સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘ખોટા માર્ગે ચાલનારાઓને ધીરજથી શીખવો’

‘ખોટા માર્ગે ચાલનારાઓને ધીરજથી શીખવો’

‘ખોટા માર્ગે ચાલનારાઓને ધીરજથી શીખવો’

‘ઈશ્વરનો સેવક ઝઘડાખોર હોવો જોઈએ નહિ, પણ તેણે નમ્ર બનવું જોઈએ. ખોટા માર્ગે ચાલનારાઓને ધીરજથી શીખવવું જોઈએ.’—૨ તિમોથી ૨:૨૪, Ibsi.

૧. પ્રચાર કરતી વખતે શા માટે અમુક લોકો આપણી સાથે ગુસ્સે ભરાઈને બોલે છે?

 પ્રેષિત પાઊલે કહ્યું કે આપણા જમાનામાં લોકો આપણી ને ઈશ્વરની નિંદા કરશે. ક્રૂર સ્વભાવના ને સંયમ વગરના હશે. (૨ તીમોથી ૩:૧-૫, ૧૨) પ્રચારમાં કે બીજે ક્યાંય શું તમે એવી કોઈ વ્યક્તિઓને મળ્યા છો? તેઓની જીભમાંથી ઝેર જ ટપકતું હોય છે. તેઓની નફરત આગની જેમ સળગે છે.

૨. લોકો ગુસ્સામાં કે કઠોર બનીને વાત કરે ત્યારે કઈ બાઇબલ કલમો આપણને મદદ કરશે?

લોકો શા માટે અમુક વાર આપણા પર ગુસ્સો ઠાલવે છે કે ગાળ બોલે છે? શું તેઓ ખરેખર વંઠી ગયા છે? ના. કારમી તંગી કે ખૂબ ટેન્શનને લીધે તેઓ અમુક વાર એમ વર્તે છે. (સભાશિક્ષક ૭:૭) ઘણા લોકો બીજાઓની અસરને લીધે એવા બન્યા છે, કેમ કે તેઓની આસપાસના લોકો માટે ગમેતેમ વાત કરવી કે ગાળો બોલવી સામાન્ય છે. એનો અર્થ એ નથી કે આપણે તેઓના જેવા બની જવું જોઈએ. કોઈ ગુસ્સેથી વાત કરે ત્યારે આપણે શું કરવું જોઈએ? નીતિવચનો ૧૯:૧૧ કહે છે: “માણસની વિવેકબુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે.” રૂમી ૧૨:૧૭, ૧૮ સલાહ આપે છે: ‘ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. જો બની શકે, તો ગમે તેમ કરીને સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલો.’

૩. આપણે કેવા સ્વભાવના હોવા જોઈએ અને એને આપણા સંદેશા સાથે શું લાગે વળગે છે?

જો આપણે ઠંડા ને શાંત સ્વભાવના હોઈશું, તો આપણી વાણી ને વર્તન એ બતાવશે. (નીતિવચનો ૧૭:૨૭) ઈસુએ તેમના શિષ્યોને પ્રચાર કરવા મોકલ્યા ત્યારે કહ્યું: “જ્યારે તમે ઘરમાં જાઓ ત્યારે કહો, ‘તમને શાંતિ થાઓ.’ જો તે ઘરના લોકો તમારો આવકાર કરે, તો તમારી શુભેચ્છા તેમની સાથે રહેશે. પણ જો તેઓ તમારો આવકાર ન કરે, તો તમારી શુભેચ્છા પાછી આવશે.” (માથ્થી ૧૦:૧૨, ૧૩, પ્રેમસંદેશ) આપણે ખુશખબરીનો સંદેશો ફેલાવીએ છીએ. બાઇબલ કહે છે કે એ ‘શાંતિની સુવાર્તા’ છે. ‘દેવની કૃપાની’ ને ‘રાજ્યની સુવાર્તા’ છે. (એફેસી ૬:૧૫; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૪; માત્થી ૨૪:૧૪) પ્રચારમાં આપણે લોકોને તોડી પાડવા ન જોઈએ. તેઓના ધર્મમાંથી ભૂલો ન કાઢવી જોઈએ. તેઓ સાથે ઝઘડો ન કરવો જોઈએ. આપણે બસ બાઇબલમાંથી ઈશ્વરના રાજ્ય વિષેની ખુશખબરી જણાવતા રહીએ.

