સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમારો વિશ્વાસ તમારા જીવનને દોરે છે?

શું તમારો વિશ્વાસ તમારા જીવનને દોરે છે?

શું તમારો વિશ્વાસ તમારા જીવનને દોરે છે?

એક જમાદારનો ચાકર બીમાર પડ્યો. તેને ખાતરી હતી કે ઈસુ ચાકરને સાજો કરી શકશે. પણ જમાદાર ઈસુને ઘરે બોલાવતા અચકાતો હતો. તે પોતે યહુદી ન હતો, એટલે તેને થયું હશે કે ઈસુને મારે ઘેર તો ન બોલાવાય. તેણે અમુક યહુદી વડીલોને ઈસુ પાસે મોકલ્યા અને કહ્યું: “ઓ પ્રભુ, તું મારા છાપરા તળે આવે એવો હું યોગ્ય નથી; પણ તું કેવળ શબ્દ કહે, એટલે મારો ચાકર સાજો થશે.” જમાદારને પૂરો વિશ્વાસ હતો કે ઈસુ તો ઘેર આવ્યા વગર, દૂરથી ચાકરને સાજો કરી શકે છે. આ સાંભળીને ઈસુએ ટોળાને કહ્યું: “હું તમને ખચીત કહું છું, કે એટલો વિશ્વાસ મેં ઈસ્રાએલમાં પણ જોયો નથી.”—માત્થી ૮:૫-૧૦; લુક ૭:૧-૧૦.

આ કિસ્સો આપણને વિશ્વાસ વિષે સરસ પાઠ શીખવે છે. ખરો વિશ્વાસ કાચો નથી હોતો. સાચા વિશ્વાસની સાબિતી તમારા જીવન પરથી દેખાય આવશે. ઈશ્વરભક્ત યાકૂબે બાઇબલમાં કહ્યું: “કાર્યો વિનાનો વિશ્વાસ એ વિશ્વાસ જ નથી.” (યાકોબ ૨:૧૭, IBSI) ચાલો જોઈએ કે વિશ્વાસ નબળો પડી જાય એનું શું પરિણામ આવે છે.

ઈસવીસન પૂર્વે ૧૫૧૩માં યહોવાહે ઈસ્રાએલીઓને નિયમો આપીને તેઓ સાથે કરાર બાંધ્યો હતો. તેમણે મુસા દ્વારા ઈસ્રાએલીઓને કહ્યું કે, જો તમે મારૂં કહેવું માનશો, ને મારો કરાર પાળશો, તો પવિત્ર દેશજાતિ થશો.’ (નિર્ગમન ૧૯:૩-૬) ઈસ્રાએલીઓ યહોવાહનું કહ્યું કરે તો તેઓ પવિત્ર રહી શકતા હતા.

સદીઓ પછી યહુદીઓ નિયમ પાળવાને બદલે નિયમ જોવા પર વધારે ભાર મૂકવા લાગ્યા. આલ્ફ્રેડ એડર્શિમે ઈસુનું જીવન નામના અંગ્રેજી પુસ્તકમાં લખ્યું કે, ‘જગના મહાન યહુદી ગુરુઓએ શીખવ્યું કે નિયમો પાળવા કરતાં એનો અભ્યાસ કરવો વધુ મહત્ત્વનું છે.’

હા, યહોવાહે ઈસ્રાએલીઓને કહ્યું હતું કે તેઓએ નિયમનો અભ્યાસ કરવો જોઈએ. ખુદ યહોવાહે કહ્યું હતું કે, “આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે; અને તે તું ખંતથી તારાં છોકરાંને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઊઠે, ત્યારે તે વિષે વાત કર.” (પુનર્નિયમ ૬:૬, ૭) પણ શું યહોવાહે એવું શીખવ્યું હતું કે નિયમો પાળવા કરતાં એનો અભ્યાસ કરવો વધારે મહત્ત્વનું છે? ચાલો જોઈએ.

