સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કોણ ફરી જીવતા થશે?

કોણ ફરી જીવતા થશે?

કોણ ફરી જીવતા થશે?

‘તમે આશ્ચર્ય ન પામો; કેમ કે એવી વેળા આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે ને નીકળી આવશે.’—યોહાન ૫:૨૮, ૨૯.

૧. સળગતા ઝાડવામાંથી મુસાએ શું સાંભળ્યું ને વર્ષો પછી એ શબ્દોને કોણે ટાંક્યા?

 આ લગભગ ૩,૫૦૦ વર્ષ પહેલાંની વાત છે. મુસા તેમના સસરા યિથ્રોનાં ઘેટાં ચરાવતા હતા. તે હોરેબ પર્વત આગળ આવ્યા ત્યારે એક અપૂર્વ ઘટના બની. યહોવાહનો એક સ્વર્ગદૂત એક સળગતા ઝાડવામાંથી બોલ્યો. બાઇબલ જણાવે છે: “તે જોતો હતો, તો જુઓ, ઝાડવું અગ્‍નિથી બળતું હતું, તેમ છતાં ઝાડવું ભસ્મ થતું નહોતું.” પછી મુસાએ ઝાડવામાંથી એક વાણી સાંભળી: “હું તારા પિતાનો દેવ, ઈબ્રાહીમનો દેવ તથા ઈસ્હાકનો દેવ તથા યાકૂબનો દેવ છું.” (નિર્ગમન ૩:૧-૬) આ બનાવના આશરે ૧,૫૦૦ વર્ષ પછી, ઈસુ આ જ શબ્દોને ફરી ટાંકે છે.

૨, ૩. (ક) ઈબ્રાહીમ, ઈસ્હાક ને યાકૂબ શાની રાહ જુએ છે? (ખ) કેવા પ્રશ્નો ઊભા થાય છે?

ઈસુ સાદુકીઓ સાથે વાત કરી રહ્યા હતા. સાદુકીઓ પુનરુત્થાનમાં માનતા ન હતા. ઈસુએ કહ્યું: “વળી ઝાડવાં નામના પ્રકરણમાં મુસા પ્રભુને ઈબ્રાહીમનો દેવ, ઈસ્હાકનો દેવ તથા યાકૂબનો દેવ કહે છે, ત્યારે તે પણ એવું જણાવે છે કે મૂએલાં ઉઠાડાય છે. હવે તે મૂએલાંનો દેવ નથી, પણ જીવતાંનો છે; કેમ કે સઘળા તેને અર્થે જીવે છે.” (લુક ૨૦:૨૭, ૩૭, ૩૮) ઈસુ કહેતા હતા કે ભલે ઈબ્રાહીમ, ઈસ્હાક ને યાકૂબ મરણ પામ્યા હતા, તેઓ ઈશ્વરની નજરમાં હજી જીવે છે. અયૂબની જેમ જ તેઓ કબરમાં છે ને એ “સઘળા દિવસો” પૂરા થાય એની રાહ જુએ છે. (અયૂબ ૧૪:૧૪) ઈશ્વરની નવી દુનિયામાં તેઓ ફરી જીવતા થશે.

પણ પ્રશ્ન થાય છે કે માણસજાતની શરૂઆતથી અબજો લોકો મોતના મોંમાં ચાલ્યા ગયા છે, તેઓના વિષે શું? તેઓ ફરી જીવશે? આ પ્રશ્નોના જવાબ મેળવતા પહેલાં, ચાલો આપણે બાઇબલમાંથી જોઈએ કે વ્યક્તિ મરણ પામે પછી શું થાય છે.

મૂએલાંઓનું શું થાય છે?

૪. (ક) વ્યક્તિ મરણ પામે ત્યારે તેનું શું થાય છે? (ખ) શેઓલ એટલે શું?