૪. પ્રચારમાં કોઈ ઓચિંતા કહે કે “મને આમાં જરાય રસ નથી,” તો તમે શું કહેશો?

કલ્પના કરો કે પ્રચારમાં તમે વ્યક્તિ સાથે વાત શરૂ કરી છે. તે ઓચિંતા કહે છે: “મને આમાં જરાય રસ નથી.” તમે શું કહેશો? તમે કહી શકો: “શું હું તમને બાઇબલમાંથી એક ટૂંકી કલમ બતાવી શકું?” કદાચ વ્યક્તિ સાંભળશે. અથવા તમે કહી શકો: “હું તમને એવા સમય વિષે જણાવવા માગું છું જ્યારે દુનિયામાં કોઈ અન્યાય નહિ હોય ને સર્વ લોકો એકબીજાને પ્રેમ કરશે.” જો વ્યક્તિના કાન બંધ રહે તો તમે કહી શકો: “ભલે, કંઈ વાંધો નહિ. આવજો.” જો વ્યક્તિ સાંભળે નહિ કે ગુસ્સામાં બોલે, તો શું આપણે એમ વિચારવું જોઈએ કે તે કદી સત્ય નહિ શીખે? ના. ભલે વ્યક્તિ ગમે તેવી રીતે બોલે, આપણે ‘સર્વ માણસો પ્રત્યે માયાળુ અને સહનશીલ બનવું જોઈએ.’—૨ તીમોથી ૨:૨૪.

ગેરમાર્ગે દોરાયેલા શાઊલનું બદલાણ

૫, ૬. શાઊલ ઈસુના શિષ્યો સાથે કેવી રીતે વર્તતો હતો, ને એની પાછળ શું કારણ હતું?

પ્રથમ સદીમાં શાઊલ નામે એક માણસ હતો. તે ગરમ મિજાજનો હતો. તેની જીભમાંથી જાણે ઝેર ટપકતું હતું. બાઇબલ કહે છે કે ‘શાઊલ પ્રભુના શિષ્યોને કતલ કરવાની ધમકીઓ આપતો હતો.’ (પ્રેરિતોનાં કૃત્યો ૯:૧, ૨) તેણે પોતે પછી કબૂલ્યું હતું કે “હું પહેલાં દુર્ભાષણ કરનાર તથા સતાવનાર તથા જુલમી હતો.” (૧ તીમોથી ૧:૧૩) તેના અમુક સગાંવહાલાં કદાચ ખ્રિસ્તી બની ગયાં હતાં. તોપણ ખ્રિસ્તના શિષ્યો તરફ તેનું વલણ કેવું હતું? તેણે પોતે કહ્યું: “તેઓ પર અત્યંત ક્રોધાયમાન થઈને પરરાજ્યનાં શહેરો સુધી પણ મેં તેઓને સતાવ્યા.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૧૬; ૨૬:૧૧; રૂમી ૧૬:૭, ૧૧) શાઊલને ગુસ્સો ચડતો ત્યારે શું ત્યાંના ભાઈઓ તેની સાથે પ્રચાર કરતા રહ્યા? ના. જરાય નહિ.

