સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે માનો છો કે મૂએલાંઓ ફરી જીવશે?

શું તમે માનો છો કે મૂએલાંઓ ફરી જીવશે?

શું તમે માનો છો કે મૂએલાંઓ ફરી જીવશે?

‘ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે, એવી હું આશા રાખું છું.’—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.

૧. યહુદીઓની અદાલતમાં શાના વિષે વિવાદ ઊભો થયો?

 આ ૫૬મી સાલની વાત છે. પાઊલ તેમની ત્રીજી મિશનરી મુસાફરી પૂરી કરીને પાછા યરૂશાલેમ આવ્યા હતા. રોમનો તેમની ધરપકડ કરીને યહુદીઓની ઉચ્ચ અદાલતમાં લઈ ગયા. (પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૨૯, ૩૦) અદાલતમાં પાઊલે શું જોયું? એ સાદુકીઓ અને ફરોશીઓની બનેલી હતી. પણ બંને જૂથમાં એક વાતે મોટો ફરક હતો. ફરોશીઓ માનતા કે ઈશ્વર મૂએલાંઓનું પુનરુત્થાન કરશે. પણ સાદુકીઓ એ જરાય ન માનતા. પાઊલ શું માનતા હતા? સર્વ સામે તેમણે કહ્યું: “ભાઈઓ, હું ફરોશી છું, મારા બાપદાદા ફરોશી હતા; અને ઈસ્રાએલની આશા તથા મૂએલાંના પુનરુત્થાન સંબંધી મારો ન્યાય કરવામાં આવે છે.” એનાથી હોહા મચી ગઈ ને અદાલતમાં ભાગલા પડી ગયા.—પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૬-૯.

૨. પાઊલ શા માટે પૂરી ખાતરીથી કહી શક્યા કે મૂએલાંઓનું પુનરુત્થાન થશે?

પાઊલ શા માટે પૂરી ખાતરીથી આમ કહી શક્યા? કેમ કે વર્ષો પહેલાં, તેમણે મરણમાંથી સજીવન થયેલા ઈસુ ખ્રિસ્તને જોયા હતા. એ વખતે પાઊલ દમસ્ક જતા હતા. રસ્તા પર તેમને ઈસુનું દર્શન થયું. પાઊલે ઈસુને પૂછ્યું: “પ્રભુ, હું શું કરૂં?” ઈસુએ કહ્યું: “ઊઠીને દમસ્કમાં જા; અને જે તારે કરવાનું નિર્માણ થયું છે તે સઘળા વિષે ત્યાં તને કહેવામાં આવશે.” પાઊલ દમસ્ક પહોંચ્યા ત્યારે અનાન્યા નામનો શિષ્ય તેમની મદદે આવ્યો ને કહ્યું: “તું તેની [ઈશ્વરની] ઇચ્છા જાણે, અને તે ન્યાયીને [સજીવન થયેલા ઈસુને] જુએ, અને તેના મોંની વાણી સાંભળે, માટે આપણા પૂર્વજોના દેવે તને પસંદ કર્યો છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૬-૧૬) આ બનાવ પરથી પાઊલને પૂરી ખાતરી થઈ કે ઈશ્વર મૂએલાંઓને જરૂર સજીવન કરશે. એટલે વર્ષો પછી તે અદાલત સમક્ષ પુનરુત્થાન વિષે હિંમતથી જણાવી શક્યા.—૧ પીતર ૩:૧૫.