બાઇબલ સાફ કહે છે કે “મૂએલાં કંઈ જાણતા નથી.” એટલે આપણામાં કોઈ આત્મા નથી જે મરણ પછી નરકમાં જાય કે કોઈ બીજી દુનિયામાં ભટકતો હોય. મરણ વખતે આપણે ધૂળ ભેગા ધૂળ બની જઈએ છીએ. એટલે બાઇબલ આપણને કહે છે, “જે કંઈ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર; કેમ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.” (સભાશિક્ષક ૯:૫, ૧૦; ઉત્પત્તિ ૩:૧૯) ‘શેઓલ’ એટલે શું? આ શબ્દ મૂળ હેબ્રી ભાષામાંથી ઊતરી આવ્યો છે. ઘણા ધર્મો શીખવે છે કે શેઓલ કોઈ જગ્યા છે જ્યાં મૂએલાંઓના આત્મા ભેગા થાય છે. પણ બાઇબલ જણાવે છે કે શેઓલ સામાન્ય કબર જ છે. ત્યાં કોઈ કામ નથી, ના કોઈ આત્માઓ છે.

૫, ૬. યાકૂબના મરણ પછી તેમનું શું થયું?

બાઇબલમાં ‘શેઓલ’ શબ્દ પહેલી વાર ઉત્પત્તિ ૩૭:૩૫માં જોવા મળે છે. યાકૂબને કહેવામાં આવે છે કે તેમનો પ્યારો પુત્ર યુસફ ગુજરી ગયો છે. ત્યારે કોઈ તેમને દિલાસો આપી શકતું નથી. શોકમાં યાકૂબ પોકારે છે: “હું શોક કરતો કરતો શેઓલમાં મારા દીકરાની પાસે જઇશ.” શોકમાં ડૂબેલા યાકૂબને પણ મરી જઈને શેઓલમાં રહેવું હતું. વર્ષો પછી બીજા એક કિસ્સામાં યાકૂબના નવ દીકરાઓ દુકાળને લીધે મિસર ગયા. તેઓને સૌથી નાના ભાઈ બિન્યામીનને પણ લઈ જવો હતો. પણ યાકૂબે કહ્યું: “મારો દીકરો તમારી સાથે નહિ આવે; કેમ કે તેનો ભાઈ મરી ગયો છે ને તે એકલો રહ્યો છે, અને જે માર્ગે તમે જાઓ છો ત્યાં જો તેના પર વિઘ્ન આવી પડે, તો તમે મારાં પળિયાં શોકને મારે ઘોરમાં [કબરમાં] ઉતારશો.” (ઉત્પત્તિ ૪૨:૩૬, ૩૮) આ બંને બનાવો બતાવે છે કે શેઓલ કોઈ એવી જગ્યા નથી જ્યાં આત્માઓ ભટકે છે. ના, શેઓલ સામાન્ય કબર જ છે.

ઉત્પત્તિનો અહેવાલ જણાવે છે કે યુસફ ગુજરી ગયા ન હતા, પણ મિસરમાં અનાજ પ્રધાન હતા. યાકૂબ પછી મિસર ગયા અને ત્યાં તેમના પ્યારા પુત્રને ફરી મળ્યા. યાકૂબ પછી ૧૪૭ વર્ષની પાકી વયે મરણ પામ્યા ત્યાં સુધી ત્યાં જ રહ્યા. મરણ પથારીએ તેમની આખરી ઇચ્છા હતી કે તેમને કનાન દેશમાં માખ્પેલાહની ગુફામાં દફનાવવામાં આવે. (ઉત્પત્તિ ૪૭:૨૮; ૪૯:૨૯-૩૧; ૫૦:૧૨, ૧૩) એ ગુફામાં તેમના પિતા ઈસ્હાક ને દાદા ઈબ્રાહીમને પણ દફનાવવામાં આવ્યા હતા.

“પોતાના પૂર્વજોની સાથે મળી ગયો”

૭, ૮. (ક) ઈબ્રાહીમ મરણ પામ્યા પછી ક્યાં ગયા? (ખ) શું બતાવે છે કે બીજાઓ પણ મરણ પછી કબરમાં જ ગયા?

