સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર મૂએલાંઓને સજીવન કરશે!

ઈશ્વર મૂએલાંઓને સજીવન કરશે!

ઈશ્વર મૂએલાંઓને સજીવન કરશે!

આજે મોટા ભાગના ધર્મો માને છે કે મરણ પામેલા સર્વને ઈશ્વર સજીવન કરશે. દાખલા તરીકે, કુરાનમાં સજીવન કરવા વિષેનું એક આખું પ્રકરણ છે. સુરાહના ૭૫માં પ્રકરણનો એક ભાગ કહે છે: “કયામતના દિવસના સોગંદ ખાઉં છું. . . . શું માણસ એમ ધારે છે કે અમે તેનાં હાડકાં કદી એકઠાં કરીશું નહિ? . . . તે પૂછે છે કે ક્યારે કયામતનો દિવસ છે? શું આ (પેદા કરનાર) શક્તિમાન નથી કે મરી ગયેલાને સજીવન કરે?”—સુરાહ ૭૫:૧-૬, ૪૦.

ધ ન્યૂ એન્સાયક્લોપીડિયા બ્રિટાનીકા જરથોસ્તી ધર્મ વિષે આમ કહે છે: ‘જરથોસ્તી ધર્મના લોકો માને છે કે ઈશ્વર દુષ્ટ લોકોનો નાશ કરશે. પછી મરણ પામેલા લોકોને તે સજીવન કરશે. ત્યાર બાદ ઈશ્વર, કોણ સારું કે ખરાબ છે એનો ન્યાય કરશે. છેવટે આખી પૃથ્વીને શુદ્ધ કરવામાં આવશે અને ફક્ત સારા લોકો રહેશે.’

ધ એન્સાયક્લોપીડિયા જુડાઈકામાં સજીવન વિષેની વ્યાખ્યા આમ આપી છે, ‘ઈશ્વર ગુજરી ગયેલા લોકોને તેઓના શરીરમાં પાછા લાવશે. અને તેઓ ફરીથી પૃથ્વી પર જીવશે.’ પરંતુ આ પુસ્તક મુજબ યહુદી ધર્મના લોકો એમ પણ માને છે કે મરણ પછી આત્મા અમર રહે છે. તેથી પુસ્તક આગળ કહે છે ‘સજીવન કરવું અને અમર આત્મા હોવો આ બંને માન્યતામાં આભ-જમીનનો ફરક છે.’

હિંદુ ધર્મના લોકો પુનર્જન્મમાં માને છે. જો એ સાચું હોય તો, વ્યક્તિનો આત્મા મરણ પછી પણ જીવતો રહે છે. ભગવદ્‍ગીતા કહે છે: “જે વડે આ સઘળું વ્યાત્પ છે તેને તું અવિનાશી જાણ; એ અવ્યય (અવિનાશી)નો વિનાશ કરવા કોઈ સમર્થ નથી.”

બૌદ્ધ, હિંદુ ધર્મથી એકદમ અલગ છે. કેમ કે, તેઓ અમર આત્મામાં માનતા નથી. તોપણ, આજકાલ પૂર્વ દેશોના બૌદ્ધો માને છે કે મરણ પછી વ્યક્તિનો આત્મા બીજે ક્યાંક જાય છે. *

સજીવન થવાના શિક્ષણ વિષે ગૂંચવણ

ખ્રિસ્તી ધર્મમાં મોટા ભાગના લોકો, મૂએલાં સજીવન થશે એમ માને છે. તેઓ એમ પણ માને છે કે મરણ પછી આત્મા જીવે છે. દાખલા તરીકે, એંગ્લિકન ચર્ચના પાદરી સામાન્ય રીતે દફનવિધિમાં કહે છે: ‘ઈશ્વરે આપણી વહાલી વ્યક્તિનો આત્મા લઈ લીધો છે. હવે તેમનું શરીર ધૂળમાં મળી જશે. પરંતુ આપણને પૂરી આશા છે કે ઈસુ ખ્રિસ્તના બલિદાનથી ઈશ્વર તેમને સજીવન કરશે.’—ધ બુક ઑફ કૉમન પ્રેયર.