પુનરુત્થાનની આશા વિષે સર્વને જણાવવું

૩, ૪. પાઊલે કઈ રીતે સાબિત કરી આપ્યું કે મૂએલાંઓ ફરી જીવતા થશે? તેમના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

પછી પાઊલ હાકેમ ફેલીક્સ આગળ ગયા. આ કેસમાં તેર્તુલસ નામના વકીલે પાઊલની વિરૂદ્ધ યહુદીઓની “ફરિયાદ રજૂ કરી.” તેણે કહ્યું કે પાઊલ એક પંથનો આગેવાન છે ને સરકાર સામે બળવો કર્યો છે. પણ આ આરોપ સામે પાઊલે હિંમતથી બચાવમાં કહ્યું: “આપની આગળ હું આટલું તો કબૂલ કરૂં છું, કે જે માર્ગને તેઓ પાખંડ [પંથ] કહે છે તે પ્રમાણે હું અમારા પૂર્વજોના દેવની ભક્તિ કરૂં છું.” પછી ડર્યા વગર તેમણે કહ્યું: “ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે, એવી જેમ તેઓ પોતે આશા રાખે છે, તેમ હું પણ દેવ વિષે આશા રાખું છું.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૨૩, ૨૪; ૨૪:૧-૮, ૧૪, ૧૫.

આ બનાવના બે વર્ષ પછી પાઊલે ફેલીક્સની જગ્યાએ આવેલા પોકિયસ ફેસ્તસ આગળ પોતાનો કેસ રજૂ કર્યો. આ વખતે ફેલીક્સે રાજા આગ્રીપાને પણ કેસ સાંભળવા બોલાવ્યા હતા. ફેસ્તસે સર્વને પાઊલની માન્યતા સમજાવી કે ‘ઈસુ કરીને કોઈ માણસ જે મરી ગયો છે, તે જીવતો છે.’ પણ જેઓ પાઊલ વિષે ફરિયાદ કરતા હતા, તેઓ એવું કંઈ માનતા ન હતા. પાઊલે બચાવમાં આ આરોપીઓને કહ્યું: ‘દેવ મૂએલાંને પાછાં ઉઠાડે, એ તમે કેમ માની શકતા નથી?’ પછી તેમણે કહ્યું: “દેવની સહાય મળવાથી હું આજ સુધી ટકી રહ્યો છું, અને નાના મોટાને સાક્ષી આપતો આવ્યો છું, અને પ્રબોધકો તથા મુસા જે જે બનાવો બનવા વિષે બોલ્યા હતા તે સિવાય હું બીજું કંઈ કહેતો નથી; એટલે કે ખ્રિસ્ત મરણ વેદના સહન કરે, અને તે પહેલો મૂએલાંમાંથી પાછો ઊઠ્યાથી લોકોને તથા વિદેશીઓને પ્રકાશ આપે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૨૭; ૨૫:૧૩-૨૨; ૨૬:૮, ૨૨, ૨૩) પાઊલે કેવી ખાતરીથી તેમનો કેસ રજૂ કર્યો! શું તમે પાઊલની જેમ પૂરી શ્રદ્ધાથી કહી શકો છો કે મૂએલાંઓ ફરી જીવતા થશે? જો તમે જાહેરમાં એમ કહી શકો, તો લોકોને કેવું લાગશે? વિચાર કરો કે પાઊલે એના વિષે પ્રચાર કર્યો ત્યારે શું થયું.

૫, ૬. (ક) પ્રેષિતોએ પુનરુત્થાન વિષે પ્રચાર કર્યો ત્યારે શું થયું? (ખ) પુનરુત્થાન વિષે પ્રચાર કરીએ ત્યારે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

પાઊલ તેમની બીજી મિશનરી મુસાફરીની શરૂઆતમાં (લગભગ ૪૯-૫૨ની સાલમાં) આથેન્સ ગયા હતા. ત્યાંના લોકો અનેક દેવ-દેવીઓમાં માનતા હતા. પાઊલે તેઓને સમજાવ્યું કે ઈશ્વરે તેમના દીકરા ઈસુને દુનિયાના સર્વ લોકોનો અદલ ઈનસાફ કરવાની જવાબદારી સોંપી છે. વળી ઈશ્વરે મૂએલાં ઈસુનું પુનરુત્થાન કરીને એની ખાતરી પણ આપી છે. આ સાંભળીને લોકોએ શું કર્યું? “જ્યારે તેઓએ મૂએલાંના પુનરુત્થાન વિષે સાંભળ્યું, ત્યારે કેટલાએકે ઠઠ્ઠામશ્કરી કરી; પણ બીજાઓએ કહ્યું, કે અમે એ સંબંધી કોઈ બીજી વાર તારૂં સાંભળીશું.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૯-૩૨.