યાકૂબ થઈ ગયા એ પહેલાં, યહોવાહે ઈબ્રાહીમ સાથે એક કરાર બાંધ્યો હતો. એમાં યહોવાહે કહ્યું કે ઈબ્રાહીમના સંતાનો આખી ધરતી પર ફેલાશે. પછી યહોવાહે ઈબ્રાહીમને કહ્યું: “પણ તું પોતાના બાપદાદાઓની પાસે શાંતિએ જશે; અને તું ઘણો ઘરડો થયા પછી દટાશે.” (ઉત્પત્તિ ૧૫:૧૫) ઈશ્વરે કહ્યું એમ જ થયું. ઉત્પત્તિ ૨૫:૮ કહે છે: “ત્યાર પછી ઈબ્રાહીમે પ્રાણ મૂક્યો, અને ઘરડો તથા પાકી વયનો થઈને તે બહુ ઘડપણમાં મરણ પામ્યો; અને તે પોતાના પૂર્વજોની સાથે મળી ગયો.” આ પૂર્વજોની યાદી ઉત્પત્તિ ૧૧:૧૦-૨૬માં જોવા મળે છે. એ ઈબ્રાહીમથી લઈને છેક નુહના દીકરા શેમ સુધી જાય છે. આમ, ઈબ્રાહીમ ગુજરી ગયા ત્યારે તે તેમના સર્વ પૂર્વજોની જેમ જ કબરમાં ગયા.

હવે ઉત્પત્તિનો અહેવાલ કહે છે કે ઈબ્રાહીમ પોતાના “પૂર્વજોની સાથે મળી ગયો.” બાઇબલના જૂના કરારમાં આ વાક્ય ઘણી જગ્યાએ જોવા મળે છે. એ ફક્ત એ જ બતાવે છે કે તેઓ સર્વ મરણ પછી કબરમાં જ ગયા. એટલે ઈબ્રાહીમના પૂર્વજો, તેમનો દીકરો ઈશ્માએલ, ને મુસાનો ભાઈ હારૂન કબરમાં જ છે. તેઓ સર્વનું પછી પુનરુત્થાન થશે. (ઉત્પત્તિ ૨૫:૧૭; ગણના ૨૦:૨૩-૨૯) ભલે કોઈ જાણતું નથી કે મુસાને ક્યાં દફનાવવામાં આવ્યા, પણ તે હજી કબરમાં જ છે. (ગણના ૨૭:૧૩; પુનર્નિયમ ૩૪:૫, ૬) તેમ જ, મુસા પછી યહોશુઆ અને ઈસ્રાએલની એક પેઢી પણ મરણ પછી કબરમાં જ ગઈ.—ન્યાયાધીશો ૨:૮-૧૦.

૯. (ક) ‘હાડેસ’ એટલે શું? બાઇબલ કઈ રીતે બતાવે છે કે “હાડેસ” અને ‘શેઓલનો’ એક જ અર્થ છે? (ખ) જેઓ ‘હાડેસ’ કે ‘શેઓલમાં’ છે, તેઓનું નજીકમાં શું થશે?

ઈબ્રાહીમની સદીઓ પછી, દાઊદ ઈસ્રાએલના ૧૨ કુળોના રાજા બન્યા. તે પણ મરણ પછી ‘પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયા.’ (૧ રાજાઓ ૨:૧૦) એટલે તે પણ શેઓલ કે કબરમાં ગયા. પ્રેષિત પીતરે પણ પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં કહ્યું કે દાઊદ કબરમાં જ છે. પછી ગીતશાસ્ત્ર ૧૬:૧૦ ટાંકતા તે કહે છે: “તું મારો આત્મા શેઓલને સોંપશે નહિ.” એ શબ્દો ઈસુને લાગુ પાડતા તે આગળ કહે છે: “અને એવું અગાઉથી જાણીને તેણે [દાઊદે] ખ્રિસ્તના પુનરુત્થાન વિષે કહ્યું, કે તેને હાડેસમાં રહેવા દેવામાં આવ્યો નહિ, અને તેના દેહે કોહવાણ પણ જોયું નહિ. એ ઈસુને દેવે ઉઠાડ્યો છે, અને તે વિષે અમે સર્વે સાક્ષી છીએ.” (પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૯-૩૨) આ કલમોમાં ‘હાડેસ’ શું છે? એ શબ્દ ગ્રીક ભાષામાંથી આવ્યો છે, ને એનો અર્થ હેબ્રી શબ્દ ‘શેઓલની’ જેમ જ કબર થાય છે. આમ, જેઓ શેઓલ કે હાડેસમાં છે, તેઓ સર્વ કબરમાં છે. એક દિવસ તેઓ સર્વનું પુનરુત્થાન થશે.