નિયમનો ઊંડો અભ્યાસ કરવો

ઘણા ઈસ્રાએલીઓને તો નિયમનો ઊંડો અભ્યાસ કરવામાં કંઈ વાંધો ન હતો. અમુક તો શીખવતા કે ખુદ પરમેશ્વર રોજ ત્રણ કલાક નિયમોનો અભ્યાસ કરે છે! એટલા માટે ઘણા યહુદીઓ વિચારતા કે ‘જો ખુદ ઈશ્વરને નિયમનો અભ્યાસ કરવો પડે, તો આપણા વિષે શું? આપણે તો એનો અણુએ અણુ નિચોવી લેવો જોઈએ.’

ઈસુના જમાનાના યહુદી ગુરુઓ તો નિયમનો આડો-અવળો અર્થ કાઢતા. નિયમ વિષે તેઓના વિચારો પણ સાવ વાંકાચૂકા હતા. ઈસુએ કહ્યું કે, ‘શાસ્ત્રીઓ તથા ફરોશીઓ કહે છે ખરા, પણ કરતા નથી. કેમ કે ભારે અને ઊંચકતા મહા મુસીબત પડે એવો બોજો તેઓ માણસોની ખાંધ પર ચઢાવે છે, પણ તેઓ પોતે પોતાની એક આંગળી પણ તેને લગાડવા ચાહતા નથી.’ (માત્થી ૨૩:૨-૪) તેઓએ મામૂલી લોકોના જીવન પર નિયમના બોજાનો ભાર મૂક્યો હતો. પણ પોતે છટકબારી શોધતા અને એ નિયમો પાળતા નહિ. તેઓએ ફક્ત નિયમનો અભ્યાસ કરવા પર ભાર મૂક્યો, ‘પણ નિયમશાસ્ત્રની મોટી વાતો, એટલે ન્યાયકરણ તથા દયા તથા વિશ્વાસ, તે પડતાં મૂક્યાં.’—માત્થી ૨૩:૧૬-૨૪.

યહુદી ધર્મગુરુઓ નિયમ પાળવાનો ફક્ત દેખાડો કરતા હતા, પણ હકીકતમાં તો તેઓ યહોવાહનો નિયમ તોડતા હતા. વર્ષો સુધી તેઓ યહોવાહના નિયમોની ઊંડી ચર્ચા કરતા. પણ તેઓ પરમેશ્વર યહોવાહમાં શ્રદ્ધા રાખી ન શક્યા. તેઓ ‘અધર્મી લવારા’ કરતા. તેઓ પોતે એને “ભૂલથી જ્ઞાન” કહેતા. બસ ‘વાદ વિવાદમાંથી’ ઊંચા આવતા ન હતા. (૧ તીમોથી ૬:૨૦, ૨૧) દિવસને રાત તેઓ ફક્ત યહોવાહના નિયમનો અભ્યાસ જ કરતા, પણ તેઓનો વિશ્વાસ ખોખલો જ રહ્યો, વધ્યો નહિ.

બુદ્ધિ પાકી પણ શ્રદ્ધા કાચી

ઈશ્વરના વિચારો ને યહુદી ધર્મગુરુઓના વિચારોમાં કેવો આભ જમીનનો ફેર! ઈસ્રાએલીઓ વચનના દેશમાં ગયા એ પહેલાં, મુસાએ તેઓને કહ્યું કે, “જે સર્વ વાતોની હું આજે તમારી આગળ સાક્ષી પૂરૂં છું તે પર તમારૂં ચિત્ત લગાડો; અને એ વિષે તમારાં છોકરાંને આજ્ઞા કરો, કે આ નિયમના સર્વ વચનો તેઓ પાળે તથા અમલમાં આણે.” (પુનર્નિયમ ૩૨:૪૬) હા, પરમેશ્વરના ભક્તોએ ફક્ત નિયમનો જ અભ્યાસ કરવાનો ન હતો પણ જીવનમાં એ નિયમો પ્રમાણે ચાલવાનું હતું. એને અમલમાં મૂકવાના હતા.

પણ ઈસ્રાએલીઓનો વિશ્વાસ વારંવાર ડગમગી જતો. તેઓ સાચે માર્ગે ચાલ્યા નહિ. યહોવાહમાં “વિશ્વાસ કર્યો નહિ, તેમ જ તેની વાણી પણ સાંભળી નહિ.” (પુનર્નિયમ ૯:૨૩; ન્યાયાધીશો ૨:૧૫, ૧૬; ૨ કાળવૃત્તાંત ૨૪:૧૮, ૧૯; યિર્મેયાહ ૨૫:૪-૭) છેવટે ઈસ્રાએલીઓએ ઘોર પાપ કર્યું, ઈસુને ગણકાર્યા નહિ. (યોહાન ૧૯:૧૪-૧૬) પછી યહોવાહે ઈસ્રાએલીઓને આશીર્વાદ આપવાને બદલે બીજા બધા લોકો માટે માર્ગ ખોલ્યો.—પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૬.