શાઊલ શા માટે ક્રોધથી વર્તતો હતો? વર્ષો પછી તેણે પોતે લખ્યું કે “તે વખતે મને ખ્રિસ્ત પર વિશ્વાસ નહિ હોવાથી મેં અજ્ઞાનપણે તે કર્યું હતું.” (૧ તીમોથી ૧:૧૩) શાઊલ પહેલા ફરોશી હતો. તે “પૂર્વજોના નિયમ પ્રમાણે પૂરેપૂરી રીતે શીખેલો” હતો. (પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૩) શાઊલ ગમાલીએલના ચરણે ભણ્યો હતો જે ઉદાર મનના અને બધી બાજુ જોઈ શકતા હતા. પાછળથી શાઊલ, કાયાફા નામે પ્રમુખ યાજક સાથે જોડાયો. આ માણસ યહુદી ધર્મ માટે ઝનૂની હતો. લોકોને ચાવી મારી મારીને તેણે ઈસુના ખૂનની યોજના ઘડી નાખી હતી. (માત્થી ૨૬:૩, ૪, ૬૩-૬૬; પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૪-૩૯) પછી કાયાફા ઈસુના શિષ્યો પાછળ પડી ગયો. તેણે તેઓની મારપીટ કરાવી. તેઓને પ્રચાર બંધ કરવાનું કહ્યું. યહુદીઓની અદાલતમાં તેણે આગેવાની લઈને સ્તેફનને મોતની સજા ફટકારી. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૭, ૨૮, ૪૦; ૭:૧-૬૦) સ્તેફનને પથ્થરોથી મારી નાખવામાં આવ્યો ત્યારે શાઊલ શાંત બની જોતો રહ્યો. પછી કાયાફાએ શાઊલને પૂરી સત્તા આપી કે તે કોઈ પણ ખ્રિસ્તીને પકડીને દમસ્કની જેલમાં પૂરી શકે. (પ્રેરિતોનાં કૃત્યો ૮:૧; ૯:૧, ૨) શાઊલને લાગ્યું કે તે ઈશ્વરને નામે આ બધું કરે છે. પણ હકીકત એ હતી કે તે અંધશ્રદ્ધાથી આ બધું કરતો હતો. (પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૩-૫) પરિણામે, શાઊલ એ જોઈ ન શક્યો કે ઈસુ સર્વના તારણહાર છે. પછી અચાનક એક પળમાં તે બદલાઈ ગયો. દમસ્ક જતી વખતે સજીવન થયેલા ઈસુએ તેની આંખો ખોલી નાખી.—પ્રેરિતોનાં કૃત્યો ૯:૩-૬.

૭. દમસ્ક જતી વખતે ઈસુનું દર્શન થયા પછી શાઊલનું શું થયું?

થોડા દિવસો બાદ, ઈસુએ અનાન્યા નામના એક શિષ્યને શાઊલને મળવાનું કહ્યું. જો તમે અનાન્યા હોત, તો શું શાઊલને મળવા ગયા હોત? અનાન્યા શાઊલથી ખૂબ ડરતો હતો. તોપણ તે તેમને મળ્યો, પ્રેમ ને શાંતિથી વાત કરી. ઈસુનું દર્શન મળ્યા પછી શાઊલનો સ્વભાવ સાવ બદલાઈ ગયો હતો. (પ્રેરિતોનાં કૃત્યો ૯:૧૦-૨૨) તે પૂરી તમન્‍નાથી ઈસુ વિષે પ્રચાર કરવા લાગ્યો. પછી તે પ્રેરિત પાઊલ તરીકે ઓળખાયો.

ઈસુ નરમ સ્વભાવના પણ હિંમતવાન

૮. ઈસુ કઈ બાબતોમાં તેમના પિતા જેવા હતા?

