હતા. તેઓએ પાઊલ પર ખોટા આરોપો મૂક્યા. પાઊલે બીજા ‘ડોળઘાલુ કે દંભી ભાઈઓ તરફથી જોખમ’ સહન કર્યું. (૨ કોરીંથી ૧૧:૫, ૧૨-૧૪, ૨૬) આ બધાયમાં પાઊલની શ્રદ્ધાને જરાય આંચ ન આવી કેમ કે તે યહોવાહનાં વચનોને વળગી રહ્યા. જો આપણે યહોવાહનાં વચનોને કીમતી ગણીશું તો એકબીજાને તોડી નહિ પાડીએ, પણ ખૂબ પ્યાર બતાવીશું. (૧ યોહાન ૩:૧૫) ભલે દુનિયા નફરતથી ભરાઈ ગઈ હોય, આપણે યહોવાહનું શિક્ષણ કદી ભૂલીશું નહિ. ચાલો આપણે સંપથી યહોવાહની ભક્તિ કરતા રહીએ ને એવા યુગ માટે રાહ જોઈએ જ્યારે આપણે સદા માટે યહોવાહની ભક્તિ કરી શકીશું.—ગીતશાસ્ત્ર ૧૧૯:૯૩.

૫. રાજા આસાએ કઈ રીતે યહોવાહને શોધ્યા?

“હું તારો છું મને બચાવ; કેમ કે મેં તારાં શાસનો શોધ્યાં છે.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૯૪) શું તમે કદીયે આવી વિનંતી કરી છે? રાજા આસાનો વિચાર કરો. યહુદાહનો દેશ મૂર્તિપૂજાથી ખદબદી ગયો હતો. પણ આસાએ યહોવાહનું વચન શોધ્યું ને પછી દેશને શુદ્ધ કર્યો. રાજા આસાએ તેમના રાજના પંદરમા વર્ષે (ઈસવીસન પૂર્વે ૯૬૩માં) એક મોટું સંમેલન ગોઠવ્યું. ત્યારે યહુદાહના લોકોએ ‘કરાર કર્યો, કે પોતાના ખરા અંતઃકરણથી યહોવાહની ભક્તિ કરશે.’ તેઓએ ‘યહોવાહને શોધ્યા’ ને યહોવાહે “તેઓને ચારે તરફ શાંતિ આપી.” (૨ કાળવૃત્તાંત ૧૫:૧૦-૧૫) આ દાખલામાંથી શું શીખવા મળે છે? જો તમે યહોવાહથી દૂર ચાલ્યા ગયા હોવ, તો હિંમત ન હારો. તમે ફરી મંડળમાં આવીને યહોવાહનો આશીર્વાદ મેળવી શકો છો.

૬. શ્રદ્ધાને મજબૂત રાખવા માટે આપણે શું કરવું જોઈએ?

યહોવાહનાં વચનો આપણને બુદ્ધિ આપે છે. એનાથી આપણી શ્રદ્ધાનું જતન થાય છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭-૧૦૪) યહોવાહની આજ્ઞાઓ પાળવાથી આપણે દુશ્મનોથી હોશિયાર બનીએ છીએ. અરે, ‘વૃદ્ધોના કરતાં આપણે વિશેષ જાણીશું, કેમ કે આપણે યહોવાહના શાસનો પાળ્યાં છે.’ (ગીતશાસ્ત્ર ૧૧૯:૯૮-૧૦૦) યહોવાહના ‘વચન મધના કરતાં વધુ મીઠાં છે!’ જો આપણે એ વચનો ચાખીશું તો ‘હરેક જૂઠા માર્ગને ધિક્કારીશું.’ (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૩, ૧૦૪) પછી ભલે આપણે પાપી લોકોથી સખત વિરોધ અનુભવીએ, આપણી શ્રદ્ધા ડગશે જ નહિ.—૨ તીમોથી ૩:૧-૫.