પાદરીના આવા શબ્દોથી લોકો વિચારમાં પડી શકે કે બાઇબલ અમર આત્મા કે પછી સજીવન થવા વિષે શીખવે છે. પરંતુ, ફ્રેંચ પ્રોટેસ્ટંટ પ્રોફેસર, ઓસ્કાર કુલમાને પોતાના પુસ્તકમાં જે લખ્યું એની નોંધ કરો. મૂએલાંઓ સજીવન થશે કે પછી આત્મા અમર છે? (અંગ્રેજી) પુસ્તકમાં તેમણે લખ્યું, ‘ખ્રિસ્તીઓની પુનરુત્થાનની માન્યતા અને ગ્રીક લોકોની અમર આત્માની માન્યતા વચ્ચે આભ જમીનનો ફરક છે. ખરું કે, ખ્રિસ્તીઓએ પછીથી આ બંને માન્યતાઓને જોડી દીધી. જેના લીધે આજે મોટા ભાગના ખ્રિસ્તીઓ સાચું-ખોટું કંઈ જાણતા નથી. પણ મને અને મોટા ભાગના વિદ્વાનોને લાગે છે કે આ સત્યને છુપાવવાની જરૂર નથી. બાઇબલનો નવો કરાર સજીવનની માન્યતા પર છે. માણસ મરી જાય છે ત્યારે ઈશ્વર તેને પાછો સજીવન કરશે.’

આ બતાવે છે કે લોકો હજુ પણ ગૂંચવણમાં છે કે મરણ પછી શું થાય છે. અને ગુજરી ગયા પછી સજીવન કરવામાં આવશે કે કેમ. પરંતુ, આપણે આ ગૂંચવણમાંથી નીકળી શકીએ છીએ. કેવી રીતે? એ માટે આપણે બાઇબલ શું કહે છે એ તપાસવું જોઈએ. આપણા ઉત્પન્‍ન કર્તા, યહોવાહ પરમેશ્વરે વર્ષો પહેલાથી બાઇબલમાં એના વિષે સત્ય જણાવ્યું છે. વ્યક્તિઓને સજીવન કરવામાં આવી હોય એના દાખલા પણ બાઇબલમાં જોવા મળે છે. ચાલો આપણે બાઇબલમાંથી ચાર ઉદાહરણ જોઈએ. એ બતાવે છે કે ઈશ્વરે ગુજરી ગયેલા લોકોને કઈ રીતે સજીવન કર્યા.

“સ્ત્રીઓને પોતાના મરી ગયેલા સજીવન થઈને પાછા મળ્યા”

ઈશ્વરભક્ત પાઊલે યહુદીઓને પત્રમાં લખ્યું કે સ્ત્રીઓએ વિશ્વાસથી ‘પોતાના મરી ગયેલાને સજીવન થઈને પાછા મેળવ્યા.’ (હેબ્રી ૧૧:૩૫) આમ પાઊલ કઈ રીતે કહી શક્યા? ચાલો ઈસ્રાએલના સમયનો એક દાખલો જોઈએ. ભૂમધ્ય સમુદ્રના સીદોન નજીક સારફત ગામમાં એક વિધવા રહેતી હતી. તેને એક દીકરો હતો. એક દિવસ ઈશ્વરભક્ત એલીયાહ તેના ઘરે આવ્યા. આ વિધવાએ તેમને ઘરમાં આવકાર આપ્યો. તેમ જ, દુકાળ હોવા છતાં, તેણે એલીયાહને ખાવાનું આપ્યું. અમુક દિવસો પછી, સ્ત્રીનો દીકરો કોઈ બીમારીને લીધે મરી ગયો. એલીયાહ તરત જ છોકરાને પોતાની ઓરડીમાં લઈ ગયા. તેમણે છોકરાને સજીવન કરવા યહોવાહને આજીજી કરી. અને ખરેખર ચમત્કાર થયો, છોકરો તરત જ “જીવતો થયો.” એલીયાહે છોકરાને તેની મા પાસે લાવીને કહ્યું: “તારો છોકરો જીવતો છે.” આ વિધવાને પોતાના છોકરાને ફરી જીવતો જોઈને કેવું લાગ્યું હશે? તેની ખુશીનો પાર ન રહ્યો. તેણે દિલથી કહ્યું: “હવે હું જાણું છું કે તું ઈશ્વરભક્ત છે, ને તારા મુખમાં યહોવાહનું જે વચન છે તે સત્ય છે.”—૧ રાજાઓ ૧૭:૨૨-૨૪.