ઈસુએ પૂરા દિલથી, ઉત્સાહથી સત્ય વિષે પ્રચાર કર્યો. ભલે તે નરમ સ્વભાવના હતા, લોકોથી ડરતા નહિ. (માત્થી ૧૧:૨૯) તેમના પિતા યહોવાહની જેમ જ તેમણે પાપી લોકોને પસ્તાવો કરવાનું કહ્યું. (યશાયાહ ૫૫:૬, ૭) લોકો પસ્તાવો કરતા ત્યારે ઈસુ તરત જ એ જોઈ શકતા. તેમણે એવા લોકોને ખૂબ ઉત્તેજન આપ્યું. (લુક ૭:૩૭-૫૦; ૧૯:૨-૧૦) ઈસુ કદી લોકોના બહારના દેખાવ પરથી ન્યાય કરતા નહિ. તેમણે યહોવાહની જેમ ધીરજ બતાવી. પ્રેમથી વર્ત્યા. હંમેશા આશા રાખી કે લોકો સુધરશે. (રૂમી ૨:૪) યહોવાહ ચાહે છે કે સર્વ જાતિના લોકો પસ્તાવો કરે ને હંમેશ માટે જીવે.—૧ તીમોથી ૨:૩, ૪.

૯. યશાયાહ ૪૨:૧-૪ શું જણાવે છે અને ઈસુ કઈ રીતે એ મુજબ જીવ્યા? એમાંથી શું શીખવા મળે છે?

ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલા યહોવાહે તેમના વિષે એક ભવિષ્યવાણી કહી હતી. માથ્થી એને ટાંકતા કહે છે: “મારા સેવકને નિહાળો, મારા પસંદ કરેલાને જુઓ; તે મારો અતિ પ્રિય છે; તેનાથી મારો આત્મા સંતુષ્ટ છે; હું મારો આત્મા તેના પર મૂકીશ; અને તે પ્રજાઓનો ન્યાય કરશે. તે વાદવિવાદ કરતો નથી કે બૂમ પાડતો નથી; તે ઊંચા સાદે બોલતો નથી. ન્યાયનો આખરી વિજય ન થાય, ત્યાં સુધી છુંદાયેલા બરુ જેવા કમજોરને તે કચડી નાખશે નહિ; કે મંદ મંદ સળગતી જ્યોતને તે હોલવી નાખશે નહિ; અને આખું જગત તેના નામમાં આશા રાખશે.” (માથ્થી ૧૨:૧૭-૨૧, IBSI; યશાયાહ ૪૨:૧-૪) ઈસુ આ ભવિષ્યવાણી પ્રમાણે જ જીવ્યા. તેમણે લોકો સાથે ઝગડો કર્યો નહિ. તે ખૂબ ટેન્શનમાં હતા ત્યારે પણ તેમણે લોકો સાથે શાંતિ ને પ્રેમથી વાત કરી. એનાથી ઘણા નમ્ર લોકોએ તેમનું સાંભળ્યું.—યોહાન ૭:૩૨, ૪૦, ૪૫, ૪૬.

૧૦, ૧૧. (ક) ભલે ફરોશીઓ ઈસુ સામે કચકચ કરતા હતા, ઈસુએ શા માટે અમુકને પ્રચાર કર્યો? (ખ) દુશ્મનો ઈસુને ફસાવવા માગતા હતા ત્યારે તેમણે શું કર્યું ને શું ન કર્યું?

૧૦ પ્રચાર કામમાં ઈસુએ ઘણી વાર ફરોશીઓ સાથે વાત કરી. તેઓમાંના ઘણા ઈસુને વાદવિવાદમાં ફસાવવા માગતા હતા. પણ ઈસુએ એમ ન ધાર્યું કે બધા ફરોશીઓ કપટી છે. સીમોન નામનો એક ફરોશી હતો. તે ઈસુ વિષે કચકચ કરતો. તોપણ તેણે ઈસુને જમવા માટે બોલાવ્યા, જેથી તેમને વધારે સારી રીતે ઓળખી શકે. ઈસુ ત્યાં ગયા ને સર્વને સારી સાક્ષી આપી. (લુક ૭:૩૬-૫૦) હવે નીકોદેમસ નામનો બીજો એક જાણીતો ફરોશી હતો. તે ઈસુને રાતે મળવા ગયો જેથી કોઈ જોઈ ન જાય. ઈસુએ એમ ન કહ્યું કે ‘લોકોથી શું કામ ડરો છો?’ એને બદલે તેમણે નીકોદેમસને શીખવ્યું કે ઈશ્વરે તેમના પુત્ર દ્વારા ગોઠવણ કરી છે જેથી મનુષ્યો પાપમાંથી બચી શકે. જેઓ પુત્ર પર શ્રદ્ધા રાખે છે તેઓને તારણ મળશે. ઈસુએ એમ પણ શીખવ્યું કે ઈશ્વરની ગોઠવણ પર પૂરી શ્રદ્ધા મૂકવી જોઈએ. (યોહાન ૩:૧-૨૧) આ શિક્ષણ નીકોદેમસના દિલમાં ઊતરી ગયું. અમુક સમય બાદ, ફરોશીઓ ઈસુને બદનામ કરતા હતા ત્યારે નીકોદેમસ ઈસુનો પક્ષ લઈને બોલ્યા.—યોહાન ૭:૪૬-૫૧.