આપણા પગ માટે દીવો

૭, ૮. ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫ પ્રમાણે આપણે શું કરવું જોઈએ?

યહોવાહનાં વચનો એક દીવા જેવા છે જે સદા બળતો જ રહે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫-૧૧૨) આપણે સ્વર્ગમાં જવાના હોય કે પછી “બીજાં ઘેટાં” તરીકે પૃથ્વી પર રહેવાના હોય, આપણે સર્વે કહીશું: “મારા પગોને સારૂં તારૂં વચન દીવારૂપ છે; તે મારા માર્ગને સારૂ અજવાળારૂપ છે.” (યોહાન ૧૦:૧૬; ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫) યહોવાહનાં વચનો આપણા જીવનના માર્ગ પર પ્રકાશ પાથરે છે. એનાથી આપણી શ્રદ્ધા કદી ડગશે નહિ. (નીતિવચનો ૬:૨૩) શું તમારું જીવન યહોવાહના પ્રકાશથી ચાલે છે?

આપણે હિઝકીયાહની જેમ પૂરી ખાતરીથી કહેવું જોઈએ કે, ‘હું તારાં ન્યાયશાસનો પાળીશ એવી પ્રતિજ્ઞા મેં કરી હતી, અને તે પાળી પણ છે.’ (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૬) જો આપણે બાઇબલમાંથી શીખતા રહીએ ને મિટિંગમાં ધ્યાનથી સાંભળીએ, તો આપણે કદી ગેરમાર્ગે જઈશું નહિ.

૯, ૧૦. આપણે કઈ રીતે કહી શકીએ કે યહોવાહના અમુક સેવકો “શાસનો મૂકીને ભમી” જશે? આપણે કઈ રીતે યહોવાહના માર્ગ પર રહી શકીએ?

હિઝકીયાહ યહોવાહના ‘શાસનો મૂકીને ભમી ગયા’ નહિ. પણ અફસોસની વાત છે કે આજે અમુક ભાઈ-બહેનો યહોવાહથી દૂર ચાલ્યા ગયા છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧૦) રાજા સુલેમાને પણ એવી જ ભૂલ કરી. “પરદેશી સ્ત્રીઓએ તેની પાસે પાપ કરાવ્યું.”—નહેમ્યાહ ૧૩:૨૬; ૧ રાજાઓ ૧૧:૧-૬.

૧૦ શેતાન એક શિકારી છે. તે આપણને કોઈ પણ રીતે ફસાવવા માગે છે. (ગીતશાસ્ત્ર ૯૧:૩) પહેલી સદીમાં થુઆતૈરાના મંડળમાં “ઇઝેબેલ” જેવી અમુક લુચ્ચી સ્ત્રીઓ હતી જે લોકોને મૂર્તિપૂજા ને વ્યભિચાર કરવા લલચાવતી હતી. ઈસુએ કહ્યું કે મંડળે એવા પાપીઓથી દૂર રહેવું જોઈએ. (પ્રકટીકરણ ૨:૧૮-૨૨; યહૂદા ૩, ૪) આજે અમુક ભાઈબહેનો યહોવાહને છોડી દે છે. પછી તેઓ જ આપણા દુશ્મન બને છે. તેઓ ચાલાકીથી આપણને ફસાવવાની કોશિશ કરશે. પણ જો આપણે યહોવાહની મદદ માટે પ્રાર્થના કરીએ તો તે આપણને કોઈ પણ ફાંદાથી બચાવશે. આમ આપણા માર્ગ પર તેમનો પ્રકાશ હંમેશાં ફેલાશે.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧૧, ૧૧૨.

ઈશ્વરના વચનો આપણું રક્ષણ કરે છે

૧૧. ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧૯ પ્રમાણે યહોવાહ દુષ્ટોને શાની સાથે સરખાવે છે?

