સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હું નિર્બળ છતાં બળવાન છું

હું નિર્બળ છતાં બળવાન છું

મારો અનુભવ

હું નિર્બળ છતાં બળવાન છું

લીઓપોલ્ડ ઇંગલાઈટનના જણાવ્યા પ્રમાણે

એક એસએસ અધિકારીએ મારા કપાળ પર બંદૂક તાકીને પૂછ્યું: “તું મરવા તૈયાર છે? હવે હું તને નહિ છોડું. કોઈ તારી મદદે નહિ આવે.” મેં ધીમેથી પણ શાંત મને કહ્યું, “હું તૈયાર છું.” હું આંખો બંધ કરીને તે ગોળી ચલાવે એની રાહ જોવા લાગ્યો. પણ કશું જ થયું નહિ. તેણે બરાડા પાડીને કહ્યું, “તું તો મૂરખનો સરદાર છે કે મરવા પણ તૈયાર થઈ ગયો.” આમ કહીને તેણે મારા કપાળ પરથી બંદૂક હટાવી દીધી. હું કઈ રીતે આવા સંજોગમાં આવી પડ્યો? ચાલો હું તમને એ વિષે જણાવું.

મારો જન્મ જુલાઈ ૨૩, ૧૯૦૫માં આઇગન ફોગલ હુબ ગામમાં થયો હતો. આ ગામ ઑસ્ટ્રિયાના પહાડો પર આવેલું છે. મારા પપ્પા લાકડાં કાપવાની મિલમાં કામ કરતા. મમ્મી ખેડૂતની દીકરી હતી. હું તેમનો સૌથી મોટો દીકરો હતો. મારા માબાપ ભલે ગરીબ હતા પણ ખૂબ મહેનતુ હતા. મારું બાળપણ સાલ્સબર્ઝના બાટ ઇશોલ ગામમાં ગુજર્યું. આ ગામ સુંદર સરોવર અને અદ્‍ભુત પહાડો વચ્ચે આવેલું છે.

હું સમજણો થયો ત્યારે ઘણી વાર જીવનમાં થતા અન્યાય વિષે વિચારતો. એક તો મારું કુટુંબ ગરીબ હતું અને બીજું કે જન્મથી જ મારી કરોડરજ્જુ ખરાબ હતી. આથી, મારી કમર બહુ દુખતી અને હું સીધો ઊભો રહી શકતો ન હતો. સ્કૂલમાં રમતગમતમાં પણ ભાગ લઈ શકતો ન હતો. એના લીધે ક્લાસના છોકરાઓ મારી ઠેકડી ઉડાવતા.

પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થવા આવ્યું ત્યારે હું ફક્ત ચૌદ વર્ષનો હતો. મેં વિચાર્યું કે ગરીબીમાંથી બહાર આવવા મારે નોકરી કરવી જોઈએ. હું મોટા ભાગે ભૂખ્યો જ રહેતો. એમાંય મને સ્પૅનિશ ફ્લૂ થયો કે જેમાં હું સાવ નબળો પડી ગયો. જોકે આ બીમારીમાં લાખો લોકો મરી ગયા હતા. આવી હાલતમાં હું ખેડૂતો પાસે કામ માંગવા જતો ત્યારે તેઓ મને કહેતા, “તારા જેવી નબળી વ્યક્તિ માટે અમારી પાસે કંઈ કામ નથી.” છેવટે એક માયાળુ ખેડૂતે મને કામ આપ્યું.

પરમેશ્વર વિષે શીખવું

મારી મમ્મી એક કટ્ટર કૅથલિક હતી. તોપણ હું ભાગ્યે જ ચર્ચમાં જતો. કારણ કે મારા પપ્પા ધાર્મિક બાબતોમાં બહુ છૂટછાટવાળું વલણ રાખતા. હું રોમન કૅથલિક ચર્ચમાં થતી મૂર્તિપૂજા જોઈને બહુ દુઃખી થઈ જતો.