શું દુષ્ટો પણ કબરમાં જાય છે?

૧૦, ૧૧. આપણે શા માટે એમ કહી શકીએ કે કેટલાક દુષ્ટ લોકો પણ કબરમાં જાય છે?

૧૦ ફરી મુસાના જમાનાનો વિચાર કરો. મુસાએ ઈસ્રાએલ પ્રજાને મિસરની ગુલામીમાંથી બહાર કાઢી. પછી અમુક ઈસ્રાએલીઓએ અરણ્યમાં મુસા સામે બળવો પોકાર્યો. મુસાએ લોકોને કહ્યું કે કોરાહ, દાથાન અને અબીરામ નામના બળવાખોરોથી અલગ થઈ જાય. કેમ? કારણ કે તેઓ કમોતે મરવાના હતા. મુસાએ કહ્યું: “જો આ માણસો સર્વ માણસોની જેમ સાધારણ મરણ પ્રમાણે મરે, ને સર્વ માણસોના મારની પેઠે તેમના પર માર આવે; તો એમ જાણવું કે યહોવાહે મને મોકલ્યો નથી. પણ જો યહોવાહ કંઈ નવાઈનું કૃત્ય કરે, ને પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને તેઓને તથા તેઓના સર્વસ્વને સ્વાહા કરી જાય, ને તેઓ જીવતા શેઓલમાં ગરક થઈ જાય; તો તમારે જાણવું કે એ માણસોએ યહોવાહને ધિક્કાર્યો છે.” (ગણના ૧૬:૨૯, ૩૦) પછી ધરતી ફાટી ને કોરાહ તથા તેના લોકોને ગરક કરી ગઈ. તેને સાથ આપનાર ૨૫૦ લેવીઓને આકાશમાંથી ધસી આવેલા અગ્‍નિએ ભસ્મ કરી દીધા. ભલે તેઓ ગમે એ રીતે મરી ગયા, તેઓ બધા શેઓલ કે હાડેસમાં ગરક થઈ ગયા.—ગણના ૨૬:૧૦.

૧૧ હવે શિમઈનો વિચાર કરો. તેણે રાજા દાઊદનું અપમાન કર્યું હતું. એટલે દાઊદે સુલેમાનને કહ્યું: “તું તેને નિર્દોષ ગણીશ મા, કેમ કે તું બુદ્ધિમાન છે; તારે તેને શું કરવું તે તને માલૂમ પડશે, તેનું પળિયાંવાળું માથું તું લોહીલોહાણ સ્થિતિમાં કબરમાં ઉતારજે.” પછી સુલેમાને બનાયાહને હુકમ આપ્યો ને તેણે શિમઈને મારી નાખ્યો. (૧ રાજાઓ ૨:૮, ૯, ૪૪-૪૬) બનાયાહે ઈસ્રાએલના અગાઉના સેનાપતિ યોઆબને પણ મારી નાખ્યો. તેના ‘પળિયાંવાળું માથું શાંતિએ કબરમાં ઊતર્યું’ નહિ. (૧ રાજાઓ ૨:૫, ૬, ૨૮-૩૪) આ બે બનાવો શું બતાવે છે? એ જ કે “દુષ્ટો, એટલે દેવને ભૂલનાર સઘળા લોકો શેઓલમાં જશે.”—ગીતશાસ્ત્ર ૯:૧૭.

૧૨. અહીથોફેલ કોણ હતો ને તેનું મરણ પછી શું થયું?