વર્ષો પહેલાં, પીતર અને યોહાનને આવો જ અનુભવ થયો હતો. પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં તેઓ પુનરુત્થાન વિષે પ્રચાર કરતા હતા. ત્યારે સાદુકીઓ ફરી વાંધો ઉઠાવવા લાગ્યા. પ્રેરિતોનાં કૃત્યો ૪:૧-૪ આ બનાવ વિષે કહે છે: “તેઓ લોકોની આગળ વાત કરતા હતા એટલામાં યાજકો, મંદિરનો સરદાર, તથા સાદુકીઓ તેઓ પર ધસી આવ્યા; કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા, અને ઈસુમાં મૂએલાંનું પુનરુત્થાન થાય છે, એવું પ્રગટ કરતા હતા, તે તેઓને બહુ માઠું લાગ્યું હતું.” ભલે ઘણાએ તેઓનો વિરોધ કર્યો, અમુક લોકોએ સાંભળ્યું. “જેઓએ વાત સાંભળી હતી તેઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો, અને વિશ્વાસ કરનારાની સંખ્યા આશરે પાંચ હજારની થઈ.” આજે આપણે પુનરુત્થાન વિષે પ્રચાર કરીએ ત્યારે ગણ્યાં ગાંઠ્યા લોકો વધુ જાણવા માગશે. પણ ઘણા આપણું સાંભળશે નહિ. તેઓના વિરોધથી આપણી શ્રદ્ધા નબળી પડી જઈ શકે. તો આપણે કઈ રીતે પુનરુત્થાનની માન્યતા આપણા દિલમાં સાચવી રાખી શકીએ?

પુનરુત્થાનની માન્યતા આપણા વિશ્વાસનો પાયો છે

૭, ૮. (ક) કોરીંથના મંડળને પાઊલે શું કહ્યું? (ખ) આપણા અને નામ પૂરતા ખ્રિસ્તીઓ વચ્ચે કેવો ફરક છે?

પાઊલના જમાનામાં પુનરુત્થાન વિષેની માન્યતા અમુક ખ્રિસ્તીઓને ગળે ઊતરી નહિ. એટલે પાઊલે કોરીંથી મંડળને કહ્યું: “જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું, કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપને સારૂ મરણ પામ્યો; અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો, અને ત્રીજે દહાડે તેનું ઉત્થાન થયું.” પછી આ બાબત પર ભાર આપતા પાઊલે કહ્યું: ‘ત્યાર પછી એકી વેળાએ પાંચસો કરતાં વધારે ભાઈઓને ઈસુનું દર્શન થયું. વળી, આ ભાઈઓમાંના મોટા ભાગના હજી જીવતા છે.’ (૧ કોરીંથી ૧૫:૩-૮) પાઊલે પછી કહ્યું કે, “હવે ખ્રિસ્ત મૂએલાંમાંથી ઊઠ્યો છે એમ પ્રગટ કરવામાં આવે છે, તે છતાં તમારામાંના કેટલાએક કેમ કહે છે કે મૂએલાંનું પુનરુત્થાન નથી? પણ જો મૂએલાંનું પુનરુત્થાન નથી, તો ખ્રિસ્ત પણ ઊઠ્યો નથી; અને જો ખ્રિસ્ત ઊઠ્યો નથી, તો અમારો ઉપદેશ વ્યર્થ છે, અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે.”—૧ કોરીંથી ૧૫:૧૨-૧૪.