ઑક્ટોબર ૧૯૩૧માં એક દિવસે મારા મિત્રએ મને તેની સાથે એક ધાર્મિક સભામાં આવવા કહ્યું. એ યહોવાહના સાક્ષીઓની સભા હતી. એમાં મને મારા મહત્ત્વના પ્રશ્નોના બાઇબલમાંથી જવાબ મળ્યા. જેમ કે, શું મૂર્તિપૂજાથી પરમેશ્વર ખુશ થાય છે? (નિર્ગમન ૨૦:૪, ૫) શું નરક જેવું કંઈ છે? (સભાશિક્ષક ૯:૫) શું મૂએલાઓને સજીવન કરવામાં આવશે?—યોહાન ૫:૨૮, ૨૯.

હું શીખ્યો કે પરમેશ્વર યુદ્ધોને ધિક્કારે છે, પછી ભલે એ તેમના નામે લડવામાં આવતા હોય. એ વાત મારા હૃદયને સૌથી વધારે સ્પર્શી ગઈ. હું શીખ્યો કે “દેવ પ્રેમ છે” અને તેમનું નામ યહોવાહ છે. (૧ યોહાન ૪:૮; ગીતશાસ્ત્ર ૮૩:૧૮) યહોવાહના રાજ્યમાં સર્વ માણસજાત હંમેશ માટે પૃથ્વી પર સુખ શાંતિમાં રહેશે એ જાણીને તો મારી ખુશીનો પાર ન રહ્યો. પસંદ કરેલા મનુષ્યોને પરમેશ્વરે સ્વર્ગના રાજ્યમાં ઈસુ ખ્રિસ્ત સાથે સેવા કરવાનો લહાવો આપ્યો છે એ જાણીને પણ મને બહુ ખુશી થઈ. હું એ રાજ્ય માટે ગમે તે કરવા તૈયાર હતો. તેથી, મે ૧૯૩૨માં હું બાપ્તિસ્મા લઈને યહોવાહનો સાક્ષી બન્યો. બાપ્તિસ્મા લેવા માટે મારે બહુ હિંમતની જરૂર હતી. કેમ કે ઑસ્ટ્રિયામાં મોટા ભાગના લોકો રોમન કૅથલિક હતા અને તેઓને બીજા ધર્મના લોકો જરાય પસંદ ન હતા.

સતાવણીનો સામનો કરવો

મેં ચર્ચમાંથી રાજીનામું આપ્યું ત્યારે મારા માબાપ બહુ નારાજ થઈ ગયા. અને પાદરીએ તો પ્લૅટફૉર્મ પરથી એની જાહેરાત કરી દીધી હતી. પાડોશીઓ મને એટલી નફરત કરતા કે મને જોઈને થૂંકતા. તેમ છતાં, મેં પૂરા સમયના સેવા કાર્યમાં જોડાવાનું નક્કી કર્યું અને જાન્યુઆરી ૧૯૩૪માં પાયોનિયરીંગ શરૂ કર્યું.

નાત્ઝીઓ ધીમે ધીમે અમારા દેશ પર કબજો જમાવતા હતા તેમ, રાજકીય સ્થિતિ વધારે નાજુક બનતી ગઈ. હું સ્ટીરિયાના એન્સ વિસ્તારમાં પાયોનિયરીંગ કરતો હતો ત્યારે, પોલીસ મારી પાછળ હાથ ધોઈને પડી ગઈ હતી. તેથી મારે “સાપના જેવા હોશિયાર” બનવું પડ્યું. (માત્થી ૧૦:૧૬) વર્ષ ૧૯૩૪થી ૩૮ સુધી સતાવણી જાણે મારા જીવનનો એક ભાગ બની ગઈ હતી. મારી પાસે કોઈ નોકરી ન હતી છતાં, મને બેકારી ભથ્થું આપવાની ના પાડવામાં આવી. એટલું જ નહિ, મારા પ્રચાર કાર્યને લીધે મને પહેલાં ટૂંકી અને પછી ચાર વાર લાંબા સમયની સજા ફટકારવામાં આવી.