૧૧ ઈસુ પારખી શકતા કે કોણ ઢોંગી છે અને ચાલાકીથી તેમને ફસાવવા માગે છે. પણ ઈસુ તેઓ સાથે વાદવિવાદમાં ફસાઈ ન ગયા. જરૂર પડતી ત્યારે તે ટૂંકમાં કોઈ વાર્તા, પાઠ કે કલમ જણાવીને તેઓને ચૂપ કરી દેતા. (માત્થી ૧૨:૩૮-૪૨; ૧૫:૧-૯; ૧૬:૧-૪) અનેક સંજોગોમાં તે કંઈ બોલ્યા નહિ. કેમ કે એનાથી કંઈ સારો ફાયદો થવાનો ન હતો.—માર્ક ૧૫:૨-૫; લુક ૨૨:૬૭-૭૦.

૧૨. લોકો ઈસુ સામે ગુસ્સામાં બૂમબરાડા પાડતા ત્યારે તેમણે શું કર્યું?

૧૨ અમુક કિસ્સામાં લોકો દુષ્ટ આત્માના કબજામાં આવીને ઈસુનું અપમાન કરતા. ઈસુએ તેઓ સાથે ઝગડો કર્યો નહિ. તે શાંત રહેતા ને ઈશ્વરે આપેલી શક્તિથી વ્યક્તિમાંથી દુષ્ટ આત્માને કાઢી નાખતા. (માર્ક ૧:૨૩-૨૮; ૫:૨-૮, ૧૫) પ્રચારમાં કોઈ ગુસ્સે થઈને બૂમાબૂમ કરે તો તમે શું કરશો? શાંત રહો. પ્રેમ ને દયાથી વાત કરો.—કોલોસી ૪:૬.

કુટુંબમાં પણ નરમ સ્વભાવના રહો

૧૩. સત્ય શીખવાને લીધે કુટુંબમાં શું થઈ શકે?

૧૩ ખાસ કરીને કુટુંબમાં આપણે નરમ સ્વભાવના રહેવું જોઈએ. કુટુંબમાં બધા સત્યમાં ન હોય તો આપણી દિલની તમન્‍ના હોય છે કે તેઓ પણ યહોવાહની ભક્તિ કરે. પરંતુ ઈસુએ કહ્યું હતું તેમ, તેઓ સત્ય ન સ્વીકારે તો કુટુંબમાંથી જ વિરોધ ઊભો થઈ શકે. (માત્થી ૧૦:૩૨-૩૭; યોહાન ૧૫:૨૦, ૨૧) એના ઘણાં કારણો છે. એક તો બાઇબલ શિક્ષણ આપણને ઇમાનદાર, ભલા ને જવાબદાર બનવા શીખવે છે. એનાથી કુટુંબીજનોને લાગી શકે કે આપણે બધાથી મોટા બની ગયા છે. બીજું કારણ એ હોય શકે કે બાઇબલ શીખવે છે તેમ આપણે માણસો કરતાં ઈશ્વરનું વધારે માનીએ છીએ. (સભાશિક્ષક ૧૨:૧, ૧૩; પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯) કુટુંબીજનોને લાગી શકે કે આપણે હવેથી યહોવાહ સિવાય કોઈનું માનીશું નહિ, આપણા પર હવે તેમનો પહેલા જેવો પ્રભાવ નહિ રહે. આવા સંજોગોમાં આપણે ઈસુની જેમ નરમ સ્વભાવના રહીએ એ કેટલું જરૂરી છે!—૧ પીતર ૨:૨૧-૨૩; ૩:૧, ૨.