આનાથી શું શીખવા મળે છે? આપણે યહોવાહની ભક્તિ અક્કલથી નહિ, બુદ્ધિથી નહિ પણ વિશ્વાસથી, પૂરી શ્રદ્ધાથી કરવી જોઈએ. આપણે બાઇબલનું ફક્ત મસ્તકીયું જ્ઞાન ન લેવું જોઈએ. પણ એ વચનો દિલમાં ઉતારવા જોઈએ. આપણા જીવનમાં ઉતારવા જોઈએ. દાખલા તરીકે, જો આપણે ખેતીકામનો ફક્ત અભ્યાસ જ કરીએ, પણ કોઈ દિવસ કંઈ ખેતીવાડી ન કરીએ તો શું કામનું? એ જ રીતે ઈશ્વરના બોલ આપણા દિલમાં રોપવા જોઈએ. જેથી સત્ય આપણા જીવનના હરેક પાસામાં ખીલી શકે.—માત્થી ૧૩:૩-૯, ૧૯-૨૩.

“વચન પાળનારા થાઓ”

ઈશ્વરભક્ત પાઊલે બાઇબલમાં જણાવ્યું કે, ‘સંદેશો સાંભળવાથી વિશ્વાસ પેદા થાય છે.’ (રૂમી ૧૦:૧૭) આપણે પહેલાં ઈશ્વરનો સંદેશો સાંભળીએ છીએ. પછી દિલમાં શ્રદ્ધા જાગે છે. ઈસુમાં વિશ્વાસ બેસે છે. પછી આપણે કાયમ જીવવાની આશા રાખી શકીએ. બસ, ‘હું આ માનું છું’ એમ કહેવાથી જ વ્યક્તિમાં શ્રદ્ધા નથી જાગતી.

ઈસુએ સાચો વિશ્વાસ કેળવતા શીખવ્યું. એવો વિશ્વાસ જેના પર જીવનનું હરેક પગલું નભી શકે. ઈસુએ કહ્યું: “તમે બહુ ફળ આપો, એમાં મારા બાપને મહિમા મળે છે; અને એથી તમે મારા શિષ્ય થશો.” (યોહાન ૧૫:૮) પછી ઈશ્વરભક્ત યાકૂબે લખ્યું કે, “તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારા જ નહિ.” (યાકૂબ ૧:૨૨) આપણે વાણી અને વર્તનથી બતાવી દેવું જોઈએ કે આપણે ઈશ્વરમાં પૂરો વિશ્વાસ રાખીએ છીએ.

ઈસુએ ખૂબ મહેનતથી લોકોને યહોવાહના રાજ્ય વિષે શીખવ્યું. યહોવાહનું નામ રોશન કર્યું. (યોહાન ૧૭:૪-૮) કઈ રીતે? ઘણા લોકો કહેશે કે ઈસુએ ચમત્કારથી માંદા ને અપંગ લોકોને સાજા કરીને એમ કર્યું. પણ માત્થી જણાવે છે કે ઈસુના જીવનમાં સૌથી મહત્ત્વનું કામ, પ્રચાર કામ હતું. તેમણે લખ્યું: “ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં બોધ કરતો, ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો . . . સઘળાં નગરોમાં તથા ગામોમાં ફરતો ગયો.” ઈસુ પ્રચાર કરતા ત્યારે અમુક જ લોકો સાથે જરા-તરા વાત કરીને ચાલ્યા ન જતા. પણ પૂરી લગનથી તેઓને શીખવતા. “આખા ગાલીલમાં” ફરીને લોકોને મળવાની કોશિશ કરતા.—માત્થી ૪:૨૩, ૨૪; ૯:૩૫.