પાઊલ કહેતા હતા કે આપણા વિશ્વાસનો પાયો પુનરુત્થાનની માન્યતા પર બંધાયેલો છે. જો મૂએલાંઓ ફરી જીવતા ન થઈ શકે, તો આપણો ધર્મ નકામો છે. આજે પોતાને ખ્રિસ્તી ગણાવતા ઘણા લોકો પુનરુત્થાનમાં માનતા નથી. પણ યહોવાહના ભક્તો તરીકે આપણે પૂરા દિલથી એ માનીએ છીએ. (ઉત્પત્તિ ૩:૪; હઝકીએલ ૧૮:૪) પાઊલે કહ્યું કે એ માન્યતા આપણા ‘મૂળ ઉપદેશનો’ એક ભાગ છે. ચાલો આપણે આ ઉપદેશ દિલમાં સાચવી રાખીએ ને સત્યના માર્ગમાં “આગળ વધીએ,” કેમ કે એ “દેવની ઇચ્છા” છે.—હેબ્રી ૬:૧-૩.

મૂએલાંઓ ફરી સજીવન થશે!

૯, ૧૦. બાઇબલ મુજબ ‘પુનરુત્થાનનો’ અર્થ શું થાય છે?

કદાચ પુનરુત્થાન વિષે તમારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થઈ શકે. જેમ કે બાઇબલ મુજબ એનો ખરો અર્થ શું થાય છે? આ શિક્ષણમાંથી આપણે યહોવાહના પ્રેમ વિષે શું જાણીએ છીએ? આ લેખમાંથી આપણે એ પ્રશ્નોના જવાબ મેળવીશું. પુનરુત્થાન વિષે વધુ જાણવાથી આપણો વિશ્વાસ મજબૂત થશે. વળી, આપણે બીજા લોકોને એના વિષે સારી સમજણ આપી શકીશું.—૨ તીમોથી ૨:૨; યાકૂબ ૪:૮.

૧૦ બાઇબલની મૂળ ગ્રીક ભાષામાં ‘પુનરુત્થાનનો’ અર્થ થાય “ફરી ઊઠવું.” એટલે જે કોઈ વ્યક્તિ ગુજરી ગઈ હોય, તેને ઈશ્વર ફરી જીવતી કરી શકે છે. બાઇબલ એ પણ બતાવે છે કે અમુક સજીવન થયેલા લોકો સ્વર્ગમાં જશે, જ્યારે કે બીજાઓ માનવ દેહમાં પૃથ્વી પર જ રહેશે. યહોવાહ પાસે એટલી શક્તિ ને બુદ્ધિ છે કે તે મૂએલાંઓને ફરી જીવતા કરી શકે છે! આ કરામતમાં આપણે યહોવાહનો પ્રેમ જોઈ શકીએ છીએ.

૧૧. ઈશ્વરે અભિષિક્ત કરેલા ખ્રિસ્તીઓને કેવો બદલો મળશે?