૧૪-૧૬. કુટુંબીજનોનો વિરોધ કરતા હતા તેઓએ શા માટે પાછળથી મોટા ફેરફારો કર્યા?

૧૪ ઘણા ભાઈ-બહેનોના જીવનસાથી કે કુટુંબીજનો સત્યમાં નથી. પતિ કે પત્ની બાઇબલમાંથી શીખવા લાગે ત્યારે તેઓએ તેમને ખૂબ સતાવ્યા હશે. કેમ? કદાચ તેઓએ સમાજમાં આપણા વિષે અનેક ખોટી અફવાઓ સાંભળી હશે. તેઓને લાગ્યું હશે કે સાક્ષીઓ સાથે સ્ટડી કરવાથી તેઓના કુટુંબ પર ખોટી અસર પડશે. પણ સમય પસાર થતો જાય તેમ તેઓના વિચારો બદલાય શકે. ઘણા કિસ્સામાં તેઓ જોઈ શક્યા છે કે: બાઇબલ પાળવાથી તેમના પતિ કે પત્નીનો સ્વભાવ સારો બનતો જાય છે. ભલે તે મિટિંગમાં ને પ્રચારમાં જાય છે, હવે કુટુંબની સારી દેખરેખ રાખે છે. તેમના પર ગુસ્સો કરવામાં આવે, ગમેતેમ બોલી જવામાં આવે તોપણ તેઓ શાંત રહે છે. પતિ કે પત્ની આ રીતે ખ્રિસ્તની જેમ વર્તે છે ત્યારે કુટુંબમાંથી આવતી સતાવણી ઓછી થઈ શકે છે.—૧ પીતર ૨:૧૨.

૧૫ ઊંચ-નીચ કે ઘમંડને લીધે અમુક વ્યક્તિઓ શરૂઆતમાં બાઇબલ વિષે કંઈ સાંભળવા તૈયાર નથી હોતા. પરંતુ પાછળથી તેઓના કાન ખુલી જાય છે. અમેરિકાના એક માણસનો વિચાર કરો. તે ખૂબ દેશપ્રેમી હતો. તેની પત્ની સાક્ષી હતી. એક વખતે તેની પત્ની મોટા સંમેલનમાં ગઈ હતી ત્યારે તે પોતાનાં કપડાં લઈને બીજે ક્યાંક રહેવા ચાલ્યો ગયો. બીજી વખતે તેણે પિસ્તોલ લઈને આપઘાત કરવાની ધમકી આપી. જો તેને ગુસ્સો આવે તો તેની પત્નીના ધર્મનો વાંક કાઢતો. આવા સંજોગોમાં પત્ની બાઇબલની સલાહ પાળતી રહી. તેના બાપ્તિસ્માના વીસ વર્ષ પછી તેના પતિએ બાપ્તિસ્મા લીધું! હવે આલ્બેનિયાની એક સ્ત્રીનો વિચાર કરો. તેની દીકરી સ્ટડી કરવા લાગી ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ ગઈ. દીકરીએ બાપ્તિસ્મા લીધું ત્યારે તો તે ગુસ્સાથી સળગી ઊઠી. બાર વખત તેણે દીકરીનું બાઇબલ ફાડી નાખ્યું. પછી એક દિવસે તેણે દીકરીએ ટેબલ પર મૂકેલું નવું બાઇબલ ખોલ્યું. તરત જ માત્થી ૧૦:૩૬મી કલમ તેની નજરે પડી. તેને ભાન થયું કે આ કલમ તેને જ લાગુ પડે છે. ભલે તેનો ગુસ્સો થોડો ઠંડો થયો, તેના દિલમાં હજી સાક્ષીઓ પ્રત્યે શંકા હતી. થોડા સમય બાદ તે દીકરી સાથે બંદરે ગઈ. ત્યાંથી તેની દીકરી બીજા સાક્ષીઓ સાથે ભેગા મળીને ઇટાલીમાં એક સંમેલનમાં જવાની હતી. બંદર પર માએ જોયું કે સાક્ષીઓના ચહેરા ખુશીથી ચમકતા હતા. તેઓ હસતા હતા. એકબીજાને ભેટી પડતા હતા. તેનું દિલ પીગળવા માંડ્યું. થોડા વખતમાં તે બાઇબલ વિષે શીખવા લાગી. હવે તે સાક્ષી છે ને બીજાઓને સત્ય શીખવવા કોશિશ કરે છે.