ઑસ્ટ્રિયા હિલટરના કબજામાં આવ્યું

માર્ચ ૧૯૩૮માં, હિટલરના લશ્કરે ઑસ્ટ્રિયા પર કબજો જમાવી દીધો. થોડા જ દિવસોમાં, ૯૦,૦૦૦ કરતાં વધારે લોકોને પકડીને જેલો અને જુલમી છાવણીઓમાં નાખવામાં આવ્યા. એ પુખ્ત વયના લોકોની કુલ વસ્તીના આશરે ૨ ટકા હતા. તેઓ પર નાત્ઝી સરકારનો વિરોધ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો. યહોવાહના સાક્ષીઓ હવે જે થવાનું હતું એ માટે તૈયાર જ હતા. વર્ષ ૧૯૩૭ના ઉનાળામાં, મારા મંડળના ઘણા ભાઈબહેનો લગભગ ૩૫૦ કિલોમીટર સાઇકલની મુસાફરી કરીને આંતરરાષ્ટ્રીય સંમેલન માટે પરાગ્વેમાં ગયા. ત્યાં જર્મનીના ભાઈબહેનો સાથે કેવો કમકમાટી ભર્યો વ્યવહાર થયો હતો એ અમે સાંભળ્યું. હવે અમને ખાતરી થઈ કે અમારી સતાવણી પણ ટૂંક સમયમાં જ શરૂ થશે.

હિટલરના લશ્કરે ઑસ્ટ્રિયા પર કબજો જમાવી દીધો ત્યારથી, યહોવાહના સાક્ષીઓ છૂપી રીતે સભાઓ ભરવા લાગ્યા અને પ્રચાર કરવા લાગ્યા. બાઇબલ સાહિત્ય સ્વિટ્‌ઝર્લેન્ડની સરહદેથી છૂપી રીતે લાવવામાં આવતું. પણ એ બધા માટે પૂરતું ન હતું. તેથી વિએનાના ભાઈબહેનોએ ખાનગીમાં સાહિત્ય છાપવાનું શરૂ કર્યું. ભાઈબહેનોને સાહિત્ય પહોંચાડવાનું કામ મેં ઉપાડી લીધું.

યાતના છાવણીઓમાં જવું

એપ્રિલ ૪, ૧૯૩૯માં હું બાટ ઈશોલ ગામમાં એક ભાઈ અને બે બહેનો સાથે ખ્રિસ્તનો સ્મરણપ્રસંગ ઊજવી રહ્યો હતો. ત્યારે ગેસ્ટેપો પોલીસે આવીને અમને પકડી લીધા. અમને લીન્ઝ શહેરના પોલીસ સ્ટેશને કારમાં લઈ ગયા. હું જીવનમાં પહેલી વાર કારમાં બેઠો હતો પરંતુ અગવડ એટલી હતી કે હું એનો આનંદ પણ માણી શક્યો નહિ. પછી પોલીસે મારા પર પ્રશ્નોનો મારો ચલાવ્યો, મને ઘણો રિબાવ્યો. પરંતુ મેં મારી માન્યતાઓ છોડી નહિ. પાંચ મહિના પછી, અપર ઑસ્ટ્રિયાના ન્યાયાધીશ સમક્ષ મને હાજર કરવામાં આવ્યો. મારી સામે ચાલેલો કેસ અચાનક બંધ થઈ ગયો. પરંતુ એનાથી મારી અગ્‍નિ પરીક્ષાનો અંત આવ્યો ન હતો. એ દરમિયાન પેલા ત્રણ ભાઈબહેનોને યાતના છાવણીમાં મોકલવામાં આવ્યા જ્યાં તેઓ મરતા સુધી પરમેશ્વરને વફાદાર રહ્યા.

મને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો. ઑક્ટોબર ૫, ૧૯૩૯માં મને કહેવામાં આવ્યું કે જર્મનીની બુકનવોલ્ડ છાવણીમાં લઈ જવામાં આવશે. લીન્ઝ શહેરના રેલવે સ્ટેશને મારા જેવા કેદીઓ માટે ખાસ ટ્રૅન હતી. માલગાડી જેવા એ ડબ્બામાં બે જ વ્યક્તિઓ રહી શકતી. મારી સાથે એ ડબ્બામાં બીજું કોઈ નહિ પણ અપર ઑસ્ટ્રિયાના અગાઉના ગવર્નર ડૉક્ટર હાઈનરીક ગલાઈસના હતા.

