દુઃખોનો પહાડ તૂટી પડ્યો
દુઃખોનો પહાડ તૂટી પડ્યો
અઢી વર્ષનો ઓઅન પોતાના ઘરના બાથરૂમમાં રમી રહ્યો હતો. બાથરૂમમાં એક મેડિસિન કૅબિનેટ હતું. એ ઉપર હોવાના લીધે, તેના માબાપને એમ કે તે ત્યાં સુધી નહિ પહોંચે. પણ રમતા રમતા ઓઅન મેડિસિન કૅબિનેટ સુધી પહોંચી ગયો. એમાંથી તેને એક બૉટલ ગમી ગઈ. તે એ બોટલ ખોલીને પીવા માંડ્યો. એ પછી આ ઘર પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો.
એ બૉટલમાં તેજાબ હતો, જે ફૂલ જેવા ઓઅનને ભરખી ગયો. તેના માબાપ પર જાણે આભ તૂટી પડ્યું. તેના પપ્પા પર્સી દિલાસો લેવા ચર્ચમાં ગયા. તેમણે પાદરીને પૂછ્યું કે, “શા માટે અમારી સાથે આવું થયું?” પાદરીએ જવાબ આપ્યો, “ઈશ્વરને સ્વર્ગમાં એક નાના દૂતની જરૂર હતી.” પરંતુ આવું સાંભળીને તો પર્સી એકદમ ભાંગી પડ્યા. તેઓને લાગ્યું કે આ તો અમારી સાથે અન્યાય થયો છે. શું ખરેખર ઈશ્વર અમારા પર આવું દુઃખ લાવ્યા હશે? આવા વિચારોથી નિરાશ થઈને પર્સીએ ચર્ચમાં જવાનું છોડી દીધું.
હવે પર્સીને સવાલ થાય છે કે ‘શું મારું બાળક કોઈ પ્રકારની પીડાથી તડપતું હશે? શું તેને હું ફરી ક્યારેય જોઈ શકીશ?’
તમારા મનમાં પણ આવા સવાલો થતા હશે. તમે વિચારતા હશો કે મરણ પછી આપણું શું થાય છે? શું આપણે ક્યારેય મરણ પામેલા વહાલાઓને ફરી મળી શકીશું? પરમેશ્વરનું વચન, બાઇબલ આ સવાલો પર પ્રકાશ ફેંકે છે. એમાં આવી કરુણ ઘટનાનો સામનો કરતી દરેક વ્યક્તિ માટે દિલાસો આપતા જવાબ છે. એ ઉપરાંત, બાઇબલમાં સજીવન થવાની ઉજ્જવળ આશા આપવામાં આવી છે. આ વચન પરમેશ્વરે પોતે આપ્યું છે.
એના વિષે વધારે જાણવા હવે પછીનો લેખ વાંચો.