૧૧ જો આપણે યહોવાહના નિયમોથી દૂર ન ચાલ્યા જઈએ તો તે હંમેશાં આપણને સાથ આપશે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧૩-૧૨૦) ઈસુને ઢોંગી ખ્રિસ્તીઓ જરાય ગમતા નથી. આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે કદી ‘બે મોઢાંવાળા’ ઈશ્વરભક્તો ન બનીએ, કહીએ કંઈક ને કરીએ કંઈક બીજું. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧૩; પ્રકટીકરણ ૩:૧૬) યહોવાહથી “સર્વ ભમી જનારાને તેં હલકા ગણ્યા છે; કેમ કે તેઓનો ઢોંગ ફોકટ છે.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧૪, ૧૧૭, ૧૧૮; નીતિવચનો ૩:૩૨) જેમ પીગળેલા સોનામાંથી કચરો નીકળે, તેમ આ દુષ્ટ લોકો યહોવાહની નજરમાં “કચરાની પેઠે” છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧૯; નીતિવચનો ૧૭:૩) આ દુનિયાને અંતે એ દુષ્ટ લોકોનો નાશ થશે. જો આપણે એમાંથી બચવું હોય તો શું કરવું જોઈએ? આપણે પૂરા દિલથી યહોવાહને ભજવું જોઈએ, ત્યારે તે આપણો આશરો બનશે.

૧૨. આપણે શા માટે યહોવાહનો ડર રાખવો જોઈએ?

૧૨ હિઝકીયાહે કહ્યું: “તારા ભયથી હું કાંપું છું; અને હું તારાં ન્યાયવચનથી ડરૂં છું.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૦) એનો અર્થ એ થાય કે આપણે ઈશ્વરનો ડર રાખીએ, તો તે આપણને સાથ આપશે. અયૂબ ઈશ્વરનો ડર રાખતો હતો. એટલે તે સીધો માણસ હતો. (અયૂબ ૧:૧; ૨૩:૧૫) ભલે આપણા જીવનમાં તકલીફો આવી પડે, આપણે પણ યહોવાહનો ડર રાખીને અયૂબની જેમ સીધે માર્ગે ચાલી શકીએ. એમ કરવા માટે આપણે પૂરા વિશ્વાસથી પ્રાર્થનામાં ખૂબ હિંમતની માંગણી કરવી પડશે.—યાકૂબ ૫:૧૫.

પૂરા દિલથી પ્રાર્થના કરો

૧૩-૧૫. (ક) પ્રાર્થના વિષે આપણે કઈ ખાતરી રાખીએ છીએ? (ખ) જો આપણને ખબર ન હોય કે પ્રાર્થનામાં શું કહેવું, ત્યારે શું થાય છે? (ગ) પોતાના ‘ઉદ્‍ગારોને શબ્દોમાં ન મૂકી શકીએ’ ત્યારે ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૧-૧૨૮ આપણને કઈ રીતે મદદ કરી શકે?

૧૩ હિઝકીયાહની જેમ આપણે પૂરા દિલથી માનવું જોઈએ કે યહોવાહ આપણી પ્રાર્થના સાંભળશે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૧-૧૨૮) કેમ? કારણ કે આપણે ‘સોના કરતાં, ચોખ્ખા સોના કરતાં પણ યહોવાહની આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખીએ છીએ.’ વળી આપણે માનીએ છીએ કે યહોવાહના ‘શાસનો સારા છે,’ એ જ સત્ય છે.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૭, ૧૨૮.