હું અને ડૉક્ટર ગલાઈસના વાતોએ ચડી ગયા. તેમને મારી સ્થિતિ જોઈને ખૂબ દુઃખ થયું. એમાંય એ જાણીને તેમને વધારે દુઃખ થયું કે તે ગવર્નર હતા ત્યારે પણ યહોવાહના સાક્ષીઓએ અસંખ્ય કેસોમાં ઘણી મુશ્કેલીઓ વેઠી હતી. તેમણે દુઃખ વ્યક્ત કરતા મને કહ્યું: “શ્રીમાન ઈંગલાઈટન, તમારી સાથે જે અન્યાય થયો છે એને તો હું ભરપાઈ કરી શકું એમ નથી. પરંતુ હું તમારી માફી માંગું છું. અમારી સરકારે તમારી સાથે અન્યાય કર્યો છે. તમને કોઈ પણ પ્રકારની મદદ જોઈતી હોય તો મને જણાવજો. હું તમને જરૂર મદદ કરીશ.” અમે બંને યુદ્ધ પછી ફરી મળ્યા. તેમણે મને નાત્ઝી સરકારનો ભોગ બનેલાઓ માટે સરકારી પેન્શન મેળવવા મદદ કરી.

“હું તને ગોળી મારીશ”

ઑક્ટોબર ૯, ૧૯૩૯માં, હું બુકનવોલ્ડ છાવણીમાં આવ્યો. ત્યાર પછી, જેલના અધિકારીને જણાવવામાં આવ્યું કે નવા આવનારાઓમાં એક યહોવાહનો સાક્ષી પણ છે. અને હું ખાસ નિશાન બન્યો. તેણે મને નિર્દયતાથી માર્યો. પછી તેણે જોયું કે હું મારી માન્યતાઓમાં જરાય પાછો હઠીશ નહિ ત્યારે, તેણે મને કહ્યું, “ઈંગલાઈટન, હવે હું તને ગોળી મારીશ. પરંતુ એ પહેલાં તું તારા માબાપને ‘આવજોનો’ કાગળ લખી લે.” હું માબાપને દિલાસાના બે શબ્દો લખવા લાગ્યો. પણ જેવો હું લખવા જઉં કે તરત જ તે મને જમણા હાથની કોણીમાં ગોદો મારતો. એનાથી હું બરાબર લખી ન શક્યો. તેણે મારી મશ્કરી કરતા કહ્યું: “ડફોળ, બે લીટી પણ ઢંગથી લખી શકતો નથી. અને પાછા મોટા સાહેબને બાઇબલ વાંચવું છે?”

ત્યાર પછી, લેખની શરૂઆતમાં જણાવ્યું તેમ એક સૈનિકે મારા કપાળ પર બંદૂક મૂકીને અહેસાસ કરાવ્યો કે તે જાણે મને ગોળી મારવાનો જ છે. પછી તેણે મને ખીચોખીચ ભરેલી એક નાની કોટડીમાં ધકેલ્યો. મારે ઊભા ઊભા જ રાત પસાર કરવી પડી. મારું આખું શરીર દુખતું હોવાથી હું જરાય ઊંઘી ન શક્યો. મારી કોટડીની એક વ્યક્તિએ કહ્યું, “ધર્મ માટે મરી જવામાં શો ફાયદો?” ડૉક્ટર ગલાઈસના મારી બાજુની કોટડીમાં હતા. તેમણે જે કંઈ બન્યું એ વિષે સાંભળ્યું. પછી તેમણે કહ્યું, “ખ્રિસ્તીઓની ફરીથી સતાવણી શરૂ થઈ ગઈ છે.”

