સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમને યાદ છે?

શું તમને યાદ છે?

શું તમને યાદ છે?

છેલ્લા થોડા મહિનાના ચોકીબુરજ અંકો તમને કેવા લાગ્યા? એમાંથી તમને આ મુદ્દા યાદ છે?

શા માટે ઘણા એવું માને છે કે ઈસુ ડિસેમ્બર ૨૫મીએ જન્મ્યા હતા?

બાઇબલમાં ઈસુના જન્મની કોઈ પણ તારીખ આપી નથી. એન્સાયક્લોપેડિયા હીસપેનીકા પણ જણાવે છે: ‘બાઇબલને આધાર માનીને ચાલીએ તો ઈસુનો જન્મ ડિસેમ્બર ૨૫મીએ થયો જ નથી. એ દિવસ તો પ્રાચીન સમયમાં રોમના પાદરીઓએ નક્કી કર્યો. એ દિવસે લોકો સૂર્ય પૂજાનો તહેવાર ઊજવતા હતા.’ પ્રાચીન રોમના લોકો સૂર્યનો તહેવાર ઊજવવા ખાઈ-પીને મોજ કરતા ને એકબીજાને ભેટ આપતા.—૧૨/૧૫, પાન ૪-૫.

પ્રેરિતોના કૃત્યો ૭:૫૯નો અર્થ એ થાય કે સ્તેફને ઈસુને પ્રાર્થના કરી હતી?

ના. બાઇબલ શીખવે છે કે ફક્ત પરમેશ્વર યહોવાહને જ પ્રાર્થના કરવી જોઈએ. સ્તેફને દર્શનમાં સજીવન થયેલા ઈસુને જોઈને, તેમની સાથે સીધેસીધી વાત કરી હશે. આથી તેમણે કહ્યું: “ઓ પ્રભુ, ઈસુ, મારા આત્માનો અંગીકાર કર.” સ્તેફન જાણતા હતા કે પરમેશ્વર યહોવાહે ઈસુને મૂએલાઓને સજીવન કરવાનો અધિકાર આપ્યો છે. (યોહાન ૫:૨૭-૨૯) તેથી, ઈસુ તેમને સ્વર્ગમાં સજીવન ન કરે ત્યાં સુધી પોતાની જીવન શક્તિનું રક્ષણ કરવાની તે ઈસુને વિનંતી કરતા હતા.—૧/૧, પાન ૩૧.

કઈ રીતે વ્યક્તિનું નસીબ લખાયેલું નથી?

યહોવાહે આપણને આપણી મરજી પ્રમાણે ચાલવાની આઝાદી આપી છે. એ બતાવે છે કે આપણું ભવિષ્ય લખાઈને નથી આવતું. ખરું જોઈએ તો, યહોવાહ “પ્રેમ છે” અને તેમના ‘માર્ગો ન્યાયી’ છે. તેથી, તે કંઈ પહેલેથી લખી રાખતા નથી. (પુનર્નિયમ ૩૨:૪; ૧ યોહાન ૪:૮)—૧/૧૫, પાન ૪-૫.

આપણે શા માટે એમ ન ધારવું જોઈએ કે ચમત્કાર જેવું કંઈ નથી?

વૈજ્ઞાનિકો સમજ્યા છે કે પરમેશ્વરે સરજેલી વસ્તુઓ વિષેનું તેઓનું જ્ઞાન અધૂરું છે. તેથી, કેટલાક વૈજ્ઞાનિકો કબૂલે છે કે કોઈ બાબત અશક્ય છે એમ તેઓ ચોક્કસ કહી શકતા નથી. મોટા ભાગે તો, તેઓ એટલું જ કહી શકે છે કે કોઈ બાબત અશક્ય છે જ નહિ.—૨/૧૫, પાન ૫-૬.

શા માટે ન્યાયાધીશ શામશૂને તેના માબાપને કહ્યું કે મારે પલિસ્તીની દીકરીને પરણવું છે? (ન્યાયાધીશો ૧૪:૨)

યહોવાહના નિયમમાં જૂઠા દેવ-દેવીને ભજતી સ્ત્રીઓને પરણવાની સખત મનાઈ હતી. (નિર્ગમન ૩૪:૧૧-૧૬) પણ શામશૂનને બસ પલિસ્તીની દીકરી જ ગમતી હતી. શામશૂનને પલિસ્તીઓ સામે લડવાનું કારણ જોઈતું હતું. એ માટે તેને પલિસ્તી સ્ત્રી ગમતી હતી. પરમેશ્વરે શામશૂનને શક્તિ આપીને મદદ કરી.—(ન્યાયાધીશો ૧૩:૨૫; ૧૪:૩, ૪,)—૩/૧૫, પાન ૨૬.

શું આપણે સરકારી અધિકારીઓને કોઈ સેવા માટે બક્ષિસ કે ભેટ આપી શકીએ?

કોઈ પણ અધિકારીઓને લાંચ ન આપવી જોઈએ. અથવા કાયદો તોડીને કંઈ કામ કરી આપે, એ માટે તેઓને કંઈક આપવું ખોટું કહેવાય. પણ અન્યાય ટાળવા કે કોઈ અધિકારીએ કાયદેસર પોતાની ફરજ બજાવી હોય તો તેને બક્ષિસ આપવામાં કંઈ ખોટું નથી.—૪/૧, પાન ૨૯.