૧૪ યહોવાહ આપણી પ્રાર્થના સાંભળે છે કેમ કે આપણે તેમના પર શ્રદ્ધા રાખીએ છીએ ને તેમની આજ્ઞાઓ પાળીએ છીએ. (ગીતશાસ્ત્ર ૬૫:૨) પણ અમુક વખત આપણે એવી પરેશાનીમાં આવી પડીએ છીએ કે “પ્રાર્થનામાં શું બોલવું તેની આપણને ખબર નથી.” ત્યારે “પવિત્ર આત્મા પોતે ઈશ્વર આગળ આપણા માટે આજીજી કરે છે; અને એ ઉદ્‍ગારોને શબ્દોમાં મૂકી શકાય નહિ.” (રોમનો ૮:૨૬, ૨૭, પ્રેમસંદેશ) આવા વખતે યહોવાહ આપણી જરૂરિયાતો જાણે છે. બાઇબલમાં ઘણી એવી પ્રાર્થનાઓ લખેલી છે, એ જાણે આપણી પ્રાર્થનાઓ હોય એ રીતે યહોવાહ જુએ છે.

૧૫ અમુક વખત આપણા “ઉદ્‍ગારોને શબ્દોમાં મૂકી શકાય નહિ.” પણ બાઇબલમાં એવી ઘણી પ્રાર્થનાઓ છે જે આપણી લાગણી વ્યક્ત કરે છે. દાખલા તરીકે, ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૧-૧૨૮નો વિચાર કરો. આ કલમો વાંચીને આપણને લાગી શકે કે ‘આ તો મારા જ દિલની વાત છે.’ જો આપણને કોઈ દગો દેશે એવો ડર લાગતો હોય તો આપણે હિઝકીયાહની જેમ પ્રાર્થના કરી શકીએ. (૧૨૧-૧૨૩ કલમો) અથવા, આપણે કોઈ મોટો નિર્ણય લેવાનો હોય તો? આપણે એવી પ્રાર્થના કરી શકીએ કે યહોવાહ તેમનું માર્ગદર્શન યાદ કરાવે, જેથી આપણે એને પાળી શકીએ. (૧૨૪ને ૧૨૫ના કલમો) યહોવાહ બીજી કઈ રીતે મદદ કરે છે? તે આપણને ‘દરેક જૂઠા માર્ગને ધિક્કારતા’ રહેવા શક્તિ આપે છે. (૧૨૬-૧૨૮મી કલમો) જો આપણે બાઇબલ વાંચતા રહીશું તો જ્યારે પણ યહોવાહને આજીજી કરીશું ત્યારે આવી સારી સારી કલમો યાદ આવશે.

યહોવાહ આપણને મદદ કરે છે

૧૬, ૧૭. (ક) યહોવાહ શા માટે આપણને તેમનાં વચનો યાદ અપાવે છે? એના વિષે આપણે કેવું અનુભવવું જોઈએ? (ખ) બીજાઓ આપણા વિષે શું વિચારશે, પણ સૌથી મહત્ત્વનું શું છે?

૧૬ જો આપણે યહોવાહનું કહ્યું માનીશું, તો તે આપણી પ્રાર્થના સાંભળશે ને આપણને આશીર્વાદ પણ આપશે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૯-૧૩૬) ઘણી વાર આપણે યહોવાહનું માર્ગદર્શન ભૂલી જઈએ છીએ. એટલે આપણે વિનંતી કરવી જોઈએ કે યહોવાહ હંમેશાં તેમના માર્ગો આપણી નજર સામે રાખે. યહોવાહ આપણને સમજણ આપે છે ત્યારે આપણા માર્ગ પર પ્રકાશ પડે છે! (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૯, ૧૩૦) આપણે ખુશ થઈએ છીએ કે યહોવાહ ‘તેમના સેવક પર તેમના મુખનો પ્રકાશ પાડે’ છે. જ્યારે બીજાઓ યહોવાહના ‘નિયમ પાળતા નથી’ ત્યારે આપણી ‘આંખોમાંથી આંસુ વહે’ છે.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩૫, ૧૩૬; ગણના ૬:૨૫.