૧૨ હવે અહીથોફેલનો વિચાર કરો. તે દાઊદનો સલાહકાર હતો. વર્ષોથી દાઊદ માનતા કે તેની સલાહ જાણે યહોવાહ તરફથી આવતી હતી. (૨ શમૂએલ ૧૬:૨૩) પણ અહીથોફેલે દાઊદને દગો દીધો. તેણે દાઊદના દીકરા આબ્શાલોમ સાથે જોડાઈને રાજગાદી ઝૂંટવી લેવા કોશિશ કરી. દાઊદે આ દગા વિષે વાત કરતા કહ્યું: ‘મારા પર જે આળ મૂકનારો છે તે શત્રુ ન હતો; એ તો મારાથી સહન કરી શકાત. મારી વિરૂદ્ધ વડાઇ કરનારો તે વૈરી ન હતો; એવાથી તો હું સંતાઈ રહી શકત. તેમના પર મોત એકાએક આવો, તેઓ જીવતા જ શેઓલમાં ઊતરી પડો; કેમ કે ભૂંડાઈ તેઓનાં ઘરોમાં, હા, તેઓનાં અંતરમાં છે.’ (ગીતશાસ્ત્ર ૫૫:૧૨-૧૫) છેવટે અહીથોફેલ ને તેના સાથીઓ પણ મરણ પછી કબરમાં જ ગયા.

ગેહેન્‍નામાં કોણ જાય છે?

૧૩. યહુદા ઈસકારીઓત શા માટે “વિનાશના દીકરા” તરીકે ઓળખાય છે?

૧૩ હવે ઈસુનો વિચાર કરો. જેમ અહીથોફેલે દાઊદને દગો દીધો, તેમ યહુદા ઈસકારીઓતે ઈસુને દગો દીધો. પણ યહુદા ઈસકારીઓતનું પાપ ખૂબ જ ગંભીર હતું. તેણે ઈશ્વરના પ્યારા પુત્રને દગો દીધો! ઈસુએ પોતાના મરણ પહેલાં, પ્રાર્થનામાં તેમના શિષ્યો વિષે કહ્યું: “હું તેઓની સાથે હતો ત્યાં સુધી તારૂં નામ જે તેં મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી રાખ્યાં; અને મેં તેઓનું રક્ષણ કર્યું, અને શાસ્ત્રવચન પૂર્ણ થવા સારૂ વિનાશના દીકરા સિવાય તેઓમાંના કોઈનો નાશ થયો નથી.” (યોહાન ૧૭:૧૨) આ ‘વિનાશનો દીકરો’ કોણ છે? એ યહુદા ઈસકારીઓત છે. એ નામથી ઉલ્લેખ કરીને ઈસુ કહેતા હતા કે તેનું પુનરુત્થાન થવાનું નથી. યહોવાહની નજરમાં તે મૂએલો જ છે. તેથી યહુદા કબરમાં ગયો નહિ, પણ ગેહેન્‍નામાં ગયો. પણ ગેહેન્‍ના એટલે શું?

૧૪. બાઇબલ પ્રમાણે ગેહેન્‍ના એટલે શું?

૧૪ ઈસુએ યહુદી ધર્મગુરુઓને દોષિત ઠરાવ્યા કેમ કે તેઓ નવા શિષ્યોને “ગેહેન્‍નાના [ગુજરાતી બાઇબલ મુજબ ‘નરકના’] દીકરા” બનાવતા હતા. (માત્થી ૨૩:૧૫, NW) ‘ગેહેન્‍ના’ એટલે શું? એ નરક નથી. એ “હિન્‍નોમની ખીણ” છે. ઈસુના જમાનામાં એ ખીણ શહેરની બહાર હતી જ્યાં લોકો કચરો બાળતા. લોકો ગુનેગારોના શબને પણ ત્યાંની આગમાં ફેંકી દેતા કેમ કે તેઓ દફનાવવા માટે લાયક ન હતા. પહાડ પરના ઉપદેશમાં ઈસુએ આ નરક, એટલે ગેહેન્‍ના વિષે થોડી વાત કરી હતી. (માત્થી ૫:૨૯, ૩૦) પણ ગેહેન્‍ના શાને રજૂ કરે છે? એ બતાવે છે કે જે વ્યક્તિ ત્યાં જાય છે તેનું હંમેશ માટે નામ નિશાન મિટાવી દેવામાં આવે છે. તેથી તેનું પુનરુત્થાન થતું નથી. ઈસુને દગો કર્યો હોવાથી યહુદા ઈસકારીઓત ફરી જીવશે નહિ. તેમ જ તેના જેવા બીજા લોકોને પણ ફરી જીવવા નહિ મળે. યહુદાની જેમ ગેહેન્‍નામાં બીજા કોણ ગયા છે?