ઈસુએ શિષ્યો બનાવવાની આજ્ઞા આપી હતી. તેમણે પોતે એ બારામાં સરસ દાખલો બેસાડ્યો. (૧ પીતર ૨:૨૧) ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે, “તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.”—માત્થી ૨૮:૧૯, ૨૦.

પ્રચાર કરવાનું કામ કંઈ સહેલું નથી. ઈસુએ કહ્યું હતું કે, “જુઓ, હું તમને વરૂઓમાં ઘેટાંનાં બચ્ચાં જેવા મોકલું છું.” (લુક ૧૦:૩) કોઈ આપણા પર ગુસ્સે થઈ જાય તો આપણે જરા ડરી જઈએ છીએ. ઈસુને જે સાંજે ગિરફતાર કરવામાં આવ્યા ત્યારે એવું જ કંઈક બન્યું. શિષ્યો ગભરાઈ ગયા. ભાગી ગયા. પછી પીતરે પણ કહ્યું કે તે ઈસુને ઓળખતા નથી.—માત્થી ૨૬:૫૬, ૬૯-૭૫.

અરે, પાઊલને પણ પ્રચાર કરવાનું અઘરું લાગતું. તેમણે થેસ્સાલોનીકીના મંડળને લખ્યું કે, “ઘણા કષ્ટથી તમારી આગળ દેવની સુવાર્તા પ્રગટ કરવાને આપણા દેવથી હિંમતવાન થયા.”—૧ થેસ્સાલોનીકી ૨:૧, ૨.

હા, પાઊલ અને બીજા ઈશ્વરભક્તો હિંમતવાન થઈને પ્રચાર કરી શક્યા. પણ તેઓ એ કઈ રીતે કરી શક્યા? યહોવાહમાં શ્રદ્ધા રાખીને, વિશ્વાસ મૂકીને. આપણે પણ યહોવાહમાં પૂરી શ્રદ્ધા રાખીશું તો, તે જે કંઈ કહે છે એ કરી શકીશું.—પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૭-૨૦; ૫:૧૮, ૨૭-૨૯.

વિશ્વાસ હશે તો આશીર્વાદ મળશે

યહોવાહ જાણે છે કે આપણે તેમની સેવામાં કેટલી મહેનત કરીએ છીએ. પ્રયત્ન કરીએ છીએ. આપણે બીમાર હોય કે થાકેલા હોઈએ એની પણ યહોવાહને ખબર છે. આપણે ખોટી ચિંતામાં ડૂબી જઈએ અથવા ખોટા વિચારે ચઢી જઈએ તો એ યહોવાહ સમજે છે. પૈસા ટકાની તંગીની ચિંતા કોરી ખાતી હોય એ પણ ઉપરવાળો જાણે છે. દિલ પર બોજો આવી જાય, ખોટા વિચારે ચડી જઈએ, તો કેવું લાગે એ પણ યહોવાહ સમજે છે. તે આપણા હરેક સંજોગો જાણે છે.—૨ કાળવૃત્તાંત ૧૬:૯; ૧ પીતર ૩:૧૨.

ભલે આપણે ગમે એ સહન કરતા હોઈએ, પણ આપણે જ્યારે યહોવાહમાં શ્રદ્ધા રાખીએ છીએ અને જીવનમાં પગલાં લઈએ છીએ ત્યારે તે કેટલા ખુશ થાય છે. યહોવાહ આપણાથી દૂર નથી. પણ પ્રેમથી, કોમળતાથી આપણું ખરેખર ધ્યાન રાખે છે. બાઇબલ જણાવે છે કે, “દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, અને સંતોની જે સેવા કરી છે, અને હજુ કરો છો, તેને વિસરે એવો અન્યાયી નથી.”—હેબ્રી ૬:૧૦.