૧૧ ઈશ્વરે અભિષિક્ત કરેલા ખ્રિસ્તીઓ ઈસુની જેમ જ સ્વર્ગમાં જશે. તેઓનું શરીર આપણી જેમ હાડ-માંસનું નહિ હોય. (૧ કોરીંથી ૧૫:૩૫-૩૮, ૪૨-૫૩) સ્વર્ગમાં ઈસુ પ્રમુખ યાજક ને રાજા છે, ને તેમના ૧,૪૪,૦૦૦ સાથીઓ હશે. તેઓ સાથે રાજ કરીને એક નવો યુગ લઈ આવશે. ત્યારે આ સાથીઓ ઈસુ દ્વારા સર્વ લોકો પર આશીર્વાદો વરસાવશે. તેઓ પૃથ્વીને ફરી સ્વર્ગ જેવી સુંદર બનાવશે. (હેબ્રી ૭:૨૫, ૨૬; ૯:૨૪; ૧ પીતર ૨:૯; પ્રકટીકરણ ૨૨:૧, ૨) આ અભિષિક્ત ખ્રિસ્તીઓમાંના અમુક હજી પૃથ્વી પર જીવે છે. તેઓ સદાય ઈશ્વરને પ્રસન્‍ન રાખવા ચાહે છે જેથી મરણ આવે ત્યારે તેઓને સ્વર્ગમાં જવાનું “ફળ” મળે. ત્યાં તેઓનું પુનરુત્થાન થશે ને અમર જીવન મેળવશે. (૨ કોરીંથી ૫:૧-૩, ૬-૮, ૧૦; ૧ કોરીંથી ૧૫:૫૧, ૫૨; પ્રકટીકરણ ૧૪:૧૩) પાઊલે કહ્યું કે, “જો આપણે તેના મરણની સમાનતામાં તેની સાથે જોડાયા, તો તેના પુનરુત્થાનની સમાનતામાં પણ આપણે જોડાએલા થઈશું.” (રૂમી ૬:૫) પણ જો આપણે આ અભિષિક્ત ખ્રિસ્તીઓમાંના ન હોઈએ તો આપણું શું થશે? પુનરુત્થાનની આશાથી ઈશ્વરમાં આપણી શ્રદ્ધા કઈ રીતે વધી શકે? ચાલો આપણે ઈબ્રાહીમના અનુભવમાંથી જોઈએ.

ઈશ્વર સાથે ચાલશો તો ફરી જીવશો

૧૨, ૧૩. ઈબ્રાહીમ શા માટે પૂરા દિલથી પુનરુત્થાનમાં માનતા હતા?

૧૨ ઈબ્રાહીમને ઈશ્વરમાં ખૂબ વિશ્વાસ હતો. તે “દેવનો મિત્ર” તરીકે ઓળખાતા. (યાકૂબ ૨:૨૩) એટલે પાઊલે હેબ્રીઓના ૧૧મા અધ્યાયમાં અનેક ઈશ્વરભક્તોના વખાણ કરતી વખતે ઈબ્રાહીમના વિશ્વાસ વિષે ત્રણ વાર જણાવ્યું. (હેબ્રી ૧૧:૮, ૯, ૧૭) ત્રીજી વખતે પાઊલે જણાવ્યું કે ઈબ્રાહીમ તેમના પુત્ર ઈસ્હાકની કુરબાની આપવા પણ તૈયાર હતા. ઈબ્રાહીમને પૂરી ખાતરી હતી કે મસીહ તેમના પુત્ર ઈસ્હાકના વંશમાંથી આવશે. તે માનતા કે ભલે ઈસ્હાક કુરબાનીમાં જાન ગુમાવે, “મૂએલાંઓને પણ ઉઠાડવાને દેવ સમર્થ છે.”

૧૩ ઈબ્રાહીમને એટલો વિશ્વાસ હતો કે તેમના દીકરાની કુરબાની આપતા પણ અચકાયા નહિ. આ જોઈને યહોવાહે તેમને રોક્યા ને કુરબાની ચઢાવવા ઈસ્હાકને બદલે એક ઘેટું આપ્યું. પાઊલે કહ્યું કે આ બનાવ પુનરુત્થાનને રજૂ કરે છે. તેમણે કહ્યું: “પુનરુત્થાનના દૃષ્ટાંત પ્રમાણે તે [ઈસ્હાક] તેને [ઈબ્રાહીમને] પાછો મળ્યો પણ ખરો.” (હેબ્રી ૧૧:૧૯) ઈબ્રાહીમ આ બનાવ પહેલાં પણ પુનરુત્થાનમાં માનતા હતા. કેવી રીતે? વર્ષો પહેલાં ઈબ્રાહીમ ને સારાહ ઘરડા થઈ ગયા હતા. બાળક વગરના હતા. સારાહની કૂખ જાણે કરમાઈ ગઈ હતી. તોપણ યહોવાહે એક મોટો ચમત્કાર કર્યો ને સારાહની કૂખને જીવન આપ્યું. આ કરામતથી ઈસ્હાકનો જન્મ થયો.—ઉત્પત્તિ ૧૮:૧૦-૧૪; ૨૧:૧-૩; રૂમી ૪:૧૯-૨૧.