૧૭ જો આપણે યહોવાહનું સાંભળીએ તો તે હંમેશાં આપણને આશીર્વાદ આપતા રહેશે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩૭-૧૪૪) તે આપણા ઈશ્વર છે, એટલે તે આપણને આજ્ઞાઓ આપે છે. આપણને એ આજ્ઞાઓ યાદ રાખવા પણ મદદ કરે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩૮) હિઝકીયાહે યહોવાહની આજ્ઞાઓ પાળી હતી. તો તેમણે શા માટે કહ્યું કે “હું નાનો તથા ધિક્કારાએલો છું”? (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૪૧) કેમ કે તેમના દુશ્મનો એવું વિચારતા કે, તે નકામા અને તુચ્છ છે. જ્યારે આપણે યહોવાહને વળગી રહીએ ત્યારે બીજાઓ કદાચ આપણને તોડી પાડે. પણ આપણે એનાથી નિરાશ ન થવું જોઈએ. આપણે યાદ રાખવું જોઈએ કે યહોવાહના કહ્યા બોલ પાળવાથી આપણને ઘણા આશીર્વાદો મળે છે.

યહોવાહ સુખ-શાંતિ આપે છે

૧૮, ૧૯. યહોવાહનાં વચનો પાળવાથી આપણને કેવો લાભ થાય છે?

૧૮ યહોવાહનાં વચનો પાળવાથી આપણે તેમના સંગમાં રહી શકીએ છીએ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૪૫-૧૫૨) દિલથી પોકાર કરીએ ત્યારે આપણને પૂરી ખાતરી થાય છે કે યહોવાહ આપણને સાંભળશે, પછી ભલેને રાત હોય કે દિવસ. આપણે ‘પ્રભાત થાય એ પહેલાં પણ યહોવાહને અરજ કરી’ શકીએ છીએ! (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૪૫-૧૪૭) જેમ યહોવાહે ઈસુને ખૂબ આશીર્વાદો આપ્યા, તેમ તે આપણને પણ આપે છે. કેમ કે આપણે તેમનાં વચનો દિલથી ચાહીએ છીએ ને દુનિયાની ગંદકીથી દૂર રહીએ છીએ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૫૦, ૧૫૧; યોહાન ૧૭:૧૭) યહોવાહનો હાથ પકડી રાખવાથી આપણે આ જગતના તોફાનમાં ખૂબ સલામતી અનુભવીએ છીએ. તે આપણને આ દુનિયાને અંતે પણ જરૂર બચાવશે.—પ્રકટીકરણ ૭:૯, ૧૪; ૧૬:૧૩-૧૬.

૧૯ યહોવાહનાં વચનો પાળવાથી આપણને ખૂબ શાંતિ મળે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૫૩-૧૬૦) ભલે દુષ્ટોએ યહોવાહને છોડી દીધા હોય, આપણે તો યહોવાહના ‘સાક્ષ્યોથી પાછા હઠ્યા’ નથી. આપણે યહોવાહની કૃપા અનુભવીએ છીએ કેમ કે આપણે તેમનાં વચનોને ચાહીએ છીએ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૫૭-૧૫૯) કોઈ પણ સંજોગમાં યહોવાહની મદદથી આપણે તેમનાં વચનો યાદ રાખી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે યહોવાહ સિવાય આપણને કોઈ દોરી શકે એમ નથી. કારણ કે યહોવાહના ‘વચન સત્ય છે,’ ને એના વગર આપણે પોતે સારા નિર્ણયો લઈ જ શકતા નથી.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૦; યિર્મેયાહ ૧૦:૨૩.

૨૦. આપણે શા માટે “બહુ શાંતિ” અનુભવીએ છીએ?