બાઇબલ જણાવે છે કે યહોવાહ “વિશ્વાસુ તથા સત્ય દેવ” છે. “તે ન્યાયી તથા ખરો છે” અને “જેઓ ખંતથી તેને શોધે છે,” તેઓને આશીર્વાદ આપે છે. (પુનર્નિયમ ૩૨:૪; હેબ્રી ૧૧:૬) અમેરિકાના કેલીફોર્નિયાની એક બહેનનો દાખલો લો. તે કહે છે: “મારા પિતાએ દસ વર્ષ પાયોનિયર સેવા કરી, પછી બાળકો ઉછેર્યા. યહોવાહ તેમનું કઈ કઈ રીતે ધ્યાન રાખતા એ બધી વાતો તે મને કરતા. મને સાંભળવાની ખૂબ મજા આવતી. ઘણી વખતે તો તે છેલ્લી પાઈ પેટ્રોલમાં ખર્ચીને પ્રચારમાં જતા. પછી ઘેર પહોંચતા ત્યારે દરવાજે કોઈ કંઈ ખાવાનું રાખી ગયું હોય.”

યહોવાહ આપણી રોજી રોટી પૂરી પાડે છે. સાથે સાથે તે “કરુણાનો પિતા તથા સર્વ દિલાસાનો દેવ છે.” એટલે કે તે આપણને દિલાસો અને આશ્વાસન પણ આપે છે. (૨ કોરીંથી ૧:૩) એક બહેને વર્ષોથી અનેક કસોટીઓ સહન કરી છે. તે કહે છે કે ‘યહોવાહમાં શ્રદ્ધા રાખવાથી દિલમાં ટાઢક વળે છે. શ્રદ્ધા રાખીને પછી જોવાનું કે યહોવાહ કઈ રીતે માર્ગ ખોલે છે.’ તમે યહોવાહને નમ્ર દિલે પ્રાર્થના કરી શકો. તે પોતે “પ્રાર્થનાના સાંભળનાર” છે. આપણી કોઈ પણ ચિંતા તેમને ચરણે રેડી દેવી જોઈએ. તે સાંભળશે. ધ્યાનથી સાંભળશે.—ગીતશાસ્ત્ર ૬૫:૨.

ઈશ્વરભક્તિ કરવાથી ઘણા આશીર્વાદો મળે છે. (માત્થી ૯:૩૭, ૩૮) પ્રચાર કરવાથી ઘણાની તબિયત સારી રહે છે. તમારી પણ રહી શકે. પણ સૌથી મહત્ત્વનું તો એ કે પ્રચાર કરવાથી યહોવાહમાં શ્રદ્ધા વધે છે.—યાકૂબ ૨:૨૩.

સારું કરતા રહો

કદાચ બીમારી કે ઘડપણને લીધે આપણે યહોવાહની સેવામાં બહુ કરી શકતા ન હોય. પણ આપણે એવું કદી ન વિચારીએ કે પ્રચારમાં બહુ ન કરી શકતા હોય એ યહોવાહને નથી ગમતું. કોઈને કુટુંબની જવાબદારી હોય કે બીજા કોઈ સંજોગો ઊભા થયા હોય તો યહોવાહ સમજે છે કે આપણે બહુ ન કરી શકીએ.

પાઊલને પણ તકલીફ હતી. તે તકલીફ વિષે કહે છે: “મારી પાસેથી દૂર જાય એ બાબત વિષે મેં ત્રણવાર પ્રભુની પ્રાર્થના કરી.” યહોવાહે પાઊલને સાજા કર્યા હોત તો તે સેવામાં ઘણું કરી શક્યા હોત. પણ એને બદલે યહોવાહે કહ્યું કે “તારે વાસ્તે મારી કૃપા બસ છે. કેમ કે મારૂં સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” (૨ કોરીંથી ૧૨:૭-૧૦) ભલે તમે ગમે એ દુઃખ સહન કરતા હોવ, તમે યહોવાહની ભક્તિમાં જે કંઈ કરી શકો એનાથી યહોવાહ રાજી થાય છે. એ કદીયે ભૂલશો મા.—હેબ્રી ૧૩:૧૫, ૧૬.

યહોવાહ કદીયે આપણા ગજા બહારનું નથી માંગતા. બસ તે ઇચ્છે છે કે આપણે વિશ્વાસ રાખીએ. એવો વિશ્વાસ જે આપણા હરેક કામમાં દેખાતો હોય.

[પાન ૨૬ પર ચિત્ર]

શું ઈશ્વરના નિયમનો ખાલી અભ્યાસ જ કરવો જોઈએ?

[પાન ૨૯ પર ચિત્ર]

આપણો વિશ્વાસ જીવનની રગેરગમાં વહેતો હોવો જોઈએ