હવે બીજો દાખલો જોઈએ. એ પણ ઈસ્રાએલના સમયનો છે. સારફતથી ૬૦ કિલોમીટર દૂર દક્ષિણે એક યુગલ રહેતું હતું. સુનેમ શહેરના બધા લોકો આ પતિ-પત્નીને સારી રીતે ઓળખતા હતા. તેઓ બહુ ઉદાર મનના હતા. તેઓ ઈશ્વરભક્ત એલીશાની બહુ સંભાળ રાખતા. આ યુગલે એલીશાને પોતાના ઘરમાં રહેવા એક રૂમ પણ આપ્યો હતો. આ યુગલને એકેય બાળક ન હતું. પણ થોડા મહિનાઓ પછી તેઓને યહોવાહના આશીર્વાદથી દીકરો થયો. તે મોટો થયા પછી તેના પિતા અને નોકરો સાથે ખેતરમાં કામે જતો. એકવાર અચાનક કામ પર તેણે માથામાં દુખાવાની ફરિયાદ કરી. પછી એ દુખાવાને લીધે તે કણસવા લાગ્યો. એક નોકર છોકરાને તેની મા પાસે ઘરે લઈ ગયો. માએ તેને ખોળામાં સુવડાવ્યો. પણ છોકરો થોડી વારમાં માના ખોળામાં જ મરી ગયો. તેની મા એક નોકરને લઈને તરત જ મદદ માટે એલીશા પાસે દોડી ગઈ. એ વખતે એલીશા કાર્મેલ પર્વત પાસે રહેતા હતા.

તેઓએ આવીને એલીશાને આ દુઃખદ સમાચાર આપ્યા. એલીશાએ પોતાના ચાકર ગેહઝીને કહ્યું કે તે છોકરાને મળવા આગળ જાય. ગેહઝી ત્યાં પહોંચ્યો ત્યારે તો છોકરો મરી ગયો હતો. એલીશા અને છોકરાની મા સુનેમ શહેરમાં આવી પહોંચ્યા. પછી શું થયું? બીજો રાજા ૪:૩૨-૩૭નો અહેવાલ આગળ જણાવે છે: “એલીશા ઘરમાં આવ્યો ત્યારે, જુઓ, છોકરો મૂએલો તથા તેના પલંગ પર સુવાડેલો હતો. તેથી તે અંદર ગયો, ને બન્‍ને અંદર રહીને તેણે બારણું બંધ કર્યું, ને યહોવાહની પ્રાર્થના કરી. અને પલંગ પર ચઢીને તે છોકરા પર સૂતો, અને એના મોં પર પોતાનું મોં, એની આંખો પર પોતાની આંખો, એના હાથ પર પોતાના હાથ રાખ્યા; અને પોતે છોકરા પર લાંબો થઈને સૂતો; અને છોકરાનો દેહ ગરમ થયો. પછી તે પાછો ઊતર્યો, ને ઘરમાં આમતેમ એક ફેરો ખાધો; પછી ફરીથી ઉપર ચઢીને તે તેના પર લાંબો થઈને સૂતો; એટલે છોકરાએ સાત વાર છીંક ખાધી, ને છોકરાએ આંખો ઉઘાડી. પછી તેણે ગેહઝીને બોલાવીને કહ્યું, કે એ શૂનામ્મીને બોલાવ. એટલે તેણે એને બોલાવી. જ્યારે એ તેની પાસે આવી ત્યારે તેણે કહ્યું, કે તારા દીકરાને ઉઠાવી લે. પછી એ અંદર જઈને ભૂમિ સુધી નમીને તેને પગે પડી, ને તે પોતાના દીકરાને ઊંચકી લઈને બહાર ગઈ.”