સામાન્ય રીતે રવિવારે અમે કામ કરતા ન હતા. પરંતુ, ૧૯૪૦ના ઉનાળામાં, અમને સર્વને કામ માટે બહાર કાઢ્યા. કેટલાક કેદીઓની ભૂલને લીધે અમારે સર્વએ ભોગવવું પડ્યું. અમને પથ્થરની ખાણમાંથી મોટા-મોટા પથ્થરો ઊંચકવાનું કહેવામાં આવ્યું. બે કેદીઓ મારી પીઠ પર મોટો પથ્થર મૂકતા હતા. હું એનું વજન પણ ઉઠાવી શકતો ન હતો. જોકે છાવણીના એક સુપરવાઇઝરે મને થોડી રાહત અપાવી. કઈ રીતે? તેણે જોયું કે મોટો પથ્થર ઊંચકવો મારા માટે કેટલું મુશ્કેલ છે ત્યારે, તેણે કહ્યું, “આટલો મોટો પથ્થર ઊંચકીને તું ક્યારે ત્યાં પહોંચીશ? નીચે મૂકી દે.” તેના આ ઑર્ડરથી મને બહુ રાહત મળી. તેણે બીજા નાના પથ્થરો બતાવતા કહ્યું: “એક એક છાવણીમાં લાવ. એ ઊંચકવા પણ સહેલા થશે.” ત્યાર પછી હું જેના હાથ નીચે કામ કરતો હતો તેને ઑર્ડર આપતા કહ્યું: “બાઇબલ વિદ્યાર્થીઓને પોતાની કોટડીમાં પાછા જવા દે. આજે તેઓએ પૂરતું કામ કર્યું છે.”

દરરોજ કામ પછી, મને આપણા ભાઈબહેનો સાથે મળીને ખૂબ આનંદ થતો. અમે પરમેશ્વરના જ્ઞાનના વિતરણની ગોઠવણ કરી હતી. એક ભાઈ નાના કાગળ પર બાઇબલની કલમ લખીને બીજાઓને આપતા. છાવણીમાં છૂપી રીતે એક નાનું બાઇબલ લાવવામાં આવ્યું હતું. એના નાના નાના પુસ્તકો ભાઈબહેનોમાં વહેંચી દીધા. ત્રણ મહિના સુધી મારી પાસે અયૂબનું પુસ્તક હતું. મેં એને મારા મોજામાં સંતાડ્યું હતું. અયૂબના અહેવાલે મને દૃઢ રહેવા મદદ કરી.

માર્ચ ૭, ૧૯૪૧માં મને એક મોટા ગ્રૂપ સાથે નિડાહાગલ છાવણીમાં મોકલવામાં આવ્યો. મારી હાલત દિવસે દિવસે ખરાબ થતી ગઈ. એક દિવસે, મને અને બે ભાઈઓને ખોખામાં સાધનો ભરવાનો ઑર્ડર કરવામાં આવ્યો. અમે એ પ્રમાણે સામાન ભર્યો. પછી, અમે બીજા ગ્રૂપ સાથે જોડાયા. એસએસના માણસે જોયું કે હું બીજાઓની જેમ ઝડપથી કામ કરી શકતો નથી. તેથી, તેણે ગુસ્સામાં બેકાબૂ બની મને ક્રૂર રીતે પાછળથી લાત મારી. એનાથી મને ઘણું વાગ્યું અને મારું દરદ વધી ગયું. તેમ છતાં હું બીજા દિવસે કામ પર ગયો.

અચાનક છુટકારો

એપ્રિલ ૧૯૪૩માં નિડાહાગલ છાવણીને ખાલી કરવામાં આવી. ત્યાર પછી મને રેવેન્સબર્કની છાવણીમાં લઈ ગયા. આ છાવણીમાં કેદીઓને યોજના કરી મારી નાખવામાં આવતા. પરંતુ, જૂન ૧૯૪૩માં મને અચાનક જ છાવણીમાંથી ઘરે મોકલવામાં આવ્યો. આ સમયે મારે મારી માન્યતા સાથે કોઈ પ્રકારની તડજોડ કરવાની ન હતી. ફક્ત મારે આજીવન એક ખેતરમાં પગાર વગર કામ કરવાનું હતું. હું એ કરવા તૈયાર હતો જેથી આ છાવણીની ખતરનાક પરિસ્થિતિમાંથી બહાર નીકળું. હું છેલ્લી તપાસ માટે છાવણીના ડૉક્ટર પાસે ગયો. મને જોઈને ડૉક્ટરને ખૂબ આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, “શું તું હજુ પણ યહોવાહનો સાક્ષી છે?” મેં કહ્યું, “હા, સાહેબ.” “જો એમ હોય તો, હું તને શું કામ જવા દઉં? પણ તારા જેવી કમજોર વ્યક્તિથી પીછો છોડાવવા તને જવા દેવો એ જ સારું છે.”