૧૪. (ક) હેબ્રી ૧૧:૯, ૧૦ મુજબ ઈબ્રાહીમ શાની રાહ જોતા હતા? (ખ) રાજ્યના આશીર્વાદો મેળવતા પહેલાં ઈબ્રાહીમનું શું થશે? (ગ) આપણે કઈ રીતે આશીર્વાદો મેળવી શકીએ?

૧૪ પાઊલે કહ્યું કે ઈબ્રાહીમ પરદેશી ને તંબુમાં રહેનાર હતો. “જે શહેરને પાયો છે, જેનો યોજનાર તથા બાંધનાર દેવ છે, તેની આશા તે રાખતો હતો.” (હેબ્રી ૧૧:૯, ૧૦) આ શહેર કંઈ યરૂશાલેમ ન હતું જ્યાં યહોવાહનું મંદિર હતું. એ શહેર સ્વર્ગમાં હતું. એ ઈશ્વરના રાજ્યને રજૂ કરતું હતું જે ઈસુ અને તેમના ૧,૪૪,૦૦૦ સાથીઓનું બનેલું છે. આ શહેર “પવિત્ર નગર, નવું યરૂશાલેમ” ને ઈસુની “કન્યા” તરીકે પણ ઓળખાય છે. (પ્રકટીકરણ ૨૧:૨) વર્ષ ૧૯૧૪માં યહોવાહે ઈસુને એ રાજ્યના રાજા બનાવ્યા. ત્યારથી તેમનું રાજ શરૂ થયું છે. (ગીતશાસ્ત્ર ૧૧૦:૧, ૨; પ્રકટીકરણ ૧૧:૧૫) “દેવનો મિત્ર” ઈબ્રાહીમ, એ જ દિવસો માટે રાહ જોતા હતા જ્યારે ઈશ્વરનું રાજ્ય આખી ધરતી પર રાજ કરશે. ઈબ્રાહીમ એ રાજ્ય જુએ ને એના આશીર્વાદો મેળવે એ માટે તેમને ફરી જીવતા કરવામાં આવશે. આજે ઈબ્રાહીમની જેમ ઘણા ઈશ્વરભક્તો મરણ પામ્યા છે. તેઓ પણ એ નવી દુનિયામાં સજીવન થઈને આશીર્વાદો મેળવશે. આપણી આશા છે કે આપણે આ દુનિયાના અંતમાંથી બચી જઈએ ને આશીર્વાદો મેળવીએ. (પ્રકટીકરણ ૭:૯, ૧૪) પણ આપણે શા માટે પૂરી ખાતરીથી કહી શકીએ કે આ નવી દુનિયામાં મૂએલાંઓ સજીવન થશે?

પ્રેમને કારણે ઈશ્વર મૂએલાંઓને સજીવન કરશે

૧૫, ૧૬. (ક) બાઇબલની સૌથી પહેલી ભવિષ્યવાણી પુનરુત્થાન વિષે શું બતાવે છે? (ખ) પુનરુત્થાન વિષે જાણવાથી ઈશ્વરમાં આપણી શ્રદ્ધા કઈ રીતે મજબૂત થાય છે?