સરાફતની વિધવા અને સુનેમની સ્ત્રીએ જોયું છે કે પરમેશ્વરની શક્તિથી તેમના દીકરા સજીવન થયા. પરમેશ્વરે તેઓના દીકરાને સજીવન કર્યા ત્યારે બંને સ્ત્રીઓનું દિલ કેવું ખુશીથી ભરાઈ ગયું હશે!

ઈસુએ સજીવન કર્યા

લગભગ ૯૦૦ વર્ષ પછી, મરી ગયેલા એક યુવાનને ઈસુએ ચમત્કારથી સજીવન કર્યો. એ ચમત્કાર ઉત્તર સુનેમની બહાર નાઈન શહેરમાં થયો. ઈસુ અને તેમના શિષ્યો કાફરનાહુમથી મુસાફરી કરીને નાઈન શહેરના દરવાજે પહોંચ્યા. ત્યાં તેઓને શું જોવા મળ્યું? લોકો એક મૂએલાં યુવાનની ઠાઠડી લઈ જતા હતા. એક વિધવાનો તે એકનો એક દીકરો હતો. તેથી, વિધવા બહુ જ રડતી હતી. એ જોઈને ઈસુને બહુ દુઃખ થયું. તેમણે વિધવાને કહ્યું કે રડીશ નહિ. પછી શું થયું? વૈદ લુક જણાવે છે: “તે [ઈસુ] પાસે આવીને ઠાઠડીને અડક્યો; એટલે ખાંધિયા ઊભા રહ્યા. તેણે કહ્યું, કે જુવાન, હું તને કહું છું, કે ઊઠ. ત્યારે જે મૂએલો હતો તે બેઠો થયો, અને બોલવા લાગ્યો. તેણે તેને તેની માને સોંપ્યો.” (લુક ૭:૧૪, ૧૫) આ ચમત્કાર જોનારા સર્વ લોકોએ પરમેશ્વરની સ્તુતિ કરી. આ સમાચાર યહુદાહના ખૂણે ખૂણે અને આજુ-બાજુના શહેરોમાં પણ ફેલાઈ ગયા. યોહાન બાપ્તિસ્મકના શિષ્યોને પણ આની જાણ થઈ. તેઓએ આ ચમત્કાર વિષે યોહાનને જણાવ્યું. યોહાને તેઓને ઈસુ પાસે મોકલીને પૂછાવ્યું: ‘શું આવનાર મસીહા તમે જ છો?’ ઈસુએ તેઓને કહ્યું: “તમે જે જે જોયું તથા સાંભળ્યું તે જઈને યોહાનને કહી સંભળાવો; એટલે આંધળા દેખતા થાય છે, લુલા ચાલતા થાય છે, રક્તપિત્તીઓને શુદ્ધ કરવામાં આવે છે, બહેરા સાંભળતા થાય છે, મૂએલાઓને ઉઠાડવામાં આવે છે, દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે.”—લુક ૭:૨૨.

ઈસુએ સજીવન કર્યાનો બીજો ચમત્કાર બહુ જ જાણીતો છે. ઈસુએ પોતાના ખાસ મિત્ર, લાજરસને સજીવન કર્યો. આ કિસ્સામાં લાજરસ મરી ગયા એ જ દિવસે ઈસુએ તેમને સજીવન કર્યા ન હતા. તો પછી, ક્યારે સજીવન કર્યા? લાજરસના મરણના ચાર દિવસ પછી ઈસુ બેથાનીઆમાં આવ્યા. તે લાજરસની કબરે ગયા. ઈસુએ કબર પર મૂકેલો પથ્થર હટાવવાનું કહ્યું. પણ મારથાએ કહ્યું: “પ્રભુ, હવે તો તે ગંધાતો હશે; કેમકે આજ તેને ચાર દહાડા થયા.” (યોહાન ૧૧:૩૯) ભલે ગમે તે હોય, પણ લાજરસને સજીવન કરવામાં કંઈ પણ આડે ન આવ્યું. ઈસુની એક આજ્ઞાથી “જે મરી ગએલો હતો તે કફનથી હાથે ને પગે વિંટાએલો બહાર આવ્યો; અને તેના મોં પર રૂમાલ બાંધેલો હતો.” ઈસુના દુશ્મનોને પણ પૂરી ખાતરી થઈ કે લાજરસને સજીવન કરવામાં આવ્યો હતો.—યોહાન ૧૧:૪૩, ૪૪; ૧૨:૧, ૯-૧૧.