આમ કહીને ડૉક્ટર કંઈ મીઠું મરચું ભભરાવીને બોલતા ન હતા. મારી હાલત ખરેખર ઘણી જ ખરાબ હતી. બગઈઓ મારા શરીરની મોટા ભાગની ચામડી ખાઈ ગઈ હતી. સખત મારને લીધે હું એક કાનેથી બહેરો થઈ ગયો હતો. મારા આખા શરીરમાં પરૂ થઈ ગયું હતું. અને ૪૬ મહિના સુધી ભૂખમરો અને સખત મજૂરીને લીધે મારું વજન ફક્ત ૨૮ કિલો થઈ ગયું હતું. આવી હાલતમાં મને રેવેન્સબર્કની છાવણીમાંથી જુલાઈ ૧૫, ૧૯૪૩માં છોડવામાં આવ્યો.

મને ટ્રૅનથી ઘરે મોકલવામાં આવ્યો. હા, મારી સાથે કોઈ સિપાઈ ન હતો. મેં લીન્ઝ શહેરના મુખ્યમથકમાં ગેસ્ટેપો પોલીસને રિપોર્ટ આપ્યો. ગેસ્ટેપોએ મારી મુક્તિના કાગળો આપતા ચેતવણી આપી, “તને એમ લાગે છે કે તું જઈને છાની રીતે તારું કામ ચાલુ રાખી શકે એ માટે તને છોડીએ છીએ? તું એમ વિચારતો હોય તો, તારી ભૂલ છે. જો હવે તું પ્રચાર કરતા પકડાઈશ તો, ભગવાન જ તને બચાવશે.”

આખરે હું ઘરે પહોંચ્યો! એપ્રિલ ૪, ૧૯૩૯માં હું પહેલી વાર પકડાયો હતો. ત્યારથી મારી મમ્મીએ મારા રૂમની એકેય વસ્તુને જરા પણ આઘી પાછી કરી ન હતી. અરે, ટેબલ પર મારું ખુલ્લું બાઇબલ પણ એવું ને એવું જ હતું! મેં ઘૂંટણે પડી યહોવાહનો આભાર માનતા પ્રાર્થના કરી.

મને પહાડ પરના ખેતરમાં કામ સોંપવામાં આવ્યું. એનો ખેડૂત મારો નાનપણનો મિત્ર હતો. મારે મજૂરી વગર કામ કરવાનું હતું તોપણ તે મને પગાર તરીકે નાની રકમ આપતો. યુદ્ધ પહેલાં, આ જ મિત્રએ મને તેના મકાનમાં બાઇબલનું કેટલુંક સાહિત્ય રાખવા દીધું હતું. મેં એ સાહિત્યનો અભ્યાસ કરી પરમેશ્વર સાથેનો મારો સંબંધ વધારે દૃઢ બનાવ્યો. મારી દરેક જરૂરિયાતો પૂરી થઈ હતી. મેં યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી એ જ ખેતરમાં ધીરજથી કામ કરીને સહન કર્યું.