૨૦ યહોવાહની આજ્ઞાઓ પાળવાથી આપણને શાંતિ મળે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૧-૧૬૮) ભલે આપણે ખૂબ સતાવણી સહન કરીએ, “દેવની શાંતિ” આપણા પરથી ઊડી જતી નથી. (ફિલિપી ૪:૬, ૭) યહોવાહના બોલ કેટલા કીમતી છે! આપણે હિઝકીયાહની જેમ કહેવું જોઈએ કે ‘તારાં ન્યાયવચનોને લીધે હું રોજ સાત વાર તારી સ્તુતિ કરું છું.’ (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૧-૧૬૪) હિઝકીયાહે એ પણ કહ્યું કે “તારા નિયમ પર પ્રેમ રાખનારાને બહુ શાંતિ મળે છે; તેઓને ઠોકર ખાવાનું કંઈ કારણ નથી.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૫) જો આપણે પૂરા દિલથી યહોવાહની આજ્ઞાઓ પાળીએ, તો કોઈ આપણી શ્રદ્ધાને નબળી કરી શકશે નહિ.

૨૧. જો મંડળમાં કંઈ તકલીફ ઊભી થાય, તો આપણે કયા બાઇબલ દાખલાઓ યાદ રાખવા જોઈએ?

૨૧ બાઇબલમાં ઘણા અનુભવો બતાવે છે કે ભલે ઈશ્વરભક્તોને ફસાવવાની કોશિશ થઈ હોય, તેઓએ ઠોકર ખાધી નહિ. જેમ કે ગાયસ. દિયત્રેફેસ સાવ વંઠી ગયો તોપણ ગાયસે ઠોકર ખાધી નહિ. તે ‘સત્યમાં ચાલતો’ રહ્યો. (૩ યોહાન ૧-૩, ૯, ૧૦) જ્યારે યુઓદિયા ને સુન્તુખે વચ્ચે ઝઘડો થયો ત્યારે પાઊલે તેઓને ‘પ્રભુમાં એક ચિત્તની થવા’ અરજ કરી. પાઊલની સલાહ પાળીને તેઓ સંપથી યહોવાહની ભક્તિ કરતી રહી. (ફિલિપી ૪:૨, ૩) આ દાખલામાંથી આપણે શીખીએ છીએ કે મંડળમાં કંઈ તકલીફ ઊભી થાય ત્યારે આપણે એનાથી ઠોકર ખાવી જોઈએ નહિ. આપણી “બધી ચાલચલગત” યહોવાહની નજર આગળ છે. તેથી ચાલો આપણે યહોવાહની આજ્ઞાઓ પાળતા રહીએ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૮; નીતિવચનો ૧૫:૩) એમ કરીશું તો કોઈ પણ તકલીફ આપણી ‘શાંતિને’ છીનવી શકશે નહિ.

૨૨. (ક) યહોવાહની આજ્ઞાઓ પાળવાથી આપણને કેવો આશીર્વાદ મળશે? (ખ) જેઓ મંડળથી દૂર ચાલ્યા ગયા હોય, તેઓ માટે આપણે શું કરવું જોઈએ?

૨૨ યહોવાહનું માનવાથી આપણે હંમેશાં તેમની સ્તુતિ કરતા રહીશું. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૯-૧૭૬) આપણે કહીશું કે ‘મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારે’ છે. એમ કરવાથી આપણે તેમના આશીર્વાદ અનુભવીશું. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૯-૧૭૧, ૧૭૪) આ દુનિયાની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે. એવા સમયે યહોવાહની સ્તુતિ કરવા સિવાય બીજું અગત્યનું શું હોય શકે! તોપણ અમુક લોકો એ ભૂલી ગયા છે. હિઝકીયાહે પણ કોઈ કારણને લીધે કહ્યું કે “હું ભૂલા પડેલા મેંઢાની પેઠે ભટક્યો છું.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૭૫, ૧૭૬) હિઝકીયાહ તો યહોવાહને ખૂબ ચાહતા. તોપણ તેમણે થોડી ઠોકર ખાધી. આજે અમુક એવી વ્યક્તિઓ છે જે યહોવાહને ખૂબ ચાહે છે. પણ કોઈ કારણને લીધે મંડળથી દૂર ચાલી ગઈ છે. ચાલો આપણે એવી વ્યક્તિઓને મદદ કરીએ જેથી તેઓ ફરી આપણી સાથે યહોવાહની ભક્તિ કરી શકે. પછી તેઓ ફરી યહોવાહના આશીર્વાદો ચાખશે ને ખૂબ સુખી થશે.—હેબ્રી ૧૩:૧૫; ૧ પીતર ૫:૬, ૭.