૧૬ બીજી એક બહેનનો વિચાર કરો. તે મિટિંગમાં જતી હતી ત્યારે કિંગ્ડમ હૉલની આગળ તેનો પતિ છરો પકડીને ગુસ્સામાં તેના પર ખોટા ઇલજામ મૂકવા લાગ્યો. પત્નીએ પ્રેમથી તેને કહ્યું: ‘મારી સાથે હૉલમાં આવો. પછી તમે પોતે જોઈ શકશો કે સાક્ષીઓ કેવા છે.’ પતિ હૉલની અંદર ગયો. પરિણામ? તે સ્ટડી કરવા લાગ્યો ને હવે એક વડીલ છે.

૧૭. કુટુંબમાં માહોલ તંગ થઈ જાય ત્યારે કઈ બાઇબલ કલમો આપણને મદદ કરશે?

૧૭ જો તમારું આખું કુટુંબ સત્યમાં હોય તો એ ખૂબ સારું કહેવાય. પણ એવા સંજોગો ઊભા થઈ શકે જ્યારે કુટુંબમાં માહોલ તંગ થઈ જાય. જો ખ્યાલ ન રાખીએ તો આપણે એકબીજાને તોડી પાડી શકીએ. એફેસસના મંડળને પાઊલે સલાહ આપતા કહ્યું: “સર્વ પ્રકારની કડવાસ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમ જ સર્વ પ્રકારની ખુન્‍નસ તમારામાંથી દૂર કરો.” (એફેસી ૪:૩૧) તેઓને શા માટે એવી સલાહ મળી? કેમ કે એ શહેરમાં મોટા ભાગના લોકો તીખા સ્વભાવના હતા. વળી પોતાની નબળાઈઓ અને પહેલાંની કુટેવોને લીધે તેઓ જલદી ગુસ્સે થઈ જતા. સ્વભાવને સુધારવા માટે તેઓએ ‘હૃદય અને મન સંપૂર્ણપણે નવીન બનાવવા’ પડ્યા. (એફેસી ૪:૨૩, પ્રેમસંદેશ) તેઓ એ કઈ રીતે કરી શક્યા? બાઇબલ વાંચવાથી, એના પર મનન કરવાથી અને એની સલાહ પાળવાથી. ભાઈ-બહેનો સાથે દોસ્તી બાંધવાથી અને પ્રાર્થના કરવાથી. આમ, યહોવાહથી આવેલા સદ્‍ગુણોએ તેઓના દિલને અસર કરી. પાઊલે એ પણ કહ્યું: “તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં દેવે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો.” (એફેસી ૪:૩૨) લોકો ભલે ગમે તેવી રીતે વર્તે, આપણે હંમેશા શાંતિ જાળવી રાખવી જોઈએ. માયાળુ બનવું જોઈએ. દયા બતાવવી જોઈએ ને માફી આપવા તૈયાર હોવા જોઈએ. બાઇબલ કહે છે, “ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો.” (રૂમી ૧૨:૧૭, ૧૮) ચાલો આપણે યહોવાહની જેમ સર્વને નિઃસ્વાર્થ પ્રેમ બતાવીએ. એમ કરવાથી આપણું ભલું થશે.—૧ યોહાન ૪:૮.