પહાડોમાં સંતાવું

હું લાંબો સમય શાંતિમાં રહી શક્યો નહિ. વર્ષ ૧૯૪૩ના ઑગસ્ટ મહિનામાં મને તબીબી તપાસ માટે મિલિટરી ડૉક્ટરને મળવાનું કહેવામાં આવ્યું. પહેલાં તો આ ડૉક્ટરે મારી ખરાબ કમરને લીધે લશ્કરી સેવા માટે અયોગ્ય જાહેર કર્યો હતો. પરંતુ એક અઠવાડિયા પછી એ જ ડૉક્ટરે મારા વિષે રિપોર્ટ આપ્યો, “હવે તે લશ્કરમાં જોડાવા યોગ્ય છે.” જોકે, સૈનિકો મને થોડો સમય તો શોધી જ ન શક્યા. પરંતુ એપ્રિલ ૧૭, ૧૯૪૫માં યુદ્ધની સમાપ્તિના થોડા સમય પહેલાં તેઓએ મને શોધી કાઢ્યો. મને યુદ્ધમાં ભાગ લેવા મોકલ્યો.

હું થોડો ઘણો સામાન અને બાઇબલ લઈને, નજીકના પહાડોમાં સંતાઈ ગયો. પહેલાં તો હું ખુલ્લા આકાશ નીચે સૂતો હતો. પરંતુ, એક દિવસ અચાનક હવામાન બદલાઈ ગયું અને હીમવર્ષા થવા લાગી. અને બે ફૂટ બરફ પડ્યો. હું આખો ભીનો થઈ ગયો. તેમ છતાં, ગમે તેમ કરીને હું પહાડ પર આવેલા એક નાનકડા મકાનમાં પહોંચી ગયો. આ પહાડ સમુદ્ર સ્તરેથી ૧,૨૦૦ મીટર ઊંચો હતો. હું ઠંડીને લીધે ધ્રૂજી રહ્યો હતો. મેં ઘરમાં તાપણું સળગાવ્યું. જેના લીધે હું મારા કપડાં સૂકવી શક્યો તેમ જ થોડી હૂંફ મેળવી શક્યો. હું એટલો તો થાકી ગયો હતો કે તાપણાં નજીકના બાંકડા પર જ ગાઢ નિંદ્રામાં સૂઈ ગયો. હું અચાનક તીવ્ર વેદનાથી ઊઠી ગયો. મારા કપડાં સળગી રહ્યાં હતાં! આગ હોલવવા હું જમીન પર આળોટવા લાગ્યો. મારી આખી પીઠ પર ફોડલા થઈ ગયા.

પકડાઈ જવાની બીકે, હું અજવાળું થતા પહેલાં ખેતરે પહોંચી ગયો. પરંતુ, ખેડૂતની પત્નીને બહુ જ ડર લાગતો હતો. આથી, પોલીસ મને શોધે છે એવું કહીને ત્યાંથી કાઢી મૂક્યો. હું મારા માબાપ પાસે ગયો. પહેલાં તો તેઓ પણ પોલીસની બીકે ખચકાતા હતા. પછી, તેઓએ મને ઘાસ રાખવાના કોઠારમાં સૂવા દીધો. મારી મમ્મીએ મારા જખમો પર મલમ લગાવ્યો. તેમ છતાં, હું ત્યાં હોવાથી તેઓ બહુ ચિંતિત હતા. તેથી, બે દિવસ પછી મેં ફરીથી પહાડો પર સંતાવાનું નક્કી કર્યું.

મે ૫, ૧૯૪૫માં એક મોટા અવાજથી હું જાગી ગયો. મેં યુદ્ધના વિમાનોને નીચે ઊડતા જોયા. એ સમયે મને ખાતરી થઈ ગઈ કે હવે હિટલરનું રાજ ગયું! યહોવાહની મદદથી હું આકરી કસોટીનો સામનો કરી શક્યો. મેં ગીતશાસ્ત્ર ૫૫:૨૨ના શબ્દો મુજબ ‘મારો બોજો યહોવાહ પર નાંખી દીધો’ હતો. તેથી, મને ગમે તેવી આકરી મુસીબતનો સામનો કરવામાં મદદ મળી. ભલે હું શારીરિક રીતે નબળો હતો પરંતુ હું “મરણની છાયાની ખીણમાં” પણ ટકી રહ્યો.—ગીતશાસ્ત્ર ૨૩:૪.