આપણને આ ચાર દાખલાઓમાંથી શું શીખવા મળે છે? સજીવન થયેલી દરેક વ્યક્તિને પોતાનું શરીર પાછું મળ્યું. તેઓને તેમના સગાં વહાલાંઓએ ઓળખ્યા. સજીવન થયા તેઓમાંથી કોઈએ પણ એમ ન કહ્યું કે તેઓ બીજે ક્યાંક જીવતા હતા. કોઈએ પણ એમ ન કહ્યું કે તેઓ કોઈ બીજી જગ્યાએ ગયા હતા. તેઓ પાછા આવ્યા ત્યારે તેઓની તબિયત પણ સારી હતી. ઈસુના કહ્યા પ્રમાણે તેઓ ફક્ત થોડી વાર માટે ઊંઘી ગયા હતા. (યોહાન ૧૧:૧૧) જોકે, સજીવન કરવામાં આવેલાઓ સર્વ થોડા વર્ષો પછી પાછા મરણની ઊંઘમાં સૂઈ ગયા.

વહાલી વ્યક્તિઓને ફરીથી મળીશું

આગળના લેખમાં ઉલ્લેખ કરેલા ઓઅનના મરણ પછી તેના પપ્પા પાડોશીના ઘરે ગયા. ત્યાં ટેબલ પર તેમણે એક પત્રિકા જોઈ. એમાં “મૂએલાઓ ક્યાં છે?” વિષય પર પ્રવચનની જાહેરાત હતી. ઓઅનના પપ્પાના મનમાં પણ આ જ પ્રશ્ન હતો. તેમના પાડોશીએ જણાવ્યું કે એ પ્રવચન યહોવાહના સાક્ષીઓના મંડળમાં છે. તેથી તે એ પ્રવચન સાંભળવા ગયા. ત્યાં તેમને બાઇબલમાંથી દિલાસો મળ્યો. તેમને શીખવા મળ્યું કે મૂએલા લોકો ક્યાંય પીડાતા નથી કે નરકમાં પણ નથી. ઈશ્વરને પણ સ્વર્ગમાં કોઈ નાના દૂતની જરૂર નથી. ઓઅન તેમ જ મરણ પામેલા બીજા લોકો કબરમાં જ છે અને ઈશ્વર તેઓને એક દિવસ સજીવન કરશે.—સભાશિક્ષક ૯:૫, ૧૦; હઝકીએલ ૧૮:૪.

શું તમારા કુટુંબમાં કોઈ સગાં વહાલાંનું મરણ થયું છે? ઓઅનના પપ્પાની જેમ તમે પણ વિચારો છો કે તેઓ ક્યાં છે? શું ફરી ક્યારેય તેઓને મળી શકીશું? અમે આ પ્રશ્નોના જવાબ બાઇબલમાંથી શોધવાનું તમને ઉત્તેજન આપીએ છીએ. બાઇબલમાં તમને જોવા મળશે કે ઈશ્વર મૂએલાઓને સજીવન કરશે. તમે વિચારી શકો કે, ‘ક્યારે સજીવન કરવામાં આવશે? એનાથી કોને લાભ થશે?’ આ અને આવા બીજા સવાલોના જવાબ મેળવવા હવે પછીના લેખો વાંચો.

[ફુટનોટ]

^ મેન કાઈન્ડ સર્ચ ફોર ગૉડ પુસ્તકના પાન ૧૫૦-૪ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૫ પર ચિત્ર]

છોકરાને સજીવન કરવા એલીયાહે યહોવાહને પ્રાર્થના કરી

[પાન ૫ પર ચિત્ર]

યહોવાહે એલીશા દ્વારા શુન્‍નામી સ્ત્રીના દીકરાને સજીવન કર્યો

[પાન ૬ પર ચિત્ર]

નાઈન શહેરની વિધવાના એકના એક દીકરાને ઈસુએ સજીવન કર્યો

[પાન ૭ પર ચિત્ર]

મૂએલાં સગાં-વહાલાં સજીવન થશે ત્યારે આપણે ફરી તેઓને મળી શકીશું