૧૫ આપણે કઈ રીતે ઈબ્રાહીમની જેમ ઈશ્વરના મિત્ર તરીકે ઓળખાઈ શકીએ? આપણે ઈશ્વરમાં અપાર શ્રદ્ધા જાળવી રાખવી જોઈએ, તેમના કહ્યા મુજબ પૂરા દિલથી માનવું જોઈએ. ઈશ્વર સાથે ચાલવાથી આપણે તેમની નજરે પવિત્ર બનીએ છીએ ને તેમના રાજ્યમાં ઘણા આશીર્વાદો અનુભવીશું. બાઇબલની સૌથી પહેલી ભવિષ્યવાણી બતાવે છે કે આપણે ઈશ્વર સાથે ચાલી શકીએ ને ગુજરી જઈએ તો ફરી જીવતા પણ થઈ શકીએ! (ઉત્પત્તિ ૩:૧૫) શું આ ભવિષ્યવાણી એ બધું જણાવે છે? હા, કેમ કે એ બતાવે છે કે ઈશ્વરના સંતાન, ઈસુની એડી છૂંદાશે, એટલે કે તેમને વધસ્તંભે જડવામાં આવશે. તે મરી જશે, પણ ત્રણ દિવસ પછી તે ફરી જીવતા થશે. તે પછી શેતાનને કચડી નાખશે. ત્યારે તે ‘મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો, નાશ કરશે.’—હેબ્રી ૨:૧૪.

૧૬ પણ ઈશ્વરે શા માટે તેમના દીકરાને આમ થવા દીધું? પાઊલ એનું કારણ જણાવતા કહે છે: “આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારૂ મરણ પામ્યો, એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે.” (રૂમી ૫:૮) આ જાણીને શું તમારા દિલમાં યહોવાહ ને ઈસુ માટેનો પ્રેમ છલકાતો નથી?—૨ કોરીંથી ૫:૧૪, ૧૫.

૧૭. (ક) અયૂબને કેવી ખાતરી હતી? (ખ) અયૂબ ૧૪:૧૫ યહોવાહ વિષે શું બતાવે છે ને એ વચન જાણીને તમને શું લાગે છે?

૧૭ હવે અયૂબનો વિચાર કરો. તેમના જમાનામાં ઘણા લોકો માનતા ન હતા કે મૂએલાંઓ ફરી જીવી શકે છે. પણ અયૂબની શ્રદ્ધા ડગી નહિ. શેતાન તેમના પર અસહ્ય પીડા લાવ્યો હતો. ત્યારે અયૂબને પુનરુત્થાનની આશાથી પુષ્કળ દિલાસો મળ્યો. તેમણે કહ્યું: “શું મૂએલો માણસ સજીવન થાય?” જવાબ આપતા તેમણે પોતે કહ્યું: ‘મારો છુટકારો થાય ત્યાં સુધી હું સઘળા દિવસો વાટ જોઈશ.’ તેમણે પ્રાર્થનામાં ઈશ્વરને એ પણ કહ્યું કે ‘તું મને બોલાવીશ, તો હું તને ઉત્તર આપીશ; તારા હાથનાં કામો પર તું મમતા રાખીશ.’ (અયૂબ ૧૪:૧૪, ૧૫) યહોવાહ એવા દિવસો માટે રાહ જુએ છે જ્યારે તે તેમના સર્વ ‘મિત્રોને’ સજીવન કરશે. યહોવાહે આપણા પર કેટલો પ્રેમ બતાવ્યો છે! ભલે આપણે પાપી છીએ, અપૂર્ણ છીએ, તેમણે આપણને ખૂબ દયા બતાવી છે. આ જાણીને યહોવાહ માટેનો આપણો પ્રેમ કેટલો ખીલી ઊઠે છે!—રૂમી ૫:૨૧; યાકૂબ ૪:૮.

૧૮, ૧૯. (ક) દાનીયેલ કેવી આશા રાખે છે? (ખ) આવતા અઠવાડિયે આપણે શું શીખીશું?