૧૫, ૧૬. કયા લોકો મરણ પછી ગેહેન્‍નામાં ગયા અને શા માટે?

૧૫ આદમ અને હવાનો વિચાર કરો. તેઓ શરૂઆતમાં સંપૂર્ણ હતા, પાપ વગરના હતા. પણ તેઓએ જાણી જોઈને યહોવાહ સામે પાપ કર્યું. તેઓએ શેતાનને સાથ આપ્યો. તેઓને મોતની સજા મળી ને હંમેશ માટે તેઓનું નામ નિશાન મિટાવી દેવામાં આવ્યું. ખ્રિસ્તની કુરબાનીથી તેઓને કોઈ ફાયદો થવાનો ન હતો. તેઓ ગેહેન્‍નામાં ગયા.

૧૬ આદમના પહેલા પુત્ર કાઈનનું પણ પુનરુત્થાન નહિ થાય. બાઇબલ કહે છે કે “કાઈન દુષ્ટનો હતો.” (૧ યોહાન ૩:૧૨) તેણે પોતાના ભાઈ હાબેલનું ખૂન કર્યું ત્યારે તે દુષ્ટ બન્યો. તેના માબાપના જેમ, કાઈન પણ નરક એટલે ગેહેન્‍નામાં ગયો. (માત્થી ૨૩:૩૩, ૩૫) બીજી બાજુ, હાબેલ સાવ નિર્દોષ હતો. પાઊલે કહ્યું કે “વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારૂં બલિદાન દેવને આપ્યું, તેથી તે ન્યાયી છે, એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી, કેમ કે દેવે તેનાં દાનો સંબંધી સાક્ષી આપી; અને તેથી મૂએલો હોવા છતાં પણ તે હજી બોલે છે.” (હેબ્રી ૧૧:૪) હા, હાબેલ હજી કબરમાં છે ને થોડા જ સમયમાં તે ફરી જીવશે!

‘પહેલું’ અને “વધારે સારું પુનરુત્થાન”

૧૭. (ક) આ ‘અંતકાળમાં’ કોણ શેઓલમાં જાય છે? (ખ) જેઓ શેઓલ કે હાડેસમાં છે, તેઓનું શું થશે? જેઓ ગેહેન્‍નામાં છે, તેઓનું શું થશે?

૧૭ કદાચ આ લેખો વાંચતા તમે વિચારશો કે આપણે ‘અંતકાળમાં’ જીવીએ છીએ. આજે કમોતે મરતા લોકોનું શું થશે? (દાનીયેલ ૮:૧૯) પ્રકટીકરણનો છઠ્ઠો અધ્યાય એનો જવાબ આપે છે. એ અધ્યાય અંતના સમયે નીકળેલા ચાર ઘોડેસવારો વિષે જણાવે છે. છેલ્લા ઘોડેસવારનું નામ “મરણ” છે. તેની પાછળ પાછળ હાડેસ ચાલતું હતું. આ કલમોનો અર્થ શું થાય છે? એ જ કે આજે કોઈ વ્યક્તિ બીમારી, દુકાળ કે લડાઈમાં મરી જાય, તો તેઓ ઈશ્વરની નવી દુનિયામાં ફરી જીવશે. (પ્રકટીકરણ ૬:૮) જેઓ કબરમાં છે (શેઓલ કે હાડેસ) તેઓ મરણમાંથી ફરી ઊઠશે. પણ જેઓ નરક એટલે કે ગેહેન્‍નામાં છે, તેઓનું સદા માટે નામનિશાન મટી ગયું છે. તેઓનું પુનરુત્થાન થશે નહિ.