યહોવાહની શક્તિથી ટકી રહેવું

યુદ્ધ પછી, જીવન ધીમે ધીમે સામાન્ય બનવા લાગ્યું. સૌ પ્રથમ મેં મારા ખેડૂત મિત્રના ખેતરમાં મજૂરી કરી. એપ્રિલ ૧૯૪૬માં યુએસ આર્મીએ મને આજીવન પગાર વગર મજૂરી કરવાના બંધનમાંથી મુક્ત કર્યો.

યુદ્ધને અંતે બાટ ઇશોલ અને આસપાસના જિલ્લાઓના ભાઈઓએ નિયમિત સભાઓ ભરવાનું શરૂ કર્યું. તેઓએ બમણા જુસ્સાથી પ્રચાર શરૂ કર્યો. મને એક ફૅક્ટરીમાં નાઈટ-વૉચમૅનની નોકરી મળી. એના લીધે હું મારું પાયોનિયરીંગ ચાલુ રાખી શક્યો. પછી હું ઝાન્ટ વુલફગાન્ગ વિસ્તારમાં રહેવા લાગ્યો. વર્ષ ૧૯૪૯માં મેં ટેરેઝિયા કુરટસ સાથે લગ્‍ન કર્યા. એ વખતે તેને એક દીકરી પણ હતી. અમારું લગ્‍ન જીવન ૩૨ વર્ષનું રહ્યું. છેલ્લા સાત વર્ષથી તે ઘણી બીમાર હતી ત્યારે મેં તેની ખૂબ કાળજી લીધી. પરંતુ ૧૯૮૧માં મારી વહાલી પત્ની મરણ પામી.

ટેરેઝિયાના મરણ પછી, મેં ફરીથી પાયોનિયરીંગ શરૂ કર્યું. એના લીધે હું પત્ની ગુમાવ્યાનું દુઃખ ઓછું કરી શક્યો. હું હાલમાં પાયોનિયરીંગ કરું છું તેમ જ બાટ ઇશોલના મારા મંડળમાં વડીલ છું. મારે વ્હીલચેરમાં જ રહેવું પડે છે. તેથી, હું બાટ ઇશોલના બગીચામાં અને મારા ઘરની સામે આવતા જતા લોકોને પરમેશ્વરના રાજ્ય વિષે જણાવીને બાઇબલ સાહિત્ય આપું છું. લોકો સાથે બાઇબલમાંથી સરસ ચર્ચા કરીને મને ઘણો આનંદ મળે છે.

મારા ભૂતકાળ પર નજર નાખું છું ત્યારે, હું ખાતરીપૂર્વક કહી શકું છું કે એ કડવાં અનુભવોથી મારા મનમાં ક્યારેય ખાર થયો ન હતો. હા, કોઈ કોઈ વાર ભારે સતાવણીમાં હું બહુ હતાશ થઈ જતો. પણ યહોવાહ પરમેશ્વર સાથેના ગાઢ સંબંધને લીધે હું એ કપરા સમયમાં પણ ટકી રહ્યો. ઈસુ ખ્રિસ્તે પાઊલને આપેલી સલાહ મારા જીવનમાં પણ સાચી પુરવાર થઈ, “સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” હવે હું લગભગ ૧૦૦ વર્ષનો છું. હું પણ પ્રેષિત પાઊલ જેવું કહી શકું છું: “નિર્બળતામાં, અપમાન સહન કરવા, તંગીમાં, સતાવણીમાં અને સંકટમાં, ખ્રિસ્તની ખાતર હું આનંદ માનું છું; કેમ કે જ્યારે હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું.”—૨ કોરીંથી ૧૨:૯, ૧૦.

[પાન ૨૫ પર ચિત્ર]

એપ્રિલ ૧૯૩૯માં ગેસ્ટેપોએ પકડ્યો ત્યારે

મે ૧૯૩૯માં ગેસ્ટેપોએ મારી વિરુદ્ધ લગાવેલો આરોપ

[ક્રેડીટ લાઈન]

Both images: Privatarchiv; B. Rammerstorfer

[પાન ૨૬ પર ચિત્ર]

પહાડી વિસ્તારોમાં આશરો લીધો

[પાન ૨૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Foto Hofer, Bad Ischl, Austria