આપણા બધા માટે સલાહ

૧૮. પાઊલે તીમોથીને કેવી સલાહ આપી અને એ આપણા માટે કેમ મહત્ત્વની છે?

૧૮ પાઊલે તીમોથીને “સહનશીલ” રહેવાનું કહ્યું. (૨ તીમોથી ૨:૨૪) શા માટે? કારણ કે તીમોથી એફેસસ મંડળના એક વડીલ હતા ને ત્યાં અમુક ભાઈ-બહેનો ખૂબ બૂમાબૂમ કરતા હતા. તેઓ પોતાનો જ કક્કો ખરો કરતા. અરે, ખોટાં શિક્ષણો પણ ફેલાવતા. તેઓ મુસાને આપેલા નિયમોનો સાર પારખી શકતા ન હતા. એટલે તેઓ ખરી શ્રદ્ધા ને પ્રેમ બતાવી શક્યા નહિ. તેઓનું દિલ ડંખતું તોપણ તેઓ એનું સાંભળતા નહિ. તેઓ ઝઘડાખોર બન્યા. ઈસુનું શિક્ષણ તેઓના ગળા નીચે ઊતર્યું જ ન હતું. આવા સંજોગોમાં તીમોથીએ પ્રેમ ને દયાથી તેઓને સલાહ આપવાની હતી જેથી મંડળમાં પ્રેમ ને સંપ ખીલે. તેમને ખબર હતી કે મંડળના માલિક તે પોતે નહિ, પણ ઈશ્વર છે. આજે સર્વ વડીલોએ એ ધ્યાનમાં રાખવું જોઈએ. એ સલાહ આપણને બધાને લાગુ પડે છે. સર્વએ “સહનશીલ” રહેવું જોઈએ. પછી ભલેને લોકો આપણને તોડી પાડે કે નહિ.—એફેસી ૪:૧-૩; ૧ તીમોથી ૧:૩-૧૧; ૫:૧, ૨; ૬:૩-૫.

૧૯. આપણે શા માટે ‘નમ્રતા શોધવી’ જોઈએ?

૧૯ યહોવાહ ચાહે છે કે તેમના સર્વ ભક્ત ‘નમ્રતા શોધે.’ (સફાન્યાહ ૨:૩) મૂળ હેબ્રી ભાષામાં ‘નમ્રતાનો’ અર્થ એમ થાય કે વ્યક્તિ ધીરજથી ને ગુસ્સા થયા વગર કોઈ પણ જાતનું દુઃખ સહન કરતી રહે. ચાલો આપણે એ સદ્‍ગુણ વિકસાવવા માટે યહોવાહને વિનંતી કરીએ. પછી કોઈ પણ સંજોગમાં આપણે શાંત રહીને પ્રેમથી સાક્ષી આપી શકીશું.

તમે શું શીખ્યા?

• પ્રચારમાં કોઈ તમને તોડી પાડે ત્યારે ખાસ કરીને કઈ કલમો તમને મદદ કરી શકે?

• શાઊલ શા માટે ખ્રિસ્તીઓ પર જુલમ કરતો હતો?

• લોકો વાદવિવાદ શરૂ કરે ત્યારે ઈસુના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

• ઘરમાં જીભ પર કાબૂ રાખવાથી શું ફાયદો થાય છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૬ પર ચિત્ર]

ભલે શાઊલ ખ્રિસ્તીઓને સતાવતો, અનાન્યાએ પ્રેમથી તેની સાથે વાત કરી

[પાન ૨૯ પર ચિત્ર]

શાંત રહીને જવાબદારીઓ પૂરી કરવાથી કદાચ કુટુંબમાં આપણને ઓછી તકલીફ પડે

[પાન ૩૦ પર ચિત્ર]

આપણે સંપ અને પ્રેમ ફેલાવવા ચાહીએ છીએ