૧૮. “પહેલા પુનરુત્થાનમાં” શું થાય છે ને એ કોને મળે છે?

૧૮ પ્રેરિત યોહાને લખ્યું: “પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તે ધન્ય તથા પવિત્ર છે; એવાઓ પર બીજા મરણનો અધિકાર નથી; પણ તેઓ દેવના તથા ખ્રિસ્તના યાજક થશે, અને તેની સાથે હજાર વર્ષ રાજ કરશે.” “પહેલા પુનરુત્થાનમાં” કોણ આવી જાય છે? ઈસુ ને તેમની સાથે રાજ કરનારા બીજા સાથીઓ. પણ બીજા લોકો વિષે શું?—પ્રકટીકરણ ૨૦:૬.

૧૯. અમુક ઈશ્વરભક્તોને કેવું પુનરુત્થાન મળશે?

૧૯ છેક એલીયાહ અને એલીશાના જમાનાથી અમુક મૂએલી વ્યક્તિઓ ચમત્કારથી ફરી જીવી. પાઊલે કહ્યું કે, “સ્ત્રીઓને પોતાના મરી ગયેલા સજીવન થઈને પાછા મળ્યા; બીજા કેટલાએક રિબાઈ રિબાઈને મરણ પામ્યા, તેઓએ છૂટકાનો અંગીકાર કર્યો નહિ, કે જેથી તેઓ વધારે સારૂ પુનરુત્થાન પામે.” હા, આ ઈશ્વરભક્તો ‘વધારે સારા પુનરુત્થાન’ માટે રાહ જોઈ રહ્યા છે. ત્યારે તેઓને ફક્ત થોડાંક જ વર્ષો માટે નહિ, પણ સદા માટે જીવવા મળશે!હેબ્રી ૧૧:૩૫.

૨૦. આવતા અઠવાડિયાના લેખમાં આપણે શું શીખીશું?

૨૦ બહુ જ જલદી યહોવાહ આ દુષ્ટ દુનિયાનો અંત લાવશે. પણ એ પહેલાં જો સચ્ચાઈની રાહ પર આપણું મોત આવી જાય તો શું? તો આપણે ‘વધારે સારા પુનરુત્થાનની’ પૂરી ખાતરી રાખી શકીએ. ત્યારે આપણને અનંતજીવન મળશે. ઈસુએ વચન આપતા કહ્યું: ‘એથી તમે આશ્ચર્ય ન પામો; કેમ કે એવી વેળા આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે; ને નીકળી આવશે.’ (યોહાન ૫:૨૮, ૨૯) પણ યહોવાહ શા માટે મૂએલાંઓને ફરી જીવતા કરશે? એનો જવાબ આવતા અઠવાડિયાના લેખમાં મળશે. એનાથી આપણી શ્રદ્ધા વધુ મજબૂત બનશે અને સચ્ચાઈના માર્ગ પર ચાલવા દૃઢ કરશે. આપણે એ પણ જોઈશું કે આપણે હમણાં શું કરવું જોઈએ.

તમને યાદ છે?

• યહોવાહને શા માટે “જીવતાંનો” ઈશ્વર કહેવાય છે?

• શેઓલમાં છે તેઓનું શું થાય છે?

• ગેહેન્‍નામાં છે તેઓનું શું થશે?

• અમુક લોકોને કઈ રીતે “વધારે સારું પુનરુત્થાન” મળશે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર ચિત્ર]

ઈબ્રાહીમની જેમ જેઓ શેઓલ એટલે કબરમાં ગયા છે, તેઓ ફરી જીવશે

[પાન ૧૬ પર ચિત્ર]

આદમ, હવા, કાઈન અને યહુદા ઈસકારીઓત શા માટે ગેહેન્‍નામાં ગયા?