ઈશ્વરના માર્ગે અંધેર નથી

૨૩, ૨૪. ગીતશાસ્ત્ર ૧૧૯માંથી તમને શું શીખવા મળ્યું છે?

૨૩ ગીતશાસ્ત્ર ૧૧૯મો અધ્યાય આપણને અનેક રીતે મદદ કરી શકે. દાખલા તરીકે, એ શીખવે છે કે આપણે કઈ રીતે યહોવાહ પર પૂરી શ્રદ્ધા મૂકી શકીએ. એ બતાવે છે કે “યહોવાહના નિયમ પ્રમાણે ચાલનારાઓને” આશીર્વાદો મળે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧) કારણ કે યહોવાહના ‘વચન સત્ય છે.’ (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૦) હા, આખું બાઇબલ યહોવાહનું જ વચન છે. શું તમે એને દિલથી ચાહો છો? ગીતશાસ્ત્ર ૧૧૯મો અધ્યાય વાંચીને આપણને હવે બાઇબલ વિષે વધુ શીખવાનું મન થાય છે. આપણે પણ હિઝકીયાહની જેમ યહોવાહને કહેતા રહીશું કે ‘તારી વિધિઓ મને શીખવ.’ (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨, ૬૮, ૧૩૫) તેમણે એમ પણ કહ્યું: “મને સારો વિવેક તથા ડહાપણ શીખવ; કેમ કે મેં તારી આજ્ઞાઓ પર વિશ્વાસ રાખ્યો છે.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૬૬) શું તમે આવી વિનંતી કરો છો?

૨૪ યહોવાહ વિષે શીખવાથી આપણે તેમના સંગમાં રહીએ છીએ. હિઝકીયાહે યહોવાહને અનેક વાર કહ્યું કે “હું તારો સેવક છું.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૭, ૬૫, ૯૪, ૧૨૨, ૧૨૫; રૂમી ૧૪:૮) યહોવાહના સેવક બનવું એક મોટો આશીર્વાદ છે! (ગીતશાસ્ત્ર ૧૧૯:૭) શું તમે ખુશીથી યહોવાહ વિષે પ્રચાર કરો છો? શું તમે તેમનાં વચનો પર પૂરી શ્રદ્ધા રાખો છો? શું યહોવાહનાં વચનો તમારા માર્ગ પર પ્રકાશ ફેંકે છે? જો આ પ્રશ્નોના જવાબ હા હોય, તો તમે પૂરી ખાતરી રાખી શકો કે યહોવાહ તમને સાથ આપશે ને તમારા પર આશિષો વરસાવતા રહેશે.

જવાબમાં તમે શું કહેશો?

• શા માટે યહોવાહનાં વચનોને ચાહવા જોઈએ?

• યહોવાહનાં વચનો આપણને કઈ રીતે શક્તિ આપે છે?

• યહોવાહનાં વચનો આપણને કઈ રીતે સાથ દે છે?

• આપણે શા માટે સુખ-શાંતિમાં છીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૬ પર ચિત્ર]

ઈશ્વરનાં વચનોમાંથી આપણને પ્રકાશ મળે છે

[પાન ૧૭ પર ચિત્ર]

આપણે યહોવાહનાં વચનો દિલથી ચાહીએ તો તે કદી આપણને પીગળેલા સોનામાંથી નીકળતા “કચરાની પેઠે” ગણશે નહિ

[પાન ૧૮ પર ચિત્ર]

આપણે રોજ બાઇબલ વાંચીએ તો પ્રાર્થના કરતી વખતે આપણને લાભ થાય એવી કલમો યાદ આવશે