૧૮ ઈશ્વરભક્ત દાનીયેલનો વિચાર કરો. યહોવાહના એક દૂતે કહ્યું કે તે “અતિ પ્રિય માણસ” છે. (દાનીયેલ ૧૦:૧૧, ૧૯) તેમને ઈ.સ. પૂર્વે ૬૧૭માં બાબેલોન લઈ જવામાં આવ્યા ત્યારથી છેક તેમના મોત સુધી યહોવાહમાં તેમની શ્રદ્ધા ડગી નહિ. ઈ.સ. પૂર્વે ૫૩૬માં ઈરાનના રાજા કોરેશના ત્રીજા વર્ષે તેમને દર્શન મળ્યું એના થોડા વખત પછી તે મોટી ઉંમરે મોતની નીંદરમાં સૂઈ ગયા. (દાનીયેલ ૧:૧; ૧૦:૧) એ મહત્ત્વના દર્શનમાં તેમને જગતની મહાસત્તાઓ વિષે ખબર પડી. દર્શનમાં છેલ્લે તેમણે આવનાર મોટી વિપત્તિમાં એ મહાસત્તાઓનો અંત જોયો. (દાનીયેલ ૧૧:૧–૧૨:૧૩) પણ એ દર્શનથી દાનીયેલ ખૂબ મૂંઝાઈ ગયા. એટલે તેમણે સ્વર્ગદૂતને પૂછ્યું: “હે મારા મુરબ્બી, આ બાબતોનું પરિણામ શું આવશે?” દૂતે કહ્યું કે ‘અંતના સમયે જ્ઞાની જનો સમજશે.’ પણ શું દાનીયેલ એ દિવસો જોવાના હતા? દૂતે કહ્યું: “તું વિશ્રામ પામશે, ને તે મુદ્દતને અંતે તું તારા હિસ્સાના વતનમાં ઊભો રહેશે.” (દાનીયેલ ૧૨:૮-૧૦, ૧૩) હા, ખ્રિસ્તના રાજમાં ‘ન્યાયીઓનું પુનરુત્થાન’ થશે ત્યારે દાનીયેલ ફરી જીવતા થશે.—લુક ૧૪:૧૪.

૧૯ આપણે આ દુનિયાના અંત સમયમાં જીવી રહ્યા છીએ. ખ્રિસ્તનું હજાર વર્ષનું રાજ ખૂબ નજીકમાં છે. પણ હવે પ્રશ્ન થાય છે: ‘શું હું એ નવી દુનિયા જોઈ શકીશ? શું હું નવી દુનિયામાં ઈબ્રાહીમ, અયૂબ, દાનીયેલ ને બીજા ઈશ્વરભક્તોને મળી શકીશ?’ જો આપણે યહોવાહની આજ્ઞાઓ પાળતા રહીએ ને તેમને વળગી રહીએ તો જરૂર નવી દુનિયા જોઈશું. આવતા અઠવાડિયાના લેખમાં આપણે જોઈશું કે કેવી વ્યક્તિઓનું પુનરુત્થાન થશે.

તમને યાદ છે?

• પાઊલે પુનરુત્થાન વિષે જાહેર કર્યું ત્યારે લોકો પર કેવી અસર પડી?

• પુનરુત્થાનની આશાથી આપણે કઈ રીતે નામ પૂરતા ખ્રિસ્તીઓથી અલગ પડીએ છીએ?

• ઈબ્રાહીમ, અયૂબ ને દાનીયેલે કઈ રીતે બતાવ્યું કે તેઓ પુનરુત્થાનમાં માને છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૯ પર ચિત્ર]

હાકેમ ફેલીક્સ આગળ પાઊલે પૂરી ખાતરીથી જાહેર કર્યું કે તે પુનરુત્થાનમાં માને છે

[પાન ૧૦ પર ચિત્ર]

ઈબ્રાહીમને શા માટે પુનરુત્થાનમાં વિશ્વાસ હતો?

[પાન ૧૨ પર ચિત્ર]

પુનરુત્થાન વિષે જાણીને અયૂબને ખૂબ દિલાસો મળ્યો

[પાન ૧૨ પર ચિત્ર]

ન્યાયીઓ ફરી સજીવન થશે ત્યારે આપણે દાનીયેલને પણ જોઈશું